વાણી અને સોબત – પ્રવીણ દરજી

[‘ડાળ એક, પંખી બે’ પુસ્તકમાંથી સાભાર.]

[1] વાણી

‘વાણી’ મનુષ્યને મળેલી કેવી અને કેટલી મોટી શક્તિ છે ! ઘડીભર માણસ પોતાના વિશેની કલ્પના કરતાં એમ વિચારે કે જો એના જીવનમાં વાણી જ ન હોત તો ! ચેષ્ટાથી, આંખોથી, ચહેરાથી વિવિધ ભંગિઓથી કેટલુંક પ્રકટ જરૂર થઈ શકે પણ એની એક સીમા રહી હોય છે. કયારેક એ વડે અધૂરું કે વિપરીત જ પ્રકટ થાય એવું પણ બને. વાણીમાં માણસ જ્યારે કશુંક મૂકવા, પ્રકટાવવા મથે છે ત્યારે ત્યાં ઘણી સીમાઓ લોપાઈ જાય છે. એવી વાણી કોઈ એક ક્ષણે એની લૌકિક સરહદોને પણ વટી જાય છે. ક્યારેક તેથી તે મંત્રની કક્ષાએ પહોંચી જાય છે. આપણા ઋષિઓમાં તેમ બન્યું છે. ત્યાં તો ઘણી બધી વાર સહજરૂપે, હૃદય ઉછાળ બનીને, જન્મી આવેલા શબ્દની તહેનાતમાં અર્થ આવીને ઊભો રહે છે ! વિચાર જન્મે અને વાણી જન્મે એવું નહિ, વાણી વિચારને ખેંચી લાવે. કવિ, મનીષી કે આર્ષદ્રષ્ટાઓમાં એવું વારંવાર બનતું આવ્યું છે.

વાણી એ રીતે માધ્યમથી કંઈક વિશેષ છે. એ દ્વારા માનવી પોતાના વિચારો, માહિતી વગેરે પ્રકટ જરૂર કરે છે. પણ એ એનું પ્રાથમિક રૂપ છે. એનું બીજું, વધુ ઊંડું રૂપ ચેતનાગત છે. એક એક શબ્દ ત્યાં એક એક જગત ક્યારેક બની જાય છે. એક પંક્તિ ક્યારેક આખા પરાવિશ્વને ધારી રહે છે. વેદો-ઉપનિષદોના શબ્દો તેથી જ, તેનાં સંખ્યાતીત અર્થઘટનો પછી પણ ગૂઢ રહ્યા છે. તેમાં એકાદ નહિ, અનેક વિશ્વો ઊઘડતાં જતાં હોય છે.

ચેતનાની પૂર્ણ પરિષ્કૃતિ પછીનું વાણીનું રૂપ મૌન ઉપર આવીને ઠરે છે. બહાર પ્રકટતો શબ્દ પછી અંદર એની શગ સાથે ઝળહળે છે. ચહેરા ઉપર એવી પ્રસન્નતા કળી શકાય છે. બોલું બોલું થવા મથતા હોઠ, કોઈક શબ્દમાં રહેલા વિસ્મયને પ્રકટ કરતી આંખ, ઊંડે સરી ગયેલા ચિત્તને પ્રકટ કરવા પ્રયત્ન કરતું લલાટ અથવા મોહક ક્ષણોને અભિવ્યક્ત કરવા મથતા ગાલની ગુલાબી રૂપાન્તરે વાણીનું વધુ અને ઉત્તમોત્તમ ઊર્જસ્વીરૂપ છે. શબ્દ એની મુખરતા ત્યાં તજી દે છે. ક્યાંક ક્યાંક સંકેતોથી, હાવભાવથી તે સઘળું ઉઘાડી દે છે. પણ પ્રારંભે કહેલી ચેષ્ટાથી, આંખથી કે ચહેરાથી ભંગિથી આ વાત સાવ ભિન્ન છે. વાણીનું એમ મૌનમાં રૂપાંતર પામવું એ વાણીની સઘળી તાકાતને જાણ્યા પછી જ શક્ય બને છે. વાણી ત્યાં ખુદ ઈશ્વરરૂપ બની રહે છે.

આવી સ્થિતિ આવવાની હોય ત્યારે શબ્દો ખૂટતા જતા હોય, તૂટતા જતા હોય, એવી સ્થિતિ આવે. અસ્ખલિત વાક્ધારા છિન્ન થઈ રહે. ઘણુંઘણું કહેવા માટે અનેક નહિ, એકાદ શબ્દને જ તે ખપમાં લે. પછી કોઈ એક બિન્દુએ શબ્દો મૌનમાં ઠરી જાય છે, લય પામી રહે છે. એવો મૌન શબ્દ કાલાતીત બની રહે છે, સ્થલાતીત બની રહે છે. વાયુમંડળની જ એ સમૃદ્ધિ બની જાય છે.

ખલિલ જિબ્રાને શબ્દોની વાત કરતાં સમયસરની ચેતવણી ઉચ્ચારી છે. તે કહે છે : ‘તમે જ્યારે શબ્દો ઉચ્ચારો છો અથવા તો તમે એને લિખિત રૂપે કાગળ ઉપર મૂકો છો ત્યારે ત્યારે એ શબ્દને બરાબર ઓળખી લેવો રહે. સમયને અતિક્રમી જતા એવા શબ્દોનું આપણને પાકું અભિજ્ઞાન હોવું ઘટે.

આપણે ભાષા વિશે, વાણી વિશે સાવ લાપરવાહ છીએ, અજ્ઞાન છીએ. વાણી આપણા સમગ્ર અસ્તિત્વનો સ્પંદ છે.

[2] સોબત

હમણાં, આ વખતની શાળાઓની વાર્ષિક પરીક્ષા લેવાઈ ત્યારે ધોરણ સાતમાં અભ્યાસ કરતો દોહિત્ર ચેતસ્ વીણેલાં મોતી જેવી કેટલીક પંક્તિઓ સમજવા માટે મારી પાસે આવ્યો હતો. એને સમજાય એવી ભાષામાં એ પંક્તિઓ મેં દષ્ટાંતો સાથે સમજાવી. પણ એણે લોકસાહિત્યની બે પંક્તિઓ વિશે મને વારંવાર પ્રશ્નો કર્યા. પંક્તિઓ તો એ સમજ્યો પણ બાર વર્ષની ઉંમરનું જગત એની પાસે હતું, એટલે કેટલુંક એને ઝટ ગળે ન ઊતર્યું. એ લોકસાહિત્યની પંક્તિઓ આજે જુદે રૂપે સ્મરણમાં આવી છે. એ પંક્તિઓ લઈને આપણે થોડોક સંવાદ કરવો છે. પંક્તિઓ આ પ્રકારની છે :

સોબત કરતાં શ્વાનની બે બાજુનું દુ:ખ
ખીજ્યું કરડે પિંડીએ, રીઝ્યું ચાટે મુખ.

દોહિત્રના મનમાં કૂતરાની વફાદારીની વાત પડી હતી. આજુબાજુના પરિવેશમાં, કૂતરાં પાળનાર લોકો એની નજરમાં હતા. કૂતરું કેટલીક રીતે ઉપયોગી થાય છે તેની પણ એની પાસે જાણકારી હતી. ફિલ્મ જોવાને કારણે ગુનેગારોને પકડવા કૂતરાનો ઉપયોગ થતો એ પણ જાણતો હતો. આ બધાં એનાં સારાં પાસાં જરૂર છે જ. તો પછી એની મૈત્રી માટે અહીં બે બાજુનું દુ:ખ કેમ કહ્યું છે – એ એનો મુખ્ય પ્રશ્ન હતો.

પ્રાણી કે મનુષ્યમાં બધી વેળા દોષો જ જોવા મળે છે અને એનો કોઈ ગુણ હોતો જ નથી એવું નથી. દરેકની પાસે કશીક તો વિધાયક શક્તિ પડેલી હોય છે જ. પણ એ શક્તિનો કેવો અને કેટલો ઉપયોગ થાય છે એ મહત્વનું છે. પણ એકાદ ગુણથી એના સમગ્ર વ્યક્તિત્વનું મૂલ્ય આંકી શકાતું નથી. સ્થિરરૂપે તેની સમજ કેવી રહી છે, પરિસ્થિતિ પ્રતિકૂળ હોય ત્યારે તે કેવી રીતે વર્તે છે. પોતે ઈચ્છે એના કરતાં કંઈક જુદંમ જ પરિણામ આવે અથવા પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તેની વર્તણૂંક કેવી હોય છે, પોતાને ન ગમતું હોય અને છતાં ગમાડવું પડે એવી પળો આવે ત્યારે તે કેવી રીતે વર્તે છે. વગેરે અનેક બાબતો – એમ પેલા પશુ-પ્રાણીને કે માણસને સમજવા મહત્વની બનતી હોય છે.

કૂતરાનો સ્થાયી સ્વભાવ છે કે તે જલ્દી ખુશ થઈ જાય છે અને સાથે એટલું જ ઝડપથી એ ગુસ્સે પણ થાય છે. લોકસાહિત્યના કવિને કહેવું તો એ છે કે એવા પ્રાણીથી માણસે બચવું જોઈએ. જે ખુશ થાય તો તરત પાસે આવી મુખ ચાટે અને ગુસ્સે થાય તો બચકું ભરે. મુખ ચાટે ત્યારે એનું વ્હાલ ત્યાં જરૂર છે પણ સાથે એની લાળ મનુષ્યને માટે એટલી જ હાનિકારક છે. એટલે મુખ ચાટવાની ક્રિયા છેવટે તો નુકશાનકારક જ પુરવાર થાય છે. અને એ ગુસ્સે થાય તો જેનું તેણે મુખ ચાટ્યું છે એની જ પિંડીએ એ બચકું ભરે છે. ટૂંકમાં એવા પશુની મૈત્રી બંને રીતે ભયજનક છે.

આ અજ્ઞાત લોકકવિને છેવટે તો ખરાબ સ્વભાવના મનુષ્યો વિશે વાત કરવી છે. દેખાય છે એ બધું સદા ઊજળું હોતું નથી. કેટલાક મનુષ્યો ગરજ વખતે આપણી આસપાર આંટા મારે છે. અતિશયોક્તિભર્યાં વચનો કાઢીને આપણી પ્રશંસા કરે છે. આપણા સહૃદય હોવાનો તે દાવો કરે છે. પણ તેવાનું જો એકાદુ કામ ન થયું તો પછી જુઓ મઝા. એ પછી એલફેલ તો આપણા વિશે બોલવા જ માંડશે પણ પેલા કૂતરાની જેમ આપણી પિંડીએ તે બચકું ભરવા પણ આવશે. અર્થાત્ આપણને નુકશાન થાય તે માટેની એકેય તક તે જતી નહિ કરે. પેલા બધા ઉપકારો તે ભૂલી જશે, જ્યાં ને ત્યાં આપણા વિશે ઘસાતું બોલવાનું શરૂ કરી દેશે અને આપણે વધુમાં વધુ મુશ્કેલીમાં કેવી રીતે મુકાઈએ તે માટે તે બધા જ પ્રયત્નો કરશે.

કવિએ તેથી જ કહ્યું છે કે સ્વાર્થમાં રચ્યાપચ્યા, જલ્દી ખુશ થનારા કે ગુસ્સે થનારા માણસની મૈત્રી ક્યારેય ન કરો. એ ખુશ થાય ત્યારે અને ગુસ્સે થાય ત્યારે બંને રીતે આપણા માટે તો ભયજનક અને હાનિકારક જ છે. એવાઓની મૈત્રી ક્યારેય કરવી નહિ. સીઝર અને બ્રુટ્સની મૈત્રીને અહીં યાદ કરો. શેક્સપિયરે પણ એવા બ્રુટ્સ જેવા મિત્રોથી હંમેશા દૂર રહેવા જ જણાવ્યું છે. જે સીઝર બ્રુટ્સને એક માત્ર સાચો મિત્ર લેખતો હતો એ બ્રુટ્સ જ સીઝરને મારી નાખવાના કાવતરાનો મુખ્ય સૂત્રધાર હતો. સીઝરની તેથી જ અંતિમ સમયની વેદના ‘અરે, બ્રુટ્સ તું ?!’ એવા શબ્દોમાં ઉત્તમ રીતે ઝિલાઈ છે.

લોકસાહિત્યકારનો દુહો તેથી તામસી, સ્વાર્થાંધ માણસોથી આપણને ચેતવે છે. તેવાઓ આપણી પાસે આંટા મારતા હોય કે દૂર રહેતા હોય – બંને વખતે તેમની મૈત્રી મોટી આપત્તિરૂપ જ પુરવાર થતી હોય છે. સાચી મૈત્રી તો અડોલ ચિત્તવાળા સાથે સંભવી શકે. ખીજે કે રીઝે બધી વેળા મૈત્રીનું નિર્મળ ઝરણું વહેતું રહેવું જોઈએ. મૈત્રી વેદનાને વધારે નહિ, વેદનાને ઓછી કરે અથવા તો મિટાવી જ દે. સાચો મિત્ર ના મુખ ચાટે, ના પિંડીએ કરડે. એ તો પ્રસન્ન રહી અન્યની પ્રસન્નતા દઢાવે, સુખ અને દુ:ખ બંને સ્થિતિમાં મિત્રની પડખે રહે. એ ખુશ થાય કે ખીજે, પણ મૈત્રીના તાર ને તો તે લગીરે તૂટવા ન દે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બે કાવ્યો – સંકલિત
લોકાદર – ભાણદેવ Next »   

13 પ્રતિભાવો : વાણી અને સોબત – પ્રવીણ દરજી

 1. Hiral Thaker 'Vasantiful' says:

  Very nice article……. !!

  “Mitr Avo shodhvo Je Dhal sarikho hoy
  Sukh ma pachha padi rahe Dukh ma Agal Dhay!!!”

  I have study one lesson in my school time named “Aorado” from the same author……! That is also nice…..

 2. Paresh says:

  સુંદર લેખ. કહેવાય છે ને કે અમુક વ્યક્તિ રીઝે તો રાજ કરાવે અને ખીજે તો ખાલ ઉતરડી નાખે.

 3. bijal bhatt says:

  ખીજે કે રીઝે બધી વેળા મૈત્રીનું નિર્મળ ઝરણું વહેતું રહેવું જોઈએ…..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.