- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

લોકાદર – ભાણદેવ

મારા એક સજ્જ્ન મિત્ર દ્વારા એક ભૂલ થઈ ગઈ. ભૂલનું સ્વરૂપ એવું કે જો આ ભૂલ જાહેર થઈ જાય તો મિત્રની સમાજમાં ભારે નાલેશી થાય. આબરૂદાર માણસ સમાજમાં બે-આબરૂ બને તો તેને મરવા જેવું લાગે. મિત્ર ઘણા દુ:ખી થયા. તેમનું હૃદય પશ્ચાત્તાપના અગ્નિથી જાણે સળગી ગયું. રહી રહીને તેમને લાગવા માંડ્યું કે હવે જીવન જીવવા જેવું નથી. આવી હતાશ અવસ્થામાં ગમગીન ચહેરે તેઓ મારી પાસે આવ્યા.

તેમણે જ પ્રારંભ કર્યો.
‘અરે ! આ મને શું સૂઝ્યું ! હવે આ જીવન જીવવા જેવું ન રહ્યું !’
જે ઘટના બની હતી તે હું પ્રથમથી જ જાણતો હતો એટલે તેની વિગતમાં ઊતરીને હું તેમને વધુ લિજ્જ્ત કરવા ઈચ્છતો ન હતો. હું સમજતો હતો કે જે ઘટના બની હતી તે સમાજ-દષ્ટિએ ભારે મોટું પાપ ગણાય અને તે ભૂલ કરનારની સમાજમાં ભારે મોટી નાલેશી થાય તેવું તેનું સ્વરૂપ હતું, પરંતુ મારી મતિ અનુસાર આ ઘટના સમાજમાં ગણાય છે, તેવી કોઈ ભારે મોટી પાપકારી ઘટના ન હતી.

મને લાગ્યું કે મિત્રના ચિત્તમાં વેદનાનું જે કેન્દ્રબિંદુ છે, તેને પકડ્યા વિના તેમને મદદ ન કરી શકાય. તે પોતે જ જો પોતાના મનની વેદનાના સ્વરૂપને યથાર્થત: સમજે તો વેદનાનું વિસર્જન થઈ શકે, તેવી શકયતા મને દેખાઈ. આવા પ્રસંગે ઉપદેશની નહિ પરંતુ આંતરસૂઝ અને આંતરસૂઝના પ્રકાશમાં સમજના વિકાસની જરૂર હોય છે. મેં તે દિશામાં પ્રારંભ કર્યો –
‘પણ, ધારો કે તમારી આ ભૂલની જાહેરાત જ ન થાય તો ? આ ઘટનાની કોઈને જાણ જ ન થાય તો ?’
‘અરે ! તો તો રંગ રહી જાય ! તો તો મારું જીવતર બચી જાય ને ! તો તો તમે મારા ભગવાન !’

મને લાગ્યું કે નિદાન તો બરાબર થઈ ગયું છે. હવે ચિકિત્સાનો પ્રારંભ થયો. મેં વાતનો દોર આગળ ચલાવ્યો –
‘હવે તમે મને કહો કે જે અપરંપાર દુ:ખ થાય છે, તે આ ભૂલના પશ્ચાત્તાપનું દુ:ખ છે કે આ ભૂલ સમાજમાં જાહેર થશે તો સમાજમાં તમારી ભારે મોટી નાલેશી થશે, તેવી બીકનું દુ:ખ છે ?’
‘હેં ? તમે શું કહેવા માગો છો ? હું સમજ્યો નહિ.’
મેં વાતની પુન: માંડણી કરી –
‘તમે તમારી જાતને બરાબર તપાસો અને શોધી કાઢો કે તમને જે ઊંડું દુ:ખ અનુભવાય છે તે તમારી ભૂલના પશ્ચાત્તાપને કારણે જ થાય છે કે તેમાં બીજું કોઈ કારણ પણ ભાગ ભજવે છે ? હું એમ પૂછું છું કે આ ભૂલ જાહેર થશે તો સમાજમાં તમે બે-આબરૂ થશો, તેવી બીકને કારણે તો તમે દુ:ખી નથી ને ? સમાજમાં નાલેશી થાય તે બહુ મોટું દુ:ખ ગણાય છે. તમારું દુ:ખ આવું દુ:ખ તો નથી ને ?’
‘હેં ?’ મિત્રની રાડ ફાટી ગઈ. થોડી વાર અટકીને તેમણે પુન: પ્રારંભ કર્યો – ‘તમારી વાત હું સમજ્યો. કદાચ તમારી વાત સાચી છે. ના, કદાચ નહિ, તમારી વાત ખરેખર સાચી છે.’

પછી તો અમારી વચ્ચે પ્રસ્તુત ઘટના વિશે બહુ નિરાંતે અને લાંબી વાત ચાલી. તેઓ બરાબર સમજ્યા કે તેમના દુ:ખનું કારણ ભૂલ નહિ, પરંતુ ભૂલની જાહેરાત અને તજજન્ય નાલેશી છે. સમાજમાં મારી શું કિંમત ? લોકો મારા વિશે શું બોલશે ? – આ પરિબળ આપણાં ચિત્તમાં ઘણું પ્રબળ હોય છે અને તે આપણી મનોદશાને અને વ્યવહારને ખૂબ પ્રભાવિત કરે છે.

થોડા વર્ષો પહેલાં કચ્છમાં એક ઘટના બની. યુવાન પુત્રોની માતા એવી 56 વર્ષની એક વિધવા સ્ત્રીએ પોતાની ઉંમરના એક વિધુર પુરુષ સાથે પુનર્લગ્ન કર્યાં. તેના બંને યુવાન પુત્રને અતિશય લાગી આવ્યું. પછી તો શી વાત ! બંનેએ મળીને પોતાની માતા અને તેમનાં નવા પતિને કાપીને કટકા કરી નાખ્યા ! તેમના મનમાં આ બેવડી હત્યાનો કોઈ પરિતાપ પણ ન થયો. તેમણે સ્પષ્ટ અને બેધડક કહ્યું : ‘અમારે ઘેર દીકરા છે અને આ ઉંમરે અમારી મા બીજું ઘર કરે તો સમાજમાં અમારે શું મોઢું લઈને જીવવું ? આવી નાલેશી અમારાથી સહન ન થઈ. અમે આવી મા વિના ચાલવી લેશું, પણ લોકના મહેણાંટોણાં અમારાથી સહન ન જ થાય.’

વસ્તુત: કોઈ વિધવા સ્ત્રી પોતાની ઈચ્છાથી પુનર્લગ્ન કરે તો એમાં કશું જ ખોટું નથી. પરંતુ પ્રત્યેક સમાજમાં પોતાનાં સાચાં કે ખોટાં, પરંપરાગત કે નવાં મૂલ્યો હોય છે. આવાં સામાજિક મૂલ્યોથી વિરુદ્ધ વર્તન કરતાં માનવી નાલેશીની બીકે ભયભીત બની જાય છે અને કવચિત્ ન કરવાનું પણ કરી બેસે છે. આ યુવાન પુત્રોને પોતાની જનેતાની હત્યા કરી નાખવામાં કોઈ નાલેશી અનુભવાતી નથી અને જનેતા અન્યત્ર લગ્ન કરી લે, તેમાં બહુ મોટી નાલેશી અનુભવાય છે ? રે નાલેશી ! જો એકાંત ખૂણે બેસીને શાંત અવસ્થામાં આ બંને પુત્રોને પૂછવામાં આવે – ‘શું તમને ખરેખર લાગે છે કે તમારી માતાએ કોઈ પાપ કરી નાખ્યું છે ? એક વિધવા પુનર્લગ્ન કરે તો શું તે કોઈ કાળું કામ ગણાય ?’ તો અમને ખાતરી છે કે બંને પુત્રોએ કાંઈક આવા મતલબનું જ કહ્યું હોત – ‘ના, એમાં કોઈ પાપ તો નથી અને એ કોઈ કાળું કામ પણ નથી.’ અને પછી તેમને પૂછીએ કે જનેતાની હત્યા કરવી તે કાળું કામ કે પાપકર્મ ગણાય કે નહિ ? તો તેઓ શું બોલે ? આપણે કલ્પના જ કરવી રહી ! વસ્તુત: અહીં તેમને મન કાળાં કર્મ કે પુણ્યકર્મનો પણ પ્રશ્ન નથી. તેમના મનમાં મુખ્ય મુદ્દો બીજો છે અને તે છે – અમારી આબરૂનું શું ? અમારા લોકાદરનું શું ? અમે આબરૂદાર માણસો સમાજમાં સાવ બે આબરૂ, સાવ બે કોડીના બની જઈએ, તેનું શું ? અમારા કપાળમાં કાળી ટીલી લાગી જાય તેનું શું ? રે લોકાદર અને રે લોકનિંદા ! આ લોકાદરરૂપી ભૂત અને લોકનિંદારૂપિણી ડાકણ તેમના મસ્તકમાં ભરાઈ બેઠી હતી અને તેમનાથી પ્રેરાઈને પુત્રોએ જનેતાની હત્યા કરી નાખી !

જાણ્યે કે અજાણ્યે આપણા સૌના ચિત્તમાં લોકનિંદાનો ભય સવાર થયેલો જ હોય છે. અને જાણ્યે કે અજાણ્યે આપના સૌના ચિત્તમાં લોકાદરની પ્રાપ્તિની ખેવના પણ હોય જ છે. અને તીવ્ર સ્વરૂપે હોય છે. આ પરિબળ ચિત્તમાં હોય છે, એટલું નહિ પણ તે આપણા વિચારોને, આપણા વ્યવહારને અને આપણી જીવનશૈલીને પણ પ્રભાવિત કરે જ છે અને આપણે ધારીએ છીએ તેના કરતાં આપણા જીવન પર તેનો પ્રભાવ ઘણો વધારે હોય છે, ખૂબ વધારે હોય છે !

આ લોકનિંદાનો ભય અને લોકાદરની ખેવના વસ્તુત: છે શું ? આપણે તેમના સ્વરૂપને યથાર્થત: અને ઊંડાણપૂર્વક સમજીએ તે આવશ્યક છે, ખૂબ આવશ્યક છે. લોકનિંદાનો ભય અને લોકાદરની અપેક્ષાના પાયામાં શું છે ? પાયામાં અભાવ ગ્રંથિ છે, આંતરિક ખાલીપો છે, અધૂરપની લાગણી (sense of incompletness) છે. આપણે આપણી જાતને ઓળખતા નથી. આપણે આપણા સ્વરૂપને યથાર્થત: જાણતા નથી, આપણે આપણી જાતને બીજાના અભિપ્રાય દ્વારા, બીજાના શબ્દો દ્વારા જાણવા પ્રયત્ન કરીએ છીએ. જ્યારે કોઈ આપણી નિંદા કરે છે, ત્યારે આપણી અભાવગ્રંથિ પર, આપણા આંતરિક ખાલીપા પર આંગળી દબાય છે અને આપણે અંદરથી ખળભળી જઈએ છીએ. જ્યારે લોકાદર મળે છે, ત્યારે ભલે ક્ષણિક સ્વરૂપે અને ભલે, આભાસી રીતે પણ આપણે અંદરથી ભર્યા ભર્યા હોવાનો ભાવ અનુભવીએ છીએ; આપણને ક્ષણભર આંતરિક ખાલીપાની વેદનામાંથી મુક્તિ મળે છે. આમ, આ આંતરિક ખાલીપો અને તેનાં આ બે સંતાનો – લોકાદરની ખેવના અને લોકનિંદાનો ભય આપણને જીવનભર સતત નાચ નચાવ્યા કરે છે.

…પણ હવે પ્રશ્ન એ છે કે આ અભાવગ્રંથિ, આ અંદરનો ખાલીપો છે શું ? આ અંદરનો ખાલીપો કશું જ નથી, માત્ર અજ્ઞાનજન્ય ભ્રમ છે, નરી કલ્પના છે. આપણે જો તેનાથી મુક્ત થઈ શકીએ તો છે – માત્ર શાંતિ, સાચી શાંતિ, પરમ શાંતિ !

અભાવની સાથે અસલામતીની લાગણી પણ સ્વાભાવિક રીતે જ જોડાયેલી હોય છે અને તેથી લોકાદર આપણને એક કાલ્પનિક સલામતીની લાગણી આપે છે અને લોકનિંદા આપણને ભયભીત બનાવી મૂકે છે. લોકાદર અને લોકનિંદા સાથે આ ભયની ભૂતાવળ પણ વળગેલી હોય છે ! લોકનિંદાનો ભય આપણને કેટલી હદે ખળભળાવી મૂકે છે અને લોકાદરની ખેવના આપણી જીવનશૈલીને કેટલી હદ સુધી પ્રભાવિત કરે છે, તે વિશે સામાન્યત: આપણે જાગૃત હોતા નથી. જરૂર છે જાગવાની, આંખ ખોલવાની અને મનના આટાપટાને સમજવાની. સમજના અભાવમાં ભ્રમની ભૂતાવળ નાચે છે અને સમજના પ્રકાશમાં આ ભૂતાવળનું વિસર્જન થાય છે. સૌને સમજ લાધો !

સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ !
સબસે બડી આગ લોકાદર કા રાગ !