- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ભાગ્યશાળી – ગિરીશ ગણાત્રા

વર્તમાન સમયમાં પિતા-પુત્ર વચ્ચે સંપૂર્ણપણે એકરાગ હોય એવું જોવા જવલ્લે જ મળે. આખરે બે પેઢી વચ્ચે વિચારભેદ તો રહેતો જ આવે એ સંજોગોમાં સંસારમાંથી શ્રવણ શોધવાનું કાર્ય ખૂબ કપરું બની જાય.

મારો પુત્ર મારી ખૂબ ખૂબ આમાન્યા રાખે છે. એકાદ-બે મહત્વની બાબતોમાં અમારે થોડી ચર્ચા થઈ હશે પણ ઉગ્ર સ્વરૂપની તો નહિ જ. એના વિચારો મારા વિચારોથી અલગ પડતા હોવા છતાં ‘જેવી તમારી મરજી’ કહી એ મારી સામે ઝૂકી જાય છે. અલબત્ત, એને હું તાબેદારી કહેવા કરતાં એના વલણમાં પિતૃભક્તિ વધારે છે એમ મેં નોંધ્યું છે. મારા પુત્રને હું પિતૃભક્ત કહું તો જરાયે ખોટું નથી.

મારો પુત્ર રાજુ, જો કે એનું સાચું નામ સુકૃત છે પણ બચપણથી જ એને અમે લાડકા નામથી બોલાવીએ છીએ, એ એની માતાની એટલી બધી આમાન્યા રાખતો નથી. કદાચ મા પ્રત્યે વધુ વહાલ હશે કે જન્મથી જ એ એક નાડીથી બંધાયેલો હતો એટલે એના પ્રત્યે સમભાવ દાખવતો થયો હતો. એ કારણે માતા-પુત્ર વચ્ચે કોઈ ને કોઈ બાબતે સતત સખ્યભાવનો મતભેદ રહેતો જ આવ્યો છે.એ બંને જ્યારે કોઈ વાતે ચડસાચડસી પર આવ્યાં હોય ત્યારે પત્ની મારા તરફ જોઈને કહે : ‘જુઓ ને, રાજુ મારું માનતો જ નથી. તમે એને કંઈક કહો ને !’ માતા-પુત્ર વચ્ચે મારે ઘણી વખતે મધ્યસ્થી થવું પડ્યું છે. મારા ચુકાદાને રાજુએ હંમેશાં આખરી ચુકાદો ગણી એની અમાન્યા રાખી છે.

મારો પુત્ર રાજુ હોશિયાર છે. ભણવામાં એ હંમેશાં પહેલો નંબર રાખે છે એવું તો નહિ કહું પણ પ્રથમ વર્ગના માર્કસ મેળવી એણે એની શૈક્ષણિક કારકિર્દી ઉચ્ચ રાખી છે. એને રમતગમત અને સુદઢ કાયા રાખવામાં વિશેષ રસ છે. મર્દાનગી રમતો રમવી, નિયમિત જિમ્નેશિયમમાં જવું, પર્વતીય પ્રદેશોમાં ટ્રેકિંગ કરવું અને સાહસ શબ્દ જે રમત, પ્રવૃત્તિ સાથે સંકળાયેલો હોય એમાં એ અગ્રેસર હોવાનો જ. મારી જેમ એ સ્પષ્ટવકતા છે પણ મારી અનુપસ્થિતિમાં જ એ મિત્રો વચ્ચે એકલો હોય ત્યારે વાચાળ બની જાય; પણ આજુબાજુમાં મારી હાજરી હોય તો એનું બોલવાનું ઓછું થઈ જાય છે.

માત્ર એક જ વખત એણે મારું કહ્યું માન્યું નથી, નહિતર સર્વદા એ મારા વિચારો સાથે સહમત થતો જ રહે. એણે ગ્રેજ્યુએશન પૂરું કર્યું કે મેં એને વધુ અભ્યાસ કરવા સલાહ આપી પણ એણે કહ્યું કે આગળ અભ્યાસ કરવા માગતો નથી.
‘…તું ફર્સ્ટ-ક્લાસ લાવ્યો છે. તારી રુચિ મુજબ પ્રથમ એન્જિનિયરિંગ લાઈનમાં જઈ અભ્યાસ કર અથવા માસ્ટર ડિગ્રી મેળવે તો વિદેશ જવાના તારા માર્ગો ખુલ્લા થાય….’
‘મારે વિદેશ જવું જ નથી.’
‘તો શું કરશે.’
‘બિઝનેસ. ભણીને વિદેશમાં જઈ થોડો વધુ અભ્યાસ કરવો અને પછી ત્યાં નોકરી જ કરવાની ને ? એને બદલે અહીં જ ધંધો કરું તો ? મારા વિદેશ-અભ્યાસની પાછળ તમે જે મૂડી બચાવી હશે તે કદાચ મારા ધંધા માટે કામ લાગશે.’
આ અંગે મારી અનેકાનેક દલીલો એની સામે કામ ન લાગી, છેવટે એણે ઓટોમોબાઈલ્સ સ્પેરપાર્ટસની લાઈનમાં જ ઝંપલાવ્યું. પહેલી જ વખત એણે મારી આજ્ઞા, એને સ્પષ્ટ શબ્દોમાં આજ્ઞા ન કહીએ પણ મારી ઈચ્છાઓથી લદાયેલા વિચારોની એણે સરેઆમ અવજ્ઞા કરી. ત્યારે મને થયું કે રાજુએ એમ કેમ કર્યું હશે ? આજ સુધી એ મારી ઈચ્છા વિરુદ્ધ તો ગયો નથી, તો આજે કેમ ગયો ? એને ખબર છે કે એના ભવિષ્યને મેં આજ સુધી કંડાર્યું છે. એણે આ વખતે આવું વલણ કેમ અપનાવ્યું હશે ?

મારા વિચારો મને ભૂતકાળ તરફ દોરી ગયા. એ વખતે મારી ઉંમર હશે પચ્ચીસ-છવ્વીસ વર્ષની. સુલોચના જોડે મારાં લગ્ન થયાં પછી બીજા જ વર્ષે એ સગર્ભા બની. અમારું એ પહેલું સંતાન હતું. પહેલા સંતાન પ્રત્યે દરેક દંપતીએ ખૂબ ખૂબ આશાના મિનારાઓ બાંધ્યા હોય, આકાંક્ષાઓ સેવી હોય, લાડપ્યારથી છલકાતાં હોય એ સ્વાભાવિક છે. સુલુને, સુલોચનાને પાંચમો મહિનો જતો હતો ત્યારે મેં એની પાસેથી તમામ ઘરકામો છોડાવી દીધાં, ઘરકામ માટે માણસ રાખેલો હોવા છતાં યે સુલુ લગભગ બધાં જ કામો માથે રહીને કરાવતી પણ વધુ પડતું કામ એ જ કરતી. કપડાંને સાબુ દેવો, ચોળવાં, ફર્નિચરની સાફસૂફી કરવી, ખૂણે-ખાંચરે દેખાતો કચરો જાતે દૂર કરવો, માંજેલાં વાસણોને કપડાંથી લૂછવાં, બાથરૂમ-સંડાસ ઘીસીઘસીને સાફ કરવાં – આવાં અનેકવિધ કામ એ કરતી જ રહેતી. સુલુ ખૂબ જ કામઢી હતી. રસોઈ સિવાયનાં ઘરનાં કામો માણસ કરતો છતાંયે મારી ગેરહાજરીમાં સુલોચના કંઈ ને કંઈ કામમાં પરોવાયેલી જ હોય. બટેટાની કાતરી, પાપડ વગેરે બજારમાં મળતાં હોવા છતાં યે એ બનાવતી રહેતી, એની આવી પરિસ્થિતિમાં એ શું કામ ભાર ખેંચતી હશે ?

સુલોચનાને કઈ હોસ્પિટલમાં ક્યારે દાખલ કરવી, એની ગોઠવણ મેં કરી જ રાખી હતી. અચાનક વેણ ઊપડે તો એને તાત્કાલિક હોસ્પિટલે પહોંચતી કરવા એક મિત્રની થોડા દિવસ પૂરતી કાર પણ ઘરઆંગણે ઊભી કરી દીધી. આડોશી-પાડોશીઓએ તો મને સુલોચનાની તબિયત અંગે નિશ્ચિંત રહેવાની હૈયાધારણ ક્યારનીયે આપી દીધેલી. હું ઓફિસેથી ઘેર આવું ત્યારે કોઈ ને કોઈ વડીલ સ્ત્રી ઘરમાં બેઠેલી જ હોય. પણ આવી બધી તૈયારીઓ ઘણી વખતે અણીને સમયે કામ લાગતી નથી.

એક રાત્રે હું ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો. ત્યાં પત્નીએ મને જગાડ્યો અને કણસતા અવાજે કહ્યું :
‘ઊઠો ને, મને સખત વેણ ઊપડે છે, હોસ્પિટલે જવું પડશે.’
મેં ઊંઘરેટી આંખોએ ઘડિયાળ તરફ નજર કરી, સવા-બે વાગ્યા હતા. મેં તુરંત જ કપડાં બદલી લીધાં.
કારની ચાવી ખિસ્સામાં મૂકી અને પત્નીને કહ્યું :
‘તારે કપડાં બદલવાની જરૂર નથી. તને ટેકો આપીને કારમાં બેસાડું.’
સુલુએ ઊભા થવાનો પ્રયત્ન કર્યો પણ એનાથી ઊભું થવાતું નહોતું. એ સૂતી સૂતી જ અમળાતી હતી. ચીસો પાડતી હતી અને દાંત કચકચાવી રહી હતી. પ્રસૂતિવેદના ધીમે ધીમે ચરમસીમાએ પહોંચી રહી હતી. મેં એક નર્સ સાથે અગાઉથી વાત કરી રાખેલી, તે એને ફોન કર્યો. પાંચ મિનિટે નર્સ ફોન પર આવી ત્યાં સુધીમાં તો સુલુની પીડા વધતી ચાલી. આવે વખતે ભલભલો પુરુષ મૂંઝાઈ જાય ત્યાં ગદ્ધાપચ્ચીસીમાં રમતો હું સ્વસ્થ રહી શકું ખરો ? પણ સુલોચના મારા કરતાં વધુ ડાહી હતી. એણે આ ક્ષણની તૈયારી કરી લીધી હશે તે એણે જ મને કહ્યું :
‘હવે હોસ્પિટલે દોડવાનો સમય નથી. બાજુમાંથી શાંતાબહેનને બોલાવી લો ને !’

હું શાંતાબહેનને બોલાવવા ખૂણાના ફલેટ તરફ દોડયો. એમનો પૌત્ર રાતપાળીની નોકરીએથી આવ્યો હોવાથી ઘરની લાઈટો ચાલુ હતી. ઝટપટ સંદેશો આપી હું ફરી સુલુની સેવામાં લાગી ગયો, એની વેણ વધુ ને વધુ ઊપડી. હું એક પુરુષ તરીકે મૂંઝાઈ ગયો ! આવા પ્રસંગો જવલ્લે જ પુરુષોના જીવનમાં આવે છે. પ્રસૂતિ એ સ્ત્રીઓનો જ વિષય રહ્યો છે. જૂના જમાનામાં પ્રસૂતિશાસ્ત્ર કે સ્ત્રીજન્ય રોગોના નિષ્ણાતો તરીકે બહુધા લેડી ડૉક્ટરો જ હોય છે.

મને એક પ્રસંગ યાદ આવી ગયો.
એક વખતે ટ્રેન રસ્તે હું દ્વારકા જઈ રહ્યો હતો. જામખંભાળિયા વટાવ્યા પછી અમારા ડબ્બામાં કોઈ ખાસ ગીર્દી રહી નહીં. મેર કે વાઘેર કોમની કેટલીક બહેનો એનો એક અલાયદો ચોકો રચી અડધા કમ્પાર્ટમેન્ટ જેવા એક ખૂણામાં બેઠી હતી. એમાંની એક સ્ત્રી લાંબી પાટલી પર હાથના ટેકે સૂતી હતી. ટ્રેન એની મંથર ગતિએ આગળ વધી રહી હતી. અમે પુરુષો એક બાજુના ખાનામાં બેસી ગપ્પાં લગાવતા બેઠાં હતાં. અચાનક પેલા સ્ત્રી-વિભાગ જેવા ડબ્બાના ખૂણેથી એક આધેડવયની સ્ત્રીએ અમારી તરફ આવી હુકમ જેવી ભાષામાં સ્પષ્ટ શબ્દોમાં સંભળાવ્યું – તમે મરદો પેલી બાજુ જાઓ તો જરા, અને હાં, કોઈ સ્ટેશને ગાડી થોભે તો ચાની રેંકડીવાળા પાસેથી એક તપેલું ભરી ગરમ પાણી લઈ લેજો…. ને કાનાભાઈ, તમારું ફળિયું જરા આ બાજુ ફેંકો તો.

એ સ્ત્રીના ઓળખીતા કાનાભાઈ નામના પુરુષે એક શબ્દ બોલ્યા વિના માથા પરથી ફળિયું કાઢી પેલી સ્ત્રીને આપ્યું. એની સાથે રહેલા પુરુષનું ફાળિયું પણ અપાવ્યું અને અમે સૌ ઝટપટ ઊભા થઈ ડબ્બાના બારણા પાસે ઊભા રહી ગયા. જોતજોતામાં ડબ્બાનો એ ખૂણો પ્રસૂતિગૃહ બની ગયો. ડબ્બાના પાર્ટીશનના આધારે ફળિયાના પડદા બંધાઈ ગયા. અંદર પ્રસૂતિવેદનાથી કણસતી યુવતીની સારવારમાં સૌ સ્ત્રીઓ લાગી ગઈ. પછીનું એક નાનકડું સ્ટેશન આવ્યું ત્યારે એક પુરુષ ગાર્ડના ડબ્બા તરફ દોડ્યો. ગાડી થોડી વધુ વાર એ સ્ટેશને થોભી. સ્ટેશન પરના ચાની રેંકડીવાળા પાસે કાનાભાઈએ સ્ટવ પર ગરમ પાણી મૂકાવ્યું અને થોડીવારે કોઈનું બોઘરણું લઈ એમાંથી ગરમ પાણી લઈ આવ્યો. ગાડી ઊપડે તે પહેલાં તો બાળકનો ‘ઉંવાઉંવા’ રડવાનો અવાજ અમારે કાને પડ્યો. એ દિવસે એ સ્ત્રીના સંબંધીઓએ જરૂર દ્વારકાધીશની કોઈને કોઈ પ્રકારની માનતા માની હશે.

અત્યારે ઘરમાં પણ આવી જ, અંતરિયાળ પરિસ્થિતિ ઊભી થઈ હતી. હું શું કરી શકું એમ હતો ? સિવાય કે ગેસ-સ્ટવ પર કે ગીઝર દ્વારા ગરમ પાણીનું તપેલું કે બાલદી ભરી લાવી શકું. અંગ્રેજી નવલકથાઓ, વાર્તાઓ કે લેખમાં મેં વાંચ્યું હતું, પત્ની સગર્ભા રહે ત્યારે પુરુષો પ્રસૂતિકાળમાં શું શું ઉપાયો કરવા એ અંગે તાલીમ લેતા થઈ જતા.

વિજ્ઞાનના આ યુગમાં ઘણાં ઘણાં કામો ઘડિયાળના કાંટે પાર પડે છે પણ જન્મ અને મરણનો નિશ્ચિત સમય હજુ સુધી ઈશ્વરે કોઈને કહ્યો નથી. આજે અચાનક મારી પત્નીને પ્રસવની પીડા ઊપડી અને આ શાસ્ત્રથી અજ્ઞાન એવો હું ધર્મસંકટમાં મૂકાઈ ગયો. પત્નીનો આ પ્રથમ પ્રસૂતિકાળ હતો. શાંતાબહેન કે નર્સ આવે તે પહેલાં હું ગીઝરમાંથી ગરમ પાણી કાઢવા મૂકી એની પડખે ઊભો રહ્યો. મારી પત્નીએ અન્ય માતા બની ચૂકેલી સ્ત્રીઓ પાસેથી જાણકારી મેળવી હશે તે ચીસો પાડતી, વેદના ભોગવતી, કચકચાવીને મારો હાથ પકડી, મને જરૂરી સૂચનાઓ આપતી ગઈ. મારા કરતાં સુલોચના વધુ શાણી, ડાહી અને વ્યવહારુ હતી. અત્યારે તો એ જે જે સૂચનાઓ આપતી ગઈ એમ એમ આજ્ઞાંકિત પતિ તરીકે હું પાળતો હતો.

થોડી જ વારમાં પોતાના આગમનની આલબેલ સમું શિશુનું રુદન સાંભળ્યું અને શાંતાબહેનનો પ્રવેશ થયો. પાછળ પાછળ મીનાબહેનનો અને થોડી વારે મેં ફોન કરીને બોલાવેલી નર્સનો. એ પછીની કાર્યવાહીનો અખત્યાર એ સ્ત્રીઓએ સંભાળી લીધો પણ પેલી કથાના અંગ્રેજી નાયક સમો મારી પત્નીનો પ્રસવ કરાવનાર કદાચ હું પહેલો પુરુષ હોઈશ. મારા પુત્ર રાજુને એની માએ એના જન્મ સમયની હકીકતનું બયાન કર્યું હશે તે એને છાનો છાનો ગર્વ થતો હશે કે મારા જન્મમાં મારા પિતાએ ખૂબ જ અગત્યનો ભાગ ભજવેલો. એને આ સંસારમાં લાવવા પિતાનું પ્રદાન મહત્વનું હતું. જૂજ પુરુષોએ એની પત્નીની પ્રસુતિ કરાવી હશે. એમાંનો હું એક હતો !

પાંચેક વર્ષ પછી રાજુએ શહેરના મહત્વના સ્થળે બે ગાળાની મોટી દુકાન લઈ એણે ધંધાનો ભાગીદારી દસ્તાવેજ કર્યો ત્યારે પચાસ ટકાની ભાગીદારી મારી રાખી. બાકીના પચાસ ટકા માતા-પુત્રે વહેંચી લીધા હતા ! મારા પુત્રનો મારા પરત્વેનો આ ઋણસ્વીકાર હતો. આજે મારા પગ ઝલાઈ ગયા છે. હું બરાબર ચાલી શકતો નથી, પણ રાજુ, એની પત્ની અને એનાં બંને સંતાનો મારી કાળજી રાખે છે એ જોઈને કદાચ દશરથ કે રામને મારી અસૂયા આવતી હશે. સંતાન સુખમાં હું બળિયો રહ્યો છું, ભાગ્યશાળી છું, એ કહેવાની મારે જરૂર ખરી ?