પ્રાર્થનાના સંસ્કાર – મુક્ત આનંદ

મારા ઉપર કોઈ વિચિત્ર નિયંત્રણ આવે ને મારે કોઈ એક જ વિષય ઉપર લખવું બોલવું એવો અણધાર્યો આદેશ મને આપાય તો હું તરત જ મારા એક માત્ર વિષય તરીકે ‘પ્રાર્થના’ ને પસંદ કરું. પછી યુક્તિપૂર્વક સકારાત્મક વિચારસરણી, રચનાત્મક અભિગમ, માનસિક ચિત્રીકરણ જેવા સંલગ્ન વિષયોને પાછલે બારણેથી પેસાડી દઉં. એમ તો શ્રદ્ધા, આશા, નિષ્ઠા, ઈશ્વરની અમાપ શક્તિઓ ઈત્યાદિ બાબતોનો સમાવેશ પણ યુક્તિપૂર્વક કરી દઉં. કેન્દ્રમાં પ્રાર્થના જ રહેવી જોઈએ એ શરતનું પૂરી પ્રમાણિકતાથી પાલન કરું.

હું કહેવા એ ચાહું છું કે, પ્રાર્થનાને કેવું સર્વોચ્ચ મહત્વ આપી શકાય. આ મહાન શક્તિદાયક પ્રક્રિયાને આપણે જો જીવનના કેન્દ્રમાં સ્થાપી શકીએ તો એક મોટું કામ થઈ ગયું ગણાય. પ્રાર્થના-અભિયાનને નિમિત્તે મારે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ઘણા બધા આસ્તિક આત્માઓને મળવાનું બને છે. ઘણું નવું નવું શીખવાનું મળે. તો ઘણાને માર્ગદર્શનમાં ઉપયોગી પણ થવાય છે.

આપણા માટે સાવ અજાણ્યા કહેવાય એવા સદીઓ પહેલાં થઈ ગયેલા એક સંતની જર્જર આત્મકથા મારા હાથમાં આવી ને હું નાચી ઊઠયો. એમાં અનુભવગાથા ઉપરાંત સરસ પ્રાર્થનાઓને માર્ગદર્શન પણ છે.

‘કશાનીય ચિંતા કરશો નહીં.
એના બદલે હરેક બાબતમાં પ્રાર્થના કરો.
તમારી શી જરૂરિયાતો છે એની પ્રભુને જાણ કરો.
અને આભાર માનવાનું ભૂલશો નહીં.
આટલું કરશો તો તમને એવી શાન્તિનો અનુભવ થશે જેની દુનિયાને ખબર જ નથી.’

સંતની આ સલાહમાં કેટલી સરળતા છે ! આ સરળ માર્ગદર્શનનો ઉપયોગ કરવાનું જરાય મુશ્કેલ નથી. ચિંતાને ટાળી શકતા ના હોઈએ તો પ્રાર્થના શરૂ કરી દેવી જોઈએ. ચિંતામાં ગેરમાર્ગે વપરાતી શક્તિ એ રીતે બચી જશે ને એનો રચનાત્મક ઉપયોગ થશે. સંત, કેવી સરળ સલાહ આપે છે ! ‘આપણી શી જરૂરિયાત છે એની સીધા ને સરળ શબ્દોમાં જાણ કરવાની ને અગાઉથી આભાર માનવાનો’ વાત પૂરી. ક્યાંય કોઈ ગૂંચવાડો નહીં.
‘પરમાત્મા કેટલો દૂર હશે ?’ આવો પ્રશ્ન નવરું જ નહીં, નિષ્ઠાવાળું મન પણ કરી શકે છે. એ ભાંજગડમાં સમયશક્તિ વેડફી નાખવાની કોઈ જરૂર નથી. એ આપણી અંદર છે કે દૂર આકાશમાં કે અન્યત્ર, એ પણ વિચારવાનું નથી. સમજી રાખીએ કે એ તો એક પ્રાર્થના જેટલો જ દૂર છે.
તમે પ્રાર્થના કરો ત્યારે એનો જવાબ આપવા માટે પરમાત્મા તત્પર જ હોય છે. જો આવો અનુભવ તમને અગાઉ ના થયો હોય તો મૂંઝાવવાની જરૂર નથી. પ્રયોગ શરૂ કરો એટલે ખ્યાલ આવશે કે પ્રાર્થનાની પ્રક્રિયા કેટલી સરળ છે.

ઈશ્વરપ્રાર્થનામાં ગાળેલો સમય કદી વ્યર્થ નથી જતો. બે ઘડી સમજો કે તત્કાળ જવાબ ના પણ મળે. એનો અર્થ એવો નથી થતો કે, ઈશ્વર ઊંઘે છે. એને આપણી કોઈ પરવા નથી એમ પણ નથી માનવાનું. જવાબ નથી, માટે ઈશ્વર ના પાડે છે એમ પણ માનવાનું નથી એ શક્ય છે કે ઈશ્વર કહે છે કે રાહ જુઓ, હજુ સમય પાક્યો નથી. એક સંત કહેતા : ‘ઈશ્વર તો આપણે પૂછીએ એ પહેલાં જવાબ તૈયાર કરીને બેઠો હોય છે.’ જો કે ઉતાવળિયા સંસારી જીવો વળી એમ પણ કહેવાના કે જો એમ જ હોય તો એ આપણને રાહ શા માટે જોવડાવતો હશે ?

સામાન્યતયા માણસો પ્રાર્થના કરતા જ નથી. ક્યાં તો એ રોદણાં રડે છે અથવા તો વિવિધ ફરિયાદોના ઢગલા કરે છે. મોટાં ભાગના તો વળી ઈશ્વરે કરવાના કાર્યોની સૂચિ જ આપી દે છે. ખ્યાલ એવો કે તાલ જોયા કરીએ ! જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે શક્તિ, શાંતિ, પ્રેમ અને સમૃદ્ધિના એક વિરાટ પાવરહાઉસ સાથે આપણે સંપર્ક કરી રહ્યા છીએ એનો ભાગ્યે જ ખ્યાલ હોય છે. અનેક લોકો પ્રાર્થનાને ગાજરની પીપૂડી માનતા હોય છે. ફાવે તેમ વગાડે ને પછી ચાવી જાય. નિષ્ઠા ક્યાં છે ? ઊંડાણ ક્યાં છે ?

ઉપરછલ્લી કે ક્યારેક ઊંડી ઈચ્છા અને પ્રભાવશાળી પ્રાર્થનામાં જબરો તફાવત છે. એમ તો ભગવાન આકાશના તારા તો શું, સૂરજ ને ચંદ્ર ને નક્ષત્રોને પણ આપણે આંગણે ઉતારી શકે. પણ પછી શું ? આપણી સજ્જતા શી ? પ્રાર્થનામાં કશુંક માગો; ઈચ્છો ત્યારે, તમને એ મળશે જ એવી શ્રદ્ધા સાથે માગો ને પછી ઈશ્વરનો ખેલ જોયા કરો. મારી વાત કરું તો અસંખ્ય વખત એવું બન્યું છે કે, પ્રાર્થના વગર જ પ્રભુએ મારી ઝોળી છલકાવી દીધી છે. બીજી અસંખ્ય પ્રેમીઓના પણ આવા જ અનુભવ છે. પણ પ્રાર્થના કરનારા છે ક્યાં ? મોટી ચાદરમાંથી કાપવામાં આવેલા નાના મોટા ટુકડાને ઉપયોગમાં લેતા પહેલાં ચારે બાજુથી ઓટી લેવામાં આવે છે. કેટલાક હોંશીલા લોકો તો વળી ઝૂલ પણ મૂકાવે. મૂળ આશય હોય ક્રમશ: તાંતણા વિખરાઈ ના જાય એ. જીવનના, હૃદયના વસ્ત્રને પણ આપણે પ્રાર્થના દ્વારા ઓટવાનું રાખીએ તો ?

પ્રાર્થના કરીએ ત્યારે જે જવાબ મળે એ બગાસું ખાતાં મળેલા પતાસા જેવો હોય એવું શક્ય છે. તો સાકર અને ચૂલાની ભેટ મળી જાય એ ય શક્ય છે. પછી પતાસાં આપણે જાતે બનાવવાનાં ! બધી જવાબદારી ઈશ્વર ઉપર નાખી દેવાની જરૂર નથી. આકાશવૃત્તિ એ સારી બાબત છે. પણ એ જીવન સ્વાસ્થ્યના હિતમાં નથી. આપણેય ફરજ બજાવવા તત્પર રહેવું પડે. જીવ અને શિવની જુગલબંધી જાળવવી ઘટે. આમ તો ઈશ્વર કહે છે કે, ‘તમે એક ડગલું મારા તરફ ચાલો તો હું સો ડગલાં તમારા તરફ ચાલીશ.’ મારો તો એવો અનુભવ છે કે સોની જગ્યાએ એ હજાર ડગલાં ચાલે છે; અરે, અનંત જોજનો ઊડીને આવે છે. વાસ્તવમાં એ તો સંકલ્પનો સ્વામી. સ્વીચ પડતાં જ અજવાળાં ઝોકાર. પ્રાર્થના એટલે એકપક્ષી રજૂઆત કે વાણી-વિલાસ નહીં જ. અગાઉ કોઈ છપાયેલી પ્રાર્થના વાંચવા મળે તો એમાં કહેવતોનો સમાવેશ જોઈ મને રમૂજ થતી. કેટલીક પ્રાર્થનાઓ આઠ દસ પાન જેટલી લાંબી રહેતી. અરે, પ્રાર્થના કરવાની છે કે નિબંધ લખવાનો છે ?

જીવનમાં સહુથી કપરું કામ કયું ? પ્રાર્થના કરવાનું. એમાં પણ કપરું શું ? ઓછામાં ઓછા શબ્દોમાં હૃદયને પ્રગટ કરવાનું. આપણી શ્રેષ્ઠ પ્રાર્થના તો એને કહેવાય જેમાં એકે શબ્દ જ ના હોય. પણ એવા મૌનથી સંતોષ ના થતો હોય તો શાબ્દિક રજૂઆત કરવામાં કાંઈ ખોટું નથી. મૂળ વાત છે કોઈને કોઈ રીતે ઈશ્વર સાથેના અનુસંધાનની. જ્યારે સાવ અટકી ગયા હોઈએ ત્યારે બધા ગબારા પડતા મૂકીને ઈશ્વરાભિમુખ બનીએ. ‘હવે તારો જ સહારો છે, હવે તું જ સંભાળી લે’ એટલા શબ્દો દિલથી બોલાય તોય ઘણું.

પ્રાર્થનાનું એ એક ડગલું તમારા માટે એક નવી જ કેડી કોતરવાનું શરૂ કરશે. એક વિશાળ રાજમાર્ગની રચના પણ એમાંથી જ થશે. આજ રણમાં શેકાઈ રહ્યા છો ? પ્રાર્થના કરો. ડુંગરાની ભેખડે ભરાયા છો ? પ્રાર્થના કરો. મુસીબતોએ કાળો કેર વર્તાવ્યો છે ? પ્રભુનો આશ્રય લ્યો. એવી કોઈ પણ સમસ્યા નથી જેને ઈશ્વર ના ઉકેલી શકે. આભ અડતા પહાડ પણ એના એક સંકેતથી તમારા રસ્તામાંથી અદશ્ય થઈ જશે.

વધારે શું કહું ? પ્રાર્થના પ્રેમીનો અનુભવ જુઓ : ‘પ્રાર્થના જીવનમાં ગતિશીલતા લાવે છે. એ હૃદયમાં નવો ઉત્સાહ જગાડે છે. પ્રાર્થના આપણને ઈશ્વરની વિરાટતા, અસીમ શક્તિઓ, અપાર કરુણા અને આપણા જીવનની અસંખ્ય સંભાવનાઓનો સ્પષ્ટ ખ્યાલ આપે છે. પ્રાર્થના આખા જીવનને ને જગતને એક નવા જ અજવાળાથી ઝળહળાવે છે. આ જગતમાં પ્રાર્થના જેવી કોઈ તાકાત નથી. ઊર્જાઓ અનેક પ્રકારની છે. પણ એમાંથી કોઈ જ ઊર્જા પ્રાર્થનાની તોલે ના આવે. જીવન ઠરી ગયું હોય, ઊકળી ઊઠયું હોય, વિપરીત સંજોગો સંપ કરીને ચારે બાજુથી ત્રાટકતા હોય ત્યારે પ્રાર્થના આપણી અદ્વિતિય તાકાત બની શકે છે. રોજિંદા જીવનમાં પણ એ અનન્ય ફાળો આપી શકે છે. હવે ભટકન બંધ, પ્રાર્થના શરૂ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ટહુકાની વનરાજી – ઉર્વીશ વસાવડા
બૌદ્ધિક દલીલો – સર્વેશ વોરા Next »   

10 પ્રતિભાવો : પ્રાર્થનાના સંસ્કાર – મુક્ત આનંદ

 1. Pankita says:

  સરસ લેખ

 2. ashok shastri says:

  હવે ભટકન બંધ,પાથના શરુ

 3. પ્રાર્થના કરતી વખતે આપણો હેતુ શો છે એ ભગવાન જરૂર જુએ છે. જરૂરિયાત માટે જરૂર ભગવાન પાસે પ્રાર્થનામાં માંગવુ પણ જો દર વખતે કંઈક ને કંઈક જરૂરિયાત ઉભી જ હોય તો જેમ દર વખતે માંગ-માંગ કરતો બાળક પણ માને ન ગમે તેમ આપણી કંઈક ને કંઈક માંગણી જો ઉભી જ હોય તો કદાચ ભગવાનને પણ ન ગમે.

  પ્રાર્થનાએ આપણી ભગવાનના પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરવા માટે છે. પ્રાર્થના આપણા મન અને બુધ્ધિની શુધ્ધી માટે છે, આપણા વિકાસ માટે છે. જેમ આપણે શરીર સ્વચ્છ રાખવા દરરોજ સ્નાન કરીએ છીએ તેમ મન અને બુધ્ધિના સ્નાન માટે રોજ નિયમિત પ્રાર્થના જરૂરી છે.

  કુટુંબના દરેક સભ્યો સાંજે સાથે મળીને પ્રાર્થના કરે એનાથી બીજું ઉતમ દશ્ય નથી.

  આપણી જરૂરિયાત પ્રાર્થના વખતે માંગીએ પણ પછી એવો વિચાર પણ આવે કે આપણા હિત માટે શું સારૂં છે એ ભગવાનને કહેવું એ પણ કદાચ આપણી મૂર્ખાઈ છે – એના કરતા ભગવાનને પ્રાર્થનામાં એવું કહેવું કે – ભગવાન, મારૂં હિત શેમાં છે એ મને ખબર નથી પણ તું જે પણ સ્થિતીમાં રાખે એ સ્થિતીમાં હું સુખી રહી શકું એવી સમજણ અને દષ્ટિકોણ મને આપ!

 4. Paresh says:

  નિયમિત અને ભાવવાહિ પ્રાર્થના આપણાં મન અને હ્રદય પર એક પ્રકારનું coating કર્યા કરે છે. જે રીતે નોન્-સ્ટીક તવા પર બિનજરૂરી કાંઈ ચોંટતું નથી તેમ coating થયેલા મન પર કોઈ બિન જરૂરી શબ્દ પ્રહાર ચોંટતો નથી કે ઊઝરડો પાડી નથી શકતો. મન સંતાપ રહિત, નિર્મળ અને પારદર્શક રહે છે.

 5. હુ દરેક જોડે સહમત ચુ.

 6. dr sudhakar hathi says:

  નમસ્કારપ્રર્થના એતાલે સમસ્તવિશ્વ માતે માગવુ દિન દુખિયા માતે માગવુ સુધાકર હાથિ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.