બૌદ્ધિક દલીલો – સર્વેશ વોરા

આપણી બુદ્ધિ હમેશાં પરાધીન હોય છે. એની શેઠાણી, માલિકણ ‘વૃત્તિ’ની, વળગણની, રાગની, દ્વેષની, પૂર્વગ્રહની દાસી હોય છે એટલું સૂક્ષ્મ અને ગુપ્ત સત્ય જો બરાબર સમજાઈ જાય તો આપણી સમજ વધે. આપણું બેવકૂફીભર્યું મિથ્યાભિમાન ઘટે. આપણે જબરદસ્ત અન્યાય આચરતાં અટકીએ, અને એક ટૂંકા વાક્યમાં કહું તો બુદ્ધિ આપણી આડે દીવાલ બનવાને બદલે, સામે પાર જવાનો સેતુ બને. તાજી હવાની લહેરખી માટે બારી બને !

કોઈ પણ ઘટના કે વાત સમજવા કે સમજાવવા માટે બુદ્ધિ, દલીલ કે ભાષા ભલે અનિવાર્ય માધ્યમ છે, પણ ઘણું પાંગળું, અધૂરું માધ્યમ છે. તમે એવું ઘણું બધું અનુભવ્યું હશે કે અનુભવતા હશો જે વ્યકત કરવા માટે ભાષા તમને લૂલી, અધૂરી લાગી હોય. તમે જ્યારે તમારો મુદ્દો રજૂ કરવા બૌદ્ધિક દલીલને સર્વસ્વ ગણીને આગળ વધો છો ત્યારે ભારે જોખમી પ્રદેશમાં પગ મૂકો છો. તમારી વાતનો ધ્વનિ, તમારી અનુભૂતિનો સૂર અન્ય વ્યક્તિ સમજે એ માટે એ વ્યક્તિનો વિકાસનો સ્તર ક્યા તબક્કે પહોંચ્યો છે એ મુદ્દો સૌથી વધુ મહત્વનો છે.

બુદ્ધિ મુખ્યત્વે કઠપૂતળી છે. પેલા દલા તરવાડીની વાર્તા સાંભળી છે ? બરાબર દલાભાઈની જેમ ‘બુદ્ધિ’ એ કઈ દિશામાં નૃત્ય કરવું એનો નિર્ણય ‘વૃત્તિ’ કરે છે. દાખલા તરીકે, છગનભાઈ નામના શખ્સને મગનભાઈ માટે તેજોદ્વેષ હોય, ઈર્ષ્યા હોય તો છગનભાઈની બુદ્ધિબાઈ કેમ વર્તન કરે એ પ્રક્રિયા જુઓ : આ સંવાદ ટૂંકમાં સાંભળો :
‘છગનભાઈ, આ મગને તો રંગ રાખ્યો. સન્મુખાનંદ હૉલમાં એનાં ગીત-સંગીતે લોકોને ચાર કલાક સુધી મંત્રમુગ્ધ કરી નાખ્યાં !’
છગનભાઈની બુદ્ધિ હવે કેવું મણિપૂરી નૃત્ય કરે છે તે જુઓ : ‘આ મગનને, એને તો નામના કમાવી છે. રજાના દિવસે પબ્લિક નવરી હોય, ને તમાશાને તેડું ન હોય એટલે હૉલ ભરાઈ ગયો. છાપાંમાં પાનાં ભરીને જાહેરખબર આપેલી.’
‘પણ છગનભાઈ ! પબ્લિક કદાચ જાહેરખબર જોઈને છેતરાય પણ ત્રણ હજારની મેદની ચાર કલાક સુધી સ્તબ્ધ બનીને મંત્રમુગ્ધ થાય, શું એ મગનની સિદ્ધિ તમે નહીં સ્વીકારો ?’
‘પબ્લિક તો ગાંડી છે. મુંબઈમાં ક્યાં સારા ગાયકો-વક્તા છે ? સૂકાં રણમાં એરંડો પ્રધાન !’ છગનભાઈ ઉવાચ.

ઉપરની વાતચીતમાં છગનભાઈની બુદ્ધિ ધારદાર છે, પણ એ બુદ્ધિ પાછળ ખલનાયક તરીકે ઈર્ષ્યાની ગંધાતી ‘વૃત્તિ’ છે. એ માત્ર ચબરાક વ્યક્તિને સમજાય.

જ્યારે જ્યારે અમુક વિષય પર ચર્ચા, વાદ-વિવાદ થાય ત્યારે આપણામાંના મોટા ભાગના લોકો આ ખતરનાક સત્ય ભૂલી જાય છે કે દલીલોને વૃત્તિનો કમળો થયો હોય છે. ધારો કે ઉપરના દાખલામાં, પેલા છગનભાઈને પેલા મગનભાઈના કાર્યક્રમમાં રૂબરૂ લઈ ગયા હોત, તો તમે શું ધારો છો ? વૃત્તિપ્રેરીત બુદ્ધિના કમળાથી પીડાતા છગનભાઈને મગનભાઈની આંધળી અદેખાઈ કરવા બદલ પસ્તાવો થયો હોત ? ના જી, મગનભાઈની વિરાટ સફળતા નજરે નિહાળ્યા પછી છગનભાઈ ભૂરાંટા અને હિંસક બન્યા હોત ! તમે વ્યાપક રીતે સાચા હો, દલીલો દ્વારા કદાચ તમે સામી વ્યક્તિની બોબડી બંધ કરવામાં સફળ થાવ, તો યાદ રાખો, સામી વ્યક્તિને તમે તમારા પક્ષમાં બદલી શકતા નથી, ઊલટું એક કટ્ટર દુશ્મનનો ઉમેરો કરો છો, કારણ કે દલીલબાજી વખતે બુદ્ધિની લગામ પૂર્વગ્રહ અને મિથ્યાભિમાનની વૃત્તિના હાથમાં જ હોય છે. તમે જ્યારે સામેવાળાની બૌદ્ધિક દલીલને મૂઢ માર મારો છો, ત્યારે તમે હકીકતમાં તેનાં વળગણને મારતા હો છો.

આ સમજ શું છે ?
બહુ સાદું ઉદાહરણ છે. એક નાનું બાળક કોઈ તરણહોજનાં બે-ત્રણ ફૂટનાં પાણીમાં તર્યા પછી એના વડીલને કહે : ‘કાકા, આજે તો હું દરિયામાં ડૂબકી મારી આવ્યો.’ દરિયામાં મરજીવા તરીકે અનુભવ લઈ ચૂકેલા કાકા આ બાળકને શું સમજાવે ? આ ઉદાહરણમાં કદાચ મરજીવા કાકા બાળકને પોતાભેગો સમુદ્રમાં લઈને ક્ષણભર અનુભવ કરાવી શકે, પણ જીવનના અનુભવોમાં આવી પ્રત્યક્ષ પ્રતીતિ શક્ય હોતી જ નથી. દરેકની આંતરિક પ્રગતિના સ્તર સાવ જુદા જુદા હોય છે. દરેકની સમજશક્તિની વિશાળતા પણ સાવ જુદી જુદી હોય છે.

દલીલોમાં ગરુડનું ઉડ્ડયન નથી હોતું, પતંગનું ઉડ્ડયન હોય છે, જેમાં દોરીનો કાબૂ અમુક ગાંઠ, અમુક હઠ, અમુક વળગણમાં રહેલો હોય છે. આધ્યાત્મિક પ્રશ્નોત્તરીના કાર્યક્રમો ક્યારેક યોજાતા હોય છે. આવી પ્રશ્નોત્તરીમાં પ્રશ્ન પાછળ નિર્મળ જિજ્ઞાસા હોવી જોઈએ, પણ એને બદલે છૂપો હઠ, છૂપી સાંપ્રદાયિક ગાંઠ હોય ત્યારે પ્રશ્નોત્તરીમાં બન્ને પક્ષે સમયનો ગુનાહિત બગાડ થાય છે.

બૌદ્ધિક દલીલ, બુદ્ધિનો સાધન તરીકે ઉપયોગ અનિવાર્ય છે. ‘બુદ્ધિ’ને ગીતાજીએ તો ભારે પવિત્ર સ્થાન આપ્યું છે, પણ બુદ્ધિનાં સાધનની સાર્થકતા તમારાં વ્યક્તિત્વના સાર્વત્રિક વિકાસ પર આધાર રાખે છે. જો તમારું વ્યક્તિત્વ વિકસે નહીં, તો તમે પેલા બગલા જેવા રહેશો, બગલાનો ‘આઈ.ક્યૂ’ ભારે ઊંચો હોં ! એ બુદ્ધિશાળી ખરો, પણ નજર અને ધ્યાન માત્ર માછલી પકડવામાં ! પછી એ બુદ્ધિ કોઈના હક્કનું ઝૂંટવી લેવામાં, કોઈ પ્રતિભાશાળીની પીઠમાં છરી ભોંકવામાં સફળ થશે, પણ એ બુદ્ધિને ગરુડ જેવી પાંખો નહીં ઊગે. એ બુદ્ધિ માછલાં ફસાવવામાંથી ઊંચી નહીં આવે. એ બુદ્ધિ પાસે એવરેસ્ટની ઊંચાઈની વાત જ નહીં કરી શકાય. એ બુદ્ધિ શાહમૃગ જેવી બની જશે. પછી એમાં કાયરતા, આત્મવંચના, દુષ્ટતા ઘર કરી જશે.

બૌદ્ધિક દલીલો, ચાહે લેખોમાં કે પ્રવચનોમાં હો, એ સર્વોચ્ચ ન્યાય આપનારું અંતિમ સાધન નથી.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રાર્થનાના સંસ્કાર – મુક્ત આનંદ
ફૂલની ખુશબો લઈને આવજો – સતીશ ડણાક Next »   

12 પ્રતિભાવો : બૌદ્ધિક દલીલો – સર્વેશ વોરા

 1. jignesh says:

  બહુ સરસ વાત કહિ ચે

 2. બહુ સરસ લેખ.

 3. dharmesh Trivedi says:

  ખુબ સાચિ વાત નુ સરસ નિરુપણ ..ખરેખર વિચાર તા કરિ દિધો…લેખક્અ શ્રિ ને અભિનન્દન અન્ર આભાર

 4. maurvi vasavada says:

  Sarveshji, budhdhina aa article vanchvama kharekha budhdhi kame lagi gai. am pan dalilbaji ma utarya bad matr ane matr vikhvad j ubho thay chhe. reuslt zero j rahe chhe.
  good article

 5. Ibuprofen. says:

  Benazepril and ibuprofen….

  Ibuprofen….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.