ફૂલની ખુશબો લઈને આવજો – સતીશ ડણાક

[‘અજવાળું મેળવો દશે દિશાથી’ પુસ્તકમાંથી સાભાર.]

નમતી બપોરની વેળાએ ઘરના બગીચાના ક્યારાની માટી ખોદવાનું અને નીંદવાનું કામ ચાલતું હતું. કોઈક ગીતની પંક્તિઓ ગણગણતો હું વારેવારે ગુલાબની કળીઓ અને જાસૂદનાં ઘેરાં લીલાં પાન તરફ જોયા કરતો હતો. હાથનું કામ હાથ કરતા હતા. મન તો પેલી હસતી ગુલાબની કળી પાસે પહોંચી જવું હતું. મને થયું : હવે થોડુંક ખાતર, થોડુંક પાણી અને બે દિવસ પછી તો આ નાનકડો બગીચો ખુશબોથી બાગ બાગ થઈ જવાનો…. એક પતંગિયું ક્યાંકથી આવી ચડેલું, તેના પીળા રંગની ઝાંયને હું પી રહ્યો. ત્યાં જ પરિચિત અવાજ સંભળાયો : શું ચાલે છે, સાહેબ ? ઘર આંગણાંનાં બગીચાની હરીફાઈ થાય તો શહેરમાં તમારો નંબર પહેલો આવે. ભાઈ, તમે કેવો અદ્દભુત સજાવ્યો છે આ બગીચો !

ઊંચી નજર કરી તો મહેતા સાહેબ ઊભેલા. મેં નાનકડી કોથળી ક્યારામાં ધીમેથી ફેંકી. મહેતા સાહેબ સામે સ્મિત કર્યું અને ઊભો થયો. અમારા પરિચિત મિત્રવર્તુળમાં મહેતા સાહેબ જુદા તરી આવતા હતા. કંઈક શ્યામ કહી શકાય તેવો ચહેરો, ત્રણેક દિવસની વધેલી દાઢી, તેલ નાખ્યા વિનાના ભૂખરા દેખાતા માથાના વાળ, ક્યારેય વધી નહીં શકનારા નખવાળી બુઠ્ઠી આંગળીઓ, થોડીક સ્થૂળ અને નીચી કાયા. પહેલીવાર તમને જોઈને ભાગ્યે જ કોઈને આકર્ષણ થાય, માણસોનાં ટોળાં વચ્ચે ચાલીને તેમને કોઈ ભાગ્યે જ બોલાવે, છતાં મહેતા સાહેબને એનો કશો હરખશોક નહોતો. એ અલગારી જીવ હતા. મોંમાથી તીણી સિસોટી વગાડતાં કશુંક ગીત ગણગણતા હોય, ચહેરા પર એક વિશિષ્ટ પ્રકારની પ્રસન્નતા એમના આ અનાકર્ષક વ્યક્તિત્વની લાક્ષણિકતા હતી અને એ લાક્ષણિકતા ને લીધે જ મહેતા સાહેબે અમારા મિત્રવર્તુળમાં સ્થાન મેળવી લીધું હતું.

મહેતા સાહેબની જેમ ઘણા લોકોનું વ્યક્તિત્વ પ્રભાવશાળી નથી હોતું. છતાં પણ આવા લોકોનું સમાજમાં એક વિશિષ્ટ સ્થાન હોય છે. મહેતા સાહેબની જેમ જ આ લોકોમાં એવું ‘કશુંક’ જરૂર હોય છે. જેને કારણે આપણે એમને એકવાર જોયા પછી કદાપિ ભૂલી શકતા નથી. આ ‘કશુંક’ તે બીજું કાંઈ નહીં, જે કાંઈ છે તે તેમના ચહેરા પર કાયમ છવાયેલી રહેતી પ્રસન્નતા અને હાસ્ય અને સામે ચઢીને બીજાને બોલાવવાનો ઉમળકો. હું હાથ-પગ ધોઈ તેમની સાથે મારા ઓરડામાં ગયો. પણ ત્યાં સુધીમાં તો મારા મનમાં મહેતા સાહેબ બરાબરના છવાઈ ગયા હતા. ઘરના બગીચાના છોડને સૂર્યનો તાપ કદાચ ન મળે તો ચાલે પણ તેના પર ફરનારો માળીનો વાત્સલ્યથી ભરેલો હાથ નહીં હોય તે મૂરઝાઈ જાય. મહેતા સાહેબ સામે ચાલીને બીજાને પોતાની સ્નેહસભર વાણીમાં ભીંજવી દેતા હતા.

ચા-પાણીની ઔપચારિકતા પરવાર્યા પછી અમે ઘરના નાનકડા બગીચાની સામે આવેલા કંપાઉન્ડમાં ખુરશીઓ નાખીને બેઠા. મહેતા સાહેબ આછું સ્મિત વેરતા અને તેમની ટેવ પ્રમાણે કશુંક ગીત ગણગણતા હતા. એમની પ્રસન્નતા મને આકર્ષતી હતી. મેં ગોડ કરેલા ગુલાબના ક્યારા તરફ જોયું. છોડ પ્રસન્નતાથી ડોલતો હતો. રોમેરોમે કાંટા હોવા છતાં એનું ડોલવું મને સ્પર્શી ગયું. મહેતા સાહેબ જેવાની તુલના ખેતરો અને ફૂલ-છોડ પર પડતા તડકાની સાથે કરી શકાય. સૂર્યનાં કિરણો જીવનને ચેતનાની ભર્યું ભર્યું બનાવી દેનારાં હોય છે. મહેતા સાહેબના પરિચયમાં જે કોઈ આવતું તેને તેઓ તેમની પ્રસન્નતાથી ડોલાયમાન કરી દેતા હતા. એકવાર તેમની સામે સંવાદ સધાય કે તરત જ જીવનની તમામ વિસંવાદિતાઓ અદશ્ય થઈ જતી. પછી તેમને મળવા માટે અમે આતુર ન બનીએ તેની નવાઈ શી ?

મહેતા સાહેબ ઘણીવાર સવારે ચાલવા જતી વખતે પણ સાથે થઈ જતા હતા. તેમને જોતાં જ શિથિલ ગાત્રોમાં ચેતનાનો સંચાર થતો. સ્ફૂર્તિ આવી જતી. એમ લાગતું હતું કે હવે દિવસભર ગમે તેવી સમસ્યાઓ આવે, ગમે તેટલો સંઘર્ષ કરવાનો આવે તો પણ તેનો હિંમતપૂર્વક સામનો કરી શકાશે. એમનો ઉમળકાપૂર્વક લંબાવાયેલા હસ્તધૂનન માટેના હાથ સાથે હાથ મેળવતાં જ સુખદ અનુભવ થતો – નવીન શક્તિઓનો સંચાર થતો. એક રીતે કહીએ તો મહેતા સાહેબ ‘નેકદિલ ઈન્સાન’ તો હતા જ, ‘ઝિંદાદિલ આદમી’ પણ હતા.

આવા મહેતા સાહેબ સાથે રવિવારની સાંજ ગાળવાનો લહાવો મળતાં હું ખુશ થતો. થોડી આડીઆવળી વાતો ચાલી. અમારી વાતોના વિષયો વારંવાર બદલાતા રહેતા. વાતવાતમાં માનવતાની વાત આવી. દેશ અને દુનિયામાં કટ્ટરતા અને સ્વાર્થ ખાતર નિર્દોષ માનવજીવોને હણી નાખતાં તત્વો માનવતાનો હ્રાસ કરી રહ્યાં છે. આ મુદ્દો નીકળતાં જ મહેતા સાહેબના મોંમાથી અસ્ખલિત વહેતું જ્ઞાન અટકી ગયું. તેમણે બુદ્ધ, ઈસુ, ગાંધી જેવી વિભૂતિઓનાં દષ્ટાંતો આપતાં કહ્યું, દુષ્ટ તત્વોથી માનવતા કદાચ ત્રાસી જતી હશે એ કબૂલ પણ, એવી પ્રત્યેક કસોટીમાંથી માનવતા વધુ મજબૂત બનીને બહાર આવી છે એ તમે કેમ ભૂલી જાવ છો ? પૃથ્વી પર વસતા માનવીઓમાં એવા કેટલાય મહાન પુરુષો-વિભૂતિઓ હોય છે, જેનાથી માનવતાને ગૌરવ મળે છે. તેમના આગમનના એંધાણથી જ વાતાવરણમાંથી અંધકારના અદશ્ય થવાનો આરંભ થાય છે. તેમના આગમન સાથે જ વાતાવરણમાં પરિવર્તનની લહેરખી દોડતી થઈ જાય છે. તેમના આગમનથી જ આ માનવમાત્રમાં ચેતના અને ગતિ સ્ફુરે છે. એની અસર લાંબા સમય પર્યન્ત રહે છે. તેમના ગયા પછી પણ તેમની સ્મૃતિથી જીવનનું ઉપવન મહેંકતું રહે છે.

મેં કહ્યું : પણ મહેતા સાહેબ, આવા મહાન પુરુષો આજના યુગમાં જન્મ લે તો પણ આ કટ્ટરતા અને આતંક નાબૂદ કરી શકે કે કેમ તેની જ મને તો શંકા છે. આપણી જીવનશૈલી જ એવી બની ગઈ છે કે આપણને એવાં કશાં પરિવર્તન અસર કરતાં જ નથી. – ભૂખરા વાળ પર હાથ ફેરવતાં મહેતા સાહેબ થોડીવાર મૌન રહ્યા. પછી બોલ્યા : ‘સાહેબ, ત્યાં જ તમે ભૂલો છો. મહાપુરુષો તેમના જીવન દ્વારા જ એવો સંદેશો ફેલાવે છે કે આપણું સંકુલ જીવન સરળ બની જાય. તમે નહીં માનો પણ માનવ-સંસ્કૃતિઓની સર્વોત્તમ શક્તિઓનો એમનામાં ભંડાર ભરેલો હોય છે. મહાપુરુષોની વાત છોડો. સહેજ ધ્યાન આપીશું તો જણાશે કે આપણી આસપાસ પણ આવી સંખ્યાબંધ વ્યક્તિઓ હોય છે, જેમનો સ્મિતથી મઢેલો ચહેરો આપણો દિવસ સુધારી દેનારો હોય છે.

– અને મને યાદ આવી ગયા અમારા રણછોડભાઈ. વડોદરા-સુરત વચ્ચે નોકરી અર્થે ટ્રેનમાં નિયમિત અપ-ડાઉન કરવું પડતું. મુસાફરોથી ભરચક એવી ગાડીના ડબ્બામાં જગ્યા મેળવવાનું કામ કપરું હતું. પણ અમે થોડા મિત્રો ભેગા મળી જે જગ્યા મળે તેમાં માંડમાંડ બેસીને જતાં. એક દિવસ એક પ્રૌઢ દેખાતા સજ્જન પ્લૅટફૉર્મ પર બૅગ લઈને આવતા દેખાયા. તેમને જોઈને એમ લાગ્યું કે આ વડીલને ક્યાંક જોયા છે પણ કશું યાદ આવતું નહોતું. પ્લૅટફૉર્મ પર તેઓ પોતાની આગવી અદામાં હસતું મોં રાખીને મંદ ગતિએ બધા ડબ્બામાં નજર નાખતાં નાખતાં ચાલતા અને જેમાં જગ્યા મળે તેમાં બેસી જતા. આટલી બધી ભીડમાં જગ્યા ન મળવાના વિચારથી કોઈ માનસિક તાણ તેઓ અનુભવતા નહોતા. એક દિવસ અમારા ડબ્બામાં અમારી બાજુમાં જ તેમને જગ્યા મળી. જગ્યા પર બેઠક લેતાં તેમણે મારી સામે જોયું. હાસ્ય વેર્યું અને બોલ્યા : નમસ્તે

મને આશ્ચર્ય થયું. આ ભાઈને હું ઓળખતો નથી અને તેમણે ‘નમસ્તે’ કહ્યું. હું ગૂંચવાયો. મેં કહ્યું… પણ હું તો આપને ઓળખતો નથી. આપણે પહેલાં કદીપણ મળ્યા નથી. આપ….
જવાબમાં પ્રૌઢ સજ્જન હસ્યા, બોલ્યા : ‘કશો વાંધો નહિ. પણ આપને નમસ્તે કહેવામાં શું નુકશાન છે ? નમસ્તે તો બોલો…
પછી તો આ સિલસિલો રોજનો થઈ ગયો. અમારા મિત્રોએ ઉમળકાથી તેમને જગ્યા આપવા માંડી. અમારી વચ્ચે તેઓ ખીલતા. તેમની વાતોથી મુસાફરીનો સમય ક્યાં પૂરો થઈ જતો તેની ખબર પડતી નહોતી. આ વડીલ રણછોડભાઈ આજે છોંતેર વર્ષે પણ અપડાઉન કરે છે. નવા-નવા મિત્રો બનાવે છે. હાસ્યથી ભરેલો એક ચહેરો તેમની ગાઢ તંદુરસ્તીનું રહસ્ય છે. તેઓ જે દિવસે ટ્રેનમાં ન આવે તે દિવસે ડબ્બો સૂનો ભાસતો. બીજાને માન આપવાની તેમની રીત જ એવી હતી કે જેથી તેઓ પોતે આપોઆપ જ માનના અધિકારી બની ગયા હતા. આથી બધા જ તેમને માન આપતા હતા. એ અજાણ્યા સજ્જનમાંથી રણછોડભાઈ અને રણછોડભાઈમાંથી બધાના ‘રણછોડકાકા’ ક્યારે બની ગયા તેની અમને કોઈને ખબર જ ન પડી.

હું બેઠો હતો મહેતા સાહેબ સામે પણ મન પહોંચી ગયું હતું રણછોડકાકા પાસે. મને શાંત બેઠેલો જોઈ તેઓ બોલ્યા : ‘કેમ સાહેબ, શા વિચારમાં ખોવાઈ ગયા છો ?’ મેં તેમને રણછોડકાકાની વાત કરી. તેઓ પણ ખુશ થયા. તેમણે વિખ્યાત ચિંતક કાર્લાઈલે એડવર્ડ ઈરવિંગ વિશે જે લખ્યું હતું તેની વાત કરતા કહ્યું : ‘ઈરવિંગ શાંત, પ્રસન્નવદન અને દયાળુ સ્વભાવનો હતો. તેનો આત્મા અરીસા જેવો સ્વચ્છ અને નિર્મળ હતો. તે બધાને ચાહતો હતો અને બધાનો સ્નેહ મેળવતો હતો.

રણછોડકાકા પણ આવું એક અનોખું વ્યક્તિત્વ ધરાવતા હતા. તો મહેતા સાહેબ પણ કાંઈ કમ નહોતા. અમારી કૉલેજના અધ્યાપકોમાં અંગ્રેજીના અધ્યાપક એવા મહેતા સાહેબ પણ સદાય હસતા રહેતા. જ્યારે જુઓ ત્યારે જીવનને ખુશીથી તરબતર કરી મૂકે તેવાં ગીતો ધીમા સ્વરે ગણગણતા જ હોય અને એટલે જ ત્રણ વિદ્યાશાખાઓ અને અનેક વિભાગોવાળી અમારી કૉલેજના અધ્યાપકો અને અન્ય કર્મચારીઓના તેઓ માનીતા હતા. મેં તમને પૂછ્યું : પણ મહેતા, હવે સરકારનાં નિયંત્રણો કડક બનતાં જાય છે. નોકરીમાં જવાબદારી કરતાં બંધન વધારે લાગે છે. તમને નથી લાગતું કે હવે સમાજના આપણા જેવા બુદ્ધિજીવી માણસો માટે નોકરી કરવી પહેલાં જેટલી સરળ નથી. મહેતા સાહેબ ખુરશીમાંથી ઊભા થયા. બગીચામાં ખીલેલા મધુમાલતીના ઝુંડને જોતાં બોલ્યાં : ‘જુઓ સાહેબ, દરેક સિક્કાની બે બાજુઓ હોય છે. તેમ દરેક વ્યક્તિ કે ઘટનાની પણ સારી અને ખરાબ એવી બે બાજુઓ હોય છે. તમારે જીવનની ખરાબ કે કાળી લાગતી બાજુઓને પણ એવો રંગ આપવો જોઈએ, જેથી તેની કાળાશ ધોવાઈ જાય. તેનામાં ઉજ્જવળતા છવાઈ જાય. જીવનની કલેશમય પળોને પણ હાસ્યથી મઢી શકાય છે. જરૂર છે, ફક્ત તમારી તૈયારીની, તમારામાં રહેલા શુભસંકલ્પની.

અને મને એક કવિ મિત્ર અને ભૂતપૂર્વ કલેકટર શ્રી ભાગ્યેશ જહાની યાદ આવી ગઈ. ગમે તેટલા કામના દબાણ વચ્ચે પણ તેઓ કાયમ હળવા ફૂલ જ દેખાય છે. એમની આ પ્રસન્નતાનું રહસ્ય એક સભામાં એમણે પોતે જ ખોલતાં કહેલું : ‘જ્યારે અમારા ઉપર ખૂબ માનસિક તાણ આવી ચઢે, દિવસભરના કામના બોજને કારણે થાક લાગે ત્યારે હું, મારાં પત્ની અને મારી દીકરી ઘરના ઓરડામાં બેસી એકબીજાને મઝાના ટૂચકા કહીએ છીએ. ખડખડાટ હસીએ છીએ અને થોડીવારમાં તો તાણ અને થાકના પહાડ ઓગળી જાય છે. અમે વળી પાછાં તાજાંમાજાં થઈ જઈએ છીએ, હળવાં ફૂલ બની જઈએ છીએ.’ ત્યારે મને થયેલું : વિનોદપ્રિયતા એ વિદ્યુતપ્રવાહ જેવી છે. ઘનઘોર આકાશમાં વીજળીની એક જ રેખા આકાશના આખા પટને પ્રકાશથી ભરી દે છે. આ કવિ અને કલેકટર સાહેબ જેવી સદા ટકી રહેનારી પ્રસન્નતા જ જીવનની કાળાશને પ્રકાશપૂંજોથી ભરી દે છે. પછી આપણા મસ્ત આત્માને શાંતિ મળે જ મળે.

મોડી સાંજે મહેતા સાહેબ તો જેવી પ્રસન્નમુદ્રા લઈને આવ્યા હતા તેવી જ પ્રસન્નતા લઈને તેમને ઘેર પહોંચી ગયા. પણ તેમના વિચારોની લહેરખીથી મારા અણુઅણુમાં અજબ પ્રકારની તાજગી ફેલાવતા ગયા. આ પૃથ્વી પર હવા, પાણી અને સૂર્યપ્રકાશ પ્રાણીમાત્રને ઉપલબ્ધ છે. જો આ ત્રણમાંથી એક પણ તત્વની અછત સર્જાય તો તેની અસર આપણા પર પડતી હોય છે. અમેરિકાના પ્રખ્યાત કવિ વૉલ્ટ વ્હીટમેન એકવાર માંદા પડી ગયા. એમને લાગ્યું કે આ માંદગી જરૂર તેમને ભરખી જશે. તેમને થયું અહીં ફિલાડેલ્ફિયામાં મરવું એના કરતાં કેમડનમાં મરવું ઠીક પડશે. જેમજેમ તેઓ કેમડનની આસપાસનાં ગામોમાં જવા લાગ્યા, ત્યાંના સૂર્યપ્રકાશનું સેવન કરતા રહ્યા તેમ તેમ તેમની તબિયત સુધરવા લાગી. કુદરતે જ તેમનું સ્વાસ્થ્ય સુધારી દીધું. સૂર્યપ્રકાશ વડે ચેતન પ્રદાર્થોની વૃદ્ધિ થાય છે. તેનાથી મનુષ્ય પ્રસન્ન થાય છે અને તેનું હૃદય પ્રફુલ્લિત થાય છે.

મહેતા સાહેબનું વ્યક્તિત્વ ભલે આકર્ષક નહોતું પણ તેમની આંતરિક સમૃદ્ધિ વડે તેઓ જીવનની નિષ્ફળતા અને નિરાશાઓને પાર કરી ગયા હતા. મને કૉલેજનો એ દિવસ યાદ આવી ગયો. મારા વિભાગની એક વિદ્યાર્થીની ફકત એક ગુણના ફરકને કારણે યુનિવર્સિટી દ્વારા અપાતો સુવર્ણચંદ્રક ચૂકી ગઈ હતી. આથી તેને ઘોર નિરાશા થઈ. હતોત્સાહ ભરી મનોદશામાં તેને આપઘાત કરવા સુધીના વિચારો આવી ગયા. આખરે મારી પાસે આવી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. હું આ બાલિકાને કેવી રીતે શાંત કરી શકાય તે વિચારમાં અટવાતો હતો. ખબર પડતાં જ મહેતા સાહેબ મારા ખંડમાં ધસી આવ્યા. પરિસ્થિતિ કાબૂમાં લીધી. થોડીક સમજાવટ પછી પેલી વિદ્યાર્થીની શાંત થઈ. તેને પાણી પિવડાવ્યું. ત્યાર પછી તે આ નિષ્ફળતાને પચાવવાની હિંમત લઈને પોતાને ઘેર ગઈ.

મહેતા સાહેબ પાસે પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવાની ગજબની ફાવટ છે. તેમણે મને કહ્યું : ઘણી વ્યક્તિઓ આ વિદ્યાર્થીની જેવી હોય છે. નાની સરખી નિષ્ફળતા મળતાં જ તે અંદરથી તૂટી જાય છે. આ વિદ્યાર્થીની જેમ પોતાની નિષ્ફળતા માટે શિક્ષણતંત્ર અને પરીક્ષાતંત્રનો દોષ કાઢતી હતી. તેવી જ રીતે સહેજસરખી નિષ્ફળતા મળતાં ઘણા માણસો પોતાના ક્ષેત્રની, વ્યવસાયની ટીકા કરવાનો આરંભ કરે છે, તેને ધિક્કારવા લાગે છે પરંતુ આવા સંજોગોમાં નિષ્ફળતાથી નિરાશા થવાને બદલે જે પરિસ્થિતિ સર્જાઈ છે તેનો સ્વીકાર કરી આગળ વધવાના પ્રયાસો કરવા જોઈએ. ધંધામાં આર્થિક ફટકો પડ્યો હોય અને ફાટેલાં કપડાં પહેરવાનો વારો આવે ત્યારે પણ કપડાંને એવી રીતે પહેરવાં જોઈએ કે પોતાના સન્માનમાં ઊણપ ન રહે.

મહેતા સાહેબ આ બધું જાણતા હતા અને તેથી જ એમના માટે મારા મનમાં અહોભાવ પેદા થતો હતો. મેં તેમને પૂછ્યું કે કપરામાં કપરી પરિસ્થિતિમાં અને ઘોર નિષ્ફળતાની વચ્ચે તો માણસ તૂટી જ જાય. આવા પ્રસંગે તમારા વિચારોનો અમલ કેવી રીતે થઈ શકે ? ખુરશીમાં સહેજ ટટાર બેસતાં તેમણે મારી સામે જોતાં કહ્યું : ‘આવી પરિસ્થિતિ વચ્ચે તેણે અત્યંત ધીરજથી માર્ગ શોધવો જોઈએ. ગમે તેવી આપત્તિ આવે પણ આપણે આપણી પ્રસન્નતા છોડવી ન જોઈએ. આપણી પ્રસન્નતાને કારણે આપણી સાથે સંબંધ ધરાવતા માણસો પણ ધૈર્ય કેળવી શકશે.

કૉલેજનો સમય પૂરો થતાં હું ઘેર આવ્યો. હાથ-મોં ધોઈ બેઠાં-બેઠાં છાપાનાં પાનાં ઊથલાવતો હતો પણ મનનો કબજો તો મહેતા સાહેબની વિચારધારાએ લઈ લીધો હતો. અચાનક જ મને સોમાભાઈ યાદ આવી ગયા. તેમને મન સમગ્ર સંસાર અસાર હતો, અંધકારમય હતો. શિયાળો, ઉનાળો કે ચોમાસું સિવાય તેમને કશું જ દેખાતું નહોતું. મને થયું, સમાજમાં આવા કેટલાયે સોમાભાઈ હશે, જેમને યોગ્ય, પ્રોત્સાહન અને હૂંફની તાતી જરૂર છે. આવા સોમાભાઈ પાસે જઈને, તેમની વાત સાંભળીને તેમનો ભ્રમ દૂર કરવો જોઈએ. આપણે માનીએ કે ના માનીએ પણ આપણે જેની જેની સાથે કંઈ પણ વાત કરીએ છીએ તેમના પર આપણો પ્રભાવ ચોક્કસપણે પડતો હોય છે. મહેતા સાહેબ બધા પર આવો પ્રભાવ પાડી શકતા હતા તેનું કારણ તેમના ચહેરા પર હંમેશાં છવાઈ રહેતું સ્મિત હતું. મને મનમાં તેમની ઈર્ષ્યા થઈ આવી. ઉપરવાળાએ તેમને સ્મિત કરવાનું વરદાન આપ્યું છે. આથી તેમના હદયમાં રહેલી ઉદાત્ત ભાવનાઓ કાયમ અન્યો પર પ્રભાવ પાડે છે. તેઓ જ્યાં જતા ત્યાં તેમના વ્યક્તિત્વની પ્રસન્નતાભરી સુવાસ ફેલાયેલી રહેતી.

આમ જુઓ તો તેમનો બાહ્ય દેખાવ કાંઈ ખાસ આકર્ષક નહોતો પરંતુ તેમનું સ્મિત, પ્રસન્નતા, અન્યો સાથે વાત કરવાની પદ્ધતિ એવાં હતાં કે જેને લીધે તેઓ સૌના પ્રીતિપાત્ર બની શક્યા હતા. આવા મહેતા સાહેબને મળવાનું કોને ન ગમે ? પણ એમને મળવા તમારે આ કૉલેજમાં આવવું જરૂરી નથી. રેલવે ટ્રેનના ડબ્બામાં, બસ સ્ટૅન્ડના ક્યૂ શેડમાં, સવારથી સાંજ સુધી વ્યવસાયાર્થે લોકોના જીવન સંપર્કમાં રહેતા, કુશળ વ્યવસ્થાપક બનીને સંચાલન કરતા કોઈપણ માનવીના ચેહેરાની પ્રસન્નતા પાછળ તમને મહેતા સાહેબનાં દર્શન થશે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બૌદ્ધિક દલીલો – સર્વેશ વોરા
મુખવાસ (ભાગ-6) – સંકલિત Next »   

13 પ્રતિભાવો : ફૂલની ખુશબો લઈને આવજો – સતીશ ડણાક

 1. urmila says:

  inspiring article

 2. jignesh says:

  સરશ બહુ શારિ વાત કરિ ચે

 3. જીવંત માણસોના મુઠ્ઠી ઉંચેરા જીવનની ઝાંખી કરાવવા બદલ ખુબ ખુબ આભાર….

 4. Madhusudan Shah says:

  very good story today i was upsate for some officialy problems but after read this story i forgate my problem and enjoy

 5. Keyur Patel says:

  Good Article.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.