- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

લગ્નો આટલાં તકલાદી કેમ ? – કીર્તિકુમાર મહેતા

છેલ્લા એકાદ માસમાં સ્વજનો પાસેથી ખૂબ જ આઘાતજનક સમાચાર સાંભળ્યા….. સારી, શિક્ષિત, સંસ્કારી જ્ઞાતિની સાત પરણેલી કન્યાઓ પિયર પાછી આવી. આ કન્યાઓના લગ્ન સમયને ત્રણથી બાર માસ થયા હશે. ધામધૂમથી માતાપિતાએ ખૂબ જ ખર્ચ કરીને લગ્ન-રિસેપ્શન વગેરે ઊજવ્યાં હતાં અને બાર માસમાં તો જાણે એ ભૂતકાળનું સ્વપ્ન બની ગયું.

શા માટે લગ્ન નિષ્ફળ જાય છે ? શા માટે ટૂંક સમયમાં જ લગ્નો ફરી થાય છે ? શા માટે કોડભરી, આશાભરી, કન્યાઓ પાછી પિયર ફરે છે ? આ પ્રશ્ન વ્યક્તિગત છે, કુટુંબજીવનનો છે છતાં સામાજિક દષ્ટિએ પણ આ પરિસ્થિતિ અસહ્ય બને છે. આવી પાછી આવેલી પુત્રીઓને લગભગ અપરિણિત રહેવું પડે તેમ બને છે. યુવકોને બીજી કન્યા મળી જાય છે. આ પરિસ્થિતિ કેટલાક પાયાના સવાલો ઊભા કરે છે ? શું આ બધાં લગ્નો માતાપિતાના અને કુટુંબના સંતોષ માટે, કુટુંબની પ્રતિષ્ઠા માટે જ યોજાયાં હતાં ? કેટલીક પાયાની બાબતો વિચારવા જેવી છે.

પ્રથમ તો આપણે આવાં લગ્નો કે જે ટૂંક સમયમાં જ તૂટી જાય તેનાં કારણો વિચારીએ-કલ્પીએ. યુવક અને યુવતી કોઈ બીજાના પ્રેમમાં હોય અને વડીલોની આજ્ઞા ખાતર, કુટુંબની પ્રતિષ્ઠા ખાતર લગ્નોમાં જોડાઈ જાય અને પછી સહન ન થઈ શકે, પ્રથમ પ્રેમની યાદમાં બધા દુ:ખી થાય અને લગ્ન તૂટી જાય. યુવતીઓને પોતાના પિયર જેટલી સ્વતંત્રતા સાસરામાં ન મળે, વારંવાર સાસરિયાંની ટીકા સાંભળવી પડે અને સહન ન થઈ શકે, સહનશક્તિની હદ આવી જાય અને પિયર પાછા ફરવાનું નક્કી કરી નાખે.

બંને કુટુંબનાં સંસ્કારો-શિક્ષણ વગેરે તો જુદાં હોય જ પણ આર્થિક સ્થિતિ પણ આસમાન હોય તેથી વારંવાર તેની ટીકા થાય ત્યારે પણ સહન ન થાય. શ્રીમંતોથી સાદાઈ સ્વીકારાતી નથી અને એકવાર શ્રીમંતાઈની ટેવ પડી જાય તે જવી મુશ્કેલ છે. યુવક અને યુવતીમાં પણ સમજણનો અભાવ હોય, એકબીજાને સમજવાની ધીરજ ન હોય, એકબીજાને અનુકૂળ થવાની તૈયારી ન હોય, સહનશક્તિ જ ઓછી હોય. આ ઉપરાંત જેને ‘લાઈફ સ્ટાઈલ’ કહેવાય છે તે પણ બંનેની જુદી હોય, તેના ખ્યાલો પણ જુદા હોય અને એક બીજાની ‘સ્ટાઈલ’ ન જ ગમે અને તે પરિસ્થિતિ લાંબો વખત ટકી ન રહે તેથી છૂટા થઈ જાય. બંનેમાં સ્વતંત્ર વિચારોનો આગ્રહ, પોતાની વાત જ ખરી અને સામી વ્યક્તિનું દષ્ટિબિન્દુ સમજવાની તૈયારી જ ન હોય ત્યાં આવી વ્યક્તિનું દષ્ટિબિન્દુ અપનાવી ન જ શકે.

તાત્કાલિક લગ્ન પછી છૂટા પડવાનું એક કારણ યુવક અગર યુવતીમાંથી કોઈને કંઈ રોગ હોય, કંઈક વિકૃતિ હોય, જે સુખી લગ્નજીવનમાં બાધારૂપ બની જાય. ગ્રહો મળે છે કે નહીં તેની કાળજી લેવાય છે. પણ એકબીજાના ‘પૂર્વગ્રહો’ કઈ બાબતના છે તે સમજવાનો પ્રયત્ન થતો નથી. લગ્ન એટલે પોતાના પૂર્વગ્રહોનો ત્યાગ અથવા તો ધીરે ધીરે જે પૂર્વગ્રહો સુખી, દામ્પત્ય જીવનમાં બાધારૂપ બને તેને સમજીને દૂર કરવાનો છે. જેવી રીતે ગ્રહો મેળવીએ છીએ તેવી જ રીતે હવે યુવક-યુવતીના મેડિકલ ચેકઅપ રિપોર્ટ પણ મેળવવા પડશે.

આમ કેટલાંક કારણોને લીધે લગ્નો તૂટી જાય છે અને આપણા સમાજમાં તો પુત્રીને પિયર જ આવવું પડે તેવી સ્થિતિ થઈ છે. કાયદેસર એકબીજાને હક્ક મળે પણ તે માટે જરા લાંબી લડત આપવી પડે પણ તેની કોઈને ઈચ્છા નથી હોતી. આવું ન બને, આવા કિસ્સાઓમાં પરસ્પર સમજૂતી કેળવીને લગ્નજીવન સુખી બને તેનો શું કોઈ ઉપાય છે ? ઉપાયો તો છે પણ તે દરેક કુટુંબે શરૂઆતથી અપનાવવા જેવા છે.

સંસ્કૃતમાં એક સુભાષિત છે જેનો અર્થ છે કે સોળ વર્ષના યુવાન પુત્રને મિત્ર ગણો. આ પુત્રીને પણ લાગુ પડે જ. પુત્ર, પુત્રીને સોળ વર્ષથી જ મિત્ર ગણીએ તો તેના અંગત જીવનની વાતો ખબર પડે. માતાપિતા સાથે નિખાલસતાથી અંગત વાતો ચર્ચી શકે તેવું વાતાવરણ ઊભું કરવું જરૂરી છે. આને લીધે યુવક કે યુવતી કોઈને પ્રેમ કરતાં હોય અને તેની જ સાથે લગ્ન કરવા ઈચ્છતાં હોય તો માતાપિતાએ પણ આ પાત્ર કેવું છે તેની તપાસ કરી, શક્ય હોય તો પુત્ર, પુત્રીને માર્ગ કરી આપવો જોઈએ. પરાણે અન્ય સાથે લગ્ન ગોઠવી દેવાથી બેને બદલે ત્રણ-ચાર જીવન બરબાદ થઈ જાય અને લગ્ન ભલેને ધામધૂમથી, વાજતેગાજતે કર્યાં હોય પણ પુત્રીને પાછા ફરવાનો સમય આવી જાય.

અત્યારનો સમાજ સ્વકેન્દ્રી વધુ છે. સંયુક્ત કુટુંબો રહ્યાં નથી. જે રહ્યાં છે તે પણ તૂટતાં જાય છે. સંયુક્ત કુટુંબ એ તો સહનશીલતાનું તાલીમ કેન્દ્ર છે. દરેક વ્યક્તિને બીજ ખાતર કંઈ કરવાની ત્યાં તાલીમ મળે છે. આજે એ ન હોવાને કારણે બાળકોને પોતે જે જોઈએ તે મળશે જ એવી ખાતરી હોવાથી બાળકો વધુ સ્વકેન્દ્રી બની જાય છે અને જરાપણ અગવડ સહન કરી શકતાં નથી. આમાં માતાપિતાએ પણ પોતાની ફરજ બજાવવી જરૂરી છે અને સારા સંસ્કાર પડે તે જોવું જોઈએ. આ દુનિયામાં ઘણુંબધું પૈસા ખર્ચીને મળી શકે છે. બાહ્ય સગવડો ઊભી થઈ શકે છે પણ સંસ્કારની કોઈ કેપ્સ્યુલ મળતી નથી. સંસ્કાર તો પોતાના વર્તનથી બાળકો ઉપર સતત પાડવાની પ્રક્રિયા છે. આને માટે અત્યારના આ જીવનમાં કોઈને સમય જ હોતો નથી. પરિણામે ‘સહન કરવાના’, ન ગમે તે પણ કોઈવાર સ્વીકારી લેવાની વૃત્તિ કેળવવી નથી અને તેથી વાતવાતમાં ગુસ્સે થઈ જવાની અને સંબંધ તોડી નાખવા સુધી એ પહોંચે છે.

આ દહેજના જમાનામાં કન્યાને, એટલે કે આમ તો વરને ગાડી, ફ્રિજ, ફલેટ, ફોન (અને હવે મોબાઈલ) ફર્નિચર, વૉશિંગ મશીન, સ્ટીલ કબાટ વધુ આપવામાં આવે છે. પણ ‘સંસ્કાર’ અપાતા નથી, જેને કારણે લગ્નજીવન સુખી થઈ શકતાં નથી. પોતાનું ધાર્યું ન પણ થાય એ વાત યુવક-યુવતીઓ સમજતાં નથી પરિણામે સંબંધો તૂટી જાય છે. યુવક અને યુવતીને લગ્નજીવન, કુટુંબજીવન, બીજા કુટુંબની જુદી પરંપરા કેવી હોઈ શકે, તેની સાથે કેમ ‘એડજસ્ટ’ થવું. તેને કેમ અપનાવવી, વગેરે ઘણી બાબતો લગ્ન પહેલાં જ શીખવવાની, સમજાવવાની જરૂર છે. આને માટે ‘સમજ’ કેન્દ્રો ઊભાં કરવાં પડે અને તેમાં અનુભવી વડીલો કે સુખી દંપતીઓને બોલાવી ચર્ચા વિચારણા કરાવવી જોઈએ.

‘પુત્રીને’ પાછું પિયર જ આવવાનું હોય તો અને બીજા લગ્ન ગોઠવી ન શકાય તેવી સ્થિતિમાં કન્યાને મુશ્કેલી ન પડે એ માટે હરેક કન્યાને પરત શિક્ષણ આપવું જરૂરી છે. મૂળ તો પહેલાં જ પુત્રીને નિરાંતે ભણવા દેવી જોઈએ અને સારી એવી નોકરી પણ કરતી થઈ જાય પછી જ લગ્ન કરવાં જોઈએ. લગ્ન થયાં પછી પણ નોકરી ન છોડે એ જરૂરી છે. કેમકે પોતે નોકરી કે વ્યવસાય કરતી હોય તો સ્વમાનભેર જીવી શકે. લગ્ન થઈ જાય પછી પણ બંને કુટુંબોએ અરસપરસ વધુ મળવાનું રાખવું જોઈએ જેથી નાનીનાની વાતોની ગેરસમજ થઈ હોય તે દૂર થઈ શકે. કોઈ પણ કુટુંબે પોતાની આર્થિક સ્થિતિ માટે મિથ્યાભિમાન રાખવાની જરૂર જ નથી, જો આપણે પોતાને વધુ શ્રીમંત માનતા હોઈએ તો બરોબરના કુટુંબ સાથે જ સંબંધ બાંધવો, નહીં તો સહેજ ઓછ શ્રીમંતના યુવક કે યુવતીને વારંવાર અપમાનિત ન કરવાં. અત્યારની કેટલીક સમૃદ્ધિ ઘણા લોકો પાસે અચાનક આવી ગઈ છે તેથી આવા પ્રકારની ‘લક્ષ્મી’ની માવજત કરતાં તેમને આવડતું નથી. આવી ‘લક્ષ્મી’ મળવાથી સંસ્કાર આવી જતા નથી. તેથી ખરી જરૂર સારા સંસ્કારો રેડવાની છે અને અરસપરસ સમજૂતી, સહનશીલતા કેળવવાની તથા દરેક નાની વાતને વધુ પડતું મહત્વ આપવાની ટેવ ન પાડવી, વારંવાર એકબીજાને અપમાનિત ન કરાય, આવી ઘણી બધી બાબતો સમજવાની છે, તેને માટે સહૃદયથી પ્રયત્નો કરવા પડે. ‘કન્યાને વળાવી દીધી’ એટલે ફરજ પૂરી થતી નથી પણ કન્યા કે યુવાન એકબીજાને તથા બંને કુટુંબને કેમ વધુ ને વધુ સુખી કરી શકે તે કાળજી રાખવાની જરૂર છે. રવિશંકર મહારાજના શબ્દો યાદ આવે છે : ‘સુખી થવા નહિ પણ સુખી કરવા પરણજો.’