- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

એ તો મારી દીકરી છે ! – ડૉ. ચારુતા એચ. ગણાત્રા

‘પપ્પા હવે ક્યારે અહીં આવો છો ? અમે બધાં તમારી રાહ જોઈએ છીએ. તમને નિવૃત્ત થયે પણ વર્ષો થઈ ગયાં. પહેલાં તો તમે તમારે નોકરી છે એવું કહેતા. પણ હવે જ્યારે તમે નિવૃત્ત થઈ ગયા છો તો હું તમારી કોઈ વાત સાંભળવાનો નથી. બસ, તમે આવી જાઓ.’ પારસ.

‘પરંતુ, બેટા પારસ, હવે આ ઉંમરે ત્યાં ! હું ત્યાં એડજસ્ટ નહીં થઈ શકું. લંડનમાં કોઈને ઓળખતો પણ ન હોઉં. અહીં તો મારા જુના મિત્રો સાથે મારા દિવસો ખૂબ સારી રીતે પસાર થાય છે. જાગૃતિ પણ અહીં જ છે. દિવસમાં એક વખત જાગૃતિ મને મળી જાય છે. અઠવાડિયે એક વખત તારો ફોન આવી જાય છે. મને અહીં કોઈ તકલીફ નથી.’ ગુણવંતરાય.

‘પપ્પા, તમે અહીં જરૂર સેટ થઈ જશો. અહીં આપણા ઘરની આજુબાજુ ઘણા ભારતીય ગુજરાતી પરિવાર છે. અમને લોકોને એકબીજાની હૂંફ રહે છે. તમે અહીં આવશો તો એ બધા ખૂબ ખુશ થશે. ખાસ કરીને નંદાણીકાકા….’ પારસ.
‘નંદાણીકાકા ? એ કોણ ?’ ગુણવંતરાય.
‘પપ્પા તેઓ પડોશમાં જ રહે છે. તમારી જ ઉંમરના છે. મુકુંદભાઈ નંદાણી. તમને તેમની સાથે ખૂબ ફાવશે. તેઓ ખૂબ સાલસ સ્વભાવના છે.’ પારસ.
‘ઠીક છે. હું વિચારીશ અને તને કહીશ.’ ગુણવંતરાય.
‘પપ્પા, ભાઈ-ભાભી આટલા પ્રેમથી બોલાવે છે તો જઈ આવો ને !’ જાગૃતિ બોલી અને ફોન ગુણવંતરાયના હાથમાંથી લઈ પારસ સાથે વાત કરતાં બોલી : ‘ભાઈ, તમે ચિંતા કરતા નહીં. હું પપ્પાને મનાવી લઈશ. અને ટૂંક સમયમાં તમને ફોન કરી જણાવીશ.’
‘તેં તો મારી ચિંતા હળવી કરી દીધી, જાગૃતિ. બીઝનેસના પથારાને કારણે હું ત્યાં આવી નથી શકતો. મને અને તમન્નાને પપ્પાની ચિંતા રહ્યા કરે છે. પણ ફોન કરવાથી વિશેષ અમે કંઈ નથી કરી શકતા. માટે જ મારી ઈચ્છા છે કે પપ્પા હવે હંમેશ માટે અહીં આવી જાય. પણ જો હંમેશ માટે આવવાનું કહું તો પપ્પા ક્યારેય રાજી ન થાય. માટે થોડા દિવસનું કહી પપ્પાને મનાવું છું. પણ પપ્પાને મનાવવાની જવાબદારી તે લીધી માટે હવે મને ચિંતા નથી. બનેવી સાહેબ મજામાં ને ?’ : પારસ.
‘હા તેઓ મજામાં છે. તમને બધાને યાદ કરતા રહે છે. ભાભીને મારી યાદ આપજો અને તમે લોકો નવરાશ મળતાં અહીં આવો.’ : જાગૃતિ.
‘જાગૃતિ, ત્યાં આવવા માટે ખેંચાણ હંમેશાં રહે છે. જ્યાં બાળપણ વિત્યું, યુવાનીનાં શરૂઆતનાં વર્ષો વીત્યાં, એ જગ્યા કેમ ભુલાય ! હું ત્યાં આવવા પ્રયત્ન કરીશ.’ પારસ.

ફોન પૂરો થયા બાદ જાગૃતિ બોલી, ‘પપ્પા, તમે કેમ ભાઈ પાસે થોડા દિવસ નથી જઈ આવતા ? તમને પણ થોડો બદલાવ મળશે તો મજા આવશે.’
‘બેટા જાગૃતિ, હું અહીં જ બરાબર છું. પારસનું મન મનાવવા દર વખતે હું ‘વિચારીશ’ એવો જવાબ આપું છું. બાકી તો….’ ગુણવંતરાય વાત કરતાં કરતાં અટક્યા.
‘હા બેટા, હું એક મૂંઝવણમાં છું. અત્યાર સુધી તને પણ નહોતો કહી શકતો. સાંભળ…. મને ડર છે કે વિદેશ ગયેલા છોકરાઓ માતા-પિતાની લાગણીનો દુરુપયોગ કરતા હોય છે તેવું ન બને….! મારા એક મિત્ર નિવૃત્ત થયા પછી તેના દીકરા પાસે ગયા તો દીકરાનું વર્તન ખૂબ અસંતોષકારક હતું. પછી વહુ પાસે તો શંત આશા રાખવી ! બસ, આ વિચારે મને પારસ પાસે જવામાં ખચકાટ થાય છે.’ ગુણવંતરાય.
‘શું પપ્પા, તમે પણ ! પારસભાઈને તમે અને મમ્મીએ આપેલા સંસ્કારો પર તમને ભરોસો નથી શું ? પારસભાઈ એવા નથી એ મને વિશ્વાસ છે.’ જાગૃતિ.
‘પણ, તમન્ના ! એ ક્યાં વધુ અહીં રહેલ છે ! તેના સ્વભાવ વિષે…..’ ગુણવંતરાય.
‘પપ્પા, હું ભાભી સાથે ભલે થોડો વખત રહી. પણ એક સ્ત્રી તરીકે તેમને ઓળખી શકી છું. અને મારું મન કહે છે કે, તમન્નાભાભી તમને ખૂબ સારી રીતે સાચવશે – કદાચ મારા કરતાં પણ વધારે. પપ્પા, તૈયારી કરવા માંડીએ. બોલો ક્યારે જવાની ઈચ્છા છે ?’ જાગૃતિ બોલી.
‘ઠીક છે બેટા, તું કહે છે તો જઈ આવું થોડા દિવસ. તું તૈયારી કરી લે. હું પારસને ફોન કરી જણાવી દઉં.’ ગુણવંતરાય.

અને એક અઠવાડિયા પછી ગુણવંતરાય લંડન જવા પ્લેનમાં બેસી ગયા. લંડન પહોંચ્યા તો પારસ અને તમન્ના બંને ગુણવંતરાયને આવકારવા એરપોર્ટ આવ્યા હતા. તેમને બંનેને જોઈને ગુણવંતરાયને ધરપત થઈ. ઘરે પહોંચી ગુણવંતરાયે જોયું તો નાનકડી દિશા દાદાજીની રાહ જોઈ બારણા પાસે જ ઊભી હતી. ગુણવંતરાય ઘરમાં પ્રવેશ્યા કે તરત જ દિશા તેમને ‘દાદાજી દાદાજી’ કહી વળગી પડી.
‘પપ્પા, દિશા છેલ્લા એક અઠવાડિયાથી રોજ તમારા વિષે પૂછતી કે ‘દાદાજી ક્યારે આવશે….. દાદાજી ક્યારે આવશે !’ અને તેને જ્યારે ખબર પડી કે તમે આજે આવો છો તો તમે કેટલા વાગે આવશો એ પૂછ્યા કરતી…. અમે બંને તમને લેવા માટે એરપોર્ટ આવવા નીકળતાં હતાં તો પણ અમને કહ્યું કે, ‘મમ્મી, જલ્દી જાઓ. પ્લેન આવી જાય અને દાદાજી તમને ન જુએ તો ગભરાઈ જશે…’ તમન્ના બોલી. તેની વાત સાંભળી ગુણવંતરાય ખડખડાટ હસી પડ્યા અને મનોમન વિચારવા લાગ્યા કે આ નાનકડી બાળકી મારું આટલું ધ્યાન રાખે છે તો મમ્મી તમન્ના પણ મારું ધ્યાન રાખશે.

બપોરે જમવા બેઠા તો તેમની મનપસંદ છૂટી લાપસી, ઊંધિયું, કઢી-ભાત, મગની છુટ્ટી દાળ, રોટલી…..ઓહો ! ઘણું બધું હતું.
‘બેટા તમન્ના, આટલું બધું ક્યારે બનાવી લીધું ? વહેલી ઊઠી બધું તૈયાર કરતી હોઈશ. આટલી મહેનત શા માટે લીધી બેટા !!’ ગુણવંતરાય.
‘પપ્પા, તમે પહેલી વખત અહીં આવ્યા છો માટે તમારી બધી પસંદગીનો મને ખ્યાલ ન હોય. માટે જાગૃતિબહેનને ફોન કરી બધું પૂછી લીધું અને થોડી મદદ પારસે કરી. થોડી વહેલી ઊઠી અને બધું બનાવી લીધું. રહી વાત મહેનતની, તો દીકરીને પોતાના પિતા માટે કોઈ વસ્તુ બનાવવામાં મહેનત ન પડે, આનંદ આવે.’ તમન્ના પ્રેમથી બોલી.

ગુણવંતરાય મનોમન ખુશ થયા કે ચાલો પહેલો દિવસ તો સારો પસાર થઈ રહ્યો છે. ‘બેટા, તું પેલા નંદાણીકાકાની વાત કરતો હતો… સાંજે મારે તમને મળવું છે. તું મને તેમની પાસે લઈ જજે.’ ગુણવંતરાય. ‘એવી કોઈ જરૂર નહીં પડે, પપ્પા. નંદાણીકાકા અહીં જ આવવાના છે. અને માત્ર નંદાણીકાકા જ નહીં, આપણી સોસાયટીના ઘણા લોકો તમને મળવા આવવાના છે. તમારી અહીં આવવાની ખુશાલીમાં એક નાનકડી પાર્ટી અહીં રાખી છે.’ પારસ.
‘પણ બેટા, આ ઉંમરે મારા માટે આટલું બધું કર્યું !’ ગુણવંતરાય ભાવવિભોર થઈને બોલ્યા.
‘આટલું બધું ક્યાં કર્યું છે પપ્પા. અચ્છા, કહો જોઈએ, સાંજે જમવામાં શું હશે ?’ તમન્ના.
‘તમને લોકોને જે ભાવતું હોય તે બનાવજો.’
‘ના પપ્પા, તમારી પસંદગી ની જ વસ્તુ છે. રોટલો અને ઓળો…. તમન્નાએ જાગૃતિ સાથે લગભગ અડધી પોણી કલાક વાત કરી તમારી બધી નાની મોટી પસંદગી જાણી લીધી છે. હવે તો આપણે જલસા જ કરવાના છે, પપ્પા.’ પારસ બોલ્યો.

ગુણવંતરાય પારસ અને તમન્નાની લાગણીભીની વાતો સાંભળી ખુશ થયા. અને મુકુંદભાઈ તથા બીજા બધાને મળવા માટે સાંજ પડવાની રાહ જોવા લાગ્યા. તમન્નાએ ગરમાગરમ રોટલા તથા ઓળો બનાવ્યો અને લગભગ સાંજે સાત વાગે તો બધા જમવા આવી ગયા. દરેકના હાથમાં શુભેચ્છાનાં ફૂલો હતાં. બધાએ સાથે મળીને ગુણવંતરાયના લંડન આવવાની ખુશાલીમાં દીપ પ્રગટાવ્યા અને ખૂબ આનંદ કર્યો.

આમને આમ બે-ત્રણ દિવસ પસાર થઈ ગયા. ગુણવંતરાય અવારનવાર મુકુંદભાઈના ઘરે જતા. મુકુંદભાઈ અને ગુણવંતરાય સરખી ઉંમરના હોવાથી તેમની વાતો અને વિચારોમાં ઘણી સામ્યતા હોય. આમ, ગુણવંતરાયના દિવસો ખૂબ સારી રીતે પસાર થતા હતા. પારસ કે તમન્ના તેમની લાગણીને ક્યારેય ન દુભાવા દેતા. નાનકડી દિશા પણ દાદાજી દાદાજી કહીને ગુણવંતરાય સાથે ખૂબ વાતો કરતી.

પંદરેક દિવસ પછી જાગૃતિનો ફોન આવ્યો, તો ગુણવંતરાયે જ ફોન લીધો. ‘હેલો પપ્પા, હું જાગૃતિ બોલું છું. કેમ છો ?’ જાગૃતિ.
‘બોલ બેટા. હું તો ખૂબ મજામાં છું. તમે બધાં ત્યાં કેમ છો ?’ ગુણવંતરાય.
‘અમે બધાં મજામાં છીએ. પરંતુ તમે મને ભૂલી ગયા પપ્પા. મને ફોન પણ ન કર્યો !’ જાગૃતિ લાડ કરતાં બોલી.
‘એવું નથી બેટા. સાચું પૂછને, તો દિવસ ક્યાં પસાર થાય છે તેની ખબર નથી પડતી. પારસ કામકાજને કારણે બહાર હોય પણ ઘરમાં તમન્ના અને દિશા સાથે ખૂબ મજા આવે છે. ઉપરાંત બધા પાડોશીઓમાં મુકુંદભાઈ નંદાણી સાથે મને ખૂબ મજા આવે છે. બસ મારા દિવસો પસાર થઈ જાય છે. બધા યાદ ખૂબ આવો છો, પણ અહીં પારસ, તમન્ના અને ખાસ તો દિશાની લાગણી મને બાંધી રાખે છે.’ ગુણવંતરાય. ‘પપ્પા, તમને ત્યાં ફાવે છે તે ખૂબ આનંદની વાત છે. ભાઈ-ભાભીને યાદ. દિશાને વહાલ અને તમારા મિત્ર મુકુંદભાઈને મારા પ્રણામ કહેજો.’ જાગૃતિ.
‘ભલે બેટા. પછી આપણે ફરી વાતો કરીશું.’ અને ગુણવંતરાયે વાત પૂરી કરી.

આમને આમ છ મહિના પસાર થઈ ગયા. ગુણવંતરાય અને મુકુંદભાઈ નંદાણીનો સંબંધ વધુને વધુ ગાઢ બનતો જતો હતો. ગુણવંતરાય જ્યારે જ્યારે મુકુંદભાઈને ઘરે જતા ત્યારે ઘરે કોઈ મળતું નહીં. મુકુંદભાઈને પૂછ્યું તો કહેતા, ‘દીકરો અને દીકરી બંને નોકરીએ જાય છે. મને બાગ-બગીચાનો ખૂબ શોખ છે. માટે હું બગીચામાં બેઠો હોઉં. અને તમે અહીં આવ્યા પછી મને તમારી કંપની રહે છે.’

એક દિવસ ગુણવંતરાય મુકુંદભાઈના ઘરે ગયા ત્યારે લોપા અને તેજસને જતાં જોયા. જતાં જતાં બંને ગુણવંતરાયને મળ્યા અને પછી તરત નીકળી ગયાં. લોપાને જોઈ ગુણવંતરાયને પોતાના ગામનો ઓજસ યાદ આવી ગયો. તેમણે વિચાર્યું ઓજસ માટે લોપા સારી છોકરી છે. હા, એ માટે લોપા ભારત જવા તૈયાર હોવી જોઈએ. અને ગુણવંતરાયે નક્કી કર્યું કે ભારત જવા વિષે તેના મનમાં શું વિચાર છે તે લોપાને આડકતરી રીતે પૂછી લેશે. બે દિવસ પછી રજાનો દિવસ હતો. ત્યારે બધા ઘરે જ હોય. તમન્ના સાથે વાત કરીને ગુણવંતરાયે, મુકુંદભાઈને સહકુટુંબ ભોજન માટે આમંત્રણ આપી જ દીધું.

‘આવો, આવો મુકુંદકાકા, આવો તેજસભાઈ, લોપા. પપ્પા, મુકુંદકાકા આવી ગયા. કાકા તમે લોકો બેસો. હું જરા આવું છું.’ તમન્ના રસોડા તરફ ગઈ.
ગુણવંતરાય ડ્રોઈંગરૂમમાં આવ્યા. થોડીવાર આડી અવળી વાતો કરી તેમણે લોપાને સીધું જ પૂછ્યું : ‘બેટા, ભારત દેશ વિષે તારો શું અભિપ્રાય છે ? તને ભારત જવું ગમશે ?’
‘હા, અંકલ. ભારત ખૂબ સારો દેશ છે. મને તો ભારત દેશ ખૂબ ગમે છે.’ લોપા.
લોપાની વાત સાંભળી ગુણવંતરાય ખુશ થયા. જમીને બધા સાથે બેઠા હતા ત્યારે ફરી ગુણવંતરાયે વાત ઉપાડી : ‘મુંકુંદભાઈ, તમને એક વાત કરવી છે.’
‘હા, બોલોને ! નિ:સંકોચ વાત કરો.’
ગુણવંતરાયની વાત સાંભળી બીજા બધા ઊભા થઈ અંદર જવા લાગ્યા. ગુણવંતરાય બોલ્યા : ‘તમે બધા પણ અહીં જ બેસો.’
મુંકુંદભાઈ, મને લાગે છે કે, હવે તમારે તમારી દીકરી લોપાના લગ્ન કરી નાખવાં જોઈએ. મારી નજરમાં એક સારો છોકરો છે. ઓજસ નામ છે તેનું અને લોપાએ પોતે કહ્યું છે કે ભારત જવું તેને ખૂબ ગમે છે. રહ્યો સવાલ પરિવારનો તો કુટુંબ સારું છે, બંને એકબીજાને…..’

ગુણવંતરાયની વાત પૂરી નહોતી થઈ ત્યાં જ મુકુંદભાઈ ખડખડાટ હસવા લાગ્યા. સાથો સાથ પારસ, તમન્ના, લોપા અને તેજસ પણ હસવા લાગ્યાં.
‘કેમ ? મેં કોઈ ખોટી વાત તો નથી કરી, દીકરી ઉંમરલાયક થાય એટલે તેના લગ્ન તો કરવાં જ જોઈએ ને !’
‘પણ ગુણવંતરાય સાંભળો તો ખરા ! લોપા એ મારા દીકરા તેજસની પત્ની છે. તમે લોપાના લગ્નની વાત કરી માટે મને-અમને હસવું આવી ગયું. : મુકુંદભાઈ.
મુકુંદભાઈની વાત સાંભળી ગુણવંતરાય ખડખડાટ હસી પડ્યા. ‘મુંકુંદભાઈ, મારી આ ગેરસમજ માટે મને માફ કરજો. પણ લોપાની તમારા માટેની અને તમારી લોપા માટેની પરસ્પર લાગણીની વાતો સાંભળીને હું થાપ ખાઈ બેઠો. પણ હું સમજી ગયો કે જેમ તમન્ના મારી પુત્રવધુ નહીં દીકરી છે, તેમ લોપા પણ તમારી દીકરી છે. સોરી બેટા લોપા.’
‘અંકલ, એમાં વાંધો નહિ. હકીકત તો એ છે કે અત્યારે તમારી વાતો સાંભળી હસનાર પારસભાઈ તથા તમન્નાભાભી જ્યારે નવાં નવાં અહીં રહેવા આવ્યાં, ત્યારે તેઓ પણ આમ જ ભૂલ ખાઈ ગયાં હતાં.’ લોપા હસતાં હસતાં બોલી.
તે દિવસે મુકુંદભાઈ, તેજસ તથા લોપા ઘરે ગયા પછી ગુણવંતરાય પણ પોતાના રૂમમાં સૂવા માટે ગયા. વારંવાર તેમના મનમાં એક જ વિચાર આવતો હતો કે, પહેલો સગો પાડોશી કહેવાય. પારસ તથા તમન્નાને મુકુંદભાઈએ જ આટલો સાથ આપ્યો છે, લંડન જેવી જગ્યાએ પણ ભારતીય સંસ્કારોનો અમૂલ્ય વારસો અને તેનું જતન કરતા મુકુંદભાઈના પરિવારની સાથે તેમને તેમનો દીકરો પારસ અને તમન્ના પણ દેખાયાં.

લંડનમાં ભારતીય સંસ્કારો અકબંધ છે એ વાત તેમણે અનુભવી અને મનમાં રાહતના શ્વાસ સાથે હંમેશ માટે પારસ સાથે રહેવાનો નિર્ણય કર્યો. સવારે આ વિચારની જાણ જાગૃતિને કરવાનું નક્કી કરી ગુણવંતરાય નિદ્રાધીન થયા.