- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

સાચું સુખ પિયરિયામાં – નિરંજન ત્રિવેદી

[હાસ્યલેખ]

શરૂઆત થઈ હતી મ્યુનિસિપાલિટીની બસોથી. બસોમાં ત્યારે ત્રણ કે પાંચ સીટ સ્ત્રીઓ માટે રિઝર્વ કરવામાં આવી હતી. રેલવેમાં એક ડબ્બો જ સ્ત્રીઓ માટે અલાયદો રાખવામાં આવ્યો છે ઘણાં વર્ષોથી. પણ ત્યારબાદ રેલવેવાળા સ્ત્રીદાક્ષિણ્યની કામગીરી ભૂલી ગયા અને ટિકિટબારી ઉપરની લાઈનોમાં સ્ત્રીઓ માટેની અલગ લાઈન નાબૂદ કરી નાંખી.

ત્યારે આ કેન્દ્ર સરકારે લોકસભા અને વિધાનસભામાં તેત્રીસ ટકા બેઠકો સ્ત્રીઓ માટે રિઝર્વ કરવાની વાત કરી….. એમના સ્ત્રીઓ પ્રત્યેના ઉદાર અભિગમનો પરિચય આપ્યો. પછી તો વાત વધતી ચાલી. આ સ્ત્રીઓને તો આંગળી આપો એટલે પહોંચો પકડે તેવું કરી બતાવ્યું. સરકારે ‘સમૂળક્રાંતિ’ સામાજિક ક્ષેત્રે જાહેર કરી. ગાંધીજી ઈચ્છતા હતા એવી સમૂળી ક્રાંતિ. મૂળ ઉપર અને પાંદડાં નીચે આવી જાય તેવી સમૂળી ક્રાંતિ. સરકારે છેવટે હુકમ બહાર પાડ્યો કે હવે પછી પરણીને કોઈ સ્ત્રી સાસરે નહિ જાય. પણ એને બદલે પરિણીત પુરુષે સાસરે જવાનું રહેશે. મતલબ કે પુરુષે પરણ્યા પછી કન્યાને ઘેર જવાનું. આજસુધી સદીઓથી સ્ત્રીઓને સાસરે જવાની ફરજ પાડવામાં આવતી હતી. તેના બદલા તરીકે હવે પછી પરણીને પુરુષે સાસરે જવું તેવો કાનૂન આવી ગયો.

તાત્કાલિક અમલ કરાવી શકાય એટલે સરકારશ્રીએ આ માટે ખાસ વટહુકમ બહાર પાડ્યો. નગરપાલિકાઓ અને સંસદ માટે સ્ત્રીઓ માટે અનામત બેઠકોની જાહેરાત થઈ પછી સ્ત્રીઓમાં જાગૃતિ આવી ગઈ હતી. અનેક મહિલા સંસ્થાઓએ રજૂઆત કરી કે સ્ત્રીઓને સાસરે મોકલવાને બદલે પુરુષોને સાસરે મોકલો. એ સંસ્થાઓએ નારો જગાવ્યો હતો. ‘આખીર કબતક નારી ઝીંદા જલાએ જાએંગી !’ (હવે પુરુષોનો વારો) અને સત્તા પક્ષે સ્ત્રી મતદાતાઓની વિશાળ સંખ્યા જોતાં આ દાવો મંજૂર રાખી વટહુકમ બહાર પાડી દીધો હતો. રાષ્ટ્રપતિએ પણ રાબેતામુજબ સહી ઝીંકી દીધી હતી. (સહી કરવી અને સહી ઝીંકવી એ બે વચ્ચેનો તફાવત સુજ્ઞ વાચકો સમજી શકે છે.) સહી કર્યા પછી રાષ્ટ્રપતિને ખબર પડી કે આમાં તો પતિએ ઘર છોડવાની વાત છે. નવા વટહુકમથી ખળભળાટ વ્યાપી ગયો. પુરુષોએ હવે કન્યાને ઘેર રહેવા જવાનું !! પણ શું થાય ! કાયદો એ કાયદો. કાનૂન કે હાથ બહૂત લંબે હોતે હૈં.

નવા કાનૂનની પહેલાં અસર કંકોતરીઓમાં દેખાવા માંડી. આજ સુધી કંકોતરીઓમાં કન્યાવિદાયનો સમય એવો ઉલ્લેખ છપાતો હતો હવે એની જગ્યાએ વરવિદાયનો સમય લખાવા માંડ્યો. કન્યાવિદાયની જગ્યાએ વરવિદાયનાં હૃદયદ્રાવક દશ્યો હવે દેખાવા લાગ્યાં. વરવિદાયના સમયે, સૂટેડ-બૂટેડ વરરાજાઓ બાપને વળગીને હીબકાં ભરતા હતા. પચ્ચીસ-સત્તાવીસ વરસ મા-બાપે પાળ્યો હતો. હવે એ ઘર છોડવાનું ! મિત્રો છોડવાના, આ સોસાયટી, આ પોળ, જ્યાં બચપણ અને જુવાનીનાં અનેક સંસ્મરણો જડાયેલાં હોય, એ જગ્યા છોડવાની. વરરાજા હીબકાં ભરતા જાય. વરરાજાના મિત્રો પણ વરરાજાને વળગીને ચોધાર આંસુએ રડે. કેટલાક મિત્રો તો વરરાજાની ટાઈથી આંસુ લૂછે. (સ્ત્રીઓ જેવી રીતે આવા સમયે સાડીના પાલવથી આંસુ લૂછતી હતી.)

કન્યાવિદાયનાં બધાં જૂનાં ગીતો હવે અપ્રસ્તુત બની ગયાં. ‘છોડ બાબૂલકા ઘર’ જેવું સદા બહાર વિદાય ગીત હવે ફીટ થતું ન હતું. અલબત્ત, વરરાજા પણ બાબુલ (પિતા) નું ઘર છોડતો હતો પણ ગીતની બાકીની પંક્તિઓ પ્રસંગ સાથે મેળ રાખતી ન હતી. વરવિદાયનાં ગીતો માટે તાતી જરૂરિયાત ઊભી થઈ છે. લગ્નની વિડિયો-કૅસેટની ડબિંગ-મીક્સીંગનું કામ કરનારાઓ પણ વરવિદાયનાં ગીતો માટે ઝંખે છે. કવિઓ માટે આ રીતે સરકારે તક ઊભી કરી છે. હવે દ્રશ્યો બદલાઈ ગયાં. વરવિદાયના આ પ્રસંગે હવે કન્યાઓ રડતી નથી. આ ઘડીએ કન્યાઓ રુઆબભેર બાજુમાં ઊભી રહી રોતાકકળતા વરરાજાને જોઈ રહે છે. છેવટે વિવેક ખાતર કન્યાઓ વરનાં મા-બાપને કહે છે ‘તમારા પુત્રની ચિંતા ન કરતાં, અમારે ઘરે તેને કોઈ વાતે ઓછું નહિ આવે.’ અને કન્યાનો બાપ પણ વરના બાપને ખભે હાથ મૂકી પુત્ર માટે કોઈ ચિંતા ન કરવાનું કહેતા હોય છે. આ દ્રશ્યો હવે દેખાવા માંડ્યા છે.

રિવાજોમાં પણ નવી પ્રથાને અનુરૂપ ફેરફારો થયા છે. હવે વિદાય લેતા પુત્રને પિતાના ઘર તરફથી મોભા પ્રમાણે આણું કરવામાં આવે છે. દસ-પંદર જોડી પેન્ટ-શર્ટ, ત્રણચાર જોડી સફારીસૂટ…. એક બે જોડી સૂટ આવું બધું વરને વળાવતી વખતે માબાપે આપવા માંડ્યું છે. સમાજે આ નવી પ્રથા અપનાવી લીધી છે. એમાં અપવાદ જરૂર છે. પહેલાં જેમ ‘ઘર-જમાઈ’ ના કિસ્સા ક્યાંક જોવા મળતા તેમ હવે ક્યાંક ક્યાંક ‘ઘર-પુત્રવધૂ’ ના કિસ્સા પણ બને છે ખરા – પણ એ તો અપવાદરૂપ જ.

આ નવીન પ્રથાને કારણે નોકરીના નિયમો ઉપર પણ અસર થવા માંડી છે. પહેલા છોકરીઓને ‘મેરેજ ગ્રાઉન્ડ’ ઉપર લગ્ન પછી બદલી આપવામાં આવતી તેમ હવે બૅંક વીમા કંપનીઓ સરકારી નોકરીઓમાં પુરુષોને લગ્નના કારણોસર બદલીઓ મળવા માંડી છે. નરેશકુમાર શાહ અરજી કરે છે : ‘સાહેબ, મારાં લગ્ન આણંદ રહેતી કન્યા સાથે થયાં છે, તો મારી બદલી આણંદ કરી આપશો જેથી હું મારે સાસરે રહી શકું. સામાજિક વાતોના ઘાટઘૂટ પણ આ નવી પ્રથાના કારણે બદલાયા છે. પહેલાં પ્રસંગે ભેગા થયેલા સંબંધીઓ વાતચીતમાં છોકરાનાં મા-બાપને પૂછતાં કેમ, મીનળબહેન, વહુ ક્યારે લાવો છો ?’ પણ હવે પ્રશ્નનું રૂપ બદલાયું છે : ‘કેમ મીનળબહેન, જમાઈ ક્યારે લાવો છો ?’
‘છોકરાઓ જોઈએ છીએ, આપણા ઘરને અનુકૂળ આવે તેવો જમાઈ મળતાં દીકરીનાં લગ્ન કરી જ નાંખવાં છે.’
બીજા કોઈ ગૃહસ્થ વાત કરે છે :
‘હમણાં અમારે છોકરી પરણાવાની ઉતાવળ નથી. છોકરો છે તેના હાથ પીળા કરી, વિદાય કરીને પછી જમાઈ લાવીશું.’

લગ્ન પછી સાસરે છોકરો જાય છે. થોડાક વખત પછી મા-બાપને મળવા આવે. એટલે કે છોકરો તેના પિયર આવે. (આ પ્રથાનો અમલ થતાં છોકરાનું પિયર શબ્દ ચલણમાં આવ્યો છે.) પોતાના પિયરમાં આવી બચપણના મિત્રોને ફોન કરે.
‘અરે વિનોદ, પંદર દિવસ પિયર રહેવા આવ્યો છું. યાર મળવા આવ. નિરાંતે વાતો કરવી છે.’ વિનોદ પણ ખુશ થતાં કહે. ‘હા, યાર. હું પણ આવતા અઠવાડિયે સાસરે જવાનો છું. તો થોડાક દિવસ સાથે ગાળીએ.’

આ નવી પ્રથાને કારણે એક અગત્યની બાબત છે. ઘર-કંકાસ ઓછા થઈ ગયા છે. કલેશ ઘટી ગયો છે. આનું કારણ માનસિક હતું. આ પહેલાં, પતિગૃહે જતી કન્યાને ઘરને ‘અસ્ક્યામત’ (એસેટ) અને સાસુ-સસરાને જવાબદારી (લાયેબિલિટી) સમજતા – જેમ ગેસનું કનેકશન લેવા માટે ફરજિયાત સગડી અને લાઈટર લેવાં પડે. પણ ગૅસ મળે છે તો ભલે એમ સહી કહી મન મનાવી લે તેમ તે જ તર્ક પ્રમાણે કન્યાને વર-કનેકશન મેળવવા માટે સગડી-લાઈટર જેવા સાસુ-સસરાનો સ્વીકાર કમને કરવો પડતો. આ કારણે લાંબાગાળે ઘરમાં કલેશ થતો.

પણ વરવિદાયની નવી પ્રથાથી માહોલ બદલાઈ ગયો છે. ઘરડાં મા-બાપની સેવાચાકરી હવે વહુને બદલે દીકરીની જવાબદારી થઈ. જે તેને ભારરૂપ ન લાગે એ સ્વાભાવિક છે. આના કારણે મન ઊંચા નથી રહેતાં. વહુના સહેજ ઊંચા સ્વરે બોલાયેલા શબ્દો સાસુ-સસરાને દુ:ખી કરતા પણ દીકરી સાથે લડાઈ-ઝઘડો થાય તો પણ મનદુ:ખ નથી થતું (બચપણથી જ દીકરી તરીકે લડતી-ઝઘડતી, લાડ કરતી, પામતી બધું જ જોયેલું.) એટલે લોહીની સગાઈના સંબંધોએ કૌટુંબિક શાંતિ ઊભી કરી છે. વરવિદાયની પ્રથાના કારણે ઘરડાં ઘરો બંધ થવાનો વારો આવ્યો છે. શ્વસુરગૃહે રહેતા વરને સાસુ-સસરા સાથે કોઈ પ્રશ્નો નથી રહેતા. ઉપરાંત એ લોકો તો જમાઈને બેટા બેટા કર્યા કરે.

હિંદી ફિલ્મોવાળાને, કૌટુંબિક ચિત્રો બતાવનારને ફોર્મ્યુલા માથે પડી છે, ‘થીમ’ બદલાઈ ગયો છે. પોલીસખાતાને રાહત થઈ છે. મહિલાને જલવાના, જલાવવાના કિસ્સા બંધ થયા છે. દહેજનો પ્રશ્ન નથી રહ્યો. આખરે સરકારે સૂઝ બતાવી કન્યાઓને બતાવ્યું કે ‘સાચું સુખ પિયરિયામાં.’