બ…હુ…ઉ લાંબુ દેખું છું – ઝવેરચંદ મેઘાણી

[‘માણસાઈના દીવા’ માંથી સાભાર.]

નીચેની વાત મહારાજ અનેક શ્રોતાજનોને સંભળાવે છે. પાંચેક કાચાં ઘર એકસાથે આવેલાં હતાં. વચ્ચે પાકું મંદિર હતું, બાજુમાં એક ઘાસની ઝૂંપડી હતી. વ્યારા ગામથી દસ-બાર માઈલ ચાલતા અમે જ્યારે એ રાનીપરજ મુલકના ઘાટા નામના ગામે પહોંચ્યા ત્યારે વેળા બપોરી થઈ હતી.
‘આંહીં રહે છે ભગત.’ મારી સાથેના રાનીપરજ ભોમિયાએ આ પાંચ ઘરનું મંદિરવાળું ઝૂમકું બતાવીને કહ્યું. મેં ત્યાં જ પૂછ્યું : ‘ભગત કંઈ છે ?’
જવાબ મળ્યો : ‘એ તો ખેતરમાં છે.’
ખેતર નજીકમાં હતું. ત્યાં ગયા. કોસ ફરતો હતો, અને એક માણસ ત્યાં લાકડા પર બે હાથ ટેકવીને ઊભો હતો. એણે એકમાત્ર પોતડી પહેરેલી તદ્દન સૂકું શરીર, કાળો કીટોડા જેવો વર્ણ, મોમાં દાંત ન મળે ને ખૂબ ઘરડો.
‘આ પોતે જ એ….’ સોબતીએ ઓળખાવ્યો.
‘આ પોતે જ એ !’ મને આશ્ચર્ય થયું. 1911ની ઈટોલામાં મળેલી ‘આર્ય ધર્મ પરિષદ’ માં જ્યારે સ્વામી નિત્યાનંદજી ગુરુકુળનો ફાળો કરાવતા હતા ત્યારે એક માણસે ઊઠીને જાહેર કરેલું કે ‘નોંધો મારા તરફથી દર વર્ષે એકસો ને પચ્ચીસ મણ ભાત.’ ત્યારે મેં નવાઈ પામીને પૂછ્યું હતું કે ‘આવો મોટો એ કોણ છે !’ ત્યારે જાણ્યું હતું કે એ વ્યારા તાલુકાના શુદ્ધ આદિવાસી – ગામીત છે : નામ અમરસંગ છે : બાપ ભગત છે : ઘરે અન્નક્ષેત્ર ચાલે છે.

તે પછી 1929માં વ્યારા તાલુકામાં દારૂ-નિષેધની ચળવળ માટે ફરતા હતા, ડોસવાડા ગામે સભા હતી, તેમાં એક રેશમી ફટકાવાળા રૂપાળા જુવાને સુંદર ભાષણ કર્યું હતું. મેં પૂછ્યું : ‘આ કોણ છે ?’ જાણવા મળેલું કે રાનીપરજ વિદ્યાર્થી છે : ‘અમારે એક ભગત છે તેના પૌત્ર છે : એને ઘેર અન્નક્ષેત્ર ચાલે છે.’ ત્યારથી ભગતને જોવાને ઈચ્છા હતી. એ દિવસે જઈને જોયા : કાળો કીટોડા જેવો સાવ સૂકલ દેહ. એક પોતડીભેર બોખું મોં, લાકડી પર હાથ ટેકવીને નમેલું શરીર.

મેં નમસ્કાર કર્યા. સામા એણે કર્યા. પણ મોં તો હસ્યા જ કરે : હસવું મોં પરથી ક્ષણ પર ખસે નહીં. પ્રાથમિક પૂછપરછ ને પિછાન પછી મેં પૂછ્યું : ‘ભગત, કેટલી ઉંમર હશે ?’
‘ઉંમર !’ હસી રહેલા એ શ્યામ, સૂકલ બોખા મોંએ જવાબ દીધો : ‘ઉંમરની તો શી ખબર ! લાંબું દેખું છું, બ…હુ…ઉ લાંબું દેખું છું. સરકારનું રાજ નો’તું ત્યાર વેળાનો છું. ચાલો, ઘેર જઈએ.’
ચાલતાં ચાલતાં મેં પૂછ્યું : ‘દારૂ પીઓ છો ?’
‘ના પણ તમારા જેવડો જુવાન હતો ત્યારે પીતો.’ નેં મોં હસ્યા જ કરે.
‘તમારા પિતા પીતા ?’
‘હા એ પીતા, પણ પછી છોડેલો – એક સાધુના કહેવાથી પોતે છોડ્યો પણ મને કહે કે ‘બેટા, દારૂ બહુ ખરાબ છે : ન પીવો જોઈએ… પણ તું પીજે !’ બાપે એમ ‘પીજે’ કહ્યું તેથી મેં પણ છોડ્યો.’
‘બાપાએ કેમ કહ્યું કે ‘પીજે ?’’ મેં નવાઈ પામીને પ્રશ્ન કર્યો.
ભગત કહે : ‘એમ કહ્યું કારણ કે હું તેનો એકનો એક દીકરો પીતો બંધ પડું એ પોતાને ગમે નહીં. પણ તેથી જ મેં છોડ્યો.’

માણસના મનોવ્યાપારની આ નિગૂઢ, નિર્મલ અને સરલ ગતિ પર વિચાર કરું છું ત્યાં ઘર આવ્યું ને ભગતે તેના અવિરત મલકાટ સાથે મને કહ્યું : ‘આ અમારું ઘર. ડાકોરથી નાસિક જનારા સાધુઓનો આ વિસામો. ટોળેટોળાં આ માર્ગે ચાલ્યાં જાય. ને મારો બાપ તો નહીં પણ મારી મા એ સૌ સાધુઓને અહીં લોટ અગર ચોખા આપે. આ લપછપમાં મારો બાપ પડે નહીં; કોણ આવ્યા ને ખાઈ ગયા એ વાતથી એને કંઈ નિસ્બત નહીં.’

ફરી પાછું હસીને એ બોખું મોં ખોલ્યું : ‘એક વાર મારા બાપાને એક કાવડિયો (પૈસો) જડ્યો. જનમ ધરીને કદી કાવડિયો અગાઉ દીઠેલ નહીં, એટલે નવાઈનો પાર ન રહ્યો. હાથમાં રાખીને ફર્યા જ કરે ! એમાં એક સાધુ આવી ચડ્યા. બાપે કાવડિયાનું શું કરવું એ મૂંઝવણમાંથી છૂટવા માટે કાવડિયો સાધુને આપ્યો. અને સાધુએ અમારા ઝૂંપડાના છાપરા પર હાથ લંબાવી, છાપરાના સૂકલ ઘાસમાંથી એક ચપટી ભરીને બાપાને કહ્યું : ‘લે, બેટા, દારૂ ન પીજે. તારું સારું થશે તને ધન મળશે.’

‘ધન મળ્યું ખરું ?’ મેં વચ્ચે ઉતાવળે પ્રશ્ન કર્યો. એણે જવાબ વાળ્યો – હસતે મોંએ : ‘મળ્યું હશે કંઈ ખબર નહીં. પણ દાણા ઘણા થયા. ડાંગર ખૂબ પાકી. પછી મા મરી ગઈ. એટલે બાપા કહે કે, તારી માની પાછળ એનું અન્નક્ષેત્ર તો મારે ચાલુ રાખવું જ જોઈએ. ને એણે મૂઈ માનું કામ સંભાળ્યું. પછી થોડે વર્ષે બાપો મરી ગયો, એટલે મને થયું કે, બાપે ચાલુ રાખેલું માનું કામ મારે પણ ચાલુ રાખવું જોઈએ.’ થોડો વિસામો ખાઈને એણે કોઈ અદશ્ય ચોપડો વાંચતો હોય એવી રીતે ચલાવ્યું : ‘અમારે ત્યાં રિવાજ એવો કે દાણા ઘર બહાર વાડામાં મોટા પાલવ કરીને ભરી રાખીએ. દાણા ઘરમાં ભરવાનો રિવાજ જ નહીં. એમાં છપ્પનિયો દુકાળ આવ્યો. છોકરો અમરસંગ કહે કે, ‘બાપા, દાણા સંતાડી દઈએ.’ મેં કહ્યું કે ‘અરે, દાણા તે કંઈ સંતાડાય ? દાણા તો પરમેશ્વરે ખાવા સારું આલ્યા છે, એને સંતાડાય નહીં. સંતાડીએ તો પરમેશ્વર આલે નહીં.’ એ કહે કે ‘લોકો લઈ જશે.’ મેં કહ્યું : ‘લઈ શીદ જાય ?’ તો કહે કે : ‘ખાવા.’ મેં કહ્યું કે : ‘અમરસંગ, ખાવા માટે તો દાણા છે : દાણાનો બીજો શો ખપ છે ? ખાવા દેને જેટલા ખાવા હોય તેટલા !’

દાણા વિશેનું સાચું તત્વજ્ઞાન ચર્ચતો કોઈ દાર્શનિક આ ડોસાની અંદર મને દેખાયો. મેં કહ્યું : ‘પછી ?’ ‘પછી તો ખૂબ મે’ વરસ્યો. ડાંગરનો પાક ઊગયો. પણ પાકવા આડો એકાદ મહિનો રહ્યો, ને અમારું અનાજ ખૂટ્યું. એક દિવસ અમારા ઘરમાં ફકત એક જ ટંક ચાલે તેટલા વાલ રહ્યા : બીજું કંઈ ન મળે. અમરસંગની વહુએ આંધણ મૂક્યું. વાલ ઓરવાની ઘડી વાર હતી તે જ વખતે છોકરાં બહારથી દોડી આવીને કહેવા લાગ્યાં : ‘જંગલમાં ચાર ફકીર છે !’ (જંગલ અમારા ઘર પાસે જ હતું.)
ફકીર છે એ સાંભળીને તરત મેં કહ્યું : ‘વહુ વાલ ઓરશો નહીં.’
બોખું મોં હસ્યું ને પાછું ચાલતું થયું : ‘વાલ હતા તે ચારેય ફકીરોને આપી દીધા. એમણે એ રાંધીને ખાધા, અમે સૌ ભૂખ્યાં રહ્યાં, પણ વરસાદ વરસવા લાગ્યો, એટલે ફકીરો તો રોકાઈ રહ્યા. એટલે આખી રાત મારા મનમાં એક જ વિચાર ચાલ્યા કર્યો કે, સવારે ફકીરોને શું આપશું !’

અહીં મેં વિચાર્યું : ‘આ તો જુઓ ! સવારે પોતે અને કુટુંબ શું ખાશે એનો વિચાર એને ન આવ્યો – ફકીરોનો આવ્યો !’ આટલા વિચાર પછી મહારાજે ભગવતી કથાનો ત્રાગડો પાછો પકડ્યો : ‘મેં અમરસંગને કહ્યું કે હવે બીજે ટંકે ફકીરને શું આપશું ? છોકરો કહે કે બાપા, ચાલો વ્યારે. ત્યાંથી આપણે દાણા ઉછીના લઈ આવીએ. મેં કહ્યું કે, આપણને કોણ આપશે ? છોકરો કહે કે, આપશે, ચાલો.
‘અમારું ગાડું વ્યારાની ભાગોળે પહોંચ્યું ત્યાં એક શેઠ સામા મળ્યા. હું તો એને નહોતો ઓળખતો પણ મને એણે ઓળખ્યો, અને નવાઈ બતાવી : ‘અરે ભગત ! તમે અહીં ક્યાંથી ?’ કારણકે હું કદી અગાઉ વ્યારા જેટલેય આવેલો નહીં. મેં કહ્યું : ‘દાણા ઉછીના લેવા આવ્યો છું.’
એ કહે કે ‘જોઈએ તેટલા લઈ જાવ ને ! ચાલો તમારે દાણા જોઈએ તો કોણ નહીં આપે !’
‘ગાડું શેઠે પોતાની દુકાને હંકારાવ્યું, દુકાને જઈને મેં કહ્યું : કળશી ચોખા આપો ને બીજા એક મણ શક્કઈ (ઊંચા ચોખા) આપો.’

માગ્યા તેટલા શેઠે આપ્યા. ગાડું ભર્યું ને પછી મેં છોકરાને કહ્યું : ‘અમરસંગ, તું જા; હું અહીં શેઠનું કામ કરવા રોકાઈશ. તું આપણો પાક થાય ત્યારે ચોખા ભરીને પાછો આવજે, ને મને લઈ જજે. અમરસંગ ગાડું હાંકીને ચાલવા માંડ્યો ત્યારે શેઠની નજર મારા તરફ પડી. મને બેઠેલો જોઈને શેઠે કહ્યું : ‘અરે, તમે કેમ રોકાયા ?’
મેં કહ્યું : ‘તમારું કામ કરવા’
‘કામ શાનું ?’
‘કેમ ! તમારા દાણા લીધા તે પાછા આપું ત્યાં સુધી તમારે ઘેર કામ કરવા રહેવું જ જોઈએ ને ?’
‘અરે ભગત, તમે આ શું બોલો છો ? તમારી પાસે કામ કરાવાય ! અને મેં તમને ક્યાં ઉછીના આપ્યા છે ? તમે તો ઘણાંને દીધું છે.’
‘પછી તરત જ મને એ ગાડામાં વિદાય કર્યો. હું ગયો અને વરસ સારું પાક્યું. એટલે બધા દાણા વાણિયાને ચૂકવી આપ્યા. પછી ગામનાં લોકો બધાં ભેગાં થયાં અને મને કહે : ‘ભગત, તમે કાળ વરસમાં લોકોને દાણા પૂર્યા, માટે તમારી ધરમની ધજા બંધાવો.’

લોકોના આ શબ્દો સંભારીને ભગત મારી સામે જોઈને હસ્યા, અને કહેવા લાગ્યા કે ‘ધરમની ધજા તે બંધાવાય ? મેં શું દાન કર્યું છે તે હું ધરમની ધજા બંધાવું ! અમારા ખાતાં જે વધ્યું તે અનાજ અમને શા ખપનું હતું ? એ અનાજ લોકો ના વાપરે તો તેનું શું થાય ? વધેલું અનાજ વાપરવા આલ્યું તેની તે કાંઈ ધરમની ધજા હતી હશે ? અમને તો અનાજનો કોઈ દિવસ તૂટો આવ્યો નથી.’

પછી મારી સામે જોઈને ફરી પાછા બોલ્યા – ને આ બોલતી વખતે તેમના મોં પર હાસ્ય નહોતું : ‘પણ હવે તૂટો આવવા લાગ્યો છે. અમારે અમરસંગનો છોકરો છે ને, તે આમ ક્યાંક દૂર દૂર ભણવા ગયો છે’ એમ કહીને એમણે કોઈ દૂર અગમ્ય સ્થળ બતાવવા પોતાનો હાથ લંબાવ્યો. ‘અને તે એકલો જ અમારા આખા કુટુંબ જેટલું ખાઈ જાય છે.’
પ્રથમ તો હું ન સમજ્યો. પછી મને સમજ પડી કે આ ભગતનો પૌત્ર કવિવર ટાગોરના ‘શાંતિનિકેતન’ માં ભણતો હતો, અને ત્યાંના ભણતરના ખર્ચની જે મોટી રકમ પૂરવી પડતી હતી તેને માટે વેચી નાખવા પડતા ઘરના દાણાના મોટા જથ્થાને અનુલક્ષીને ભગત આમ બોલ્યા કે, ‘તે એકલો જ અમારા આખા કુટુંબ જેટલું ખાઈ જાય છે !’ આધુનિક કેળવણી ઉપરનો આ કટાક્ષ અતિ વેધક હતો ! પણ ભગત એ કટાક્ષરૂપે નહોતા બોલ્યા. પોતાને નથી સમજાતું એવું કંઈક કુટુંબ-જીવનમાં બની રહ્યું છે – એટલો જ એનો મર્મ હતો. ‘ને હવે તો –’ ભગત ફરી પાછા હસીને બોલ્યા : ‘હવે તો ગાડી થઈ ગઈ એટલે ડાકોરથી નાસિક જતાં સાધુઓ અહીં નથી આવતા પણ ધગડા (પોલીસ) આવે છે ! અને એ પણ અહીં ખાય છે.’

અમારી વાત પૂરી થઈ ગઈ, અને મારે ભગતને ઘેર રાત રોકાવું પડ્યું કારણ કે પોતાને ત્યાં આવનાર કોઈને પણ એ જમ્યા વિના જવા દેતા નહીં, અને હું એક ટંક આહાર લેતો હોવાથી સાંજે મારાથી જવાય તેમ નહોતું. વળતે દિવસે જમીને હું ત્યાંથી નીકળ્યો. તે ઘડીથી આજ સુધી મારા મનમાં એક વાક્ય ગુંજી રહ્યું છે : ‘લાંબું દેખું છું… બહુ…બહુ… લાંબું દેખું છું. સરકારનું રાજ નહોતું. તે પૂર્વે હું હતો.’

તે દિવસથી હું કાળા કીટોડા જેવા, સૂકલ હાડપિંજર-શા, એક જ પોતડીભર રહેતા અને નિરંતર હસ્યા જ કરતા ગામીત આદિવાસીને ‘કળિયુગના ઋષિ’ કહી ઓળખાવું છું.
કળજુગના ઋષિ એ અર્થમાં કે, ગીતામાં જે અનાસક્તિયોગ કહ્યો છે, તેનું સવાયું આચરણ મને આ માણસમાં દેખાયું છે. પોતાની જરૂરિયાતો પ્રત્યે ઉદાસીનતા હોવા છતાં કાર્યમાં તો એ ખૂબ રસ બતાવતા અને પ્રયત્નવાન રહેતા. પોતાને ખાવા પૂરતું અનાજ તો એ દોઢ-બે વીંઘામાંથી ઉત્પન્ન કરી લેતા પણ – તે છતાંય, જમીન વધાર્યે જ જતા, વધાર્યે જતા – અને લોકો માટે એ અનાજ આપી દેતા. જમીન વધારતાં નીપજ વધી, પણ એની જરૂરિયાત વધી ન હતી. આવો નિષ્કામ કર્મયોગ આચરતા એ યોગી હતા. થોડાં વર્ષ પર એ ગુજરી ગયા.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સાચું સુખ પિયરિયામાં – નિરંજન ત્રિવેદી
બે ગઝલો – સંકલિત Next »   

26 પ્રતિભાવો : બ…હુ…ઉ લાંબુ દેખું છું – ઝવેરચંદ મેઘાણી

 1. કહે છે સોમાથી એક સારો ભાષણકાર હોય, દસ હજારમા એક જ્ઞાની..પણ લાખોમા કોઈક જ દાનવીર હોય…

  જે મારા ભાગનુ નથી તેને બધામાં વહેચવુએ માનવીનો પાયાનો ધર્મ છે. ભગતજી ના નિષ્કામ કર્મયોગ ને મારા સલામ..

 2. gopal h parekh says:

  નિષ્કામ કર્મયોગીને પ્રણામ

 3. jagdish says:

  વ્યારા ના લોકો ને આનિ ખબર હોય જ ને!!!!!!!

  બહુ સરસ વાત
  બહુ સરસ ભાવના!…..

  તમને બધાને જગદિશ

  તરફ થિ શુભ કામના……

 4. કઈ જ આશા રાખ્યા વગર નુ કામ એ કામ નથિ સેવા ચે……..

 5. deven says:

  i am not able to find any words to make any coment on such a STHIITPRAGYA MANAS.

 6. rajesh trivedi says:

  બહુ જ અદભૂત શું ખરૅખર સંસાર માં આવા સ્થિત પ્રગ્ન માનવીઓ પણ વસતા હશે? આ યુગ પુરુશ ને સલામ.

 7. bharat dalal says:

  I read the book of Mansaina Diva when I was studying in the school in 1948. This has left on my mind the impression of the meaning of a Real Mansai. This book should be made widely available and be read in the secondary school as a compulsary reading.

 8. Vipul Chauhan says:

  જ્વલ્લે જ જૉવા મળે આવા માનવી

 9. yunus meman says:

  કલ નુમાઈશ મે મિલા વો ચિથડે પહેને હુવે,,,
  મેને પુચા નામ? તો બોલા કે “હિન્દુસ્તાન” હુ,,,

 10. Jayant Thacker says:

  I am very happy to read Shri Zaverchand Meghani after long long time. No word to say anything about ‘Unchera Manavi” Bhagat, he is real ‘Danveer’.

 11. dr arvind patel, kadegaon says:

  It is not easy to coment on Zaverchad

 12. jigisha v shah says:

  આ સાહિત્ય સમાચાર ખુબજ સુદર લાગ્યા

 13. Chetan says:

  Simply amazing man……………………………
  I salute him………

 14. jignesh says:

  લામ્બુ દેખુ ચ્હુ, … લામ્બુ … બહુ …….. બહુ …….બહુ લામ્બુ દેખુ ચ્હુ ….. સરકર નુ રાજ ના હતુ , તે પુર્વે હુ તો …..

 15. Keyur Patel says:

  નિષ્કામ કર્મયોગ – અતિ કઠિન વાત જીવન મા કેવી રીતે જીવવી, તે આ જીવન સમજાવે છે.

 16. Bhavna Shukla says:

  Aa vat “Aajna” Santo ane potane khud bhagwan tarike olkhavata pap narayano ne jai ne kaheshe kharu ? Bhagvo mahyla ma dhare ne potadi rang vagarni pahere te Bhagat.
  Anek Vandan Bhagatji ne.

 17. Deepak says:

  માગિને પોતાનુ પેટ ભરે તેને ભિખારી કહેવાય્
  અને માગિને બીજાના પેટ ભરે તેને સન્ત કહેવાય્

 18. Veena Dave says:

  Pujya Zaverdada and kaliyug na rushi ne salute.

  Veena Dave
  USA

 19. Vishal Jani says:

  કળિયુગના ઋષિ – એકદમ સચોટ અંલકાર

 20. BINDI says:

  I AM SPEECHLESS!!!!!
  મારા સો સો સલામ ભગતજી ને!!!!

 21. Saifee S Limadiawala says:

  આવા અદભૂત માનવી ગુજરાત ની જ ધરતી પેદા કરી શકે !!!

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.