મારી બા – તરલા મહેતા

[‘માતૃ-પ્રદક્ષિણા’ પુસ્તકમાંથી સાભાર]

મારી બાનું નામ શિવલક્ષ્મી. કાઠિયાવાડમાં કોડિનાર ગામના ચુસ્ત વૈષ્ણવ વકીલ કુટુંબની છોકરી. બાર-તેર વર્ષે ભાવનગરના શિક્ષક જાદવજી માસ્તરના ઈજનેરી ભણાતા પુત્ર કાલિદાસ સાથે લગ્ન થયાં હતાં. જાદવજી માસ્તર સુધારાવાદી કેળવણીકાર. હવેલીધર્મ, કર્મકાણ્ડ અને રૂઢિચુસ્ત સામાજિક વિચારોમાં માને નહીં. વહુને લખતાંવાચતાં આવડવું જોઈએ. લાંબો ઘૂમટો તાણીને વહુ ઘરમાં ઘૂમ્યા કરે એ ન પરવડે. બહાર તડકામાં ખુલ્લે પગે પાણી ભરવા જાય એ તો કોઈ રીતે ન પરવડે. સસરાજીએ કાયદો કર્યો. વહુ પાણી ભરવા અવશ્ય જાય, પણ ખરે તડકે બહાર નીકળે ત્યારે પગમાં બૂટ પહેરીને નીકળે.

છોકરી મનમાં મૂંઝાય. સસરાજીની આજ્ઞાનું ઉલ્લંઘન ન થાય, પણ ગામની સ્ત્રીઓ ટીખળ કરે એનું શું ? એણે તોડ કાઢ્યો. સસરાજી ઘરની ડેલીમાંથી જોતા હોય ત્યાં સુધી બૂટ પહેરીને પાણીએ જવું, પણ શેરીનો વળાંક આવે અને સસરાજીની નજર ન પહોંચે ત્યારે પગમાંથી બૂટ કાઢી હળવેકથી સાડલાની ઓટીમાં છુપાવી લેવા. પાણી ભરીને આવતી વખતે પણ એમ જ શેરીને નાકે આવતાં જ બૂટ પગમાં પહેરીને પછી જ ઘરમાં દાખલ થવું. એ છોકરી – આખું નામ શિવલક્ષ્મી કાલિદાસ ગાંધી – એ મારી બા. અને સુધારાવાદી સસરાજી એ મારા દાદા.

મારા દાદા પોતે માસ્તર અને કેળવણીના પ્રચારક. દીકરાને ઈજનેરીનું શિક્ષણ. દીકરીઓને સાત ચોપડી ભણાવી જ અને જમાઈઓ પણ ગ્રૅજ્યુએટ શોધ્યા. એ જમાનામાં દહેજમાં ‘સરસ્વતીચંદ્ર’ના ચાર ભાગ અને ‘ચંદ્રકાન્ત’ ના બે ભાગ તો ખરા જ.

આવા વાતાવરણમાં ઘરની વહુ અભણ હોય તે કેમ ચાલે ? દાદાને બાને ભણાવવાનું શરૂ કર્યું. બા દાદાની લાજ નહોતાં કાઢતાં પણ આમન્યા ગજબ રાખતાં. દાદાજી પરસાળમાં હીંચકે બેસે, અંદર ઓરડામાં બા હોય અને ઉંબરે મારાં મોટાં બહેન શાંતા – ત્યારે એ ત્રણેક વર્ષનાં હશે. દાદાજીએ બાને શાંતાબહેનનું નામ લઈ, નિમિત્ત બનાવીને ભણાવવા માંડ્યાં. ધીમે ધીમે બાને આ બધું ગમવા માંડ્યું.

એક દિવસ દાદા કહે : ‘શાંતા, તારી બાને કહે કે આજથી ગીતાજીના સંસ્કૃત શ્લોક એક એક કરીને શરૂ કરીએ છીએ.’ બા ભડક્યાં. : ‘સંસ્કૃત ? ઓય મારી માડી. ના, ના. મરી જાઉં તોય ના. ઈ બધું મને યાદ નો રિયે.’ દાદાજી અને બા વચ્ચે ઘણી ચડભડ અને દલીલબાજી પછી આખરે તડજોડ થઈ. બા ગીતાજીનો એક શ્લોક શીખવા રાજી થયાં. શાંતાબહેનને ઉંબરે બેસાડ્યાં અને સંસ્કૃત પાઠ ચાલુ થયો. થોડા દિવસમાં બાએ એક શ્લોક મોઢે કર્યો. પહેલો અને છેલ્લો. સંસ્કૃતમાં બાનું મન ના લાગ્યું પણ વાંચવા-લખવાનું ઝડપથી શીખતાં ગયાં. સાંભળ્યું છે, સાત ચોપડી જેટલું ભણ્યાં. દાદાજી અને બાપુજી ઘરમાં સાહિત્યનાં સામાયિકો, ‘સરસ્વતીચન્દ્ર’ જેવી નવલકથાઓ આણે અને બા હોંશે હોંશે વાંચે. મારી બાનો વાચનનો શોખ જીવનની છેલ્લી ઘડી સુધી રહ્યો. છાપાં વાંચવાનો શોખ પણ એવો જ. ઉપરાંત નવું નવું જોવાનો, શીખવાનો, અપનાવવાનો ઉત્સાહ કોણ જાણે ક્યાંથી કેળવ્યો.

બાપુજીએ ઈજનેરી પાસ કરી એટલે એમને મહારાષ્ટ્રમાં માલેગાંવમાં ઓવરસિયરની પહેલી નોકરી મળી. ગામની બહાર પી.ડબલ્યુ.ડીના કવાર્ટર્સમાં નાનું ઘર. બાપુજીનું કામ મોટરસાઈકલ ઉપર બેસીને ડિસ્ટ્રિક્ટમાં ફરતા રહેવાનું. બે-બે, ચાર-ચાર દિવસ સુધી ઘરે પાછા ન ફરી શકે. પારકા પ્રદેશમાં પારકી જબાનવાળા લોકોની વચ્ચે બાને અને નાની પુત્રીને ઘરમાં એકલાં છોડતાં ડરે. એમણે રસ્તો કાઢ્યો. બારણે તાળું મારીને ડિસ્ટ્રિક્ટમાં આંટો મારવા ઊપડી જવું. બાને ઘરમાં કોઈ વાતની તકલીફ ન પડે એની પૂરી તૈયારી કરીને. થોડો વખત એમ ચાલ્યું. પણ મારાં બા ! એમણે તોડ કાઢ્યો. બારીમાંથી ડોકિયું કરી, પાસે રહેતા મરાઠી કારકુનોની પત્નીઓને બોલાવી ત્રુટક ત્રુટક વાર્તાલાપ શરૂ કર્યો. અને ધીમે ધીમે મરાઠી રીતભાત, રસોઈ, બોલી, પહેરવેશ, કહોને અદા, સાવ સાહજિકતાથી અપનાવી લીધાં. એટલે સુધી કે જ્યારે બાપુજી પૂનામાં ચીફ ઈજનેરને હોદ્દે પહોંચ્યા ત્યારે બા ખાસ્સાં પૂણેરી બની ગયેલાં. અસ્ખલિત મરાઠી બોલે, મરાઠી રસોઈ-વરણભાત, કાલવણભાત, થાળી પીઠ અમારા ઘરમાં રોજિંદા બને. ‘હળદી-કંકુ’નો શુદ્ધ મરાઠી રિવાજ અમારા ઘરે અપનાવી લીધો હતો. સાંભળ્યું છે કે પૂનામાં ટિળક રસ્તા ઉપર મહારાષ્ટ્ર વ્યાયામ શાળાના તરણહોજ જેવા મોટા પહોળા કૂવામાં દામલેસર પાસે બા તરતાં પણ શીખ્યાં. અમે પૂછીએ : ‘હેં બા, તમે તરતી વખતે સ્વિમિંગ કૉસ્ચ્યુમ પહેરી તરતાં ?’ બા જવાબ આપે : ‘જા રે, એઈને મરાઠી કછડો પહેરીને.’ બાના નવ વાર સાડી, નાકમાં નથ અને અંબોડે વેણીવાળા ફોટાઓ એ વાતની સાક્ષી પૂરે છે.

બાપુજીની બદલી જૂનાગઢમાં થઈ. જૂનાગઢના નવાબી સ્ટેટના કાર્યકારી ઈજનેર તરીકે. જૂનાગઢનો વેલિંગ્ડન ડેમ એમના હાથ નીચે બંધાયો. વેલિંગ્ડન ડેમના ઉદ્દઘાટન પ્રસંગે અનેક સમારંભો થયા. એમાં લોર્ડ અને લેડી વેલિંગ્ડનના માનમાં એક મોટી મિજબાની ગોઠવાઈ. બાપુજી અને બા, ગાંધીસાહેબ અને મિસિસ ગાંધીને નામે મસમોટું નિમંત્રણ. બંને ગયાં. મિજબાનીમાં મુખ્ય ટેબલની આજુબાજુની ખુરસીઓ ઉપર બેસવાનું આવ્યું ત્યારે બાપુજી અકળાયા, કારણ બાપુજીને એકબીજાથી દૂર અલગ રીતે, સામસામી બાજુએ બેસવાનું આવ્યું હતું અને બાની ખુરસીની બંને બાજુએ બે ગોરાઓ ગોઠવાયા હતા. બાપુજી થોડી થોડી વારે મૂંઝાઈને બા તરફ જુએ કે આનો શો તાલ થતો હશે. પણ બા તો બંને ગોરાઓ સાથે નિરાંતે ગપ્પાં મારતાં હોય એવું ભાસે. સમારંભ પત્યે, એકાંતમાં બાપુજીએ બાને પૂછ્યું : ‘કાંઈ બાફ્યું તો નથી ને ?’ બા કહે : ‘હોય કાંઈ ? હું તો “યસ-યસ, નો-નો” ને કંઈ સમજણ ન પડે ત્યારે ડોકું હલાવીને મારું ગાડું ગબડાવતી’તી. આ “યસ-યસ, નો-નો” પછીથી અમારા કુટુંબનો પ્રાઈવેટ જૉક બની ગયો હતો.

બાનું વ્યક્તિત્વ જાજરબાન, સુંદર, પ્રભાવશાળી. બા પારસીઢબે પટ્ટાવાળી જ્યૉર્જેટની લાંબો પાલવ રાખેલી સાડી પહેરીને કલબમાં જતાં. દિલરૂબાં શીખતાં. ગાંધીસાહેબનાં પત્ની તરીકે સાહેબશાહી બરાબર માણતાં.

પણ એ સાથે સાથે જ ઘરમાં એમનો આતિથ્યસંસ્કાર કાઠિયાવાડી ગરિમાથી ભર્યોભર્યો હતો. જૂનાગઢનો અમારો બંગલો હંમેશાં માનવમહેરામણથી ઊભરાતો. બાપુજીના સહકાર્યકર્તાઓ, મિત્રો, સગાસંબંધીઓ, ગિરનારની યાત્રાએ આવેલાં મહેમાનો, બહોળો નોકરવર્ગ અને એનાં કુટુંબીઓ અવારનવાર અમારે રસોડે જમતાં. નાતધરમ, છૂતાછૂતનો કોઈ છોછ નહીં. તીરમીજીસાહેબ, હસન ટાંગાવાળો, દાઉદ ડ્રાઈવર, છીબો પગી, નાથીબાઈ ને એની દીકરી, ને અમારી દોસ્ત જસુ ઈત્યાદિ. કોડિનારના વૈષ્ણવ કુટુંબની નારી બધાંને પ્રેમથી જમાડતી, મીઠા લહેકા અને લહેજાવાળી કાઠિયાવાડી ભાષામાં તાણ કરીને. બા બહુ મીઠી સોરઠી બોલી બોલતાં. બાલ્યવયનું એક ખાસ સ્મરણ : રસોડા પાછળથી મોટી ઓસરીમાં બા છાશ વલોવે છે. આજુબાજુમાં ગરીબગુરબાંની કતાર લાગી છે. એ બધાં વચ્ચે અમે બાળકો દોડાદોડી કરીએ છીએ.

અમે ચાર ભાઈબહેનો. મોટી બે બહેનો અને અમે ભાઈબહેન વચ્ચે ખાસ્સો આઠ-દસ વર્ષનો ગાળો હતો. ભાઈ મારાથી બે વર્ષ મોટો. મોટી બહેનો મુંબઈમાં હૉસ્ટૅલમાં રહીને ભણતી. અમે બે ભાઈબહેન ઉપરાંત મારાં સદગત ફોઈનાં બે બાળકોને પણ મારાં બા ઉછેરતાં. વળી, વૅકેશનમાં તો માસીનાં, મામાનાં ને બીજાં પિતરાઈ ભાઈબહેનોથી અમારું ઘર ઊભરાતું. એકસરખી વયનાં બાળકોની એક પ્લેટૂન થતી ઘરમાં. બા બધાંની વહાલસોઈ સરભરા કરતાં. સહુનાં પોતે બા બની રહેતાં. રાતે બંગલાના લાંબા વરંડામાં એકસરખી હારમાં કરેલી પથારીમાં પડ્યાં પડ્યાં અમને વાર્તાઓ સંભળાવતાં ત્યારે, બાના પડખામાં સૂવાના અમે સહુ વારા કાઢતાં.

બાનું હૃદય કુમળું પણ અડગ. નિર્ણય લેવાની એમની શક્તિ અજોડ. ખાસ કરીને એમના છોકરાઓને લાગેવળગે છે ત્યાં સુધી. બાપુજીની બદલી પાછળથી અમદાવાદમાં ચીફ ઈજનેર તરીકે થઈ હતી. મને અને મારા ભાઈને ત્યાંની સી. એન. વિદ્યાવિહાર શાળામાં દાખલ કર્યાં હતાં. સ્નેહરશ્મિ, ભાસ્કરરાવ વિદ્વાંસ અને કોઈ વાર ઉમાશંકર જોશી જેવાઓનું માર્ગદર્શન મળતું. મને એ શાળામાં ખૂબ મજા પડતી. 1942ની ‘કરો યા મરો’ ની ચળવળ શરૂ થઈ. અમારી શાળા એ બધામાં મોખરે. અચાનક, બાપુજીએ મને શાળામાંથી ઉઠાડી લીધી અને ગવર્નમેન્ટ ગર્લ્સ સ્કૂલ નામની એક સરકારી શાળામાં દાખલ કરી, જ્યાં મારો જીવ જરાય ચોંટે નહીં. થોડા વખત માટે એ શાળામાં ગઈ ખરી, પણ સાથે સાથે ઘરમાં એક પ્રકારનો અસહકાર પણ શરૂ કર્યો. ભૂખ-હડતાળ પર જવાની ધમકી આપી. મારાં બા મારા કુમળા હૃદયમાં ધૂંધવાતા અગ્નિને પારખી ગયાં. બાપુજી સામે મારો પક્ષ તાણી, મકક્મતાથી ઊભાં રહ્યાં. છેવટે એમને મનાવી લીધા. હું થનગનતા હૃદયે પાછી સી.એન. વિદ્યાવિહારમાં દાખલ થઈ.

મારા બાપુજી ! એક નિષ્ણાત ઈજનેર. કુશાગ્ર બુદ્ધિ. પોતાના કામમાં ગળાડૂબ. ઘરે આવે ત્યારે પણ સહકાર્યકરોથી વીંટળાયેલા જ હોય. જમવાના ટેબલ ઉપર એમના મિત્રો સાથે કામની વાતો ચાલતી હોય. નહીં તો મોટી બહેનો ઘેર હોય ત્યારે રાજકારણની ઉગ્ર ચર્ચાઓ. હું ને મારો ભાઈ એમનાથી અંજાતાં. બાની સોડમાં ભરાઈને અહોભાવથી એમને જોતાં. અમારો પ્રેમ જીતવાની બાપુજીની રીત જુદી હતી. કંપાઉન્ડમાં ખો-ખોની રમત ચાલતી હોય ત્યારે કોઈ વાર બાપુજી ‘અમને રમાડો, રમત બગાડો’ કહેતા આવે અને રમતમાં સામેલ થઈ જાય; લખોટાની રમતમાં અમારી બધી લખોટીઓ જીતી જાય અને રાતે અમે ભર-ઊંઘમાં હોઈએ ત્યારે લપાતા પગલે આવીને અમારી ચારેબાજુ બાળવાર્તાઓ, બાળસામાયિકો અને કવચિત રમકડાંઓ કે જીતેલી લખોટીઓ ગોઠવી દે. સવારે ઊઠીએ ત્યારે અમે રાજીનાં રેડ.

એમ લાગે કે જાણે બાપુજી અને બા બે જુદી દુનિયામાં વસતાં હતાં, પણ એમ ન હતું. એક પ્રસંગ તાદશ થાય છે. મારાં મોટાં બહેને બા-બાપુજીને જરા નાખુશ કરીને પ્રેમલગ્ન કર્યાં હતાં અને થોડા વર્ષો પછી છૂટાછેડા લેવાના નિર્ણય પર આવ્યાં હતાં. બાપુજી આ બધાથી એકદમ ગુસ્સામાં હતા. સજ્જડ મુઠ્ઠીઓ વાળેલા હાથ પાછળ રાખીને ઓરડામાં આંટા મારતા હતા. સામે બહેન બેઠી હતી. બાજુમાં બાને વીંટળાઈને અમે ભાઈબહેન આંખો ફાડીને બાપુજીનો ગુસ્સો જોતાં હતાં. બાપુજી ગર્જ્યા, અંગ્રેજીમાં : Love ! Love ! Love !’ પછી બાની સામે આંગળી ચીંધીને કહે કે, ‘I have been married to this woman for past so many years, and I love her. Do you hear, I love her ?’ હું સાંભળતી રહી. બાના કાનમાં કહ્યું : ‘બા, બાપુજી શું કહે છે એ સાંભળ્યું ?’ મસ્તીખોર ભાઈએ ટીખળ કરી, ‘કંઈ સમજ્યાં બા ?’ બાની કાનની બૂટ સુદ્ધાં લાલચોળ થઈ ગઈ હતી. મોઢે શરમના શેરડા પડ્યા હતા. ધીમેથી બોલ્યાં : ‘હું બધું સમજી ગઈ છું.’

બા-બાપુજીના પ્રસન્ન દાંપત્ય અને મારાં બાની અજબ આત્મશ્રદ્ધા અને ગમે તેવી પરિસ્થિતિમાંથી ‘કાંઈ તોડ કાઢવા’ની કુનેહ મને હંમેશાં પ્રભાવિત કરી છે. બાપુજીને રિટાયર થવાને એકાદ વર્ષ બાકી હતું ત્યારે એમણે નિવૃત્તજીવન મુંબઈમાં ગાળવા માટે માટુંગામાં મકાન લીધું હતું. અમારા ફલૅટમાં રહેતા ભાડૂતોએ ઘર ખાલી કરવાની ના પાડતાં મામલો કોર્ટે ચડ્યો હતો. કોર્ટમાં હાજરી આપવાની તારીખે બાપુજીનું કોઈ તાકીદનું કામ ચાલે. એમનાથી અમદાવાદ છોડવાનું અશક્ય હતું. બા કહે : ‘કાંઈ વાંધો નહીં. તમતમારે તમારું કામ પતાવો. કોર્ટમાં હું હાજરી આપીશ.’ બાએ સ્વસ્થતાથી કોર્ટમાં જુબાની આપી. કેસ જીતી ગયાં.

માટુંગાની રુઈયા કૉલેજમાં બી.એ.ની પરીક્ષા આપીને અઢાર વર્ષ પણ પૂરાં ન કર્યાં હતાં ને મને પરદેશ જવાની તક મળી. નાટ્યકલા શીખવા માટે આટલી નાની વયે, મને પરદેશ જવા દેવાનું બાપુજીને પસંદ ન હતું, પણ બાનો આડકતરી રીતે બધો જ ટેકો મારી સાથે હતો. પરદેશ જતાં પહેલાંની ઝીણી ઝીણી ખરીદી, ટિકિટબુકિંગની બારીક વિગતો એમની દેખરેખ હેઠળ જ. લંડન પહોંચી. ત્યાં કોઈને ન ઓળખું. શરૂઆતના દિવસોમાં બેબાકળી બની ગઈ હતી. એ સમયે બા અને દીનાબહેનના પત્રો મને જોશ અને હિંમત આપતા. પછી તો થોડા જ વખતમાં મને લંડન સદી ગયું. ઘણા મિત્રો બનાવ્યા. મારી પાસેથી મારા અંગ્રેજ મિત્રોની ‘કરી-ભોજન’ ખાવાની ઉત્કટ અપેક્ષા અને મારા માટે રસોઈ, રસોડું અને લંડન સરખાં જ અપરિચિત. મેં પત્ર લખીને બા પાસેથી ગુજરાતી ‘કૂકરીબુક’ મગાવી. વળતી ટપાલે બા તરફથી ચોપડી આવી ગઈ : ‘રસોઈનું રસાયણ’ એના પહેલા પાને બાએ લખ્યું હતું : ‘શાબાશ ! મારી દીકરી !’

મારા પતિને પણ હું લંડનમાં જ મળી. અમે હિન્દુસ્તાન પાછાં ફરીને વહેલી તકે લગ્ન કરવાનું નક્કી કર્યું. ઘરમાં ખબર કરી ત્યારે બા સાતમા આસમાને. ઠાઠમાઠથી લગ્ન ઊજવવાની તૈયારીઓ બાએ કરવા માંડી. મોટાં બહેનોએ રજિસ્ટ્રી ઑફિસમાં લગ્ન કર્યાં હતાં. રજિસ્ટર્ડ લગ્ન અમે પણ કર્યું, પણ બા-બાપુજીને કન્યાદાન પણ કરવું હતું. એ એક વિધિ, પછી બીજી વિધિ, એમ કરતાં સંપૂર્ણ પરંપરાગત લગ્નક્રમ અમે કર્યો. મારા પતિને સાદાઈ જોઈતી હતી. એમણે તોબરો ચડાવ્યો. મેં કાનમાં પૂછ્યું : ‘શું થાય છે ?’ એ કહે : ‘મને આ નથી ગમતું.’ મેં કહ્યું : ‘પણ, બાને ગમે છે ને ?’ અમે એકબીજા સામે જોઈને જરા હસ્યાં.

લગ્નની આગલી રાતે બાના પડખામાં સૂતી હતી. નર્વસ હતી જરા. બાએ મને થાબડતાં થાબડતાં ધ્રુવાખ્યાન ગાવાનું શરૂ કર્યું. બાળપણથી જ અમારા માટેની આ બાની થેરાપી હતી. કોઈ ટેન્શન હોય, કોઈ તોફાન કર્યું હોય, ત્યારે બાના પડખામાં ભરાઈને સૂવાનું. બા ધ્રુવાખ્યાન સંભળાવતાં સંભળાવતાં અમને શાંતિથી ઊંઘાડી દે. લગ્ન પછીનાં થોડાં વર્ષો બાદ અમે માટુંગામાં મોટો ફલૅટ ખરીદ્યો. ઘર શણગારવાના કામમાં હું વ્યસ્ત બની. થયું ઓરડાઓ થોડા મોટા ભાગે એટલે એક દીવાલ જરા જુદા રંગે રંગાવીએ. મારા મનનો જ વિચાર. કોઈ સાથે વાત પણ કરેલી નહીં. બીજે દિવસે સવારે બાનો ટેલિફોન આવે છે, ‘એલી, કાલે રાતે મને સપનું આવ્યું’તું. તારા ઘરના ઓરડાની ભીંતો જુદા જુદા રંગે રંગી છે ?’

હવે બા-બાપુજી નિવૃત્તજીવન ગાળતાં. બાપુજીની તબિયત નરમગરમ રહેતી. બંને લગભગ ઘરમાં જ રહેતાં. બાપુજીની આંખો ખરાબ એટલે જાતે વાંચી ન શકતા, પણ એમના પ્રિય વિષયોનાં પુસ્તકોની મોટી લાઈબ્રેરી વસાવી હતી ઘરમાં. વિજ્ઞાન, ગણિત, ઈજનેરશાસ્ત્ર, ફિલસૂફી, ધર્મ, અધ્યાત્મવાદ ઉપર જાતજાતનાં પુસ્તકો. આ બધાં પુસ્તકોમાંથી જે ગુજરાતીમાં હોય તે, બા એમની આગળ વાંચતાં. ઍલ્જિબ્રાથી અધ્યાત્મવાદની ઊંચી પરિકલ્પનાઓ બા જરાયે સમજે તો નહીં, પણ બાપુજીને બાનું વાચન જ ફાવતું. ઘણી વાર અમે છોકરાઓમાંથી કોઈ એમની સામે વાંચીએ ત્યારે થોડી વાર પછી અચૂક કહે : ‘હવે, બસ બેટા. તારી બાને વાંચવા આપ.’

બાના વાચનની પસંદગી અલગ હતી. નવરાશ મળ્યે ગમતાં પુસ્તકો વાંચતાં જ રહેતાં. ‘સરસ્વતીચંદ્ર’ એમનું પ્રિય પુસ્તક. ઉપરાંત મેઘાણી, મુનશી, ર.વ. દેસાઈ, શરદબાબુ, ‘દર્શક’નાં પુસ્તકો વાંચે. મુનશીની ‘મંજરી’ ‘મળેલાં જીવ’ ની ‘જીવી’નાં પાત્રો મારે તખ્તા ઉપર ભજવવાનાં આવ્યાં ત્યારે રસથી એના વિશે વાતો કરે. મને હંમેશાં કહે : ‘તું ગુજરાતી ફિલ્મો કરે છે તે “તુલસીક્યારો” કે “સોરઠ તારાં વહેતાં પાણી” ની ફિલ્મ કરને.’ હું જવાબ દઉં કે ‘હું ફિલ્મોમાં ફકત કામ કરું છું, બનાવતી નથી.’ તો મારી સામે જોઈને માથું ધુણાવે. ‘સરસ્વતીચંદ્ર’ ની ફિલ્મ બહાર પડી ત્યારે બાની ઉંમર થઈ હતી, ઘર-બહાર નહોતાં નીકળતાં. પણ એ ફિલ્મ જોવાનું બા માન્યાં હતાં. અમે બાને લઈ ગયાં. ફિલ્મ તો જોઈ આખેઆખી. ઘરે પહોંચીને કહે : ‘આમ તે કાંઈ હોય ? સાસુસસરા સામે કુમુંદસુંદરી આમ ઠેકડા મારીને રાસડા લ્યે ?’

બાપુજીના અવસાન બાદ બા ત્રણેક વર્ષ માંડ જીવ્યાં. પુસ્તકવાચનમાં ચિત્ત પરોવીને, સંસારની ઈતરપ્રવૃત્તિઓમાંથી ચિત્ત ખંખેરીને. હા, પોતાનાં છોકરાંઓ અને પૌત્ર-દૌહિત્રીઓની માયા સાથે છેવટ સુધી બંધાયેલાં રહ્યાં. ઘર પાસેથી એનું કોઈ પણ બાળક પસાર થાય, કોણ જાણે ક્યાંથી એમને ખબર પડી જતી. બાના ઘરની ગલીમાં પગ મૂકીએ તો બા ઝરૂખે ઊભાં જ હોય !

માર્ચ 1971ની પાંચમી તારીખ. બાએ અમને બધાં જ છોકરાંઓને જમવા બોલાવ્યાં. ખૂબ જમાડ્યાં. બા ખૂબ આનંદમાં હતાં. આગલે દિવસે પણ મને જમવા બોલાવી હતી. બા પરસાળમાં ખુરસીમાં બેઠાં હતાં. હું ભાઈ સાથે બાજુના ઓરડામાં ગપ્પાં મારતી હતી. બપોર થયો એટલે ઘેર જવા ઊભી થઈ. બાએ બૂમ પાડી : ‘એલી, સાંજે જમવા આવજે.’ મેં બાની સામે પણ ન જોયું અને ભાઈને આવજો કરતાં બોલી : ‘બા, કમાલ કરો છો તમે. રોજ રોજ જમવા આવવાનું ? આજે સાંજે મારે બહાર પાર્ટીમાં જમવા જવાનું છે. નહીં અવાય.’ બોલતાં બોલતાં સડસડાટ દાદરો ઊતરી ગઈ. પાર્ટીમાંથી મોડી રાતે ઘેર આવી ત્યારે સંદેશો પડ્યો હતો : ‘બા હવે નથી.’
‘માફ કરો બા, મને માફ કરો.’ તે પળ હું એટલું જ બોલી શકી. આજના દી સુધી રોજ એ જ ઉચ્ચારણ ચાલુ છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous બે ગઝલો – સંકલિત
પ્રેમતત્વ – માવજી સાવલા Next »   

18 પ્રતિભાવો : મારી બા – તરલા મહેતા

 1. gopal h parekh says:

  મોટી વયે આવા સંભારણા વાંચવા બહુ જ મીઠા લાગે છે,તરલાબેનનો ને તમારો આભાર

 2. hitakshi pandya says:

  Those hands who rock cradle, rules the world….

  deeply felt the article…touching very touching .

 3. સાચા અર્થમાં માતૃ પ્રદક્ષિણા….

  ખુબ જ સુંદર..

 4. Paresh says:

  ખુબ જ સુંદર રીતે આલેખાયેલ સંસ્મરણ. મારા ઘણા સ્મરણો તાજા થઈ ગયા. આભાર તરલા બહેન (ઍટનબરોના “ગાંધી”ના સરોજીની નાયડુ ખરૂ કે નહી?)

 5. bharat dalal says:

  No need to shout that I love you Such a wonderful love story.

  Youngsters should appreciate the meaning of love.

 6. Jayesh says:

  “Jane kahan gaye woh log” – touching story

 7. neetakotecha says:

  bahu saras hriday sparshi vat. aam lagtu hatu ba same j che. ane aava j ba banvani ichcha thai gai . gr8

 8. Vipul Chauhan says:

  Really, very nice to cherish the memories…

 9. Hitesh Brahmbhatt says:

  This article is very nice. I got all the memories of my Grand mother “Nani” in my mind. I also got the memories of my vacation at my native with my all cousin brothers and sisters.

  I had taken a print out of this article and I will give keep it in my library.

  I am very much thankful to Ms. Tarla Mehta to give this article.

 10. Noopur Shukla says:

  Thanks a lot to realise me How a Mother or Grand Ma can be ?
  I have never seen my Grandmother because she was died while my father was 8 month old….. But now I know she might be the same like “Ba” in this story…. !!

 11. really very nice… heart touching… really good to read n forward to others

 12. Janak Dave says:

  Excellent & heart rendering article.
  There is very well said in Gujarati

 13. Janak Dave says:

  મા તે મા બાકિ બધા વગડાના વા..

 14. સ્‍નેહલભાઇ પટેલ. સે.૩-ડી. ગાંધીનગર. says:

  !! ગમે તેવી પરિસ્‍થિતમાંથી તડજોડ કાઢવાની !!બાની શૈલી અને કુનેહ સૌને પ્રભાવિત કરી દે તેવા છે. બાએ જીવનભર !! પોતાનાને ખરેખર પોતીકાં !!બનાવ્‍યાં તેમજ પારકાનાં દિલ જીતીને હળીમળીને સંસારની નાવને ક્ષેમપૂર્વક પેલે પાર ઉતારી છે. બાના છેલ્‍લા શબ્‍દોનો વસવસો રાખવાની એટલા માટે જરુર નથી કારણ કે, બાની ભાવનાનો સંદેશ આજપર્યન્‍ત આપનામાં જીવીત છે, અને એજ બાની સાચી મૂડી છે. સંસ્‍મરણોને તાજા કરવાની આપની કળા પણ બાનો વારસો છે. આપને અમારી ખુબ ખુબ શુભ- કામનાઓ.

 15. surekha gandhi says:

  મોન્ઘી માડી જીવન ભરતી ઓટમા તુ જ ઈન્દુ

 16. Keyur Patel says:

  મા તે મા અને બીજા બધા વગડાના વા…….

  એ આનુ નામ.

 17. Jayesh Tragad says:

  મા એ સૌથી અનમોલ છે. તેની તુલના કૉઈ સાથે ના થાય્.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.