વ્યવસ્થા – ઉષા શેઠ

એમનું નામ હતું ઊર્મિલા, પણ પિયરમાં સૌ એમને મોટી બહેન કહેતા. જ્યારે પણ અમોલા અમેરિકાથી ભારત આવતી ત્યારે બધાં ભાંડુઓ મોટી બહેનને ઘેર વડોદરામાં ભેગાં થતાં. મોટી બહેનનો બંગલો મોટો અને દિલ પણ મોટું. સરભરામાં તો કોઈ કમી નહિ જ, પરંતુ બધાને ફેરવે પણ ઘણું. એમની વ્યવસ્થામાં કોઈ કચાશ નહિ. એમની સાથે કરેલા ગુજરાત-રાજસ્થાનના પ્રવાસો સૌએ ખૂબ માણેલા.

મોટી બહેનના સિત્તેરમા જન્મદિવસ નિમિત્તે બધા ફરી એક વાર ભેગા થયા હતા.
‘મોટી બહેનનો બંગલો છે એટલે બધાથી આમ એક ઠેકાણે ભેગા થવાય છે.’ સૌથી નાની ચૌલાએ કહ્યું હતું : ‘મોટી બહેન હજી હેમખેમ હરેફરે છે અને બધાની આગતાસ્વાગતા કરી શકે છે.’ નાની ભાભી બોલી હતી.
‘મનમાં પણ હોંશ જોઈએ. બાકી, આ ઉંમરની વ્યક્તિને તો કેમ છો ? પૂછવાની ભૂલ કરી તો એમની શારીરિક તકલીફો અને માંદગીઓની વ્યથા-કથા સાંભળવી પડે. પણ આપણાં મોટી બહેન તો હસાવે ને મજા કરાવે.’ મોટી ભાભીએ એમનો અભિપ્રાય આપ્યો હતો.
‘મોટાં મામીની વાત સાવ સાચી છે. મારાં સાસુને તો હજી સાઠ વર્ષ પણ નથી થયાં પણ એમની તબિયત વિશેની સતત ફરિયાદો હોય.’ અમેરિકાથી આવેલી મોટી બહેનની દીકરી ઋચાએ ટાપસી પૂરી હતી. ‘મોટી બહેન, કીપ ઈટ અપ, આમ જ તન-મનથી પ્રફુલ્લિત રહેજો.’ ભાઈઓએ શુભેચ્છા આપી હતી. સૌએ ધામધૂમથી મોટી બહેનનો જન્મદિવસ ઊજવ્યો હતો.

ત્રણ વર્ષમાં બધું એકદમ જ બદલાઈ ગયું હતું. મોટી બહેન, મોટી બહેન કહીને વીંટળાઈ વળનાર સ્વજનો વીખરાવા માંડ્યાં હતાં. મુંબઈમાં વસતા ભાઈઓનાં સંતાનો પરદેશમાં હતાં એટલે તેમનું ખેંચાણ એ દિશામાં રહેતું. ઋચા એના કામમાં ને સંસારમાં અટવાયેલી રહેતી. બે વર્ષ પહેલાં અમોલાનું કેન્સરની વ્યાધિમાં મૃત્યુ થયું હતું. અમોલાના પતિ અનંતરાય નિવૃત્ત થયા બાદ એ પતિપત્ની દર શિયાળે વડોદરા આવતાં. અનંતરાયને પુસ્તક મળે એટલે મિત્ર મળ્યાનો આનંદ અને પોતાનાં કામ પોતે કરવાની ટેવ એટલે બેઉ બહેનો મોકળાશથી હરતીફરતી અને કલાકો સુધી વાતો કરતી. એમની વચ્ચે દોઢ વર્ષનું જ અંતર હતું. એટલે બાળપણથી તે મોટી બહેન સાસરે ગઈ ત્યાં સુધીનાં કંઈક સંભારણાં હતાં તેમની પાસે. હવે તો એ સુખ પણ ન રહ્યું.

પતિના મૃત્યુ બાદ અગિયાર વર્ષથી મોટી બહેન બંગલામાં એકલાં રહેતાં હતાં. ઈચ્છા થાય ત્યારે પોતાની સગવડે સગાંસંબંધીઓ એમને ઘેર પરોણા થઈને આવતાં. પણ એમને સોબત-સંગાથની જરૂર હોઈ શકે એવું કોઈ વિચારતું નહિ. આવા બધા વિચારોથી મોટી બહેનનું મન આળું થઈ જતું. એક દિવસ અમેરિકાથી ઋચાનો ફોન આવ્યો કે એ વડોદરા આવતી હતી. એ આવી અને એની પાછળ મુંબઈથી એના મામાઓ અને અમદાવાદથી ચૌલામાસી આવ્યા. મોટી બહેનમાં ફરી ઉત્સાહ જામ્યો. પોતાનું શરીર પહેલાં જેવું ચાલતું ન હતું એટલે એમણે એક વધારાનો નોકર અને રસોઈ માટે એક બહેનને રોકી લીધાં. એમનો આ ઉત્સાહ-ઉમંગ અલ્પકાલીન રહ્યો.

ચાર મહિના પહેલાં મોટી બહેન ઘરમાં જ લપસી પડ્યાં હતાં અને ઘૂંટીના હાડકામાં તડ પડી હતી. આ પ્રસંગને નિમિત્ત બનાવી ચૌલાએ બધાને વડોદરા નોતર્યા હતા. બપોરે જમ્યા બાદ મોટી બહેન સિવાયના બધા વર્તુળમાં બેઠા હતા. ચૌલાએ જ બેઠકની શરૂઆત કરી.
‘હવે મોટી બહેન વિશે આપણે ગંભીરતાથી કંઈક વિચારવું જોઈએ. એમની કંઈક વ્યવસ્થા તો કરવી જ જોઈએ. આવી રીતે બંગલામાં એકલાં રહે તે સારું નહિ. આ તો ઠીક છે કે ઘૂંટીના હાડકામાં તડ પડી એટલું જ. એમનાં અને આપણાં સૌનાં નસીબ સારાં કે થાપાનું હાડકું ન ભાંગ્યું નહિતર ખરી ઉપાધિ થતે, ઑપરેશન, સળિયો નાખવાનો, હૉસ્પિટલના ધક્કા અને ત્યાર બાદ ઘરમાં નર્સ હોય તો પણ કોઈકે તો હાજર રહેવું જ પડે. પોતાના કામધંધા છોડીને કોણ અહીં સુધી દોડી આવવાનું હતું ? હું પાસે રહી એટલે મારે જ હાજર રહેવું એવી અપેક્ષા ન રાખતા, એમણે હવે આ બંગલો વેચીને નાના ફલેટમાં રહેવું જોઈએ. આખા દિવસની સારી બાઈ રાખવી જોઈએ. એમને આવું સૂચન કરીએ કે તરત જ કહે : ‘તું ગોતી લાવને કોઈ વિશ્વાસુ બાઈ. રોજ ઊઠીને વૃદ્ધોની હત્યાની વાત છાપામાં વાંચીને મને તો આખો દિવસ નોકર ઘરમાં હોય તો અસલામતી લાગે કે આરામથી સૂઈ પણ ન શકું.’

‘મોટી બહેનની વાતમાં તથ્ય તો છે.’ ભાઈએ કહ્યું એટલે ચૌલા તરત જ બોલી, ‘તો પછી એ પડે-આખડે કે માંદગી આવે તો એની ચાકરી કરવા તમે આવશો કે એમને તમારે ઘેર લઈ જશો ?’ સૌ ચૂપ રહ્યા. આથી ચૌલાને વધારે પોરસ ચડ્યો.
‘તો પછી આપણે વૃદ્ધાશ્રમ વિશે પણ વિચારવું જોઈએ.’
ચૌલા વધુ કંઈ બોલે એ પહેલાં તો વર્તુળની બહાર બેઠેલાં મોટી બહેન સૌની વચ્ચે આવી ઊભાં અને ચૌલા સામે જોઈને બોલ્યાં : ‘બંધ કર હવે તારો બકવાસ. હું એક વ્યક્તિ છું, જરીપુરાણી વસ્તુ નથી, તે તું મારો નિકાલ કરવા નીકળી. તેં આજ સુધી મારે માટે કર્યું છે શું ? બે કલાકને અંતરે રહેવા છતાં તું તારા સ્વાર્થ સિવાય મને ક્યારેય મળવા આવી છો ? તારે અહીં વડોદરામાં ખરીદી કરવી હોય, કોઈને ઘેર શુભપ્રસંગમાં હાજરી આપવી હોય ત્યારે તું ટપકી પડે છે. મને પગમાં વાગ્યું ત્યારે તું એકપણ વાર મને જોવા આવી હતી ? મારે આસપાસમાં સારા મિત્રો છે. એમણે જ મારી દરકાર લીધી હતી. જેને મન જીવન એટલે સિનેમા, નાટક, કિટી-પાર્ટી ને કૉફી-પાર્ટીઓ હોય, જે પોતાના પતિ કે પુત્રની માંદગી દરમિયાન પણ દેશ-પરદેશની મુસાફરીઓ કરતી હોય તેની પાસેથી સહાયની આશા રાખવા જેટલી હું મૂર્ખ નથી. ગાડા નીચેના કૂતરાની માફક આખા ગાડાનો ભાર તું જ વહેતી હોય એવો ડોળ કરવાનો છોડી દે.’

પછી એમણે બધાને ઉદ્દેશીને કહ્યું, ‘મારી ચિંતા કરવાની કોઈએ જરૂર નથી. મારી સમસ્યાઓનો ઉકેલ લાવવા હું સમર્થ છું. જરૂર પડે મારી વ્યવસ્થા હું કરી લઈશ.’ સદાય સૌમ્ય જણાતાં મોટી બહેનના રૌદ્ર સ્વરૂપથી બધા ડઘાઈ જ ગયા. ચૌલા તો તરત જ અમદાવાદ જવા બસ-સ્ટેન્ડ પર પહોંચી ગઈ. ભાઈઓએ રાતની ટ્રેનમાં જવાનું નક્કી કર્યું.
‘ચૌલાને રવાડે ચઢીને નકામું મોટી બહેનનું મન દૂભવ્યું. મહેશકુમારના મૃત્યુ બાદ અગિયાર વર્ષથી એ એકલાં રહે જ છે ને ? એકપણ વાર એમણે આપણી મદદ માગી છે ?’ ભાઈઓનાં હૃદયમાં ઉદ્વેગ હતો. રાતે જમતી વખતે મોટી બહેન મગની દાળનો શીરો પીરસતાં હતાં ત્યારે ઋચાએ જોયું કે મમ્મીનો હાથ ધ્રૂજતો હતો. ભાઈઓએ પણ એ નોંધ્યું. મોટી બહેનને જતે દિવસે કોઈકના સહારાની જરૂર પડવાની જ, પરંતુ આપણા વિચારો આપણે એના પર ન લદાય. ‘મમ્મીને પાર્કિન્સન્સ માટેની દવાઓ હું નિયમિત મોકલતી રહીશ.’ ઋચાએ નક્કી કર્યું. ભાઈઓની ટેક્સી દેખાતી બંધ થઈ એટલે મોટી બહેન ઘરમાં આવ્યા. ઋચા એમની સાથે જ હતી. સૂતાં પહેલાં બંગલાની અનેક બારીઓ ને દરવાજા બંધ કરવાનાં. વળી પગથિયાં ચઢીને ઉપર જવાનું ત્યારે સૂવાના ખંડમાં પહોંચાય. મમ્મીથી આ બધું કેટલો વખત થઈ શકશે ? ચૌલામાસી સ્વાર્થી અને રૂક્ષ એટલે એમની વાત કોઈને ગમે નહિ પણ…. પછી એણે આગળ વિચારવાનું ટાળ્યું. મમ્મી એમના સ્વામીજીને ટાંકતાં હોય છે ને કે ક્ષણ ક્ષણ કા જીઓ.

બીજે દિવસે સવારે મા-દીકરી ચા પીવા લૉન પરની ખુરશીમાં બેઠાં ત્યારે ઋચાને થયું આ બંગલો છોડાય તો નહિ જ. કોયલ, દૈયડ, દરજીડો, ચકલી, કાબર – એ બધાનાં સમૂહગાન સાંભળતાં ચા પીવાનો લહાવો તો ન જ ગુમાવાય. મોટી બહેને પોતાની પ્લેટમાંથી પૌંઆના થોડા દાણા ઘાસ પર વેર્યા અને જોતજોતામાં તો ટચૂકડાં પક્ષીઓની ત્યાં કૂદાકૂદ મચી ગઈ. મોટી બહેનને બાગકામનો બહુ જ શોખ. કંઈ જાતજાતનાં ને રંગરંગનાં ફૂલ-છોડ એમણે ઉગાડ્યાં હતાં. જાસૂદના પણ ત્રણ રંગો હતા લાલ, ગુલાબી અને પીળો. ‘આ પક્ષીઓ મારાં મિત્રો અને છોડવા મારાં બાળકો. મેં જતનથી એમને ઉછેર્યાં છે. આ બાળકોને પગ નહિ, પાંખ નહિ એટલે મને છોડીને ક્યાંય જશે પણ નહિ.’ મોટીબહેને કહ્યું અને પછી પૂછવાની રહી જતી વાત એમણે પૂછી, ‘અનંતરાય કેમ છે ?’
‘નવેમ્બરમાં અહીં આવવાનું વિચારે છે.’
‘એમાં વિચારવાનું શું ? આવવાનું જ. અમોલા નથી એટલે સંબંધ કંઈ પૂરો થઈ જાય છે ? એમના પેલા ખાસ મિત્ર શરદભાઈ, એ પણ હવે નથી – કેવું કરુણ મૃત્યુ ! અમેરિકામાં વસતા ઓળખીતાઓમાં આવો ત્રીજો કિસ્સો બન્યો. એકે ગળે ફાંસો દીધો, બીજાએ ઝેરી દવા ખાધી અને આ ભાઈએ તો લમણામાં ગોળી મારી. આવાં તે કેવાં ડિપ્રેશન આવે !’

ઋચા બોલી : ‘આપણે શરદભાઈની જ વાત કરીએ. શિકાગોમાં દિવસો સુધી, વૃદ્ધજનો ઘરની બહાર નીકળી ન શકે. બરફમાં પગ લપસ્યો તો ઉપાધિનો પાર નહિ. વાતાવરણ આખું ગમગીન બની જાય. અહીં આપણે બેઠા છીએ ત્યાં હરિયાળી, પુષ્પો, પક્ષીઓ અને તડકો – ઉજાસ – જીવનનાં પ્રતીકો દેખાય છે અને ત્યાં ચોમેર બરફ. શરદભાઈ કરતાં એમનાં પત્ની આઠ વર્ષ નાનાં એટલે એમની નોકરી ચાલુ, પણ શરદભાઈ નિવૃત્ત. વળી કોઈ શોખ કેળવેલા નહિ એટલે એકલા એકલા દિવસ લાગે લાંબો, મનમાં છવાઈ જાય ઉદાસી, જીવનમાં રસ રહે નહિ. અનંતમાસા એટલે જ અહીં સ્થાયી થવાનું વિચારે છે.’
‘સારી વાત છે’, એટલું કહી મોટી બહેન વિચારમાં ખોવાઈ ગયાં. ઋચાને આગળ કહેવાનું હતું કે માસા વડોદરા પાસેના ગોરજના આશ્રમમાં રહેવાનું વિચારતા હતા. પણ એ મૂંગી રહી. રખેને મમ્મી સમજે કે ઋચા એને આડકતરી રીતે વૃદ્ધાશ્રમનું સૂચન કરે છે. એને કોઈ પણ જાતની ગેરસમજ ઊભી કરવી ન હતી.

ઋચા ગઈ એટલે બીજે જ દિવસે મોટી બહેને અનંતરાયને ફોન કર્યો, ‘તમે વડોદરા આવવાના છો એ જાણી ખૂબ આનંદ થયો. તમને આમંત્રણ આપવાનું જ ન હોય, કારણકે આ તો પોતાનું જ ઘર છે. છતાંય કહું છું જેટલા મહિના રહેવું હોય એટલા મહિના આરામથી રહેજો.’ ટીખળી અનંતરાયે તરત જ પૂછ્યું, ‘મહિનાઓ જ, વર્ષો નહિ ?’
‘તમને ફાવે એટલું, ગમે એટલું ખુશીથી રહેજો.’ ફોન મૂકીને એમણે મનમાં જ કહ્યું : ‘પહેલાં આવો તો ખરા ! હું તમારી આતુરતાથી રાહ જોઉં છું.’

નવેમ્બરની એક વહેલી સવારે અનંતરાય ખરેખર આવી પહોંચ્યા. ‘તમારે થોડી વાર આરામ કરવો હોય તો પથારી તૈયાર છે. ઉપર છે તમારો ઓરડો. હમણાં સામાન ભલે નીચે રહ્યો, સવારે માળી આવશે ને ઉપર ચઢાવશે.’
‘પ્લેનમાં ઘણો આરામ કર્યો છે. એક કપ ગરમ ચા મળે તો મજા આવી જાય.’ ચા થઈ ગઈ એટલે રસોડામાંથી બહાર આવીને મોટી બહેને સહજતાથી કહ્યું ; ‘ચાનો કપ તમારે લાવવો પડશે. મારો હાથ કાંપે છે એટલે ચા ક્યારેક રકાબીમાં ઢોળાઈ જાય છે.’ અને પછી ઊમેર્યું, ‘ઘરમાં હું એકલી એટલે ઘરનોકર રાખતાં ડરું છું, પણ હવે કોઈ પોરિયો રાખી લઈશું.’
‘અમેરિકામાં કોને ત્યાં નોકર હોય છે? અમોલાની માંદગી અને પછી કાયમની વિદાય – હું ઘરકામમાં પાવરધો થઈ ગયો છું. પાકશાસ્ત્રમાં થોડો કાચો ખરો પણ તમારા માર્ગદર્શન હેઠળ એમાં પણ એક્કો થઈ જઈશ.’

સવારે એક બહેન આવીને રોટલી બનાવતાં અને શાક સુધારી આપતાં. એ જાય પછી મોટી બહેન શાક વધારતાં અને એમને બતાવી બતાવીને અનંતરાય એમાં મસાલો નાખતા, મોટી બહેનના ધ્રૂજતા હાથને કારણે મસાલો ચમચીમાંથી બહાર વેરાતો અને એ સાફ કરવાનું કામ વધતું. રસોડામાં ભેગાં મળીને કામ કરવામાં એમને આનંદ મળતો. ધીમે ધીમે અનંતરાયે પાકશાસ્ત્રમાં સિદ્ધિ મેળવવા માંડી હતી. ઢોકળાં, પાતરાં ને બટાટાવડાં એ બનાવી શકતા, પરંતુ રસોડામાં બહુ સમય વિતાવવાની એ વિરુદ્ધમાં હતા. એ ફાર્મસીના અનુસ્નાતક હતા અને એ જ ક્ષેત્રમાં એમણે કામ કર્યું હતું. મોટી બહેનની દવાઓનો તથા એની આડઅસરોનો એ બારીકાઈથી અભ્યાસ કરતા અને ડૉક્ટર સાથે એ બાબત ક્યારેક ચર્ચા પણ કરતા. ફાર્મસીના જાણકાર અને વાત કરવાની વિવેકી રીત તેથી ડૉક્ટરને પણ એમની સાથે ચર્ચા કરવી ગમતી.

અનંતરાયના સહવાસમાં મોટી બહેન સલામતી અનુભવતાં. મોટી બહેન એમના પલંગની બાજુની ચાંપ દાબે એટલે અનંતરાયના એરકંડિશન્ડ બંધ ઓરડામાં બેલ સંભળાતી. આવી વ્યવસ્થાને લીધે મોટી બહેન રાતે કોઈ પણ જાતના ફફડાટ વિના નિશ્ચિંતપણે ઊંઘી શકતાં. ખુશનુમા મોસમ હોય ત્યારે આખા દિવસની ટેક્સી કરી બંને દૂર દૂર ફરવા જતાં. બેઉને નવું નવું જોવા-જાણવાનો શોખ એટલે ઘરડા પગમાં ચેતન આવી જતું. ઉદ્યાનોનાં વૃક્ષો હોય કે સંગ્રહાલયની અજોડ વસ્તુઓ કે પછી અડાલજ કે પાટણની વાવની કોતરણી, તેઓ બધું ધ્યાનપૂર્વક નિહાળતાં.

મોટી બહેનની વ્યવસ્થા કરવા નીકળેલા સૌ અવાક બની ગયા હતા. પાનખરમાં પણ એવું રસસભર હતું એમનું જીવન.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રેમતત્વ – માવજી સાવલા
ગઝલપૂર્વક – અંકિત ત્રિવેદી Next »   

32 પ્રતિભાવો : વ્યવસ્થા – ઉષા શેઠ

 1. gopal h parekh says:

  excellent

 2. manisha says:

  ઘણુ જ ગમ્યુ………

 3. Pratik Kachchhi says:

  Very Good Story.. very few understand that those who have taken care throughout of their life and spend time /money behind us, we just leave them alone..I am also one of them, left them in India and came to Gulf.. really this world has become very selfish.. but, it’s good time to read such nice story and think about them and make necessary options to let them spend their life as per their choice..

 4. Hiral Thaker 'Vasantiful ' says:

  Very nice …..!

 5. bhavi shah says:

  very nice, this is the way to live the life

 6. kunal says:

  an examle of a life after a life…

  gr8…

 7. Satish Swami says:

  Very nice story, I lao fill lonelyness in the absent of family members.

 8. સરસ કથા…..બહુ ગમિ……

 9. Nima says:

  very good story..

 10. Paresh says:

  આહ !! બિન નિવાસી ગુજરાતીઓ. જીવંત વાતાવરણ વતનનું ગમે છે અને ભૌતિક સુખ પરદેશના ગમે છે. નસીબદાર Best of both Worlds ભોગવે છે. કમનસીબ Worst of both Worlds નો શિકાર થાય છે. ઘણો સારો લેખ. જીવનની પૂર્વાવસ્થામાં ઘણી વાર આવું બનતું જોયું છે.

 11. Hetal Vyas says:

  Good Story ,everybody has right to live their life their own way

 12. farzana asif bha says:

  story to be cherished forever….
  life gives us a lot what we need is a new Vision
  i think every one is free to live life on his/her condition….

 13. riddhi says:

  very nice…

 14. Maitri Jhaveri says:

  ખુબજ સરસ વાર્તા…વ્રુદ્ધવસ્થામા દુખિ રહિને લોકઓના સ્વાર્થ વિચરિ વિચરિને દુખિ થવ કરતા નવઆ જ દ્રસ્તિકોણ થિ ઉમન્ગ થિ જિવન જિવ્વુ જોઇએ…

 15. Anil Dalal says:

  તમારી વાર્તા સરસ હતિ. ગમી.
  અનિલ દલાલ (વુરહીસ ન્યુ જ્ર્ર્સી)

 16. rajesh trivedi says:

  ખૂબ જ સુંદર, ઊપદેશ કારક તથા ઊદેશ્ પૂર્ણ વાર્તા.

 17. Dhaval B. Shah says:

  Really a nice article..

 18. Keyur Patel says:

  સુંદર જીવન!!!!

 19. zankhana says:

  khoob j saras….Oad age is for enjoy life.. je kam young age ma pura na thaya hoy e kam k sapna pura karvani age nahi k bhar roop……good story…….

 20. ranjan pandya says:

  ઉત્ત્રરાવસ્થામા એકાકિ જીવન કેટ્લુ અસહ્ય અને અસહાય બની જાય, એને માટે કોઈનો સ્નેહાળ્ સથવારો અમૃત સમાન બની રહે ચે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.