કાશ્મીરી કાવ્યો – હબ્બાખાતૂન

[જુદા જુદા પ્રદેશોની અને જુદી જુદી ભાષાની કેટલીક કવિતાઓનો અનુવાદ શ્રીમતી નૂતનબેન જાનીએ (મુંબઈ) તેમના પુસ્તક ‘મધ્યયુગીન ભારતીય કવિતા’ માં કર્યો છે. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આ પુસ્તકમાંથી આજે લઈએ છીએ એક કાશ્મીરી કવિયત્રીના કાવ્યો. હબ્બાખાતૂન કાશ્મીરી કવિયત્રી છે. પ્રભાવશાળી વ્યક્તિત્વ, કાવ્ય-પ્રતિભા તથા રચના-કૌશલ્યને લીધે હબ્બાખાતૂન કાશ્મીરી ભાષા સાહિત્યની જ નહીં સમસ્ત ભારતીય કાવ્ય-જગતની પ્રતિનિધિ કવિયત્રી તરીકે સ્વીકારાઈ શકે તેમ છે.]

[1] ન્યોછાવર આ પ્રાણ તુજ પર

પ્રિય, પ્રાણ તું મારા લઈ લે
બસ એક વાર મને બોલાવી લે.

પકવાન બનાવ્યાં ભાતભાતનાં,
દૂધ-ભાત અને દૂધીનાં.
પ્રેમ-સુધાનો મધુર પ્યાલો
ભરી-ભરીને પી, એ મતવાલા,
પ્રિય, પ્રાણ તું મારા લઈ લે……

દૂધે ધોયેલા રૂપાળા દેહને
મેં ચંદન-જલથી ચમકાવ્યો,
અંગેઅંગને ખૂબ સજાવ્યાં,
તુજ વિના હવે કોણ સંભાળશે ?
પ્રિય, પ્રાણ તું મારા લઈ લે….

હિમ-શિખરોથી ઢંકાયેલ ચંદ્ર છું,
પ્રિય, છૂપાઈને બેઠો છે તું ક્યાં ?
ક્ષણભરની બસ, છું મહેમાન રે,
પ્રિય, પ્રાણ તું મારા લઈ લે….

પોપટ પર નિર્દયી બિલાડો
બસ, ત્રાટકવાનો જ છે,
ખુદને કરી ખુદાને હવાલે
પ્રિય, પ્રાણ તું મારા લઈ લે…..

ઘર છોડ્યું કોના ભયથી !
રાતો ગુજારી તેં પ્રિય,
રિસાઈને કેમ પરદેશમાં રે ?
‘હબ્બાખાતૂન’ હવે વધુ શું કહે
પ્રિય, પ્રાણ તું મારા લઈ લે……


[2] શું મળશે મારા મૃત્યુથી તને ?

ગુનાઓ મારા માફ કરશે, ઓ પરમેશ્વર
શું મળશે તને ભલા મારા મૃત્યુથી ?

જીવી રહી છું વ્યથિત
વીતશે કેમ કરી આ દિવસો ?
ચંપો હતી હું પલ્લવિત
હવે તો જાણે પડી ગઈ ફીકી
આગ આ કઈ લાગી મનમાં ? –
શું મળશે તને ભલા મારા મૃત્યુથી ?

અનંત ઈચ્છાઓ, એય મન
તેં લાદી તારી ઉપર,
પણ કબરમાં જવાનું
કેવળ ખાલી હાથે,
આવશે ક્યારે ભાનમાં ? –
શું મળશે તને ભલા મારા મૃત્યુથી ?

ત્રીસ સિપારા મેં
વાંચી લીધા લગાતાર
શબ્દોમાં, ક્યાંય હું અટકી નહીં,
કિંતુ ગીત પ્રેમનું
કોણ વાંચી શક્યું છે એક વારમાં –
શું મળશે તને ભલા મારા મૃત્યુથી ?

[સિપારા = કુરાનનો એક પરિચ્છેદ]

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ગઝલપૂર્વક – અંકિત ત્રિવેદી
સત્ય ઝરૂખે સ્નેહદીવા – ડૉ. ભરત મિસ્ત્રી Next »   

10 પ્રતિભાવો : કાશ્મીરી કાવ્યો – હબ્બાખાતૂન

  1. Hiral Thaker 'Vasantiful ' says:

    Nice poems…..!

    What does mean by ‘હબ્બાખાતૂ’?

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.