સત્ય ઝરૂખે સ્નેહદીવા – ડૉ. ભરત મિસ્ત્રી

[રીડગુજરાતીને ‘સત્ય ઝરૂખે સ્નેહદીવા’ પુસ્તક મોકલવા બદલ ખૂબ ખૂબ આભાર.]

[1]
પ્રિય દોસ્ત,

સપ્તપદીથી શરૂ થયેલ યાત્રા સ્નેહપદી જેની ઓળખ છે એ ગૃહસ્થીનું સત્ય શું ? સત્યદેવ ક્યા સ્વરૂપે દાંપત્યના દ્વારેથી દર્શન દે છે ? ગૃહસ્થીને ક્યા ચેતન દીવા ઉજાળે છે ? હા, અનુકુલન, આધાર અને અન્યોન્ય માટેનો આદર એ ગૃહસ્થીને ઉજાળતા સ્નેહદીવા ! પણ દોસ્ત, કુટુંમ્બ, ગૃહસ્થી, ઘરસંસારનું સત્ય તો છે આવકાર ! સંબંધોના સત્યે નહીં, પણ કોઈપણ રૂપે અતિથિ દેવશા પૂજાય એ કુટુમ્બ, જીવનનું કલ્યાણ સત્ય ! ગૃહસ્થીના સ્નેહ સરોવરને આતિથ્યના ઓવારેથી જ પૂજી શકાય.

દોસ્ત, આવકાર એ તો ઘરની પ્રત્યેક ચીજનો સ્થિરભાવ, તેના અસીમ વિસ્તારે જિવંત અને નિર્જીવ વસ્તુઓ પણ તેમાં સમાવિષ્ટ થઈ રહે છે. ઘરની પ્રત્યેક ઈંટમાંથી પણ આવકાર અને ઉમળકો ડોકાયા કરે, એ ગૃહસ્થીનું સત્ય. સમગ્રે પોતીકાપણાની હૂંફનો અહેસાસ હોય, એકબીજામાં ઓગળીને એકાકાર થઈ જવું એ જ આતિથ્ય, એ જ આવકાર. અહીં સમય સાવ ગૌણ, સાયુજ્ય ક્ષણનું હોય કે સદીનું, સ્નેહ, આનંદની માત્રા સમાન, એ જ આવકારોત્સવ !

દોસ્ત, સમજાય છે ને ? પરિચિત વ્યક્તિ કે વસ્તુથી માંડીને પરિવારની પ્રત્યેક વ્યક્તિ પણ એકબીજા સાથે અતિથિના આદરથી સંકળાઈ જાય ત્યારે ગૃહસ્થી જ સ્વયમ્ સ્વર્ગ બની રહે છે. કોના સંગાથની કેટલી ક્ષણો ? ક્યાં કોઈ જાણી શક્યું છે. પતિ-પત્ની, માતા-પિતા, ભાઈ-બહેન કે સંતાન કે સંપત્તિ ક્યારે હાથતાળી દઈ જાય એ ક્યાં નિશ્ચિત હોય છે. આ અનિશ્ચિતતાને આતિથ્યના આદરે શું કામ સહજ ન જીવવી ? ‘બેટા પોતીકાપણાનો ભાવ, અધિકારની ભાવના ખરી પડે અને સહિયારા સુખનો ઓડકાર આવી જાય એ સંતોષ એ જ આવકાર સત્ય, આતિથ્યધર્મ, ગૃહસ્થીનું ચેતન કેન્દ્ર !

કાગબાપુએ કેવું સરસ લખ્યું છે…..
તારા આંગણીયારે પૂછીને જે કોઈ આવે,
આવકાર મીઠો આપજે…..
કેમ તમે આવ્યા છો એમ ન પૂછજે,
તેને ધીરે ધીરે તું બોલવા દે જે.

બેટા, કોઈ જરૂરિયાતે આવે કે કોઈ નર્યા જલ્સાથી પણ આપણો આવકાર એક સરખો, સમથળ વહ્યા કરે એ પ્રસન્ન દાંપત્યનું પ્રેરણા સત્ય ! દોસ્ત, જ્યાં ગણતરી છે ત્યાં ગૃહસ્થી ગુંગળાય છે. જ્યાં સ્નેહનું મુક્ત શ્વસન નથી ત્યાં શુભ શક્તિ શે ઉદ્દભવે ? અને જ્યાં શક્તિ નથી ત્યાં ગતિ નથી, બધું જ ગોબરું થઈને ગંધાઈ ઊઠે છે.

દાદા, કોઈ ડેલી ખખડાવે એ પહેલા સાંકળ ખોલી નાખવાની સતર્કતા માટે અતિથિને દેવની જેમ આરાધવા પડશે. કોઈ વધુ સાધનકે સંપત્તિની જરૂર નથી, ફક્ત ઉઘાડી આંખે ઉમળકો આંજીને કોઈના આગમનને હૃદયથી વધાવવાની આ તો સાવ સહેલી અને સચોટ સુખની રમત છે !

બેટા, આવકાર એ ગૃહસ્થીનું સત્ય છે, તો જે આવકાર પામે છે તેનો ધર્મ શું ? તે ધર્મનું સત્ય શું ? દૂધમાં સાકરશા ભળી જઈને મધુરતાને માણવી અને મૂકી જવી એ જ આગંતુકનું સત્ય ! પોતાન ગમા અણગમાની પારનો, પ્રત્યેક ક્રિયા અને આનંદમાં સંગ અને છતાંયે નાવિન્યના શીતળ ચમકારા એ આવનારનું સત્ય ! આગંતુકનો સહજ ધર્મ ! આનંદના આંગણે, આવકારનાં ચંદરવે આપણો આશરો એ જ આપણું સુખ ધામ ! અનંત શુભકામનાઓ સાથે.

સસ્નેહ
વંદન.

[2]
પ્રિય દોસ્ત,

મૌનનો મહિમા કર્યા પછી હું મૂંગોમંતર બની જઈશ એમ નહોતું માન્યુંને ? તારી સાથેની આ આનંદયાત્રા તો અખંડ અને અતૂટ, મારા સાતત્યની નોંધ લઈશને ?

દોસ્ત, કોઈ આપણી નોંધ લે, આપણો સ્વીકાર થાય, આપણી કલા, આપણી કથા અને આપણા કુળસંસ્કારનો દાખલો દેવાય એ વત્તે ઓછે અંશે દરેકને ગમતું હોય છે. આવો વિદ્યાયક સ્વીકાર ગમવો પણ જોઈએ, જેથી વધુ ઉજળા થવાની ખેવનાને બળ મળે અને દિશા પણ સ્પષ્ટ થાય. પણ આ સ્વીકાર આપણી ઈચ્છા અનુસાર સન્માનિત થાય એ તો વધુ પડતું નથી લાગતું ? સમજણના ત્રાજવે કોઈ આપણને કદાચ થોડા ઊણા જોખે અને તેનાથી આપણા આનંદની માત્રા ઓછી થઈ જાય તો આપણે જ દોષિત, એ આપણી જ જવાબદારી. આપણી જાત સાથેની પ્રામાણિકતા એટલી ઓછી. દોસ્ત, સન્માન એ આપણા સ્વીકારનું સત્ય નથી. ગાજરને કોઈ કાચું ખાય, કોઈ બાફીને, કોઈ તેનો રસ કાઢીને પીવે અને કોઈ તેનો હલવો બનાવે, ગાજરના જુદાં જુદાં આવાં સ્વરૂપો એ ગાજરનું સત્ય નથી. ગાજરનું સત્ય તો તેમાંથી મળતા પોષક દ્રવ્યો, તેમાંથી મળતું વિટામીન જ હોઈ શકે. આમ જ આપણા સ્વીકારના સ્વરૂપો પણ વધતા ઓછા સ્નેહે ભિન્ન રહેવાના જ. કદાચ કોઈ ધિક્કારે પણ આપણને સ્વીકારે ! આ બધા વચ્ચે પણ સમતા રહે અને સહજતા મુખરિત થાય એ જ સ્વીકારનું સત્ય ! કશે ધક્કો મારીને કે ધબ્બો મારીને આપણી હાજરી પુરાવવાની નથી, આ તો સ્વીકારના બખાળા જ !

રસ્તે આવી મળતી સગવડ કે અગવડે આપણા પ્રેમને વહેતો રાખવાનો છે. સહજ ખળખળ વહેતું પ્રેમ ઝરણું એ જ સ્વીકારનાં અમી ! સંબંધ ભલે કોઈ પણ જાતિનો હોય, પુત્ર, પિતા, પતિ કે મિત્ર, એક સરળ સાહજિકતાએ સ્વીકારાય અને જીવાય એ જ જીવંત સ્વીકાર, ચેતન સ્વીકાર, સત્ય સ્વીકાર ! આપણી ઈચ્છા મુજબના સ્વીકાર માટે હવાતિયા મારવાની જરૂર નથી, નબળા મધ્યમે મળેલ મહત્તાનું આયુષ્ય અલ્પજીવી જ રહેતું હોય છે.

તારી સમજણના સહજ સ્વીકારે એક ડગલુ આગળ ચાલું છું. સ્વયમ્ ના સંબંધે પણ જાતનો, પોતાનો સ્વીકાર, પણ સાવ સહજ, નિર્દંભ થઈ જવો જોઈએ. સહજની પીઠિકાએ સ્વધર્મનો શિલાલેખ કોતરાઈ જાય એ જ સ્વ-સ્વીકારનો પરમ આનંદ ! બધા જ હવાતિયા અને હવાઈ કિલ્લાઓની પે’લેપારના સહજ શ્વાસો એ જ સ્વધર્મનો મંત્રોચ્ચાર ! પરમના સાક્ષાત્કારના સફળ મંત્રો ! વિશ્વ રંગોળીએ પરમે રંગપુરેલા આપણે ભલે નગણ્ય, પણ નિશ્ચિત ટપકાં છીએ. આપણા જ રંગમાં પ્રકાશવું એ જ સહજ ધર્મ, સ્વધર્મ. સ્વધર્મ મૃત્યુ પણ અમરત્વની દિક્ષા છે. સહજના લયતાલમાં જીવન સંગીત એ જ જીવનધર્મ એ જ સત્ય જીવન સંગીત !

આપણો ઈશ્વર આલેખેલ નિશ્ચિતતાનો સ્વીકાર એ જ પરમની આપણે ઉતારેલ જીવન આરતી. પ્રતિક્ષણ આવી સ્વીકાર આનંદ આરતીનું ટાણું હો એવી શુભકામનાઓ સાથે !

સસ્નેહ,
પ્રણામ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous કાશ્મીરી કાવ્યો – હબ્બાખાતૂન
કોર્સ બહારની પ્રશ્નોત્તરી – નિર્મિશ ઠાકર Next »   

16 પ્રતિભાવો : સત્ય ઝરૂખે સ્નેહદીવા – ડૉ. ભરત મિસ્ત્રી

 1. Hiral Thaker 'Vasantiful' says:

  Very true….! If somebody welcomes you, you would like to visite again….!!

  કાગબાપુએ કેવું સરસ લખ્યું છે…..
  તારા આંગણીયારે પૂછીને જે કોઈ આવે,
  આવકાર મીઠો આપજે…..
  કેમ તમે આવ્યા છો એમ ન પૂછજે,
  તેને ધીરે ધીરે તું બોલવા દે જે.

  In reference of this….Some more lines I remember..(But may be the order of the words are not proper…)

  “જાય મ્હેમન તો દરવાજા સુધિ મેલ્વા જાજે રે…. ”

  I think title of this poem is “Paronagat” means “Mehmangati…”!

 2. અતુલ જાની (આગંતુક) says:

  સત્ય ઝરૂખે સ્નેહદીવા – વાહ કેવું સુંદર શિર્ષક, સત્યનો ઝરુખો અને સ્નેહના દીવા.

  સુંદર વાતો દ્વારા ગૃહસ્થ ધર્મ તો જાણવા મળ્યો જ પરંતુ સાથે સાથે અતિથી થનાર નું વર્તન કેવું હોવું જોઈએ તે પણ સારી રીતે સમજાયુ.

  સમજણના ત્રાજવે કોઈ આપણને કદાચ થોડા ઊણા જોખે અને તેનાથી આપણા આનંદની માત્રા ઓછી થઈ જાય તો આપણે જ દોષિત, એ આપણી જ જવાબદારી. કેટલી સુંદર વાત, આપણા આનંદની દોરી આપણાં જ હાથમાં હોવી જોઈએ, કોઈ અન્યના હાથમાં તે શા માટે હોય ?

  ભરતભાઈ, ધન્યવાદ.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.