- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

કોર્સ બહારની પ્રશ્નોત્તરી – નિર્મિશ ઠાકર

[‘નિર્મિશાય નમ:’ પુસ્તકમાંથી હાસ્યલેખ સાભાર. આપ લેખકનો આ સરનામે સંપર્ક કરી શકો છો : nirmish1960@hotmail.com ]

વાચકોના પ્રશ્નો લઈ આવતા પત્રોનો ભરાવો થઈ ગયો છે. આ સુખદ સ્થિતિ મને ગમે છે (મને પહેલેથી જ પાંચમાં પુછાવાનો શોખ છે !) જે કાંઈ જવાબો મારા દ્વારા અપાશે એમાં તમને મારાં અનુભવ (!) અને જ્ઞાન (?) નો સુભગ સમન્વય અચૂક વરતાશે.

પ્રશ્ન : તમારી કળા વિષે કંઈ કહેશો ? (રમણ પટેલ, રણુજા)
ઉત્તર : મને કળા નથી ફાવતી. કળા તો મોર કરે !

પ્રશ્ન : અમારા પાડોશી કનુભાઈની પત્ની મને બહુ ગમે છે, તો મારે શું કરવું ? (મનુભાઈ માવાણી, મીઠાપુર)
ઉત્તર : તમારા આ પત્ર અગાઉ કનુભાઈએ પણ આ જ પ્રકારનો પ્રશ્ન પૂછેલો. તમે બંને હવે મારું-તારું છોડી મનની વિશાળ ભાવના સાથે આગળ વધો. (જોકે પ્રશ્ન તો અહીં ‘તન’ નો જ લાગે છે !)

પ્રશ્ન : સ્ત્રી સામે ઊભી હોય ત્યારે સીટી મારનારને અસભ્યતા બદલ કડક સજા થવી જોઈએ કે નહીં ? (વિઠ્ઠલ, કડી)
ઉત્તર : તો કૂકરને પણ સજા કરશો ?

પ્રશ્ન : મને સતત ચક્કર ચડેલાં જ રહે છે, તો શું કરવું ? (અનંત ચક્રધર, ચકલાસી)
ઉત્તર : ચક્કર મટાડવાં હોય તો ડૉક્ટરને પૂછવું, ન મટાડવાં હોય તો બંધ પંખા હેઠે બેસવું, જેથી એ ફરતો લાગશે. કમ સે કમ લાઈટ-બિલ બચાવ્યાનો સંતોષ મળશે. ગમ્યું ?

પ્રશ્ન : મેં સત્તરસો પાનાં રોકતું વિશાળ ખંડકાવ્ય લખ્યું છે અને આ યુગમાં પડકાર બની જાય એવો એક નવો જ છંદ પ્રયોજ્યો છે. આ છંદનું નામ શું રાખવું ? (વિનાયકરાવ જાગુષ્ટે, અમદાવાદ)
ઉત્તર : ‘પડછંદ’ નામ યોગ્ય ગણાય.

પ્રશ્ન : આમ તો તમારો વડીલ ગણાઉં એટલી મારી ઉંમર છે એટલે પૂછતાં સંકોચ થાય છે, છતાં પૂછું છું. મને ઘણા વખતથી કોઈનો શાપ લાગી ગયાની લાગણી થયા કરે છે, તો શું કરવું ? (કૃપાશંકર પટ્ટણી, ધ્રાંગધ્રા)
ઉત્તર : તમને કશું નહીં થાય, મારા આશીર્વાદ તમારી સાથે છે ને !

પ્રશ્ન : તુલસીદાસનું રામાયણ ગાવું હોય, તો સાથે ક્યું વાદ્ય હોવું જોઈએ ? (જનકરાય જાદવ, જોધપુર)
ઉત્તર : રાવણહથ્થો.

પ્રશ્ન : રંગની પસંદગીને આધારે માણસનું ભવિષ્ય નક્કી થઈ શકતું હોય છે, એમ મેં સાંભળ્યું છે. મને પીળો રંગ જ બહુ ગમે છે, તો મારે ક્યો ધંધો કરવો ? (ચમન)
ઉત્તર : પત્રકારત્વમાં ઝંપલાવો તો ઉત્તમ, કારણ કે આજકાલ એનો રંગ પણ એ જ છે !

પ્રશ્ન : હું શીર્ષાસન કરું છું ત્યારે મગજમાં લોહી ભરાતું હોય એમ લાગે છે, પણ સીધો ઊભો હોઉં ત્યારે પગમાં લોહી ભરાતું હોય, એમ લાગતું નથી ! કારણ શું ? (ધીમંત ભાવસાર, મીઠાપુર)
ઉત્તર : સ્વાભાવિક છે, જ્યાં ખાલી જગ્યા હશે ત્યાં જ કશુંક ભરાઈ શકશે ને !

પ્રશ્ન : આ પૃથ્વી ગોળ ફરતી હોય, એમ મને લાગતું નથી, તો ? (અભેસંગ રાઠોડ, ચિત્તોડ)
ઉત્તર : આ પ્રશ્નોત્તરીને વારંવાર વાંચ્યા કરો, સમગ્ર બ્રહ્માંડ પણ ગોળ ફરતું દેખાશે !

પ્રશ્ન : ભાઈ શ્રી નિર્મિશભાઈ, મને સો ટકા વિશ્વાસ છે કે તમને પ્રશ્નો પૂછવા કોઈ નવરું નથી જ ! તમે જાતે જ પ્રશ્નો બનાવીને વાચકોને પણ બનાવો છો. તમારા જવાબો એટલા વિચિત્ર અને ઢંગધડા વગરના હોય છે કે એ કોઈના ગળે ઊતરે નહીં. તમને શું લાગે છે, અમે ગધેડા છીએ ? (ચતુર પટેલ, ચરોતર)
ઉત્તર : ભાઈશ્રી ચતુરભાઈ, આ પ્રશ્ન તમે પૂછી રહ્યા છો કે મેં બનાવ્યો છે ? તમે શું છો એ અંગે મને શા માટે પૂછો છો ? મારી દષ્ટિએ તો તમે માણસ જ લાગો છો, છતાં જવાબ ગળે ન ઊતરે તો માફ કરશો. હું ખોટો પણ હોઈ શકું !

પ્રશ્ન : ‘એણે પ્રશ્નસૂચક દષ્ટિ નાંખી’ – એવું વાક્ય હમણાં મેં એક નવલકથામાં વાંચ્યું. પ્રશ્નસૂચક દષ્ટિ મારા જોવામાં તો કદી આવી નથી, એ શું ચીજ છે ? (નયના જાની, નેત્રા)
ઉત્તર : બહેન, માણસ તો ઠીક, પ્રાણીઓ પણ પ્રશ્નસૂચક દષ્ટિ નાખતાં હોય છે. કૂતરા સામે પહેલાં એક-બે રોટલી નાંખજો, ત્યાર પછી કાગળનો ડૂચો નાંખજો. છેલ્લે એ જે રીતે તમારી તરફ જોશે, તે જ પ્રશ્નસૂચક દષ્ટિ હશે, કૂતરાની આંખમાં એ સ્પષ્ટ દેખાશે. (અલબત્ત, તમે દૂર રહીને જ જોજો !)

પ્રશ્ન : હોટલમાં જમ્યા પછી જે લીંબુના ટુકડા સાથેનું ગરમ પાણી હાથ ધોવા માટે અપાય છે, તેને પી જવાનું ખૂબ જ મન થઈ આવે છે, કારણ શું હશે ? (જયેશ દોશી, ભરૂચ)
ઉત્તર : માણસ સસ્તા ને લીંબુ મોંઘા થતાં જાય છે, ભાઈ !

પ્રશ્ન : તમારી કૉલમની ગતિ વિષે કોઈ કાવ્યપંક્તિ યાદ આવે છે ? (માધુરી દીક્ષિત, મુંબઈ)
ઉત્તર : ‘ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની !’

પ્રશ્ન : દેવાનો મોટો બોજ માથે હોવા છતાં, હમણાં મેં એક ગુજરાતી ફિલ્મ ઉતારી છે. એમાં એક લોકગીત ઉમેરવું છે. તમે કહો કે ક્યું ઉમેરવું ? (ગિરધારીલાલ દવે, હાલોલ)
ઉત્તર : ‘હાં હાં રે ઘડૂલિયો ઉતાર રે ગિરધારી !’