- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

જાંબુઘોડા અભયારણ્ય – વંદના ભટ્ટ

ગુજરાતમાં આવેલ દીપડા અને વરુનું પ્રસિદ્ધ જાંબુઘોડા અભયારણ્ય પ્રકૃતિ-પ્રેમીઓ માટે હંમેશાં લલચાવનારું રહ્યું છે. જાંબુઘોડા અભયારણ્યમાં આવેલ ઝંડ હનુમાન નામનું સ્થળ આ અભયારણ્યની કલગી સમાન છે. પાવાગઢની પર્વતમાળાથી ઘેરાયેલું આ સ્થળ પાંડવ કાલીન સ્મૃતિઓનો વારસો સાચવીને બેઠું છે.

વડોદરાથી છોટાઉદેપુર જવાના રસ્તા ઉપર પચાસ કિ.મી. દૂર જાવ એટલે ડાબા હાથ ઉપર વિશાળ સાઈન-બોર્ડ આવે છે ‘જાંબુઘોડા અભયારણ્ય’. બસ ત્યાંથી અંદર વળી જવાનું છે. ત્યાં ખાનગી વાહનમાં જ જઈ શકાય છે. અત્યારે તો રસ્તો કાચો છે પરંતુ પાકો રસ્તો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ સ્થળને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનું સરકારનું આયોજન છે.

કાચા રસ્તે ફંટાતાં જ તમને અહેસાસ થશે કે તમે મૌન સમયની ગુફામાં પ્રવેશી રહ્યા છો. આજુબાજુ પ્રકૃતિ સ્તબ્ધ ઊભી છે. આદિવાસીઓનાં એકલદોકલ ઝૂંપડાં નજરે ચડ્યાં કરે. નજરને દૂર લંબાવો તો પર્વતની હારમાળા મનને અભિભૂત કરી દે. સાગ-ખાખર-કેસૂડાંનું આ જંગલ હજુ તો સવાયું છે.

એવું કહેવાય છે કે વનવાસ દરમ્યાન પાંડવો અહીં પણ આવ્યા હતા. પાંડવપુત્ર ભીમ હિડિમ્બા સાથે લગ્ન કરીને અહીં આવ્યો હતો. તેની નિશાની રૂપ એક વિશાળ પથ્થરની ઘંટી હજુ પણ અહીં પડી છે. પાંચાલીની તરસ છિપાવવા અર્જુને જમીનમાં બાણ મારીને કાઢેલું પાણી આજે કૂવા સ્વરૂપે રહીને ઝરણાં રૂપે વહી રહ્યું છે. ચારે તરફ ફેલાયેલી વનરાજી પાંચાલીના છૂટા કેશની યાદ અપાવી જાય છે અને પાંડવોના પ્રેમ અને સંઘર્ષના સાક્ષી સમા પહાડો ધ્યાનસ્થ ઋષિ જેવા ભાસે છે. આ બધાંની વચ્ચે એક ટેકરી ઉપર હનુમાનજીનું મંદિર આવેલ છે. વનસ્પતિના ઝુંડની વચ્ચે આવેલું હોવાથી તેનું નામ પડ્યું ઝંડ હનુમાન ! મૂર્તિ પંદર ફૂટ ઊંચી છે. દર્શન કરતાં એવું લાગે કે હનુમાનજી કાંઈક કહેવા તત્પર છે. એવા હાવભાવ મુખારવિંદ ઉપર દેખાય છે. નીચે તળેટીમાં ખૂબ પુરાણું શિવજીનું દેરું છે. તેને જોતાં જરૂર થાય છે કે આ અઘોર વનમાં આવું નકશીકામવાળું મંદિર કોણ બનાવવા આવ્યું હશે ? આવી નાની નાની ક્ષણોનો ઈતિહાસ આપણે ત્યાં મૌન જ હોય છે ! જાણે કે પ્રકૃત્તિના મૌન સામે ઈતિહાસની વાચા હણાઈ ગઈ ન હોય !

આ મૌનના ઘરમાં રાત રોકાવાની મનાઈ છે. સાંજે પાંચ વાગે સ્થળ છોડી દેવું પડે છે. કેમ કે આ દીપડાના અભયારણ્યમાં રાત રોકાવું જોખમ ભરેલું છે. આદિવાસીઓ ઉપર દીપડાના હુમલા, ગામમાં ઘૂસી આવતા દીપડા અવાર-નવાર સમાચાર પત્રોમાં ચમકતા રહે છે. અહીં જમવાની વ્યવસ્થા અદ્દભુત છે. એક નાની છાપરીમાં આદિવાસી છોકરો ભોજનાલય ચલાવે છે. તમે ઑર્ડર નોંધાવો તો અડધી કલાકમાં તમને ડુંગળી-બટેટાનું રસાદાર સ્વાદિષ્ટ શાક અને મકાઈના ગરમા-ગરમ રોટલા મળે છે. પ્રકૃતિની વચ્ચે રૂઢિગત ભોજન અનેરો આનંદ આપે છે.

યુગો જૂના સંવાદને પોતાના મૌનમાં સાચવીને બેઠેલા આ જંગલમાં ઠેર-ઠેર સૂત્રો વાંચવામાં આવે છે, વનસ્પતિની મહત્તાનાં અને ક્યાંક ક્યાંક સંભળાતા કુહાડીના ઘા આ સૂત્રોની મજાક ઉડાવતા આવારા છોકરા જેવા લાગે છે ! ભીમની ઘંટી પાસે વિખરાયેલા પડેલા પથ્થરો માટે એવી વાયકા છે કે તમે એને એક ઉપર એક થપ્પી કરો. જેટલા પથ્થર ચડાવો એટલા માળનો તમારો બંગલો થાય.

મેં પણ વેરવિખેર પથ્થરોને સમેટીને થપ્પી બનાવી એ વિચારે કે વેરવિખેર થઈ રહેલી આ અમૂલી સંસ્કૃતિની ઈમારત ફરીથી બુલંદ બને. આકાશને આંબે અને આ મૌન પહાડીઓમાં ગુંજવા લાગે માનવતાની ઋચાઓ.