- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

સ્નેહ સાધના – અવંતિકા ગુણવંત

‘આ શું ? આવી વહુ ? ના, ના, ના. આવી વહુ ના ચાલે. હરગિજે ના ચાલે.’ ત્વરાને જોઈને સરુબહેનનું મન ચિત્કાર કરી ઊઠ્યું.

સરુબહેન પોતે અત્યંત સ્વરૂપવાન હતાં. પંચાવન વર્ષની ઉંમરે પણ સો સ્ત્રીઓમાં અલગ તરી આવે તેવું એમનું વ્યક્તિત્વ હતું. એમનું ઊઠવું, બેસવું, પહેરવું, ઓઢવું, બોલવું બધું નોખું, એમાં સૂઝ હતી, સમજ હતી, કલા હતી. કોઈનાં અવસાન નિમિત્તે સાવ સફેદ લૂગડાં પહેરી બેસણામાં જાય ત્યાંય એમનું રૂપ જાણે છલકાઈ જતું લાગે. કંઈક ભારે, ઘૂંટાયેલો એમનો અવાજ બોલે એટલે બધાં ચૂપ થઈ જાય. એમનું બોલવું એવું ડાહ્યું ને શાણું કે સામી વ્યક્તિ અંજાઈ જાય, મનોમન પોતાને ઊતરતી ગણે. પોતાની આ વિશેષતાઓનું એમને પૂરું ભાન હતું.

સરુબહેનનો દીકરો પ્રિયાંક પણ એમના જેવું જ પ્રતિભાશાળી વ્યક્તિત્વ ધરાવતો હતો. તે ગણિતશાસ્ત્રમાં પી.એચ.ડી. હતો. યુનિવર્સિટી તરફથી પરદેશ ગયો હતો. ત્યાંથી એ ત્વરાને પરણીને આવ્યો. ત્વરા દૂબળીપાતળી ને ભીનેવાન હતી. ઘાટઘોટ વગરનું એનું મોં હતું. પહેરવા-ઓઢવામાંય કોઈ વિશેષતા નહિ. સાવ સામાન્ય દેખાવની ત્વરાને જોઈને સરુબહેન અવાક્ થઈ ગયાં. એમનાં હોંશ, ઉત્સાહ, અહમને જબરદસ્ત ધક્કો લાગ્યો : ‘દીકરા, તેં આ શું કર્યું ? તેં તો મારા વેરીનું કામ કર્યું. લોકોના કાળા કલૂટા છોકરાય રૂપાળી રંભા જેવી વહુ લાવે છે. પોતે કેવી સુંદર વહુની કલ્પના કરી હતી. ને આ ? બારણે ઊભી શોભેય નહિ. આને તો મારા ઘેર કામવાળી તરીકેય ન રાખું.’

સરુબહેનનું હૈયું વલોપાત કરી ઊઠ્યું. એમણે વહુને ના આવકાર આપ્યો કે ના આશિષ આપી. ના હૈયા સરસી ચાંપી કે ના માથે હાથ મૂક્યો. ના દાગીનો આપ્યો, ના સાડી આપી. દીકરાના લગ્નની કે વહુના આગમનની ના ઉજવણી કરી. એમના હૃદયનાં દ્વાર વહુ માટે ભિડાઈ ગયાં, પણ ઘરનાં દ્વાર બંધ ના કરી શક્યાં. પ્રિયાંક એને પરણીને આવ્યો છે. તે આ ઘરની વહુ છે. એનો આ ઘરમાં હક છે, હિસ્સો છે.

પ્રિયાંક એની માને કહે છે, ‘ત્વરા મારી સાથે કામ કરતી હતી, મને એની સાથે બહુ ફાવતું’તું. એ મારા જેટલું જ ભણી છે.’ સરુબહેન કંઈ બોલતાં નથી. મોં મચકોડે છે. પોતાની નારાજગી વ્યક્ત કરીને ત્યાંથી જતાં રહે છે. સરુબહેન ત્વરા સાથે જરાય વાતચીત નથી કરતાં. ત્વરા સાસુના મનોભાવ સમજી શકે છે. પ્રિયાંકે જ્યારે એની આગળ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો ત્યારે ત્વરાએ આનાકાની કરતાં કહ્યું હતું : ‘તમે આટલા બધા રૂપાળા…. મારી તો તમારી બાજુમાં ઊભા રહેવાની હિંમત નથી ચાલતી…’
ત્યારે પ્રિયાંકે સ્નેહથી કહ્યું હતું : ‘સાચું રૂપ તો અંતરનું છે, એમાં તું ક્યાં ઊતરતી છે ?’ …. ને બેઉ જણ ત્યાં પરદેશમાં પરણી ગયાં હતાં.

અહીં આવીને ત્વરા સાસુનું અપ્રતિમ રૂપ જોઈ જ રહી. તેણે પ્રિયાંકને કહ્યું : ‘મમ્મીની સામે ઊભા રહેવાનુંય મારાથી સાહસ નથી થતું.’
પ્રિયાંક હસીને કહેતો : ‘હા, આ એક મુશ્કેલી છે. પણ મુશ્કેલી છે તો મજા છે. ગણિતના કૂટ પ્રશ્નની જેમ આને ઉકેલવામાં એક પડકાર છે.’
હા, પતિની વાત સાચી છે. ત્વરાએ મનોમન સાસુનો સ્નેહ પામવાની પ્રતિજ્ઞા લીધી. ત્વરાએ જોયું કે સાસુ માત્ર રૂપમાં જ નહિ પણ હોશિયારીમાંય ભલભલાને પાછા પાડી દે એવાં છે. રસોઈ કેટલી સ્વાદિષ્ટ ને વિવિધ બનાવે છે ! ભરતગૂંથણ, શીવણ જાણે. રંગોળી પૂરે ને મહેંદી મૂકે. ઘર નવી નવી રીતે સજાવે.

આજ સુધી ત્વરાએ ઘરકામમાં રસ લીધો ન હતો. એના જન્મ વખતના ગ્રહો જોઈને એના દાદાએ એનું નામ પંડિતા પાડ્યું હતું. એ જીવ્યા ત્યાં સુધી ‘પંડિતા’ કહીને જ ત્વરાને પોકારતા. ત્વરા ખૂબ ગંભીરતાથી વિદ્યાભ્યાસમાં મશગૂલ રહેતી. ઘરનું કામ એને બુદ્ધિ વગરનું લાગતું. સ્ત્રીસહજ શૃંગાર, ટાપટીપને એ મૂર્ખતા માનતી. પરંતુ સરુબહેનને જોયાં ને એ વિસ્મય પામી ગઈ. ઘરના તુચ્છ સામાન્ય દેખાતા કામમાંય આટલી બુદ્ધિ, આવડત, કલાને અવકાશ છે !

સવારે ત્વરાએ દૂધ ગરમ થવા મૂક્યું. એ બધાં કામ છોડી દઈ દૂધ પાસે જ ઊભી રહી. આ જોયું ને સરુબહેન બોલ્યાં : ‘બે લિટર દૂધને બરાબર દસ મિનિટે ઊભરો આવે છે. વચ્ચે વચ્ચે દૂધ હલાવતી જા ને બીજું કામ કરતી જા.’ બરાબર દસ મિનિટે દૂધનો ઊભરો આવ્યો. ત્વરા પ્રશંસાથી સાસુ સામે જોઈ રહી. સરુબહેન ખુશ થવાને બદલે બોલ્યાં, ‘તું તો મોટી ગણિતશાસ્ત્રી છે. ગણતરી તારા લોહીમાં હોવી જોઈએ. ગણિત તો જીવનનો પાયો છે, તું કેમ ગણિતમય નથી થઈ જતી ? જરા મગજ ચલાવ. એકએક શાસ્ત્રમાં ગણતરી હોય છે. અરે, ધાર્મિક ક્રિયામાંય ગણતરી હોય છે. ત્રણ ખમાસણ લો. એકસો આઠ નવકાર જાપ કરો. અમુક મંત્રનો સત્તાવીસ વખત જાપ કરો. આ ગણતરી પાછળ ચોક્કસ હેતુ હોય છે. આટલી સીધી સમજ તારામાં કેમ નથી !’ સરુબહેને મોટું ભાષણ ઠોકી દીધું.

તક મળ્યે એ કરવતની જેમ એમની જીભ ચલાવ્યે જ રાખતાં હતાં. પળે પળે એ ત્વરાને એ હીણી છે, ઊતરતી છે એવું બતાવવા માગતાં હતાં. એનું નૈતિકબળ તૂટી જાય એમ એ એની પર વાગ્હુમલા જ કરતાં. પરંતુ ત્વરા કેળવાયેલી હતી. એ જોતી કે સાસુ કહે છે તે રીત કડવી છે, પણ વાત સત્ય છે. સાસુએ જ્યાં જ્યાં ગણિત જોયું ત્યાં મને કેમ ના દેખાયું ? આંકડામાં જ રમનારી હું આંકડા વિશે સાસુની જેમ કેમ ના વિચારી શકી ? સાસુએ ઘરનું દરેક કામ કેટલી મિનિટમાં થાય તે શોધ્યું હતું. પાણીની માટલી બરાબર પાંચ મિનિટે ભરાય છે, ત્યારે જ એ નળ બંધ કરવા જતાં. ચાર કપ ચા થતાં સાત મિનિટ લાગે છે. બ્રશ કરવા જતાં એ ચા મૂકી દેતાં, પાંચ મિનિટે બ્રશ કરીને આવતાં ને ચા જોતાં. સાસુનું દરેક કામ ગણતરી મુજબ થતું. એમનું આયોજન એવું હતું કે ઘણાં બધાં કામ થોડા જ સમયમાં પતી જતાં. ત્વરા નવાઈ પામીને પ્રિયાંકને કહેતી : ‘તક મળી હોત તો મમ્મી મોટાં ગણિતશાસ્ત્રી થાત.’

પ્રિયાંક કહેતો : ‘મમ્મી પાસે પી.એચ.ડી.ની ડિગ્રી નથી, પણ એ મારી ગુરૂ છે. હું નાનો હતો ત્યારે મારી સાથે એય ગણિતના કોયડા ઉકેલવા બેસતી. અરે, વૈદિક ગણિત વિશે સાંભળ્યું તો એને વિશે કેટલુંય વાંચ્યું ને યાદ પણ બરાબર રાખે. મને બધું વિગતે સમજાવે. હું કૉલેજમાં આવ્યો. અમે ભાઈબંધો કોઈ ચર્ચા કરીએ તો એ ધ્યાનથી સાંભળે, સમજવા પ્રયત્ન કરે ને ના સમજાય એ પાછળથી મને પૂછે. આ બધું જાણીને એમને દેખીતો કોઈ લાભ થવાનો ન હતો, પણ કેટલી જિજ્ઞાસા ! જ્ઞાનની કેવી ભૂખ !’

ત્વરાને સાસુ માટે માન થાય છે. એ વિચારે છે : સાસુનો સ્વભાવ થોડો આકરો છે, પણ જૂના સમયના ઋષિમુનિઓ અને જ્ઞાનીના સ્વભાવ પણ ઉગ્ર જ હતા. છતાંય એમના જ્ઞાનના લીધે એ પૂજાય છે. ત્વરાએ પોતાનાં સાસુને પોતાનાં ગુરૂ માન્યાં. એ જે કહે તે ધ્યાનથી સાંભળે છે, યાદ રાખે છે. એક વાર સાંભળ્યા પછી તે ભૂલ કરતી નથી. સરુબહેનની નજર એટલી કેળવાયેલી કે વસ્તુ જુએ ને એનું માપ કહી આપે, તોલ કહી આપે. ત્રાજવેથી તોલો તોય ભૂલ ના નીકળે. અરે, મૂઠી ને ચપટીનુંય એવું જ માપ કાઢેલું.

બ્લડપ્રેશરને હિસાબે મીઠું ઓછું ખાવાનું હતું. એ ચપટીમાં મીઠું લે ને કેટલા રતીભાર મીઠું છે તે ખાતરીપૂર્વક કહેતાં. સાસુનું જોઈને ત્વરા ચપટી ભરીને મીઠું ભાણામાં મૂકતી. મીઠું જરા વધારે જુએ તો સુરુબહેન એને ઝાટકી નાખતાં. એક કણમાં કેટલી તાકાત છે એ તું નથી જાણતી ?’ પછી તો ન્યુટ્રોન ને પ્રોટ્રોન વિશે વાત કરતાં. એમની વાતમાં ભૌતિકશાસ્ત્ર આવે, રસાયણશાસ્ત્ર ને ખગોળશાસ્ત્ર આવે. કોઈ વાર શરીર વિશે તો કોઈ વાર સંગીત વિશે વાત કરે. બપોરે આરામ કરવાને બદલે કંઈક અભ્યાસપૂર્ણ વાંચતાં જ હોય. વાંચે ને બધું જ યાદ રહે. વિગતવાર કહી શકે, સમજાવી શકે, ત્વરાને થાય : ઓહ, આ સાસુ તો જીવતાંજાગતાં એન્સાઈકલોપિડિયા છે. સાસુ માટે એને માન સાથે મમત્વ જાગ્યું. સાસુ ન એના તરફના વર્તનને એ બરાબર સમજી શકી. એ વિચારે છે, સાસુએ એમની બુદ્ધિ અને નજરનો કેટલો વિકાસ સાધ્યો છે ! પ્રિયાંક કહે, ‘મમ્મી કારભારીની દીકરી છે તેથી જ એનામાં આટલી ચોકસાઈ અને પરખશક્તિ છે.’ સોનાનો દાગીનો હાથમાં લે ને એનું વજન કહી શકે. હીરાને એક ઝવેરીની જેમ પારખી શકે છે. કોઈ પણ વસ્તુની ખરીદીમાં એ ક્યારેય છેતરાયાં નથી. ઘરની વહુ વિશે તો એમણે કેવાંય સ્વપ્નાં સેવ્યાં હશે, એને બદલે એમનો દીકરો રૂપેરંગે સામાન્ય ને અણઘડ વહુ લઈ આવ્યો એટલે આઘાત પામે જ ને !

આ સંતાપ જ એમને સતત ગુસ્સામાં રાખતો હતો. કોઈ મહેમાન આવે ત્યારે સરુબહેન વહુની ઉલટથી ઓળખાણ કરાવતાં નથી. કોઈ સામેથી પૂછે તોય સરુબહેન અકળાઈ ઊઠતાં. કાયમ હસી હસીને મહેમાનને આવકારનાર સરુબહેન મહેમાન પર જ રોષે ભરાતાં. એમને થતું : આ લોકો મારી હાંસી કરે છે. મહેમાન જાય પછી એ ત્વરાને અને પ્રિયાંકને કેટલુંય સંભળાવતા. જિંદગીની બાજી હારી બેઠાં હોય એમ સરુબહેન બહાવરાં-બેબાકળાં બની ગયા હતાં. એ વિવેક ભૂલીને ત્વરાને બોલતાં. બોલે નહિ ત્યારેય આંખથી ડારતાં. પોતાના આચરણથી એને સૂચવતા કે, ‘તું ભાગી જા. અહીંથી ભાગી જા.’ પ્રિયાંક પણ ત્વરાને અલગ રહેવા વિશે પૂછતો.

પણ ત્વરા કહેતી, ‘જુદા રહેવાની વાત કરશો જ નહિ. જુદા રહેવાથી આ પ્રશ્ન હલ નહિ થાય. હું મમ્મીને શાંતિ આપવા ઈચ્છું છું, સંતોષ આપવા ઈચ્છું છું. મને એ ગમે છે, અહીં રહેવું મને ગમે છે.’ ત્વરામાં દઢ મનોબળ હતું. સરુબહેન ઉગ્રતાથી ગમે તે બોલે પણ એ કદીય સંયમ ખોતી નહિ. જાણે સાંભળ્યું જ ના હોય એમ ચૂપ રહેતી, સ્વસ્થ રહેતી. આજુબાજુના લોક કહેતા : ત્વરા સાસુના ત્રાસથી દબાઈ ગઈ છે, પણ ત્વરા તો એની સાધનામાં જ મસ્ત હતી.

સવારની કૉલેજમાં પ્રોફેસર તરીકે એ કામ કરતી હતી. પરંતુ ઘેર આવ્યા પછી તો ઘરનાં કામમાં જ ડૂબી જતી. જરાય પ્રમાદ નહિ, આળસ નહિ, અવિનય નહિ. સરુબહેનને આવી વિનીત શિષ્યા ક્યાંથી મળે ? સરુબહેન જેવી આવડત ત્વરામાં આવવા માંડી. સરુબહેનના હૃદયના ઊંડાણમાં આ નમ્ર, વિવેકી, પ્રેમાળ વહુ માટે પ્રેમ ઊભરાવા માંડ્યો. મજબૂતપણે ભિડાયેલાં એમનાં હૃદયનાં દ્વાર ખૂલી ગયાં.

ત્વરા એમના હૃદયમાં સ્થાન પામી. હવે એ ત્વરામય બની ગયાં. ત્વરા વગર એક ક્ષણ ચેન પડતું નથી. ત્વરા કૉલેજથી ઘેર આવે ત્યારે એની રાહ જોતાં સરુબહેન ઘરને બારણે નહિ પણ કમ્પાઉન્ડને દરવાજે ઊભાં હોય છે. હસીને આવકારે છે. માથે ને મોંએ હાથ ફેરવીને વહાલ કરે છે. ઝટપટ જમવાની થાળી પીરસે છે. પોતાના હાથથી કોળિયો ભરી ત્વરાના મોંમાં મૂકે છે. ત્વરા સાસુને ખવડાવે છે. બેઉનાં અંતર હરખાય છે.