- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

જીવનની ધરી – મકરન્દ દવે

કાશીનગરીમાં એક વેપારી રહેતો હતો. મુખ્ય બજારની પાસેની ગલીમાં તેની દુકાન હતી. જીવનજરૂરિયાતની ઝીણી-મોટી વસ્તુઓ તે રાખતો. એની દુકાનની આસપાસ કાશીના મહાન શ્રેષ્ઠીઓની પેઢીઓ હતી. રેશમી વસ્ત્રના વેપારીઓની ભભકાદાર દુકાનો હતી. મેવા-મીઠાઈ તથા સાજ-શણગારના વેપારીઓ પણ ગ્રાહકોને આકર્ષવા ચમકદમક કરી બેસતા. એ બધામાં આ સાદી દુકાન તરી આવતી. સુઘડ, સ્વચ્છ અને વ્યવસ્થિત. અને બીજી કોઈ દુકાન પાસે નહોતી જામતી એટલી ઘરાકી આ દુકાન પાસે જામતી. નગરને દૂર દૂરને છેડે રહેતા માણસો પણ આ દુકાને માલ ખરીદવા આવતા. એમાં રંક ને શ્રીમંતનો ભેદ નહોતો. દુકાનદાર પણ સહુને સરખો આવકાર આપી જોઈતો સામાન જોખી આપતો.

કાશીમાં અનેક યાત્રીઓ આવતા. ઘણા તો વરસોવરસ યાત્રા કરનારા. તેમને એ જોઈ આશ્ચર્ય થતું કે આ બજારમાં કેટલાયે શ્રેષ્ઠીઓની પેઢી ઊપડી ગઈ હતી. રેશમી સેલાંના કેટલાયે વેપારીઓ રેંકડી ફેરવતા થઈ ગયા હતા, પણ આ એક વેપારીની દુકાન ધમધોકાર ચાલતી. આસપાસની દુકાનોમાં વેપારી અને ગ્રાહક વચ્ચે બોલાચાલી થતી, માલિક અને નોકર વચ્ચે મારામારી થઈ જતી, પણ આ દુકાનમાં કોઈએ ઊંચો શબ્દ કદી નહોતો સાંભળ્યો. વેપારીના મુખ પર ભારોભાર નમ્રતા ને સ્મિત હતું. ગ્રાહકોના ચહેરા પર વેપારી પ્રત્યે એટલું જ માન હતું, વિશ્વાસ હતો, પ્રસન્નતા હતી.

અને કોઈ દિવસ આ દુકાનમાં માલની ભેળસેળ કોઈએ ભાળી નહોતી. ભાવનો ખોટો વધારો-ઘટાડો અનુભવ્યો નહોતો. બીજે જેનાં દોઢાં બમણાં દામ ચૂકવવાં પડે તે અહીં હંમેશાં વાજબી ભાવે મળતું. દુકાનમાં તરત ધ્યાન ખેંચે એવું વેપારીનું ત્રાજવું હતું. કોઈ ભક્ત ભગવાનની મૂર્તિને પૂજે એવા ભક્તિભાવથી વેપારી આ ત્રાજવાને પૂજતો. આ ત્રાજવાની દાંડી વેપારીને માટે તો જાણે જીવનની ધરી હતી. કોઈ દિવસ જાણીજોઈને તો એ હાથની કરામત વાપરી દાંડીને નમાવે નહીં પણ અજાણતાંયે ઓછું જોખાઈ જાય તો એને મહા અપરાધ કર્યા જેવું લાગતું. યોગીની સુરતા જેમ પરબ્રહ્મની જ્યોતિમાં એકાગ્ર થાય તેમ વેપારીની દષ્ટિ આ ત્રાજવાની દાંડી પર સ્થિર હતી અને એટલે તો લોકોએ વેપારીનું નામ પાડ્યંિ હતું – તુલાધાર.

કોઈ યાત્રી લાંબે વખતે કાશીમાં આવતો અને તુલાધારની એવી ને એવી રિદ્ધિસિદ્ધિ જોઈ આશ્ચર્યથી પૂછતો : ‘શેઠજી, લક્ષ્મી તો ચંચળ ગણાય છે, ત્યારે આપની સ્થિર સમૃદ્ધિનું કારણ શું ?’
‘લક્ષ્મી તો ભગવતી શ્રીદેવીનું સ્વરૂપ છે. એ ચંચળ નથી, ભાઈ ! પણ માનવીનું મન જ ચંચળ છે. માનવીના જોખનો કાંટો ચંચળ છે. એટલે જ લક્ષ્મીદેવીનો ત્યાં સ્થિર નિવાસ નથી થતો.’ તુલાધાર જવાબ દેતો.
કોઈ મોક્ષાર્થી આવી તુલાધારને કહેતો : ‘શેઠ, તમે તો સાચા મુમુક્ષુ જીવ છો. ત્યારે આ માયાનાં બંધનમાં કેમ પડ્યા છો ?’
તુલાધાર જવાબ દેતો : માયાના બંધનમાં હું નથી પડ્યો ભાઈ, માતાની ગોદમાં છું, નથી જાણતા ? શ્રી માતાની મોહિની શક્તિથી તો આખું વિશ્વ મોહિત છે. ભાગીને ક્યાં જશો ? ત્યાગીને શું કરશો ? વનમાં જશો તો અંદરની વાસના કાંઈ કેડો નહીં મૂકે અને લંગોટીનો લીરો પણ તમારા ત્યાગમાં બંધનનું દોરડું બની જશે. માટે જ્યાં છો ત્યાં ભગવતી વિષ્ણુમાયાને ચરણે વંદના કરો અને સચ્ચાઈથી ચાલો ! એ પ્રસન્ન થશે તો ભવનાં બધાંયે બંધનો કાપી નાખશે.’

તુલાધાર પર શ્રીદેવીની કૃપા વરસે છે એમ સહુ કોઈને જણાઈ આવતું. પણ એની આંતરિક સમૃદ્ધિ કેટલી વધી ગઈ છે એનો કોઈને ખ્યાલ નહોતો. તુલાધાર પણ વગર પૂછ્યે કોઈને જવાબ ન દેતો અને જરૂર પૂરતું જ બોલતો. પણ એક દિવસ કાશીનગરમાં હલચલ મચી ગઈ. પોતાના વેપારમાં, શુદ્ધ અને પ્રમાણિકપણે વર્તવાથી તુલાધારને કેવી સિદ્ધિ સાંપડી છે તે અછતું ન રહ્યું.

એક દિવસ લોકોએ જોયું તો એક ભારે તેજસ્વી મુનિ તુલાધારની દુકાને આવ્યા. મુનિએ ઘોર તપસ્યા કરી હોય એમ લાગતું હતું. મુનિને માથે સૂંડલા જેવડી જટા હતી. લાંબા નખ હતા. વરસાદ-ટાઢ-તડકો સહન કરી કરી મુનિનું શરીર પર્વત-શિલા જેવું બની ગયું હતું. મુનિની આંખોમાં આરપાર વીંધી નાખતું તેજ હતું. મુનિ તુલાધારની દુકાને આવ્યા એટલે તે ઊઠીને સામે ગયો. મુનિનું સ્વાગત કરતાં કહ્યું : ‘પધારો ! જાજલિમુનિ, પધારો ! આપે આ દીન પર બહુ અનુગ્રહ કર્યો.’

મુનિ તો આભા બની જોઈ રહ્યા. વરસોની કઠોર તપસ્યા પછી એ કાશીમાં પહેલી જ વાર આવતા હતા. તેમના આગમનની કોઈને જાણ નહોતી ત્યારે આ વેપારી તેમને નામ દઈને કેવી રીતે બોલાવતો હતો ? મુનિને બહુ આદરથી ગાદીતકિયે બેસાડતાં તુલાધારે સ્વાભાવિકપણે કહ્યું :
‘આપ આ દાસની દુકાને પધારવા નીકળ્યા હતા એની મને અગાઉથી ખબર પડી ગઈ હતી. આપે સમુદ્રતટે આવેલા વનમાં બહુ ઉગ્ર તપસ્યા કરી હતી. આપની જટામાં પક્ષીઓએ માળો બાંધ્યો, છતાં આપ સ્થિર ઊભા રહ્યા. પછી એ પક્ષીનાં બચ્ચાં થયાં. આપે એ બચ્ચાંની કરુણાભાવે રક્ષા કરી. પક્ષી નિર્ભયપણે આપના મસ્તક પર ઊડી આવતાં. આપ અટલ રીતે એક જ સ્થળે ઊભા રહેતા. બચ્ચાં મોટાં થતાં. તેમને પાંખો આવી. અને તે ઊડી ગયાં ત્યાં સુધી આપે નિશ્ચલ રહી તપસ્યા કરી. આપને એથી મનમાં ગર્વ થયો કે આપના જેવા ધર્માત્મા જગતમાં ક્યાંય નહીં હોય ત્યારે ભગવતી માતાએ આપના કાનમાં આ તેના પંગુ બાળકનું નામ કહ્યું. અને તે સાંભળીને આપ આ દુકાને આવી ચડ્યા છો. આજ તો મા ભગવતીની ભારે કૃપા થઈ. મને સંતદર્શનનો અમૂલ્ય લાભ મળ્યો.’

મહામુનિ જાજલિ તો આ સામાન્ય લાગતા વેપારી સામે દિગ્મૂઢ બની જોઈ રહ્યા. તેમનો ગર્વ ગળી ગયો. આ વેપારીએ કોઈ અપૂર્વ સાધના કરી છે એની તેમને ખાતરી થઈ ગઈ. અઘોર વનમાં, શરીરને અડોલ બનાવી જે પ્રાપ્ત કરવા તે મથ્યા હતા તે આ વેપારીને સંસારની ધમાલ વચ્ચે જ મળી ગયું હોય એમ લાગ્યું. મુનિએ એનું રહસ્ય જાણવા માટે પૂછ્યું :
‘શેઠ શ્રી, આપને સર્વાત્મભાવ સિદ્ધ થયેલ છે. બજાર વચ્ચે બેસીને પણ આપને આ સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત થઈ ?’

તુલાધારે હાથ જોડી કહ્યું : ‘મુનિવર, સિદ્ધિની તો મને કાંઈ જ સમજ પડતી નથી. પણ મારો બાપદાદાનો વેપાર પ્રમાણિકપણે કરું છું. કોઈને છેતરતો નથી. ગ્રાહકમાં ભેદભાવ રાખતો નથી. અને જે કાંઈ ધન આવે છે તે શ્રી લક્ષ્મીમાતાનો પ્રસાદ ગણું છું. મારા ત્રાજવાનાં બંને પલ્લાં પર ભગવતીનાં જ બે ચરણો પડ્યાં હોય એવા ભાવથી નિહાળું છું. મારા ત્રાજવાનો કાંટો – ઉપર પરમેશ્વર બેઠા છે એમ સદાય મને ચીંધતો રહે છે અને શ્રીમાનાં ચરણ સ્થિર ભાવે મારા અંતરમાં બિરાજે એમ હું પ્રાર્થતો રહું છું.’

મુનિ જાજલિ પોતાના આસન પરથી ઊઠીને તુલાધારનાં ચરણોમાં પડી ગયા. તુલાધારે તેમને અત્યંત સન્માનથી ઊભા કર્યા. મુનિના નમસ્કારથી તેના ક્ષોભનો પાર ન રહ્યો. લોકોનું મોટું ટોળું તુલાધારની દુકાન પાસે જમા થઈ આ વિચિત્ર વ્યાપાર જોઈ રહ્યું. મુનિએ સર્વજનોને તુલાધારનો મહિમા કહી સંભળાવ્યો ત્યારે ધરતી મારગ આપે તો સમાઈ જવાનું તુલાધારને મન થયું. એ તો સહુને વંદન કરી એટલું જ કહેતો રહ્યો : ‘ભગવતીની દયા, દયા, દયા. બીજું કાંઈ નથી ભાઈ, મારી પાસે બીજું કાંઈ નથી. શ્રી દેવીને પ્રસન્ન કરો, ભાઈ ! જીવનનાં ત્રાજવાં સમતોલ રાખો ! કાંટો સ્થિર રાખો ! એની કૃપા વરસશે ને ન્યાલ થઈ જશો. તુલાધાર પાસે કોઈ વિદ્યા, ને કોઈ સિદ્ધિ નથી. મારે છાબડે મા લક્ષ્મી બિરાજ્યાં છે, કાં કે કોઈ પૂંજીને હું વળગ્યો નથી. શ્રીમાની પ્રસન્નતા સામે જ જોયું છે. જયશ્રી મહામાયા ! જયશ્રી મહાલક્ષ્મી !’