કન્યાકુમારી – સુન્દરમ્

kanyakumari

[આશરે 65 વર્ષ પહેલાં લખાયેલાં પુસ્તક ‘દક્ષિનાયન’ (પ્રવાસવર્ણન) માંથી સાભાર.]

સમગ્ર દક્ષિણ ભારતનો પ્રવાસ કરતાં કરતાં અમે કન્યાકુમારીને રસ્તે જઈ ચડ્યા. કન્યાકુમારીને રસ્તે ! ભારતભૂમિના ચરણના અંગુષ્ઠની તરફ ! પ્રવાસમાં સદા ઉત્સુક રહેતું હૃદય વધારે ઉત્સુક બન્યું ! મેં પાંપણો પરની ઊંઘને ખંખેરી કાઢી અને ઊઘડેલી આંખે પ્રભાતનું વિકસતું સૌંદર્ય જોવા માંડ્યું. આકાશના જેવો જ તેજનો એક પૂરો ઉજાસ તમામ પદાર્થોને કોમળતાથી વ્યક્ત કરતો હતો. મલબારનું સૌંદર્ય ચાલુ જ હતું. રસ્તાની રાતી માટી, બાજુ પરનાં છાજેલાં ઝૂંપડાં, નાળિયેર તથા પાલમાયરાનાં ભરચક થડ અને ઝૂકતાં પાંદડામાંથી થતી વિવિધ આકૃતિઓ અમારી સાથે સાથે ચાલુ જ હતાં. ક્ષિતિજનું દર્શન તો અહીં પણ થતું ન હતું.

આ સમૃદ્ધિમાં ડાબી બાજુએથી પર્વતની એક હારમાળા ધીમે ધીમે સ્વપ્નમાં આવતી પરી જેમ નજીક સરી આવી. અત્યાર લગી પૂર્વમાં દૂર સરેલી પશ્ચિમઘાટની ગિરિમાળાની નજીક અમે આવી ગયાં. સપાટ જમીન પરથી સીધી જ ઊઠતી એ શિખરાવલિ નજીક અમે આવી ગયાં. સપાટ જમીન પરથી સીધી જ ઊઠતી એ શિખરાવલિ ઉદ્દીપ્ત થતી થતી આકાશમાં પોતાના ઘનશ્યામ વર્ણથી મનોહર ચિત્ર ઊભું કરતી હતી. એ ઘનશ્યામ ટેકરીઓને માથે સૂર્ય એના ભરપૂર સુવર્ણમય ઝળહળાટમાં આવીને બેઠો. પૃથ્વીએ પણ પોતાના અધિદેવતાને પ્રસન્ન હૃદયે ‘આવો મારા માથાના મુગટ !’ કહીને માથે ચડાવી લીધો. આબુ, નીલગિરિ અને હિમાલયમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવાને માટે ઘણાં જાણીતાં સ્થળ છે; પણ સૂર્યોદયનું આવું અણધાર્યું અતિ સુભગ દર્શન જવલ્લે જ થતું હશે.

કન્યાકુમારી હવે બાર જ માઈલ હતું. કેવું સ્થળ હશે ? ત્યાં શું હશે ? મનમાં પ્રશ્નો ઊઠતા હતા. મારી આતુરતાને પૂરી કરવા જ જાણે મોટર વેગથી દોડતી હતી. ઉત્તરમાં હજી ટેકરીઓ ચાલુ જ હતી; પણ તે હવે નીચી અને છૂટીછવાઈ. દક્ષિણે નાળિયેરીઓ પણ હવે ઘટવા લાગી હતી. કન્યાકુમારીની ભૂશિર તરફ અમે જતાં હતાં. સિંધુ અને ગંગાના મુખ આગળથી શરૂ થતા હિંદના પશ્ચિમ અને પૂર્વ કિનારા હજાર માઈલથી પરસ્પરને મળવા ધસી આવતા આવી રહ્યા હતા. જમણી બાજુની ઊંચીનીચી છતાં રેતાળ થતી જમીન સમુદ્રકિનારાનું સૂચન કરતી હતી. બે ડગલાંમાં સામે કિનારે જઈ શકો એવી એક નાની નદી પણ પશ્ચિમમાંથી વહી આવતી રસ્તામાં મળી ગઈ. હવે રસ્તાની માટી પણ ધોળી બની હતી, ધૂળ પણ ઠીક ઊડતી હતી અને જોતજોતામાં કન્યાકુમારીના નાનકડા ગામની શેરીઓમાં વાંક લેતી મોટર ધર્મશાળાના ચોગાનમાં ચક્કર લઈને થંભી ગઈ.

આરામ કરીને અમે મંદિર ગયા. ઉત્તરાભિમુખ બેઠેલો કુમારીની સમ્મુખનો મંદિરભાગ દ્રાવિડ સ્થાપત્યશૈલીનાં અલંકરણોનો સાધારણ નમૂનો છે. મંદિરના પૂર્વ અને વાયવ્યના ભાગો તો ઉજ્જડ અને હવડ જેવા છે. છત તદ્દન નીચી હતી. બહારથી પ્રકાશ કે હવા કયાંયથી ન આવી જાય તેની બરાબર સાવચેતી રખાઈ હતી; છતાં અહીં સંકડામણ લાગતી ન હતી. ભાવિકોની ભીડ ઓછી હોવાને લીધે પણ એમ લાગતું હોય. મુખ્ય દ્વારથી માંડીને દેવીના સ્થાનકવાળા ગર્ભાગાર સુધીના રસ્તાને બે પડખે દીવાઓની બે હાર ટમકતી હતી. દીવાઓથી ઉજ્જવળ બનેલા ગર્ભાગારમાં દેવી પૂજારીને હાથે શણગાર ધારણ કરી રહ્યાં હતાં. હિમધવલ આરસની નમણી દેવીનું એ દર્શન કેવું મોહક મનોહર હતું ! દેવીને દીઠા પછી આ અંધકાર અને હવાના અભાવની યાતના સાર્થક લાગી. દેવી સાચે જ હિમાલયતનયા લાગતાં હતાં. એમના ગૌરીત્વનો પૂરો પ્રભાવ જોઈ શકાય તે માટે જ જાણે આ અંધારું તેમની આજુબાજુ ગોઠવવામાં આવેલું હતું. શાંત મંદિરમાંની આ રમણીય પ્રતિમા અંતરમાં અપૂર્વ પ્રસન્નતા પ્રેરી રહી; પણ કન્યાકુમારીનાં ખરાં દર્શન હજી બહાર કરવાનાં હતાં.

મંદિર બહાર નીકળ્યાં અને ખરેખરું ભૂશિરદર્શન થયું. નાનપણથી જેને ભણતા આવ્યા છીએ અને ભારતમાતાનો મહિમા વર્ણવતાં જેનું નામ અનેકશ: ઉચ્ચાર્યું છે તે જ આ કન્યાકુમારી ! નકશામાં જે રીતે જોઈએ છીએ તેવી જ રીતે ભૂમિનો ત્રિકોણાકાર છેડો બંને બાજુથી સંકોડાતો અણીદાર થતો આવતો હતો. એ છેડા ઉપર કન્યાકુમારીનું મંદિર અને ત્યાંથી થોડે પૂર્વમાં જમીનનો છેલ્લો છેડો. હિંદુભૂમિનું દક્ષિણતમ બિંદુ. આ બાજુ ઉત્તરે બંગાળનો ઉપસાગર, સામે હિંદ મહાસાગર અને દક્ષિણે અરબી સમુદ્ર. ત્રણે જલરાશિઓ ત્રણ બાજુથી આવીને ભૂમિનાં ચરણ ધોઈ રહ્યા હતા. નીલ સિન્ધુઓનાં જલથી ધૌતચરણ બનેલી ભુવનમોહિની દેવી મારા મનમાં પ્રત્યક્ષ થયાં. ખરે જ, ત્રિભુવનોનાં મનને મોહ પમાડે તેવું આ દર્શન હતું.

ત્રણ સમુદ્રો પોતાનું જુદું જુદું વ્યક્તિત્વ જાળવી રહ્યા હતા. ઉત્તર વાયવ્યમાં ચડતી જતી કિનારાની રેખા સાથે વિસ્તરતો બંગાળનો ઉપસાગર શાંત સૂતો હતો. એનાં પાણી કેટલા પ્રકારની લીલાશ ધરી રહ્યાં હતાં ! સૂર્યનાં કિરણોથી આછી ચળકતી સપાટી ઉપર આછા અને ઘેરા, લીલા અને જાંબલી, વાદળી અને કીરમજી રંગોના જાણે કુંડ, ખેતરો અને પહોળા પટ પથરાયાં હતાં. સામે હિંદી મહાસાગર ક્ષિતિજમાં સમાઈ જતો હતો. પ્રભાતસૂર્યનાં ઉગ્ર થતાં કિરણોએ એ આખા પૂર્વ ભાગને ઝળહળાવી મૂક્યો હતો. પવન થોડો જ હતો છતાં એનાં પાણી ઊછળ્યા વિના રહેતાં ન હતાં. આમેય એવા એ મહાસાગરને આંખમાં સમાવવો અશક્ય હતો. આ હિંદી મહાસાગર ! અહીંથી હવે જમીન નહિ આવે. ઠેઠ દક્ષિણધ્રુવ સુધી આઠ હજાર માઈલના પ્રસ્તારમાં પડેલો આ સાગર અહીંથી પોતાનું સામ્રાજ્ય આરંભે છે ! આઠ હજાર માઈલ લગી ! એટલું ઊડવા જતાં કલ્પના પણ થાકી જતી હતી.

અને આમ દક્ષિણ તરફ અરબી સમુદ્ર. એ ખૂબ જ પરિચિત લાગ્યો. એ તો મુંબઈ ઈલાકાનો જ દરિયો ને ! સાવ નાનપણથી ગોખેલો અને મુંબઈમાં જોયેલો. બંગાળના ઉપસાગર કરતાં એ મોટો એટલે પોતાની શક્તિ જરા બતાવે તો ખરો જ. ગર્જના તો એના તરફથી જ આવતી હતી. ત્રણ ભાઈ જેવા આ ત્રણ જલનિધિઓ ભારતમાતાનાં ચરણોમાં અનાદિકાળથી બેઠા છે. એમનાં માતૃસ્તોત્રો અખંડ ગુંજ્યા કરે છે…. અમે મંદિરની બહાર નીકળ્યાં અને રેતીમાં ચાલતાં સ્નાનઘાટે પહોંચ્યા. હાથમાં કૅમેરા લઈ એક ધોતિયાભેર હું સ્નાનઘાટને ઓળંગી સામેના ખડક ઉપર પહોંચ્યો. અહીં, આ દક્ષિણતમ બિંદુએ જમીનથી પચાસેક હાથ દૂરના ખડક ઉપર પણ ઊભા રહેતાં જમીનથી સર્વથા દૂર થઈ ગયાનું ભાન અનુભવી શકાય છે. બંને બાજુએ સરખી રીતે તોળાઈ રહેલો કિનારો નજર આગળ વધતો જાય છે. અને વધતાં વધતાં હિમાલયનાં શિખરો સુધી પહોંચતાં વાર નથી લાગતી.

આ હિંદ. મારી જન્મભૂમિ ! એની અંદર હતો ત્યારે જે નહોતો સમજી શકતો તે હવે સમજી શકું છું. આજે તેના તરફ ખરો ભૌગોલિક, ભૌતિક પ્રેમ અનુભવી શકું છું. મારું મકાન જેવી રીતે વહાલું લાગે છે, તેવી જ રીતે આ ભૂમિ મને વહાલી લાગે છે. એનાથી ભિન્ન થતાં જ આંચળેથી વછોડાયેલા વાછડાની પેઠે, એની સાથેના અવિચ્છેદ્ય સંબંધનું ભાન થાય છે, હૃદય પીગળે છે. માતા ! આ તારાં ચરણ; ત્યાં આળોટવાનું મન થાય છે. નમો નમ: ભગવતી !….

પૃથ્વીના પાદાંગુષ્ઠ સદશ આ સ્થાન ઉપરથી ભારતની જીવતી સમૃદ્ધિ પ્રત્યક્ષ કરતાં હવે મુશ્કેલી પડતી નથી. આમ પશ્ચિમ કિનારે ચાલ્યા જઈએ. મલબાર, કેરળ, કોંકણ, મહારાષ્ટ્ર, ગુજરાત, સિંધ; આમ પૂર્વ કિનારે જઈએ : તામિલનાડ, આંધ્ર, ઓરિસા, બંગાળા અને આમ સીધી નજર નાખીએ તો કર્ણાટક, મધ્ય પ્રાંત, રાજપૂતાના, વરાડ, યુક્ત પ્રાંતો, પંજાબ અને કાશ્મીર. આ ભિન્નભિન્ન અંગોનાં વિશિષ્ટ લક્ષણો જેવાં ઊંચી ગિરિમાળાઓ, સપાટ ગિરિપૃષ્ઠો, ભરચક લીલોતરીના કિનારાઓ, લુખ્ખી જમીનો, રેતાળ પ્રદેશો નજરે દેખાય છે. એ જમીનમાં ઊગતી વનસ્પતિ અને એ ખેતી નૈઋત્ય અને ઈશાનના પવનોથી ડોલતી દેખાય છે અને એ બધામાં સ્થળ સ્થળના વતનીઓ જાણે તે જમીનની વિશિષ્ટ પેદાશ હોય તેવા, તેમની ભાષા, તેમના વર્ણ અને તેમની દિનચર્યામાં પ્રત્યક્ષ થાય છે. એ બધી ભિન્નતાની પાછળ વ્યાપેલું એક અભિન્ન પ્રાણતત્વ પણ જોઉં છું. પૂર્વમાં ઊઠેલો બુદ્ધિનો રણકાર, હૃદયનો ઉચ્છવાસ કે કર્તવ્યનું આહવાન પશ્ચિમમાં પહોંચી જાય છે. પશ્ચિમમાં ઊઠે છે તો પૂર્વમાં પહોંચી જાય છે. હરદ્વારનાં પાણી રામેશ્વર પહોંચે છે અને રામેશ્વરના શંખ કાશ્મીરમાં પૂજાને માટે વપરાય છે. હિંદ એક છે, અભિન્ન છે. ભૌગોલિક ઐક્યવાળા હિંદમાં સાંસ્કારિક ઐક્ય એથીયે વધારે છે.

અમે સ્નાન કરીને ઉપર ચડ્યા. આ રહ્યો એક મંડપ. નાના ઓટલા ઉપર થોડાક પથ્થરના થાંભલા છે અને તે ઉપર નાનું પથ્થરનું સપાટ છાપરું છે. અહીં પાર્વતી લગ્ન માટે વાટ જોઈને બેઠાં હશે. દક્ષિણને રંજાડનાર બંડાસુરનો ધ્વંસ કરવાને પાર્વતીને કુંવારી કન્યાનું રૂપ લેવું પડ્યું. હિરણ્યકશ્યપની પેઠે એ દાનવે પણ બહુ ચતુરાઈથી વરદાન માગ્યું હતું : હું આથી ન મરું, તેથી ન મરું પણ કુંવારી કન્યાનું નામ એ ભૂલી ગયો. પાર્વતી કન્યાકુમારી બન્યાં. રાક્ષણને હણ્યો અને શિવની સાથે લગ્નની વાટ જોતાં બેઠાં. લગ્નનું મુહૂર્ત આવ્યું છતાં શિવ ન આવ્યા. મુહૂર્ત વીતી ગયું. દેવી ચિડાયાં. લગ્નનાં ચોખા-કંકુ દરિયામાં ફેંકી દીધાં અને એ જન્મ કુંવારાં રહીને જ વિતાવ્યો. પાર્વતીના એ ચોખા હજી પણ દરિયામાંથી મળે છે. એ ચોખા પિવડાવ્યાથી સ્ત્રીને પ્રસૂતિ સરળ બને છે, એમ માની પથ્થરના આ ચોખા જેવા કણ ઘણા લઈ જાય છે અને કંકુ જેવી રેતી તો અહીં બેશુમાર છે જ.

આ સ્થળ જ કાળને ભુલાવે તેવું છે. નિ:સીમ સાગર અને નિ:સીમ ભૂમિના આ સંગમસ્થાને એ બે મહાભૂતો સિવાય બીજું બધું ભૂલી જવાય છે. સાગરની ગંભીરતાને અપમાનતાં અહીં વેપારી વહાણો નથી, માછીમારોની હોડકીઓ પણ નથી, જમીન ઉપર મોટું નગર નથી અને ભૂમિ ઉપર અત્યાચાર જેવાં લાગતાં કારખાનાં કે ગોદામો નથી. અક્ષુબ્ધ પ્રગલ્ભ નિર્મળ પ્રકૃતિ, પૃથ્વી અને પાણી અહીં પથરાયાં છે અને તેમના પર ભૂત માત્રને પ્રસવનાર સવિતા કિરણોની ડાળીઓ ઝુકાવતા ઝળૂંબી રહ્યા છે. આ કાળમાં પણ અહીંથી જગતની આદિમાં સહેલાઈથી પહોંચી જવાય છે. પ્રકૃતિ પણ પરિવર્તન પામે છે એ જાણવા છતાં સૃષ્ટિની અનાદિ અનંત દશાનો ઉચ્છવાસ અહીં લઈ શકાય છે. જાણે આ જોયા જ કરીએ. આ બાજુ ઊછળતાં પાણી અને આ બાજુ ક્રમશ: આકારતી ધરતી. જીવનમાં બીજું કશું જાણે હવે જોઈતું નથી. આ નિરાલંબ નિર્વિકાર સ્થિતિ ! હૃદયમાં એક પ્રકારનો પ્રસન્ન ઉલ્લાસ રમી રહે છે. આમ ને આમ જ જીવન ચાલ્યું જાય તો ? પ્રથમ દર્શનની આ પ્રસન્નતા આજીવન ટકી રહે તો ?

હિમાલયની ગુફાઓ કે શિખરો પેઠે આ સ્થળ પણ ચિરકાળ વસવાટ કરવાને યોગ્ય લાગે છે; પણ બીજા તાંતણાઓ મનને ખેંચી રહ્યા છે. આ પ્રસન્નતા અહીં આવતી કાલે આવા જ પ્રકારે અનુભવાશે કે કેમ તેની શંકા છે. છતાં ઈચ્છા થાય છે કે આ ઘડી જીવનવ્યાપક થઈ જાય, આ જ દશામાં પલાંઠી મારીને બેસી જાઉં અને આ જિંદગી પૂરી કરી નાખું; પણ એવો નિરવધિ અક્ષુબ્ધ આનંદ પ્રાકૃત માણસ માટે શક્ય હોઈ શકે ? હાલ તો એની વિદાય જ લેવાની રહે છે. પણ એક ચિરલાભ તો અહીં થયો જ છે. જીવનમાં એક ક્ષણે તદ્દન મુક્ત પ્રસન્ન અક્ષુબ્ધ ઉલ્લાસ અનુભવવાનું આ સ્થળે શક્ય બન્યું હતું એ સ્મરણ કદી ભુલાવાનું નથી. ગમે ત્યાં, ગમે ત્યારે પણ આ સમુદ્ર, આ પૃથ્વી, આ સૂર્ય અને તે વચ્ચેની હૃદયની એ સ્થિતિ મને પ્રત્યક્ષ જેવાં લાગે છે. મારી યાત્રા સફળ થઈ છે. જીવવા માટે એટલીક કાયમની મૂડી મળી ચૂકી છે એ એક મોટું આશ્વાસન છે.

ચાલો, મોટર ઊપડવાની વેળા થઈ છે. ફરીને દેવીનાં દર્શન કરી લીધાં. હજી દક્ષિણ ભારતના અનેક પ્રદેશો જોવા ઘણે દૂર જવાનું છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous જીવનની ધરી – મકરન્દ દવે
ટહુકો વૈશાખનો… – ડો. જગદીપ નાણાવટી Next »   

15 પ્રતિભાવો : કન્યાકુમારી – સુન્દરમ્

 1. bijal bhatt says:

  વાહ ખુબ સરસ લેખ…. લેખકની શૈલી, તેમજ સ્થળનુ આબેહુબ વર્ણન મારા મનને પણ કન્યાકુમારી ખેંચી ગયુ. ત્યાંનુ કુદરતી સૌંદર્ય આંખ સામે ખડુ થઈ ગયુ. thanks MRUGESHJI

 2. Hiral Thaker 'Vasantiful' says:

  Very nice …!

  I think South is the richest part of our county.

 3. gopal h parekh says:

  સરસ,આભાર મ્રુગેશભાઈ

 4. Chirag Patel says:

  God’s own land – Kerala. (very close to Kanyakumari).

  This place has witnessed Swami Vivekananda’s determination to appear at the World Religion Conference.

  This is the place where three ocean water streams meet which we can distinguish easily. (Indian, Arabic, Bengal)

 5. neetakotecha says:

  khub sundar .

 6. prakash joshi says:

  આમતો હંમેશા કન્યાકુમારી જવાનુ મન થાય પણ આ વાચ્યા બાદ આવતિ સફર મા દર્શન કરવા જ પઙશે

 7. manvant says:

  કન્યાકુમારી..દક્ષિણ ભારતના પ્રવાસ સ્મરણો યાદ
  કરાવનાર ઉત્તમ સ્થળ…….આભાર મૃગેશભાઇ !

 8. Keyur Patel says:

  મન કન્યાકુમારીના દર્શન કરી આવ્યું. સચોટ ………

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.