- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ઋણાનુબંધ ? – ડૉ. શરદ ઠાકર

ઝરણાંની જેમ ફૂટતું પાણી, એ શું હશે ?
આંસુ તો કોઈ, આંખના ખૂણામાં હોય છે.

‘તદ્દન અનાયાસ જ; મને આજે પણ ખબર નથી પડતી કે મેં એ ક્ષણે આવું કેમ કર્યું હશે ! બાકી મને મળવા આવનાર દરેક અજાણી વ્યક્તિ સાથે હું એ રીતે હંમેશા નથી વર્તતો. આટલી ઝડપથી આત્મીયતા બધાની જોડે નથી બંધાઈ જતી.’

આજથી સોળ વર્ષ પહેલાંની એક રવિવારીય સાંજ હતી. એક મોટી હોસ્પિટલમાં હું ફૂલટાઈમ ગાયનેકોલોજીસ્ટ હતો. વિશાળ કવાર્ટર હતું અને હું એકલો જ હતો. બાજુમાં બીજા ડૉક્ટરોના નિવાસસ્થાનો પણ હતા, પરંતુ એ બધાં બાળબચ્ચા સાથે રહેતા હતા. એટલે હું એ લોકો સાથે ઓછું ભળતો. મારા રહેઠાણની પાછળ ઈન્ટર્નશીપ કરવા માટે આવતા તાલીમી ડૉક્ટરોના કવાટર્સ હતા. દર ત્રણ મહિને એ લોકો બદલાતા રહેતા. હું જે રવિવારની વાત કરી રહ્યો છું એ દિવસ આવો જ એક અજાણ્યો, હમણાં જ એમ.બી.બી.એસ પાસ કરીને બહાર પડેલો યુવાન તબીબ મારા રહેઠાણના ખૂલ્લા ફાટક બારણામાં આવી ઊભો. હું એ વખતે હોસ્પિટલની ગાડીમાં બેસીને બહાર ફરવા જવા માટે તૈયાર થઈ રહ્યો હતો.

મારી પીઠ બારણા તરફ હતી અને મેં એનો નમ્ર અવાજ સાંભળ્યો : ‘મેં આઈ કમ ઈન, સર ?’ હું ફર્યો. મેં જોયું કે એ અંદર આવી જ ગયો હતો, અને પછી અંદર દાખલ થવાની રજા માગતો હતો. હું સહેજ હસ્યો. એના હાથમાં બેગ હતી, ખભા ઉપર બગલથેલો લટકતો હતો. હવે પછીના સંવાદમાં સંબંધ સ્થાપિત થવાની જે ઝડપ છે એ જરા ધ્યાનથી પકડજો.
‘આપ જ ઠાકર સાહેબ છો ? હું નવો ઈન્ટર્ની છું, ડૉ. સંકેત પટેલ.’
‘સંકેત ! સરસ નામ છે. હું ફરવા માટે જઈ રહ્યો છું, આવવું છે સાથે ?’
‘પણ હું તો….’ તે સહેજવાર માટે ગૂંચવાયો : ‘હજી તો અમદાવાદથી ચાલ્યો જ આવું છું. મારો સામાન… હજી તો મારે કવાર્ટર મેળવવાનુંયે બાકી છે…..’
‘બધું થઈ રહેશે. હું છું ને ! ચાલ, સામાન નીચે મૂક અને મારી સાથે બહાર નીકળ, બારણે તાળું મારવું છે.’

અને અમે નીકળી પડ્યા. આજે આટલા વરસો પછી હું વિચાર કરું છું કે આમ કેમ બન્યું ? હું સામાન્ય રીતે બહુ ઈન્ટ્રોવર્ટ માણસ છું. તદ્દન નવા કે અજાણ્યા સાથે હું ઝડપથી ખૂલી શક્તો નથી. તો પછી સંકેતની બાબતમાં આમ શાથી બન્યું ? એનામાં રહેલી શાલીનતા આ માટે જવાબદાર હશે ? કે પછી મારી સાથીદાર માટેની ગરજ ? કે પછી કોઈ અદશ્ય ઋણાનુબંધ ? આજ સુધી જવાબ નથી મારી પાસે.

અમે ફરીને બે કલાક પછી પાછા આવ્યા, ત્યાં સુધીમાં ગાઢ મિત્રો બની ચૂક્યા હતા. એકબીજા વિષે ઘણું બધું જાણી ચૂક્યા હતા. એ અમદાવાદના સુખી, સંસ્કારી પરિવારનો સૌથી નાનો સભ્ય હતો. એના મોટાભાઈ સર્જન હતા. (અને આજે પણ છે. એ વખતે પરદેશમાં હતા, અત્યારે અમદાવાદમાં જ છે.) એક બહેન જે પરણાવેલી છે અને સુખી છે. સંકેત ક્યારેય ઘર છોડીને બહાર નીકળ્યો નહોતો. અહીં પહેલીવાર સાવ અજાણ્યા સ્થળે આવ્યા પછી ભયંકર રીતે હોમસિકનેસ અનુભવી રહ્યો હતો. જ્યારે મારું એનાથી તદ્દન વિપરીત હતું. મેં જિંદગીનાં ચૌદ વરસ ઘરથી દૂર કાઢ્યાં હતાં. હોસ્ટેલ લાઈફ માત્ર કોઠે પડી ગઈ હતી એમ નહીં, પણ એક આદત બની ચૂકી હતી. મારા જેવા રીઢા માણસનો એને સહારો મળી ગયો.

એ પછી તો એ ઓફિશિયલી સી.એમ.ઓ. ને મળીને ફરજ પર હાજર થયો. એને કવાર્ટર મળ્યું. પણ દિવસનો મોટા ભાગનો સમય એ મારી સાથે જ વિતાવતો. સવારના પહોરમાં સાડા છ વાગે મારા ડ્રોઈંગરૂમમાં આવ્યો મને કહે : ‘તમારે ત્યાં દૂધવાળો આવે છે ને ?’
મેં કહ્યું : ‘હા, શું છે એનું ?’
‘એને કહેજોને કે કાલથી મારે ત્યાં પણ આવે. હું ચા પીતો નથી, પણ દૂધ તો જોઈશે ને ? અને નાસ્તો પણ…’
‘વેઈટ એ મિનિટ ! તારી પાસે તપેલી છે ? અને સ્ટવ ? સાણસી ? કપ-રકાબી, ખાંડ માટેનો ડબ્બો….’

એ ડઘાઈ ગયો. મારા તમામ પ્રશ્નનો જવાબ એના મૌનમાંથી મળી જતો હતો. સહેજવાર પછી એની આંખોમાં ભીનાશ દેખાણી.
‘મમ્મી યાદ આવે છે. સર, મારે અહીં નથી રહેવું. હું તો પાછો જતો રહું છું.’ એ માંડ માંડ બોલી શક્યો.
‘અરે, ગાંડો થઈ ગયો કે શું ? હવે કંઈ નાનો કીકલો થોડો છે ? ઘરે પાછો જઈશ તો પછી જિંદગીમાં ક્યારેય બહાર નહીં નીકળી શકે. ચાલ, તારી પાસે કશું જ ન હોય, તો મારી પાસે બધું જ છે. આવ, આપણે બ્રેકફાસ્ટ સાથે કરીએ.’ એ દિવસે જ મેં દૂધવાળાને કહી દીધું કે કાલ સવાર-સાંજ એક એક લિટર દૂધ આપતો જજે. એને પણ આશ્ચર્ય થયું હશે. પૂછ્યું : ‘સાહેબ, ઘરવાળા આવી ગયા કે શું ?’
મેં ડોકું ધુણાવ્યું : ‘ના, ઘરવાળા નથી આવ્યા, દોસ્ત આવ્યો છે. ત્રણ મહિના માટે.’

હા, એ દિવસથી માંડીને પૂરા ત્રણ મહિના લગી અમે સાથે જ રહ્યાં, સવારના છ થી રાતના બે સુધી એ મારી સાથે જ રહેતો. માત્ર સૂવા માટે જ એના કવાર્ટરમાં જતો. જમવાનું ટિફિન પણ અમે સાથે જ ખોલતા. એની ડ્યુટી આમ તો સી.એમ.ઓ. ના વિભાગમાં હતી. પણ એ બંનેનો મેળ જામ્યો નહીં. સંકેત ત્રીજે દિવસે મારા વિભાગમાં કામ કરવા આવી ગયો. હોસ્પિટલના કામમાં તો એ તૈયાર થઈ જ ગયો, પણ મિત્રો તરીકે પણ અમે એકબીજાની ખૂબ જ નિકટ આવી ગયા. એના પરિવાર સાથે પણ મારી ઘનિષ્ઠતા બંધાઈ ગઈ.

અને એક દિવસ એનો જવાનો સમય આવી ગયો. આ વખતે અમારી બંનેની આંખો ભીની હતી. હવે પછી અમે ક્યારેય મળવાના ન હતા. એ ઈન્ટર્નશીપ પૂરી કરીને અમેરિકા ઊડી જવાના મતનો હતો. છેલ્લે દિવસે એ હાથમાં ડાયરી લઈને મળવા આવ્યો. મને આશ્ચર્ય થયું.
‘કેમ, આ શું છે ?’
‘દૂધનો હિસાબ છે. મારે કેટલા રૂપિયા આપવાના થાય છે તમને ?’
એણે મારી સામે જોયું. પછી એ સમજી ગયો. ચૂપચાપ ડાયરી ખિસ્સામાં મૂકી દીધી. જોરથી ભેટી પડ્યો મને. નાના બાળકની જેમ રડી પડ્યો.
‘જો મને ખબર હોત કે તમે પૈસા નથી લેવાના, તો હું તમારી સાથે બ્રેકફાસ્ટ લેવા ક્યારેય તૈયાર ન થાત…’ એનો અવાજ રૂંધાયેલો હતો.
‘અને જો મને ખબર હોત કે તું છેલ્લા દિવસે હિસાબની ડાયરી કાઢવાનો છે, તો હું પણ તને બ્રેકફાસ્ટ માટે ક્યારેય ન બોલાવત.’ મને ખબર નથી કે મેં એની પાસેથી શા માટે પૈસા ન લીધા ! સામાન્ય રીતે બધાંની સાથે હું આ રીતે ઉદારતાપૂર્વક વર્તન નથી કરતો, પણ આની સાથે કર્યું. કારણ ? કશું જ નહીં, કદાચ કોઈ ઋણાનુબંધ !

એ પરણીને અમેરિકા જતો રહ્યો. અત્યારે તો બહુ સુખી છે. ખૂબ કમાયો પણ છે. ઈન્ડિયા આવે ત્યારે અમે અચૂક મળીએ છીએ. જૂના દિવસો યાદ કરીને ખૂબ હસીએ છીએ, મારા મનમાં એક દુષ્ટ સવાલ ક્યારેક સળવળી ઊઠે છે : ‘આ જુનિયર છોકરાને આટલો બધો ચાહ્યો એમાં મને શો ફાયદો થયો ? જતો રહ્યોને અમેરિકા ?’ આ ફરિયાદમાં કોઈ ભૌતિક ફાયદાની કામના સહેજ પણ નથી હોતી, પણ આપણે કોઈ અજાણ્યાને મિત્ર બનાવતી વખતે મૈત્રીના મૂળમાં વહાલનું સિંચન કરતા હોઈએ છીએ. અપેક્ષા વધારે નથી હોતી, બસ, એ છોડ વિકસીને વૃક્ષ બને એટલી જ માગણી હોય છે. અને એ અપેક્ષા જ્યારે ફળીભૂત નથી થતી, ત્યારે એમાંથી ફરિયાદ જન્મતી હોય છે.

જો કે મારે એક વાતની કબૂલાત કરવી પડશે. સંકેત ભલે અમેરિકા ચાલ્યો ગયો, પણ એના મોટાભાઈ હવે અહીં જ છે. હવે એ મારી સાથે સગ્ગા મોટાભાઈ જેવું વર્તન રાખે છે. અવારનવાર હું એમને મળી આવું છું. એમાં અચાનક એક સરસ ઘટના બની ગઈ.

ત્રણ-ચાર વર્ષ પહેલાંની વાત છે. સાંજનો સમય હતો. હું મોટાભાઈને મળવા ગયો હતો. અમે એમના ક્લિનિકમાં બેઠા હતા. સંકેતને યાદ કરી રહ્યા હતા, ત્યાં જ બહાર એક ગાડી આવીને ઊભી હતી. ગાડીમાં એમના બહેન અને બનેવી બેઠાં હતાં. દરવાજો ખોલીને બહેન બહાર આવી. એના હાથમાં મીઠાઈનું એક મોટું બોક્સ હતું એ સીધી કન્સલ્ટિંગ રૂમમાં ધસી આવી.
‘કેમ છો, મોટાભાઈ ?’
‘અરે, શર્મિષ્ઠા, તું ?’ મોટાભાઈને આશ્ચર્ય થયું. બહેન-બનેવી તો રાજકોટ હતા. અહીં ક્યાંથી ?’
‘બસ, આવતામાં જ છીએ. તમારા જીજાજી ગાડીમાં જ બેઠા છે. રાત્રે ઘરે મળીએ છીએ. લો, આ તમારા માટે ખાસ મીઠાઈ લાવી છું. અમારા રાજકોટની સ્પેશિયલ આઈટમ છે.’
‘એક જ બોક્સ લાવી છે ?’
‘ના, બે ! એક તમારા માટે અને બીજું સંકેતભાઈ માટે અહીંથી પાર્સલ બનાવીને અમેરિકા મોકલાવી દઈશું. કેટલો બધો ખુશ થઈ જશે….’ બરાબર આ વાક્ય અહીં સુધી પહોંચ્યું અને એની નજર મારી તરફ પડી, ‘અરે, શરદભાઈ ! તમે ?’
‘હા, કેમ છો, શર્મિબહેન ?’ મેં એમનાં ખબરઅંતર પૂછ્યાં.
‘એક મિનિટ, હું હમણાં જ આવી….’ એ વાવાઝોડાની જેમ અદશ્ય થઈ ગયાં. થોડી જ વારમાં તોફાનની જેમ પાછા ફર્યા. એમના હાથમાં મીઠાઈનું બીજું પેકેટ હતું. ખૂબ જ ભાવપૂર્વક એ પેકેટ એમણે મારા હાથમાં મૂક્યું : ‘લો, ભાઈ ! આ તમારા માટે છે.’
મેં સખત વિરોધ કર્યો : ‘ના, મને ખબર છે કે એ મારા માટે નથી. એ સંકેત માટે છે. અને રાજકોટ આપણા માટે ક્યાં દૂર છે ? હું તો અડધી જિંદગી સૌરાષ્ટ્રમાં કાઢીને બેઠો છું. બહેન, તમે આમ ન કરો. હું બીજા કોઈ આવતાં-જતાં સાથે આ મીઠાઈ મંગાવી લઈશ.’
એ ન માન્યાં : ‘એ બીજું કોઈ તમારી બહેન થોડી હોવાની છે ? અને તમારી વાત સાચી છે. આ પેકેટ મારા ભાઈ સંકેત માટે જ હતું. પણ તમે જ કહો, સંકેત અહીં ઈન્ડિયામાં જ છે, મારી સામે બેઠો હોય તો પછી છેક અમેરિકા સુધી પાર્સલ મોકલવાની જરૂર ખરી ?’

હૃદય ઉપર હાથ મૂકીને કહું છું કે આ વાક્ય સાંભળીને મારી આંખોમાં પૂરનો એક જબરજસ્ત ઉછાળ આવી ગયો, પણ મેં મહાપ્રયાસે એના પર કાબૂ જાળવી રાખ્યો. મીઠાઈનું બોક્સ ન સ્વીકારવાનો તો હવે સવાલ જ ન હતો, પણ એક દુષ્ટ વિચાર મનમાં રમી ગયો : એમને પૈસા ચૂકવી આપવાનો ! આટલી મોંઘી મીઠાઈ એમને એમ લઈ લેવા માટે મારું મન માનતું ન હતું. પણ અચાનક મને હિસાબની ડાયરી હાથમાં લઈને ઊભેલો સંકેત સાંભરી ગયો. મેં ખિસ્સા તરફ વળેલો મારો હાથ પાછો ખેંચી લીધો.

આવું પણ અનાયાસે જ બની ગયું. બાકી જેની તેની સાથે કે બધાંની સાથે હું આમ નથી કરી શકતો. આમ કેમ બન્યું હશે ? કોઈ ઋણાનુબંધ ? જવાબ મારી પાસે છે : આ બધા સંબંધો વાવેલા બીજ જેવા છે જે ધીમે ધીમે પણ ચોક્કસપણે પાંગરે છે જ !