માની આંગળીમાં અભય – હરીન્દ્ર દવે

સૌ પ્રથમ મા શબ્દ ક્યારે ઉચ્ચારાયો હશે ? પહેલવહેલું ફૂલ ક્યારે ખીલ્યું કે પહેલું સ્મિત ક્યારે પ્રગટ્યું એ પ્રશ્નોના ઉત્તર આપી શકીએ તો કદાચ ‘મા’ શબ્દ કોણે ને ક્યારે પહેલી વાર ઉચ્ચાર્યો, એના સગડ શોધી શકીએ. પૃથ્વીએ પહેલો સૂર્યોદય ક્યારે જોયો, એ પ્રશ્નનો જેમ આપણી પાસે જવાબ નથી, એમ ‘મા’ શબ્દ સૌ પ્રથમ ક્યારે બોલાયો તેનો ઉત્તર પણ આપણી પાસે નથી.

લાખો વરસ પહેલાંના આદિમાનવના કબીલાની કલ્પના જ કરી શકાય. એ કબીલામાં જન્મતાં બાળકોને આસપાસના સૌ કરતાં કોઈ વ્યક્તિ પોતા પર વધુ ધ્યાન આપે છે, એ વાતનો અનુભવ થયો હશે. કોઈ વ્યક્તિ પોતાને થોડુંક વહાલ કરે છે કે પોતાની થોડીક ઓછી અવગણના કરે છે, એવો અનુભવ આદિકાળના કોઈ બાળકે કર્યો હશે. એ વ્યક્તિ માટે તેનાથી ‘મા’ શબ્દ બોલાઈ ગયો હશે. રામે કૌશલ્યાને ‘મા’ કહીને બોલાવ્યાં, એ તો આ પછી લાખો વરસ બાદ બનેલી ઘટના છે. કૃષ્ણે યશોદા માટે કે મહાવીરે ત્રિશળા માતા માટે ‘મા’ શબ્દ યોજ્યો એ તો હજી હમણાંની વાત છે.

માનાં વિધવિધ રૂપ છે. જન્મ આપી વિખૂટા પડી ગયેલા બાળક માટે તડપતી, વલખતી દેવકી મા છે, તો લાલનપાલન કરી જેને ઉછેર્યો અને કાળજું કોરી નાખે એવા સંજોગોમાં જેને પરાયો કરી દેવો પડ્યો, એના સ્થિર શોકમાં તપતી યશોદાને મા તરીકેનો અધિકાર ઓછો નથી. શંકરને આઠ વરસની વયે સંન્યસ્ત લેવાની સંમતિ આપતી મા તથા મહાવીરને સંસાર છોડવાનો નિષેધ કરતી મા વચ્ચે કોઈ ફરક નથી. શબ્દકોશમાં માનો અર્થ જે પણ હોય, વાત્સલ્યકોશમાં તો મા એટલે પ્રેમ અને સમર્પણ જ છે. ઈશોપનિષદના કવિએ કહ્યું છે : ‘તેન ત્યકતેન ભુંજિથા:’ (ત્યાગ કરીને ભોગવ). આ જ્ઞાન ઉપનિષદ વાંચીએ ત્યારે વિકટ લાગે છે, પરંતુ ઉમાશંકર જોશીએ એક પ્રવચનમાં કહ્યું હતું એમ મા આ સૂત્રને જીવી બતાવે છે. મીઠાઈનો એક ટુકડો હોય તો એ બાળકને આપી દેવામાં માને વધારે આનંદ આવે છે. મીઠાઈ પોતે ખાધી હોત, એ કરતાં પુત્ર આરોગે ત્યારે માને વધુ સ્વાદ આવે છે. ત્યાગ કરીને ભોગવવાની ઉપનિષદના ઋષિની વાત તત્વથી ન પમાય તો માના વર્તનથી સમજાઈ જશે.

ગમે તેટલો મોટો લેખક પણ બચપણમાં માએ માંડેલી વાર્તાનાં રસ અને રહસ્યને પાર કરી શકતો નથી. માની કથા પરીની કે રાજકુમારની વિભાવના પ્રત્યે જાગૃત કરે છે, એટલું જ નહીં માની વાર્તાઓ બાળકને જન્મજન્માંતરની યાદ અપાવી દે છે. બહુ નાની વયે માની વાર્તામાં મન પરોવી એકચિત્તે સાંભળી હતી એ કથાઓ કદાચ આપણને યાદ હશે પણ એ કથા સાંભળતાં મુગ્ધ ચમત્કારને આપણે પૂર્વજન્મની માફક વીસરી ગયા છીએ. સૂરદાસની યશોદા પોતાના પુત્રને વાર્તા કહે છે :

નંદનંદન, એક સૂનો કહાની,
પહિલી કથા પુરાતન સુનિ
હરિ જનનિ પાસ મુખબાની.

માએ કહ્યું, હે નંદના પુત્ર, એક વાર્તા સાંભળો. માએ માંડેલી પ્રાચીન કથા સાંભળવા માટે કૃષ્ણ માના મુખ પાસે કાન માંડીને બેસી જાય છે. આ કૃષ્ણની ઝલક આજે પણ વાર્તા સાંભળવા માની પાસે બેસી જનારા પ્રત્યેક બાળકમાં જોવા મળે છે. આ પદમાં એક રસિક ઘટના બને છે. મા દશરથ રાજાની વાત માંડે છે.

દશરથને ચાર પુત્ર. એમાં સૌથી મોટા રામને પિતાના વચનપાલન માટે વનમાં જવું પડે છે. સીતા તથા લક્ષ્મણ રામની સાથે જાય છે. એક વાર રાવણ સંન્યાસીનું રૂપ ધારણ કરી સીતા એકલાં હોય છે, ત્યારે તેમનું હરણ કરી જાય છે. હજી યશોદા મા આટલી વાત કરે છે ત્યારે બાળકૃષ્ણ આવેશમાં આવી પોકારી ઊઠે છે : ‘લક્ષ્મણ, લક્ષ્મણ, લાવ મારું ધનુષ.’ મા બેબાકળી થઈ પોતાના દુલારા સામે જોઈ રહે છે. થોડી ક્ષણોમાં કૃષ્ણ સભાન થઈ ખડખડાટ હસવા માંડે છે. યશોદા વાર્તા કહે છે, ત્યારે કૃષ્ણને પોતાના પૂર્વજન્મનું સ્મરણ થાય છે.

સંસ્કૃતમાં આવું જ એક સુભાષિત છે. કૃષ્ણ સ્વપ્નમાં છે. રાધા એમને જોઈ રહી છે. સ્વપ્નમાં કૃષ્ણ જાનકીનું નામ ઉચ્ચારે છે. પૂર્વજન્મના વિરહનું સ્વપ્ન જોતા કૃષ્ણને રાધા મીઠી ઈર્ષ્યાથી વિલોકી રહે છે. પરંતુ આ સુભાષિતમાં રાધાની ઈર્ષ્યા કામ કરે છે. જ્યારે સૂરના પદમાં માની મમતા અને એ કારણે થયેલી અકળામણ કામ કરે છે. માની ખેવના, માનું વાત્સલ્ય આ અકળામણમાં દેખાય છે. જાણીતા ધર્મગુરુ કાર્ડીનલ હીનાનના બચપણનો પ્રસંગ છે. હીનાન ધર્મગુરુ થવા ઝંખતા હતા. એ દિશામાં જવાના પ્રથમ પગલા તરીકે વેસ્ટમિન્સ્ટર કેથેડ્રેલ કોરમાં સંગીત માટે પ્રવેશ મેળવવાનું હીનાને વિચાર્યું. એ પોતાની મા સાથે ગયા. જાણીતા સંગીતકાર સર રિચર્ડ ટેરીએ હીનાનની પરીક્ષા લીધી. હીનાનમાં સ્તોત્ર ગાવાની આવડત કે કુશળતા નથી એવો ચુકાદો એમણે આપ્યો. મા-દીકરો હતાશ થઈ ગયાં. બંને કેથેડ્રેલમાંથી નીકળી બાજુમાં આવેલી કાફેમાં બેઠાં. હીનાને મૌન તોડ્યું, એણે કહ્યું : ‘મા…’
આ એક શબ્દ બોલતાં દુનિયા ઊઘડી ગઈ. તેમણે આગળ કહ્યું : ‘મા, હવે હું ક્યારેય પાદરી નહીં થઈ શકું ?’ બાળકના પ્રશ્નમાં પાદરી થવાની તીવ્ર ઝંખના પડઘાતી હતી.

માને સંગીતની સૂઝ ન હતી કે ધર્મશાસ્ત્રનું જ્ઞાન ન હતું. માત્ર તેનામાં માનું હૃદય હતું. એ બોલી ઊઠી : ‘બેટા, તારે પાદરી થવું હશે તો દુનિયાનું કોઈ તત્વ તારી તથા પરમાત્માની વચ્ચે અંતરાય રચી શકશે નહીં.’

માની આંગળીમાં કેવો અભય હોય છે તેનો ખ્યાલ કોઈ બાળકને માની આંગળી પકડીને જતો જોઈએ ત્યારે આવે છે. બાળક માની આંગળી ઝાલીને ચાલે ત્યારે ગમે તેવો ગીચ રસ્તો હોય કે ગમે તેટલાં વાહનો પસાર થતાં હોય તેની એને કોઈ ચિંતા નથી હોતી. ક્યારેક તો કોઈ ગાડી સાવ નજીક આવી હોર્ન મારે ત્યારે ગભરાઈ જવાને બદલે એ મા સામે જોઈ સ્મિત કરી લે છે; પરંતુ ઘરના દરવાજા પાસે આવી મા ચાવી શોધવા માટે એકાદ ક્ષણ બાળકની આંગળી છોડી દે તો બાળક બેબાકળું બની જાય છે. અભય માની આંગળીમાં છે – માની છાંયામાં છે. મા એટલે જન્મદાત્રી માતા તો ખરી જ : પરંતુ માનો સંબંધ એટલો સીમિત નથી. નદીઓને લોકમાતા કહીએ છીએ. ધરતીમાતા કહીએ છીએ. ભારતમાતા કહીએ છીએ. આ જગતને ધારણ કરનાર પરમ શક્તિને જગજ્જ્નની કહીએ છીએ. જીવનમાં પોષણ અને અભય આપતી દરેક વસ્તુ જોડે માનો સંબધ છે. જે કંઈ પોષે છે, જિવાડે છે કે પ્રેમ કરે છે એમાં માનાં દર્શન કરી શકાય છે.

એક પ્રસંગ ઘણા વખત પહેલાં મારી કલ્પનામાં આવ્યો હતો. તેને ઈસુના નામ સાથે જોડીને લખ્યો હતો. મા વિશે વાત કરતાં આ પ્રસંગ અત્યંત સુસંગત બની જાય છે. ઈસુ ખ્રિસ્ત પાસે એક ભક્ત આવ્યો. આવતાંવેંત ઈસુના પગ પકડી લીધા.
‘ભગવાન, તમારા ચહેરા પર શાંતિ છે એ મને આપો.’
ઈસુએ હસીને કહ્યું : ‘લઈ લે.’
પેલો ભક્ત મૂંઝાઈને જોઈ રહ્યો : ‘એમ નહીં, તમે મને એ શાંતિ આપો.’
ઈસુના ચહેરા પર એ જ સ્મિત હતું. તેમણે ફરી કહ્યું : ‘જો, આ મારો ઝભ્ભો, આ મારું પાત્ર, તારે જે જોઈતું હોય તે લે. તને મારા ચહેરા પર શાંતિ દેખાતી હોય તો એ પણ લઈ લે. મારે શું કરવી છે એને ? તને એ જ્યાં દેખાય ત્યાંથી લઈ લે. હું ના નહીં પાડું.’
‘ભગવાન, મને મૂંઝવો નહીં. હું આ ગામનો સૌથી શ્રીમંત માણસ છું. તમે કહેશો એ આપીશ. મારો બધો ખજાનો આપી દઈશ, મને લેતાં આવડે એ તો છીનવીને લઈ લઉ છું. પણ તમારા ચહેરા પરની શાંતિ છીનવી શકતો નથી. એ તો તમારે જ આપવી પડશે. તમે કહો એ કિંમત આપીશ.’
‘તારી પાસે આટલા બધા પૈસા છે ?’
‘હા’
‘તો એક કામ કર.’
‘આજ્ઞા કરો.’
‘તારી માને લઈને આવ.’
‘મારી મા તો મૃત્યુ પામી છે.’
‘એથી શું થયું ? તું તો ધનિક છે. તું પૈસા આપીને ખરીદી શકે છે. શાંતિ ખરીદવા નીકળ્યો છો તો એક મા નહીં ખરીદી શકે ?’
‘હા, એય ખરું.’ પેલા ધનિકે વિચાર્યું. એ એક વૃદ્ધા પાસે ગયો : ‘માજી, તમે માગો એટલા પૈસા આપું. તમે મારી મા બનો.’
‘બેટા, તું આ ગરીબ ડોસીને પૈસા આપીશ તો તારી ચાકરી કરીશ, તારો ખ્યાલ રાખીશ. મને જે કૈં આવડે એ રાંધી દઈશ. હા, મા કરે એ બધું જ કરીશ.’

ધનિક તો એ વૃદ્ધાને લઈ ઈસુ પાસે આવ્યો : ‘લ્યો, આ મા લઈ આવ્યો.’
‘વાહ ! કેટલામાં ખરીદી ?’
‘હજી એને પૈસા આપવાના બાકી છે પણ એ મારું ધ્યાન રાખશે. હું કહીશ ત્યારે મને વહાલ પણ કરશે.’
‘ભાઈ, તેં પૈસા આપીને આ વૃદ્ધા માટે દીકરો ખરીદ્યો છે. કારણ કે એ તારું ધ્યાન રાખશે. પણ તારા માટેની મા બહારથી કઈ રીતે આવશે ?’
પેલા ધનિકને સમજ ન પડી. ‘ભગવાન, તમે કહો એ કરવા આ વૃદ્ધાને સમજાવીશ. એને હું મા કહીશ. એ મને દીકરો કહેશે. પછી શું ?’
‘ભાઈ, તને સમજ ન પડી. એ તને દીકરો કહેશે તો કદાચ એની નજરમાં સાચોસાચ દીકરો દેખાશે. પણ તું જ્યારે એને મા કહીશ, ત્યારે તે પૈસા આપીને ખરીદેલી જણસ જ દેખાશે. તારી આંખ માને નહીં જુએ. તારી આંખ તારી સંપત્તિનો પડધો જોયા કરશે. એ શક્ય છે કે આ વૃદ્ધાને દીકરો મળે. પણ તને મા કઈ રીતે મળશે ? મા કંઈ વેચાતી મળતી નથી. આ સ્ત્રીમાં મા છે : પણ તારા પૈસાના અહંકારને કારણે તું કેવળ એને ખરીદી શકાય એવી ચીજ માને છે. મા તો કેવળ હોય છે.’

પેલો ધનિક ઈસુ સામે જોઈ રહ્યો. ઈસુએ પેલી વૃદ્ધાને કહ્યું : ‘મા, આ માણસ તો સાવ કંગાળ છે. એ તો જૂઠું બોલી તને અહીં લઈ આવ્યો છે. એ તને ફૂટી કોડીય આપી શકે એમ નથી. તું એની મા થઈને શું કરીશ ?’ ‘કંઈ નહીં બેટા, એણે મને પૈસા આપવાનું કહ્યું. હું એની ચાકરી કરીશ, એનું ધ્યાન રાખીશ. મને અનાથને મા કહેનારું કોણ છે ? દીકરો માત્ર પૈસા ન આપી શકે એટલા માટે એક વાર એને દીકરો કીધા પછી તેનાથી મોં ફેરવી લઉં ? ચાલ બેટા, હું બે ઘેર વાસણ માંજીને કમાઈ લાવીશ અને તને રોટલા ભેગો કરીશ.’

પેલા ધનિકની આંખનાં પડળ ઊઘડી ગયાં. એ આ વૃદ્ધાને પગે લાગ્યો : ‘મા, હું ખરેખર કંગાળ છું. તેં મને પ્રેમ આપ્યો. મને ન્યાલ કરી દીધો.’
ઈસુએ એ માણસને કહ્યું : ‘હવે તારે મા ખરીદવાની જરૂર નથી. શાંતિ ખરીદવી છે ?’
ઈસુના ચહેરા સામે જોઈને ધનિક બોલ્યો : ‘ના, મને હવે શાંતિ પણ મળી ગઈ.’

આ કથા ખરેખર બની છે કે કેમ એ ખબર નથી પણ રોજબરોજ બનતી હોય છે. ખરેખરાં માતાપુત્ર વચ્ચે પણ બને છે. દીકરો છે એટલે મા એને વહાલ કરે છે. દીકરો કમાઈને લાવે છે, એટલા માટે નહીં. માનો પ્રેમ અતલાન્ત હોય છે. પુત્રના પ્રેમને સીમા હોય છે.
એક વાર એક મા-દીકરા વચ્ચે ઝઘડો થયો. દીકરાએ કહ્યું : ‘તેં મને મોટો કર્યો, એ તારો ઉપકાર. પણ એમાં તેં જે કંઈ કર્યું એ બધાનો બદલો હું ચૂકવી દઈશ. બોલ, મારી પાછળ તેં કેટલો ખરચ કર્યો ? કેટલા મારાં કપડાં પાછળ ખરચ્યા, કેટલા મારા જમવા પાછળ ખરચ્યા, કેટલા દવાદારૂમાં ગયા, બધું લખાવ. હું વ્યાજ સાથે તને ચૂકતે કરી દઈશ. લખાવ….’
‘લખાવું તો ખરી, દીકરા, પણ ક્યાંથી લખાવું ?’
‘કેમ ? જન્મ્યો ત્યારથી. પહેલા દિવસથી.’
‘પહેલા દિવસે તને મેં છાતીએ વળગાડી દૂધ પાયું’તું અને પછી તને ખોળામાં લઈ તારી સામે જોઈ હરખનાં આંસુ વહાવ્યાં હતાં. બોલ, એ દૂધ કેટલા રૂપિયે લિટર લખીશ ? અને એ આંસુનાં ટીપાંની ક્યા કૉમ્પ્યુટર પર ગણતરી કરીશ અને પ્રત્યેક ટીપા માટે કેટલા સિક્કા આપીશ ?

પુત્રનો બધો જ રોષ ઊતરી ગયો. એણે માતાના ખભે માથું મૂકી દીધું અને ધ્રુસકે ધ્રુસકે રડતાં કહ્યું : ‘મને માફ કર મા, મારાથી ગુસ્સામાં બોલાઈ ગયું.’

મા વિશે ઉત્તમ ઊર્મિકવિતાથી માંડીને શ્રેષ્ઠ નવલકથા સુધીનું પારાવાર સાહિત્ય રચાયું છે. પ્રત્યેક સર્જકે જ્યારે જ્યારે મા વિશે લખવાનું નક્કી કર્યું છે ત્યારે ત્યારે એની કલમમાં દૈવી રણકો આવી જ ગયો છે. હમણાં કોઈએ પૂછ્યું : ‘મા વિશેની શ્રેષ્ઠ ઉક્તિ કઈ હોઈ શકે ?’ મારી જીભે એક યહૂદી કહેવત સહજભાવે આવી ગઈ. મેં એ કહેવત જ જવાબમાં કહી દીધી : ‘ભગવાન સર્વત્ર પહોંચી ન શકે, એટલા માટે એણે માતાનું સર્જન કર્યું.’ થૅકરેની નવલકથા ‘વૅનિટી ફેર’ માં આ જ વાત જરા જુદી રીતે કહેવાઈ છે : ‘નાના બાળકના હોઠ અને હૃદયમાં ભગવાનને સ્થાને માનું નામ હોય છે.’ વિ.સ. ખાંડેકરે પણ સહેજ જુદી રીતે કહ્યું છે : ‘દુનિયામાં બે બાબતો કદી ખરાબ નથી હોતી : એક આપણી માતા, બીજી આપણી જન્મભૂમિ.’

હમણાં મારા હાથમાં એક જૂની ડાયરી આવી. અમેરિકન પ્રકાશન હતું એટલે ત્યાં મનાવાતા દિવસોની યાદી તેમાં હતી. એમાંનો એક દિવસ છે ‘મધર્સ ડે’. દર મે મહિનાના બીજા રવિવારે અમેરિકામાં માનું સન્માન કરવા માટે, માનું ઋણ સ્વીકારવા માટે આ દિવસ ઉજવાય છે. 1908 માં ફિલાડેલ્ફિયામાં સૌ પ્રથમ આ દિવસ ઉજવાયો હતો. હવે તો એ પશ્ચિમની દુનિયાનો સ્વીકૃત તહેવાર થઈ ગયો છે.

માનું સ્મરણ કરવા માટે, માના ઋણને માથે ચડાવવા માટે તહેવાર ઉજવાય એ વાત જ હૃદયને સ્પર્શી ગઈ. પશ્ચિમમાંથી આપણે ઘણું બધું લીધું છે; કેટલુંક ન લેવા જેવું પણ. પોશાક, રીતભાત, છિન્ન કુટુંબ, ઘરડાઘર વગેરે. હવે પશ્ચિમનો આ તહેવાર આપણા સંસ્કારને જાગૃત કરવા માટે પણ ઉછીનો લેવાની વેળા આવી પહોંચી છે. સંયુક્ત કુટુંબ છૂટાં પડતાં જાય છે. ‘મા બાપે અમને જન્મ આપ્યો છે : અમને મોટાં કરે એમાં શું ? એટલી તો તેઓની ફરજ છે.’ – આવો મિજાજ ધીરે ધીરે આપણે ત્યાં પણ આવતો જાય છે. હજી માતાનો મહિમા સંસ્કૃતિમાં છે એ તો રહેલો છે, પણ ધીરે ધીરે માનું સ્થાન લોપાઈ જાય એ પહેલાં વરસમાં એક દિવસ માતૃદિન ઊજવી માના ઋણનો જાહેરમાં સ્વીકાર કરીએ અને બાકીના ત્રણસો ચોસઠ દિવસ એને વ્યવહારમાં મૂકીએ તો કેવું ?

ચન્દ્રવદન મહેતાએ મધુકર રાંદેરિયા પર લખેલા એક આશ્વાસનપત્રમાં લખ્યું હતું : ‘મા તે માની સ્મૃતિ હજી આ ગોઝારા ભારતમાં રહી છે, એ એની સંસ્કૃતિ છે.’ રવીન્દ્રનાથે એક વાર વિદેશમાં ખળ ખળ વહેતા ઝરણાને કાંઠે ઊભા રહીને કહ્યું હતું : ‘આ જળના વહેતા ધ્વનિમાં મને મારી માનો સાદ સંભળાય છે.’ એક લેખકે પોતાની મા પરના પત્રનો આરંભ કર્યો હતો : ‘તારા એક સ્મિત માટે હું લાખ લાખ જોજનનું અંતર કાપવા તૈયાર છું, મારી મા !’

એક વાર એક મિત્રે મને સરસ પ્રસંગ કહ્યો હતો. એમના કુટુંબમાં મા તરફ સૌને લાગણી; પણ બધા ભાઈઓ વ્યવસાયમાં પડી ગયેલા. કોઈને મા પાસે જવાનો સમય ન મળે. એક વાર એક ભાઈને તુક્કો સૂઝ્યો. તેણે માનો જન્મદિવસ ક્યારે આવે છે તે શોધવા કોશિષ કરી. માને તો યાદ હતો જ નહિ. બીજા કોઈને પણ ખબર નહિ; પણ તેણે એક યુક્તિ કરી. એક જૂની નોટબુક શોધી કાઢી. તેમાં કંઈક જૂના હિસાબો લખ્યા અને એક પાના પર લખ્યું : ‘ચિ. કાશીનો જન્મ ચૈત્ર વદ…! વગેરે વગેરે’ અને પછી સૌને લખ્યું : ‘મેં આપણા કુટુંબના જૂના કાગળોમાં સંશોધન કરી માનો જન્મદિન શોધી કાઢ્યો છે. આ વખતે આપણે સૌ એ દિવસ ઊજવીએ.’

માના ત્રણ દીકરા ને બે દીકરીઓ, ત્રણ પુત્રવધુઓ અને બે જમાઈઓ તથા સંખ્યાબંધ પૌત્રો એકઠાં થયાં. બધાં એક પછી એક માને પગે લાગ્યાં. એક દીકરાએ પોતાનું ડૉક્ટરી સર્ટિફિકેટ માના ચરણમાં મૂકીને કહ્યું : ‘મા, તેં મારી સંભાળ લીધી તો હું આટલો મોટો થયો !’ એ દીકરાની વહુએ પણ કહ્યું : ‘મા, તમે ન હોત તો આવો સરસ વર મને ક્યાંથી મળત ?’ એક દીકરીએ કહ્યું : ‘મા, મને સાસરિયામાં કોઈ આંગળી ચીંધી શક્યું નથી. એ તારી કેળવણીને કારણે જ બન્યું છે.’ એક દીકરાએ કહ્યું : ‘હું તારા ખોળામાં રમીને જે શીખ્યો એમાં કૉલેજની કેળવણી કશો જ ઉમેરો કરી શકી નથી !’ મા બધાંની વાત સાંભળી રહી. બધાંએ માને હાર પહેરાવ્યા. જાતજાતની ભેટ-સોગાદો આપી. ‘હેપી બર્થડે ટુ યૂ’ નું ગીત ગાઈ માને હાથે કેક કપાવ્યો. તાળીઓ પાડી. છેલ્લે કોઈએ કહ્યું : ‘હવે મા કૈંક બોલે !’

માના ગળે ડૂમો બાઝી ગયો હતો. તેણે કહ્યું : ‘દીકરાઓ, મને તો મેં આ બધું કર્યું એની ખબર જ નથી. દેવે દીધેલાં છોકરા-છોકરીઓને હસતાં-રમતાં મોટાં કર્યાં એ ખરું, પણ એ તો દરેક મા કરે છે !’ જે છોકરાને માનો જન્મદિન ઊજવવાનો વિચાર આવ્યો હતો, તેણે કહ્યું : ‘પણ મા, એ જ માને એના ઘડપણમાં હસતાં-રમતાં હથેળીમાં રાખીએ તે અમારે સૌએ કરવાનું કામ છે અને અમારામાંથી કેટલા કરે છે ?’ બધાં જ સંતાનોની આંખો એ ક્ષણે ભીની થઈ. આ દિવસને કે આવા કોઈ પણ દિવસને હું માતૃદિન કહું.

મા એટલે જન્મદાતા મા તો ખરી જ. પણ જેની આંખોમાં અમૃત દેખાય એ તમામ મા છે. મા પ્રત્યેક નારીમાં કોઈ અમૃતક્ષણે જાગી ઊઠે છે. મા કદી મરતી નથી : માનો દેહ ન હોય ત્યારે એનું વહાલ હવાના કણકણમાં વિખેરાઈને આલિંગન આપે છે. જેને પત્ર ન લખ્યો હોય છતાં જેની આંખમાં લખવા ધારેલા પત્રનો પ્રેમાળ જવાબ વંચાય તે મા.

મા એટલે જગતજનની. શ્રી અરવિંદે ‘મા’ પર નાનકડી પણ સત્વશીલ પુસ્તિકા લખી છે. એમાં માની મહાલક્ષ્મી, મહાસરસ્વતી ઈત્યાદિ રૂપોમાં કલ્પના કરાઈ છે. માની કૃપા સર્વત્ર વરસતી હોય છે. માત્ર આપણે એ ઝીલવા માટે ખુલ્લા રહેવું જોઈએ. મા વિશે પ્રત્યેક વ્યક્તિનો અનુભવ સુખદ હોય એવું નથી. પરંતુ નિરપવાદ રીતે દરેક વ્યક્તિના જીવનમાં એક ક્ષણ એવી છે જ્યારે માનું આસન સર્વોપરી હોય છે. ટૉલ્સ્ટોયે પોતાના ‘childhood’ નામના ગ્રંથમાં લખ્યું છે : ‘મારી માનો ચહેરો બહુ જ સુંદર હતો. એટલો સુંદર કે મા આવે અને માહોલ બદલાઈ જાય. બધું જ હસતું-રમતું લાગે.’ કોઈકે નોંધ્યું છે કે ટૉલ્સ્ટૉયનાં માતા વાસ્તવમાં વિરૂપ કહી શકાય એવાં હતાં. પરંતુ માનું રૂપ બહારની ત્વચા પરથી નહીં, ભીતરના હૃદય પરથી નક્કી થતું હોય છે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous પ્રાર્થનાની પળો વિશે – ગુલાબદાસ બ્રોકર
એક નિર્દોષ વ્યક્તિત્વ – નટુભાઈ ઠક્કર Next »   

18 પ્રતિભાવો : માની આંગળીમાં અભય – હરીન્દ્ર દવે

 1. Trupti Trivedi says:

  Only tears are my response.

 2. Hiral Thaker 'Vasantiful' says:

  Very nice….!

  Just remind my childhood when my mom told me stories….!!!!!!!

 3. Vikram Bhatt says:

  આવા લેખના પ્રકાશન થકી જ રીડ ગુજરાતી માટે માન બેવડાય છે.

 4. Prashant Oza says:

  maa te maa bija badha vagdaa na vaa
  bahu j uttam aarticle

 5. Keyur Patel says:

  પ્રેમ ના જો કોઇ પ્રકાર હોય તો માત્રુપ્રેમ એમા નો સર્વોત્ત્મ છે.

 6. manvant says:

  અપિ સ્વર્ણમયિ લઁકા ન મે લક્ષ્મણ રોચતેઃ
  જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસિ…
  સુન્દર લેખ ….અભિનઁદન.

 7. neetakotecha says:

  trupati ben jevu j maru che aaje shabdo j nathi fakt aasu che lakhva mate. kevi rite lakhu?

 8. shilpa says:

  i hv no words to explain my opinion……its wonder…….. mother is the true goddess
  nobody can explain ” MAA”
  સાચુ કહુ તો માઁ બોલતા મો ભરાય જાય

 9. anamika says:

  no word for opinion……………….it is super…extra ordinary…

 10. rajesh trivedi says:

  એટલુ જ કહીશ માં તે માં, બીજા બધા વગડના વા – જેને પણ આ ઊક્તિ રચી હશે તેને ધન્યવાદ. તથા શ્રી હરિન્દ્ર ભાઈ દવે નો હ્રદયપૂર્વક આભાર આવી સુંદર રચના માટે.

 11. N. R. Desai says:

  જેને માનો પ્રેમ નથી મલ્યઓ તે કેવી રીતે આ લેખ વાચી શકે. હૈયુ જ હાથ ન રહે તેવુ નથી લાગતું ? સરસ લેખ. ધન્યવાદ.

 12. Dhirubhai Chauhan says:

  સરસ લેખ. ધન્યવાદ

 13. Smita Shah says:

  મારિ મા આવિજ હતિ. મને એનો ચેહરો જાણે સામે આવિ ગયો. હ્રદય ને સ્પર્શિ જતો લેખ.

 14. BINDI says:

  પહેલાં આંસું આવતાં ને બા યાદ આવતી આજે બા યાદ આવે છે, ને આંખમાં આંસું આવે છે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.