બેવતન – ચંદ્રકાન્ત બક્ષી

[‘લવ… અને મૃત્યુ’ પુસ્તકમાંથી સાભાર.]

વતન એક વિચિત્ર શબ્દ છે, એ શબ્દમાં જ વિરોધતા છે, બે વિચારો સાથે જીવે છે. વતનની માયા માણસને મૃત્યુ સુધી રહે છે અને દુનિયાનાં આકાશોમાં ઊડવા માટે માણસ વતન છોડે છે. જે વતન છોડતો નથી એ ગતિશીલ રહેતો નથી, શિથિલ થઈ જવાનો ભય છે અને દુનિયા જીતી લીધા પછી વતન છૂટતું નથી, પૂરા શરીરમાં ફેલાઈ જાય છે. વતન એટલે દેશ. વતન પરસ્તી એટલે દેશભક્તિ. બેવતની એટલે ઉસ્થાપિત, વિસ્થાપિત, ઊખડી જવાની ક્રિયા. વતન ઘણીવાર ઘૂટન પૈદા કરે છે. શક્તિઓને રૂંધી નાખે છે, માણસ વતન છોડવા માટે બાધ્ય બની જાય છે અને બીજો માણસ સાત સમુદ્રો ઓળંગીને પાછો ફરે છે, અય વતન, અય વતન….! કવિ ઝવેરચંદ મેઘાણી ગાય છે :

વતનની પ્રીતડી મીઠે સ્વરે સમજાવતી’તી
વળો પાછા, વળો પાછા એમ વ્યર્થ વલવલતી જતી’તી !

બીજી લીટીમાં માણસ પોતાના મૂડ-મિજાજ પ્રમાણે ફેરફાર કરી શકે છે…

વતન માટે આટલો બધો લગાવ હતો તો વતન છોડ્યું શા માટે ? રોટી માટે, અનજાનની શોધ માટે, પરાક્રમના તજુર્બા માટે, માર ખાવાના રોમાંસ માટે, પૈસા કમાવા માટે, મર્દાનગીની ચેલેન્જ માટે. એક હજાર નાનાંમોટાં કારણો હોઈ શકે છે. અને બેવતની એક કસક પૈદા કરે છે. બેવતન થયેલા માણસને જ વતનના લગાવનો સાચો અહેસાસ થતો હોય છે. આપણે વિદેશ જઈએ છીએ, સાત દિવસ, ચૌદ દિવસ, એકવીસ દિવસ… અને પછી રાત્રે પથારીમાં થકાનથી ચૂર થઈ ગયેલું શરીર લંબાવીએ છીએ અને બંધ આંખોમાં વાપસીનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ જાય છે. આઠ દિવસ રહ્યા, હવે સાત છ… પાંચ… અને ‘હોમ-સિક’ થઈ જઈએ છીએ. અને ઘણા માણસોની જિંદગીમાં એ ઘર, ગલીઓ, એ સ્ટેશન માત્ર સ્મૃતિરૂપે જ રહી જાય છે, એ નિરાશ્રિત, શરણાર્થી, રેફયુજી કદાચ હતા. હંમેશને માટે આ બધું છોડી દેવાનું છે. ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ – મિત્રકવિ આદિલ મન્સૂરીએ એમના અમર અવસાદગીતમાં ગાયું છે. ‘વળાવવા આવ્યા છે એ ચહેરા આંખોમાં ફરતા રહેશે, સફરમાં હમસફર મળે ન મળે.’ વતન હંમેશને માટે છોડી દેવાનો વિષાદયોગ આ કૃતિની દરેક પંક્તિ, દરેક વાક્ય, દરેક શબ્દમાંથી ટપકતો રહે છે.

વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે !

ગોવામાં મંડોવી નદીને કિનારે કોંકણીના ખ્યાતનામ કવિ ડૉ. મનોહર સરદેસાઈએ એમની અમર કૃતિ ‘ગોયાં, તુજયા મોગા ખાતિર’ (ગોવા તારા પ્રેમને ખાતર) સંભળાવી હતી. પોર્ટુગીઝ હકૂમતે દેશનિકાલ કરેલા કવિએ પેરિસમાં આ ગીત રચ્યું હતું. ગોવામાં સ્વાતંત્ર્ય-આંદોલન ચાલતું હતું. અને બેવતન થયેલા કવિની માનસિક યંત્રણા આ કવિતામાં આત્મસાત્ થઈ છે. ગોવા, તારા પ્રેમને ખાતર શું શું છોડ્યું છે ? સૂચિ લાંબી છે. વતનથી બેવતન થયેલો કલાકાર જ આ સંવેદનાને કવિતામાં રેડી શકે છે. ‘ગોવા, તારા પ્રેમને ખાતર તમામ ભોગ છોડ્યા, છતાં પણ તારી ત્રાંબા જેવી લાલ મિટ્ટી, મારા હાથ પર લાગી નહીં.’ આદિલ મન્સૂરી ધૂળથી માથું ભરી લેવાની વાત કરે છે. એક કવિએ અત્યંત સરળ લહજામાં કહી દીધું છે : ‘કૌન કિસકે કરીબ હોતા હૈ, અપના અપના નસીબ હોતા હૈ…’

બેવતનીનો કદાચ સૌથી કટુ અનુભવ સ્ત્રીઓને હોય છે. પિતાનું ઘર છોડવાનું છે. એ સગાંઓ, એ સ્વજનો, એ સુહૃદોને છોડવાનાં છે. બિરાદરી છોડવાની છે. ભૂતકાળ કાપીને જવાનું છે. આંસુ મૂકીને જવાનું છે. આત્મીય મૃતકોના સુખડના હાર ચડાવેલા ફોટાઓને પ્રયત્ન કરીને ભૂલીને જવાનું છે. એ મમીની ચંપલ, એ ડૅડીનું ટૂથબ્રશ, એ નાનીબહેનનો કાંસકો, એ મોટાભાઈનો ટુવાલ હવે નવા જીવનમાં નથી. દાદીનાં બાયફોકલ ચશ્માં અને દાદાનાં ડેન્ચર હવે પાછળ રહી જવાનાં છે. કદાચ વિદેશમાં જવાનું છે, દરિયાપાર, એ દેશમાં જ્યાં સાસરું અને પિયર જેવા શબ્દો જ નથી. એ દીકરી જેના વાળ ઓળીને રિબન બાંધી આપી હતી, એ વડોદરા કે વલસાડથી નીકળીને બોસ્ટન જવાની છે. એ દીકરી જેની આંખોમાં તમારી આંખોનો પારદર્શક બદામી-સોનેરી રંગ ઊતર્યો છે, એ સુરેન્દ્રનગર કે સુરતથી નીકળીને હ્યુસ્ટન જવાની છે. એ દીકરી જેના નાના ટિફિનમાં તમે રોજ બે સેન્ડવિચ મૂકી આપતા હતા, એ પાલનપુર કે પોરબંદરથી, ક્રોયડન ગઈ છે. ફોન આવે છે : મંમી, હું સુખી છું ! પછી મૌન. ખામોશી. શાંત કોલાહલ. ગર્ભિત ચુપ્પી. વોઈસીસ ઑફ સાયલન્સ. મૌન વધારે કહી જાય છે, અવાજ કરતાં. અને એ વિદેશી બની રહેલી દીકરીનો અવાજ ફરીથી સંભળાય છે : મંમી, હું સુખી છું ! મંમી કહે છે : બેટા, તબિયત સંભાળજે ! અવાજને સ્વસ્થ રાખવાની મંમીની કોશિશ. સુખ અને દુ:ખની ભેદરેખાઓ ધૂમિલ થઈને ભૂંસાવા લાગે એ ક્ષણ. એક શાયરે ગાયું છે એમ જ…. દબા-દબા-સા, રૂકા-રૂકા-સા, દિલ મેં શાયદ દર્દ તેરા હૈ….

ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ કવિતા કઈ ? મતૈક્ય શક્ય નથી, જરૂરી પણ નથી, મતાંતર સંપૂર્ણ હોઈ શકે, હોવું પણ જોઈએ. પણ મારી દષ્ટિએ, જે કાવ્યને હું શ્રેષ્ઠ ગણું છું, એ પેઢી-દર-પેઢી ગવાતું ગયું છે. કોણે લખ્યું છે કોઈને ખબર નથી, લોકગીત લાગે છે અને જનતાની જબાન પર જીવતું રહ્યું છે. કદાચ દરેક દૂર પરણેલી દીકરી પોતાની માતાને કહેવા માંગે છે, પોપટ એક પ્રતીકરૂપે મુકાયો છે :

ગાયોના ગોવાળ…. ગાયોના ગોવાળ… !
મારી માને એટલું કહેજે
પોપટ ભૂખ્યો નથી, પોપટ તરસ્યો નથી
પોપટ કાચી કેરી ખાય, પોપટ પાકી કેરી ખાય
પોપટ આંબાની ડાળ, પોપટ સરોવરની પાળ
પોપટ રમ્યા કરે !
આ રૂપક-ગીત દરેક ગુજરાતી પરિવારમાં, જ્યાં દીકરી છે, સતત ભજવાતું રહે છે, અદશ્ય રીતે.

બેવતન થવાની વાત માટે એક પ્રસંગગીત હંમેશાં યાદદાશ્તમાં લરઝતું રહે છે. અવધની રિયાસત હતી, પાયતખ્ત લખનૌમાં છેલ્લો નવાબ વાજિદઅલી શાહ રાજ કરતો હતો. લૉર્ડ ડેલહાઉસી હિંદુસ્તાનનો નકશો બદલી રહ્યો હતો. અંગ્રેજોએ અવધને ખાલસા કર્યું, 24મે વર્ષે અવધની ગાદી પર આવેલા નવાબ વાજિદઅલી શાહને 8 વર્ષ પછી 33મે વર્ષે દેશનિકાલ કરવામાં આવ્યો અને કલકત્તાના મટિયાબુર્જમાં એ 31 વર્ષ સુધી બંદી રહ્યો. આ 31 વર્ષો સુધી એ કલકત્તામાં રહ્યો અને પોતાના પ્રિય લખનૌથી વંચિત રહ્યો. લખનૌ છોડતી વખતે એણે ભૈરવીમાં એક ઠુમરી લખી, જે મહાન સાયગલે ફિલ્મ ‘સ્ટ્રીટ સિંગર’ માં ગાઈ અને દેશભરમાં મશહૂર બનાવી દીધી. બેવતનીનું આ કાવ્ય દેશની મૌસીકીના દિગ્ગજોએ ગાયું છે. ફૈયાઝ ખાંથી કિશોરી આમોનકર અને બેગમ અખ્તરથી ગિર્જાદેવી સુધીના શીર્ષસ્થ ગાયકોએ આ ઠુમરી ગાઈ છે. સાસરે જઈ રહેલી દીકરીની વાત છે અને વતનને હંમેશને માટે છોડી રહેલા વાજિદઅલી શાહની અસહ્ય વેદના પણ છે. એ અમર સર્જનના આરંભની લીટીઓ :

બાબુલ મોરા નૈહર છૂટો જાય
ચાર કહાંર મિલી, ડોલિયા ઉઠાઈન

મોરા અપના બેગાના છૂટા જાય
અંગના તો પરબત ભયો, દેહરી ભઈ બિદેસ
લે બાબુલ ઘર આપનો, મૈં ચલી પિયા કે દેસ….

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એક નિર્દોષ વ્યક્તિત્વ – નટુભાઈ ઠક્કર
જાગ્યા ત્યાંથી સવાર – પ્રવીણ શાહ Next »   

35 પ્રતિભાવો : બેવતન – ચંદ્રકાન્ત બક્ષી

 1. Ketan Raiyani says:

  ખૂબ જ સરસ…!!! બહુ સમય બાદ બક્ષી સાહેબ રચિત કૈક વાંચવા મળ્યુ…!!

 2. VijayNZ says:

  ખુબજ સરસ લેખ યાદ આવી ગયા બચપણના દિવસો કયાં ગઈ એ ધિંગા મસ્તી દોસ્તો સમયના વહેણ સાથે સાથ છુટી ગયો મારા ભેરૂઓ બે વતન થયો દોસ્તો બસ એજ ઝુરાપો વતન તને ફરી ફરી પામવાનો.

 3. મજાનો લેખ…

 4. Vikram Bhatt says:

  સલામ બક્ષીબાબુ. આવા લેખ વાંચીને થાય કે બક્ષીબાબુનો પર્યાય કોઇ નથી.

 5. ચંદ્રકાન્ત બક્ષીનુ લખાણ હંમેશા તમારા મનપ્રદેશને ઝંઝોળીને એમા ઘર કરી જાય… તેઓને ઈતિહાસનુ પણ અગાધ જ્ઞાન હતુ… કદાચ ક્યાં વિષયનુ જ્ઞાન એમને નહોતુ ?

 6. Hiral Thaker 'Vasantiful' says:

  ખુબ જ સર્સ્…..!

 7. gopal h parekh says:

  આંખો ભીંજવે એવી વાર્તા

 8. Jigisha Shah says:

  Gujarati ghar ni dikariyo ni vat kari ne aankh bhinjavi didhi. nice article.

 9. કડવો કાઠિયાવાડી says:

  બક્ષીબાબુનું સૌથી મોટું જમા પાસુ એ કે એમનું લખાણ મનને વીંધે એવું તીણું હતું; ચાબૂક વાગે ને સોળ પડે એવું તમતમતું હતું. યાદ છે ને એમેની વાર્તા- કુત્તી.

  બીજા કટાર લેખકોની જેમ ગોળ ગોળ અને મીઠી મીઠી વાતો કર્યા વગર પોતાને સાચું લાગે એવું લખવા માટે બક્ષીબાબુ હંમેશા લોકોને પ્રિય રહેશે.

 10. Prashant Oza says:

  saras,
  e vatan e vatan e vatan janeman jaaneman jaaneman……………bahu mitho article hato…….

 11. dr sudhakar hathi says:

  એકદમ હ્રુદય મા ઉતરી જાય તેવી વાત બક્ષી સાહેબ લખી છે. દીકરી ને n r i ની લાગણી રજુ કરી છે.

 12. KRUPA DILIP says:

  સચ્ચઈ નો ટ હુકો ….બ હુ જ સાચિવાત છે વતન થિ દુર રેહનારા જ એ દુઃખ સમ જિ શકે…..

 13. Keyur Patel says:

  બક્શી બાબુ ના લેખો આપતા રહો, ભઈલા………..

 14. neetakotecha says:

  khub sachi vat. saras vat.

 15. urmila says:

  I would like to read more of Mr Baxis articles

 16. Moxesh Shah says:

  Have you marked one thing?
  See and read the miracle touch by Late Bakshiji.
  He had covered lot many things in one touchy article: (1) દુનિયાનાં આકાશોમાં ઊડવા માટે માણસ વતન છોડે છે. જે વતન છોડતો નથી એ ગતિશીલ રહેતો નથી, શિથિલ થઈ જવાનો ભય છે અને દુનિયા જીતી લીધા પછી વતન છૂટતું નથી, પૂરા શરીરમાં ફેલાઈ જાય છે. (2) ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ (3) બેવતનીનો કદાચ સૌથી કટુ અનુભવ સ્ત્રીઓને હોય છે. and ફોન આવે છે : મંમી, હું સુખી છું ! પછી મૌન. ખામોશી. શાંત કોલાહલ. ગર્ભિત ચુપ્પી. વોઈસીસ ઑફ સાયલન્સ. મૌન વધારે કહી જાય છે, અવાજ કરતાં. (4) ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ કવિતા …….(5) ભૈરવીમાં એક ઠુમરી.
  Wah Bakshiji Wah. Great Writer with great personality.

 17. Divyant Shah says:

  ખૂબ જ સરસ

 18. Dhirubhai Chauhan says:

  I would like to read more of Mr Baxis articles

 19. munaf says:

  more of Baxis articles

 20. મૌલિક ભટૃ says:

  બક્ષી બાબુ ને સલામ…

  ભાઇ આના લેખ વધારે માં વધારે મુકો.. આ એક જ એવો લેખક છે જેને વાંચવાથી ગુજરાતી ભાષાની સાચી અસ્મીતા સમજાય છે..
  મહાજાતી ગુજરાતી આ લેખક જ કહી શકે…

 21. Dilip Patwa says:

  શક્ય હોય તો ” મહાજાતિ ગુજરાત ” ટુકડે ટુકડે આપશો. બાકી બક્શીજીની આત્મકથામાં એમને અમ્રીતલાલ યાગ્નિક માટે લખેલ લખાણ ફક્ત એજ લખી શકે. માટે બક્શીજી મહાન કહેવાય. અને તેથીજ તેમને સલામ થાય. બીજા લેખકો કરતાં જુદા પડે તે આજ કારણ. ને યાદ આવે એમનો ખોડો લિંમડો…

 22. sachin gauswami says:

  બક્ષિબાબુ ને તમે વખાનિ શકો ……..તેમને વખોડી શકો………પણ તેમને નજર અન્દાજ કદિ કરિ શકો……………..આજાદી પછિ ના પાંચ મહાન ગુજરાતી માં ઍંમનુ નામ આવે…..તેમની કદર કરો …………………………

 23. nirlep says:

  સાહેબ, બક્ષેીજેીના લેખો માટે – યે દિલ માંગે મોર….

 24. nayan panchal says:

  ખૂબ જ સરસ લેખ.

  ખરેખર, વતનથી દૂર રહ્યા પછી જ તેનુ મહત્વ સમજાય છે. દરેકે દરેક વાક્ય એકદમ સચોટ. હ્રદયસ્પર્શી લેખ.

  નયન

  “વળાવવા આવ્યા છે એ ચહેરા આંખોમાં ફરતા રહેશે, સફરમાં હમસફર મળે ન મળે.”

 25. TANK VIJAY says:

  WELDONE C.K.BAKSHI

  DIL NI AAR PAAR UTRI GAYU

  THANKS

 26. neha says:

  ખુબ સરસઆઆન્ખો મા પાણિ અવિ ગ્યા

 27. SURESH TRIVEDI says:

  KHAREKHAR HRIDAYSPARSHI LEKH.

 28. DWAIPAL says:

  i never understand why i cry as an when i read baxiji’s comment about netive and death. he is in my soul, i realize it, his words are waving and shoering in my blood. it bursts and cooldown simultenously. baxi never dies, salam baxiji, salam gujrati, i can’t write in gujrati in this keyboard,for that sorry.

 29. Arpita says:

  Pl.give some more ‘golden articles’ of Shri. Baxiji

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.