ચમનલાલનો વરઘોડો – ડૉ. થોમસ પરમાર

[હાસ્યલેખ – ‘કુમાર’ સામાયિક જૂન 2007માંથી સાભાર.]

મારા મિત્ર ચમનલાલના લગ્નનું ઠેકાણું પડતું ન હતું. લગ્ન માટે તેમણે આકાશ-પાતાળ એક કર્યા પણ ક્યાંય મેળ પડતો ન હતો. લગ્ન માટે તેમણે એક નવો દાવ અજમાવી જોયો હતો. તેમણે ‘મહિલા ઉત્કર્ષ મંડળ’ ની સ્થાપના કરી અને તે તેના પ્રમુખ બન્યા. મહિલાઓની વારંવાર સભાઓ બોલાવતા થયા. તેમની આ પ્રવૃત્તિનું મેં કારણ પૂછ્યું તો તેમણે મને કહ્યું, ‘જો આમ કરવાથી કોઈ કુંવારી સ્ત્રી સાથે મારે આત્મિયતા બંધાય તો પરણવાનો માર્ગ સરળ બને.’ લગ્ન માટે ચમનલાલની આ પ્રથમ યોજના નિષ્ફળ નીવડી. એક વખત એક ઓળખીતાએ નિ:સંતાન અને લગ્નના પાંચેક મહિના પછી જ વિધવા બનેલી એક સ્ત્રીના લગ્ન ચમનલાલ સાથે ગોઠવવા પ્રયત્ન કર્યો ત્યારે ચમનલાલ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા : ‘જુઓ, સિંહ ભૂખે મરે પણ તણખલું ન ખાય એમ હું પણ ત્યકતા કે વિધવાને ના જ પરણું સમજ્યા તમે ?’

લગ્નની વાત લાવનાર પેલા ભાઈ ભોંઠા પડી ગયા. પચાસ વર્ષની ઉંમર થઈ ગઈ હતી. છતાં ચમનલાલે લગ્નની આશા છોડી દીધી ન હતી. તેઓ મને કહેતા : ‘જીવતો નર ભદ્રા પામે’ આટલી પાકટ વયે પણ પત્ની મેળવવાના ચમનલાલના આશાવાદ પ્રત્યે મને ભારોભાર માન ઊપજતું. કોઈ તેમને ચાળીસ-પિસ્તાળીસ વર્ષની સ્ત્રી લગ્ન માટે બતાવે ત્યારે સ્પષ્ટ કહેતા :
‘જુઓ મારી ભાવિ પત્ની પચ્ચીસથી મોટી ઉંમરની ન હોવી જોઈએ. તે રૂપાળી હોવી જોઈએ. પરણ્યાં પછી અમે રસ્તામાં નીકળીએ તો લોકો અમને જોઈને છક થઈ જાય તેવી હોવી જોઈએ.’
‘ચમનલાલ, તમે વાસ્તવિકતા તો સમજો. તમે પચાસ વર્ષના થયા. પચ્ચીસ વર્ષની કઈ યુવતી તમને પતિ તરીકે સ્વીકારશે ?’ મિત્રભાવે હું સલાહ આપતો.

‘જુઓ કરસનદાસ, હું આશાવાદી છું. બંગાળી નવલકથાઓમાં એવાં કેટલાંયે પ્રસંગો નોંધાયેલા છે કે પચાસ વર્ષનો પુરુષ 15 કે 20 વર્ષની કન્યાને પરણતો હોય. હું તો પચ્ચીસ વર્ષની કન્યા ઈચ્છું છું. મેં તો પાંચથી દસ વર્ષની છૂટછાટ આપી છે. તમારા જેવા નિરાશાવાદીઓથી સંસાર ના ચાલે.’ ચમનલાલે જોરદાર દલીલ કરી.
‘ચમનલાલ જુઓ, ત્રીસ-પાંત્રીસ વર્ષ પછી પણ લગ્નનું ઠેકાણું ન પડે તો વાંઢાની શ્રેણીમાં આવી જવાય. આવા સંજોગોમાં વાંઢાએ વાંઢીને પરણવું એ ઈષ્ટ ગણાય.’ મેં સમજાવ્યું.
‘તમને કોણે કહ્યું કે હું વાંઢો છું ? પચાસ વર્ષે પણ હજી કુંવારો જ ગણાઉ’
‘કેવી રીતે ?’ મેં પૂછ્યું.
‘કરસનદાસ જુઓ, હું અને તમે એટલે કે આપણે બંને સરખી ઉંમરના જ છીએ. તમારું પણ લગ્નનું ઠેકાણું તો પડ્યું જ નથી. બરાબર ? તમારા લગ્નની વાત આવે છે ?’
‘ના. બિલકુલ નહીં.’ હારેલા ઉમેદવારની જેમ મેં કહ્યું.
‘બસ, તો વાત અહીં જ સમજવા જેવી છે.’ ચમનલાલે વાત આગળ ચલાવી. ‘મારા લગ્ન માટે વાતો આવે છે. લગ્ન માટે જેની વાતો આવતી હોય તે લગ્નના માર્કેટમાં હજુયે છે એમ સમજવાનું અને એવા પુરુષને ‘કુંવારો’ કહેવાય અને જેની લગ્નની વાતો ન આવે તે લગ્નના માર્કેટમાંથી બહાર ફેંકાઈ ગયેલો કહેવાય તેથી તેને ‘વાંઢો’ કહેવાય. એ દષ્ટિએ હું ‘કુંવારો’ કહેવાઉ અને તમે ‘વાંઢા’ કહેવાઓ. બોલો. સાચું કે ખોટું ? ‘સો ટકા સાચું’ મેં કહ્યું, ‘તમે ‘કુંવારા’ જ કહેવાઓ’ મને લાગ્યું કે ના બોલવામાં ડહાપણ છે.

કેટલાય દિવસો પછી એક વાર સરસ કપડાં પહેરીને ચમનલાલ આનંદના મૂડમાં ઉતાવળે મારા ઘરે આવ્યા અને પ્રવેશતાં જ બોલ્યા :
‘હું તમને કહેતો હતો ને કે જીવતો નર ભદ્રા પામે ?’
‘હા, એ તો તમારા જીવનનો મુદ્રાલેખ હતો જ.’ મેં કહ્યું.
‘તો લો આ અને જુઓ.’ ચમનલાલે વટથી બૅગમાંથી કંકોત્રી કાઢીને મારા હાથમાં ધરી દીધી. હું તો આશ્ચર્ય પામી ગયો. કંકોત્રી વાંચી તો ખાતરી થઈ કે તે ચમનલાલના લગ્નની જ કંકોત્રી હતી. ચંચળ (ચંચી) નામની સ્ત્રી સાથે તેમનાં લગ્ન નક્કી થયાં હતાં. ચમનલાલ હવે પરણી જશે અને હું હવે રહી જઈશ એ વિચારે મને ક્ષોભ થયો. અમે બંને વાંઢા (ચમનલાલની દષ્ટિએ તો હું જ વાંઢો) માંથી એક પરણી જશે અને એક રહી જશે. મને સાચે જ પ્રતીતિ થઈ કે ચમનલાલ લગ્નના માર્કેટમાં હતાં અને હું લગ્નના માર્કેટમાંથી બહાર ફેંકાઈ ગયો હતો. મને થયું કે, ‘જો મેં પણ જીવનમાં લગ્ન માટે ચમનલાલ જેવો આશાવાદ સેવ્યો હોત તો ?’
‘ચમનલાલ, પત્નીની પસંદગી તો તમારા ધોરણ પ્રમાણેની જ હશે ને ?’ મેં પૂછ્યું.
‘બિલકુલ મારાં ધોરણો પ્રમાણે જ, પરંતુ એક અપવાદ સિવાય.’
‘કયો અપવાદ ?’
‘જેને પરણવાનો છું તે ચંચળ એટલે કે ચંચી બહેરી છે.’
‘આમ કેમ કર્યું ?’ મેં પૂછ્યું.
‘જુઓ કરસનદાસ, તમને ખબર છે ને કે હું તો નૉન-સ્ટૉપ કેસેટ જેવો છું. મારા વાચાળપણાથી કંટાળીને મને છૂટાછેડા ના આપી દે એ દીર્ધદષ્ટિ વાપરીને મેં બેરી તો બેરીને પરણવાનું નક્કી કર્યું છે.’ ચમનલાલની દીર્ધદષ્ટિ પર હું તો વારી ગયો. ચમનલાલમાં મને ‘આર્ષદ્રષ્ટા’ નાં દર્શન થયાં.

‘કરસનદાસ, તમારે જાનમાં તો આવવાનું જ છે, પણ મારી પાસે તમારે અણવર તરીકે બગીમાં બેસવાનું છે. તમે જોજો તો ખરા કે મારો વરઘોડો કેવો ભવ્ય નીકળે છે ?’
મારા જેવા પચાસ વર્ષના વાંઢાને ચમનલાલ પોતાના વરઘોડામાં અણવર તરીકે બેસાડે એ વાત સાંભળીને હું તો હરખાઈ ગયો. મારા પગ નીચેથી ધરતી ખસતી હોય એવું મને લાગ્યું. મેં પૂછ્યું : ‘ચમનલાલ, હું અણવર તરીકે બેસું ?’
‘હા, હા કરસનદાસ. બીજા કોઈ નહીં, તમારે જ અણવર તરીકે બેસવાનું છે. જાનમાં લોકો વરરાજાને એટલે કે મને અને અણવર એટલે કે તમને જ જોવાના. ચંચીના સગામાં જો કોઈ કુંવારી કન્યા તમને જોઈને મોહી જાય તો મારી જેમ તમારો પણ વરઘોડો નીકળેને ? એટલે જ મેં તમને અણવર તરીકે બેસાડવાનું નક્કી કર્યું છે.’ કરસનદાસના આ મિત્રપ્રેમથી હું તો ગદગદ થઈ ગયો. મારું નસીબ ઊઘડતું હોય તેમ મને લાગ્યું. મિત્ર હોય તો ચમનલાલ જેવા જ હોવા જોઈએ. પોતે તો પરણે પણ પોતાનો વાંઢો મિત્ર પરણ્યા વગરનો ના રહી જાય તેની પણ ચિંતા કરે.

ચમનલાલે મને અણવર તરીકે પસંદ કર્યો ત્યારથી મેં મારી જાતને શણગારવાની શરૂઆત કરી દીધી. જાણે કે લગ્ન મારાં જ ન થવાના હોય ! માથે ડાઈ, ફેસિયલ, મસાજ બધું જ બ્યુટીપાર્લરમાં જઈને કરાવી દીધું. એક સફારી પણ સીવડાવી દીધી. અકકડ બેસવાની અને ચાલવાની પ્રૅક્ટિસ શરૂ કરી દીધી. બે-ચાર નવી ફિલ્મો જોઈ આવ્યો અને એ ફિલ્મોના હિરોની બોલવા-ચાલવાની સ્ટાઈલ કરવા લાગ્યો. આ બધાનું કારણ એ જ કે, મારે ચમનલાલના વરઘોડામાં અણવર તરીકે બેસવાનું હતું. અણવર તરીકે બેસું તો ચંચીના સગાની કોઈ કન્યા મારા પર મોહી પડે અને મારો પણ વરઘોડો નીકળે. ચમનલાલે બતાવેલું સ્વપ્ન ક્યારે સાકાર થશે તેની ઈન્તેજારી કરવા લાગ્યો.

ચમનલાલના લગ્નનો દિવસ આવી ગયો. હું તો બરાબર સજીને સૌ પહેલાં ચમનલાલને ત્યાં જઈ પહોંચ્યો. મને થયું કે આમાં લેટ પડીએ તો ના ચાલે. નહીં તો કોઈ બીજો અણવર તરીકે બેસી જાય અને મારું રંગીન સ્વપ્ન રોળાઈ જાય. ચમનલાલે લગ્નનો ભવ્ય મંડપ બંધાવ્યો હતો. વરરાજાની બગી તૈયાર હતી. બૅન્ડવાજાંવાળા સૂરીલાં ગીતો વગાડતા હતા. માઈક પર રેકર્ડ વાગતી હતી. ‘કહીં સજે બારાત કીસિકી કહીં કીસિકા પ્યાર જલે, કહે દો કોઈ ના કરે યહાં પ્યાર….’ મને આ રેકર્ડમાં તથ્ય ન લાગ્યું. ચમનલાલે કોઈના પણ પ્યારને જલાવ્યો ન હતો. બીજી રેકર્ડ મૂકી. ‘જરૂરત હૈ, જરૂરત હૈ, એક શ્રીમતીકી, કલાવતી કી, સેવા કરે જો પતિકી…’ આ ગીતમાં તથ્ય હતું કારણકે ચમનલાલને શ્રીમતીની જરૂર હતી. એક રીતે કહું તો આ ગીત મને પણ સ્પર્શતું હતું. અમે પ્રસ્થાન શરૂ કર્યું. રસ્તામાં અવારનવાર દારૂખાનું ફોડાતું હતું. જાનૈયા રસ્તામાં બૅન્ડના તાલે ડાન્સ કરતાં હતાં. હું વધુ ને વધુ અક્કડ બેસવા જતો હતો. સાથે સાથે ચમનલાલની પણ કાળજી લેતો હતો. જાન કન્યાના-ચંચીના ઘરની નજીક આવી ત્યારે તો દારૂખાનું ખૂબ જ ફોડવામાં આવ્યું.

મેં ચમનલાલને પૂછ્યું, ‘ચંચી તો બહેરી છે, તો પછી તમે આ બૅન્ડવાજાં અને દારૂખાના પાછળ શા માટે ખોટો ખર્ચ કર્યો ?’
‘કરસનદાસ, તમે સમજો. કશું સમજતા નથી એટલે જ તમારા લગ્નનું ઠેકાણું પડતું નથી.’ ચમનલાલે કહ્યું. ‘શું સમજવાનું ?’ મેં પૂછ્યું.
‘જુઓ, ચંચી બહેરી છે એ વાત સાચી, પણ એ આંધળી ક્યાં છે ? એ જોઈ શકે છે. બૅન્ડનો અવાજ ભલે ના સાંભળે, પણ બૅન્ડવાજાંવાળાને જોઈ તો શકે ને ? એ જ રીતે દારૂખાનું ફૂટતું ભલે ના સાંભળે, પણ જોઈ શકે ને ? ચમનલાલે સ્પષ્ટતા કરી.
‘હા, તમારી વાત સાચી.’ મારી બુઠ્ઠી બુદ્ધિનો મને અનુભવ થયો.

વરઘોડો આગળ વધતો હતો. દારૂખાનું ફોડાતું હતું. એવામાં એક ફટાકડો રસ્તાની બાજુમાં એક મકાનના વાડામાં પડીને જોરથી ફૂટ્યો. ફટાકડાના અવાજથી વાડામાંથી ગાય ભડકી અને વાડ કૂદીને ચમનલાલના વરઘોડામાં દોડવા લાગી. જીવ બચાવવા જાનૈયાઓમાં નાસભાગ થઈ ગઈ. ટોળામાં રહીને જ જેને શૂરાતન ચઢે છે એવા કેટલાક યુવાન જાનૈયાઓ ગાયવાળાની સાથે ઝગડવા ગયા. ઝગડો લાંબો ચાલ્યો. ગાયવાળાની સાથે જાનૈયા મારામારી પર આવી ગયા. ચમનલાલના સસરાનું ઘર નજીક જ હતું. ઝગડાની જાણ થતાં કન્યાપક્ષના પણ કેટલાંક દોડી આવ્યા. કટોકટીમાં મુકાઈ ગયેલા ગાયવાળાએ પરિસ્થિતિનો તાગ માપી લઈને પોતાના છોકરાને દોડાવીને પોતાની જાતના માણસો બોલાવી લીધા. ગાયવાળાની નાતના વીસ-પચ્ચીસ માણસો દંડા અને લાકડીઓ લઈને આવી પહોંચ્યા. જાનૈયા અને ગાયવાળાના માણસો વચ્ચે જોરદાર લડાઈ શરૂ થઈ ગઈ. બગીના ઘોડાઓ પણ કૂદાકૂદ કરવા લાગ્યા. ચમનલાલ ધ્રૂજવા લાગ્યા. તેમની ધ્રૂજારીનો કરન્ટ મને પણ લાગ્યો અને હું પણ ધ્રૂજવા લાગ્યો. ‘ચંચીના સગાની કોઈ કુંવારી કન્યા’ નું સ્વપ્ન મારા માનસપટમાંથી ઝાંખું થવા લાગ્યું. ધ્રૂજતાં ધ્રૂજતાં પણ હું ચમનલાલને સાચવતો હતો.

‘કરસનદાસ, લગ્નમાં મોડું થશે તો મુહૂર્ત જતું રહેશે. મારા લગ્નનું શું થશે ?’ એમ કહીને ચમનલાલ સડાક દઈને ઊભા થઈ ગયા અને રસ્તામાં દોડવા લાગ્યા. રસ્તામાં થોડે દૂર આવેલી પોલીસ-ચોકીએ પહોંચી ગયા. ચમનલાલની ગેરહાજરીમાં હું બગીમાં એકલો બેઠો હતો. રસ્તામાં જતાં આવતાં લોકો મને વરરાજા તરીકે માનતા હતા. થોડી વારમાં ચમનલાલ પોલીસ સાથે આવી પહોંચ્યા. પોલીસે ઝગડાના કારણની તપાસ શરૂ કરી. ઝગડાનું મૂળ કારણ દારૂખાનું ફોડવાનું જણાયું.
‘દારૂખાનું કોણે ફોડ્યું હતું ?’ પોલીસે પૂછ્યું.
‘મારી જાનના માણસોએ’ ચમનલાલે કહ્યું.
‘તો તમે પોતે જ ઝગડા માટે જવાબદાર છો.’ પોલીસે તરત જ તપાસનું તારણ કાઢ્યું.
‘કેમ, કેવી રીતે ?’ ચમનલાલે પ્રશ્ન કર્યો.
‘કેમ શું ? આ તમારી બગી ઊભી છે તેની ફૂટપાથ પર લગાવેલું બોર્ડ તમે વાંચ્યું છે ? એમાં સ્પષ્ટ જણાવ્યું છે કે જાહેર સ્થળોએ કે માર્ગમાં કોઈ પણ પ્રસંગે દારૂખાનું ફોડવું એ ગુનો બને છે.’ પોલીસે પોતાનું કાયદા વિષયક જ્ઞાન પ્રદર્શિત કર્યું. ‘તમે પોતે જ ગુનેગાર છો. જાહેરમાં દારૂખાનું ફોડવામાં ઉત્તેજન અને સહકાર આપવા બદલ તમારી સામે પોલીસની કાર્યવાહી કરવી પડશે એટલે તમારે ચોકીએ આવવું પડશે.’ પોલીસને ઘણું સમજાવ્યા પણ ન માન્યા. ચમનલાલને પોલીસ ચોકીએ લઈ ગયા. ઘણી વાર થઈ તેમ છતાં ચમનલાલ ચોકીએથી પાછા ન ફર્યા. લગ્નનું મુહૂર્ત પસાર થતું હતું. છતાં ચમનલાલ ન આવ્યા. વરપક્ષનાં અને કન્યાપક્ષનાં લોકો ઊંડી ચિંતામાં પડી ગયાં. હવે શું કરવું તેનો નિર્ણય ન લઈ શક્યાં. થોડી વારમાં એક પોલીસ આવ્યો : ‘કરસનદાસ કોણ છે ?’ પોલીસે પૂછ્યું.
‘હું પોતે જ.’ મેં ગભરાતાં ગભરાતાં જવાબ આપ્યો.
‘પોલીસે મને એક ચિઠ્ઠી આપી. ચિઠ્ઠી ચમનલાલની હતી. તેમાં લખ્યું હતું…..

પ્રિય મિત્ર કરસનદાસ,

તમે મારી વતી ચૉરીમાં બેસીને ચંચી સાથે લગ્ન પતાવી દેજો. હું મારી રાજીખુશીથી આ નિર્ણય લઉં છું. મળેલી કન્યા જવા ન દેવાય. હું નહિ તો તમે લગ્નવાળા તો થશો.

લિ. તમારો મિત્ર.
ચમનલાલ.

પોલીસે બીજી ચિઠ્ઠી પણ મને આપી અને તે કન્યાને આપવાનું જણાવ્યું. એ ચિઠ્ઠીમાં લખ્યું હતું ;

પ્રિય ચંચી.

પોલીસ કાર્યવાહીને કારણે વિલંબ થયો છે. લગ્નનું મુહૂર્ત નીકળી ગયું છે. હું તને પરણી શકું તેવા સંજોગો હાલમાં નથી. પણ હું તને વિનંતી કરું છું કે તું મારા બદલે અણવર તરીકે આવેલા મારા મિત્ર કરસનદાસને જ વર માની પરણી જજે. કરસનદાસને પરણીશ એ મને પરણ્યા બરાબર જ છે.

લિ. તારો ભાવી પતિ થતાં રહી ગયેલો
ચમનલાલ.’

મેં બંને ચિઠ્ઠીઓ બંને પક્ષના સભ્યો સમક્ષ રજૂ કરી. ચંચીની અને મારી સંમતિ લેવામાં આવી. આખરે મન પર એક મણનો પથરો મૂકીને આંખમાં આંસુ સાથે મિત્રધર્મ બજાવવા ચંચી સાથે લગ્ન કરવા ચમનલાલને બદલે હું ચોકીએ બેઠો. વિધિ શરૂ થઈ. છેલ્લો ફેરો બાકી હતો ત્યાં જ પોલીસ એક ચિઠ્ઠી લઈને આવ્યો અને ચિઠ્ઠી મને આપી…

‘પ્રિય ચંચી અને કરસનદાસ,
તમારા બંનેનું લગ્નજીવન મંગલમય નીવડો. પરંતુ યાદ રાખજો આ લગ્નજીવન કાયમી નથી, ટેમ્પરરી (કામચલાઉ) છે. ચોકીએથી પાછા ફર્યા બાદ હું જ વર ગણાઈશ. મિત્રધર્મ બજાવવા બદલ કરસનદાસનો આભાર માનું છું.
ચમનલાલ.

ચમનલાલની મારા પરની બંને ચિઠ્ઠીમાં જણાવેલ સૂચના પ્રમાણે મેં ચંચી સાથે લગ્ન કર્યાં. ચંચીનાં સગાની કોઈ કુંવારી કન્યાને બદલે ચંચી સાથે જ મારાં લગ્ન થયાં. હું ટેમ્પરરી હસબન્ડ બની શક્યો. આને સુખ કહું કે દુ:ખ ? હું આવ્યો હતો ચમનલાલના વરઘોડામાં અણવર તરીકે અને એક ટેમ્પરરી હસબન્ડ બનીને પિતૃગૃહની વિદાયથી રડતી ચંચીને મારી ટેમ્પરરી પત્ની બનાવીને જઈ રહ્યો છું. પોતાના વરઘોડામાં અણવર બનાવીને અને તેમાંથી ટેમ્પરરી હસબન્ડનું પ્રમોશન આપવા બદલ મારા મિત્ર ચમનલાલનો હૃદયથી જેટલો આભાર માનું તેટલો ઓછો છે. ‘જો મિલ ગયા ઉસકો મુકદર સમજ લિયા….’ ખાસ આભાર તો મારે પેલા ફટાકડાનો માનવો જોઈએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous રખડવા નીકળ્યો છું – પ્રહલાદ પારેખ
વિવિધ વાનગીઓ – સંકલિત Next »   

20 પ્રતિભાવો : ચમનલાલનો વરઘોડો – ડૉ. થોમસ પરમાર

 1. anamika says:

  o..k…not bad

 2. VB says:

  “કુમાર”માં આવો લેખ ?
  સમયનો બગાડ.

 3. Hiral Thaker 'Vasantiful' says:

  Funny article….! 🙂

 4. Hemal Sudhakar Hathi says:

  sorry disappointed…

 5. Keyur Patel says:

  હાસ્ય લેખ ની ‘કોમેડી’ ક્યાં ગઈ?????

 6. Bharat Dalal says:

  Enjoyable and light humour

 7. રમૂજ આપતો આ લેખ આખરે અશાન્તિ ને ઉત્સુકતા
  ઉપજાવનારો બન્યો ! પણ અન્તે કોણ પામ્યુઁ ? નવ
  દઁપતિને શુભેચ્ચ્હા.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.