છ આંકડાનો ચેક – ગિરીશ ગણાત્રા

[‘હલચલ’ સામાયિક (કોલકતા) માંથી સાભાર.]

બપોરે રસોડું પતાવી, કામવાળી માટે જમવાનું કાઢી, સુમનબહેન સવારનાં છાપાં-મેગેઝિન લઈને સોફા પર આડાં પડે. કામવાળી ઘરનાં બધાં કામ પતાવી જમી-પરવારી, ‘બા, જઉં છું ત્યારે’ નો ટહુકો કરે ત્યારે સુમનબહેન ચશ્માં કાઢે. કામવાળી જાય પછી બારણું બંધ કરી એ બેડરૂમમાં જાય. જો છાપાં વાંચતાં વાંચતાં ઊંઘ આવી જાય તો એકાદ ઊંઘ ખેંચી કાઢે. પણ બહુધા, બપોરે એમને ઊંઘ આવતી જ નહિ – હમણાં હમણાં. જ્યારથી આશિષ વધુ અભ્યાસ માટે ઑસ્ટ્રેલિયા ગયો ત્યારથી એ બપોરે ઊંઘી શકતાં નહિ.

આમેય, ઘરમાં એટલું બધું કામ હતું પણ ક્યાં ? દોઢ-બે વર્ષ પહેલાં પુત્રીને પરણાવીને, સાસરે વળાવ્યા પછી ઘરમાં આશિષ જ રહ્યો હતો. પતિ નવનીતભાઈ તો સવારે નવ-સાડા નવે પ્રેસ પર જવા નીકળી જાય તે રાત્રે સાત-સાડા સાતે કે પછી આઠ-નવ વાગે ઘેર આવે. હમણાં હમણાં નવાં ઑફ-સેટ મશીન, કટિંગ મશીન અને બાઈન્ડિંગ મશીનો વસાવ્યાં પછી એમનો વધુ સમય પ્રેસ પર જતો. બપોરે ફુરસદ મળે તો ક્યારેક, ક્યારેક જ એ ઘેર આવી જતા. બાકી પ્રેસ પરથી માણસ ટિફિન લેવા આવે. પ્રિન્ટિંગ પ્રેસના ધમધોકાર ચાલતા ધંધામાંથી એ ઊંચા આવે તો ઘેર જમવા આવી શકે ને !

આશિષ હતો ત્યાં સુધી તો એની, એની મિત્રમંડળીની સુમનબહેનને સારી કંપની મળતી. બપોરે બધા ઘેર આવે ત્યારે એનાં નાસ્તા, ચા-પાણીમાં જ સુમનબહેન પરોવાયેલાં રહેતાં, પણ હવે તો એ પણ બધું બંધ થઈ ગયું હતું. આજે એ છાપું વાંચતાં આડાં પડ્યાં હતાં ત્યારે એમની નજર એક જાહેરખબર પર પડી. એણે એ એક વખત વાંચી, બે વખત વાંચી, વારંવાર વાંચી. પછી એ પથારીમાં બેઠાં થયાં અને જાહેરખબર પર નજર તાકતાં વિચારવા લાગ્યાં.

જાહેરખબરમાં લખ્યું હતું :
થોડી માનસિક અસ્થિરતા ધરાવતા અને પક્ષઘાતની સારવાર લઈ રહેલા એક વીસ વર્ષના યુવાનને બપોરે બારથી પાંચ વચ્ચે બે કલાક માનસશાસ્ત્રીય રીતે અભ્યાસ કરાવી શકે એવા શિક્ષકની જરૂર છે. સંપર્ક સાધો : જાહેરખબરમાં લખેલા ટેલિફોન નંબર સામે તાકતાં એ વિચારી રહ્યાં. પોતે બી.એ. સુધી ભણેલાં હતાં. બી.એ.માં માનસશાસ્ત્રનો વિષય રાખેલો. નવનીત સાથે પરણ્યા પછી એ વિષયનો વ્યવહારુ અભ્યાસ તો ક્યારેય નહોતો કર્યો – સિવાય કે પોતાનાં બંને સંતાનોના ઉછેરમાં. આ જાહેરખબરવાળા કેસમાં કદાચ એમનું માનસશાસ્ત્રનું શિક્ષણ કામ લાગે પણ ખરું.

બહુ વિચારીને એ ઊભાં થયાં અને ફોન જોડ્યો. સામેથી ફોન ઉપાડનાર સ્ત્રી સાથે એમણે વાત કરી. રાત્રે નવનીતભાઈને એમણે પેલી જાહેરખબરની વાત કરી. નવનીતભાઈએ પૂછ્યું :
‘તારે ટ્યુશન કરવું છે ?’
‘ટયુશન તો નહિ, પણ બપોરે બે કલાકનો સમય પસાર થાય એ દષ્ટિથી કહું છું.’
‘મને વાંધો નથી’ નવનીતભાઈએ બહુ જ સરળતાથી કહ્યું, ‘મેં તો તને કહી જ રાખ્યું છે કે બપોરે લેડીઝ-વિંગ જેવી કોઈ કલબમાં જોડાઈ જા. પણ તને એના અનુભવો સારા નથી એટલે શું કહું… ? જઈ તો આવ… જો તો ખરી કે તારી સાયકોલોજી ત્યાં કેવી કામ લાગે છે !… અને હાં, ફી કે પૈસાના ચક્કરમાં ન પડતી. ભગવાને ઘણું આપ્યું છે. કાલે મને આ કેસની વિગતો કહેજે.’

બીજે દિવસે સુમનબહેને પતિને રિપોર્ટ આપ્યો :
‘બહુ ઈન્ટરેસ્ટિંગ કેસ છે. એ યુવાન એન્જિનિયરિંગ કૉલેજના બીજા વર્ષમાં ભણે છે. કોઈ યુવતી જોડે એને પ્રેમ થઈ ગયેલો. ગળાડૂબ પ્રેમમાં હતો એ. કોઈ આઘાત લાગી ગયો. એ આઘાતમાં એને પક્ષઘાતની થોડી અસર આવી ગઈ છે. એની પોતાની જિંદગી નકામી લાગી એટલે ઝેરની કોઈ ગોળીઓ લઈને આપઘાતનો પ્રયત્ન કર્યો. એમાંથી વળી માનસિક અસ્થિરતા જન્મી છે… બાકી છોકરાની કેરિયર ખૂબ જ જ્વલંત ગણી શકાય એવી છે.
‘ઘરમાં કોણ કોણ છે ?’
‘બધાં છે. મા, બાપ, બહેન, નાનો ભાઈ-સુખી કુટુંબ છે. મહિને બારસો-પંદરસો રૂપિયા ખર્ચવા તૈયાર છે.’
‘તું એ છોકરાને મળી ?’
‘હા, દસ-પંદર મિનિટ એની પાસે બેઠી. એના બંને હાથ લંગડાય છે, મોઢું વંકાય છે. જો કે, એ વખતે એ દવાની અસર નીચે હતો એટલે બહુ વાતચીત ન થઈ શકી. પણ પ્રયત્ન કરવા જેવો છે.’
‘સારું પ્રયત્ન કરી જુઓ.’ નવનીતભાઈએ પત્નીને સહમતિ આપી દીધી.

ત્રણેક દિવસ પછી સુમનબહેને બપોરના એકાદ વાગે એ ઘેર જવા માંડ્યું. એકાદ અઠવાડિયામાં એને આ યુવાન – પ્રકાશના માનસનો થોડોથોડો પરિચય થઈ ગયો. બિલકુલ ભગ્ન અને હતાશ એવો આ યુવાન એટલો લાચાર, પંગુ અને ગુમસુમ થઈ ગયો હતો કે એની સાથે કેમ પાર પાડવું એની જ સુમનબહેનને વિસામણ થઈ. જ્યાં ખુદ માનસશાસ્ત્રીઓ મૂંઝાઈ જાય એવા આ કેસમાં સુમનબહેનનું બી.એ.માં ભણેલું માનસશાસ્ત્ર શું કામ લાગવાનું ?

છતાંય, એમણે પ્રયત્નો ચાલુ રાખ્યા. એ આ કેસમાં હવે ઊંડો રસ લેવા લાગ્યાં. એક દિવસ રાત્રે નવનીતભાઈએ પૂછ્યું :
‘સુમન, સાંજે છ વાગે તું ઘરમાં નહોતી ?’
‘ના, આજે લાઈબ્રેરીમાં ગઈ હતી.’
‘લાઈબ્રેરીમાં ? ત્યાં વળી શું કામ પડ્યું ?’
‘આ પ્રકાશના જેવો જો કોઈ કેસ ધ્યાનમાં આવે તો એનો અભ્યાસ કરીને મારે એની સાથે કેમ વર્તવું એ નક્કી કરી શકું.’

નવનીતભાઈ કશું બોલ્યા નહિ.
પણ પછીના દિવસોમાં એમણે જોયું કે સુમનબહેન મોડી રાત સુધી આશિષના રૂમમાં બેઠાંબેઠાં એબનોર્મલ સાયકોલોજીનાં પુસ્તકો વાંચે છે, નોંધો ટપકાવે છે અને બબ્બે વખત ચાની તપેલી મૂકે છે. સાધારણ રીતે સુમનબહેન વહેલાં ઊઠી, પતિ માટે ચા બનાવી, પછી જ એમને ઉઠાડે. પણ હવે નવનીતભાઈ ઊઠે ત્યારે સુમનબહેન નિદ્રામાં હોય. એ ચા બનાવી, છાપું વાંચતા બેઠા હોય કે પછી એ ક્રમ પતાવી, બાથરૂમમાંથી બહાર આવે ત્યારે સુમનબહેન ઘરમાં ન હોય તો એ પ્રકાશને ત્યાં ફોન જોડતાં. સુમનબહેન અચૂક ત્યાંથી જ મળી આવે.

એક વખત નવનીતભાઈએ સુમનબહેનને પૂછ્યું :
‘તારા ટ્યુશન-અવર્સ તો માત્ર બે જ કલાકના હોય છે ને !’
‘હા, પણ એ બે કલાકમાં કંઈ ન વળે.’
‘કેમ ?’
‘પ્રકાશનો કેસ ખૂબ જ અઘરો છે. અડધા-પોણા કલાકની જહેમત પછી તો એ માંડ મારી પાસે બેસે છે. વચ્ચે વળી ઊભો થઈ જાય તો ફરી બેસાડતાં સમય લાગી જાય. ક્યારેક તો સાંજના છ પણ વાગી જાય છે.’
નવનીતભાઈ ચૂપ રહેતા, પણ દરરોજ રાત્રે એ સુમનબહેન પાસેથી પ્રકાશની પ્રગતિના સમાચાર જાણી લેતા. જાણ્યે-અજાણ્યે નવનીતભાઈ આ કેસથી સંપૂર્ણપણે વાકેફ રહેવા લાગ્યા. એમને પણ પત્નીના એ શિષ્યની પ્રગતિ જાણવામાં રસ રહેતો.

એક દિવસ એમણે પત્નીને સૂચન કર્યું
‘સુમન, પેલા તારા સ્ટુડન્ટને કાલે મારા પ્રેસ પર લઈ આવે તો કેમ ?’
‘તમારા પ્રેસ પર ? ત્યાં એનું શું કામ છે ?’
‘કાલે બપોરે બે-ત્રણ ટેકનિશિયનો નવા મશીનને સર્વિસ કરવા આવવાના છે. પ્રિન્ટિંગનાં બે રોલરો પણ બદલાવવાના છે એટલે મશીન ખોલશે. આ છોકરો પ્રકાશ મિકેનિકલ એન્જિનિયરિંગનો વિદ્યાર્થી છે. કદાચ યંત્રો જોઈને એની સ્મૃતિઓમાં ફેરફાર થાય. સુમનબહેને એમ કર્યું પણ ખરું, પરંતુ પ્રકાશના માનસમાં કોઈ ખાસ પ્રકાશ ન પડ્યો. જોકે, સુમનબહેનને નવી દિશા મળી ખરી, હવે એ પ્રકાશને યંત્રોનાં ચક્રો લાવી શીખવાડવા લાગ્યાં. એને એ બહાર ફરવા લઈ જતાં, ક્યારેક બપોરના પિક્ચર જોવા પણ લઈ જતાં. પોતાના પુત્ર આશિષ પર જેટલું વહાલ ઢોળતાં એટલું એ પ્રકાશ પર ઢોળવા લાગ્યાં.

પ્રકાશના વર્તનમાં હવે થોડુંથોડું પરિવર્તન આવવા લાગ્યું. એમના કૌટુંબિક ડોક્ટર એને પક્ષઘાતની સારવાર તો આપી રહ્યા હતા, પણ સુમનબહેનની માનસિક સારવાર વધુ કારગત નીવડી. નવનીતભાઈએ એક વખત સુમનબહેનને ટકોર કરી પણ ખરી !
‘આ પ્રકાશના કેસમાં તું ધીરે ધીરે ઊંડી ને ઊંડી ખૂંપતી જાય છે.’
‘કેમ ? તમને એવું કઈ રીતે લાગ્યું ?’
‘પહેલાં તો રાત્રે ઘેર આવતો ત્યારે ઘર પૂરેપૂરું વ્યવસ્થિત લાગતું, પણ હવે ઘરની ચીજવસ્તુઓ વેરવિખેર હાલતમાં હોય એવું લાગ્યા કરે છે.’
‘હા, એવું થોડું ઘણું રહે છે ખરું.’ સુમનબહેન એકરાર કરતાં. ‘ત્યાં સમય પુષ્કળ ચાલ્યો જાય છે. ઘેર આવું છું ત્યારે થાકી જાઉં છું એટલે બધું વ્યવસ્થિત કરવાનો સમય રહેતો નથી.’
‘કેટલાય દિવસથી લોન્ડ્રીમાં આપેલાં મારાં કપડાં પણ પાછાં આવ્યાં નથી. ઘરમાં પસ્તીના ઢગલા ખડકાયા છે. સાંજની રસોઈમાં બહુ ભલીવાર નથી હોતો…’

સુમનબહેન બધું ચૂપચાપ સાંભળી લેતાં, પણ પ્રકાશની માવજતમાં એ એટલાં બધાં ઓતપ્રોત રહેતાં કે એ ખુદ પોતે જ ભૂલી ગયાં હતાં કે આ માત્ર બે કલાકનું ટ્યુશન છે, કમ્પેનિયનશિપ છે, એક માનસિક સહારો છે અથવા બીજી રીતે જોઈએ તો આ એક ટાઈમ-પાસ છે. આટલા મહિનાઓથી એમણે આ કુટુંબ પાસેથી ક્યાં એકેય પૈસો લીધો છે !

પણ ટ્યુશનમાં જ્યાં વળતરનું ગણિત જ માંડવામાં નહોતું આવ્યું ત્યાં શિક્ષણ દિલથી જ અપાય ને ! સુમનબહેનને મન પ્રકાશ એક પારકો છોકરો નહતો રહ્યો. પુત્રવત્ લેખીને જ એ એને શિક્ષણ આપતાં રહેતાં. અલબત્ત, પ્રગતિ ધીમી હતી, પણ ચોક્કસ હતી. ઓસ્ટ્રેલિયાથી આવતા પુત્રના પત્રને વાંચતી વખતે એમની નજર સામે પ્રકાશ તરવરતો રહેતો. જો પ્રકાશ સાજો હોત તો એ પણ લંડન-અમેરિકા ભણવા જઈ શકે એવી એની કરકિર્દી હતી.
સુમનબહેને પતિને કહ્યું : ‘ધારો કે આપણા આશિષને આવું થઈ ગયું હોત તો ?’
‘તું લાગણીમાં તણાઈ ન જા.’ વ્યાપારી માનસ ધરાવતા નવનીતભાઈએ કહ્યું, ‘એ છોકરાને એનાં માતા-પિતા છે, અન્ય કુટુંબીજનો છે. એ બધાંની જવાબદારી ખરી કે નહિ ?’
‘એ બધાંની તો ખરી જ, પણ અહીં એમનો મારા પર વિશ્વાસ છે. ભગવાનના મંદિરે જઈ આપણે કંઈ પ્રાર્થીએ ત્યારે આપણને ખબર છે કે આ પથ્થરની મૂર્તિ કશું કરી શકવાની નથી પણ છતાંય આપણે કશુંક યાચીએ છીએ ત્યારે એની શ્રદ્ધામાં અભાનપણે આપણે આપણી જ શ્રદ્ધા દઢ કરતા જઈએ છીએ. એ શ્રદ્ધાથી આપણી આંતરિક શક્તિઓ ખીલી ઊઠે છે. આ કુટુંબને કોણ જાણે મારા પર એવો વિશ્વાસ બેસી ગયો છે કે એમના પુત્રને માત્ર હું જ સારો કરી શકીશ એવું સૌ માને છે એટલે તો એ એને કોઈ સાઈકિએટ્રીસ્ટ પાસે નથી લઈ જતાં. આપણામાં કોઈએ મૂકેલાં વિશ્વાસ કે શ્રદ્ધાને કેમ ચળવા દેવાય ?’

સુમનબહેન પ્રત્યેની શ્રદ્ધા કહો કે મમતાની લાગણીઓ કહો, પ્રકાશના ઘા રુઝાવા લાગ્યા. એણે એની માનસિક સ્થિરતા પ્રાપ્ત કરી લીધી. એનાં પોણા બે વર્ષ બગડ્યાં, પણ ધીરેધીરે એણે સ્વસ્થતા પ્રાપ્ત કરી, કૉલેજે જવાનું શરૂ કરી દીધું. પહેલાં તો સુમનબહેન એ ઘેર આવતાં-જતાં રહેતાં, પણ હવે તો પ્રકાશ દરરોજ એમને ત્યાં થઈને પોતાને ઘેર જતો. દરરોજ એ સુમનબહેનનું કે જેને એ માસી કહેતો, એનું મોં ન જુએ ત્યાં સુધી એને પણ ચેન ન પડતું. સુમનબહેન એને કહેતાં : ‘પ્રકાશ, આ તારું જ ઘર છે. બપોરે તારા મિત્રોને લઈને અહીં નાસ્તો કરવા આવે તો મને ખૂબ જ ગમે. તને, તારા મિત્રોને મળવાનો મને પણ આનંદ થાય.’ પ્રકાશ ક્યારેક ક્યારેક મિત્રોને લઈ સુમનબહેનને ઘરે આવતો ત્યારે એ એમને માટે હોંશેહોંશે ચા-નાસ્તો બનાવી દેતાં, સૌની સરસ ખાતરબરદાસ્ત કરતાં.

એક વખત બપોરે પ્રકાશની માતા સુશીલાબહેન સુમનબહેન પાસે આવ્યાં. એની પાસે એમના પતિએ સહી કરી આપેલો કોરો ચેક હતો. ચા-પાણી પતાવ્યા પછી સુશીલાબહેને એમના હાથમાં ચેક મૂકતાં કહ્યું : ‘સુમનબહેન, પ્રકાશને તમે નવો જન્મ આપ્યો છે. આ બે વરસ સુધી તમે તમારું મહેનતાણું લીધું નથી. આજે તો ‘એમણે’ ખાસ કહેવડાવ્યું છે કે પાંચ આંકડાની કોઈ પણ રકમ સુધી વાંધો નથી….’
‘અને છ આંકડાની લખું તો ?’
‘તોય વાંધો તો નથી, પણ મારે એમને પૂછવું પડે.’
‘સારું, આમાં છ રકમનો આંકડો લખું છું. ચેક બંધ કવરમાં મૂકું છું. તમારા પતિને એ આપી દેજો. મારે ચેકથી નહિ, રોકડા જોઈએ.’

સુમનબહેને ચેકમાં માત્ર છ શૂન્ય જ લખ્યાં.

એ લખતી વખતે મનમાં બોલ્યાં પણ ખરાં – અરે મારી બહેન, આ બે વરસમાં પ્રકાશે મને આશિષની ખોટ સાલવા નથી દીધી, નહિતર એ ક્ષણેક્ષણના વિયોગની હું કિંમત ચૂકવવા બેસું તો કેટલી થાય ? અને હવે તો મારે બે દીકરા થયા. આ બીજો દીકરો મેળવવા માટે તો મારે તને શું શું ય ચૂકવવું પડે !
એમણે ચેક કવરમાં મૂકીને કહ્યું :
‘સુશીલાબહેન, આમાં સમજી-વિચારીને મેં આંકડો લખ્યો છે. એના રોકડા પૈસા મને પ્રકાશ જોડે મોકલાવી દેજો.’ સુશીલાબહેન ઊઠ્યાં ત્યારે વિચારતાં હતાં કે આ બાઈએ છ આંકડાની રકમમાં કોણ જાણે શું યે માગી લીધું હશે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અત્તરનાં મૂલ – વિનોદિની નીલકંઠ
કસોટી આવકાર્ય – કાન્તિલાલ કાલાણી Next »   

48 પ્રતિભાવો : છ આંકડાનો ચેક – ગિરીશ ગણાત્રા

 1. gopal h parekh says:

  an extra ordinary story

 2. anamika says:

  very very very nice sotry….

 3. Reena says:

  Dont have word to say.Really Touching story

 4. bijal bhatt says:

  એક માતૃ હ્રદય જ આ ધીરજ અને અખુટ શ્રધ્ધા દાખવી શકે છે. યા દેવી સર્વ ભૂતેષુ માતૃરુપેણ સંસ્થીતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ.

 5. એક માતા ધારે તો પોતાના મમત્વ, લાગણી, કાળજી, શિક્ષણ અને સમયનો કેટલો સર્જનાત્મક ઉપયોગ કરી શકે !! પરિવારના કામમાથી મુક્ત થયા બાદ જો સ્ત્રી સમાજને થોડો સમય આપે તો એ સમાજની મોટી સેવા થતી ગણાશે…

 6. Nimish says:

  that’s amazing !!!

 7. Paresh says:

  ખુબ સરસ વાર્તા. ફક્ત એક સ્ત્રી જ આ કામ કરી શકે અને નવનીતભાઈ જેવા પુરૂષના સહયોગથી પ્રયત્નોને જલ્દી સફળતા મળે.

 8. Hiral Thaker 'Vasantiful' says:

  Excelent…! No words to express..! Realy very good story.

 9. dr sudhakar hathi says:

  માનસશાસ્ત્રિ નાહિ પન માતા જ આવિ સારવાર આપિ શકે શારિરિક રોગ મતે પન મમતા થિ સેવાકરવિ જોઇયે તો દવાનિ ઓચિ જરુર પદે

 10. Yogini Joshi says:

  Khub j saras vartaa.

 11. Bharat Dalal says:

  Very touching and perceptive.

 12. Riddhi says:

  an extremely different story!
  Thnaks to everyone who co-ordinated efforts to bring it to our eyes…

 13. માની મમતા અને શ્રદ્ધાના સરવાળાએ પ્રકાશને નવજીવન બક્ષ્યુઁ.વળી ૬ આઁકડાની લેવડ-દેવડ
  પણ કેટલી અદભુત કહેવાય ! લેખકને અભિનઁદન.

 14. rita saujani says:

  Congratulations! Simply wonderful! I forgot I was reading a story! Please keep it up.

 15. surekha gandhi says:

  મા ના મમત્વની કિમ્મતતો શૂન્ય સિવાય કોઈ અન્ક આન્કી ના શકે. પૂર્ણ મા પૂર્ણ ઉમેરીએ તો પૂર્ણ જ બચે.ખૂબ સુન્દર અભીવ્યક્તી.અભિનન્દન

 16. સુંદર વાત્..

 17. Ami says:

  ખુબ જ સરસ. માતૃપ્રેમ અને નારી-શકિતની સમજ આપતી વાર્તા.

 18. maurvi vasavada says:

  ગીરીશભાઇ, એક મા ની મમતાને ખૂબ સરસ વાચા આપી છે. ખૂબ ખૂબ અભિનંદન…

 19. Bhavin Kotecha says:

  it’s mom…. and mom is always mom.

 20. Dhaval B. Shah says:

  It was a very different story. Enjoyed a lot!! Thanks.

 21. Jinal Patel says:

  I liked the story too much. It is really nice

 22. Avani Soni says:

  very nice story.

 23. hemantkumar b shah says:

  હ્રદય્સ્પર્શિ વાર્તા સુન્દર

 24. rajesh says:

  Matru Devo Bhava – એક માતા જ આવુ કાર્ય કરી શકે. સુંદર વાર્તા.

 25. Keyur Patel says:

  છ આંકડાનો ચેક!!! – વાહ ભાઈ વાહ. મજા આવી ગઈ.

 26. JITENDRA TANNA says:

  વાહ ખુબ સરસ વાર્તા.

 27. Suhas Naik says:

  મા તે મા, બીજા બધા વગડા ના વા…સુન્દર અતિ સુન્દ૨…લેખક ને અભિન્દન…!!!

 28. DIPALI says:

  No words to say..really great!

 29. kothari says:

  લેખક ને અભૈનંદન, for express his heart filling thoghts.

 30. VAIBHAVKUMAR says:

  VERY VERY NICE STORY WHICH HAS REALLY TOUCH MY HEART

 31. farzana aziz tankarvi says:

  with the power of love one can change the world……….interesting story

 32. ajay says:

  ગિરીશ ગણાત્રા એક માનવીય અને લાગણીશીલ લેખો લખવા માટે જાણીતું નામ છે. એમનાં લેખો હ્ર્દય ને હલબલાવી દે છે.

 33. Rahul gadhiya says:

  વેર્ય ઇન્તેરેસ્તિન્ગ્
  ઇ લિકે વેર્ય મુચ્

 34. Rahul gadhiya says:

  very interisting
  heart touching story
  i like it

 35. vishal says:

  મને તો વાર્તા ઠિક લાગી..પ્રોફેશનાલિસમ નો અભાવ જણાયો..થીમ સારી હોવા છતા શબ્દો ની ગોઠવણી અને વાર્તા કહેવાની પધ્ધ્તી ઠિક ઠાક હતી..

 36. chetana d mehta says:

  excellent

 37. Manisha Gala says:

  Inspired me about how to help people when free from family responsibilities

 38. zankhana says:

  fabulous story.. So SO touchy

 39. Priyank Soni says:

  Inspirational story and practical end…..
  સુશીલાબહેન ઊઠ્યાં ત્યારે વિચારતાં હતાં કે આ બાઈએ છ આંકડાની રકમમાં કોણ જાણે શું યે માગી લીધું હશે !
  🙂

 40. saurabh desai says:

  Veey nice heart touching story…

 41. Hema says:

  chilachalu varta thi alag lagi. Theam sari chhe. saru ma to lagyu k Navanitbhai pan biji varta na nayak ni jem wife na kam ne avagani support nay kare pan anu patralekhan pan saras chhe.

 42. Sulay Patel says:

  વાહ,

 43. anilkumar says:

  ગિરિશ્ભાઈ ગણાત્રા
  ABHINANDAN
  tutionia જમાનામા સમયમા લાગણિભિનિ ખુબ સુન્દર વાર્તા

 44. Ranjitsinh Rathod says:

  ખરેખર ખુબજ સરસ.

 45. riddhi says:

  સરસ

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.