માનવ અને સર્જન – કિરીટભાઈ દવે

[‘અખંડ આનંદ’ – જુલાઈ’07 માંથી સાભાર.]

મુંબઈમાં બાંદ્રામાં આવેલા મારા પુત્રના બારમા માળે આવેલ ફલૅટની ગૅલેરીમાં ઊભો છું. સામે અફાટ દરિયો દેખાય છે. નીચે બૅન્ડસ્ટૅન્ડ પાસેના રસ્તા પર અનેકવિધ રંગ અને કદની મોટરગાડીઓ આવજા કરી રહી છે. ડાબી બાજુ તાજ લેન્ડઝ-ઍન્ડ હોટેલની ગગનચુંબી ઈમારત છે. તેનાથી થોડે આગળ બાન્દ્રા-વર્લી સી-લીંકનું કામ ચાલે છે અને અસંખ્ય કેનો કાર્યરત દેખાય છે. દરિયામાં કોઈ કોઈ હોડીઓ પણ નજરે પડે છે. દર બે-ચાર મિનિટે સાંતાક્રુઝ એરપોર્ટ પરથી આવતાં-જતાં વિમાનો થોડે દૂર દેખાયા કરે છે અને મન વિચારે ચડે છે.

4.6 બિલિયન વર્ષો પહેલાં આ પૃથ્વી આગળના વાયુગોળા તરીકે અસ્તિત્વમાં આવી તેમ માનવામાં આવે છે. જમીન અને પાણી પણ નહોતાં ત્યાં જીવનની તો વાત જ કેવી ! સમય વીતતો ગયો. અગનગોળો ઠંડો પડ્યો અને જમીન અને પાણી સર્જાયાં. કાળે કરીને, હજી સંપૂર્ણ રીતે સમજી ન શકાયા હોય તેવા સંજોગોને કારણે, એક-કોષીય જીવ અસ્તિત્વમાં આવ્યો અને કાળક્રમે જીવન પ્રગટ્યું અને પાંગર્યું. અનેક પ્રકારની વનસ્પતિ, જીવજંતુ, પ્રાણીઓ, પક્ષીઓ, જળચર જીવો, વગેરે અસ્તિત્વમાં આવતાં ગયાં. કરોડો વર્ષો વીતતાં ગયાં અને છેલ્લે માનવ સર્જાયો. વિજ્ઞાનીઓ માને છે કે હાલનો માનવ આજથી લગભગ અઢી લાખથી દોઢ લાખ વર્ષ પહેલાં સર્જાયો છે.

આદિ માનવ તો જંગલનો જીવ હતો. ફળફૂલ, વનસ્પતિ અને કાચું માંસ ખાઈને જીવન ટકાવતો. ત્યાર પછી તો તેણે અગ્નિ શોધ્યો, હથિયારો વિકસાવ્યાં, ખેતી શોધી અને સ્થિર થયો. કુટુંબો અને સમાજની રચના થઈ. લાગણીઓ અને વિચારો વ્યક્ત કરવા સંજ્ઞાની ભાષા અને પછી કદાચ અમુક પ્રકારના અવાજોની પ્રથા અમલમાં આવી હશે. અવાજોમાંથી શબ્દો અને શબ્દોમાંથી ભાષા ઉત્પન્ન થઈ હશે. જ્ઞાન વધ્યું પણ તેનો સંગ્રહ અને આદાનપ્રદાનમાં સાધનોનો અભાવ હતો. પછી ભાષાને લિપિ મળી અને લિપિને કારણે લેખનકળા વિકસી. પણ જ્યારે છાપવાનું વિજ્ઞાન વિકસ્યું ત્યારે જ્ઞાનનો સંગ્રહ કરવાનું અને વિચારો વ્યકત કરવાનું એક અદ્દભુત સાધન માનવીને હાથ આવી ગયું ! અને આજના વિકાસનો પાયો તેના પર રચાયો. આજે આપણે આ બાબતને સ્વાભાવિકપણે સ્વીકારીએ છીએ. પણ એક સમયે માણસની સ્થિતિ બોલતાં શીખવાનો પ્રયત્ન કરતા બાળક જેવી જ હશે ! પ્રત્યાયનની કળા વિકસી તેને માનવની પ્રગતિનો એક અગત્યનો સીમાસ્તંભ જ ગણવો પડે. આજે દુનિયામાં કરોડો અખબારો દરરોજ છપાય અને વહેલી સવારે અચૂક ઘરેઘરમાં પહોંચી જાય છે ! અખબારો છાપતાં આધુનિક મશીનો એક મિનિટમાં સેંકડો અખબારો છાપી, ગડી કરી તેનાં બંડલો પણ બનાવી આપે છે. બાળકથાનું કલ્પનાપાત્ર અલ્લાદ્દીન પણ સદેહે આ જુએ તો કબૂલ કરે કે આ તો મારાથી પણ ન થાય ! વિજ્ઞાન અને વ્યવસ્થાનની ચરમસીમાનું આ પરિણામ ગણાય !

આદિ માનવ પાસે તો માત્ર બે પગ હતા જેના વડે તે હાલતો, ચાલતો કે દોડતો. સમય જતાં પશુઓ પાળવાની આવડત કેળવી અને તેના પર સવારી કરી ઓછી મહેનતે વધુ અંતર કાપવા લાગ્યો. ત્યાર બાદ પ્રગતિના બીજા સીમાસ્તંભ સમું પૈડું શોધ્યું. પછી તો વાહનો વિકસાવ્યાં. પ્રથમ પાલતું પ્રાણીઓનાં બળ વડે અને ત્યાર બાદ યાંત્રિક શક્તિથી ચાલતાં વાહનો આવ્યાં. રેલવે, બસ, ટ્રક, મોટરગાડી વગેરે કાળે કરીને આવતાં ગયાં.

પક્ષીઓને ઊડતાં જોઈ માનવને પણ ઊડવાનું મન થયું. ઘણા નાનામોટા પ્રયત્નો બાદ 1903ના વર્ષમાં રાઈટ બંધુઓએ એક નાની એવી પ્રથમ ઉડાન ભરી. અને માત્ર એક સદીમાં જ અવાજ કરતાં પણ વધુ ગતિએ ઊડતાં વિમાનો બનાવ્યાં. એક નાના ગામડાની વસ્તી જેટલા આશરે છસ્સો માણસોને તેમના સાજસામાન સાથે વગર અટક્યે દસથી પંદર હજાર કિલોમીટર સુધી ઉડાડીને લઈ જઈ શકે તેવાં શક્તિશાળી અને મોટાં વિમાનો બનાવ્યાં. માનવીને ચંદ્ર પર લઈ જઈ શકે તેવાં રોકેટો બનાવ્યાં. આખેઆખી ટૅન્ક ઉપાડી લઈ શકે તેવાં હૅલિકોપ્ટરો બન્યાં. માત્ર વિચારીએ તો પણ આશ્ચર્યચકિત થઈ જઈએ તેવી પ્રગતિ માત્ર એક સદીમાં જ કરી !

જમીન પર હરવાફરવાની વ્યવસ્થા તો થઈ પણ જમીન તો પૃથ્વીનો માત્ર 29% હિસ્સો જ છે. 71% દરિયાનું શું ? અને આગબોટો બની, માલવાહક જહાજો અને ટૅન્કરો બન્યાં. યુદ્ધમાં વપરાય તેવા હરતાંફરતાં એરપોર્ટ જેવાં વિમાનવાહક જહાજો બન્યાં. પણ હજી દરિયાનું પેટાળ બાકી હતું. એટલે સબમરીનો આવી, દરિયાના તળિયાના સંશોધન અર્થે ઊંડે સુધી ડૂબકી મારી શકે તેવાં વાહનો પણ બન્યાં. માનવીની કલ્પનાના સીમાડા જ જાણે તેની પ્રગતિના સીમાડા થઈ ગયા ! એન્જિનિયરો અને આર્કિટેકોએ મળીને દુનિયાની અજાયબીઓ ગણાય તેવી ગગનચુંબી ઈમારતો, દરિયાને અને નદીઓને ઓળંગતા પુલો, પાણીની નીચે વાહનોની યાતાયાત માટે ટનલો, ભૂગર્ભ રેલવે, રોપ-વે વગેરેનું સર્જન કર્યું. એક સામાન્ય માનવીનું મગજ કામ ન કરે તેવું સર્જન આ પૃથ્વી પર થયું અને થતું જ રહેશે ! ક્યાં પહોંચશે તેની કલ્પના કરવી પણ અશક્ય છે. ઉપર આપેલા તો જે નજરે ચડ્યા તે દાખલા માત્ર છે.

માત્ર છેલ્લી સદીને જ ધ્યાને લઈએ તો પણ ટેલિફોન, ટેલિવિઝન, સેટેલાઈટ આધારિત સંદેશાવ્યવહાર, કોમ્પ્યુટર, મોબાઈલ ફોન, ઈન્ટરનેટ, આરોગ્ય અને સર્જરીને લગતાં અદ્દભુત મશીનો વગેરે જેવાં અનેક ક્ષેત્રે સર્જન થયું છે અને સુખસગવડોનાં સાધનો બન્યાં છે. આ અદ્દભુત પ્રગતિમાં બે નોંધપાત્ર બાબતો ઊડીને આંખે વળગે તેવી છે. પ્રથમ કે આ સમગ્ર સર્જન પૃથ્વી પર ઉપલબ્ધ સામગ્રીથી જ કરવામાં આવ્યું છે. એક નાનો અણુ પણ બહારથી નથી આવ્યો ! આ પૃથ્વી પરની ધૂળ, વાયુ અને પાણીમાંથી સમગ્ર સર્જન થયું છે. 4.6 બિલિયન વર્ષ પહેલાં પૃથ્વી અસ્તિત્વમાં આવી ત્યારે જે કંઈ હતું તેમાંથી જ આ સઘળું શક્ય બન્યું છે.

બીજું, સ્વાભાવિક પ્રશ્ન થાય કે આ સર્જન કોણે કર્યું ? જવાબ સ્પષ્ટ છે : માણસે. કોઈ શ્રદ્ધાળુ કહેશે કે સર્વશક્તિમાન ઈશ્વરે આ સર્જન કર્યું છે. પણ ઈશ્વર તો એક કલ્પના માત્ર છે જ્યારે માણસ તો હકીકત છે. કોઈએ લખ્યું છે કે ઈશ્વરની કલ્પના પણ માણસનું સર્જન છે ! વિશ્વના સંદર્ભમાં માણસ જે વ્યક્તિગત રીતે એક નાના ટપકા જેવડો પણ નથી. તેણે આ કર્યું છે. આ જ પૃથ્વીની માટીમાંથી માનવીનો પિંડ બંધાતો રહ્યો, જીવન જીવ્યો અને પ્રગતિમાં પોતાનો યથાશક્તિ ફાળો આપી પાછો માટીમાં જ મળતો રહ્યો ! પેઢીઓ પછી પેઢીઓ આવતી રહી – જાણે સર્જનશક્તિનો એક અવિરત પ્રવાહ વહેતો રહ્યો અને સર્જન કરતો રહ્યો ! આ શક્તિ-ધોધમાં ક્યારેક વિનાશક તત્વો પણ આવતાં રહ્યાં અને તેમણે થોડી વિનાશક અને અકલ્યાણકારી પ્રવૃત્તિઓ કરી પણ ખરી. તે સઘળા કાળના પ્રવાહમાં ખોવાઈ ગયા અને માનવ સંસ્કૃતિની પ્રગતિ વણથંભી ચાલુ જ રહી ! વિચારીએ તો લાગ્યા વગર ન રહે કે દરેક માણસ વ્યક્તિગત રીતે કંઈ જ નથી પણ માનવજાત મહાન છે ! આના સંદર્ભમાં યુગકવિ ઉમાશંકર જોશીની આ બે લીટી યાદ આવ્યા વગર કેમ રહે :

ત્રણ વાના મુજને મળ્યાં, હૈયું, મસ્તક ને હાથ,
બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માંગવું !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous વાંચનવિશેષ – સંકલિત
હું તો અડધી જાગું ને… – વિનોદ જોશી Next »   

22 પ્રતિભાવો : માનવ અને સર્જન – કિરીટભાઈ દવે

 1. Mahendi says:

  “curiosity is mother of invention ” this is the main thing where we r now nice article

 2. Lata Hirani says:

  બહુ જ સરસ લેખ….

 3. dr sudhakar hathi says:

  એક નાનકદા લેખ મા બધુ આવિ ગયુ માનવિ નિ શકતિ અમાપ. પરન્તુ એકબિજાને મારે કેમ?આતલિ હિન્શા કેમ ?માનવિ માનવિ નો દુસ્મન કેમ ?

 4. bijal bhatt says:

  ક્યાં ક વાંચ્યુ છે
  દિવસની રાત કરે રાતનો દિવસ કરે
  માનવી ભલે મોટી મોટી વાતો કરે
  પણ માણસ ને માણસ વગર ચાલ્યુ નથી.
  કૉઈ પણ આફત હોય તે કોઈ દિવસ મુશ્કેલી સામે નમ્યો નથી માણસ હંમેશા માણસની પડખે ઊભૉ રહ્યો છે.. પણ એની મોટી મર્યાદા એ છે કે માણસ માણસને પચાવી નથી શક્તો..

 5. Paresh says:

  ભૌતિક સર્જન તમામ માણસે કર્યું છે પણ જે કૂદરતને જોઈને તેની કલ્પના આ સર્જન કરવા પ્રેરાઈ તે કૂદરતનો સર્જનહાર કોણ?

 6. પંચમ શુક્લ says:

  ત્રણ વાના મુજને મળ્યાં, હૈયું, મસ્તક ને હાથ,
  બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માંગવું !

  સરસ લેખનું સચોટ સમાપન.

 7. parul desai says:

  aa kala mathno manvi adbhut shakti dharave che ane e shakti no sacha arth ma upyog kare che jevi rite ekaj ambani ekaj alexzander graham bell(inventor of telephone) hoi che aap ne badha to ek buddhijivi no sacho dekhadelo marg apnavi emathi aapnu potanu jivan kevirite mahkavvu yogya rite ej jovanu che.

 8. saras lekh !……..abhinandan.

 9. neetakotecha says:

  khub saras. manavi e mashin banaviu pachi manav pan mashin bani gayo che. lagni o thi bharela loko ne shodhva pade che.kyarek em thay k su kam aa badhu banaviu.

 10. Keyur Patel says:

  પણ ઈશ્વર તો એક કલ્પના માત્ર છે જ્યારે માણસ તો હકીકત છે. કોઈએ લખ્યું છે કે ઈશ્વરની કલ્પના પણ માણસનું સર્જન છે

  — આ શું છે? જો એમજ હોય તો આજ લેખ મા નીચેની પંક્તિઓ શું કામ ટાંકી?? –

  ત્રણ વાના મુજને મળ્યાં, હૈયું, મસ્તક ને હાથ,
  બહુ દઈ દીધું નાથ, જા ચોથું નથી માંગવું !

  — જો આ બધું નાથે ના દીધું હોત તો??????

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.