- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

બાળવાર્તાઓ – વાચનમાળાની કૃતિઓ

[1] ચતુરાઈની પરીક્ષા

લક્ષ્મણ પટેલને અરજણ અને ભગવાન નામે બે દીકરા હતા. બેઉ કહ્યાગરા અને મહેનતુ હતા. એક દિવસ એમણે દીકરાઓને પાસે બોલાવી, દરેકના હાથમાં અક્કેક રૂપિયો આપતાં કહ્યું, ‘જાઓ, એક રૂપિયામાં ઘર ભરાય એવી ચીજ લઈ આવો તો ચતુર છો એમ જાણું.’

બેઉ ભાઈ અક્કેક રૂપિયો ઓટીએ ચડાવી ગામમાં ખરીદી માટે નીકળી પડ્યા. મોટો ભાઈ અરજણ પહેલાં કુંભારવાડે ગયો ને એક રૂપિયાનાં કોડિયાં માગ્યાં. કુંભાર એને કોડિયાંની એક મોટી થપ્પી આપી. અરજણ કહે : ‘આટલાં જ કેમ ?’
કુંભાર કહે : ‘જોઈએ તો દશ વધારે લો.’
અરજણ કહે : ‘મારે તો ઘર ભરાય એટલાં જોઈએ.’
કુંભારે એને રૂપિયો પાછો આપ્યો. ત્યાંથી અરજણ મોદીની દુકાને ગયો ને કહ્યું : ‘લો એક રૂપિયામાં ઘર ભરાય એટલી દીવાસળીની પેટીઓ આપો.’

મોદીએ એને દીવાસળીની એક ડઝન પેટીઓ આપી. એ પાછી આપતાં અરજણ કહે, ‘મારે તો ઘર ભરાય એટલી દીવાસળી જોઈએ. આટલી ઓછી ન ચાલે.’ ત્યાંથી પણ રૂપિયો પાછો લઈને એ ચાલતો થયો. પછી એ એક પીંજારાને ત્યાં ગયો. રૂપિયો લઈ પીંજારાએ એને રૂનું એક પડીકું બાંધી આપ્યું. અરજણ કહે, ‘બસ, આટલું જ કે ? મારે તો ઘર ભરાય એટલું રૂ જોઈએ.’ પડીકું પાછું આપી, રૂપિયો લઈ, એ આગળ ચાલ્યો અને એક ઘાંચીને ઘેર ગયો. ઘાંચીના હાથમાં રૂપિયો મૂકી એ બોલ્યો : ‘ફકીરકાકા ! લ્યો આ રૂપિયો અને ઘર ભરાય એટલું તેલ મને આપો.’ ફકીર ઘાંચી હસી પડ્યો ને બોલ્યો, ‘ગાંડા ! એક રૂપિયામાં પરાણે લોટી ભરાય એટલું તેલ આવે. લે, આ તારો રૂપિયો પાછો.’

એમ ગામમાં ફરી ફરીને અરજણ થાક્યો. એક રૂપિયામાં ઘર ભરાય એવી કોઈ ચીજ એની નજરે ના પડી. અરજણની પાછળ જ એનો નાનો ભાઈ ભગવાન આ બધું જોતો જોતો ચાલ્યો આવતો હતો. એણે પોતાની પાસેના રૂપિયામાંથી થોડાં કોડિયાં લીધાં. થોડુંક રૂ લીધું, એક દીવાસળીની પેટી લીધી અને બાકી વધ્યા તેટલા પૈસાનું તેલ લીધું. પછી એ ઘર તરફ વળ્યો. બેઉ ભાઈને આવેલા જોઈ લક્ષ્મણ પટેલ જરા હસ્યા ને બોલ્યા, ‘અરજણ ! તું રૂપિયામાં શું શું લાવ્યો છે ?’
અરજણ કહે, ‘બાપા ! હું કાંઈ કાચો નથી. એક રૂપિયામાં ઘર ભરાય એવી કોઈ ચીજ આપણા ગામમાં મળતી નથી. લો, આ તમે આપેલો રૂપિયો પાછો.’ એમ કહી એણે રૂપિયો ઓટીમાંથી કાઢી બાપાના હાથમાં મૂક્યો.

હવે લક્ષ્મણ પટેલે નાના દીકરા ભગવાન તરફ નજર કરી તો એ રૂની દિવેટો તૈયાર કરી રહ્યો હતો. પછી એણે કોડિયામાં તેલ પૂર્યું ને અંદર વાટ મૂકી. કોડિયાં ઘરના ખંડે ખંડે મૂકી દીધાં. બહાર ટોડલા પર પણ મૂક્યાં, ને દીવાસળી વડે દીવા સળગાવ્યા. તરત આખા ઘરમાં ઝાકઝમાળ થઈ ગયું. આખું ઘર પ્રકાશથી ભરાઈ ગયું. પટેલ કહે : ‘વાહ બેટા ! ધન્ય છે તારી ચતુરાઈને. તેં દીવા કરીને ઘરને અજવાળ્યું છે તેમ સારાં સારાં કામ વડે તું આપણા કુળને પણ અજવાળજે.’ અને અરજણ તરફ ફરીને બોલ્યો, ‘બેટા ! તારો નાનો ભાઈ વધારે ચતુર છે. નાનો ગણી એને પુછાય નહીં એવું ના રાખતો. બેઉ ભાઈ હળીમળીને રહેજો ને દીવા બનીને આપણા કુળને ઉજાળજો.’

તરત જ અરજણ નાના ભાઈ ભગવાનને ભેટી પડ્યો. પછી બેઉ ભાઈ બાપાને પગે પડ્યા અને એમણે એમના આશીર્વાદ મેળવ્યા.

[2] મોંઘી પૂતળી

એક સમયે ભોજરાજા પોતાનો દરબાર ભરીને બેઠા હતા. બધા પંડિતો ત્યાં હતા, પણ પંડિત કાલિદાસ કાંઈ કારણસર બહારગામ ગયા હતા. આ સમયે દરબારમાં એક પૂતળી વેચનાર આવ્યો. તેણે રાજાને વિનંતી કરી, ‘મહારાજ, આ ત્રણેય સોનાની ઘડેલી પૂતળીઓ છે. ઘણા દરબારોમાં ગયો છું, પણ હજી સુધી કોઈ એની સાચી કિંમત કહી શકતું નથી.’ આટલું બોલી તે થોભ્યો અને દરબારમાં બેઠેલા સૌના મોં પર નજર ફેરવી. પછી તે બોલ્યો : ‘મહારાજ, તમારી અને તમારા પંડિતોની નામના સાંભળી અહીં આવ્યો છું. તો પૂતળીઓની સાચી કિંમત કરાવો એવી મારી આપને વિનંતી છે.’

રાજાએ તરત જ પંડિતો તરફ જોયું અને શું કરવું તેની સલાહ માગી. પંડિતોએ માંહોમાહે મસલત કરી અને રાજાને સલાહ આપી. તેમણે કહ્યું, ‘મહારાજ, આ સોનાની પૂતળીઓ છે. એમની કિંમત કરવાનું કામ પંડિતોનું નહીં, પણ રાજ્યના કુશળ ઝવેરીઓનું છે.’ રાજાએ પ્રખ્યાત ઝવેરીઓને તેડી મંગાવી આ કામ તેમને સોંપ્યું. ઝવેરીઓએ પૂતળીઓ વારાફરતી હાથમાં લીધી અને તેમને ચોમેર ફેરવીને ઝીણવટથી તપાસી; પછી કસોટીના પથ્થર પર તેમનો કસ લીધો અને તેમનું તોલમાપ કર્યું. ઘાટમાં અને દેખાવમાં તો પહેલી નજરે બધી સરખી લાગતી હતી. પણ આ તો તેમના કસમાં અને વજનમાં પણ રતીભાર ફેર ન જણાયો. ઝવેરીઓએ માંહોમાંહે મસલત કરીને રાજાને કહ્યું : ‘મહારાજ, આ બધી પૂતળીઓ દેખાવમાં, કદમાં અને વજનમાં એકસરખી છે. આથી એ બધી પૂતળીઓની કિંમત એકસરખી થાય.’

પૂતળીઓનો વેપારી આ શબ્દો સાંભળતાં જ હસી પડ્યો. તેણે કહ્યું, ‘મહારાજ, તમારા ઝવેરીઓએ આંકેલી કિંમત ખોટી છે. તમારા દરબારમાં કિંમત આંકનાર આવા હશે એમ જાણતો હોત, તો અહીં આવત જ નહીં. મને તો મુસાફરી મોંઘી પડી’ આ સાંભળીને ઝવેરીઓના મોંનો રંગ ઊડી ગયો, પણ ચતુર રાજાને લાગ્યું કે પૂતળી વેચનારની વાતમાં કાંઈ ભેદ હોવો જોઈએ. તેણે વેપારીને કહ્યું : ‘જો ભાઈ, તું કાલે ફરી દરબારમાં આવજે. તારી પૂતળીની સાચી કિંમત કરાવી ન આપું, તો તું પછી મને કહેજે.’

બીજે દિવસે દરબારમાં કાલિદાસ પંડિત હાજર હતા. વચમાં એક ઊંચા આસન પર ત્રણ ઝગમગતી પૂતળીઓ ગોઠવી હતી. એમાંથી કોઈ મોટી નહોતી. કાલિદાસે પૂતળીઓને વારાફરતી ઉપાડી ઝીણવટથી તપાસી તો તેણે દરેકના માથા પર એક ઝીણું કાણું જોયું. તરત તેણે એક નોકરને કહ્યું : ‘એક પાતળી સળી લઈ આવ.’ પછી તેણે વેપારીને કહ્યું : ‘હું પૂતળીની કિંમત સૌથી પહેલાં મહારાજાને કહીશ અને તેઓ તે લખી દેશે. પછી એ વાંચવામાં આવશે. તને એ કબૂલ છે ?’ વેપારીએ કાલિદાસની શરત કબૂલ રાખી.

કાલિદાસે પહેલી પૂતળી ઉપાડી અને સળી માથામાંથી નીચે ઉતારી. સળી કાનમાંથી બહાર નીકળી. બીજી પૂતળીની પરીક્ષા સળીથી કરી, તો સળી મોંમાથી બહાર નીકળી. ત્રીજી પૂતળીની પરીક્ષામાં સળી બહાર આવી નહીં. પણ તે સીધી પેટમાં ગઈ. કાલિદાસે રાજાના કાનમાં દરેક પૂતળીની કિંમત કહી. રાજા કિંમત બોલવા જતા હતા ત્યાં કાલિદાસે વળી રાજાને કાંઈક કાનમાં કહ્યું. રાજાએ પૂતળી વેચનારને કહ્યું : ‘જો, આ તારી ત્રણે પૂતળીઓની કિંમત આંકી છે. પણ એમાંથી હું એક જ પૂતળી આંકેલી કિંમત પ્રમાણે લઈશ.’ વેપારીએ હા પાડતાં, રાજાએ પૂતળીઓની કિંમત જાહેર કરી. પહેલી પૂતળીની કિંમત ત્રણ કોડી, બીજી પૂતળીની કિંમત દસ કોડી અને ત્રીજી પૂતળીની કિંમત સવા લાખ રૂપિયાની નીકળી. સભા વિચારમાં પડી ગઈ. વેપારીને સંતોષ થયો અને કાલિદાસ તરફ પ્રશંસાભરી નજરે જોવા લાગ્યો. પછી તેણે રાજાને કહ્યું : ‘આપના દરબારમાં સાચો પંડિત છે ખરો. તેણે કિંમત તો બરાબર આંકી છે. સૌથી મોંઘી પૂતળી શોધી કાઢી છે.’

હવે રાજાએ વેપારીને કહ્યું : ‘ત્યારે હવે હું એક પૂતળી ખરીદી તેની કિંમત તને ચૂકવી દઉં.’ વળી દરબારમાં સનસનાટી ફેલાઈ ગઈ. રાજા કઈ પૂતળી ખરીદશે સોંઘી કે મોંઘી તેની આતુરતાથી રાહ જોવાવા લાગી. વેપારીના હૃદયમાં ધ્રાસકો પડ્યો. તેને હવે મનમાં થયું કે આ એક જ પૂતળી વેચાતી લેવાની રાજાની શરત કબૂલવામાં હું ચૂક્યો. પણ હવે ઉપાય શો ? વચન તો પાળવું જ જોઈએ.
કાલિદાસે જાહેર કર્યું : ‘જ્યાં વિદ્યાની સદાય કદર થાય એવો આ ભોજ રાજાનો દરબાર છે. આ આપણા મહારાજા વિદ્યાપ્રેમી અને ખાનદાન છે. એમનો હુકમ છે કે સવાલાખ રૂપિયાની ત્રીજી ઉપયોગી પૂતળી આ દરબારમાં હમેશાં રાખવામાં આવશે.’

આ સાંભળીને વેપારીનો જીવ હેઠો બેઠો. તેનું હૃદય કાલિદાસ અને રાજા તરફ આભારની લાગણીથી ઊભરાવા લાગ્યું. તે આનંદથી બોલ્યો : ‘જે દરબારમાં ભોજરાજા જેવા રાજા હોય અને કાલિદાસ જેવા વહેવારુ પંડિત હોય, તે દરબારની કીર્તિ ચોમેર ફેલાઈ જાય તેમાં નવાઈ નથી.’ વેપારીને સવા લાખ રૂપિયા મળ્યા. તેણે પોતાને પાછી મળેલી બીજી બે પૂતળીઓની પણ દરબારને ભેટ કરી દીધી. દરબારીઓએ કાલિદાસને આગ્રહ કર્યો, ‘તમે આ પૂતળીઓની કિંમત કેવી રીતે કરી તે અમને કહો.’
કાલિદાસે પહેલી પૂતળી બતાવીને કહ્યું : ‘જુઓ, આના કાનમાંથી સળી નીકળી. તેનો એવો અર્થ કે આ પૂતળી જેવા માણસો કોઈની સલાહ સાંભળતા નથી. તેઓ એક કાને સાંભળે છે અને બીજે કાને બહાર કાઢી નાંખે છે. બીજી પૂતળીના મોંમાથી સળી નીકળી. આ પૂતળીના જેવા માણસો ઢોંગી હોય છે. એ લોકો હંમેશાં પારકાને ઉપદેશ આપે છે, પણ પોતે કાંઈ કરી બતાવતા નથી. હવે આ ત્રીજી પૂતળી જુઓ. એના જેવા માણસો જે કાંઈ સાંભળે છે, તે પચાવે છે અને નકામો ઉપદેશ આપવા મોં ખોલતા નથી. આવા લોકો સાંભળેલી સારી વસ્તુને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરે છે.’ આસન પર ગોઠવેલી ત્રણે પૂતળીઓ તરફ લોકો જોઈ રહ્યા. એમાંની કોઈ મોટી નહોતી, કોઈ નાની નહોતી, ત્રણે પૂતળીઓ દેખાવમાં અને કદમાં સરખી હતી. પણ હવે જાણે ત્રીજી પૂતળી વધારે મોટી અને ઝગમગતી દેખાવા લાગી.


[3] ભાગ્યદેવી ને ભિખારણ

એક ભિખારણ ભાગ્યદેવીના અન્યાય માટે બબડતી બબડતી ચાલતી હતી. અરે રામ ! આ ગામમાં આટલાં બધાં માણસો સુખી છે ને હું જ એકલી દુ:ખી છું. તેઓ કેવાં કલ્લોલ કરે છે ! તેમને મનગમતું ખાવાનું છે, મનમાન્યું પહેરવા-ઓઢવાનું છે ને સારાં સારાં મકાનોમાં રહેવાનું છે. મારે તો હંમેશ ખાવાના સાંસા છે. પહેરવાને આવાં ચીંથરેહાલ કપડાં છે ને રહેવાનું ગામની શેરીઓમાં કે જંગલમાં ઝાડો નીચે છે.

છતાં, આ ગામનાં બધાં માણસો મને સંતોષ વિનાનાં લાગે છે. તેઓ વધુ ને વધુ પૈસા મેળવવા વલખાં મારે છે. તેમને કોઈને હું શાંત ને સંતોષી જોતી નથી. તે બધાં પૈસાના ગુલામ છે. મને તો ખાવાપીવાનું સુખ મળે તો હું હંમેશ શાંત ને સંતોષી બનું. આ પ્રમાણે તે ભિખારણ એકાંતમાં બબડતી હતી. તે શબ્દો ભાગ્યદેવીના સાંભળવામાં આવ્યા.

ભાગ્યદેવીએ તે ભિખારણને કહ્યું, ‘બાઈ, હું તને સુખી કરવા ઈચ્છું છું. તારા વસ્ત્રનો છેડો લંબાવ. હું તેમાં ખૂબ રૂપિયા નાખીશ. તું કહીશ તેટલા રૂપિયા નાખી જ જઈશ. પણ આટલું યાદ રાખજે કે જો એક પણ રૂપિયો તારા વસ્ત્રમાંથી બહાર પડ્યો તો બધા રૂપિયાના કોયલા થઈ જશે. ભિખારણે કહ્યું, વારુ. પછી તેણે પોતાનું વસ્ત્ર ધર્યું અને ભાગ્યદેવીએ તેમાં રૂપિયા નાખ્યા. જોતજોતામાં ભિખારણનો પાલવ રૂપિયાથી ભરાઈ ગયો. રૂપિયાના ભારથી તે બાઈ લચી પડી.

પછી ભાગ્યદેવીએ તેને પૂછ્યું, કેમ સંતોષ થયો ? ભિખારણે કહ્યું, બરાબર નહીં. ભાગ્યદેવીએ થોડા વધુ રૂપિયા નાખ્યા. ભિખારણે તેથી વધુ નાખવા કહ્યું. તેનું વસ્ત્ર જૂનું ને ઝરી ગયેલું હતું. વસ્ત્ર ફાટવાની તેને ફીકર તો થઈ. પણ તેણે ધાર્યું, કંઈ નહીં. છો વધુ રૂપિયા આવતા. ક્યાં ફરી ફરીને આવો લાગ આવવાનો છે ?
ભાગ્યદેવી બોલી : ‘કેમ બાઈ ! હવે તો બસ થયું કે નહીં ?
ભિખારણે કહ્યું : ‘હજી થોડા વધારે નાખ. તારો ભવોભવ હું ઉપકાર માનીશ.’
ભાગ્યદેવીએ કહ્યું : ‘જો તારું કપડું ફાટી જવાની તૈયારીમાં છે. ચેતીને બોલ.’
ભિખારણ બોલી : ‘કાંઈ નહીં. બેચાર રૂપિયા હજી નાખ.’

જ્યાં એકબે રૂપિયા વધુ પડ્યા કે ફચ દઈને કપડું ફસક્યું ને તે ભિખારણના રૂપિયા કોયલા બની ગયા. ભાગ્યદેવી જતી રહી ને ભિખારણ ગરીબની ગરીબ રહી. તેણે કહ્યું : ‘અરે રામ ! રૂપિયા તો ગયા તો ગયા, પણ મારું એકનું એક વસ્ત્ર પણ ફાટી ગયું.’ એમ કહી તે ભિખારણ ચાલતી થઈ ને તેને પોતાના અસંતોષી સ્વભાવ પર તિરસ્કાર આવ્યો.