- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

સ્નેહનો સંબંધ – બિજલ ભટ્ટ

[સત્યઘટના]

બે-ત્રણ વર્ષ પહેલાંની આ વાત છે. એક રવિવારની સાંજ હતી. હું મારા ઘરના હિંચકે બેઠી બેઠી બાકી રહી ગયેલા કામોની યાદી તૈયાર કરતી હતી. સપ્તાહના છ દિવસ નોકરીની વ્યસ્તતાને કારણે બીજા કોઈ ઈતર કામો થઈ શકતાં નહીં તેથી મને એ બધા કામોની તૈયારી કરવા માટે રવિવારની સાંજ વધારે અનુકૂળ પડતી. મિત્રો માટે જન્મદિવસની ભેટ લેવાની હોય, પપ્પાનો કોઈ પત્ર પોસ્ટ કરવાનો હોય કે પછી શાકભાજીથી લઈને પ્રોવિઝનની વસ્તુઓ લાવવાની હોય – આ બધા કાર્યો ને વારાફરતી ન્યાય આપવો પડતો.

એ દિવસે યાદી વિચારતાં વિચારતાં અચાનક મને યાદ આવ્યું કે મારી એક મિત્રનો તો આવતીકાલે જન્મદિવસ છે અને તેને ભેટ આપવા માટે તો મેં હજી કશું ખરીદ્યું નથી ! મારી એ મિત્રને નાનખટાઈ, કેક અને બેકરીની વસ્તુઓ વધારે ભાવે તેથી તેને કોઈ સુંદર ભેટની સાથે નાનખટાઈ કે કેક તો આપવી જ, એમ વિચારીને મેં સ્કુટી ચાલુ કર્યું અને એક બેકરીની મોટી દુકાને હું પહોંચી.

રવિવારની સાંજ હોવાથી દુકાન પર ગ્રાહકોની બહુ ભીડ નહોતી. આમ પણ અમારે રાજકોટમાં મોટા ભાગના સુખી માણસોને રવિવારનો આખો દિવસ વધારે સુખપ્રદ લાગે છે, તેથી મોડી સાંજ સુધી લોકોને નિંદ્રાદેવી ઘેરી વળે છે ! વળી, જ્યારે નિંદ્રાદેવીનો જાદુ ઓસરે છે ત્યારે ક્ષુધારસ લોકો પર છવાઈ જાય છે અને મોટાભાગની ભીડ ખાણીપીણીની લારીઓ કે હૉટલોમાં જોવા મળે છે. તેથી રસ્તાની એક બાજુ મેં સ્કૂટી પાર્ક કર્યું અને બેકરીની દુકાન પર જઈને જુદા જુદા પ્રકારની કેક અને નાનખટાઈઓના લીસ્ટ પર નજર દોડાવી.

એટલામાં એક રેંકડીવાળા (હાથલારી) ભાઈ પોતાની રેંકડી લઈને દુકાન પાસે આવ્યા. તેમની રેંકડીમાં થોડો ભંગારનો સામાન હતો. જૂના ફાટેલાં કપડાં પહેરેલાં અને અપુરતા પોષણને લીધે જાણે કે શરીર નંખાઈ ગયું હોય તેવા થાકેલા અને શ્રમિત જણાતા હતા. તેમણે તેમની હાથલારીમાં પોતાની દશ-બાર વર્ષની દીકરીને બેસાડી હતી. દીકરીનું મુખ પણ ભૂખને કારણે તેજવિહિન દેખાતું હતું. બંને બાપ-દીકરી કંઈક અસમંજસતામાં જણાતા હતા. મારું ધ્યાન તો બેકરી પ્રોડક્સના લીસ્ટને જોવામાં હતું પરંતુ એ બંને વચ્ચે સંવાદનો આરંભ થતાં અચાનક મારા કાન એ તરફ ખેંચાયા.
દીકરીના પિતા બોલ્યા : ‘બેટા, તું બ્રેડ ખાઈશ ને ? તારે ખાવું છે ને ?’
દીકરી તો ખૂબ ભૂખી હતી એમ તેના મોં પરથી સ્પષ્ટ લાગતું હતું. પિતાએ પૂછ્યું એટલે તેણે તરત સ્મિત સાથે હા પાડી. પિતાએ પણ ખુશ થઈને ખિસ્સામાં હાથ નાંખ્યો. કંઈક વિચારતા તેમના ચહેરાની રેખાઓ તંગ થવા લાગી અને એમના મોં પર કંઈક ગ્લાનીના ભાવ ઉપસી આવ્યા. એમણે સિક્કાઓને ગણ્યા તો ફક્ત ચાર રૂપિયા જ નીકળ્યા. મને ખ્યાલ આવ્યો કે એ ભાઈ પાસે એક બ્રેડ લેવા જેટલા સાત રૂપિયા નથી. પોતાના દુ:ખને છુપાવતા એ હસીને દીકરી સામે જોઈને બોલ્યા : ‘બેટા, બ્રેડ તો આપણે ઘણીવાર ખાધી, ચલ આજે તને કંઈક બીજું ખવડાવું.’

એમ કહીને એમણે દુકાનવાળાને છૂટક પાઉંની કિંમત પૂછી અને એના જવાબમાં દુકાનવાળાએ ‘બે રૂપિયા’ એમ જણાવ્યું. પિતાએ કંઈક વિચાર કર્યો. એમને પોતાને પણ ભૂખ લાગી હતી. તેથી મનમાં ઈચ્છા થઈ આવી હશે કે ‘બે પાઉં લઈ લઉં તો એક દીકરીને અને એક મને ખાવા મળે તો ભુખ થોડી શાંત થાય.’ દીકરીના પિતા કંઈક વિચારમાં હતા એ દરમિયાન મેં દુકાનવાળાને નાનખટાઈ, કેક અને બ્રેડનો ઑર્ડર આપ્યો જે તેણે તૈયાર કરીને મને પાંચેક મિનિટમાં જ પાર્સલ આપ્યું. હવે બન્યું એવું કે એ પાર્સલમાં એક મિની કેકનું પેકેટ મૂકવાનું રહી ગયું હતું તેથી દુકાનવાળાએ મને બૂમ પાડીને એ પેકેટ હાથમાં આપ્યું. એ લઈને હું બહાર આવી તો પેલી રેંકડીમાં બેઠેલી દીકરીની નજર એ કેક પર પડી. તેનું મન એવી કેક ખાવા માટે લાલાયિત થઈ ઊઠ્યું. તે કશું બોલી નહીં પરંતુ તેણે કેક સામે નજર કરીને એના પિતા સામે એવી દ્રષ્ટિથી જોયું કે એના પિતા સમજી ગયા કે મારી દીકરીને આ કેક ખાવી છે.

ફટાફટ એના પિતા દુકાનના કાઉન્ટર પર પહોંચી ગયા અને દુકાનદારને એ મિની કેકનો ભાવ પૂછ્યો. જવાબમાં દુકાનદારે ‘ચાર રૂપિયા’ જણાવ્યું એટલે પિતાના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ. તેમણે તુરંત જ એ કેક ખરીદીને દીકરીના હાથમાં પ્રસન્નતા અને સ્મિત સાથે મૂકી અને કહ્યું : ‘બેટા, ખાઈ લે.’ દીકરી પહેલાં તો ખુબ ખુશ થઈ ગઈ પરંતુ પછી પ્રશ્નાર્થ ચહેરે પિતા સામે જોઈને કહ્યું : ‘પપ્પા, તમે શું ખાશો ?’
એ ભાઈ એ પોતાના મનોભાવને ખૂબ છુપાવ્યા અને સ્મિત સાથે દીકરી સામે જોઈને કહ્યું : ‘બેટા, તું ખાઈ લે…. આજે તો મારે ઉપવાસ છે.’

આ છે ભારત અને આ છે બાપ અને દીકરીનો સંબંધ. એક ભૂખ્યો બાપ પોતાની દીકરીને ખવડાવા પોતાની ભૂખને ઉપવાસમાં ખપાવી દે છે. માનવીય સંબંધોની અનેક વાતો જે પુસ્તકો ન સમજાવી શકે એ ક્યારેક આપણી આસપાસ બનતી આવી નાની મોટી ઘટનાઓ સુપેરે સમજાવી દે છે. મારાથી એ દ્રશ્ય અને એ વાર્તાલાપ જોઈને રહેવાણું નહીં. ફરીથી દુકાનમાં જઈને ચાર-પાંચ કેક, બ્રેડ અને પાંચ-સાત નાનખટાઈને લઈને એ દીકરીના હાથમાં મૂકી ત્યારે જ મારા જીવને શાંતિ વળી. એ સમયે એ દીકરીના ચહેરાનું સ્મિત અને તેના બાપની સજળ આંખોનું દ્રશ્ય, મારા જીવન સાથે પથ્થરની લકીરની જેમ જોડાઈ ગયું છે.

આપણે એવું કદી પણ ન ઈચ્છીએ કે આપણા દેશમાં કોઈ ગરીબ કે દુ:ખી રહે. પરંતુ જ્યારે આપણા સંપર્કમાં કે આપણી આજુબાજુ કોઈ એવું ગરીબ કે દુ:ખી નજરે પડે છે ત્યારે આપણે આપણી જાતને બડભાગી માનવું જોઈએ. અને તે એટલા માટે કે ભગવાને આપણને તેમની સેવા કરવાનો મોકો આપ્યો છે. આને હું ‘મોકો’ એટલા માટે કહું છું કારણ કે ઈશ્વર આપણને આપણી ક્ષમતા જોઈને કોઈને મદદ કરવાની તક આપે છે. હમણાં કોઈને કોઈ મોટા ઓપરેશન માટે પાંચ લાખ આપવાના હોત તો હું કદાચ ન આપી શકત, પરંતુ આપણી સામે તે એવા લોકોને મોકલે છે જેને આપણે સરળતાથી મદદ કરી શકીએ. ખરેખર, તો આ ઈશ્વરની કૃપા છે કે જરૂરિયાત વ્યક્તિ સુધી તે આપણને સાધન-સંપન્ન કરીને પહોંચાડે છે. ઈશ્વરને આપવું હોય તો એ જાતે પણ આપી શકે છે. હવા, પાણી અને પ્રકૃતિના અનેક તત્વો તેણે પોતાને હસ્તગત જ રાખ્યા છે પણ તેમ છતાં કોઈને કંઈક આપવા માટે ઈશ્વર આપણને નિમિત્ત બનાવે એનાથી મોટી ઈશ્વરની બીજી કૃપા કઈ ?

હું એ દીકરીની પ્રસન્નતાનો સંસ્પર્શ પામીને ઘરે તો આવી, પરંતુ એ બાપ-દીકરીની ગરીબી અને એના જેવા અનેક પરિવારોની ગરીબીને યાદ કરીને આખી રાત સુઈ ના શકી.