મકરન્દ મુદ્રા – મકરન્દ દવે

[સંપાદન : સુરેશ દલાલ]

[1] કોયલ ન બોલે તો ?

રાજ ઉદ્યાનમાં વસંતપંચમીનો ઉત્સવ મચ્યો છે. નરનારી વાસંતી વાઘા સજીને ઘૂમે છે. ગીતો-વાદ્યોના જયનાદથી વાતાવરણ ગુંજી ઊઠ્યું છે પણ ક્યાંય કોયલનો સ્વર સંભળાતો નથી. રાજાના મનમાં અચાનક પ્રશ્ન ઊઠ્યો. તેમણે પ્રધાનમંત્રીને બોલાવી પૂછ્યું : ‘મંત્રી, આ વસંતે કોયલ ન બોલે તો તમે શું કરશો ?’ ‘મહારાજ આપની ઈચ્છા અને કોયલ ન બોલે ? રાજાના હાથ લાંબા છે. કોયલને પકડી, ગળું દબાવી બોલાવીશ, અને એમ છતાં યે ન બોલે તો ગળું મરડી નાખતાં શી વાર ?’

રાજાનું મન ખિન્ન થઈ ગયું. તેણે કહ્યું :
‘બસ, બસ. રાજપુરોહિતને બોલાવો.’ રાજપુરોહિત આવ્યા. રાજાએ પૂછ્યું : ‘પુરોહિત કોયલ ન બોલે તો તમે શું કરશો !’
‘મહારાજ, એ ચંચળ પક્ષી. તેને શાસ્ત્રો સાંભળતાં જ વચ્ચે ઊડી જતાં શી વાર ? સોનાનું સુંદર પીંજરું કરી તેને શાસ્ત્રોની આજ્ઞા સંભળાવીશ. રાજઆજ્ઞા તો સદાય શિરોધાર્ય છે તે સમજાવીશ. અને એ કમઅક્કલ નહીં સમજે તો મારા હાથની સોટી બધું સમજાવી દેશે.’

રાજાનું મન ઉદાસ થઈ ગયું. તેણે રાજકવિને બોલાવવાનું કહ્યું. રાજકવિ આવ્યા. રાજાએ એ જ પ્રશ્ન પૂછ્યો. રાજકવિએ કહ્યું : ‘મહારાજ, હું કોયલના જેવો જ ટહુકો કરીશ. આપ તો જાણો છો. એક કોયલનો ટહુકો સાંભળી તેનું સન્માન થયું જાણી બીજી કોયલો પણ ટહુકવા લાગશે. અને મહારાજ, ચિંતા ન કરો. કોયલ ન બોલે તો એના જેવો જ ટહુકો સંભળાવવા હું તો છું જ ને !’ રાજાનું હૃદય આઘાતથી કંપી ઊઠ્યું.
તેણે કહ્યું : ‘અરે, કોઈ પેલા પાગલને બોલાવી લાવો તો ? ક્યાંક વનવનમાં વિચરતો હશે. તેની પાસેથી કદાચ જવાબ જડે.’

પાગલને પકડી રાજા પાસે લાવવામાં આવ્યો. રાજાએ પૂછ્યું : ‘અરે, પાગલ કોયલ ન બોલે તો તું શું કરીશ ?’ પાગલ રાજા સામે જોઈ જ રહ્યો. તેને સમજાયું જ નહીં કે આ તે કંઈ પ્રશ્ન છે ? રાજાએ ફરી પૂછ્યું, ફરી ફરી પૂછ્યું. પાગલે એટલું જ કહ્યું : ‘હું રાહ જોઈશ.’

[2] કવિતાનો ક ખ ગ ઘ

એક દિવસ મહાકવિ કાલિદાસને રાજા ભોજે કહ્યું : ‘કવિ, તમને તો વાણીનું વરદાન છે, પણ મારે કવિતાનો કક્કો ઘૂંટવો છે. તમે ક ખ ગ ઘ ઉપર કાવ્ય રચી આપશો ? આવતી કાલે રાજસભામાં ક ખ ગ ઘનું કાવ્ય સંભળાવી તમારા કવિત્વનો કક્કો ખરો કરો.’ મહાકવિ સામે તો આ પડકાર આવી પડ્યો. વિચાર કરી કહ્યું : ‘મહારાજ, મારું પાત્ર ધરીશ. કવિતા વરસી જશે તો આવતી કાલે આસ્વાદ કરાવીશ.’

કાલિદાસ ઘરે આવ્યા. મનમાં ક ખ ગ ઘ રમ્યા કરે પણ ક્યાંયે છંદ ને કાવ્યત્વનો મેળ ન બેસે. કવિ કંટાળી ગયા. જેના અંતરમાંથી કવિતા ધોધ થઈ વહેતી તેની પ્રેરણાનું ઝરણ જ જાણે સુકાઈ ગયું. મનને મોકળું કરવા એ સાંજના સમયે ફરવા નીકળ્યા. સામે જ એક નાનકડી બાળા નાચતી-કૂદતી આવતી હતી. શું તેનું રૂપ ! શો તેનો ઠસ્સો ! કવિએ ગમ્મત ખાતર પૂછ્યું :

‘કિં તે નામ:’ – તારું નામ શું ?
‘કાંચનમાલા’ – કન્યાએ જવાબ આપ્યો.
‘કસ્યા પુત્રી:’ કોની દીકરી ?
‘કનકલતાયા:’ – કનકલતાની.
‘કિ તવ હસ્તે ?’ – તારા હાથમાં શું છે ? કવિએ પૂછ્યું.
‘તાલીપત્ર:’ તાલપત્ર.
‘ક: આલેખ: ?’ કવિએ પૂછ્યું.
કન્યા એ જવાબ આપ્યો : ક ખ ગ ઘ.

બીજે દિવસે રાજસભામાં કવિએ શ્લોક લલકાર્યો :

કિં તે નામ: ? કાંચનમાલા,
કસ્યા પુત્રી: ? કનકલતાયા:
કિં તવ હસ્તે ? તાલીપત્ર:
ક: આલેખ: ? ક ખ ગ ઘ.

રાજા ભોજ ખુશ થઈ ગયા. સભા ડોલી ઊઠી. રાજા મહાકવિને મહામૂલા મોતીની માળા પહેરાવવા ઊઠ્યા. કવિએ તેમને અટકાવી કહ્યું : ‘મેં તો માત્ર કક્કાની કડીઓ જોડી આપી છે, તેની રચનારી તો છે કાંચનમાલા. હું કવિ હોઈશ. એ છે સ્વયં કવિતા.’

[3] ગેંડાનું ગૌરવ

એક વાર ગેંડાને થયું કે સહુ કોઈ સિંહને વનનો રાજા કહે છે પણ મારો તો ભાવ પૂછતું નથી; મારે ય વનના રાજા થવું છે. મારામાં શું નથી ? પણ પહેલાં સિંહને પૂછવું જોઈએ કે ભલા, તને શા માટે બધા વનનો રાજા કહે છે. ગેંડો સિંહ પાસે આવ્યો. બોલ્યો :
‘રામ રામ સિંહજી !’
‘રામ રામ ગેંડાપ્રસાદ.’
‘આ તમને એટલું પૂછવા આવ્યો હતો, સિંહજી, કે તમને બધા વનના રાજા ગણે અને મને શા માટે નહીં ? મારું શરીર કાંઈ ઓછું કદાવર છે ?’
‘ના રે, તમે તો જબરજસ્ત મલ્લ છો, મલ્લ.’ સિંહે કહ્યું.
‘અને મારી ચામડી કાંઈ ઓછી જાડી છે ?’
‘ના ભાઈ, આવી જાડી ચામડીનો તો જોટો જ ન મળે.’
‘અને મારું વજન કેટલું છે જાણો છો ?’
‘હા, ગેંડાપ્રસાદ, દુનિયાના તમામ કાંટા ભાંગી જાય તમારું વજન તોળતાં !’
‘અને મારું આ જોરદાર શીંગડું ?’
‘ભલભલાને ચીરી નાખે ભાલાની જેમ,’ સિંહે કદર કરતાં કહ્યું.
‘તો પછી મને બધા વનનો રાજા કેમ નથી કહેતા ?’
‘એ તો એવું છે ને, ગેંડાપ્રસાદ, કે તમારે મારી જેમ કાંઈક કરવું પડે.’
‘શું કરવું પડે ?’
‘મારી જેમ ગર્જના કરવી પડે, તરાપ મારવી પડે. એવી ગર્જના સાંભળે અને તરાપ જુએ એટલે તમને વનના રાજા ગણ્યા વિના છૂટકો જ નહીં.’

ગેંડો આ સાંભળી વિચારમાં પડી ગયો. સિંહે વધુ સલાહ આપી :
‘પણ એ માટે તમારે કાદવ છોડવો પડે. કાદવમાં રહીં કાંઈ તરાપ મારી શકાય ? મારી સામે જરા છલાંગ મારી જુઓ તો !’
ગેંડાએ માથું ધુણાવ્યું. સિંહને કહ્યું : ‘રામ રામ, સિંહજી, એવા ઉધામા મને ન પોસાય. મારા જેવા ઉમદા પ્રાણીને એ ન શોભે.’ અને ગેંડાએ કાદવમાં જઈ ઝંપલાવ્યું.

[4] એક ગધેડાની પ્રાર્થના

એક ગધેડો ધીમે ધીમે ચાલતો હતો. ત્યાં પાછળથી એક ઘોડો તબડાક તબડાક કરતો આવ્યો. બોલ્યો : ‘કાં ગર્દભસેન, દોડવાની શરત લગાવવી છે ? આવી જા !’
ગધેડાએ કહ્યું : ‘ધીમું દોડવાની કે ઝડપથી દોડવાની ?’ ઘોડાને ગધેડાની અક્કલ પર માન તો ન થયું પણ આશ્ચર્ય જરૂર થયું. મનમાં ગણગણ્યો : માળા, ગધેડા ય જવાબ આપતાં શીખી ગયા. પછી ઘોડો મોટેથી બોલ્યો :
‘ધીમે ધીમે તો ઢીલા હોય તે ચાલે. મારું જોમ તો પવનવેગે દોડવામાં છે.’
‘ક્યે રસ્તે ?’ ગધેડાએ પૂછ્યું.
ઘોડો વિચારમાં પડી ગયો. ગધેડાએ કહ્યું :
‘જો હમણાં જ આપણો રસ્તો ફંટાશે. તું ક્યાં જઈશ ? તારા સરદારને ત્યાં ને ?’
‘હા’
‘એ સરદાર તને ક્યાં લઈ જશે ? લડાઈના મેદાનમાં ને ? તારા પર સવાર થઈ એ કાપાકાપી ચલાવશે. અને ન કરે નારાયણ ને ત્યાં તારું આવી બને. ખરું ને ?’
‘હા.’
‘અને હું જાઉં છું મારા માલિક કુંભારને ત્યાં. એ મારી પીઠ પર માટલાં ચડાવશે. ફૂલકૂંડા મૂકશે. દીવાનાં કોડિયાં ને ભૂલકાં માટે માટીનાં રમક્ડાં પણ હોય.’
‘સાચી વાત.’
‘બોલ હવે કઈ દિશા સારી ? કયે રસ્તે દોટ મૂકવી ?’

ઘોડા પાસે જવાબ નહોતો. તેની ચાલ જરા ધીમી પડી ગઈ. ગધેડાએ કહ્યું :
‘અશ્વરાજ, મૃત્યુના મેદાન ભણી ચાલ ઝડપી હોય છે. જીવન ભણીની ગતિ ધીમી જ હોય. અને ભાઈ, એ માર્ગે જનારને લોકો મૂરખા પણ માને. હોય એ તો.’
ઘોડો બોલી ઊઠ્યો : ‘ભલે ગતિ ધીમી હોય, ભલે લોકો મૂરખા માને. મારે તારી સાથે આવવું છે.’ ત્યાં તો જ્યાંથી માર્ગ ફંટાતો હતો એ જગ્યા આવી.
ગધેડાએ કહ્યું : ‘સામે જરા જોઈ લે, ભાઈ !’ ઘોડાએ જોયું તો ચોકડું, પલાણ અને ચાબુક લઈ સરદારના માણસો આવતા હતા. ગધેડો ગળગળો થઈ ગયો. બોલ્યો : ‘કોના માર્ગમાં મુશ્કેલી નથી ? મારે યે ડફણાં ખાવાં પડે છે. પણ રાત પડ્યે કુંભાર ભગતનાં ભજનો સાંભળી શાતા અનુભવું છું.’

ઘોડો સ્તબ્ધ બની ઊભો રહી ગયો. સરદારના માણસોએ આવી ચોક્ડું ચડાવ્યું. ગધેડો પોતાને રસ્તે જતાં બોલ્યો : ‘ભાઈ, તારે માટે પ્રાર્થના કરીશ.’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સ્નેહનો સંબંધ – બિજલ ભટ્ટ
અંતઘડીએ આપણે સૌ – રિદ્ધિ દેસાઈ Next »   

9 પ્રતિભાવો : મકરન્દ મુદ્રા – મકરન્દ દવે

 1. gopal h parekh says:

  મકરંદ ભાઇને સ્વામી આનંદે સાંઇ મકરંદનું બિરુદ આપેલું તે આ વાંચતા સાર્થક લાગે છે, એમનીવાતો નોખી ને અનોખી ન હોયતો જ નવાઈ, રસિકોએ” ‘સ્વામી અને સાંઈ'” લેખક હિમાંશી શેલત વાંચવા ભલામણ

 2. dhiraj thakkar says:

  makarand bhai etle makarand bhai,
  must visit “NANDIGRAM” between dharampur and valsad.
  ” gamtu male to ela gunche na bhariye,
  gamta no kariye gulal”

  ” pagalu mandu hun avakash ma,
  jou niche harivar no haath”

 3. Hiral Thaker 'Vasantiful' says:

  Very nice ! All are very good. Specialy the forth one.

  “અશ્વરાજ, મૃત્યુના મેદાન ભણી ચાલ ઝડપી હોય છે. જીવન ભણીની ગતિ ધીમી જ હોય.”

 4. કિં તે નામ: ? કાંચનમાલા,
  કસ્યા પુત્રી: ? કનકલતાયા:
  કિં તવ હસ્તે ? તાલીપત્ર:
  ક: આલેખ: ? ક ખ ગ ઘ.

  કેવી તત્કાલ કવિતા?

  મકરંદ દવે એટલે મૂઠી ઉંચેરા કવિ અને સાધક.

  મકરંદમુદ્રા બહુ સરસ પુસ્તક છે. દરેકે વાંચવા જેવું. (સુરેશ દ્લાલ સંપાદિત- ઈમેજ પબ્લિકેશન).

 5. Liked all the articles . congs. to the writer.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.