અંતઘડીએ આપણે સૌ – રિદ્ધિ દેસાઈ

[હાસ્યલેખ – ‘અખંડ આનંદ’ ઓગસ્ટ’07 માંથી સાભાર.]

પાપનો ઘડો ભરાઈ જાય છે ત્યારે એવું થાય છે. ‘એવું’ એટલે આ લેખ વાંચવો પડે છે એવું નહીં. નાસાના વિજ્ઞાનીઓ કહે છે એવું !

બાર વરસનાં (એટલે કે લાંબા) સંશોધન બાદ ના.સા. ના બાવાઓ બોલ્યા છે કે ત્રણસો વર્ષ પછી એક વિરાટ ઉલ્કા પૃથ્વી સાથે પ્રચંડ વેગથી ટકરાશે. શ્રી બ.ક.ઠા ની શ્રી જ્યોતીન્દ્ર દવે સાથે (શારીરિક) ટક્કર થાય એવી ઘટના સર્જાશે. પૃથ્વીના ભુક્કા બોલી જશે ! પણ વૈજ્ઞાનિક સિદ્ધિ તો જુઓ ! પામર જાનકીનાથે નહોતું જાણ્યું કે સવારે શું થવાનું છે. પરંતુ આપણને અગાઉથી જાણ થઈ જશે કે ફલાણા શુભ દિને ઉલ્કાબાઈની કમરના એક ઝાટકે આપણે ધરતીમાં દફન થઈ જવાનું છે. પૉઝિટિવ થિંકરોની ભાષામાં કહીએ તો વગર ટિકિટે આપણે પાતાળલોકની યાત્રા કરવાની છે….

ધારો કે આ આગાહી સાચી પડે તો કેવાં દ્રશ્યો સર્જાય એની ઝલક માણીએ. (સમય : ઉલ્કાપાત સમાચાર પ્રસારિત થયા પછીનો)

[1] પતિ-પત્ની
(પતિનું આગમન થતાં જ….)
પત્ની : વિપુલ ! આ ઉલ્કાનું શું ચક્કર છે ?
પતિ : (ગભરાઈ જતાં) હું….હું….હું… કોઈ ઉલ્કા વિશે નથી જાણતો….
પત્ની : બેસો હવે, આખા ગામને ખબર છે ને….
પતિ : તારા સમ ખાઉં છું ! હું….હું…. ઉલ્કાને નહીં, ઉત્પલાને ઓળખું છું….. પણ અમે જસ્ટ ફ્રેન્ડ છીએ એટલું જ. રોજ એક જ બસમાં જવાનું થાય છે એ હિસાબે મિત્રતા છે. બીજું કંઈ નહીં…..
પત્ની : હેં !!

[2] સેલ્સમેન
‘ગુડ મૉર્નિંગ સર….. ગુડ મૉર્નિંગ મૅડમ….’
‘ગુડ મૉર્નિંગ ? આખી જિંદગી બેડ થવામાં છે ને તું ગુડ મૉર્નિંગની પત્તર ઝીંકે છે !’
‘સર, આપની પત્તર ના ઝીંકાય…. આયમીન, આપની સુરક્ષા માટે અમોઘ ઉલ્કા રક્ષાયંત્ર લાવ્યો છું…’
‘એ શું ?’
‘પચીસ લાખ યમપછાડ મંત્રોથી સિદ્ધ કરેલું ચમત્કારિક યંત્ર છે ! ઉલ્કા તો શું, ઉલ્કાના ફાધર પણ આપનો વાળ વાંકો કરી શકશે નહીં….’
‘એટલે ? ઉલ્કાપાતમાં અમે નહીં મરીએ ?’
‘આ યંત્ર ધારણ કરશો તો…’
‘અને અમે મરી જઈએ તો ?’
‘યંત્રની કિંમતના દસ ગણા રૂપિયા પાછા ! ગૅરંટી સાથે !!’

[3] ભોળો ખેડૂત
‘લ્યા પશા, હોંભર્યું છે કે આભ મહીંથી કંઈક પડવાનું છે !’
‘માવઠું ના પડે તો હારુ…. આ ફેરો કપાસનો પાક લીધેલ છે…’
‘માવઠું નહીં, મોટો પથરો પડવાનો છે… મણિ માશતર કે’તો’તો…’
‘તો તો કાલ ને કાલ નીંદામણ પતાવી નાખું !’

[4] યુવાપેઢી
‘ઓહોહોહો… અમિત, અલકા, બહુ દિવસે આવ્યાં ને…’
‘સરપ્રાઈઝ ! અમારાં લગ્નની કંકોતરી આપવા આવ્યાં છીએ !’
‘હેં ! આલ્યાં, અત્યાર સુધી ના પરણ્યાં ને હવે…?’
‘આમ તો ઘણા સમયથી પરણવાની ઈચ્છા હતી. બસ, મોકાની રાહ જોતાં હતાં…’
‘પણ-આવા-ટાણે ?’
‘યસ્સ ! અમને પહેલેથી જ હતું કે કંઈક અલગ…. એકદમ યુનિક મેરેજ કરવા છે…. યુ નો, એક ઉદ્યોગપતિએ હવામાં આયમીન, વિમાનમાં મેરેજ કર્યાં હતા… એકે મધદરિયે – સ્ટીમરમાં સાત ફેરા ફર્યા હતા. હૉલિવુડના એક સ્ટારે એફિલ ટાવર પર વૅડિંગ રીંગ પહેરાવી હતી…. એમ અમે…’
‘તમે કુતુબમિનાર પર પરણવાનાં છો ?’
‘અહં ! ઉલ્કાપાતના શુભ દિવસે…. બરાબર ઉલ્કાપાતના સમયે ! આપ સહુ સપરિવાર પધારજો.’

[5] કવિ
(બસ સ્ટોપ પર લાઈનમાં ઊભા છે.)
‘અહો ! આવી ગઈ ! આવી ગઈ ! આવી ગઈ !’
‘લ્યા ભાઈ, એ ટ્રક છે…. બસ નથી.’
‘હું બસની નહીં, પ્રેરણાની વાત કરું છું…. અહાહાહા…. હૃદયાકાશમાં કાવ્યેન્દુ ઉદિત થઈ રહ્યો છે… રોમહર્ષણ… અંગેઅંગમાં સ્પંદન થઈ રહ્યું છે…’
‘હિસ્ટીરિયાનો રોગી જણાય છે… ડુંગળી સૂંઘાડવી પડશે….’
‘શ્…. એ આવી રહી છે….’
‘ખેંચ આવે છે ?’
‘અહં… કવિતા સુન્દરી ! એનું ગાન સુણો ભાઈઓ….’

રુણઝુણતી થનગનતી ઘસમસતી સ્નેહવેગે
ઉલ્કા આલિંગે નિજ સખી ધરણીને
ચૌદ ભુવન બ્રહ્માંડે આનંદમ્ ! આનંદમ્ ! આનંદમ્ !

એક રમ્ય પળે, વિહરતી ઉલ્કાની દષ્ટિ બાળસખી ધરતી પર પડે છે, ને એ એને ભેટવા ધસી જાય છે. બે સખીઓના સુભગ મિલનપૂર્વે દશે દિશાઓમાં આનંદ, આનંદ અને આનંદ છવાઈ જાય છે.’
‘અરરર… મગજ પર બહુ અસર થઈ ગઈ છે.’
‘ઉલ્કાપાતે ભલભલાની દશા બગાડી નાખી છે ભૈ, હવે તો ઈશ્વર કરે એ ખરું…’

[6] ભિખારી
‘અલ્યા આ લોકો સુધરી ચ્યમ ગ્યા સે…. ચઈં જમ (ગમ) પડતી નથી ! બે દા’ડા પર તો ખદૂડિયા કૂતરાની પેઠે હડહડ કરતા’તા… ને અવ દાતારના દીકરો… હારુ હારું ખાવું આલે સે… પે’રવા લૂગડાં દે સે….. પૈશાવૈશા હંધુય આલે સે…’
‘ઈ તો હુલકા (ઉલ્કા) પડવાની સે ઈટલે… ઈમ મંગો કે તો’તો…’
‘બળિયા બાપજી કરે…. આ હુલકા રોજ પડે… હું કે સે ?’

[7] તાંત્રિક
(અમેરિકાની નાસા લૅબોરેટરીમાં બે ભારતીય તાંત્રિકો)
‘તો તમારો દાવો છે કે તમે ઉલ્કાપાતને રોકી શકો છો…..’
‘અમે કંઈ પણ રોકી શકીએ છીએ…. છેલ્લાં દોઢસો વર્ષથી અમે શ્વાસ રોકી રાખેલો… પરમ દિવસે જ છોડ્યો…. ઍરપોર્ટ પર મૃતદેહ ના સાબિત થઈએ માટે….’
હમ્મ્…. તો તમે બધું રોકી શકો છો, એમ ? આ હાઈડ્રોક્લોરિક ઍસિડનો બાટલો તમારા ખોળામાં છોડીએ છીએ… એને રોકી બતાવો….’

‘(ચમકીને ઊભા થઈ જતા) છટ્ ! ફટ ! ફટ ! આવા ક્ષુદ્ર પ્રયોગો તો મારો એક સો સાઠમો ચેલો પણ કરી શકે…’
‘એ ક્યાં છે ?’
‘હિમાલયની બે હજારમી ગુફામાં સિંહનું સ્વરૂપ ધરીને ભસ્ત્રિકા પ્રાણાયામ કરી રહ્યો છે…’
‘ઓ.કે. મિસ્ટર ટેંટ્રિક (તાંત્રિક), વી ટ્રસ્ટ યૂ…. પણ ઉલ્કાપાતને રોકવાની તમારી ટેકનીક શી છે ?’
‘ટેકનીકમ્ અતીઘોરમ્ !! ભ્રાં…ભ્રીં…ભ્રૂં… ક્રાં…ક્રીં…ક્રૂં…’
‘વૉટ ઈઝ ધેટ ?’
‘ધેટ ઈઝ અઘોર વિદ્યા ! જુઓ, સર્વપ્રથમ અમે સ્તંભન મંત્રો વડે ઉલ્કાને તમારી સ્કાયલૅબની માફક અવકાશમાં સ્થિર કરી દઈશું. તત્પશ્ચાત્ એની ઉપર વિદ્વેષણ પ્રયોગ કરીશું. એથી ઉલ્કાના બે ટુકડા થઈ જશે…. જે મિસ્ટર અને મિસિસ રેગનની માફક – તમારી પોલીસ અને તમારી એફ. બી.આઈ.ની માફક તદ્દન વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. અંતે એની ઉપર મારણવિધિ કરીશું. એથી હિરોશિમા નાગાસાકી – વિયેતનામ અને ઈરાકની માફક ઉલ્કાનો સર્વનાશ થઈ જશે !’
‘ઓહ….ગૉડ…. ટ્રેટિકના વેશમાં ભારતીય જાસૂસો ! પકડો…. પકડો…. કૅચ ધેમ !’
‘ખબરદાર…. ખબરદાર… જો નીકટ આવ્યા છો તો… તંત્રશક્તિ વડે ક્બૂતર બનાવી દઈશ !’
‘બનાવી દો ! કવીકલો !! ઉલ્કાપાત થશે ત્યારે અમે આકાશમાં ઊડીને જીવ બચાવી શકીશું… નાઉ બી કવીક્, અમને કબૂતર બનાવો કાં તો મરવા તૈયાર થઈ જાઓ….’
‘હેં !!’

[8] નવોદિત તંત્રી
(તંત્રીની અંધારઘોર કૅબિનમાં ત્રણ નવોદિતો)
‘સાહેબ, ધક્કા ખાઈ ખાઈને અમારા જૉડા ઘસાઈ ગયા…. હવે તો લેખ છાપો ! લેખ છાપો ! જિંદગીના દસ જ દિવસ બચ્યા છે !’
‘હવે મરવાનું જ છે તો કૃતિ છાપી, ના છાપી… શું ફરક પડે છે…’
‘અમે લેખક તરીકે મરવા માંગીએ છીએ…’ (ડોળા કકડાવતા) અમારે પણ તંત્રી તરીકે મરવું હોય કે નહીં ? તમારા જેવા નવા નિશાળિયાઓને છાપીશું તો અમને તંત્રી ગણશે કોણ ? ને વિનાશકાળે વળી અંક કેવો ? શરમ નથી આવતી !’
‘સાહેબ…. એક બ્રિલિયન્ટ આઈડિયા છે ! “ઉલ્કાપાત વિશેષાંક” બહાર પાડો ! એમાં કવિતા-વાર્તા-નિબંધો-ચિત્રો બધું ઉલ્કાપાત વિશે જ હોય એવું રાખો… ચારે દિશામાં ખ્યાતિ ફેલાઈ જશે !’
‘જીવતાં રહીશું તો ને ?’
‘પણ ચાર દિશાઓ તો રહેશે ને ! જુઓ સર, ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે પૃથ્વીના વિઘટિત થયેલા ટુકડાઓ ક્યારેક તો સંયોજાશે. એની ઉપર ફરીથી જીવની ઉત્પત્તિ થશે… માનવસંસ્કૃતિ વિકસશે…. પુરાતત્વ વિભાગના ખોદકામ દરમ્યાન આપનો મહામૂલો ઉલ્કાપાત વિશેષાંક નીકળી આવશે…. એની હજારો નકલો છપાશે…. દેશવિદેશમાં એના અનુવાદો છપાશે… તમે તો માલામાલ થઈ જશો !’

‘અરે હા, આઈડિયા તો સારો છે… બટ, પાંચસો હજાર વર્ષ પછી હું જીવતો હોઈશ ?’
‘વ્હાય નોટ સર ! ત્યારે સાયન્સ એટલું વિકસિત હશે કે આપના મળી આવેલા મૃતદેહના ડી.એન.એ માંથી આપનો કલોન તૈયાર થશે. ‘ઉલ્કાપાત વિશેષાંક’ ની સઘળી આવકનો એ કલોન – એટલે કે આપ જ હકદાર હશો !…. પછી સાહિત્ય પરિષદની સભાઓમાં આપ આપના પોતાના હૅલિકોપ્ટરમાં બેસીને જશો… રેંજીપેંજી તંત્રીઓ ફાટી આંખે આપને જોઈ રહેશે… તો અમારો લેખ છાપો છો ને ?’
‘ઑફકોર્સ ! પણ હું નહીં… મારો ક્લોન છાપશે… પ્રોમિસ !!’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous મકરન્દ મુદ્રા – મકરન્દ દવે
દામ્પત્યનો રમ્ય-સુરમ્ય રાગ – જયવતી કાજી Next »   

21 પ્રતિભાવો : અંતઘડીએ આપણે સૌ – રિદ્ધિ દેસાઈ

 1. bijal bhatt says:

  ખુબ મજા આવી
  સોમવારે જે રસમય રીતે અમારી સૌની આંખમા ભીનાશ ના ઓરતા કર્યા એટલી જ સરળતાથી આજે પેટ પકડીને ખુબ હસાવ્યા પણ ખરા હોં સર….
  પણ એટલે અમારે તંત્રીસાહેબ લાગણીના જે તાર છેડે એ તારે તાલ મીલાવા નો એમ? એક દિવસ રડાવી દો છો અને હજી તો એની અસર માં હોઈએ ત્યાં પેટ પકડીને હસાવી પણ દો છો????
  but very nice article
  thak s a lot….. sir….

 2. dr sudhakar hathi says:

  ખુબજ સુન્દર હાસ્ય લેખ શરુઆત જ સારી

 3. મજા પડી ભઈ મજા પડી… 😀

  મજાનો લેખ…

 4. mohit parikh says:

  Nice one, Enjoyed

 5. Hiral Thaker 'Vasantiful' says:

  GREAT…..! 🙂 🙂 🙂

 6. bhavi shah says:

  બહુ મજા આવિ આટલા સરસ લેખ બદલ ખુબ આભાર

 7. Mast Calandar says:

  Really a nice thought n writeup please send me some more even. Good Work & Congratulations for that.

 8. Keyur Patel says:

  મજા આવી હોં ભઈ !!!!

  આવી ઊલ્કાઓ રોજ પડે તો? હું કેવું ભઈ ??????????

 9. Dilip Patel says:

  આપે ઉલ્કાપાતની વાત રૂપી આ હાસ્યના ફૂલો વેરીને ખરેખર હળવાફૂલ કરી દીધા. આભાર.

 10. A very nice and intelligently written topic.
  congs. to two :1.Riddhiben..2.Mrugeshbhai.

 11. sumit says:

  ખુબ સરસ.

 12. Maitri Jhaveri says:

  ઃ-)
  મજા આવિ ગઇ…

 13. Jiten Desai says:

  Excellent ! intelligent concept ! Tarak Mehtas & Vinod Bhatts please get retired. Give way to new fresh writer like Riddhi.

 14. kumarpal says:

  d best of R.G.COM……..

 15. ભાવના શુક્લ says:

  રિદ્ધિબહેનની હાસ્ય નિપજાવવાની વિવિધતા અજોડ છે..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.