- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

અખોવન – પ્રીતમ લખલાણી

‘બા, આમ ખોટી કારણ વગરની ચિંતા કરવાથી શું વળે ? એ તો જ્યારે આવવાના હશે ત્યારે જ આવશે. કદાચ તેઓ બેબી શાવરમાં ન પહોંચે તો આપણાથી થોડું તેમની રાહ જોતાં બેસી રહેવાશે ? મિતાબહેનનો ખોળો ભરવાનું મુહૂર્ત તો આપણે કોઈ પણ સંજોગમાં સાચવવું જ પડશે. અને આ ભટ્ટજી કંઈ થોડા આખો દિવસ આપણા ઘરે બેસી રહેવાના છે ? તેમણે પણ ગામમાં દસ જગ્યાએ જવાનું હશેને ?’
‘અરે ! સુચી, દીકરો અને વહુ દીકરીના પહેલા પ્રસંગમાં ન આવ્યાં હોય તો માને ચિંતા ન થાય તો બીજા કોને થાય ?’
‘બા, તમારી વાત સાચી ! પણ તમને ખોટું ન લાગે તો એક વાત કહું ? હેમેનભાઈની વાત તો આપણે સમજી શકીએ કે તેની બહેનના સીમંતમાં હાજરી આપવી અવશ્ય ગમે, પણ વાત રહી કૅથરિનની. તો એ રહી અમેરિકન. તેને આપણા પરિવાર કે આપણા રીતરિવાજ સાથે શું લાગે વળગે ?’

‘સુચિત્રા ! રહેવા દે જે. તું મને આમ આજ કારણ વગર ન બોલાવીશ ! તારા અને સુધા કરતાં કૅથરિનને આપણા પરિવારનાં રીત-રિવાજમાં વધારે રસ છે. નવરાત્રી હોય કે દીવાળી કે પછી બીજો કોઈ તહેવાર હોય, ભલેને બિચારી આપણી ભાષા ન સમજે કે પછી રીત-રિવાજની કંઈ ખબર ન પડે, અને એમ છતાં હોંશે હોંશે હેમેન સાથે આવીને આપણી સાથે આનંદ ઉત્સાહથી સમય વિતાવે છે. ફક્ત તહેવાર અને સુખદ પ્રસંગોની જ વાત ક્યાં કરું ? સારા-માઠા પ્રસંગે મારો કે તારા સસરાનો એક સાચો-ખોટો ફોન જતાં જ આવીને ઊભા રહી જાય છે.’
‘હા બા ! કુટુંબ પાછળ અમે ગમે તેટલી જાતને ઘસી નાખીશું, તો પણ તમને તો તમારો ડૉક્ટર દીકરો અને તેની ડૉક્ટર વહુ જ વધારે વહાલાં લાગવાનાં. અરે ! અમે જો તેમની જેમ ગામમાં ન રહેતાં હોત તો કારણ વગરની આટલી માથાફોડ ન થાત. બસ, નવી સાડી પહેરીને બનીઠનીને હું અને સુધા પણ પ્રસંગોપાત્ત આવીને ઊભાં રહી જાત.’

સુચિત્રા તું આમ અકારણ સારે પ્રસંગે વાતનું વતેસર ન કર. હું તો તને મારી રીતે સમજાવવાની કોશિશ કરતી હતી. બાકી મને તો તમે ત્રણે વહુઓ, મારી દીકરી મિતા જેટલાં જ વહાલાં છો. એ વાત તો ઉપર બેઠેલો મારો વહાલો શ્રીનાથજી જાણે છે. મેં તો મનમાં ક્યારેય કોઈ પ્રત્યે ક્યાંય ભેદભાવ નથી રાખ્યો. મા છું એટલે ચિંતા થાય એ સ્વાભાવિક છે. બે મોટા દીકરા ગામમાં છે એટલે સમયસર અવસરે આવીને ઊભા રહી ગયા અને નાનો હજી નથી આવ્યો.’ આંખે આવેલ ઝળઝળિયાંને લૂછતાં, વાતને વળાંક આપતાં કમળાબાએ ફરી આગળ ચલાવ્યું : ‘અરે ! સુચિતા, હું તો તને એક વાત જ કહેતાં સાવ ભૂલી ગઈ ! મિતાની ખાસ ઈચ્છા છે કે તેનો ખોળો તેની નાની ભાભી કૅથરિન ન ભરે.’
‘શું કહ્યું બા, તમે ? મિતાબહેનનો ખોળો કૅથરિન ભરશે ? અરે ઓ સુધા, તું સાંભળે છે ને, બા શું કહે છે ? મિતાબહેનનો ખોળો પેલી કાળી, કર્લી વાળવાળી અને જાડા હોઠવાળી હેમેનભાઈની ડૉક્ટર વહુ ભરશે; અને આપણે બંને શોભાનાં પૂતળાં થઈ તેની સાર-સરભરા કરતાં જાણે ફોટા પડાવવા આવ્યાં હોઈએ એમ કૅમેરા સામે હસતું મોઢું રાખીને તેની બાજુમાં ઊભા રહેવાનું !’

‘સુચિતાભાભી ! જેવી બા તેમ જ નણંદબાની ઈચ્છા ! શું કામ આપણે કારણ વગર દુ:ખી થવાનું !’ સુધાએ ધીમા તાપે સ્ટવ પર ચઢતી દાળમાં ચમચો હલાવતાં પોતાનો સુર પુરાવ્યો.
‘હા ! સુધા, તારી વાત તો સાચી જ છે ! પણ મારાથી ન રહેવાયું એટલે બોલાઈ જવાયું ! ભલે, બા અને મિતાબહેન રાજી થાય એમ કરજો. બાકી આ કાળી અમેરિકનનો શું ભરોસો ? ભગવાન જાણે લગ્ન પહેલાં કેટલાં જોડે રંગરેલીઓ કરી આવી હશે ! અને કોણ જાણે કેટલા અબોર્શન કરાવી નાંખ્યાં હશે ? કોણ કારણ વગર આ નરકના દરવાજા ખખડાવે ! સુધા, તને તો ખબર જ હશે ? આપણામાં તો એ જ સ્ત્રી ખોળો ભરી શકે કે જે અખોવન હોય. ભલા ! મારે તો રાહુલ અને તારે સચિન તેમ જ મોનિકા…. બા અને મિતાબહેનને નહીં, એની આખા ગામને ખબર છે. બસ, આથી વધારે હું શું કહું ? અને એમ છતાં બાને અને બહેનને નાની જ વહાલી લાગતી હોય તો ભલે તેની પાસે ખૉળો ભરાવે !’

‘અરે ! સુચિત્રા ! મેં તને આટલા નાના મનની ક્યારેય નહોતી જાણી. મને તો એમ કે તેં અમેરિકાની યુનિવર્સિટીમાંથી એક નહીં પણ બે માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. વળી, છેલ્લા બે દાયકાથી અમેરિકામાં છે, એટલે તું તો આ દેશની સંસ્કૃતિમાં ઘણી જ ઓતપ્રોત થઈ ગઈ હોઈશ. ભલે તારી આ સાસુએ સાતમી ચોપડી પાસ નહીં કરી હોય છતાં એને એક વાતનો હૈયે ગર્વ છે કે અમેરિકામાં આવીને અહીંથી રહેણી રહેણી-કરણી સમજ્યાં પછી એ તો જૂનાગઢની શેરીને ક્યારની ભૂલી ગઈ છે. અને તું તો હજી અમદાવાદની પોળમાંથી એક ડગલું પણ બહાર નીકળી શકી નથી ! બાકી સાંભળ સુચિત્રા ! કોઈ માણસ વાને કાળો હોય તો શું થઈ ગયું ? કાળા તો એ કહેવાય જેનાં હૃદય કાળાં હોય.’

‘બા ! આ તમારી અમેરિકાની રહેણી-કરણી નથી બોલતી, પણ અમારાં કરતાં તમને નાના પ્રત્યે વધારે લાગણી છે તેની વરાળ થઈને મનમાંથી બહાર આવે છે. મેં તો મારી રીતે જે સલાહ, ઘરની મોટી વહુ તરીકે તમને આપવાની હતી, તે આપી દીધી. પછી પાછળથી એમ ન કહેતાં કે સુચિત્રા તેં તો મગનું નામ મરી ન પાડ્યું.’ અને ત્યાં જ ડ્રાઈવે પર કોઈની કાર આવી એવું કિચનમાં કામ કરતી સુધાને લાગ્યું. તે દરવાજા તરફ દોડી. બોલી, ‘અરે, બા. લ્યો.. હેમેનભાઈ અને કૅથરિન પણ આવી ગયાં !’ વહુ-દીકરાને ઊંબરે ઊભેલ જોઈ, આંખે આવેલ હરખનાં આંસુ લૂછતાં કમળાબાએ પૂછ્યું, ‘દીકરા, તેં તો સવારે અગિયાર સાડા-અગિયારે આવવાનું ફોનમાં જણાવ્યું હતું અને ત્યાં આજ બપોરના ત્રણ વગાડી દીધા ! અમે તો ક્યારના તમારી ચિંતા કરતાં હતાં કે તમને કેમ મોડું થયું હશે !’
‘બા, તમે તો જાણતાં જ હશો ! ઉનાળો હોવાથી થ્રુ-વે પર કેટલી જગ્યાએ બાંધકામ ચાલે છે. અધૂરામાં પૂરું અમે વહેલી સવારે નીકળવાની તૈયારીમાં હતાં ત્યાં જ કૅથરિનને એક ઈમરજન્સી કૉલ આવી ગયો એટલે તેણે હૉસ્પિટલ જવું પડ્યું; અને બા, તમે તો તમારી વહુને ક્યાં નથી ઓળખતા ? ઘરે આવતાં પહેલાની બે એક્ઝિટ પર રેસ્ટ એરિયામાં ગાડી ઊભી રખાવી, હાથ-પગ-મોઢું ધોઈ કપડાં બદલીને સાડી પહેરી લીધી. તેમાં થોડોક સમય ગયો. બસ, આ કારણે અમે ધાર્યાં કરતાં થોડાં મોડાં પડ્યાં.’

‘સુચિત્રાભાભી ! જરા કિચનમાંથી બહાર તો આવો. અને કૅથરિનને જુઓ તો ખબર પડે. અરે ! આપણા બંનેને તો તેણે ક્યારનાં પાછળ છોડી દીધાં છે. શું હેર સ્ટાઈલ કરાવી છે ? અને ‘તાલ’ માં એશ્વર્યારાયે જે સાડી પહેરી છે, એવી આબેહૂબ સાડી કૅથરિનને હેમેનભાઈએ અપાવીને તેના રૂપમાં ચાર ચાંદ લગાડી દીધા છે ! કૅથરિન, તું તો પ્રિન્સેસ ડાયેના જેવી લાગે છે.’
‘સુધા, રાજકુંવરી છે તો રાજકુંવરી જ લાગે ને ! એમાં વળી તારે અને મારે શું કહેવાનું હોય ? વાત રહી બનવા-ઠનવાની. તો શું કામ ન બને ? આવો અવસર પાછો ક્યાં જિંદગીમાં ઘડીઘડી આવવાનો હતો ? અરે હેમેનભાઈ, તમને અને કૅથરિનને ખબર નહીં હોય તો હું તમને સરપ્રાઈઝ આપું. બા અને મિતાબહેનની ઈચ્છા છે કે ખોળો કૅથરિન ભરે ! સુચિત્રાએ નૅણ સ્હેજ વાંકાં કરી મનની વરાળ કાઢતાં કહ્યું.
‘થૅંક યૂ ભાભી ! પણ બહેનનો ખોળો હું નહીં ભરી શકું !’ કૅથરિને શરમાતાં કહ્યું.
‘કેમ, શું વાંધો છે ? અરે ગાંડી, મને તો કોઈ કહેતું નથી ! બાકી જો તારી જગ્યાએ બાએ મને કહ્યું હોત તો હું તો આ તક હાથમાંથી જવા ન દેત. સુધા, તું શું કહે છે ?’
‘હા, ભાભી ! એમાં કંઈ ના કહેવાય ! આપણે ક્યાં બે-ચાર નણંદ છે !’
‘ભાભી ! તમારો પ્રેમ અને તમારી વાત સાવ સાચી છે, પણ હું તમને બધાંને એક મોટી સરપ્રાઈઝ આપું ! હું પ્રેગનેન્ટ છું !’ કૅથરિને કહ્યું.
‘શું વાત છે ? કૉંગ્રેચ્યુલેશન, કૅથરિન !’
‘ભાભી ! હવે મારે આથી વિશેષ કંઈ કહેવાનું રહેતું નથી ! તમે તો મારાં કરતાં આપણા રીત-રિવાજ વિશે ઘણું જાણતાં હશો કે પ્રેગનેન્ટ સ્ત્રી ખોળો ન ભરી શકે.’ કૅથરિને ખુશી વ્યકત કરતાં જણાવ્યું.

‘અરે ! કૅથરિન, તું તો અમારાં કરતાં એક ડગલું આગળ નીકળી ગઈ ! અમે તો ભારતમાં જન્મ્યાં તોય અમને આપણાં રીત-રિવાજ વિશે ઝાઝી ગતાગમ નથી ! ખેર ! એ બધું તો આપણા દેશમાં સારું લાગે. આપણા આ અમેરિકામાં તો જેને જે રીતે ગમે તે રીતે વરતે. મારો એ દેશી રીત-રિવાજને ગોળી ! કારણ વગરની આવી ખોટી ચિંતા કે માથાઝીંક કર્યા વગર તું જ મિતાબહેનનો ખોળો ભર ! મને તો બહુ જ ખુશી થશે’ સુચિત્રાએ સુધા સામે જોતાં કહ્યું.
‘ભાભી ! આપણાં રીત-રિવાજ હોય તે પ્રમાણે જ આપણે પ્રથા ચાલુ રાખીએ ! એમાં જ આપણી અને આપણા કુટુંબની શોભા છે. બસ ! હવે તમે, બા અને મિતાબહેન જ નક્કી કરો !’ કૅથરિને સહજ અને સરળતાથી પોતાનો નિર્ણય જણાવી દીધો.
‘બા ! શું ઈચ્છા છે તમારી ?’ સુચિત્રાએ પૂછ્યું.
‘અરે ! ભાભી ! એમાં વળી બાને શું પૂછવાનું ? બસ, તમે તૈયાર થઈ જાઓ એટલે બધી સમસ્યાઓ પર પૂર્ણવિરામ.’
‘સુધા, તું નાની વહુ ઘરમાં બેઠી હો અને હું મિતાબહેનનો ખોળો ભરું તે કંઈ સારું લાગે. ?’
‘ભાભી ! તમે પણ ખરાં છો ! જે શોભતું હોય એ જ શોભે ! બા, તમે જ ભાભીને કહો. એટલે તેઓ તૈયાર થવા જાય !’
‘સુધા, હું શું કહું ? તમે બંને જ નક્કી કરો. મારે તો બેઉ આંખ સરખી.’ કમળાબાએ ઠંડી પડતી ખીરમાં બદામપિસ્તા છાંટતાં જણાવ્યું !

‘બેડરૂમનું બારણું બંધ થતાં જ હેમેને કૅથરિનને આશ્લેષમાં લેતાં પૂછયું : ‘અરે ! સ્વીટી, તું પ્રેગનેન્ટ છો ! અને આ વાત તેં મને આજ લગી ન જણાવી ? જો તેં મને ખુશીના સમાચાર આ પહેલાં આપ્યાં હોત તો મેં આપણા આખા ઘરને ફૂલોથી શણગારી દીધું હોત ?’
‘હેમેન, તું પણ ખરો છે ! જે દિવસે ખરેખર પ્રેગનેન્ટ હોઈશ તે દિવસે ખુશીના એ સમાચાર સર્વપ્રથમ તને નહીં જણાવું તો બીજા કોને જણાવીશ ?’
‘કૅથરિન, તું આ શું બકે છે, તેની તને કંઈ ખબર પડે છે ? હમણાં તો તેં બા અને બંને ભાભી સમક્ષ તો કહ્યું કે તું પ્રેગનેન્ટ છો ! અને…. હવે !!!’
‘ભલા ! હેમેન, તને કઈ રીતે સમજાવું ? આપણે જ્યારે ઊંબરે પગ મૂક્યો ત્યારે તેં સુચિત્રા અને સુધાભાભીના ચ્હેરાના હાવભાવ તો જોયા જ હશે ! બંને ભાભીઓ, હોઠ મરડતી અને આંખો ઉલાળતી, મારાં રૂપરંગ તેમ જ કપડાંની કેવી હલકી મજાક ઉડાડી રહી હતી ! તેમના આવા વર્તનથી બાના ચહેરાનો રંગ ઊડી ગયેલો જોઈ, હું મનોમન પામી ગઈ કે, દાળમાં કંઈક કાળું છે ! કારણ વગર બા અને ભાભી વચ્ચે મારે હોળીનું નાળિયેર નહોતું થવું. બરાબર એ જ વખતે મને મારી સાથે હૉસ્પિટલમાં કામ કરતી ડૉ. રેખાનો કિસ્સો યાદ આવી ગયો. વરસોથી રેખાના મનમાં એક ઈચ્છા હતી કે તેની નાની ભાભી મંજરી જ્યારે પણ પ્રેગનેન્ટ થાય ત્યારે તેનો ખોળો તે ભરે. ઈશ્વર-ઈચ્છાથી ચાર-પાંચ મહિના પહેલાં રેખાને મંજરીએ સમાચાર આપ્યા કે તે પ્રેગનેન્ટ છે. બસ, એ તો દિનરાત આ ખુશીમાં ફૂલી નહોતી સમાતી. કુદરતનું પણ કરવું કેવું અકળ છે ? ગયા અઠવાડિયે રેખાએ જાણ્યું કે તે પોતે પ્રેગનેન્ટ થઈ છે. આ સમાચારથી તેનો ઊતરી ગયેલ ચ્હેરો જોઈ, મારાથી પુછાઈ જવાયું, ‘રેખા, તું હમણાં બે-ચાર દિવસથી કેમ મૂડમાં નથી જણાતી ?’ તેણે મને બધી વાત વિગતવાર સમજાવી કે, ‘કૅથરિન, અમારા ભારતીય રીત-રિવાજ મુજબ એક પ્રેગનેન્ટ સ્ત્રી બીજી પ્રેગનેન્ટ સ્ત્રીનો ખોળો ન ભરી શકે. બસ હેમેન, મિતાબહેનનો ખોળો ભરવા બાબતે વાતચીત ચાલતી હતી ત્યારે એકાએક મને આ વાત યાદ આવતાં એ ચિત્રમાંથી ખસી જવા માટે બા અને ભાભીને મેં જણાવી દીધું કે હું પ્રૅગનેન્ટ છું !’

‘કૅથરિન, તું આ અસત્યને સત્ય કેવી રીતે કરી બતાવીશ ? ધારત તો તું આને બદલે બીજું કોઈ કારણ દર્શાવીને ના કહી શકી હોત ! તને ખબર છે, આપણે આ એક અસત્ય પાછળ બીજાં દસ ખોટાં કારણ આપવાં પડશે ?’
‘પ્લીઝ હેમેન, તું આમ અકારણ આવી ખોટી ચિંતા કરે છે. બસ, આજનો આ રૂડો અવસર ખુશી-આનંદ સાથે પતી જવા દે, પછી આ વાત તું મારા પર છોડી દે જે ! મેં જાતે કરીને આ ગૂંચવણ ઊભી કરી છે, તો મને આ ગૂંચવણમાંથી એક સીધો સરળ માર્ગ કાઢતાં પણ આવડે છે. આવતા અઠવાડિયે બાને નહીં, પરંતુ સુચિત્રાભાભીને જ ફોન કરીને કહી દઈશ કે, ભાભી, મને મિસકેરેજ થઈ ગયું ! આ એક ખોટા કારણને લીધે મારે આખી જિંદગી એક સજા ભોગવવી પડશે કે ભવિષ્યમાં હું કોઈ સ્ત્રીનો ખોળો ક્યારેય નહીં ભરી શકું, કેમ કે ભારતીય રીતરિવાજ મુજબ હું અખોવન નહીં કહેવાઉં.’