સર્જનનું વિશાળ આકાશ – રીના મહેતા

કેટલાક માણસોને ઝીણામાં ઝીણી બાબતોમાં ઊંડો રસ હોય છે. આપણને ઘણીવાર આશ્ચર્ય થાય છે કે સાવ નજીવી વાતમાં એમને આટલો અઢળક રસ કઈ રીતે પડતો હશે. જે વસ્તુ કે વિષય ઉપર આપણને અછડતી નજર નાંખવા જેવું જ લાગે ત્યાં તેઓ પોતાનું સમગ્ર અસ્તિત્વ ઝબોળી દેતા હોય છે. ઉદાહરણ તરીકે અમારા એક નિકટના સ્વજન બહેનની વાત કરું તો એમને બધી જ વાતમાં ઊંડો રસ. તેઓ જ્યારે રસોઈ કરતાં હોય ત્યારે દાયકાઓ અગાઉ પોતાનાં માતુશ્રીએ ઘડેલી પદ્ધતિનો અણીથી પણી સુધીનો અમલ કરે. બનાવેલી વસ્તુ અવારનવાર ચાખે ! અત્યંત કાળજીથી વણેલી દરેકેદરેક રોટલી ફૂલે ત્યારે તેમને આનંદ આનંદ થઈ જાય; પણ જો એકાદ રોટલી ન ફૂલે તો મન કચવાઈ જાય.

ઊંધિયું હોય કે ગુવાર, શીરો હોય કે સૂંઠનું પાણી, મુરબ્બો હોય કે મોળી દાળ – બધું જ સર્વશ્રેષ્ઠ બનવું જોઈએ. ચા આજે જરા ગળી તો નથી બની ગઈ ને ? ભાતમાં ચાંગળુક પાણી વધારે પડી ગયું કે શું ? દૂધી બરાબર ગળી તો ગઈ છે ને ? વગેરે ચિંતા પ્રશ્નો રૂપે વ્યક્ત કરતાં જ રહે !

આ ઉપરાંત મહેમાનોની થાળી સુંદર રીતે પીરસવી, કપડાં સારા-સ્વચ્છ ધોવડાવવાં-સુકાવડાવવાં, અમુક પ્રકારે જ ગડી કરાવવા વગેરે ગૃહલક્ષી વાતોમાં તો એમનો રસ સોળે કળાએ ખીલી ઊઠે. આ ઉપરાંત આધ્યાત્મિક ચર્ચા હોય કે સામાજિક, રાજકારણના સમાચાર હોય કે પડોશીની દીકરીને સુવાવડ આવવાની હોય, ફલાણા-ઢીંકણાને કેન્સર થયું હોય કે કૂંડામાં ગુલાબ ઊગયું હોય, જૂઈના ફૂલ ઊગતા ન હોય કે ઘરમાં ઉંદરડા દોડાદોડ કરતાં હોય, દીકરાની દીકરીની પરીક્ષા હોય કે રિક્ષાની હડતાળ…. બધામાં જ એમને જીવંત રસ. એમના રોમરોમમાંથી જાણે રસના ફુવારા છૂટે ! સામાન્યપણે આપણે આમ કરી શકતાં નથી. કદીક જ ચા વિશેષપણે સારી બની હોય તો વખાણ અથવા પૃચ્છા કરીએ. બાકી ત્રણના ટકોરે ચા ગટગટાવી જઈએ. ગુવાર-વેંગણ-દૂધી ઈત્યાદિ શાકમાં આપણી, ખાદ્યરુચિ સીમિત પ્રમાણમાં જ ઊંડી ઊતરી શકે ! ભાત એની સુગંધભર મીઠાશ વડે આપણી ઘ્રાણેન્દ્રિય કે સ્વાદેંન્દ્રિયનાં દ્વાર ખટખટાવ્યા વિના જ જઠરમાં પહોંચી જાય. ફલાણા-ઢીંકણાની દીકરીની ડિલીવરીમાં આપણને શું ? ગુલાબ ઊગ્યું. જોયું. ઠીક છે મારા ભાઈ ! ચા જરા ગળી-મોળી થઈ એમાં શું ? પણ, હકીકતમાં આપણને જેમાં આશ્ચર્ય થાય છે એ બધી નાની નાની વાતોમાંનો એમનો રસ જ એમને અણુએ અણુથી જિવાડે છે. જીવન પ્રત્યે પળપળ વહેતો જીવંત, અદ્દભુત રસ જ એમને દાળ બનાવવામાં ચિત્ર દોરવા જેટલી કાળજી તન્મયતા દાખવવા પ્રેરે છે. આ જીવનરસ દરેક કાર્યમાં સિંચાતો રહે છે. આપણને ક્ષુલ્લક લાગતું દરેક કામ એમને મન સર્જન બની જાય છે !

અમારા બીજા એક સંબંધી મહિલા છે. તેઓ પચાસ વર્ષની ઉંમરે પણ સૌંદર્ય જતન સંવર્ધન પરત્વે વીસ વર્ષની કોઈ કન્યકા જેવી જ રૂચિ રસ ધરાવે છે ! રોજ સવારે ચહેરા ઉપર ચણાનો લોટ, દૂધ, મધ વગેરેનું મિશ્રણ લગાવવું, વારંવાર બ્યુટીપાર્લરમાં જવું, નવી ફેશનનાં વસ્ત્રો પહેરવા વગેરે બાબતો ધ્યાન ખેંચેં એવી છે. અમે કદી એમને લઘરવઘર કે તૈયાર થયા વિનાના જોયાં નથી. અહાહા…. રોજ સવારે ચણાના લોટનું મર્દન…. કદી એમને કંટાળો નહીં આવતો હોય ? સૌંદર્ય પ્રત્યેની તેમની સભાનતા, સૌંદર્યપ્રીતિ પચાસની ઉંમરે પણ અકબંધ છે. કેટલાક તો પાંત્રીસેકની વયે જ જાણે ઘરડાં થયાની માનસિક અનુભૂતિ કરે છે. હવે શું ? કહી જીવનની બધી બાબતોમાંથી રસ ગુમાવી દે છે. જ્યારે આ બહેનમાં એક રીતે જુઓ તો જીવનની જીવંતતા ટકેલી લાગે છે. જે ઉંમરે દાઢ દુ:ખતી હોય કે ઢીંચણ રહી ગયા હોય એ ઉંમરે ઊંચી હીલના ચંપલ પહેરી ફરી શકો એ સદનસીબની વાત છે ! તમે દર્પણમાં ચહેરો જોયા કરો, સુંદર બન્યા કરો એ શું સૂચવે છે ? દર્પણ પર ધૂળના થર બાઝી ગયા છે એ શું સૂચવે છે ? સ્વમાંથી ઊડી ગયેલો રસ આપણને બીજા કશામાં કેટલો રસ પાડી શકે ?

હકીકતમાં દરેકને જુદી જુદી બાબતોમાં રસ હોય છે. સંગીતમાં, ક્રિકેટમાં, ફિલ્મોમાં, રાજકારણમાં, સાહિત્યમાં, ચિત્રમાં, ફેશનમાં, ફરવામાં, પૈસામાં, ગૃહવ્યવસ્થામાં…. દરેક પોતાના રસના ક્ષેત્રમાં જ્યારે સાચેસાચો રસ લે છે ત્યારે તેની સર્જકતા નીખરે છે. એનું અસ્તિત્વ પણ ખેતરમાં પાક લહેરાતો હોય એમ લહેરાઈ ઊઠે છે.

થોડા વખત પર વિશિષ્ટ પ્રકારના આવતા ભવિષ્યકથનમાં મેં મારું ભવિષ્ય વાંચ્યું. ‘હમણાં સર્જનશીલ બનવા માટે અનુકૂળ સમય છે. કોઈપણ ક્ષેત્રમાં રચનાત્મક બનશો તો આનંદ પડછાયાની જેમ તમારી પાછળ આવશે.’ સર્જનનો હેતુ સાંસરિક ન હોવો જોઈએ, નહિ તો એ સર્જન નહિ રહે. બીજાઓ તમારા સર્જનની પ્રશંસા કરે એવી આશા સૂક્ષ્મ લક્ષ્ય ન બની જાય એની સાવધાની રાખો. સર્જન પોતે જ એક પૂર્ણ કાર્ય છે. અથવા તો જે કાર્ય સ્વયં પોતે પૂર્ણ છે એ સર્જન છે. એ કાર્ય કર્યું છે એમાં કોઈ ફરક નથી પડતો. ઝાડુ વાળવું અને રોટલી શેકવી પણ સર્જનાત્મક બની શકે. સિતાર વગાડવી અને ચિત્રકામ કરવું પણ તનાવગ્રસ્ત બની શકે. બધું તમારા પર નિર્ભય છે.’

નાનું બાળક રેતીના ઢગલામાં ઘર બનાવે છે અથવા સાવ નકામી વસ્તુને રમકડાંની જેમ રમી શકે છે ત્યારે એનું સર્જકત્વ એના ગાલની ગુલાબી નિર્દોષ ઝાંય જેવું લાગે છે. આપણે પણ કોઈ કાર્ય સાચા રસથી કરતાં હોઈએ ત્યારે સર્જનનો નિજાનંદ પામતા હોઈએ છીએ. નાનીનાની વાતોમાં છુપાયેલાં સર્જનતત્વની આપણને ખબર પડતી નથી એટલે આપણે એવાં નિજાનંદથી બહુધા વંચિત રહીએ છીએ. બાકી તો સર્જનહારની સર્જનલીલા તો સતત ચાલતી જ રહે છે. એને હર પળ નવાં અંકુર વિકસાવવાનો, ગુલાબી કળીઓ ખીલવવાનો, ખળખળ નદી કે ઝરણાં વહાવવાનો, આકાશમાં કેસરી રંગો ચીતરવાનો, વાદળ થઈ વરસવાનો, કાળા અંધકારમાં ટમટમવાનો, આદિવાસી કન્યાના ઉદરમાં ધબકવાનો કદી કંટાળો આવતો જ નથી !! નાનકડું પક્ષી તેના માળામાં ઈંડા મૂકે અથવા ડુક્કર નવ દસ બચ્ચાં જણે એ પણ એક સર્જન જ છે. કોઈ લાકડાના ચૂલા ઉપર અદ્દભુત મીઠાશભર્યા રોટલા બનાવે એ પણ સર્જન જ છે. કોઈ ડાંગરના ધરુ રોપ્યા કરે, કોઈ નદીમાં હોડી તરાવ્યા કરે, કોઈ ખેતરમાં લીલીછમ ઓઢણી ફરકાવ્યાં કરે, કોઈ અમથુંઅમથું હસ્યા કરે, એ પણ સર્જન જ છે. સર્જનનું આકાશ વિશાળ કોરા કેન્વાસ જેવું છે. આપણી પાસે પીંછી અને રંગ પોતીકાં હોવા જોઈએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous અખોવન – પ્રીતમ લખલાણી
ચૂલો અને ઈંધણ – ભગીરથ બ્રહ્મભટ્ટ Next »   

19 પ્રતિભાવો : સર્જનનું વિશાળ આકાશ – રીના મહેતા

 1. sundar lekh ! abhinandan Rinabahen !
  bAL HASe Ne puSHpA vASe…e GHAR SwARGA GANAAY; eK MADHuRAA RAv KARe ,eK MAN MuSKAAY !

 2. JITENDRA TANNA says:

  સરસ લેખ

 3. Hiral Thaker 'Vasantiful' says:

  very good. 🙂

 4. Maitri Jhaveri says:

  ખુબ સુન્દર લેખ

 5. અંગત રસ પર રસપ્રદ ઝીણું કાંતણ.

 6. dr sudhakar hathi says:

  યોગ કર્મશુ કૌશલમ દરેકકામ માકુશલતા એજ યોગ

 7. neetakotecha says:

  khub saras lekh

 8. anamika says:

  very good artical

 9. સુરેશ જાની says:

  સાવ સાચી અને જીવનમાં ઉતારવા જેવી વાત.

 10. pooja shah says:

  ખુબ જ સરસ અને સરલ

 11. Amita Soni says:

  what an lovely story correctly

 12. Ephedra. says:

  Colorado ephedra lawyer….

  Philadelphia ephedra lawyers. Lipodrene with ephedra. Ephedra….

 13. Celebrex. says:

  Celebrex….

  Celebrex daily dosage. Pharmaceutical company celebrex. Celebrex….

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.