ચૂલો અને ઈંધણ – ભગીરથ બ્રહ્મભટ્ટ

‘છાણાં’, ‘એંધણાં’, ‘બળતણ’, ‘સાંઠા’, ‘સાંઠીઓ’, ‘કરચા’, ‘મજીઠ’ જેવા શબ્દો હવે તો અજાણ્યા થતા જાય છે. પ્રાઈમસનું નામ પણ ઝડપથી ઓલવાઈ રહ્યું છે, ‘પ્રાઈમસ’ શબ્દનું ‘સ્ટવ’માં ક્યારે રૂપાંતરણ થયું ને ક્યારે એ ઉભયપ્રયોગો ગુજરાતી પ્રજાના મુખેથી આથમી ગયા એની કોઈ તવારીખ આપી શકાય એમ નથી. બળતણ તરીકે ગુજરાતી લોકજીવનમાં ગૅસનો પ્રવેશ હમણાંનો છે. પણ ગૅસની ગતિએ ચૂલા અને બળતણ-ઈંધણને પાછળ મેલી દીધાં છે. ગૅસે સામ્રાજ્ય જમાવ્યું છે. ગુજરાતી પ્રજાના કોઈ પણ પરિવારમાં ઈંધણ તરીકેનો પ્રથમ પ્રવેશ અને પછી એની વિકાસની તવારીખ જાણીએ તો એ ઈંધણનો, એનાથી તૈયાર થતી સામગ્રીનો અને એનાથીય તૈયાર થતી માનવજાતિનો વિકાસાલેખ હાથ લાગે. ગૅસનાં સિલિન્ડર ખતરારૂપ હોવા છતાંય એનો ઉપયોગ એટલો બધો ચલણી બની ગયો છે, એમ કહીએ કે માનવજીવન જ એના વગર હવે તો અશક્ય બનતું જાય છે. થોડા વડીલોએ ગૅસનો થોડોક વિરોધ કર્યો પણ ખરો, પરન્તુ ગૅસની સગવડો સામે વિરોધની તિતૂડી ઝાઝું વાગી જ નહિ. રાંધણિયાનો નકશો જ બદલાઈ ગયો. આજે તો ‘રાંધણિયા’નો અર્થ પણ ક્યાં કોઈ જાણે છે ? ‘કિચન’ નામનો અંગ્રેજી શબ્દ ગુજરાતીકરણ પામી ગયો છે. ‘માટલા ઊંધિયું’ ખાવું હોય કે ‘ઓળાનું શાક’ બનાવવું હોય ત્યારે એ ચૂલાની અને એનાં ઈંધણની અચૂક યાદ આવે ખરી, પણ એ તો ક્યારે ? બાકી ચૂલો અને ઈંધણ આપણા સંસ્કૃતિ વિકાસના પાયાના પદાર્થો છે.

‘ચૂલ’ – સામૂહિક ભોજન માટે ઘરની બહાર જમીનમાં ખોદેલી એક અલાયદી જગ્યા, જેના ઉપર વધુ માણસોની રસોઈ થાય. ‘ચૂલો’ કે જેની ઉપર પરિવારનાં ભોજન તૈયાર થાય એવી ઘરમાં નોખી જગ્યા. વ્યાકરણમાં ‘ચૂલ’ કેવી કહેવાય અને ‘ચૂલો’ કેવો કહેવાય. વધારે વ્યક્તિઓ જેના દ્વારા સચવાય તે સ્ત્રીલિંગ અને ઓછી વ્યક્તિઓનું ખાણું જેની ઉપર તૈયાર થાય તે પુલિંગ ! મને એનું વિસ્મય હજુ સમજાતું નથી ! ‘ચૂલ’ ઉપર રસોઈ બનાવે પુરુષો અને ચૂલા ઉપર રસોઈ બનાવે મહદંશે સ્ત્રીઓ એમાં પણ કેવો વિરોધાભાસ ! ખરેખર તો પુલિંગ-સ્ત્રીલિંગ વગર અને સ્ત્રીલિંગને પુલિંગ વગર ચાલ્યું જ નથી એનું જ એ ઉત્તમ દષ્ટાંત નહિ હોય તે ? ઝીણી નજરે જોઈએ તો સૃષ્ટિ આખી ચૂલો અને આપણે સૌ સંસારી જીવસૃષ્ટિ ઈંધણ ! ચૂલામાં ઈંધણ સ્વાહા થઈને લય પામે. ચૂલો અને ઈંધણ પરસ્પર માટે પૂરક છે. ઈંધણ ચૂલા માટે છે અને ચૂલો ઈંધણ માટે !

નાનો હતો ત્યારે મને સવાલ થતો કે મારી મા ‘ચૂલો સળગાવ્યો’ એમ કેમ બોલે છે અને ‘દીવો પ્રગટાવ્યો’ એમ શા માટે કહેતી હશે ? અલબત્ત એ પ્રશ્નો મેં કોઈને પૂછ્યા નહોતા; પણ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ એ અર્થભેદને પામી ગયો છું. એક જ પ્રકારની ક્રિયા અલગ અલગ ઉક્તિથી ઓળખાવા પાછળ સામાજિક અને સાંસ્કૃતિક કારણો જવાબદાર છે. એમ તો ‘બા’ બાપની પત્ની જ ગણાય. પણ એ રીતે ક્યારેય એની ઓળખ સમાજ આપતો નથી. એમાં ભારતીય સંસ્કૃતિમાં માતાનો મોભો જરૂર જવાબદાર છે. આજે તો, ‘ચૂલો’ શબ્દ પણ આથમવા આવ્યો છે. ત્યારે ચૂલો અને એમાં સળગાવવા માટેની સામગ્રી બળતણ – ઈંધણની સ્મૃતિઓ અકબંધ સાચવીને બેઠો છું એની વાત કરવી છે. આજે તો લાઈટરની મદદથી ગૅસને ટપ દઈ પેટાવવાની સરળતા આવી ગઈ છે. પણ ચૂલો બનાવવો, ચૂલો સળગાવવો એ ક્રિયાઓ ખાસી આવડત માગી લેતી. ચૂલો બને કેવી રીતે ? માટીનો જ ચૂલો, ત્રણ બાજુ બંધ એક બાજુ ખુલ્લી રાખી લીંપણથી પાકો કર્યો હોય. ઈંટો ઉપર લીંપણ હોય એટલે મજબૂતાઈ આવે. મા રોજ રસોઈ કરીને એને લીંપી નાખે. પવિત્ર કરે. ચૂલો શબ્દ લોકજીવનમાં કેવું સ્થાન ધરાવતો હતો ! પરણીને વહુ આવે એટલે તેને ‘ચૂલો દેખાડવો’ એવો પ્રયોગ પણ થતો. ‘ઘેર ઘેર માટીના ચૂલા’ કહેવત પણ જાણીતી છે. ‘ચૂલે મૂકવું’, ‘ચૂલામાં નાખવું’, ‘ચૂલામાં પડ્યું’, ‘ચૂલ્યું’ જેવા રૂઢિપ્રયોગો પણ જાણીતા છે. ચૂલે મૂકવું એટલે રસોઈની તૈયારી કરવી. ચૂલામાં નાખવું એટલે વાત છોડી દેવી. ‘ચૂલામાં પડ્યું’ એટલે ઉપેક્ષિત, સાવ નક્કામું. ‘ચૂલ્યું’ એટલે ચૂલામાં ગયું જેવો અર્થ અભિપ્રેત છે.

રસોડાનું સ્થાન ઘરમાં નિરાળું. એને અમે રાંધણિયું કહેતા. ઘરના એક અંધારા રૂમને રાંધણિયાનો દરજ્જો અપાતો. એમાં હવાઉજાસની વ્યવસ્થા હોય પણ ખરી, ન પણ હોય. એકાદ નાનકડી બારી હોય તો હોય. ચૂલાની બરાબર ઉપર છતમાં ધૂણી જવાની કોઈ વ્યવસ્થા પણ નહિ. છત આખી કાળીમેંશ થઈ ગઈ હોય. ચૂલામાંથી નીકળતો ધૂમાડો ઘરમાં ગોટાય. ચૂલો સળગાવતાં ન આવડે તો એકાદ કલાક ઘરનાં બધાં સભ્યો આંખો ચોળે. ચૂલો પેટાવવા માટે ખાસ છાણાં, સૂકી સળીઓ, સાંઠા રાખવા પડે. સુક્કાં તણખલાં આગ પકડી લ્યે પછી થોડાંક જાડાં લાકડાં મુકાય અને એ રીતે ક્રમશ: ચૂલો સળગાવાય. સુક્કી સળીઓ કે તણખલાં ન હોય તો એકલાં જાડાં લાકડાં ગમે તેટલું કેરોસીન ચૂલામાં નાખીએ ત્હોય, કેરોસીન ખલાસ થાય એટલે પછી પેલાં જાડાં લાકડાં હતાં એવાં ને એવાં, જડ જેવાં. સળગાવાનું નામ ન લે. લાકડાની ઝીણી કરચો, છોડાં, કરગઠિયાં, ભેંસની ગભાણમાંથી વીણી લાવીએ સાંઠા, કામમાં લેવા પડે. છાણાં એમાં ખાસ્સો હિસ્સો ધરાવે. છાણાંનો પણ ઈતિહાસ. છાણાં ખેતરોમાંથી વીણી લાવીએ, ભેંસના પોદળા વાડામાં જઈ થંપીએ…. એ સુકાઈ જાય એટલે છાણાં બને. એને ઘરમાં ભરી રાખીએ, જે ચોમાસામાં ખૂબ સહાયરૂપ બને.

ચૂલાનો ઘુમાડો ઘરની બહાર જવા દેવાની વ્યવસ્થા વિચારાઈ ત્યારે ગામડે નિર્ધૂમ ચૂલા આવ્યા. એ સગવડનો લાભ સુખી ખેડૂતોએ મેળવ્યો. ચૂલો પેટાવવા સૂકું ઘાસ, તણખલાં, છાણાં, સાંઠા, સાંઠીઓ વપરાય. લાકડાનાં છોડાં પણ ઉપયોગમાં લેવાય.

છાણાં વીણવા જવું પડે. નવરાશની પળોમાં છાણા વીણીએ તે છાણનો ઉપયોગ રોટલાની જેમ થેપી છાણાં બનાવવામાં કરીએ. આવતાં-જતાં ઢોરઢાંખરના પોદળા બોટીએ. એને કુંડાળાં કરીએ. પછી કોઈ અડે નહિ એટલી પ્રમાણિકતા હતી. સુકાયેલું છાણું અડાયું કહેવાતું. એ પૂજાપાઠ, હવનવિધિમાં ખપમાં લેવાતું. બળતણ વીણવા પણ દૂરદૂર ભટકવું પડે. બોરડીઓ કાપી લાવીએ. સૂના લીલા સુક્કા બાવળ પાડીએ, ડાળાં પાડીએ, ભારા બાંધીએ. ઘેર લાવી વાડામાં નાખીએ. વાડામાં એ સુકાતાં જાય. એ સુકાઈ જાય ત્યારે ઉપયોગમાં લઈએ. એ ઉપયોગ હમણાં સુધી કર્યો છે. પછી સગડીનું ચલણ આવ્યું. સગડી ઉપર ખીચડી બને, સાઈડમાં તપેલાં મૂકી દેવાય. કોલસા ઉપયોગમાં લેવાતા થયા. જારમાં લોખંડની ખાસ સગડીઓ મળવા માંડી. એ સળગાવવા ખાસ કાકડી પેટાવાતી. સગડી સળગે પછી થોડોક પવન મળે એ રીતે મુકાતી. એને સમાન્તર સુખી ઘરોમાં પાણી ગરમ કરવા માટેનો બંબો આવ્યાનાં પ્રમાણ જડે છે. ત્યાર પછી ગૅસનો ઉપયોગ, ગિઝરનો ઉપયોગ ઘરેઘરે થવા માંડ્યો છે. સગડી ઉપર સિજેલી ખીચડીનો સ્વાદ હજુય દાઢમાં અકબંધ છે. ચૂલા ઉપર રોટલો સ્વાદિષ્ટ બનતો. એ સ્વાદ હવે ગૅસના ખાણામાં ક્યાં રહ્યો છે ?

દીવાની જ્યોત અને હવનકુંડીની વેદી, ચિતાની જ્વાળા અને ચૂલાના ભડકા બધાં અગ્નિનાં જ વિવિધ રૂપો છે. શાસ્ત્રોમાં એવા તો ઘણા પ્રકારના અગ્નિના ઉલ્લેખો છે. કાચી સામગ્રીને પકવવા માટે અગ્નિનો ઉપયોગ આપણે કરીએ છીએ, ત્યારે મને થાય છે કે સમગ્ર સંસારના જીવો આકરી કસોટીમાંથી પસાર થઈ, પાર વગરનાં કષ્ટો સહન કરે છે એ એક પ્રકારની અગ્નિપરીક્ષા છે. એ અગ્નિના માધ્યમથી એ જીવો – આત્માઓ પાકટ થતા હોય છે. પરમાત્મા પાસે પહોંચવા માટે સંસારની ભઠ્ઠીમાં અગ્નિનો અનુભવ પામવો એ રીતે આવકારદાયક ગણી શકાય. આવો, આપણે સૌ અગ્નિપરીક્ષાઓમાંથી પાર ઊતરીએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સર્જનનું વિશાળ આકાશ – રીના મહેતા
પ્રકાશનું પ્રતિબિંબ – અનુ. એન.પી. થાનકી Next »   

7 પ્રતિભાવો : ચૂલો અને ઈંધણ – ભગીરથ બ્રહ્મભટ્ટ

 1. Hiral Thaker 'Vasantiful' says:

  Nice article. See ‘Chula’ so many times but don’t think this much deep meaning anytime.

  Thanks

 2. કલ્પેશ says:

  આવી ઘણી બધી વસ્તુઓ આપણા ઘરમાથી અદ્રશ્ય થઈ ગઈ છે.

  દા.ત. ખાંડણી-પારો (દસ્તો) , કુંડી, લોટો, સગડી, તાસક (મોટી થાળી જેવુ વાસણ)

 3. VB says:

  Sorry, but, What is the relevance of the article?

 4. bharat dalal says:

  Heritage . A result of decades of our life style. Interesting.

 5. The writer is well versed in the village life; it is very interesting. Finally we are advised to pass from our own AGNi pariKSHA.what a nice lesson after all home discussion ! congs…….

 6. Sudhir Bhatt says:

  Dear Bhagirathsir,
  I know you from last five years as a “Shabdo Na Saudagar”.I read “Meetha No Rotlo”to this essay but i got so many new thought which are most general but representation is in such a way that a illiterate people can understand and get interest from it.Thanking you to give us such a nice contents and way of understanding.

  yours trualy
  Sudhir Bhatt

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.