પ્રકાશનું પ્રતિબિંબ – અનુ. એન.પી. થાનકી

[રોડની કોલિનકૃત ‘ધી મિરર ઑફ લાઈટ’ નો ગુજરાતી અનુવાદિત પુસ્તક ‘પ્રકાશનું પ્રતિબિંબ’ માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા બદલ શ્રી થાનકીભાઈનો (ગાંધીનગર) ખૂબ ખૂબ આભાર.]

વિચારવા માટે ઘણી અગત્યની બાબતો છે. ગરબડો કરવા માટે કોઈ સમય નથી. આપણી જાત માટે વિચારવાનો સમય નથી. આપણે વિચારવું જોઈએ કે ‘આવનારા લોકો માટે હું કામ કરી રહ્યો છું.’ ત્યારે આપણું ચિંતન અમર્યાદ બને છે. આપણે આપણી જાત માટે જ વિચારીએ અને કહીએ કે ‘મેં શું કર્યું છે ! મેં કંઈ ભૂલ કરી છે !’ આપણે આપણી જાતને સીમિત કરીએ છીએ. આપણે આ રીતે મર્યાદિત બનવું જોઈએ નહીં. આપણે સમજવું જોઈએ કે આપણે સાધનમાત્ર જ છીએ. ક્યારેક આપણે છીએ તેવું વિચારીએ નહીં તો જે થઈ શકે છે, તેની કોઈ મર્યાદા જ નથી.

આપણી કોઈ ભૂલચૂકથી આપણે મરી ગયા નથી. આપણે તેમાંથી શીખીએ તો તે સારું છે. અજ્ઞાનનો અર્થ છે, હજુ સુધી આપણી પાસે પ્રકાશ પહોંચ્યો નથી. નિદ્રા એટલે આપણે પ્રકાશની શોધ કરી નથી. અજ્ઞાનથી થતી ભૂલો માટે આપણે કંઈ ચૂકવવાનું નથી. પરંતુ નિદ્રા દ્વારા થયેલી ભૂલો માટે આપણે ભોગવવાનું રહે છે. એક ને એક ભૂલ બીજી વાર કરીએ તો તેનું કારણ આપણે નિદ્રામાં ફરી સરી ગયા તે છે. પ્રમાદી માણસ આ ને આ પછીનો – એમ બન્ને લોક ગુમાવે છે.

અજ્ઞાન નિર્દોષતાને હણે છે. દુષ્ટતા નિર્દોષતાને મારે છે. દંભ નિર્દોષતાનો નાશ કરે છે. પોતાની જાત પ્રત્યે જૂઠ બોલવું – એ આડંબર છે. આપણે આપણી જાત વિશેનું સત્ય જાણીએ ત્યારે મુક્તિની આશા કાયમ રહે છે. જ્યારે આપણે જાહેરમાં આપણી ભૂલ સ્વીકારીએ તો તે ભૂલ ફરીથી આપણે કરીએ નહીં. આપણે આપણી અંદરની બધી જ બાબતોનો સામનો કરવો જોઈએ. આપણે જાણીએ છીએ કે આપણામાં નકારાત્મકતા છે. આપણે કેટલા સબળ છીએ તે જોવા ઈશ્વરે પ્રલોભનો મૂક્યાં છે. આપણે બહાનાં ન કરીએ પરંતુ આપણી અંદર પ્રલોભનોને પ્રવેશવા નહીં દઈએ, તેનો સામનો કરીએ તો તે ઘટતાં જ જાય છે.

આપણે અનુભવના આધારે આપણી પ્રવૃત્તિનાં સોપાન રચીએ છીએ. આપણે વારંવાર પડીએ છીએ. પરંતુ આપણી ભૂલો આપણને ઉપર ધકેલે છે. અનુભવ ન હોય તો આપણે વધુ ને વધુ ભૂલો કરતા રહીએ છીએ. આપણે સતત જાગૃત ન રહીએ તો કોઈ અન્યના અનુભવનો લાભ નહીં લઈ શકીએ.

સમસ્યાઓથી ક્યારેય કોઈ મરી ગયું નથી. આપણી સામે ઉપસ્થિત થયેલી બાબતો સાથે કામ નહીં કરીએ તો ઈશ્વર તેનાથી આપણને દૂર રાખશે. સમસ્યા નહીં પરંતુ આત્મદયા અને ચિંતા જ વ્યક્તિને મારે છે. ચિંતા લોકોને હણે છે, કારણ કે લોકો તેને આવી તક આપતા રહે છે. લોકોને ચિંતા કરવી ગમે છે. કાલ્પનિક ન હોય, મનમાં ન હોય એવા કોઈ પ્રશ્નો ન હોઈ શકે. આપણા જીવનના તબક્કા હોય છે. ક્યારેક આપણે તેના માટે તૈયાર નથી હોતા. આપણે સતર્ક હોઈએ તો કોઈ પ્રશ્ન જ નથી. સમસ્યાઓ રૂપે દેખાતી ઘણી સ્થિતિઓમાં ઘણાં પરિબળો હોય છે. દા.ત. આળસ. તેમાં સમજનો અભાવ હોય છે, જે મુશ્કેલી સર્જે છે. સમસ્યાઓ નિયંત્રણ હેઠળ હોય તો તે આપણને ઊંઘતા ઝડપતી નથી. આપણા અજ્ઞાનના બહાના તરીકે તેને આપણે સમસ્યાનું નામ આપવું પડે છે. માણસ જાતને, જાતે સમસ્યા પેદા કરતા રહેવાનું ગમે છે. કારણ કે તે એવું માને છે કે સમસ્યા હોવી એ બહાદુરીની નિશાની છે. લોકો સમજતા નથી કે તે મૂર્ખામી છે, સમયનો વ્યય છે.

આધ્યાત્મિક સાંત્વન મેળવવાની સાચી રીત આપણે જાણતા ન હોવાથી, સાચી રીતે કષ્ટોને સહન કરતા નથી. આ કારણે જે વ્યક્તિ પ્રમાણિકતાથી પોતાની જાત પર, પોતાની જાતમાં પોતાની જાત માટે કામ કરે છે, તે વધુ સહેલાઈથી પ્રતિકૂળતા સહન કરી લે છે. સફળતા આપણને વારંવારના પતનનું કારણ બને છે અને કષ્ટ કરતાં વધુ નીચે પાડે છે. વ્યક્તિને મફત મળતી ભેટ કોઈ મૂલ્ય ધરાવતી નથી.

આપણે ભોગવવાનાં બધાં કષ્ટ ઘણાં જ મહત્વનાં હોય છે, કારણ કે તે આપણો વિકાસ સાધે છે. આપણી સામે આવતી દરેક બાબતોનો આપણા વિકાસના સાધન તરીકે સ્વીકાર કરવાનો છે. આપણે માનીએ છીએ કે આપણે સંદેહ ન કરવો જોઈએ. પણ તેથી વિરુદ્ધ, આપણે સંદેહ કરવો જ જોઈએ. જ્યાં સુધી આપણે જાતે કોઈ વસ્તુ, તે શા માટે સાચી છે તે શોધીએ નહીં ત્યાં સુધી તેને આપણે સ્વીકારવી ન જોઈએ. સંદેહનો અર્થ શું છે તે આપણે જાણવું જોઈએ. સામાન્ય રીતે આપણે પૂર્વગ્રહને જે સંદેહ કહીએ છીએ. આપણે કહીએ છીએ, ‘મને આ વિધાન પ્રત્યે સંદેહ છે.’ ત્યારે આપણે તેના વિશે કોઈ સંદેહ કર્યા વિના તે સાચું નથી, તેવું મનમાં નક્કી કરીને જ આપણે કહેતા હોઈએ છીએ, તેવો અર્થ થાય છે. બીજી બાજુ, આપણે સ્વીકારવા ઈચ્છતા હોઈએ તો કોઈ બાબત સાચી હોત તો પણ, વ્યક્તિગત રીતે આપણને અનુરૂપ હોય તેવા કારણસર તેને સ્વીકારી લેવી ન જોઈએ. આપણને શંકા હોય તો તે બાબત અંગે આપણે તપાસ કરી લેવી જોઈએ. આપણે સાબિત કરવું જોઈએ કે આપણે સાચા છીએ કે ખોટા. પી.ડી. ઓસ્પેન્સ્કી હંમેશા કહેતા કે ‘હું કહું છું તે માનશો નહીં, તમારી જાતે શોધી કાઢો.’ ઘણી વાર જેને આપણે શંકા કહીએ છીએ, તે માત્ર દંભ જ હોય છે. આપણે કહીએ, ‘મને આશ્ચર્ય છે કે આ ખરું છે ?’ તેને બદલે આપણે કહેવું જોઈએ, ‘આ કોઈ એવી બાબત છે, જે હું જાણતો નથી. હું શા માટે માનતો નથી ? કારણ કે હું તે સમજતો નથી.’ ત્યારપછી આપણે અભ્યાસ કરી શકીએ. આપણે આપણી સમજનો અભાવ સ્વીકારવો જોઈએ અને તેનો સ્પષ્ટ અર્થ સમજવો જોઈએ.

આપણે પૂર્વગ્રહ અને જ્ઞાનનો ભેદ જાણવો જોઈએ. કોઈ પણ અભિપ્રાય માટે પાયાના ચાર અભિપ્રાય મેળવવાથી તે પૂર્વગ્રહ છે કે કેમ તે સ્પષ્ટ થાય છે. આપણી પોતાની કક્ષા, રુચિ અથવા જ્ઞાનની વિરુદ્ધની કોઈ બાબતનો સ્વીકાર એ પૂર્વગ્રહ નથી. પૂર્વગ્રહ એ કપટ છે. કોઈ પૂર્વગ્રહનું આપણે વિશ્લેષણ કરીએ તો આપણે જોઈશું કે તે સાચો નથી. આપણે આપણી જાતે જ દરેક પૂર્વગ્રહનું પૃથક્કરણ કરવું જોઈએ. ‘હું આ માનું તો અન્ય દરેક વ્યક્તિ માનશે જ.’ તે એક પૂર્વગ્રહ છે. પૂર્વગ્રહ એક મર્યાદા છે. આપણે કોઈ પૂર્વગ્રહ ધારણ ન કરવો જોઈએ. કારણ કે તેનો અર્થ છે, આપણી જાતને બંધ કરવી. અજાણતાં કોઈની હત્યા કરવા કરતાં પૂર્વગ્રહથી પીડાઈને કોઈને મારવું તેમાં વધુ પાપ છે. આપણે પસંદ હોય એ પ્રમાણે આપણે કામ કરીએ, પરંતુ આપણે પૂર્વગ્રહપૂર્વક તે કરીએ તો તેમાં કોઈ ગરિમા નહીં હોય. ગરિમા મેળવવા આપણે ખુલ્લા રહેવું જોઈએ. આપણા ન હોવાનું કારણ, ‘તમે નહીં માનો કે હું છું, તો તમે તમારા પાપથી મરી જશો.’ – એવી આપણી વિચારવાની રીત બને છે.

લોકો માને છે કે પૂર્વગ્રહથી પ્રતિક્રિયા કરવી એ માનવીય છે; એ માનવીય નથી, તે પ્રાણી જેવું છે. માનવી બનવું એટલે મુક્ત બનવું. તેનો અર્થ છે લાગણી સાથે વિચારનું સંયોજન. અન્ય લોકોની લાગણીઓનો, જરૂરિયાતોનો અનુભવ કરવો. તેનો મતલબ છે ઉચ્ચ પ્રભાવ પ્રત્યે ખુલ્લા રહેવું અને સાથોસાથ નિમ્નસ્તર, સૌથી ભારે તરંગોને ઝીલવા અને તેમનો સંગ્રહ કરવો જેથી પ્રકાશ અવતરી શકે. વીજળીની જેમ, તેમાં બે ધ્રુવ વચ્ચેના જોડાણ માટે ઘન અને ઋણ ભાર હોય છે. માનવ બનવાનો આ અર્થ છે – અન્ય સાચા, મુક્ત લોકો જે અનુભવતા હોય તે પ્રતિ જીવંત બનવાનો છે. તેમના પ્રતિ સંવેદનશીલ બનવાનો છે. સાથોસાથ, સત્ય શું છે, તેમને શેની જરૂર છે તે કઈ રીતે કહેવું તે જાણવાનો છે.

પૂર્વગ્રહ હોય ત્યાં સુધી આપણે નિર્ણય કરવાનો પ્રયત્ન કરતા રહીએ ત્યાં સુધી, આપણે ક્યારેય આપણી જાત બની શકીએ નહીં. આપણે બધા એકબીજા માટે અરીસા છીએ, આપણે આપણી જાતને જોઈએ, તેની વિરુદ્ધ અન્ય લોકોને જોઈએ છીએ તેથી આપણે નિર્ણય કરવો જોઈએ નહીં. આપણે હંમેશા મૂલ્યાંકન કરવું જોઈએ, નિર્ણય નહીં. મૂલ્યાંકન અને નિર્ણય વચ્ચે શું ભેદ છે ? મૂલ્યાંકન એટલે નિરિક્ષણ કરવું. નિર્ણય કરવો એટલે આ બાબત શા માટે છે અને તે કેવી હોવી જોઈએ તે કહેવું. કોઈ જાડા માણસને આપણે જોઈએ અને કહીએ કે, ‘તે 200 પાઉન્ડનું વજન ધરાવતો હોય એવું મને લાગે છે.’ તો આપણે તેનું મૂલ્યાંકન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. આપણે કહીએ કે, ‘તે માણસ આટલો જાડો ન હોવો જોઈએ. તે લોભી થઈને ખૂબ વધારે ખાતો હોવો જોઈએ.’ ત્યારે આપણે નિર્ણય કરવાનો પ્રયત્ન કરીએ છીએ. તે શા માટે જાડો છે તે આપણે કઈ રીતે કહી શકીએ ? કદાચ તે કોઈ ગ્રંથિની બીમારીથી પીડાતો હોઈ શકે છે.

આપણે આપણાં પોતાનાં ઉચ્ચતમ ધોરણોથી જ મૂલ્યાંકન કરવું જોઈએ. આપણામાં રહેલી કોઈ પણ બાબતનું આપણે મૂલ્યાંકન કરી શકીએ નહીં. બહારથી કંઈ ન આવે ત્યાં સુધી આપણે મૂલ્યાંકન કરી શકીએ નહીં. મૂલ્યાંકન કઈ રીતે કરવું ? જોઈને, સરખામણી કરીને મૂલ્યાંકન કરવું, કોઈ વ્યક્તિ એક નિશ્ચિત તબક્કામાંથી પસાર થઈ રહી છે અને શા માટે પસાર થઈ રહી છે તે જોવું પ્રમાણિક છે. મૂલ્યાંકન શા માટે છે તે શોધવા પ્રયાસ કરવા. પરંતુ કોઈ વ્યક્તિ મૂઢ છે તેમ કહેવું તે નિર્ણય છે. આપણે નિર્ણય કરી શકીએ નહીં. નિર્ણય કરવા માટે આપણે વ્યક્તિ વિશે, તેના સંપૂર્ણ વારસા વિશે અને તેમના તમામ પર્યાવરણ અને તેના ગર્ભાધાનથી અત્યાર સુધીમાં તેના પર અસર કરતી બાબતો વિશેની જાણકારી ધરાવતા હોવા જોઈએ. તેના કાર્યને તેની સંભાવનાઓ સાથેની તુલના કરવાની સક્ષમતા માટે આપણી પાસે ઉક્ત તમામ બાબતો આપણા મગજમાં હાજર રહેવી જોઈએ. લોકો જ્યાં સુધી આ લોકમાં હોય ત્યાં સુધી ઈશ્વર પણ તેનો ન્યાય કરતો નથી.

કંઈક એવું કહેવામાં આવે, જે આપણને નિષ્ઠુર લાગે, પરંતુ તે કહેવા પાછળનો હેતુ આપણે જાણતા નથી અને જેને કહેવામાં આવે તેના પરની અસર પણ જાણતા નથી. આપણે તેમ કહ્યું હોય તો આપણા માટે તે નકારાત્મક હોઈ શકે. અથવા આપણે જેને કહીએ તે વ્યક્તિ કદાચ તેને નકારાત્મક રીતે લઈ શકે. પરંતુ આપણે ન કહી શકીએ કે અન્ય લોકો વચ્ચે તે નકારાત્મક હતી. આપણે જોઈએ કે કોઈ વ્યક્તિ ચિંતિત છે અને જે બાબત આપણને ચિંતિત કરી શકતી નથી તે તેને ચિંતિત કરે છે. તે તેને સમજાતું નથી. આપણે કોઈનો ન્યાય કરી શકીએ નહીં. આપણે કોઈને મદદ કરવા એટલું જ કરી શકીએ કે જેથી તેને શક્તિ મળે. તેને ચિંતા કરાવતી સ્થિતિમાં પરિવર્તન આવે, જેથી તે તેમાંથી બહાર આવે. આપણે નિર્ણય કરી શકીએ નહીં. અને કોઈ આપણો નિર્ણય કરી શકે નહીં. આપણે સર્વે લોકોનો આદર કરીએ, આપણી જાતને સ્વચ્છ કરીએ અને સાચી લાગણીઓને બહાર આવવા દઈએ.

આપણે શાણા હોઈએ તો આપણે આપણી જાતનો ન્યાય કરીએ નહીં. આપણે કોઈ ન્યાય કરી શકીએ નહીં, કારણકે આપણે સંપૂર્ણ નથી. માત્ર સંપૂર્ણ વ્યક્તિ જ ન્યાય કરી શકે. પરંતુ આપણે મૂલ્યાંકન જ કરી શકીએ. મૂલ્યાંકન દ્વારા આપણે તુલના કરી શકીએ. આપણે સમજી શકીએ, વિરોધ કરી સમજી શકીએ, ધ્રુવ સમજી શકીએ.

જે વ્યક્તિ સાથે આપણે વાત કરી રહ્યા હોઈએ, તેમાં પૂરતું ધ્યાન દેવા જાગૃત બનવું તે કાર્ય-કામ (સાધના) છે. તેથી આપણે ઘણી વાર આપણી પ્રતિક્રિયાઓ જ જોઈએ છીએ. આ બેહોશી-નિંદ્રા છે. જાગૃત બનવું એટલે, અન્ય વ્યક્તિમાં આપણી જાત વિશે જાગૃત બનવું. આપણામાં રહેલી બાબતો વિશે જાગૃત બનવું. આપણામાં રહેલી બાબતો જ આપણે અન્યમાં જોઈએ છીએ. દા.ત. હું જોઉં કે અન્ય વ્યક્તિ આળસુ છે, તો તેનું કારણ છે કે હું જાતે આળસુ છું. હું આળસુ ન હોત તો અન્ય વ્યક્તિની આળસ હું જોઈ શકું નહીં. હું કદાચ જોઉં કે તે વ્યક્તિ ધીમી છે અથવા તો થાકેલી છે અથવા યોગ્ય રીતે કાર્ય નહીં કરી શકવાનાં અન્ય કારણો શોધું. પરંતુ આળસુ છે, તે હું નહીં જોઉં.

આપણે જોવું જોઈએ કે અન્ય વ્યક્તિઓમાં નહીં પરંતુ આપણામાં જ બૂરાઈ છે. તેઓ અજ્ઞાનતા કે અંધત્વને કારણે ખોટું કરે છે. આપણે અન્ય કોઈ વ્યક્તિને બૂરા હોવાનું દોષારોપણ કરી શકીએ નહીં, કારણ કે આપણને ખરાબ લાગતું કોઈ કાર્ય તેઓ કરે તો, તેની પાછળનાં કારણો આપણે જાણી શકતા નથી. પરંતુ દરેક વ્યક્તિ ખુદ જાણે છે કે તે કંઈક ખોટું કરે ત્યારે તે તેને નિવારી શકી હોત. આપણે ક્યારેય અન્યનો ન્યાય કરી શકીએ નહીં, પરંતુ આપણો અંતરાત્મા નિર્ણય કરી શકે; તે આપણી જાત વિશે નહીં પણ આપણા ચોક્કસ કેસમાં નિર્ણય કરી શકે. આપણે મૂલ્યાંકન કરીએ અને ન્યાય ન કરીએ તો અન્ય લોકો આપણો ન્યાય કરી શકે નહીં.

પ્રેમ એ જ સર્વસ્વ છે; તે સમજ છે. આપણે અન્ય લોકોને તેમના સદ્દગુણને લીધે ચાહતા નથી. આપણે કઈ રીતે કહી શકીએ કે કોઈ વ્યક્તિ દંભ માટે સાચી બાબત કરે છે ? આપણે નિર્ણય કરી શકીએ નહીં. લોકોને તેમની નિષ્ફળતા માટે આપણે ચાહીએ છીએ. કારણ કે તે નિષ્ફળ છે. અને તેને નીચે ઉતારવાની જરૂર છે. બીજી વ્યક્તિ નબળી છે તેને વિશ્વાસની જરૂર છે. લોકોની જરૂરિયાતો માટે આપણે લોકોને ચાહીએ છીએ. આપણે અન્ય લોકોના ગુણ શોધવા જ જોઈએ અને તેમની ઊણપો આપણાં પાપોથી ઢાંકવી જોઈએ. આ રીતે આપણે ન્યાય નહીં કરવાનું શીખી શકીએ.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ચૂલો અને ઈંધણ – ભગીરથ બ્રહ્મભટ્ટ
સ્મરણ થઈ જાય છે – આબિદ ભટ્ટ Next »   

6 પ્રતિભાવો : પ્રકાશનું પ્રતિબિંબ – અનુ. એન.પી. થાનકી

  1. VB says:

    Too heavy mirror.

  2. Too lengthy article… but good.

  3. neetakotecha says:

    khub saras

  4. Prashant Oza says:

    well, bahu j sakht article che….pan marmikta khub j saras hati..

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.