- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

પાંદડે પાંદડે મોતી – સં. મહેશ દવે

[1] શિવાજીનું અભિમાન

ઘણાં યુદ્ધો જીત્યા પછી શિવાજી મોટો કિલ્લો બંધાવી રહ્યા હતા. સેંકડો મજૂરો કામે લાગ્યા હતા. સાંજ પડે કામ બંધ થતું. મજૂરોને તેમની મજૂરી ચૂકવાતી. મજૂરીના પૈસા લઈ મજૂરો રાજી રાજી થઈ ઘેર જતા. તે પૈસામાંથી તેઓ સાંજ પડ્યે ખાધાખોરાકીની વસ્તુઓ લાવતા, રસોઈ બનાવતા, ખાઈપી સંતોષ અનુભવતા. શિવાજી આ બધું નિહાળતા. તેમને થતું, ‘કેટલા બધા માણસો અને તેમના કુટુંબને હું રોજી-રોટી પૂરી પાડું છું.’ તેમની છાતી ગજ ગજ ફુલાતી. શિવાજીના ગુરુ રામદાસ સ્વામીએ એક દિવસ આ દશ્ય જોયું.

થોડા દિવસ પછી ગુરુ રામદાસ ફરી સાંજના એ જ સમયે આવ્યા. શિવાજીને કહ્યું : ‘શિવાજી, તું કેટલા બધાને ખાવા-પીવાનું પૂરું પાડે છે. ખરેખર તું મોટો અન્નદાતા છે.’
શિવાજી પોરસાયા, પણ દંભથી બોલ્યા, ‘બધી તમારી કૃપા છે, ગુરુજી.’
ગુરુ રામદાસ સ્વામીએ શિવાજીને કહ્યું : ‘શિવાજી, અહીં સામે દેખાય છે તે પેલો ખડક જરા તોડો તો !’

શિવાજીએ હથોડાનો એક ઘા કરી ખડક તોડી નાખ્યો. તરત જ ખડક વચ્ચેથી એક દેડકો નીકળી પડ્યો અને તેની સાથે જ થોડું પાણી પણ બહાર આવ્યું. ગુરુ રામદાસે શિવાજીને પૂછયું : ‘વત્સ, આ દેડકાને ખડક વચ્ચે કોણે ખાવાનું અને પાણી પૂરું પાડ્યું હશે ?’ શિવાજી સમજી ગયા. તેમનું અભિમાન ઓગળી ગયું. તે ગુરુને ચરણે પડ્યા. ગુરુએ કહ્યું, ‘બધા માટે ઉપરવાળો જ વ્યવસ્થા કરે છે. દુનિયાના વ્યવહારમાં જેઓ અહીં પૈસા, અનાજ, પાણી આપે છે એ બધાં તો એના આડતિયા છે, નિમિત્ત છે. તેમની મારફત ઈશ્વર જ બધાને અન્ન-જળ પૂરાં પાડે છે.’

[2] પરિવેશનો પ્રભાવ

રાજાને સપનું આવ્યું. સપનામાં રાજાએ એક લુચ્ચા શિયાળને પોતાના ખોળામાં કૂદતું જોયું. રાજાએ ઢંઢેરો પિટાવ્યો કે આ સપનાનો સાચો અર્થ જે સમજાવી શકશે તેમને તેઓ સો સોનામહોર આપશે. કચરા નામના એક ખેડૂત યુવાનને દૈવી પક્ષીરાજે કહ્યું : ‘તને હું સપનાનો અર્થ કહું, પણ ઈનામનો અડધો ભાગ તારે મને આપવો પડશે.’ કચરો કબૂલ થયો. પક્ષીએ સપનું સમજાવ્યું, ‘રાજા પર કોઈ લુચ્ચો માણસ દગાથી હુમલો કરશે.’ કચરાએ રાજા પાસે જઈ સપનાનો અર્થ કહ્યો. રાજાએ તેને સો સોનામહોર આપી. થોડા દિવસમાં જ રાજાના અંગત માણસે લુચ્ચાઈથી રાજાને હટાવવા પ્રયત્ન કર્યો, પણ રાજા સાવધાન હતા એટલે બચી ગયા.

કચરાને થયું કે, ‘પક્ષીને અડધો ભાગ શા માટે આપવો ?’ તેણે પક્ષી રહેતું હતું તે મારગે જવાનું જ બંધ કર્યું. થોડા વખત પછી રાજાને બીજું સપનું આવ્યું. રાજાના માથાની આસપાસ લોહિયાળ કટાર ફરતી હતી. રાજાએ કચરાને સપનાનો અર્થ જણાવવા બોલાવ્યો. કચરો પક્ષી પાસે ગયો. પક્ષીને સમજાવ્યું અને બીજા સપનાનો અર્થ જણાવવા વિનંતી કરી. પક્ષીએ ઈનામનો અડધો ભાગ કચરો આપે એ શરતે સપનાનો અર્થ જણાવવા તૈયારી બતાવી. કચરો સંમત થયો. પક્ષીએ કહ્યું : ‘રાજ્યમાં કોમ-કોમ વચ્ચે ભારે લોહિયાળ હુલ્લડો થશે.’ કચરાનું અર્થઘટન સાચું પડ્યું, પણ રાજા તોફાનો દાબી શક્યા. રાજાએ કચરાને 1000 સોનામહોર આપી. આ વખતે પક્ષી ભાગ લેવા આવ્યું ત્યારે કચરાએ તેને મારવા તેની તરફ પથ્થર ફેંક્યો. જોકે પક્ષીને એ વાગ્યો નહીં.

થોડા મહિના પછી રાજાને ફરી વાર સપનું આવ્યું. આ વખતે રાજાને તેમના ખોળામાં એક પારેવું દેખાયું. રાજાએ ફરી કચરાને બોલાવ્યો. કચરો વળી પાછો પક્ષી પાસે પહોંચ્યો. આ વખતે એ જરૂર ભાગ આપશે તેની ખાતરી આપી. પક્ષીએ કહ્યું કે સપનાનો અર્થ એ છે કે રાજયમાં સુખશાંતિ રહેશે. રાજાએ આ વખતે કચરાને 10,000 મહોર આપી. કચરો ખુશ થતો થતો પક્ષી પાસે ગયો અને બધી સોનામહોર તેણે પક્ષીને આપી દીધી.

પક્ષીરાજે કચરાને કહ્યું : ‘વાતાવરણની માણસના ચિત્ત પર અસર થાય છે. પહેલી વાર લુચ્ચાઈ-દોંગાઈનું વાતાવરણ હતું તેની તારા પર અસર થઈ. બીજી વાર વાતાવરણમાં હિંસા હતી તેથી તું હિંસક બન્યો. ત્રીજી વાર સુખ-શાંતિના વાતાવરણે તને ઉદાર બનાવ્યો.’

[3] માયાનો અનુભવ

કેટલીક કાલ્પનિક કથાઓ અને ફિલ્મોમાં નારદને વિદૂષક જેવા દેખાડાય છે. તેમને લાકડાં લડાવનાર તરીકે પણ ચીતરાય છે. હકીકતમાં નારદ મહામુનિ હતા. કેટલાયને તે ઈશ્વર સમીપ લઈ ગયેલા. દાખલા તરીકે, વાલિયા લૂંટારાને એમણે જ જ્ઞાન આપેલું. એમણે એને સમજાવ્યું કે જેને માટે તે હિંસા અને પાપ કરતો હતો, તે પાપની જવાબદારી કોઈ નહીં ઉઠાવે. સર્વ પાપોની જવાબદારી તેને માથે જ રહેશે. વાલિયાએ આ વાતની ખાતરી કરી, તે પછી જ્ઞાન આપવા નારદને વિનંતી કરી. નારદે ‘રામ’ નામનો મંત્ર આપ્યો ને ‘મરા…મરા…’ જપતો વાલિયો વાલ્મીકિ ઋષિ બની ગયો. પાંચ વર્ષના ધ્રુવને નારદે જ ધ્યાન ધરતાં શીખવેલું.

નારદને ભગવાન કૃષ્ણ સાથે બહુ પ્રીતિ. કૃષ્ણને પણ નારદ માટે સ્નેહ ને આદર. એક વાર નારદે કૃષ્ણને કહ્યું : ‘ભગવાન મને માયાનો અનુભવ કરાવો.’ કૃષ્ણે કહ્યું : ‘ભલે.’ ભગવાન કૃષ્ણે નારદને ‘નારદી’ નામની સુંદર કન્યા બનાવી દીધી. એક પુરુષ નારદીના પ્રેમમાં પડ્યો, તેની સાથે લગ્ન કર્યાં. દંપતીને બાળકો થયાં. તેમાનું એક બાળક મૃત્યુ પામ્યું. નારદીના દુ:ખનો પાર ન રહ્યો. નદીકાંઠે બેઠાં બેઠાં એણે ઘણું કલ્પાંત કર્યું. રોઈ રોઈને આંખો સૂજી ગઈ. ત્યાં કોઈકે પીવા માટે પાણી માગ્યું. નારદીએ મોં ઊંચું કરી ઉપર જોયું તો સામે દેખાયા સ્મિત કરતા ભગવાન કૃષ્ણ ! નારદ સમજી ગયા કે જે કંઈ બની ગયું એ માયા હતી.

માયા એટલે એવો ભ્રમ જે સત્યને ઢાંકી દે છે. અજ્ઞાનને કારણે મનુષ્ય પોતાના દિવ્ય તત્વને ભૂલી જાય છે અને પોતે જે નથી તેને પોતાની સાચી જાત માનવા માંડે છે. નારદભક્તિસૂત્રમાં નારદે માયામાંથી છૂટવાનો માર્ગ બતાવ્યો છે – વળગણ છોડો, મહાનુભાવની સેવા કરો અને ‘હું ને મારું’ માંથી મુક્ત થાઓ.

[4] ભ્રષ્ટાચાર અને પ્રમાણિકતા

એક રાજાએ મોટી મિજબાની ગોઠવી હતી. મિજબાનીમાં ભોજનની ભાતભાતની વાનગીઓ ઉપરાંત વિવિધ પ્રકારનાં ફળ પણ રાખ્યાં હતાં. બધા પ્રકારનાં ફળ મળ્યાં હતાં. પણ સારી કેરી મળી નહોતી. આથી રાજાને તેનું દુ:ખ હતું. ત્યાં ફળની લારી લઈ એક ફેરિયો નીકળ્યો. તેની લારીમાં સરસ મજાની કેરીઓ પણ હતી. દરવાને ફળવાળાને ઊભો રાખ્યો અને કહ્યું કે ‘રાજાને સારી કેરીઓ જોઈએ છે. તારી કેરીઓ રાજા ખરીદી લેશે, પણ કેરી માટે તને જે ધન મળે તેનો અડધો ભાગ મને આપે તો હું તને રાજા પાસે લઈ જાઉં.’ ફળવાળાએ થોડી વાર વિચાર કર્યો અને પછી કહ્યું : ‘ભલે, તને અડધો ભાગ આપીશ. મને રાજા પાસે લઈ જા.’

દરવાન લારીવાળાને રાજા પાસે લઈ ગયો. રાજા સરસ કેરીઓ જોઈ ખુશ થઈ ગયા. તેમણે બધી કેરીઓ ખરીદી લીધી પછી ફળવાળાને પૂછ્યું, ‘ભાઈ, તને કેરીના કેટલા રૂપિયા આપું ? તને મોં માગ્યા રૂપિયા આપીશ, કારણ કે તારી કેરીઓ સારી છે અને મારી મુશ્કેલી તેં દૂર કરી છે.’ ફળવાળાએ કહ્યું : ‘રાજાજી, મને કેરીના બદલામાં ચાબૂકના સો ફાટકા મારો. એ જ મારી કિંમત.’

રાજાને આશ્ચર્ય થયું. તેમણે ફળવાળાને ચાબુકના ફટકાને બદલે રૂપિયા માગવા માટે ઘણું સમજાવ્યો, પણ ફળવાળો એકનો બે ન થયો રાજાએ ફળવાળાને બહુ ધીરે ધીરે સો ફટકા મારવા તેમના સિપાઈને કમને હુકમ કર્યો. સિપાઈએ ધીમે ધીમે પચાસ ફટકા પૂરા કર્યા ત્યારે ફળવાળાએ સિપાઈને રોક્યો. તેણે રાજાને કહ્યું : ‘કિંમતમાં તેનો એક ભાગીદાર છે. તેને બોલાવો અને બાકીના પચાસ ફટકા તેને મારો.’ આમ કહી ફળવાળાએ દરવાનને બોલાવવા કહ્યું.

રાજાએ બધી વાત પૂછી. ફળવાળાએ જે બન્યું હતું તે બધું કહ્યું અને જણાવ્યું કે તમારી પાસે કેરી લઈ આવતાં પહેલાં દરવાને કિંમતનો અડધો ભાગ લેવાની શરત મૂકી હતી. રાજા બધું સમજી ગયા. પૂરેપૂરા જોસથી બાકીના પચાસ ફટકા દરવાનને મારવા તેમણે સિપાઈને હુકમ કર્યો અને દરવાનને નોકરીમાંથી કાઢી મૂક્યો. રાજાએ ખુશ થઈ ફળવાળાને કેરીઓની સારી કિંમત આપી. દરવાનનો ભ્રષ્ટાચાર તેમની પાસે ચતુરાઈથી ખુલ્લો કરવા ઈનામ પણ આપ્યું.
ભ્રષ્ટાચારને વશ થયા વિના, ચતુરાઈથી તે ભ્રષ્ટાચાર ઉઘાડો પાડવો જોઈએ જેથી ભ્રષ્ટાચાર દૂર કરી શકાય અને પોતાની પ્રામાણિકતાનું ઈનામ મેળવી શકાય.