- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

સાચો વાંચનરસ : ઝવેરચંદ મેઘાણી

પ્રજાના નિત્ય વિકસતા જતા વાંચનરસનો નવયુગ ઊઘડયો છે.ભાતભાતના વાંચન-પ્રદેશોની ભૂખ પ્રજામાં ઊઘડી છે. પ્રજાના ઊમિતંત્રમાં અનેક સંચા ખોટકાયા છે. તેને ઠેકાણે લાવવા માટે કાવ્યને, ચિત્રને, નૃત્યને પ્રજામાં પ્રતિષ્ઠિત કરવાના છે. પેટની ક્ષુધાવૃત્તિની સાથેસાથ પ્રજાની બીજી લાગણીઓ પણ સંતોષવાની છે.

સાહિત્ય એ સમસ્ત લોકપ્રાણને ડોલાવી શકે એવી વસ્તુ છે. વધુમાં વધુ લોકસમુહને ગમ્ય તેમજ ભોગ્ય બની રહે એવું તેનું સ્વરુપ હોવું જોઈએ.

સાહિત્ય એટલે મુંબઈના મહોલ્લાના કોઈ ત્રીજા માળ પર ખરે બપોરે માંડ માંડ દંદૂડી પાડતા નળનું પા-અરધી ડોલ પાણી નહિ. સાહિત્ય તો સાગરવેળ : જીવનના વિશાળ ક્ષેત્રને અણુએ અણુએ આપ્લાવિત કરી મૂકે, ચોમેર જીવન જીવન ઊછળતું કરી મૂકે એવી સચેતન દશા સાહિત્યની થાય.

સાહિત્યનો ફાલ ગુજરાતને ગૌરવ અપાવે તેટલો છે.

સાહિત્યની અભિરૂચિ કેળવી શકાય છે. સાહિત્યના સારા-નરસાપણાની નાજુક સમજશક્તિનું પ્રજામાં ઘડતર કરવા માટે સારા સાહિત્ય પ્રત્યે નિદેશ કરતા રહેવો ઘટે છે. નવા યુગની ભાવનાઓ સંતોષતી કૃતિઓ જ્યાં મળે, તે લોકોને સુપ્રાપ્ય બનાવવાની છે. સાહિત્ય-સજૅનોને કડક તુલા પર ચડાવનારા, પ્રચારકવેડાથી મુક્ત કલાપારખુઓ હોય તો મૂલ્યાંકન સ્વચ્છ બને. કલાની પરિક્ષાએ હોવી જોઈએ કે લાગણીની સચ્ચાઈ શામાં છે ? રસનું ચિરગુંજન શામાં છે. જીવન પર મામિક પ્રકાશ નાખતી દષ્ટિ શામાં છે ?

તમે જેનું વાંચન કરો તેનાં ઊમિ-સંવેદનનો સ્થિર દીપક તમારા દિલમાં બળ્યા કરે, એ દીપકની જ્યોત ભડક ભડક ન થાય – તે સ્થિતિ સાચા વાંચનરસની છે.