- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

વસમું લાગ્યું – ગોવિંદ ગઢવી ‘સ્મિત’

ડાળેથી વિખૂટા પડતાં વસમું લાગ્યું
રજકણથી સંગાથે ઉડતાં વસમું લાગ્યું

સફળ થવાનો વિકટ રસ્તો સહેલો લાગ્યો
નિષ્ફળતાની કેડી ચડતાં વસમું લાગ્યું

ગણપતિ સ્થાપન પૂજી કંકુ થાપા દીધા
ભીંત ઉપર લાગણીઓ જડતાં વસમું લાગ્યું

એ દોસ્ત નથી સહેલું તું પણ અજમાવી જો જે
આંખેથી આંસુને દડતાં વસમું લાગ્યું

ધાર્યા મુજબ કંઈ હતું ના તો પણ વાંચ્યું
જીવતરનું પાનું ઉઘડતાં વસમું લાગ્યું

અઢળક બીબાનું સર્જન કરતા ઈશ્વરને
એક જ ઘાટ ફરીથી ઘડતાં વસમું લાગ્યું

કંઈક ફણીધર આડા ઊતર્યા, કંઈ થયું ના
ઈર્ષાનો એરૂ આભડતાં વસમું લાગ્યું.