- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

જીવનસુત્રો – અનુભવાનંદજી

[‘સોક્રેટિસ અને પ્લેટોના જીવનસુત્રો’ પુસ્તકમાંથી સાભાર.]

[01] બીજાના જે દોષોને આપણે વખોડતા હોઈએ, તે જ દોષમાં આપણે પોતે ન પડીએ, તે માટે સજાગ રહીએ તો સારું !

[02] મિત્રતા બાંધતા પહેલાં, સર્વપ્રથમ આપણે સ્નેહની એક વ્યાખ્યા સ્થાપિત કરીએ કે જેથી કરીને તેનો સ્વભાવ અને શક્તિ આપણને સમજાય.

[03] વિવેક માનવીને શુદ્ધ વિચારો દ્વારા સદગુણ તરફ દોરે છે અને પોતાનો અધિકાર સ્થાપિત કરીને એ માનવીને મિત્રાચારી બનાવે છે.

[04] દષ્ટિ એ આપણી કાયાની ખૂબ જ તીવ્ર ઈન્દ્રિય હોવા છતાં, તે ડહાપણને ઓળખી શકતી નથી.

[05] વાગશક્તિ કોઈ પણ માણસને સત્ય જ્ઞાન વગર બોલવાની ફરજ પાડતી નથી પણ વાગદેવી કહે છે કે : મારી પાસે આવતાં પહેલાં સત્યની પ્રાપ્તિ કરો અને પછી મારી આરાધના કરો.

[06] સદગુણ શીખવી શકાતો નથી. એને એકત્રિત કરી શકાય. એકત્રિત કરવું એટલે પોતાની સઘળી શક્તિ એકઠી કરવી, આત્મનિમગ્ન થવું.

[07] તમારા માટે તેઓ ખરાબ બોલે છે એમ જ્યારે પ્લેટોને કહેવામાં આવ્યું ત્યારે પ્લેટોએ પોતાના મિત્રને કહ્યું : ‘હું હવે પછી એવી રીતે જીવવાની વધુ કાળજી લઈશ કે તેઓના કહેવા ઉપર કોઈને વિશ્વાસ જ ન આવે.’

[08] પોતે કેવી રીતે અને ક્યાંથી માહિતી મેળવી –તે સરળતાથી માનવી ભૂલી જાય છે અને અન્યનો પરિશ્રમ પોતાને નામે ચડાવી દેવા તે મથે છે.

[09] પોતે કઈ બાબત ઉપર વિચાર કરવા માગે છે તે જો નક્કી નહીં કરે, તો તે ખોટા વિચારે અને ખોટા માર્ગે ચડી જશે.

[10] દરેક બાબતની મૂળ બાબતોનું અજ્ઞાન હોવા છતાં પોતાને તેનું જ્ઞાન છે તેમ માની લઈને ચાલનાર વ્યક્તિ ક્યાંય પણ પહોંચતો નથી. તેના કોયડા વણઉકેલ્યા રહે છે.

[11] વ્યક્તિમાં રહેલા દૈવી અને માનવીય આત્માના સ્વભાવનું સત્ય દરેકે તપાસવું જોઈએ અને વ્યક્તિની પરિસ્થિતિ અને શક્તિનું અવલોકન કરવું જોઈએ.

[12] અંતરના ઉમળકાને ઉન્માદ કહેવો હોય તો ભલે કહો. માનવીના હિત ખાતર અર્પેલો આવો ખરો ઉમળકો, એ ઈશ્વરની સર્વોત્તમ બક્ષિસ છે.

[13] સામી વ્યક્તિના ખરા સ્વભાવની પૂરેપૂરી સમજણ મેળવ્યા સિવાય તેને ખોટા માર્ગેથી ખરા માર્ગ ઉપર લાવી શકાતો નથી.

[14] સુવિચાર સેવનાર અને તે પ્રમાણે વર્તનાર માનવી બીજામાં પણ એવા જ સુવિચારનું બીજારોપણ કરશે કે જેના મીઠાં અને સારાં ફળ આવ્યા વગર રહેશે નહિ. આ રીતે સદભાવનાનું ઉમદા બિયારણ તૈયાર થતું રહેશે.

[15] જેનામાં માત્ર બુદ્ધિ કે વિવેક જ હોય તેમના હાથમાં રાજ્યની લગામ ન સોંપતાં જેઓએ આ ઉપરાંત ઈષ્ટ તત્વનો પૂરેપૂરો સાક્ષાત્કાર કર્યો હોય તેમને જ રાજ્યવ્યવસ્થા સુપરત કરવી જોઈએ.

[16] જે શિક્ષણ આત્મામાં એકતા સ્થાપે અને તેનો પ્રત્યેક અંશ બુદ્ધિનું નિયંત્રણ સ્વીકારે અને એક વ્યક્તિને વધારે સારો માનવી બનાવે તેવું શિક્ષણ હોવું જોઈએ.

[17] સંયમમાં બધાયે સદગુણો (વિવેક, શૌર્ય, ધાર્મિકતા) ઉપરાંત સંવાદિતા અને એકતાનતાનું તત્વ વધારે અંશે રહેલું છે. અમુક પ્રકારનાં સુખ અને ઈચ્છાઓને વ્યવસ્થિત બનાવીને સ્વાધીન રાખવા તે સંયમ. સંયમમાં એક પ્રકારનો સંવાદ રહેલો છે.

[18] જે જાત માહિતી થકી જાણે છે તેના ચિત્તમાં જ્ઞાન છે અને જે માત્ર અભિપ્રાય બાંધે છે તેના ચિત્તમાં માત્ર અભિપ્રાય જ વસે છે. અભિપ્રાય એ જ્ઞાન નથી.

[19] સૌથી વધારે શક્તિસંપન્ન ચિત્તવાળાને ખરાબ સોબત મળે તો તેની સારી શક્તિઓ અનિષ્ટ કાર્ય કરવાને પ્રેરાય છે. નિર્બળ સ્વભાવના માનવી ઘણું મોટું અનિષ્ટ કરવા માટે ભાગ્યે જ શક્તિમાન હોય છે.

[20] પારકાના અભિપ્રાયને માની લેતો માનવી રસ્તો ઢૂંઢતા આંધળા માનવી જેવો છે. વસ્તુને સમજ્યા વગર અભિપ્રાય આપવો તે અજ્ઞાનનું પરિણામ છે. જેનું પોતાને જ્ઞાન જ નથી તે વિષે ખાતરીથી બોલવાનો કોઈને અધિકાર ન હોઈ શકે.