વાલાડોસાનું ફૂલેકું – સંજયભાઈ ગોટી
[રીડગુજરાતી આંતરરાષ્ટ્રીય વાર્તા સ્પર્ધા-2007 માં પ્રથમ ક્રમાંકે વિજેતા બનેલી આ વાર્તાના નવોદિત લેખક 22 વર્ષના શ્રી સંજયભાઈ કૂંઢેલી ગામથી (ભાવનગર) છે. નિર્ણાયકો એ વાર્તાની કથાવસ્તુ, ભાવ, અભિવ્યક્તિ અને સંવાદોના આધારે તેને તમામ વાર્તાઓમાં અગ્રસ્થાન આપ્યું છે અને એ માટે શ્રી સંજયભાઈને હાર્દિક અભિનંદન]
વાલોડોસો વહેલી સવારે ફળિયાનાં એક ખૂણામાં અડધા ફડધા પડી ગયેલા દાંતોવાળા જડબામાં દાતણ ફેરવતો હતો. દાઢનાં ખાડા-ટેકરામાં ઘડીક આ બાજુ અને ઘડીક પેલી બાજુ દાતણ રમાડતો, તે તેનાં બેસી ગયેલાં ચપટા ગાલ પરથી જણાતું હતું. તેની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં ચમક હતી. તેની આજુબાજુ તેનાં બે પૌત્રો તેને વિંટળાઈને ફરતાં હતાં. ડોસો તેને વ્હાલ કરતો જતો હતો.
તેવામાં તેના ઝાપામાં ગામમાં કાંઈ કહેવાતા અમરસંગ બાપુએ પ્રવેશ કર્યો. બાપુ છટાથી બોલ્યા : ‘કાં… ડોસાભગત, કાળિયો હું કરે છે ?’
ડોસાનું દાતણ ફરતું બંધ થઈ ગયું. ‘જુઓ ને બાપુ, આ દિ ચડવા આવ્યો છે, તોય હુતો છું પણ તમે બાપુ આમ ઊભાસ હુ કામ, બેહો ને ! ફરમાવો….’
બાપુ ઊભા પગે જ બોલ્યા : ‘એમાં ફરમાવવાનું શું હોય. તમને તો ખબર છે કે મારા દિકરાનાં લગ્ન છે તો સવાર-સાંજ બાપ દિકરો ગમે તે આવી દાંડી મારી જજો. બહુ વારે વારે કે’વા આવવું ન પડે તે જોજો.’ તેમ બાપુએ ચાલતાં-ચાલતાં જ કહ્યું.
‘અરે બાપુ, એમાં અમ જેવાં માણહને કાંઈ વારે-વારે કે’વા આવવું થોડું પડે ? એકવાર કઈદયો એટલે પૂરું થાય તાં લગણ….’
અમરસંગ જતો જતો ઝાંપેથી પાછું વળીને બોલ્યો : ‘કાલે સાંજે ફૂલેકામાં પણ….’
‘હોવ્વે બાપુ, તમારા પરસંગમાં ઢોલ વગાડેલો તો આપડો આ ડોહાનો…’ કહી ડોસાએ તેનાં પડી ગયેલાં દાંતોની નિશાનીઓ બતાવી.
અમરસંગ ચાલતો થયો. ડોસાએ કોગળો કરી તેની જેમ ખખડી ગયેલાં ઢોલની દોરીઓ તાણવા ગૂંથાયો. તેનાં પૌત્રો ઢોલની બંન્ને બાજુએ હાથની થપાટ મારતાં હતાં. ડોસો એ થપાટોની વચ્ચે પોતાની થપાટનો તાલ મેળવતો હતો. ત્યાં કાળિયાની વહુ કાટ ચડી ગયેલી-તતડી ગયેલી કાળીમેશ તપેલીમાં ચા લઈને આવી, ડોસાની આગળ ધરી દીધી. ડોસાએ રકાબીમાં ચા ભરતાં-ભરતાં વહુને સંભળાવી દીધું કે, ‘કાળિયાને હડસેલો મારજો, મારો હાળો હજી હુતો લાગે છ.’ ડોસો મૂછો સરખી કરી નિરાંતે ચા પીવા માંડ્યો.
વાલાડોસાનો પરિવાર સીમિત હતો. ડોસી તો પાંચ વરસ પહેલાં કાળિયાનાં લગ્ન કરી ઉકલી ગઈ હતી. ડોસાને ત્રણ પુત્રો હતાં. પણ નાનો કાળું જ બચ્યો હતો. કાળુને બે પુત્રો હતાં. ડોસો તેને જોઈને હરખમાં રહેતો. ગામમાં બીજા એક-બે હરિજનો, એટલે ઢોલની દાંડીમાંથી બહુ મળે નહિ તેથી કાળું અને તેની વહુ કોઈનાં ખેતરમાં કામ કરી લે અને ડોસો ઘરની અને પૌત્રોની રખેવાળી કરી લે. જરૂર પડ્યે દાંડી મારી આવે. આમ તેનું જીવન ભીંસમાં છતાં સંતુષ્ટ હતું.
કાળુ જાગીને ઘરની બહાર પગથારે દાતણ લઈને બેઠો. ડોસાએ રકાબી નીચે મુકતાં કહ્યું :
‘કાળિયા, ઓલા અમરસંગ બાપુનાં ઘરમાં પરસંગ છે તે કઈ ગ્યા છે કે હવાર-હાંજ ડાંડી મારવાનું અને કાલે હાંજે ફૂલેકામાં પણ…. તને ટે’મ છે કે….’
‘નય દાદા, મારે પસા પટેલનાં ખેતરનું બે દિ’નું કામ છે. ન્યાં જાવું જોહે ને ! આમેય કામની મોસમ છે એટલે પટેલે ભીંહ મારી સ. તમને હડપ હોય તો વગાડી આવજો ને.’ કહી કાળિયો દાતણ ઘસવા લાગ્યો. ડોસો ઢોલની દોરી ખેંચતો બોલ્યો : ‘મને હડપ જ છે ને, હું વાંધો સ. હું જ્યા વિશ. આમેય બાપુનો બોલ તો રાખવો જ જોહે ! ક્ય ગયા છ એટલે જાવું તો જોહે. બે ડાંડી આમ ને બે ડાંડી આમ એટલે બાપુ મોજમાં.’ કહી હોકલી સળગાવીને નિરાંતે પીવા લાગ્યો. છોકરીઓ ધુમાડાને બચકા ભરવા વ્યર્થ પ્રયત્ન કરતાં અને ડોસો ઝીણી આંખ કરી બિન્દાસ્ત ધુંવાડા ફેંકતો ઉભડક બેઠો હતો.
કાળિયો ખાઈ-પીને પટેલની વાડીએ ઉપડ્યો. વહુ ઘુંઘટો તાણીને ઘરનાં કામકાજમાં પરોવાય. ડોસાએ હોકલી પતાવીને સાફ કરીને ગજવામાં નાંખી, દાંડી ઢોલ માં ભરાવી અને ઊભા થઈને ઢોલ ખંભે ભરાવ્યો. બે ડગલાં ચાલીને બોલ્યો : ‘વવ આ સોકરાનું ધેન રાખજો. બવ બારા નો નિહરે.’ કહીને ઝાંપાની બહાર નીકળ્યો. ડોસાની ઉંમર તો હતી. પણ તેનાં હાથ-પગમાં જોર હતું. આમેય ઘણાં સમયથી તેણે ઢોલ હાથમાં લીધો ન હોવાથી તેનાં હાથમાં ખંજવાળ આવતી હતી. તેથી તેનાં ટાંટિયાં ઉતાવળે ચાલતાં હતાં. સામે મળતાં શિષ્ટ લોકો ડોસાને જોઈ અપશુકનગની અવળું ફરી જતાં, નહીં તો નીચું જોઈને ચાલ્યાં જતાં. કોઈક મોઢું બગાડતું તો કોઈક ઊભું રહી જાતું. છતાં ડોસો રાજકુમારની છટાથી ચાલ્યો જતો. અમરસંગની ડેલીએ પહોંચ્યો.
ડોસો ડેલીએ પહોંચતાંવેંત જ ડેલીમાં ઝીણી આંખ કરી જોયું. મહેમાનોને ગોઠવાયેલા જોઈને આંખ પહોળી કરી. ઓટલે ઢોલ મૂક્યો ને બાજુમાં બેસી દાંડી ખેંચી. જેમ મ્યાનમાંથી તલવાર ખેંચે તેમ. એક-બે થપાટ ઢોલને મારીને તપાસી જોયો. ત્યાં તો છોકરાઓનું ટોળું ઓટલાને ઘેરી વળ્યું. ડોસામાં જુસ્સો આવ્યો ને ઢોલમાં તાલ. ઢૂબ…ઢૂબ…ઢુંબાંગ……ઢુબાંગ…. ઢૂબ ઢૂબ….ઢુબાંગ…ઢુબાંગ. ડોસો ડેલીમાં આવતાં જતાં મહેમાનોને જોતો ઢોલને ન્યાય આપતો જતો હતો. આંખો મીંચીને માથું હલાવતો તાલમાં તન્મય બની ગયેલો ડોસો ખીલી ઊઠ્યો હતો. થોડીવારે ડેલીમાંથી એક સ્ત્રી હાથમાં ગોળ-સાકરનો વાડકો લઈને આવી અને સામે ઊભી રહી. ઢોલમાં તલ્લિન ડોસાને જોઈને ઘડીક સામે તાકી રહી. થોડીવારે કહ્યું : ‘દાદા…એ દાદા, આ વાડકી ખાલી કરી લો…’
ડોસો અચાનક ઊંઘમાંથી જાગ્યો હોય તેમ : ‘હા…હા, બેટા લાવો લાવો…’ કહી પાછળ ટિંગાડેલાં ફાળિયાની ગાંઠ છોડવા લાગ્યો. એક જૂનું ખખડધજ ખાડા-ટેકરાવાળું છાલ્લું કાઢી, ગોળ સાકર તેમાં ભરી પાછું બાંધીને પીઠ પર લટકાવ્યું. પછી મ્યાનમાં તલવાર નાંખી ઊભો થયો ને ઢોલ ખભે લટકાવ્યો. બે ડગલાં ચાલ્યો ત્યાં અમરસંગ ડેલીમાં આવ્યો ને તેણે કહ્યું :
‘હુ ડોસાભગત, તમેય તે ઘરડેગઢપણે રંગ રાખો છો હો ! તમારા હાથની તો કમાલ લાગે છે…’
‘અરે બાપુ, વાત કરો મા, ફૂલેકામાં રંગ રાખેલો તો આપડો; આ અતારનાં જુવાનિયાં હુ વગાડતા’તા..’ કહી ડોસો હોઠને દોરી જેવાં પાતળાં કરી મલક્યો.
‘હાં એ તો એમ જ હોય ને ! હવે વરઘોડાની લગામ તમારાં હાથમાં… એ હાંજે આવી જશે…’ કહી અમરસંગ ઊભી શેરીએ ચડ્યો.
વાલાડોસાનાં વખાણ થયાં, એટલે તે કોઈ મહાનકાર્ય કરીને મહાન સિદ્ધિ મેળવી હોય તેમ તેનાં મોંના ભાવ પરથી જણાતું હતું. ડોસો જગ જીતીને આવ્યો હોય તેમ ઝાંપામાં પ્રવેશ્યો…. બન્ને છોકરાઓ પગે વિંટળાઈ વળ્યા. ડોસાએ ફાળિયું છોડીને થોડું થોડું આપ્યું, બાકીનું વહુને. ઢોલ નીચો મૂકી ઝાંપા બહાર નીકળી ગયો. સાંજનો વખત થતાં અમરસંગની ડેલીએ ડાંડી મારી આવ્યો. સાંજે વાળુ-પાણી કરી ફળિયામાં લાંબો થયો. સવારે અમરસંગનાં ઓટલે જઈ ઢોલ મૂક્યો. એ જ તાલ, બધાને ઢોલની ડાંડીમાં પરોવી દે તેવો… ઢૂબ ઢૂબ…. ઢૂબાંગ… ઢૂબાંગ…. ઢૂબ…ઢૂબ… ઢૂબાંગ.
એક સ્ત્રી ગોળનો વાડકો તો લઈને આવી પણ સાથે સાથે વધેલા-ટૂટેલા લાડવાં ને બીજી વસ્તુઓ ભરી લાવી. ડોસો હરખાતો બધુ બાંધીને સાંજનાં ફૂલેકાનાં સ્વપ્નાં જોતો ઝાપામાં પ્રવેશ્યો. ઘરડે ઘડપણે ગળ્યું વધારે ભાવે તેમ પેટ ભરીને લાડવાનાં ટૂકડાં દાબી ગયો અને નિરાંતે સૂઈ ગયો. બપોરે જાગ્યો પણ ભૂખ ન લાગી હોવાથી અને રાત્રે ફૂલેકામાં મોડે સુધી જાગવાનું થશે એમ વિચારી પાછો સૂઈ ગયો. સાંજનાં વગાડવાનો સમય થતાં વહુનાં કહેવાથી છોકરાઓએ ડોસાને હલાવ્યાં. ડોસો જાગ્યો, પણ તેનામાં પહેલા જેવી સ્ફૂર્તિ ન હતી. હાં, મનમાં આનંદ જરૂર હતો કે સાંજે બાપુનાં ફૂલેકામાં વટ પાડી દેવો. ડોસાએ મન મનાવ્યું કે લાડવા ખાધા છે એટલે આમ થાતું હશે. પણ જરી જાહે એટલે બરોબર….’ તેમ મનમનાવી ઘેર પહોંચ્યો. યુદ્ધ પહેલાં હાથીને નશો ચડાવે તેમ ઢોલને તૈયાર કરવા લાગ્યો. સાંજ પડી કાળું ઘેર આવ્યો. બાપ-દિકરોવાળું કરવાં બેઠાં. ડોસાથી બહુ ખાવાનું હાલ્યું નહીં તેથી ઊભા થઈ ગયાં. કાળુએ કહ્યું : ‘કેમ દાદા ? હરખાય તો છે ને ?’
‘અરે આપડે હુ વાંધો… પણ બવ ભૂખ નથ લાગતી….’
‘ફૂલેકામાં કેમ થાહે..?’
‘થાહે હુ…. પાંચ માણસ વાત કરવાં જોવે કે અમરસંગનાં દિકરાનાં લગ્નમાં ઢોલ વગાડેલો તો વાલાડોહાનો… તું તારે ઉપાદી નો કરતો ને તારું કામ પતાવી દે…’ કહી વાલોડોસો ઘડીવાર ખાટલે આડો પડ્યો. કાળું જમી-પરવારી વાડી ભેગો થયો.
ડોસાને તેનાં શરીરનો થોડો ભાર લાગતો હોય તેમ લાગ્યું. છતાં તેની નજર સમક્ષ ફૂલેકું જ હતું. હજુ વાર હતી તોય ઢોલ લઈને ઉપડ્યો. આ બધા સમયે એમ જ લાગતું હતું કે તેનાં જ ઘેર પ્રસંગ હોય. તેનું જ ફૂલેકું હોય અને તે પોતે જ ઢોલ વગાડવાનો હોય. શરીર કળે છતાં આ આનંદનું કારણ – ઘર પર આવેલી જવાબદારી અને બાપુને આપેલું વે’ણ. ડોસાએ અમરસંગની ડેલીએ જઈને પૂછ્યું:
‘ફૂલેકું કે’થી ચડાવવાનું છે બાપુ ?’
‘ઓલ્યાં પસા પટેલ નથ ! એનાં ઘેરથી. તમે ત્યાં બેહો, બધા ત્યાં પોગે જ છે.’ ડોસો પટેલનાં ડેલે જઈને બેઠો. તેનો જૂનો સાથે ભગો શરણાઈવાળો અને તેનો દિકરો જગલો ઢોલી હજી આવ્યાં ન હતાં. ડોસો બેઠો-બેઠો ઢોલની દોરી તાણવાં મંડાણો. થોડીવારમાં ફૂલેકાવાળા અને ભગલો-જગલો પણ આવી પહોંચ્યા. ડોસો હોકલી તાણવામાં લીન હતો. હોકલી ઘણીવારે પૂરી થઈ ને પછી ઢોલની ડાંડી હાથમાં લીધી. પિતામહ ભિષ્મ શંખ ફૂંકીને યુદ્ધની શરૂઆત કરે તેમ ડોસાએ જોરથી ત્રણ ડાંડી મારીને ફૂલેકાને બહાર ખેંચી લાવ્યો. ભગાએ શરણાઈનાં સૂર વહેતાં મૂક્યાં અને જગલો ડોસાની સામે આવીને ઢોલને પીટવા લાગ્યો. અમરસંગ ડોસાની પાસે આવી હાથ હલાવી ઈશારામાં ડોસાનાં વખાણ કર્યાં. ત્યાં તો ડોસો કેડેથી પાછળ ઝૂકીને પોતાનો ઢોલ જગલાનાં ઢોલની બરાબર સામે લાવીને એટલું જોરથી પિટવા લાગ્યો કે જગાના ઢોલનો અવાજ દબાઈ ગયો. જગલો જુવાન હતો, તે કાંઈ એમ ગાંજ્યો જાય તેમ નહોતો, પણ ડોસાનાં ઝનૂન સામે બહુ ચાલતું નહીં. એમાં અમરસંગનાં કોઈ માણસે ડોસાનાં મોઢામાં દસની નોટ ભરાવી ને ડોસો ગોઠણભેર થયો….
ડોસો ક્યારેક એક પગ આગળ મૂકીને ફેર-ફૂદદી ફરીને કૂદકો લગાવે એટલું ફૂલેકું આગળ ચાલતું. તે આજે એટલો મોજમાં હતો કે લોકો સામે જાત-જાતનાં નખરાં કરતો. જગા સામે આંખો ઝીણી કરીને ત્રાંસી કરતો. પગની હિંચ લેતો ફૂલેકાને ગજવી રહ્યો હતો. એક કલાક જેવો સમય વીતી ગયો. ફૂલેકું ગામનાં ચોરામાં પહોંચ્યું…. ફૂલેકું ચોરામાં પહોંચ્યાં બાદ અમરસંગે વચ્ચે આવી હાથ ઊંચો કર્યો. ડોસાની ડાંડી બંધ થતાં ફૂલેકું શાંત થયું. ત્રણેય ઘોંઘાટિયાં હેઠા બેઠા ને રમલો બાબર ચાની અડાળી ફેરવવા લાગ્યો. ડોસો ચા પીને હોકલી તાણવાં માંડ્યો. એ વખતે કોઈ ડોસાની પાસે આવીને તેનાં વખાણ કરતું તો કોઈનાં આઘેનાં ઘોંઘાટમાંથી આછું સંભળાતું કે ‘હુ ડોસાએ ઢોલ વગાડ્યો છ ! તો કોઈ કહેતું કે હુ એનામાં કળા છે કાઈ, કે’વું પડે હો. જવાની ઉતરી આવી હોય નય જાણે….’ આવા આવાં શબ્દો ડોસાને કાને પડતાંને ડોસો મોજમાં આવી હોકલીનાં ઊંડા કસ લેતો. પણ તેની મોજ તેને ભાંગતી જતી હોય તેમ લાગતું હતું. ડોસાને આખું ડીલ કળતું હતું. ડોસાને લાગ્યું કે કળતર ચડે છે, પણ આજે કામ પતાવ્યાં સિવાય છૂટકો ન હતો. આમેય તે હવે ઘડી બે ઘડી ટિપવાનું છે. પછી એન નિરાંતે હવારે હુઈ રે’શું…’ એમ મન મનાવી ડોસાએ ઢોલ ખભે નાંખ્યો. સામે જગલો ઊભો થયો. ને બંન્ને ઢોલનાં અવાજોને ભગાની શરણાઈએ ધક્કો લગાવ્યો. ફૂલેકું પાછંે જીવંત બની ઉઠ્યું.
હવે જગાનાં ઢોલની સામે ડોસાનો અવાજ દબાતો હતો. ડોસાને લાગ્યું કે થોડા સારું નબળું કે’વાશે, ને આ ફૂલેકામાં વટ તો મારે પાડવાનો છે. વળી પાછી અમરસંગની સામે બડાઈ હાંકીતી એનું હું થાહે ? તાવ તો આજ છે ને કાલ નથી.’ એમ વિચારી વળી ત્રાંસો થઈને જગલાની સામે પડ્યો. ડોસાનાં મોઢામાં એક પછી એક નોટ આવવા લાગી. એક હાથે ડોસો કેડિયામાં ભરાવતો ગયો. જગાને એક નોટ આપે તો ડોસાને બે આપે. તેથી ડોસાને શૂરાતન ચડ્યું ને માંડ્યો ફેર-ફૂદડી ફરવા. જાત જાતનાં ઠેકડાં લગાવતો કેડેથી કેડિયું ઊંચું કરતો હતો.
ફૂલેકું ચોરામાં ખીલાની જેમ ખોડાઈ ગયું. ચોરામાં ફૂલેકું રંગત જમાવે એવો રિવાજ પહેલેથી ચાલ્યો આવે એટલે ઘણાં સમય સુધી ચોરો ગાજતો રહ્યો. ચોરામાં ફૂલેકું જોવા આવેલા લોકો વરરાજાને જોવાને બદલે ડોસાના ખેલ જ જોતાં હતાં. પણ ડોસો હવે પરસેવાથી પલળી ગયો હતો. પરાણે હાથ-પગ પર જોર કરતો હોય તેમ લાગતું હતું, છતાં બધા વચ્ચે પોતાનાં ચહેરાનાં હાવ-ભાવ પિંખાવા દેતો ન હતો. લોકો ડોસાને ઉશ્કેરતા હતાં. ચોરાની વચ્ચે તાવ કહે મારું કામ અને ડોસો કહે મારું…
આ ધડબડાટીમાં આંખે અંધારા આવ્યા ને ડોસો ચક્કર ખાઈને નીચે પડ્યો. આખા ચોરામાં સોપો પડી ગયો. માણસોનું ટોળું વળી ગયું. ભગાએ તેની શરણાઈ નીચે મૂકીને ફાળિયાથી પવન નાખવાં માંડ્યો. આખું ટોળું ડોસાને જોઈ રહ્યું હતું પણ તેને કોઈ હાથ અડાડતું નહોતું. ડોસાનું મોઢું ફાટી ગયું હતું અને શ્વાસ ગતિથી ચાલતાં હતાં. અમરસંગ બાપુએ આઘેથી અનુમાન લગાવ્યું કે : ‘કંઈ નથી ભઈ, એ તો ઘરડે ઘડપણ થાક લાગી ગયો હોય અને ફેટ ચડ્યાં હોય. ઓટલે હુવરાવી દયો, હમણાં ભાનમાં આવી જશે. નહિતર બે જણ તેનાં ઝાંપા સુધી મૂકી આવો.’ એમ કહી અમરસંગ ટોળાની બહાર નીકળી ગયો.
જગાએ અને તેના બાપ ભગાએ ડોસાને ઉંચકી ઓટલા પર સુવરાવ્યાં. ભગો ડોસાનો હાથ પકડી તપાસતાં બોલ્યો : ‘ડોહો ઉનો આંધણ જેવો થઈ ગ્યો સ. ખરેખરો તાવ ચડ્યો છે.’ તેમ કહી શરીર ચોળવા લાગ્યો. અમરસંગે ટોળામાં કહેવા ખાતર કહ્યું : ‘એલા કો’ક બે જણાં જઈને ડોહાને ઘેર ખબર કરી આવ્યો, નહિતર મૂક્યાવો – ને હાલો હાલો આપણે મોડું થાહે…’ એમ કહી જગલા-ભગલાને આગળ કરી ફૂલેકું હંકાર્યું. બધા લોકો ડોસા સામે ત્રાંસી નજર કરતાં કરતાં ફૂલેકાની પાછળ ચાલવા લાગ્યાં.
ફૂલેકું આગળ ચાલ્યું; ડોસો પાછળ રહી ગયો. ઉજાસ આગળ જતો રહ્યો. અંધકાર ડોસાને ઘેરી વળ્યો. જેણે જે ચોરાને આનંદથી ગજવ્યો હતો, તે ચોરો હવે ગુંગળાવા લાગ્યો – ઉનો – ઉનો થઈ કણસવા લાગ્યો. કોઈ પાછું ફર્યું નહીં. – કોઈ ડોસાની પાસે રહ્યું નહીં – કોઈ ઝાંપા સુધી કહેવા ગયું નહીં. કાળિયાએ સવારે આવીને જોયું તો ડોસાની પથારી ખાલી છે. ડોસો ઘેર પહોંચ્યો નથી તેવું લાગતાં અમરસંગનાં ઘરભણી ઉપડે છે. ચોરામાં પહોંચતાં તેને આછા અજવાળાંમાં ઓટલા પર કોઈ સૂતેલું દેખાય છે. બાજુમાં નીચે ઢોલ-દાંડી પડ્યા છે. કાળિયો ચોંકીને તેની પાસે જાય છે. હાથ પકડીને ‘દાદા…’ એટલું માંડ બોલી શકે છે, ને જડવત્ શરીરને ખભે નાંખી ભીની આંખે ઘર તરફ જાય છે; જાણે સૂનકાર ચોરામાંથી વાલાડોસાનું ફૂલેકું ચડ્યું હોય….
Print This Article
·
Save this article As PDF
Really nice written. waiting for this story since it took first prize.
ખરેખર ખુબ જ સુંદર વાર્તા છે. પ્રથમ ઇનામ માટે અભિનંદન સંજયભાઇને.
worth first prize ! read dialogues in such way after a long time
સંજયભાઈ ગોટી એ વાલાડોસા ના પાત્ર મા ખરેખર જિવ નાખ્યો છે. ખુબ જ સુન્દર વાર્તા છે અને પ્રથમ ક્રમાક ને deserve કરે છે.
સંજયભાઈ ને રીડગુજરાતી બઁન્ને ને અભિનંદન.નિર્ણાયકો ને પણ આજ વાર્તા ને પ્રથમ નંબર આપવા બદલ.
વાલાડોસાનું પાત્રાલેખન ખુબ જ સુંદર. અભિનંદન સંજયભાઈ.
ખુબ ખુબ સરસ
Excellent story…! According to the character, writer write his statements…! Them of story is also different. And what the situation of such kind of people is also we can come to know.
Once again CONGRATULATIONS….! 🙂
પરીણામ જાહેર થયું ત્યારથી રાહ જોતો હતો આને માટે..
સંજયભાઈને ખુબ ખુબ અભિનંદન… વાલાડોસાના પાત્રને એક પાત્ર ન રાખી મૂકતાં અને એનામાં ખરેખરો જીવ રેડવા માટે..
આમ જ લખતાં રહો…
સુન્દર વાર્તા અભીન્દન
અભિનંદન… ખુબ સરસ વાર્તા
Very Nice..
Congratulations..
અભિનંદન સંજયભાઈ.
સંજયભાઈએ વાલાડોસાના પાત્રમા પ્રાણ પુર્યા છે.
આપ આમ જ લખતા રહો. અમને અને આવતી પેઢીને આપના લેખનનો લાભ આપતા રહેજો.
ઢૂબ…ઢૂબ…ઢુંબાંગ……ઢુબાંગ…. ઢૂબ ઢૂબ….ઢુબાંગ…ઢુબાંગ.
આભાર.
“વાલાડોસાનું ફૂલેકું” વાર્તાની કથાવસ્તુ, ભાવ, અભિવ્યક્તિ અને સંવાદો સુંદર છે.આ સમયમાં પણ હરિજનો સ્થિતી દયાપાત્ર રહી છે તે આપણા સૌને વિચાર કરતા કરી મુકે છે અંતમાં—હાથ પકડીને ‘દાદા…’ એટલું માંડ બોલી શકે છે, ને જડવત્ શરીરને ખભે નાંખી ભીની આંખે ઘર તરફ જાય છે; જાણે સૂનકાર ચોરામાંથી વાલાડોસાનું ફૂલેકું ચડ્યું હોય…. વાંચતા તો આપણું કાળજું બેસી જાય છે!ખરેખર સરસ વાર્તા…પણ સૌથી સરસ -પ્રથમ ઈનામને પાત્ર તો બીજી વાર્તાઓ વાંચીએ બાદ કહેવાય.
ખુબ સરસ વાર્તા.
પ્રથમ ઈનામ માટે સંજય ભાઈ ને અભિનંદન.
આવું સુંદર સર્જન કરતા રહેજો અન અમને વાંચન નો લાભ આપતા રહેજો.
sorry me hamna j vanchi khub saras ane pratham inam mate khub khub abhinanadan
Hearty congratulations to: Sanjaybhai,Judges, and our dear Mrugeshbhai…without them ,it
was quite impossible for me to read this superb
story.Deep knowledge ofvillager’s language and
using it in a very proper way counts much.This
story deserves a first.
સંજયભાઈને ખુબ ખુબ અભીનંદન. ખરેખરે સીધ્ધહસ્ત વાર્તાકાર લાગે છે. પહેલા બોલે જ છગ્ગો…
સરસ વાર્તા છે.ડોસા ના પાત્ર ને જીજંત કર્યુ છે.વાર્તા વાંચી આજે પણ હરિજનો ની શુ દશા હશે ગામડામાં તેનુ દુઃખ થાય છે….વાર્તા ડોસા જોડે ઘણુ બધુ કહિ જાય છે.
Really a nice story. While reading the story, the character of “Vahala dosa” imerge in front of my eyes and while reading could see the entire scene what writer has depicted. That’s the beauty of the story and I congratulate him for the 1st prize.
~
Mrugesh bhai : now we are waiting for other two stroy. Thanks for all your efforts.
Congrates!!!!!!!
Really nice and Touchy story!!!!Always rich people ignores the imotions of the poors ones but they keep to serve them without any kind of guilt.
અરે બાપરે, ઘણા વખતે હૈયુ આટલેી સરસ વાર્તા વાન્ચિને ભરાઇ આવ્યુ… સુમનભાઈ ચિકાગો
very good
congrats,
sanjay,
bahu j saras varta
Mir Sharnai Valo ne aeni dikari Mariyam yad avi gaya. “Post Office – Dhumketu”, Sanjaybhai, Keep it up, Haji ghana patro tamari kalamni syahi ma dhubaka mare chhe saheb.
Sanjaybhai, koi inam ke praman ni mohtaj nathi tamari moulikata…chhata..Pratham Paritoshik badal pan ghana ANHINANDAN!!!!
Congratulation Sanjaybhai, Very nice and touching story. You choose perfect character. And it’s very true that in our commutnity, always lower cast scrify for people, but when time comes no one care about them. I was waiting to read this story since I read you get first prize. “GOOD LUCK” for future.
અદભુત….
બાળપણની યાદ આવી ગઈ સંજયભાઈ.
પ્રથમ ઈનામ જીતવા બદલ ખુબ-ખુબ અભિનંદન.
આપણી સૌ પ્રથમ જાતિ મનુષ્યની છે તે આપણને યાદ જ નથી રહેતું એ મનુષ્યને યાદ જ નથી રહેતું એ સૌથી મોટી કરુણા છે……
કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ ક્દાચન…….
સર્જન અને સર્જનકર્તાને અભિનંદન….
Nice story..
Worth it. It is really worth the first prize. Minute details make it more enjoyable !! ચોરાનુ જે શબ્દચિત્ર ખડું કર્યુ છે તે બે-નમુન છે. વાર્તાનુ suspence જો થોડુ મોડુ ખોલ્યુ હોત તો વધુ સારુ હતુ.
Excellent ! ! ! Congratulations Mr Sanjay. story has touched my heart. keep it up
સન્જયભાઇ,અભિનન્દન…વાલા ડોસાનું ચરિત્ર ખૂબ જીવંત આલેખ્યું છે.
congrates
Really very nice story.
Very nice. I must say one of the best story. I can see the characters and scenes while reading.. Very nicely written. Keep it up.