આપણું ઘર – પ્રો. (ડૉ.) દોલતભાઈ દેસાઈ

[પૂર્વભૂમિકા :

શૈલુએ પૂછયું : ‘હાથને પાંચ આંગળી કેમ ?’
અમે કહ્યું : ‘કેમ વળી ? પાંચ જ હોય ને ?
શૈલુએ પૂછ્યું : ‘અમે એ નથી પૂછતાં હોં ! એ પાંચ આંગળીનો મર્મ શો ?’
અમે કહ્યું : ‘શૈલુ ! હાથને જોઈ દરરોજ ઊઠીએ છીએ પ્રભાતે, હાથ એ કર્મનું પ્રતીક !

પ્રથમ આંગળી તે, ‘હું અને કુટુંબ’
બીજી આંગળી તે, ‘હું અને વ્યવસાય (નોકરી/ધંધો)’
ત્રીજી આંગળી તે ‘હું અને કુદરત’
ચોથી આંગળી તે ‘હું અને શબ્દસૃષ્ટિ (કવિતા, સાહિત્ય, સંગીત)’
પાંચમી આંગળી તે, ‘હું અને પરમેશ્વર’

‘પણ તેથી શું’ શૈલુ પૂછે.
‘શૈલુ, માણસે આ પાંચેય આંગળીઓ પર ધ્યાન આપવું જોઈએ. રસ ખીલલવો જોઈએ. તો માણસને જીવનના હર તબક્કે નવા અર્થો સાંપડશે. માણસ ભર્યો ભર્યો બની રહેશે.’

જેણે એક જ આંગળી (વ્યવસાય) પર ધ્યાન આપ્યું તેનું કુટુંબ… તેનાં બાળકો સારાં ન નીકળ્યાં, તે ઘણું ચૂક્યો. તેથી….. હે માનવ ! આ પાંચે આંગળી જોઈને ઊઠજે ને કદીક કોઈ આંગળી પર ધ્યાન ચૂકે તો તું તારી જાતને ચકાસી લેજે – આપણું અસ્તિત્વ આ પાંચ દિશામાં વ્યકત થાય છે.
હું મારા કુટુંબ વડે વ્યાપું છું.
હું મારા વ્યવસાય વડે વિકસું છું
હું મારા કુદરત પ્રેમ વડે એકતા અનુભવું છું (વિશ્વ જોડે)
હું મારા શબ્દપ્રેમ વડે વહુ છું.
ને હું મારા પરમાત્મા તરફના પ્રવાહ વડે ઓગળું છું. હર મનુષ્યનો જીવનક્રમ આ છે; વ્યાપવું, વિકસવું, ઐક્ય સાધવું, વહેવું ને છેવટે ઓગળવું ! ]
 

ઘર એ પ્રથમ આંગળી છે. ઘણાં માણસોનાં ઘર જોયાં, જોયાં કરું છું. ‘ઘર’ શા માટે બનાવ્યું હશે, એવો વિચાર કરું છું. કહેવત છે કે ‘ધરતીનો છેડો તે ઘર’ ત્રણ પ્રકારના માણસ જોઉં છું : એક પ્રકાર એવો છે કે જેને પોતાનું ઘર ગમતું નથી. ઘરે કંકાસ-કજિયાનું વાતાવરણ રહે છે; ને તેથી તે ઘરથી દૂર ભાગે છે. એવા લોકોને તે કલબમાં, સિનેમામાં, રેસ્ટોરાંમાં કે મિત્રોની સોબતમાં ઘરથી દૂર રહી સમય વિતાવી ઘરે આવવું પડે છે. એમને ઘરની સજાવટમાં, ઘરના બાગમાં, ઘરના ઓરડામાં, ઘરમાં રહેનારાં પત્ની કે બાળકોમાં રસ નથી. એવા માણસોની આંગળી દૂષિત છે. એ આંગળીને ધીરે ધીરે રક્તપિત્ત થાય છે. પછી એવા માણસો ફરિયાદ કરે છે કે ‘મારો છોકરો ખરાબ નીકળ્યો, ખરાબ સોબતે ચડી ગયો.’, ‘મારી છોકરી ભણી નહિ, કેટલાં ટ્યૂશન રાખ્યાં તોયે મારાં બાળકો ભણ્યાં નહિ.’

બીજો પ્રકાર એવો છે કે જેને મન ઘર ‘નરો વા કુંજરો વા’ સમાન છે. બહુ માયા નહિ, આસક્તિ નહિ. ઘરમાં એમની હાજરી જણાય નહિ. માત્ર ખાવા, પીવા, સૂવા પૂરતી આસક્તિ. બાકી જીવ ઘરમાં નહિ. ત્રીજો પ્રકાર એવો છે કે જે માણસો ઘરને સ્વર્ગ સમાન બનાવવા ઈચ્છે છે. ઘરનાં બાળકોમાં રસ, દીવાલોમાં રસ, નાનકડાં કૂંડાનાં છોડમાં રસ, પત્નીમાં રસ. આવા માણસો ભાગ્યશાળી છે પણ એ કંઈ જન્મથી ભાગ્ય લઈને નથી આવતા. કેળવવાની જરૂર છે, આપણને પોતાને એથી જ ‘ઘર’ નામની આપણી આંગળી તરફ નિર્દેશ કરવા મન થાય છે.

માણસે પોતાની વ્યવસાયની આંગળી સાથે ઘરની આંગળીને પોતાની બનાવવી જોઈએ. એમાંથી જે સંતોષ અને સુખ મળશે તે બીજે કશે નહિ મળે. ઘરને પોતાનું ગણવા માટે ત્રણ બાબતોની જરૂર રહે છે : નિજત્વ, રસ અને અભિવ્યક્તિ. માણસને ઘર પ્રત્યે અંતરમાં વહાલ હોવું જોઈએ. વહાલ કેળવી શકાય છે. વહાલપનાં દશ્યો કેટલાં મજાનાં લાગે ? નોકરીએથી કે મજૂરીએથી આવતા પિતાને પાણીના પ્યાલાથી આવકારવા બાળક-પત્ની વગેરે તૈયાર રહેતાં હોય, સાંજની વાતચીતમાં કજિયો ન કરતાં હોય અને જગતના ઝંઝાવાતમાં ઝઝૂમવા પુરુષને આશાયેશ આપતાં હોય. એવાંય ઘર છે જ્યાં પિતા બાળકો જોડે સાંજે ગેલ કરે, ગમ્મત કરે અને જ્ઞાનચર્ચા કરે. પત્ની ને પતિ મજાથી પાપડી છોલતાં હોય કે વૃક્ષ નીચે બેસી અલકમલકની વાત કરતાં હોય. આ થયું નિજત્વ. એક શબ્દ છે : ‘અપનાવવું’ નવા લીધેલા ખમીસ માટે આપણે ‘મારું ખમીસ’ કહીએ છીએ, પણ પત્ની માટે ? બાળકો માટે ?

એક ઘરે ચા માટે નિમંત્રણ મળ્યું. સાંજની વેળા અમે ગયા. ભાઈ છાપું વાંચતા’તા, બાળકો ચિચિયારી પાડતાં હતાં. ભાઈ બાળકોને શાંત રાખવા શ્રીમતીજીને મોટે ઘાંટે ખિજાતા હતા. અમે ગયા. ભાઈના મોં પરનો ગુસ્સાનો ભાવ મહાપરાણે ઊંડો સંતાયો. આવકારનું મહોરું મોઢા પર ચઢી ગયું. અમે બેઠાં. ત્યાં બે બાળકો ‘કાકા, તમારું શું નામ?’ કહી ખોળે બેસી ગયાં. અમે શિક્ષણના જીવ એટલે વાત શરૂ કરી. બાળકોને વાતો કહેવા માંડી. વચમાં પેલા ભાઈ ‘એલાં જાવ ! દૂર રમો. કચકચ ન કરો. મહેમાન જોડે મારે વાત કરવી છે’ કહી બાળકોને આઘાં કાઢે ! ને બાળકો તે સાંભળ્યા વિના ‘હં ! પછી, પરીનું શું થયું ?’ કહી વાર્તા પૂરી કરાવવા મથે. અમે ભાઈને કહ્યું : ‘વાર્તા પૂરી થશે એટલે એ મજાથી રમશે. થોડીક વાર વાર્તા કહેવા દ્યો. વાર્તા પૂરી થઈ. અમે બાળકોને કહ્યું : ‘જતાં પહેલાં તમને જરૂર મળીશું. તમે જરા રમશો ?’ શાંતિથી બાળકો ‘ઘર-ઘર’ રમવા પરસાળમાં બેઠાં.
અમે ભાઈને પૂછ્યું : ‘સુંદર બાળકો છે. તમે વાર્તા નથી કહેતા ?’
એ કહે : ‘આ બધી શિક્ષણપદ્ધતિ જ નકામી છે. ને મને વાર્તા આવડતી નથી….. બાળકોને ફટવી મૂકવા વાર્તા કહેવી ? માનતાં જ નથી ! જ્યારે મહેમાન આવે ત્યારે ઈજ્જત લે છે’ ભાઈનો અહમ ઘવાયો હતો. ધીમે રહી ચા આવી. પત્ની લઈને આવ્યાં. સુઘડ સ્ત્રી હતાં. અમે પૂછ્યું : ‘આ તમારાં…’ કટાણું મોં કરી એમણે જણાવ્યું : ‘એ મારી પત્ની છે – ભણેલાં નથી…’ કહી પત્નીને જવા ઈશારો કર્યો.

જ્યાં પત્ની-બાળકો દિલથી પૂરેપૂરાં અપનાવાયાં નથી, ત્યાં આવું બને છે. પંદર વર્ષ પછી એ ઘરે ગયાં ત્યારે હાલત આવી હતી. ભાઈ 45 વર્ષની ઉંમરે 65 વર્ષના લાગતા હતા. પત્નીને પેટમાં અલ્સર થયું હતું. એક છોકરો કારખાનામાં કારીગર બન્યો હતો ને માસિક બસો રૂપિયા કમાતો હતો. છોકરી એસ.એસ.સી. પાસ થઈ ઘરકામ કરતી હતી ને તેને માટે ભાઈ ‘વર’ ની શોધમાં હતા. છોકરી પરીક્ષામાં ચોરી કરતાં પકડાયેલી. છોકરાએ ‘ચોરી’ ની લતમાં ત્રણ કારખાનાં બદલ્યાં હતાં. ભાઈની દશા કરુણ હતી.

દિવસના ચોવીસ કલાક એમાં આપણે સોળ સત્તર કલાક જાગ્રત અવસ્થામાં વિતાવીએ છીએ. એમાંથી આઠ કલાક વ્યવસાયને આપીએ છીએ. કદાચ, વ્યવસાયની તૈયારી માટે વધુ બે કલાક આપતા હોઈશું. પણ બાકીના સમયમાંથી ઓછામાં ઓછાં બે કલાક તો ‘ઘર’ માટે કાઢવા જ જોઈએ ને ! આજે વ્યવસાયની ‘શાબાશી’, ‘બઢતી’, ‘કીર્તિ’, ‘વાહવાહ’ માં અંધ બનતા જતા આપણે બાળકોને નાનાં ગણી અવગણના કરીએ છીએ. ગણતરીમાં લેતા નથી…. પણ પંદર-વીસ વર્ષે બાળકો જ આપણી આંખની તૃપ્તિ બનશે. બાળકો અને ઘર માટે ફાળવેલો આપણો સમય તો આપણું મૂડીરોકાણ ગણાય, ખર્ચરૂપે ન ગણાય. એ સમય વેડફ્યો ન ગણાય. એ સમય ઊગશે – ઘડપણમાં.

ગયે સપ્તાહે સિમલાની અત્યંત પ્રસિદ્ધ માધ્યમિક શાળા કોન્વેન્ટમાં ગયાં હતાં. ખૂબ પૈસાપાત્ર કુટુંબમાંથી છોકરીઓ આવે, બધાં કહે, ‘અમારી સાથે વાત કરોને અંકલ !’ ‘અમારી સાથે ગીત ગાવને ?’ ગીતો ગાયાં-ગવરાવ્યાં, વાતો કરી. એક વિદ્યાર્થીની વૅકેશનમાં ઘરે જવા જ ના પાડે !
એ કહે : ‘મારે ત્યાં છ કાર છે, સાત નોકરો. મને આવકારવા લાઈનમાં ઊભા રહે છે. મોટો બંગલો, સ્વિમિંગ પુલ, ટેનિસ કોર્ટ વગેરે છે…. પણ મા કલબમાં ગઈ હોય અને પિતા દેશમાં ને પરદેશમાં ઘૂમ્યા કરે, મોંઘી ભેટ આપે. પણ મારે તો વહાલ જોઈએ…..’ કહી એ છોકરી અમારાં શ્રીમતીજી પાસે જે ડૂસકે ડૂસકે રડી છે ! આવી કેટલીય છોકરીઓ ઘરે જવા ના પાડે.

અભણમાં સમજ વધુ. અતિ ભણેલાંનાં કુટુંબ રવાડે ચડ્યાં છે. એ સિમલાની વિદ્યાર્થીનીઓનું વૃંદ હજી ભૂલી શકાતું નથી. માણસે ‘ઘર’ને અપનાવવું ન હતું, તો બનાવ્યું શા માટે ? ઘર એ દેખાડો કરવાનું સાધન ધનિકો માટે છે, જ્યારે ગરીબ માટે ‘ઘર’ અપનાવવા કેળવણી નથી. ઘર માટે નિજત્વભાવ – ‘મારું ઘર’ એવો આત્મીય ભાવ – જરૂરી છે તેટલો જ ‘રસ’ પણ જરૂરી છે. ભલે ગરીબ ઘર હોય. કેટલાં માટીલીંપ્યાં ઝૂંપડાં મહાલયો કરતાં વધુ રળિયામણાં લાગે છે ! કારણ કે, એમાં નિજત્વ છે. દીવાલોનાં ચિત્રો ક્યાં ટાંગવાં – તેમાં રસ, લીંપણની ભાતમાં રસ, તુળસીક્યારામાં રસ, છોડ ક્યાં વાવવા તેમાં રસ, નાનકડા બગીચાની ડિઝાઈનમાં રસ, પત્ની પાપડ કરતી હોય ને ખાંડવા લાગવામાં રસ, બાળકો કવિતા બોલતાં હોય ને સાથે ગાવા લાગવામાં રસ, બાળકો માટે એક ફ્રોક કે પેન્ટનું કપડું લેવાનું હોય તેની પસંદગીમાં રસ, ઘર માટેનો ‘રસ’ અંદર જો હોય તો પછી જેટલો રસ પોતાના નામનું બોર્ડ ઘરને લગાવવામાં માણસને હોય તેટલો જ પાપડી છોલવામાં પણ હોવો જોઈએ.

એક ઊંચે હોદ્દે રહેતા શિક્ષિત અને વિદ્વાન સજ્જ્ન. જિંદગીમાં અન્ય આંગળીઓમાં રસ લીધો નહિ. રિટાયર્ડ થયા, ભારે મુશ્કેલીમાં. કહે : ‘કરું શું ?’ મેં હસતાં કહ્યું, ‘પત્ની સાથે પાપડી ફોલવા લાગો, બટાટા સમારો, સારી વાનગી બનાવી તેને ચખાડો. સવારમાં ઊઠી ચા બનાવો. ફરવા જાઓ, લેખ લખો, રેકર્ડ સાંભળો, પુસ્તકો વાંચો… અરે ! રિટાયર્ડ થતાં પહેલાં માનસિક રીતે રિટાયર્ડ થવાની તૈયારી કરી હશેને ?’ એ કહે : ‘આ બધું કશું જ મને ન આવડે.’ મને તો ભાષણ કરતાં આવડે ! મોટા મોટા ને ભણેલા માણસની અન્ય રસ વિના કેવી કપરી સ્થિતિ થાય છે !

માણસમાં ત્રીજી જરૂર અભિવ્યક્તિની છે. પત્ની, બાળકો ને ઘર – માં માણસ વ્યક્ત થાય છે. કોઈને ફોટો ચીતરતાં આવડે, કોટનાં બટન ટાંકતાં આવડે, સરસ કઢી વઘારતાં આવડે, બાળકોની નોટ પર નામ લખતાં આવડે, ક્યારો કરી તુલસી વાવતાં આવડે – માણસને વ્યક્ત થતાં આવડવું જોઈએ ને ન આવડે તો શીખવું જોઈએ.

આજનો માણસ વ્યવસાયના તકાજામાં ગળાડૂબ રહે છે. માંદો પડે ત્યારે જ ‘ઘર’ યાદ આવે. અમે એક ધનાઢ્ય ભાઈની ખબર લેવા હૉસ્પિટલમાં ગયાં. તેઓ હતા તો ઘરડા પણ વૈભવ ભારે. એમનો દીકરો પણ મોટો શેઠ, નામાંકિત વ્યક્તિ. ડોસા ફરિયાદ કરે : ‘મારી પાસે દીકરો બેસતો નથી.’ અમે એના શિક્ષક હતા એટલે ઠપકો આપવા સુધીનો સંબંધ.
નાના શેઠ કહે : ‘મને પિતાજીએ પૈસા ખર્ચી આયા વડે ઉછેર્યો એટલે હું પણ પૈસા ખર્ચી આયા વડે એમની ચાકરી કરું ! અને બીજી વાત મારા પિતા એમના પુત્ર પાસે કદી બેઠા છે ? જેવું કરે તેવું પામે ! હું જ્યારે માતા-પિતાના ખોળા વિના ટળવળતો ત્યારે તેમણે ધંધામાંથી ફુરસદ કાઢી મારી સામે જોયું છે કદી ?’ બાળકની કે પત્નીની અવગણના એના અજ્ઞાત મન પર લીંપાઈ જાય છે, અમીટ નિશાન મૂકી જાય છે ને પરિણામ વર્ષો પછી ખબર પડે છે.

આપણે આપણી પાંચ આંગળીની વાતમાં પ્રથમ આંગળી ‘ઘર’ ની ગણીએ. આપણા ઘર પ્રત્યે આપણે આત્મીયતા કેળવીએ, નાનકડી બાબતોમાં રસ લઈએ ને પત્ની, બાળકોની અભિવ્યક્તિ પોષીએ. વ્યવસાયી દોટ મૂકતો માનવી ઘડીભર ઘર ભૂલે છે. પણ અંતે તો ઘરતીનો છેડો તે જ ઘર – ઘરને પોતાનું બનાવો, સજાવો, કિલ્લોલતું કરો તો જીવન જીવવું ગમશે ને મૃત્યુ મીઠું બનશે.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સવારની ચા નો કપ સાંજે ! – ભૂપત વડોદરિયા
ટી.વીનું મહાભારત – નિર્મિશ ઠાકર Next »   

24 પ્રતિભાવો : આપણું ઘર – પ્રો. (ડૉ.) દોલતભાઈ દેસાઈ

 1. neetakotecha says:

  bahu saras
  aaj na banne lekh vanchi ne khub aanad thayo.
  khub j saras .

 2. Meeta Bhatt says:

  ખુબ જ સુન્દર લેખ છે. આ લેખ ૫રથી ઘણુ બધુ શીખવા મળયુ

 3. JITENDRA TANNA says:

  ખુબ ખુબ સરસ લેખ. રીડ ગુજરાતિના દરેક વાંચકોને આ લેખ વાંચવા વિનંતિ છે.

 4. urmila says:

  keep on publishing articles like these- they are eye-openers and encouraging

 5. BHAUMIK TRIVEDI says:

  WOW.. REALLY TRUE I AGREE WITH URMILA JI..IT’S REALLY EYE- OPENERS …IT’S BASICALLY “HOME ” MEANS NOT THE FOUR WALLS AROUND YOU BUT THE MEMBERS OF UR FAMILY AND LOVE BETWEEN U..THNX .

 6. Ketan Shah says:

  Aaje tame khara arth ma Ghar nu mahatva samjavyu che.
  Thanks Daulatbhai

  કેતન

 7. Ritesh says:

  સરસ લેખ છે…

 8. zankhana says:

  saav sachi vaat chhe. kharekhar ankh ughadnari che.
  jo ghar hase e matra char dival nahi . pan jaya pahochva mate man tarse avi jagya banvi joiea.

 9. pragnaju says:

  દોલતભાઈ દેસાઈને ઘણી વાર સાંભળ્યા છે.તેઓ પોતાના ક્લાસ રુમને બહાર લાવી આપણી ઘણી સેવા કરી છે.તેમની કેસેટ સાંભળી કેટલાના ‘ડીપ્રેશન’ મટી ગયા છે.આ લેખ વારંવાર વાંચવાથી જરુર માનસિક સારું લાગશે.તેમના બીજા લેખ પણ છાપવા વિનંતિ
  વધુ સમય ન મળે તો ફક્ત આટલું તૉ વારંવાર વાંચશો
  ” પાંચ આંગળીની વાતમાં પ્રથમ આંગળી ‘ઘર’ ની ગણીએ. આપણા ઘર પ્રત્યે આપણે
  આત્મીયતા કેળવીએ, નાનકડી બાબતોમાં રસ લઈએ
  ને પત્ની, બાળકોની અભિવ્યક્તિ પોષીએ. વ્યવસાયી દોટ મૂકતો માનવી ઘડીભર ઘર ભૂલે છે. પણ અંતે તો ઘરતીનો છેડો તે જ ઘર – ઘરને પોતાનું બનાવો, સજાવો, કિલ્લોલતું કરો તો જીવન જીવવું ગમશે ને મૃત્યુ મીઠું બનશે”

 10. કલ્પેશ says:

  થોડા દિવસ પહેલા મે આ કૉમેન્ટ લખી હતી જે આ લેખને પણ લાગુ પડે છે.

  આજે આપણી પાસે પૈસો છે પણ બાળકો માટે સમય નથી. પૈસા કમાઈએ બાળકોના ભવિષ્ય માટે અને એમના વર્તમાન માટે જ સમય નથી.

  હાય કમનસીબી!

 11. Bharat Dalal says:

  Know yourself and your family is a real asset.We should strengthen the asset but normally we depreciate it. A very good article.

 12. સરસ લેખ! આભાર સહ અભિનઁદન !

 13. Dhirubhai R Chauhan says:

  સરસ લેખ! આભાર સહ અભિનઁદન !
  રીડ ગુજરાતિના દરેક વાંચકોને આ લેખ વાંચવા વિનંતિ છે.

 14. dhara yagnik says:

  બહુ જ સરસ લેખ

 15. Pratik Kachchhi says:

  Sometimes exptriates like me, who left home and kept Wife and Son in India – to make their future better.. get little confused.. but at the end of day.. I do agree that sometime cost of leaving is very hard in 3rd country but compromise on your expectation / call them with you and stay with them.. they will understand your difficulty over a period and may a good solution come out..

 16. Hetal Vyas says:

  બાળકની કે પત્નીની અવગણના એના અજ્ઞાત મન પર લીંપાઈ જાય છે, અમીટ નિશાન મૂકી જાય છે ને પરિણામ વર્ષો પછી ખબર પડે છે.

 17. ashesh saraiya says:

  it was splendid experience while going through your article

 18. ખુબજ સરસ ફરી થી વચવા નુ ગમસે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.