ટી.વીનું મહાભારત – નિર્મિશ ઠાકર
હું જન્મ્યો છું એટલે જીવું છું. બાકી મને કશામાં જોઈએ એવો રસ નથી. ઘણી વાર હું વિચારું છું કે હું શા માટે જન્મયો છું…. એ અંગે વિચારવા માટે જ હું જન્મયો છું ? મને જીવતો રાખવામાં મારી પત્નીનો જ હાથ છે ! એ મારામાં બળજબરીથી અવનવા રસ જાગૃત કરે છે, જો કે એનાં પરિણામ સારાં હોતાં નથી !
‘તમે ખરેખર નિરાશાવાદી છો…..’ કહી એ મને કોઈ કારણસર ઉશ્કેરે છે.
‘તારી વાત તદ્દન સાચી છે !’ ફરી હું એની આશાઓ પર પાણી ફેરવું છું.
‘પણ તમને એક રસ પડે એવી વાત કહું….’
‘મને કશામાં રસ નથી, છતાં તું તારી વાત રસપૂર્વક કહી જ દે !’
‘આપણે તો હવે શરમાઈ મરવું જોઈએ ! ખરેખર તો આપણે ઢાંકણીમાં પાણી લઈને….’
‘મને એમાં જરાય રસ નથી. તને રસ હોય તો તું એવું કરી શકે છે….’
‘આપણા સામેવાળી પેલી શકરી છે ને ! એનો વર શાકભાજીની લારી ફેરવે છે…. તોયે….’
‘એટલે શું મારે પણ ફેરવવી ? એમ તો એની બાજુવાળો ત્રિકમલાલ આંકડાયે રમે છે ! ને… પેલો ભોગીલાલ રોજ એની વહુને ઝૂડે છે !’
‘અરે શકરીનો વર શાકભાજી વેચે છે, તોય એમને ત્યાં ટી.વી છે.’
‘તો શું આપણે ઘરવખરી વેચીને ટી.વી. લાવવું ?’
‘તમને તો આપણી આબરૂનીયે પડી નથી ! મારે તો શરમના માર્યા ઘરની બહાર પગેય નથી મૂકાતો ! પેલી શકરીને ટી.વી.માં કશી ગમ નથી પડતી એટલે ઘરમાં ટી.વી. ચાલુ કરીને બહાર ઓટલે આવીને બેસે છે… અને પછી આપણા ઘર સામે દાંત કાઢે છે !’
‘તો આપણે એના દાંત બહાર ખેંચી નાખવા જોઈએ ! શું સમજે છે એ એના મનમાં ? હું એ નહીં સાંખી લઉં હા….’
‘અરે ઊંધું ભરડ્યે રાખ્યા વિના… ટી.વી. લઈ આવો, સમજ્યા ? હવે ટી.વી. વિના નહીં ચાલે !’
‘આવી મોંઘવારીમાં ટી.વી. લાવવું તો ભારે પડી જાય !’
‘પણ મારી બહેનપણી…. પેલી રીટા ખરીને ! એનું ટી.વી. વેચવાનું છે. એ આપણને સસ્તામાં આપી દેશે !’
‘હું એને ઓળખતો નથી, પણ તું તો કહેતી હતી કે એનાં છોકરાં વડનાં વાંદરાં ઉતારે એવાં છે ! તો ટી.વી.નાં તો છોતરાં જ કાઢી નાખ્યા હશે એમણે !’
‘તમે એક વાર રીટાને મળો તો ખબર પડે કે એ કેટલી ચીવટવાળી છે ! ને…..જૂઓ… ટી.વી. સસ્તામાં મળી જાય એ અગત્યનું છે ! પછી થોડું ઘણું રિપેરિંગ કરાવી લેવું પડે ! આમ તો ટી.વી. સરસ ચાલે છે એવું એ કહેતી હતી…. હોં !’
‘પણ….’
‘પણબણ કશું નહીં ! મજૂર આવીને આપણે ત્યાં ટી.વી. મૂકી જશે મેં તો બધી વ્યવસ્થા કરી લીધી છે, ફક્ત પૈસાની વ્યવસ્થા જરા તમારે કરવાની છે….’
‘!?!’
‘ટી.વી. આવ્યું… ટી.વી…. આવ્યું….. ના પોકારો ઘરમાં થયા અને તરત જ ધબાકો થયો એટલે મારા હૈયામાં ફાળ પડી. હું તરત જ ડ્રોઈંગરૂમ ભણી દોડ્યો.
‘અલ્યા આવતાંની સાથે જ પછાડ્યું ?’ હું સમસમી ગયો.
‘ના પપ્પા… આ તો ટી.વી. આવ્યું એટલે શ્રીફળ વધેર્યું…’ અમારાં પાટવીકુંવર પપ્પુએ કહ્યું. અમારા ધાબે ટી.વી. એન્ટેના ફીટ થયું એટલે આખી સોસાયટીમાં સમાચાર ફેલાઈ ગયા. અમારા શ્રીમતીજી પાંચમાં પૂછાય એટલે ટી.વી.ના ઉદ્દઘાટન વખતે આખી સોસાયટીની પરચૂરણ અમારા ઘરમાં ભરાઈ બેઠેલી. ઓરડાના તમામ બારી-બારણાં બંધ કરી દેવાયેલાં. ત્યાર પછી સૌની આતુરતાનો અંત લાવવા મેં સ્વીચ દાબી. ટી.વી.ના સ્ક્રીન પર પાંચ મિનિટ સુધી કશું ન દેખાતાં… શ્રીમતીજીએ રાડ નાંખી… ‘પેલો દટ્ટો તો ભરાવો… ખાલી સ્વીચને મંતર્યા કરો છો તે !’
અમે સૂચનાનો અમલ કર્યો પણ પરિસ્થિતિમાં કોઈ ફરક ના પડ્યો. વીસ મિનિટ પછી શ્રીમતીજીએ સાંત્વન આપતાં કહ્યું : ‘એ તો…. ટી.વી.. જરા તપશે એટલે શરૂ થશે !’ મારું લમણું પહેલેથી તપી ગયું હોવાથી મેં સ્પષ્ટપણે જણાવ્યું…. ‘આ ટી.વી. કદી નહીં ચાલે. રૂપિયા અઢી હજારની તો કઢી જ થઈ ને !’
‘સાડા પાંચ હજારની કહો ! મેં તો બધાંને કહ્યું છે કે નવું ટી.વી. લાવ્યા છીએ !’ શ્રીમતીજીએ દાંત પીસીને મારા કાનમાં કહ્યું. એટલામાં તો….ટી.વી. ના સ્ક્રીન પર અંધારી રાતે વીજળીઓ થાય એમ લબકારા-ઝબકારા થવા લાગ્યા….. એટલે ઘરમાં હર્ષનાદો થયા ! ઝબકારા વધવાની સાથે સાથે જ ગાયન પણ વાગવા લાગ્યું……
‘આઈ એમ એ ડિસ્કોડાન્સર લાલાલ્લાલ્લા….’
અમે સૌ પણ આનંદમાં ઝૂમવા લાગ્યા…. ત્યાં પપ્પુએ જણાવ્યું : ‘પપ્પા આ ગાયન તો આપણી બાજુવાળા બચુકાકાના રેડિયામાં વાગે છે !’ આ વિધાનની સત્યતા તપાસવા મેં સ્ર્કિન પાસે જઈ કાન માંડ્યા…. ત્યાં તો જબ્બર ધડાકો થયો…. ને…. ઓરડાનો સિલિંગફેન ફરતો બંધ થઈ ગયો ! સાથે સાથે પેલું ગાયન પણ સંભળાતું બંધ થઈ ગયું !
બહારથી બચુભાઈના બરાડા સંભળાયા એટલે અમે બારણાં ખોલી નાંખ્યાં….
‘યાર… અડધો કલ્લાકથી તમે તમારા ઘરમાં શું નાટક માંડ્યું છે ?’
‘જબાન સંભાળીને બોલો બચુભૈ ! મારા ઘરમાં હું પાડા લઢાવું તોયે તમારે શું ?’
‘અરે પણ અહીં બીજાની પત્તર રગડાય છે એનું શું ?’
‘અમે ટી.વી. ખરીદ્યું છે એટલે તમને ઈર્ષા આવે છે… એ હું જાણું છું…’
‘અરે પણ તમે ટી.વી મંતરો છો ને અમારો ફ્યૂઝ ઊડી જાય છે ! હમણાં જબ્બર ધડાકો થયો… ખબર છે ?’ બચુભાઈ ગુસ્સાથી લાલ થઈ ગયા.
‘પણ એવું બને જ કેવી રીતે ?’
‘તમારું ટી.વી. વધારે પાવર ખેંચે છે !’ બચુભાઈનો રાગ ખેંચાયો.
‘અરે આ તે કૈં પાવર ખેંચવાનું મશીન છે ભલા માણસ ? લો એવું હોય તો ફરી કરી જોઈએ ! જાવ તમે નવો ફ્યૂઝ બાંધો… હું ટી.વી. ચાલુ કરું છું….’
ટી.વી. ચાલુ કરતાં જ બચુભાઈના ઘેર ફ્યુઝબોક્સમાં ધુમાડા થવા લાગ્યા. અમારા ટી.વી.ની આ વિશેષતાને કારણે શાંતિમય ઉકેલ લાવવા માટે અમારે બચુભાઈ સાથે મંત્રણાઓની શ્રેણીબદ્ધ બેઠકો યોજવી પડી. છેવટે અમારા પપ્પુએ એક એલ્યુમિનીયમનો જાડો મજબૂત તાર બચુભાઈને આપી સુચવ્યું : ‘કાકા… તમે હવેથી ફ્યુઝબોક્સમાં આ તાર વાપરજો એટલે કદી ફયુઝ નહીં ઊડે….. અને જો ઊડે તો અમે અમારું ટી.વી. તમને ભેટ આપી દઈશું… બસ !’ મારા પુત્ર પ્રત્યે મને પહેલીવાર માન થઈ આવ્યું !
આમ સમસ્યાનો શાંતિપૂર્ણ ઉકેલ આવતાં બચુભાઈના ફ્યુઝબોક્સમાં એ મજબુત તાર બાંધવામાં આવ્યો ત્યાર પછી અમે ટી.વી. ચાલુ કરતાં… બચુભાઈનો રેડિયો એક મોટા ધડાકા પછી કાયમ માટે ખામોશ થઈ ગયો ! ઉપરાંત એમનાં ઘરમાં… ટ્યુબલાઈટ અને ગોળા ઊડી ગયા. જો કે આ વખતે ફ્યુઝ ઊડ્યો નહોતો, બિલકુલ સલામત હતો ! બચુભાઈએ ધૂવાંપૂવાં થઈ અમને ધમકી આપી…. ‘જુઓ તમે હવેથી ટી.વી. વાપરવાનું બંધ નહીં કરો તો હું પોલીસ સ્ટેશને ફરિયાદ કરીશ.’
‘શું ફરિયાદ કરશો ?’
‘એ જ કે… અમારા પાડોશીના ટી.વી. ને કારણે અમારા ટયુબલાઈટ અને ગોળા ઊડી જાય છે…. ને વીજળીનો પુરવઠો ખોરવાઈ જાય છે…. ને….. એના કારણે મારો બાબલો એસ.એસ.સીમાં નાપાસ થયો છે ! હું એની નુકશાની માગીશ…. સમજ્યા ?’ બચુભાઈ તો ખરેખર ગળે પડ્યા !
‘જુઓ તમારી લુખ્ખી દાદાગીરીથી અમે ગભરાતા નથી….’
‘અરે લુખ્ખી દાદાગીરી તો તમે કરો છો….’
‘હા જાવ… અમે કરીએ છીએ ! તમતમારે પોલિસ સ્ટેશનમાં જાવ….. વડાપ્રધાનને કાગળ લખવા હોય તોય લખો… ને થાય એ ભડાકા કરી લો ! અમે તો આ જ ટી.વી. વાપરીશું…. ને ચોવીસ કલાક વાપરીશું…. જાવ !’ અમે પડકાર ફેંક્યો.
‘સારું ત્યારે… આજે તો બતાવી જ દઉં કે અમારા હાથ કેટલા લાંબા છે !’ બચુભાઈ મોટા ડગલાં ભરતા ખરેખર પોલિસસ્ટેશને જવા ઉપડ્યા.
‘તમેય ક્યાં જીભાજોડીમાં ઉતર્યા ! એક તો વાંક આપણો ને…. દાટી એમને આપો છો !’ શ્રીમતીજીએ ચિંતાતુર બની કહ્યું.
‘વાંક આપણો નહીં… ફક્ત તારો ! પેલી રીટાને ત્યાંથી ટી.વી. લેવા હું ગયેલો ? ને… તું તો જાણે છે કે… એક વાર મારો પિત્તો ગયો એટલે ખલાસ !’
‘પણ એને હવે આપણે વાપરવાનું બંધ રાખીએ તો….’
‘અઢી હજાર ખર્ચીને ટી.વી. બંધ રાખીએ ? વાહ !’
‘પણ એને જરા રિપેર કરાવી લઈએ… પછી….’
‘એટલે હજી બીજા પાંચસો-હજારના ખાડામાં ઊતરું એમને ?’
‘પણ બચુભૈ પોલિસ કેસ કરશે એટલે આમેય ખાડામાં તો….’
‘મહેરબાની કરી તું ચૂપ રહે ! હવે મારુંયે મગજ બ્હેર મારી ગયું છે !’
અમારા ઘરનું વાતાવરણ તંગ બની ગયું. ત્યાં દૂરથી બચુભાઈ જમાદાર સાથે અમારા ઘર તરફ આંગળી બતાવતા આવી રહેલા દેખાયા.
‘હવે તું રસોડામાં જ રહેજે… ઝઘડો જોવા બહાર ના આવતી ! આજે તો આ પાર કે પેલે પાર !’ મેં શ્રીમતીજીને સ્પષ્ટ સૂચના આપી દીધી.
‘આ બારણામાં બાંયો ચડાવી ઊભા છે… એમને જ સીધા કરવાના છે !’ બચુભાઈએ મારા તરફ આંગળી કરી જમાદારને જણાવ્યુ.
‘કેમ ભૈ ! આ બચુભાઈ કહે છે તે સાચી વાત છે ?’
‘જુઓ જમાદાર ! તમે હજુ બચુભૈને ઓળખતા નથી… એ એક નંબરના સ્વાર્થી, જુઠ્ઠા… ને લબાડ માણસ છે !’
‘ને તમે ? મહાત્મા ગાંધી છો કે ?’ જમાદારે લીંબુનાં ફાડિયાં જેવી આંખો તગતગાવી તીખા મરચા જેવો સ્વભાવ પ્રગટ કર્યો.
‘તમારે જે કહેવું હોય તે ચોખ્ખેચોખ્ખું કહો…’
‘પાડોશીને હેરાનગતિ કરવા માટે તમે ટી.વી. લાવ્યા છો ?’
‘એમના કરતાં તો ટી.વી.થી અમને વધારે હેરાનગતિ છે… ને અમે તો અઢી….સૉરી.. પાંચ હજાર ખોયા છે ! તોયે અમે તો મૂંગે મોઢે સહન કરીએ છીએ !’
‘પણ એવું ડબલા જેવું ટી.વી. ખરીદ્યું શા માટે ?’
‘એ મારી અંગત બાબત છે….’
‘પણ એમાં બચુભાઈ શા માટે તકલીફ ભોગવે ? જેને ત્યાંથી ખરીદ્યું છે એ ગધેડાને બે લાત ઠોકી ટી.વી. એના માથામાં પાછું મારોને !’
‘એમ કોઈ પાછું ના લે !’
‘તો વેચી મારો !’
‘તમે ખરીદશો ?’
‘આ ગમ્મતનો સમય નથી… સમજ્યા ?’
‘હું ટી.વી. મારા ઘરમાં વાપરું છું ! બચુભાઈના ઘરમાં હું ભાંગફોડ કરવા જતો નથી…’
‘પણ એમના ઘરમાં ફયુઝ ઊડી જાય છે !’
‘અરે એ પોતે ઊડી જાય તોયે હું શું કરું ?’
‘મને લાગે છે તમે કદી પોલિસના ઝપાટે ચડ્યા નથી લાગતા !’
‘શું કરી લેશો તમે ?’
‘અરે લબોચું ઝાલીને તમને ઘરની બહાર ફેંકીશ ને… સાથે તમારા ડબલા જેવા એ ટી.વી.ને પણ… સમજ્યા ? અમારી સત્તા હજુ તમે જાણતા નથી ! પાડોશી સાથે સભ્યતાથી રહેતા શીખો, નહીં તો….’
‘ચૂપ રહો, અમારે ઉલ્લુઓ પાસેથી સભ્યતા નથી શીખવી….’
‘એય લલ્લુ ! બોલવામાં સભ્યતા રાખ નહીં તો…’ જમાદારે એમની સભ્યતા મુજબ ડંડો હાથમાં લીધો !
‘એય જમાદાર ! ખબરદાર જો અમારા બાબલાના પપ્પાને કંઈ બોલ્યા તો ! ઘરમાંથી શ્રીમતીજી દોડતાં આવ્યાં… ને એકદમ અવાક બની ગયાં !’
‘અરે ! દીપ્તિબેન તમે ?’ જમાદાર પણ આભા બની ગયા.
‘ઓહો ! રણછોડભાઈ તમે અહીં ક્યાંથી ? આવો આવો….. ને બચુભાઈ તમેય આવો અંદર ! આવા ઝઘડા આપણને ન શોભે. આ તો…. બધું ઓળખાણમાં નીકળ્યું !’
શ્રીમતીજીએ મામલો સંભાળી લીધો. જમાદાર એટલે કે રણછોડભાઈ ગુનેગારની માફક ઘરમાં પ્રવેશ્યા ને… પાછળ કચવાતા મને બચુભાઈ પણ આવ્યા. જમાદાર અને બચુભાઈ કોઈ વિચિત્ર પ્રાણીને જોતા હોય એમ ટી.વી. ભણી આંખો ફાડીને જોઈ રહેલા અને હું પણ કંઈક એવી જ ભાવના સાથે એ બન્નેને જોતો હતો. ત્યાં શ્રીમતીજીએ સ્પષ્ટતા કરી…. ‘આ રણછોડભાઈને ના ઓળખ્યા ? અરે મારી બહેનપણી રીટાના હસબન્ડ છે ! આ ટી.વી. એમને ત્યાંથી તો આપણે ખરીદ્યું છે….’
હું, બચુભાઈ અને રણછોડભાઈ એકબીજા સામે બાઘાં મારવા લાગ્યા. દરેકની આંખમાં એક જ પ્રશ્ન હતો…. કે…. હવે શું કરવું ?
Print This Article
·
Save this article As PDF
નિર્મિશ ઠાકરે સહજતાથી ટી.વી ને નીમિત બનાવી આપણા મધ્યમ વર્ગની કૌટુબીક સમસ્યાઓને રમુજી શૈલીમા રજુ કરી છે.આપણે હાસ્ય લેખકો ઓછા છે.નિર્મિશ ઠાકર પણ સફળ હાસ્ય લેખક થશે તેવું લાગે છે.અભિનંદન
હવે લેખોનેી પસન્દગેીમા પણ મેઘધનુષના રન્ગો દેખાય છે. !!!!!
રમૂજી લેખ ! મજા આવી ગઇ…..ધન્યવાદ !
maja avi gayi
ખુબ જ મ્જા આવી……. આભાર!
Really Funny. મજા આવી ગઈ.
વાહ.
નિમેશભઈ મારે ય T.V. વેચવાનુ થયુ છે……… ક્યારે મોકલાવુ ?. …. .. Thanks in well advance… nice article….
સખત મજા આવી.
ટીવી ની “રામાયણ” તો વાંચી પણ “મહાભારત” આજે વાંચ્યુ.
હંમેશ ની જેમ, આ લેખ પણ ખુબ સરસ છે.
Realy funny article..! 🙂
Hilarious…
Ashish Dave
Sunnyvale, California
khub aj saras!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
nirmish bhai , have koine T.V. levanu hase to chokkas tamrai pase moklis, ha ne!!!!!!!!!!!!!! tamaru address moklavjo.
ધીમે ધીમે નિર્મિષભાઇ જ્યોતિન્દ્ર દવે જેવી ઇન્ટેલીજન્ટ વાતો લખતા થયા એ જાણી મજા પડે છે. આ હાસ્યલેખ ચીલાચાલુ સમાચારના કટાર લેખકોથી જુદો પડે. નિર્મિષભાઇ ખૂબ આગળ વધશે.
Really good, I liked it
Excellent!
બહુ મજા આવી. ઃ)
NICE ARTICLE FROM NIRMISHBHAI.
PALLAVI
વાચિ ખોબ મજા અવિ હસિ ને લોત પોત
I have never show article like this.congrates to nirmishbhai
બહુજ સરસ મને ઘનઉ ગમ્યુ…
nimesha bhaai mane tamaaro lekha bhahu gamyo hu paaNa ek lekhaka Chu paNa haasya ane maare aaparma no sambandha chhe tame maari jindgi thodika palo haasya thi bhari,thodika palo duniyaa ni maathaakuta thi parvaari ne nikhaalas thai ne hu hasyo jivana ma tetalo aanand aapvaa hu tamaro RuNi rahish.me ghanaa natako karela Che to maari ichCha evi thai Che ke hu tamaaraa aa lekh upar ek ekaanki lakhu manjuri aapsho?
શું કહુ નિર્મિષ ભાઈ??? ખરી કરી તમે તો યાર !!! બહુ હસાવ્યા તમે તો. સાચુ કહુ છું – તમે ખરેખર મહાન હાસ્યલેખક છો.
ખુબ મજા નો લેખ રહ્યો.તમરો સર્નમુ જનવ્સો.