- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ઊર્ધ્વારોહણ – કિન્નરી પરીખ

[ અમદાવાદમાં રહેતા કિન્નરીબેને કૈલાસ-માનસરોવરની યાત્રાના પોતાના અનુભવો વર્ણવતું એક સુંદર પુસ્તક ‘ઊર્ધ્વારોહણ’ નામે પ્રકાશિત કર્યું છે. આ પુસ્તકમાં માત્ર પ્રવાસવર્ણન નો સમાવેશ ન કરતાં લેખિકાએ વિવિધ સ્થળોની તલસ્પર્શી માહિતી, પ્રવાસની તૈયારી અંગેના સૂચનો, જરૂરી એપ્લિકેશન ફૉર્મ વગેરે અનેક પ્રકારની જરૂરી વિગતો સરળ શબ્દોમાં વર્ણવી છે. પ્રસ્તુત છે આ પુસ્તકમાંનો કેટલોક અંશ. રીડગુજરાતીને આ પુસ્તક મોકલવા બદલ શ્રીમતી કિન્નરીબેનનો ખૂબ ખૂબ આભાર. આ પુસ્તક આપ ‘નવભારત સાહિત્ય મંદિર, અમદાવાદ’ થી મેળવી શકો છો. પ્રતિભાવો માટે લેખિકાનો સંપર્ક આ પ્રમાણે છે : ફોન : +91-79-26750727 ઈ-મેઈલ : kinnarishirish@yahoo.com ]

સાંજના સમયે માનસરોવરના કિનારે દશ્યો જોવાની ખૂબ મજા પડી. વાદળાંના પ્રતિબિંબને કારણે અલગ અલગ રંગોની બિછાત ફેલાતી હતી. બપોરે જુદા રંગો, સાંજે અલગ રંગો – આ ગીત યાદ આવી ગયું : ‘અજબ મિલાવટ કરી અજબ બનાવટ કરી, ચિતારે રંગપ્યાલીઓ ઢાળી.’ બ્રહ્માંડના સર્જનહાર જ્યારે રંગોની મિલાવટ કરવા બેસે પછી તેમાં કંઈ કમી રહે ! કેમ્પની પાછળ ટેકરી પર ગોમ્પા હતું. તે ટેકરી પાછળનું આકાશ અદ્દભુત હતું. વાદળાં ગ્રે રંગનાં અને તેમાં તાંબાની છાંટ ! શું અદ્દભુત દશ્ય હતું !

રાત્રે 10:30-11 વાગે સૂઈ ગયાં. રાત્રે પોણા બે વાગે અપર્ણાએ ઉઠાડી. સરોવરમાં દૂર કંઈ ચમકતું દેખાયું. મને એમ કે કોઈ કેમ્પ હશે. એમ સાંભળ્યું હતું કે માનસરોવરમાં રાત્રે દેવતાઓ તારા સ્વરૂપે સ્નાન કરવા આવે છે. 2-3 કલાક બેસીએ ત્યારે દેખાય. મને શંકા થઈ કે પોણા બે વાગે થોડા દેખાય ! પણ ઊંઘ ન આવી. ઠંડી એટલી કે પડખું ફરવું પણ ન ગમે. તેથી ઊઠીને જોવાનું મન ન થયું. મીતેશ બોલતો હોય તેવો અવાજ આવ્યો.

ઊઠી, બારી બહાર જોયું તો ત્રણ તારા સ્નાન કરતા દેખાયા. શીલાજી અને અપર્ણાને જોવા જગાડ્યાં. અપર્ણાએ હિમાદ્રીશને જગાડ્યો. અમે ત્રણેય રજાઈ ઓઢીને તારા જોવા બેઠાં. કુલ 10 તારા દેખાયા. એક જ્યોત હતી. એટલું અદ્દભુત ! એમ સાંભળ્યું છે કે માનસરોવરમાંથી દેવતાઓ બ્રહ્માંડનું સંચાલન કરે છે. નિરવ શાંતિ અને આહલાદક અનુભવ. એક જ્યોત પાણીમાં ઊતરી વિલીન થઈ ગઈ. આનંદથી અવાચક થઈ ગઈ. આટલા તારાઓ જોવા મળશે તેવી કલ્પના પણ ન હતી. થોડી વાર પછી સૂઈ ગયાં. વળી, શીલાજીએ ઉઠાડ્યાં. કિન્નરી, ચંદ્ર જો, ચંદ્ર અર્ઘચંદ્રાકાર શિવજીની જટામાં હોય તેવો, તેનું પ્રતિબિંબ માનસરોવરમાં એટલું સરસ લાગતું હતું. આનંદથી અભિભૂત થઈ ગયાં. બહાર બેસતાં રજાઈ ઓઢીને જ બેસવું પડતું હતું. સખત ઠંડી લાગે પણ આવું સુંદર જોવા અને અનુભવવા ક્યાં મળવાનું છે ! ફરી પાછાં સૂઈ ગયાં.

સવારે આઠ વાગે પરાણે ઊઠ્યાં. પણ રાતનું જ દશ્ય આંખ સામે તરવરે. તૈયાર થઈ પાળી પર બેસી માનસરોવરના બદલાતા રંગો જોયા જ કર્યા. કેટલા રંગો બદલાય ! અદ્દભુત અને આહલાદક દશ્ય. સમય થયો એટલે ટુગુ જવા નીકળ્યાં. રસ્તામાં કપડાની ધજા પતાકા બાંધી હોય તેવું સ્થાન જોયું. રસ્તામાં દશ્યો જોવાની મજા પડતી હતી. પાણી અને પર્વતોના રંગ બદલાયા જ કરે. આકાશના રંગ પણ બદલાય. બધું ખૂબ સુંદર લાગતું હતું. રસ્તામાં એક ગોમ્પા આવ્યું. બુદ્ધ મંદિરને ગોમ્પા કહે છે. તેમાં બધું જુદા પ્રકારનું હતું. અલગ સંસ્કૃતિને લીધે કુતૂહલ થતું હતું. પણ તે બધું સમજવા કરતાં માનસરોવર જોવાનો તલસાટ જ રહ્યા કરતો.

રસ્તામાં કૈલાસપર્વતનાં દર્શન થતાં હતાં. સંપૂર્ણ હિમાચ્છાદિત. શંકર ભગવાનનું ધામ. નાનપણમાં ચોરવાડમાં નાગનાથ અને ભૂતનાથ મહાદેવના મંદિરમાં મોળાક્ત વખતે ત્યાં જ રમતા. શંકર ભગવાન ભોળાનાથ કહેવાય. જલદી પ્રસન્ન થઈ જાય. તેમને બિલિપત્ર બહુ ગમે. આવી બધી વાતો યાદ આવે. 26 વર્ષથી પાર્વતીદેવીની ગિરિજાસ્તુતિ કરું છું. શંકર, પાર્વતી, ગણેશ, કાર્તિકેયવાળી વાર્તા પણ યાદ આવે. એ વાર્તાએ માતાપિતાને તીર્થ માનતાં શીખવ્યું. ઓખાહરણની વાર્તા યાદ આવે. શંકર પાર્વતીજી સાથે સંકળાયેલું બધું યાદ આવે અને વિચાર આવે ભોળાનાથ ક્યા સ્વરૂપે દર્શન આપશે ? અને ભજન યાદ આવી ગયું…..

શંભુ શરણે પડી, માંગું ઘડીએ ઘડી
કષ્ટ કાપો, દયા કરી દર્શન શિવ આપો.

વળી રાત્રિના તારા અને જ્યોત પણ હરપળ યાદ આવે. જ્યોત યાદ આવતાં આ પ્રાર્થના યાદ આવી.
અંતરના ધામમાં આવો હે દિવ્ય જ્યોત
અંતરના ધામમાં આવો, અંધારાં વાદળાંના દળને
વિખેરી, તેજના કટોરા ભરી લાવો;
હે દિવ્યજ્યોત અંતરના ધામમાં આવો.

સરોવર નિહાળતાં અલૌકિક આનંદ માણતાં હતાં. જિંદગીનું સપનું વાસ્તવિક રૂપે સાકાર થયું હતું. ઈશ્વરની કૃપા અને આહલાદક આનંદની અનુભૂતિ હરપળે થતી હતી. બસની યાત્રા સાથે મનોયાત્રા કરતાં કરતાં ટુગુ પહોંચ્યા. અહીં માનસરોવર ખૂબ સુંદર દેખાય છે. માનસરોવર કૈલાસપર્વતના ચરણ પખાળતું હોય તેવું લાગે. ઉતારા પર આવી સામાન મૂકી તરત સરોવરકિનારે આવી સ્વામી પ્રણવાનંદજીએ યજ્ઞવેદી બનાવી છે, તેના પર બેસી ડાયરી લખતાં લખતાં સરોવર જોવાની ખૂબ મજા આવી. થોડીવાર પછી કૅમ્પ પર ગયાં. ખબર પડી કે સ્ટવ ફાટી ગયો છે. રસોઈને વાર છે. સરોવર પર કપડાં ધોઈ સૂકવ્યાં. કપડાં સૂકવતાં પાણીના રંગો અને પર્વત જોવાની મજા પડી. પ્રભુનું નામસ્મરણ કરતાં કરતાં દશ્યો માણતી હતી.

સાંજે અપર્ણા, હિમાદ્રીશ, મિતેશ અને હું એક ગાદલા પર બેસી વાતો કરતાં કરતાં ડાયરી લખતાં હતાં. અમારી ચારેયની દોસ્તી સરસ છે. વાતો કરતાં મસલત કરી કે રાત્રે અઢી વાગે ગાદલાં, રજાઈ, ઓશીકાં, નાસ્તો, પાણી, કૅમેરો, ગરમ કપડાં, બધું લઈને સરોવરના કિનારે બેસીને તારા જોઈશું. સૂર્યાસ્ત પણ જોયો. અદ્દભુત દ્રશ્ય હતું. સૂર્યાસ્ત સમયે પાછી રંગોની મિલાવટ બદલાઈ જાય. ભૂરો રંગ વધારે ઘેરો બને. સાથે અસ્ત થતા સૂરજની લાલિમા અને સોનેરી ઝાંય ભળે. સૂરજ ઢળતાં બધા જ રંગોની મિલાવટ ફરી પાછી બદલાય. રાત્રે પથારી બારી પાસે લીધી હતી તેથી તારાઓ જોવાની ખૂબ મજા પડી.

રાત્રે અઢી વાગે ઊઠ્યાં. બધા લબાચા લઈને બિલ્લીપગે નીકળ્યાં. નિરવ શાંતિ, આકાશમાં તો તારાઓ એટલા સુંદર લાગે ! અદ્દભુત અને અલૌકિક વાતાવરણની અનુભૂતિ પણ અદ્દભુત અને અલૌકિક હતી. નિરવ, શાંત રાત્રિમાં માનસરોવરમાંથી જાણે શાંતિનાં આંદોલનો ઉદ્દભવતાં હતાં. રાખોડી અને કાળા રંગની અજબ મિલાવટ હતી. રાત્રિનું પોતાનું આગવું સૌંદર્ય હતું. વચ્ચે વચ્ચે તારાઓ દેખાતા. કોઈ તારા સરોવરમાં વિલીન થઈ જાય, કોઈ પાછા ઉપર જતા રહે. તારાઓ માટે એવી માન્યતા છે કે દેવતાઓ તારા સ્વરૂપે સ્નાન કરવા આવે છે. વૈજ્ઞાનિક તારણ એ છે કે આ ઉલ્કા છે. જાગતાં ઊંઘતાં તારાઓ જોયા. સવારે પોણા પાંચે ચંદ્ર પર્વત પાછળથી ઊગ્યો. શું સુંદર લાગે ! પહેલાં તેજપૂંજ જેવો લાગ્યો, પછી કૈલાસપતિની જટામાં છે તેવો લાગતો હતો. ધીરે ધીરે ઉપર આવતો ગયો તેમ તેમ સરોવરમાં તેના તેજનું પ્રતિબિંબ સરોવરને અનેરી શોભા આપતું હતું. કાળા અને રાખોડી રંગના મિશ્રણમાં વળી રૂપેરી ચાંદનીનો પ્રકાશ રેલાઈ રહ્યો હતો. તનની અને મનની આંખોથી આ દશ્ય પી રહ્યાં હતાં, અને આત્મા અભિભૂત થઈ રહ્યો હતો. સૃષ્ટિના સરજનહારની અદ્દભુત કરામતને જોતાં જોતાં અલૌકિક અનુભૂતિથી અભિભૂત થતાં શાંતિમાં ગરકાવ થઈ ગયાં.