નરસી મે’તા બીજો – ચંદ્રકાન્ત વાગડિયા

પેલો હતો નરસિંહ મહેતા પહેલો, પણ આ તો છે ‘નરસી મેતા’ બીજો, કારણ કે હજુ સુધી નરસિંહ મહેતા બીજો પાક્યો નથી. એનું મૂળ અને અસલી નામ તો હતું આર.સી. મહેતા. પરંતુ સમયના વહેણ સાથે એના અસલી નામનું રૂપાંતર થઈ ક્યારે નકલી નામ નરસી મેતા પડી ગયું, એ યાદ આવતું નથી.

મેતી તો મેતાનો સ્વભાવ બરાબર જાણે. એટલે એને જ્યારે સાંજે શાકની જરૂર હોય ત્યારે મેતાને તો શાક લેવા સવારે મોકલી આપે. અને જો સવારે ન મોકલે તો સાંજે શાક વઘારવાના યોગો ઊભા થાય જ નહિ ને. મેતા ગમે ત્યારે ગમે ત્યાં ગામગપાટા હાંકવા બેસી જાય. એક વાર બેસી જાય પછી એને સમયનું બંધન નડે નહિ કે ટાઈમનું ભાન રહે નહિ.

આવી રીતે એક દિવસ બપોરે એકાદ વાગ્યાના સુમારે મેતા મારે ત્યાં આવી ચડેલા. શનિવાર હતો એટલે ઑફિસમાં રજા હતી. મેતાએ તો ગામગપાટા શરૂ કર્યા. ચાપાણી પીધાં. ફરી ગપાટા હાંક્યા. એકાદ કલાક થઈ ગયો. બે વાગ્યા એટલે અમારો બપોરની ચાનો સમય થયો. ફરી ચા મુકાઈ. મેતા બીજો ડોઝ લગાવીને ફરી પાછા વાતોએ વળગ્યા. એટલામાં મારો બાબો અંદર આવ્યો. બાબાને જોઈને એકદમ ચમકીને મેતા બોલ્યા :
‘હત્ તેરી કી…..’ કહેતાં મેતાએ કપાળ કૂટ્યું. પછી મને કહે :
‘અરે યાર, હું તો મારા બાબાને સ્કૂલે લેવા નીકળેલો. થોડીવાર હતી તે મને થયું કે લાવને તમને મળતો જઉં.’ એમ બોલતાં બોલતાં મેતાએ હાંફળાફાંફળા ઊભા થઈને સાયકલ મારી મૂકી.

શાળાએ જઈ જુએ તો મેતાને જગત દીસે નહિ. શાળાનું મેદાન બિલકુલ સાફ. એક ચકલુંય ફરકે નહિ ને. મેતા મૂંઝાયા, એટલે ફરી પાછી સાયકલ મારી મૂકી. પાછા મારે ત્યાં આવ્યા.
‘મારા બાબાનું શું થયું હશે ? સ્કૂલે તો કોઈ નથી.’
‘અરે ભલા માણસ, પહેલાં ઘરે જવાય ને.’
‘આ તો તમારું ઘર રસ્તામાં આવે અને વળી પાછી મારી મતિ મૂંઝાઈ ગયેલી.’
‘તમારે અને મતિને વળી શું લેવાદેવા ? હવે હાલો ઝટ પહેલાં તમારે ઘેર જઈએ.’ અને અમે બંને મેતાના ઘેર પહોંચ્યા. ત્યારે ત્યાં જઈને જોયું તો બાબલો બહાર આંગણામાં લખોટી આંટતો હતો. આ જોઈ મેતાના જીવમાં જીવ આવ્યો. પછી બાબાને પૂછ્યું : ‘એલા બાબલા, તું કેવી રીતે ઘેર આવ્યો ?’
‘પપ્પા, પેલા મનસુખ અંકલ છે ને તે મને એમના લ્યુના ઉપર એમના મુન્ના જોડે લેતા આવેલા.’

લોકો પણ મેતાને ઓળખે એટલે જ્યારે આવો કોઈ ગોસમોટાળો થાય ત્યારે સમય સાચવી લે. પછી અમે બંને ઘરમાં ગયા. મને એમ કે મેતી હમણાં મેતાને ખખડાવી નાંખશે. પણ ન તો વાદળાંનો ગડગડાટ થયો કે ન તો વરસાદની હેલી થઈ. ઉપરથી મેતી તો અમને ઠંડું પાણી આપીને અમારા માટે ગરમાગરમ ચા બનાવવા માટે અંદર ગઈ. આથી મેં મેતાને પૂછ્યું :
‘એલા તને કેમ કોઈએ કાંઈ કહ્યું નહિ ?’
‘તે મને શેના કોઈ કાંઈ કહી જાય ?’
‘કેમ વળી ? વાંકગુનામાં આવો તો કહેવું ન પડે શું ?’
‘ના.’
‘કેમ તને કાંઈ કહેવામાંથી મુક્તિબુક્તિ મળેલી છે કે શું ?’
‘મુક્તિનો સવાલ નથી. પણ વાત જાણે એમ છે કે મેં તો ઘરનાંને એક એવું અલ્ટિમેટમ આપી રાખેલ છે કે મને કદી કોઈ કાંઈ કહે જ નહિને.’
‘શું છે વળી તારું આ ચમત્કારિક અલ્ટિમેટમ ?’
‘એની વાત વળી ફરી કદીક, આજે નહિ.’
‘તું તો કમાલ છેને કાંઈ.’
‘કમાલ શું ? અરે આ તો આપણો સિદ્ધયંત્ર જેવો ચમત્કારિક આઈડિયા છે આઈડિયા અને વળી પાછું આપણું આ અલ્ટિમેટમ કાયમ માટે સ્ટેન્ડિંગ છે સ્ટેન્ડિંગ.’
‘એમ વાત છે ?’
‘હાસ્તો વળી. બસ, આજની ઘડી ને કાલનો દિ’. હજુ સુધી મને કઈ કોઈ કરતાં કોઈએ કાંઈ પણ કહ્યું નથી ને.’
‘આ તો બહુ સારું કહેવાય. મને તારા આ અલ્ટિમેટમનો આઈડિયા બતાવને. મારે તો ઘરે બૈરી અને ઑફિસમાં બૉસ અવારનવાર મને ખખડાવી નાંખે છે.’
‘એ તો વાંક હોય તો સૌ ખખડાવી નાંખે જ ને.’
‘વાંકની ક્યાં માંડો છો ?’ હું જરા ઊંચા અવાજે બોલ્યો : ‘અરે આ તો વગર વાંકે ખખડાવી નાંખે છે એનું શું ?’
‘હાસ્તો. ઑફિસમાં પેલા બુદ્ધિના બળદિયા કાંઈ કામ ન કરે તોય બૉસ એને કાંઈ જ ન કહે, અને આપણે ઘોડાની જેમ કામ કરીને તૂટી મરીએ તોય આપણી ગધેડા જેટલી જ કિંમત ?’
‘એ બળદિયા પાસેય મારા અલ્ટિમેટમ જેવો કોઈ બીજો આઈડિયા છે.’
‘એ વળી ક્યો આઈડિયા ?’
‘અરે ભલા માણસ, એટલીયે સમજ ન પડી ! ચમચાગીરીનો આઈડિયા !’ મેતા પોરસાતાં પોરસાતાં ખુશ થતાં બોલ્યા. મેતાની મતિ માટે મને પહેલી જ વાર માન થયું. મેતાએ તો પાછું એનું પુરાણ આગળ ચલાવ્યું : ‘એ તો ભાઈ, જેવાં જેનાં નસીબ. કોઈના નસીબમાં વૈતરું તો કોઈના નસીબમાં આરામ. સૌ પોતપોતાનાં નસીબ સાથે જ લઈને આવે છે.’ પછી મેં કાંઈ દલીલ આગળ ન કરી. ‘જેવાં અમારાં નસીબ’ કહેતાં મેં ત્યાંથી રજા લીધી.

ફરી પાછી એક દિ’ની વાત છે. તે દિ’ મેતાની બેબી મારે ત્યાં સાંજે આવીને મને કહે : ‘અંકલ, મારા પપ્પા બપોરના તેલ લેવા ગયા છે તે હજુ સુધી ઘેર આવ્યા નથી.’
હું વિચારતો હતો કે ભાઈસાહેબ અત્યારે ક્યાં હશે ? ત્યાં તો મગજમાં ટ્યુબલાઈટનો ઝબકારો થયો. ભાઈસાહેબ કિલો તેલ લઈને પછી તોલો તેલ હનુમાનને ચડાવીને પછી જ ઘેર જશે. તેલ લેવા નીકળે ત્યારે મેતા વારેય ન જુએ. શનિવાર ન હોય તો પણ હનુમાનના મંદિરે જાય. હું મેતાની બેબીને લઈને મંદિરે ગયો. ત્યાં જઈને જોયું તો ભાઈસાહેબ હનુમાનચાલીસા કરતા હતા. બેબી અને મેતાને ઘેર મોકલી હું પાછો ફર્યો. વળી પાછું આવી જ રીતે એક દિ’ મેતા ઑફિસેથી છૂટીને ઘેર આવેલા નહિ. બીજા દિવસની સવાર પડી. બીજે દિ’ ઑફિસમાં પૂછ્યું તો ત્યાં પણ કોઈને કાંઈ ખબર નહિ. ઘરનાં બધાં ઊંચાનીચાં થઈ ગયેલાં. આ વખતે તો હુંયે પણ મૂંઝાઈ ગયેલો.

વચ્ચે પણ એક દિ’ સવારે લાઈબ્રેરીમાં છાપું વાંચવા જવાનું કહીને ઘેરથી નીકળેલા તે ઠેઠ બીજે દિ’ સવારે ઘેર પાછા આવ્યા’તા. પૂછ્યું તો કહે કે રજા હતી તે છાપાં વાંચીને સીધો બહારગામ જતો રહેલો. આ વખતે ઑફિસેથી ઘરે નહિ આવેલા એટલે બેત્રણ દિ’ રાહ જોઈ. પછી અમે શોધખોળ આદરી. ચારેકોર તપાસ કરી પણ પત્તો ન લાગતાં પછી અમે પોલીસખાતામાં ફરિયાદ કરી. એ જમાનામાં ટીવીબીવી હતાં નહિ. નહિતર અમે એનો ફોટો ટીવીમાં જરૂર આપત. પણ અમે છાપામાં ખોવાયાની જાહેરાત ફોટા સહિત આપી. છાપામાં છાપાયા પછી પણ પત્તો ન લાગ્યો એટલે એમનાં પત્ની મને કહે છે :
‘હવે છેલ્લો એક જ રસ્તો બાકી છે, તમે જૂનાગઢ ન જઈ આવો ?’
‘કેમ નહિ ? કાલે બપોરે જ હું જૂનાગઢ જવા નીકળીશ. ત્યાં હશે તો તો એને ચોટલી ઝાલીને પાછો લેતો આવીશ.’ એમ કહી હું પાછો મારા ઘેર આવ્યો. મેં મારી પત્નીને જૂનાગઢ જવાની વાત કરી.

બીજે દિ’ હું જૂનાગઢ જવાની તૈયારી કરવા લાગ્યો. જમવાનું તૈયાર થઈ જતાં હું જમવા બેઠો. ત્યાં તો મારી કૉલબેલ રણકી ઊઠી. મને હાશ થઈ. મને થયું કે જૂનાગઢનો ધરમધક્કો હવે બચી જશે. મેતા આવી ગયા લાગે છે. હું જૂનાગઢ જવા નીકળી જાઉં એ પહેલાં એની બેબી ખુશખબર આપવા આવી લાગે છે. એમ વિચારી મેં જ ઝડપથી બારણું ખોલ્યું. જોયું તો સામે ખુદ સાક્ષાત નરસી મેતા ઊભા’તા. પણ ચહેરો ચમકદમક વગરનો હતો. મેં ગુસ્સે થઈને પૂછ્યું.
‘કીધા કરાવ્યા વગર ક્યાં ગ્યા’તા ?’
‘એ તો હું ઑફિસેથી બારોબાર બરોડા ગયેલો.’
‘પણ ત્યાં તમારું કોઈ સગું નથી ને. અમે તો બરોડા સિવાય બીજે બધે તપાસ કરાવી હતી.’
‘એ બધી વાત પછી. પહેલાં મારી વાત સાંભળો. બપોરે હું ઘેર આવ્યો ત્યારે ઘર બંધ હતું. મને એમ કે એ શાકપાન લેવા ગઈ હશે. એટલે બાજુમાંથી ચાવી લઈ મેં ઘર ખોલ્યું તો ટેબલ પર ચિઠ્ઠી પડી હતી. લો વાંચો….’ એમ કહી એણે મને ચિઠ્ઠી આપી. ચિઠ્ઠીમાં માત્ર એટલું જ લખ્યું હતું કે :
‘તમારી હરકતોથી ત્રાસીને હવે અમે ગળે આવી ગયાં છીએ, અને જૂનાગઢ જતાં રહીએ છીએ. આપણી લેણદેણ પૂરી થઈ. હવે અમારી ખબર કાઢશો નહિ.’

ચિઠ્ઠી વાંચીને મેં મેતાને પૂછ્યું : ‘ક્યાં ગયું તમારું સ્ટેન્ડિંગ અલ્ટિમેટમ’
‘જૂનાગઢ જતું રહ્યું !’
‘એટલે ?’ મને સમજ ન પડતાં પૂછ્યું.
‘મારા એ સ્ટેન્ડિંગ અલ્ટિમેટમથી જ આ મોકાણ થઈ.’
‘મતલબ ? હવે તો કહો કે તમારું એ અલ્ટિમેટમ શું હતું ?’
‘બૂમરેંગ થયું ભાઈ, અગાઉ મેં એ જ ધમકી આપી રાખેલી કે જો મને કોઈ કાંઈ કહેશે તો હું જૂનાગઢ જતો રહીશ !!!’

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous સનમની શોધમાં – સુચી વ્યાસ
ટપક્યું – શરીફા વીજળીવાળા Next »   

19 પ્રતિભાવો : નરસી મે’તા બીજો – ચંદ્રકાન્ત વાગડિયા

 1. purna says:

  સર …
  જુઓ આવા જ સારા હાસ્ય લેખ મુક્તા રહેજો નહીંતર જુનાગઢ ની ટીકીટ માટે પૂછપૂરછ કરવી પડશે!!

 2. Mittal shah says:

  junagadhe to bhari kari ho …………..

  sache, too good .i agree with u purna, ava hasya lekho mukta rehjo mrugesh bhai, nahi to puchparach nahi tamarij junagadh ni ticket mangavi daisu!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

 3. Hiral Thaker 'Vasantiful' says:

  Nice article.

 4. Dhaval B. Shah says:

  This is nice too..

 5. Keyur Patel says:

  Very cool. And funny too…..

 6. Bharat Dalal says:

  Real sense of innocent humour. More of such required.

 7. pragnaju says:

  “હું વિચારતો હતો કે ભાઈસાહેબ અત્યારે ક્યાં હશે ? ત્યાં તો મગજમાં ટ્યુબલાઈટનો ઝબકારો થયો. ભાઈસાહેબ કિલો તેલ લઈને પછી તોલો તેલ હનુમાનને ચડાવીને પછી જ ઘેર જશે. તેલ લેવા નીકળે ત્યારે મેતા વારેય ન જુએ. શનિવાર ન હોય તો પણ હનુમાનના મંદિરે જાય. હું મેતાની બેબીને લઈને મંદિરે ગયો. ત્યાં જઈને જોયું તો ભાઈસાહેબ હનુમાનચાલીસા કરતા હતા. બેબી અને મેતાને ઘેર મોકલી હું પાછો ફર્યો. વળી પાછું આવી જ રીતે એક દિ’ મેતા ઑફિસેથી છૂટીને ઘેર આવેલા નહિ. બીજા દિવસની સવાર પડી. બીજે દિ’ ઑફિસમાં પૂછ્યું તો ત્યાં પણ કોઈને કાંઈ ખબર નહિ. ઘરનાં બધાં ઊંચાનીચાં થઈ ગયેલાં. આ વખતે તો હુંયે પણ મૂંઝાઈ ગયેલો.”
  “‘બૂમરેંગ થયું ભાઈ, અગાઉ મેં એ જ ધમકી આપી રાખેલી કે જો મને કોઈ કાંઈ કહેશે તો હું જૂનાગઢ જતો રહીશ !!!’”
  વાહ્ ! આવા ફળિયે ફળિયે મળતા મે’તાના –
  હાસ્યલેખ દ્વારા નિર્દોષગંમ્મત બદલ ચંદ્રકાન્ત વાગડિયાને અભિનંદન

 8. મહેતાનુઁ બુમરેઁગ ગમ્યુઁ.લેખકને અભિનઁદન !
  શ્રીમાન મૃગેશભાઇનો ખૂબ આભાર !

 9. Bhavna Shukla says:

  ચંદ્રકાન્ત વાગડિયાને અભિનંદ, મુક્ત મને લખ્યુ છે. મજા પડી ગઇ. મૃગેશભાઇ ખૂબ ખૂબ આભાર.

 10. gopal h parekh says:

  મજા પડીગઈ મારા ભૈ

 11. Ashish Dave says:

  Very nice

  Ashish Dave
  Sunnyvale, California

 12. Ramesh Shah says:

  હાસ્ય લેખ લખવાનું જેટલું મુશ્કીલ છે એટલું જ મુશ્કીલ લેખને માણવાનું છે…..આતો માણવા જેવો નહીં પણ મમળાવવા જેવો હાસ્ય લેખ…અભિનંદન.

 13. Devbhakti says:

  amanzing …….ticket taiyar rakhso kato ava lekh lakhso

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.