આપણા લગ્નોત્સવો – ચંદ્રકાન્ત શેઠ

મનુષ્ય ઉત્સવપ્રિય પ્રાણી તો છે જ, સાથે ઉત્સવસર્જક પ્રાણી પણ છે. સારું નિમિત્ત મળ્યું નથી ને ઉત્સવ ઊજવ્યો નથી. વહુને દિવસ રહ્યા, ઉત્સવ કરો, સીમંતની ઉજવણી કરો. બાળકનો જન્મ થયો, જન્મદિન ઊજવો. છોકરાનો વિવાહ થયો, ઉત્સાહથી મનાવો. કશુંક ઘરમાં સારું થાય તો તેની ખબર આસપાસનાંને – બહારનાંને પણ બરોબર પડવી જોઈએ. ગોળ કુલડીમાં ભાંગીને એકલાં એકલાં ખાવામાં મજા નહીં, મોજ નહીં. ગોળધાણા ગામ આખામાં વહેંચવામાં જ મજા. એક વાર અમારા એક સંબંધીના છોકરાને એના સંગીતટીચરે રેડિયો પર કાર્યક્રમ અપાવ્યો. થયું. પેલા છોકરાના બાપાએ તો એ છોકરાનો રેડિયો પર કાર્યક્રમ આવ્યો ત્યારે – અલબત્ત, ત્રણેક મિનિટનો જ તબલાવાદનનો એ કાર્યક્રમ હતો – ગામ આખાને પોતાને ઘેર ચાપાણી માટે નોતરેલું ને સૌથી આગળ પોતાના ‘રેડિયો-સ્ટાર’ બનેલા ચિરંજીવીને તબલાવાદનનો કાર્યક્રમ પેશ કરવાની તજવીજ કરેલી. કોઈક વાઘ મારીએ ને આસપાસનું લોક એ જાણે જ નહીં તો ધોળામાં ધૂળ જ પડી એમ સમજવું જોઈએ. વાઘ માર્યાનો પછી અર્થ શું ?

સદભાગ્યે, આપણે લગ્નોત્સવની ઉજવણીમાં જાહેરાતની બધી કળાનો અદ્દભુત સમન્વય કર્યો છે. કોઈ મને એમ કહે કે જાહેરાતની કળા વિદેશમાંથી ભારતમાં આવી તો એ હું એક અદના ભારતીય તરીકે હરગિજ ન સ્વીકારું. આપણે લગ્નોત્સ્વમાં એ કળાનો સર્વતોભદ્ર વિકાસ સાધ્યો હોવાનું મારું સુદ્રઢ મંતવ્ય છે. પહેલપ્રથમ તો વિવાહ થાય કે તુરત ગામ આખામાં સાકર પતાસાં, ગોળ કે ખારેક જેવી વસ્તુઓ વહેંચાય. ઘરે વિવાહને દિવસે ખાણીપીણીયે ગોઠવાય. બારણે આસોપાલવનું તોરણ બાંધીનેય ઘરમાં કશુંક રાજી થયા જેવું મંગલ – શુભ થઈ રહ્યાનું વગર કહ્યે જ સૂચવી શકાય. વિવાહનું તો સમજ્યા, પણ પછી નવવિવાહિતોને સારે ટાણે, વારપર્વે જમવા તેડાવીનેય લોકોમાં એમના સંબંધનો જીવંત પ્રચાર ચાલે. એ પછી લગ્ન લેવાતાં તો ઘર આખું તો ખરું જ પણ સગાંવહાલાં ને આડોશી-પાડોશીઓનેય ઈચ્છા-અનિચ્છાએ આ લગ્નોત્સવની તૈયારીમાં સંડોવવામાં – સાંકળવામાં આવે. ‘લિજ્જત’ ને ‘ટેસ્ટી’ના આ જમાનામાંયે લગ્ન માટે ઘરે પાપડ વણવાનો કાર્યક્રમ ચાલે, વડીઓ મુકાય. ઘરે લગ્ન માટેના નાતવરા અર્થે સીધા-સામગ્રીની સાફસુફીનો કાર્યક્રમ ચાલે. સૌને એમાં હોંશે હોંશે જોડવામાં આવે. પાપડ-વડીઓ વખતે તો ગાણાંનો કાર્યક્રમ પણ રાખવામાં આવે. તેથી ઘર પાસેથી પસાર થનાર ત્રાહિતનેય ખ્યાલ આવે કે આ ઘરે લગ્ન લેવાવાનાં છે.
 

એ પછી લગ્નની કંકોતરી લખવાનો કાર્યક્રમ ચાલે. આવા કોઈ પણ કાર્યક્રમમાં સગાંવહાલાં સ્નેહી-સંબંધીઓની નાસ્તા-પાણી કે ચાપાણી સાથેની રાત્રિબેઠકો અનિવાર્ય. રાત્રે આઠ-નવ વાગ્યે શરૂ થતી વડીલો – મિત્રોની બેઠકોમાં કંકોતરીનો કાર્યક્રમ હોય તો એ કંકોતરીઓનાં કાર્ડ ક્યાંથી ખરીદવાં, એ કાર્ડ કેવી સાઈઝનાં રાખવાં, એ કાર્ડ ખરીદવા કોણ જશે, ક્યારે જશે, કાર્ડ ખરીદી લાવ્યા પછી એ ક્યા પ્રેસમાં છપાવવાં, એ છપાવવાની જવાબદારી કોણ ઉપાડશે, એ કંકોતરીનો મુસદ્દો કોણ ઘડશે, એમાં નિમંત્રકો તરીકે કોનાં કોનાં નામ લખાશે, એમાં ‘ચાંલ્લાનો વ્હવહાર બંધ છે’ જેવું કાતિલ વાક્ય લખવું કે નહીં, એ મુસદ્દામાં કવિતાઈ રંગ લાવવો કે નહીં, એ કંકોતરીઓ કોને કોને લખવાની, એમનાં નામ-સરનામાંનું શું, કંકોતરી લખવાનો શુભ દિવસ ક્યો રાખવો, કોને કોને કંકોતરી લખવા નોતરું આપવું, કંકોતરી લખવા માટે લાલ બૉલપેનો કેટલી જોઈશે, તે કોણ લાવશે, ટપાલટિકિટો ક્યારે લાવી રાખવી, લખેલી કંકોતરીઓ પોસ્ટના ડબ્બામાં ક્યારે નાખવી, એ જવાબદારી કોણ ઉપાડશે, કઈ કંકોતરીઓ હાથોહાથ – રૂબરૂ આપવાની અને કઈ મિત્રો દ્વારા કે સગાં દ્વારા પહોંચાડવી – આવી આવી તો અનેક બાબતોની ઊંડી ચર્ચાવિચારણા ચાલે. એમાં મંદ્ર, મધ્ય ને તાર ત્રણેય સપ્તકોના અવાજો ભળે. ભારે કોલાહલ થાય. આસપાસના રેડિયો ટી.વીના અવાજોય એમાં ડૂબી જાય. એમાં ઘરના બાથરૂમમાં ચાલુ રહી ગયેલા નળના પાણીનો અવાજ પણ ડૂબી જાય. આપણે ઘેર જ લગ્ન નિમિત્તે ઉજાગરા થાય એવું નહીં, પાડોશીઓનેય થાય ને એ બાપડા મૂંગા મૂંગા પેલાં પીપળપાન જેમ બધું વેઠી લે, ‘હશે, લગ્ન છે તે દસ પંદર દહાડા આમ ચાલે, આપણે ત્યાંય બેબીનાં લગ્ન વખતે આવું જ હતું ને ?’ કહી મન વાળી લે. ટૂંકમાં, લગ્નોત્સવ નિમિત્તનો એકેએક કાર્યક્રમ ભારે વિચારવિમર્શ, આયોજન, કાર્યશીલતા આદિ માગી લે. માત્ર કંકોતરીનો જ નહીં, નાતવરાનો મુદ્દોય ભારે પેચીદો હોવાનો. ‘વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો’ – એ ન્યાયે અહીંથી ઉછીના લાવો કે પણેથી, પચાસ હજાર ખર્ચો કે લાખ, વહુ દીકરીને ત્રણ સેટ આપો કે પાંચ, મુદ્દામ વાત છે જમવાની. ‘મિષ્ટાન્નમ્ ઈતરે જના:’ – પારકાંને તો માલમલીદો શું જમાડો છો એમાં જ રસ હોવાનો.

અમારા એક મિત્ર તો જેને ઘેર જમવા જાય તેને ત્યાં કઈ મીઠાઈઓ, ક્યાં ફરસાણ પીરસાય છે, જમવાનું કેવું મળે છે, તે ધ્યાનમાં રાખીને તેમના ચાંલ્લા-વ્હવહારનો ‘રેઈટ’ (દર) નક્કી કરતા ! દાળભાત, લાડુ, ભજિયાં ને શાકનું ચીલાચાલુ ‘ઓર્થોડોક્સ’ જમણ હોય તો તેઓ માત્ર ચાંલ્લા ખાતે પાંચ રૂપરડી પરખાવતા; પરંતુ જો શિખંડ-પૂરી ને સાથે જલેબી હોય તો રૂ. 21, ત્રણેક મીઠાઈ ને બે-એક ફરસાણ હોય તો રૂ. 31 સુધી ચાંલ્લાવ્યવહારમાં એ પહોંચતા. વળી, પોતાને એકને જ જમણનું આમંત્રણ હોય તો ભોજનસામગ્રીની ગમે તેવી ઝાકઝમાળ પરિસ્થિતિમાંયે તે 21થી આગળ વધતા જ નહીં.

આ ભોજનમાં કઈ કઈ મીઠાઈઓ અને ક્યાં ક્યાં ફરસાણ રાખવાં એના અંગે નિર્ણય લેવો એ કોઈ રાષ્ટ્રીય સમસ્યા હલ કરવા કરતાંય અનેકગણું વધુ ત્રાસદાયક ને ગહન-ગંભીર ન લાગે તો જ નવાઈ. નાતવરાની આઈટેમો નક્કી કરવામાં અનેક સલાહસૂચનો થાય. કોઈ વંકાય, કોઈ ગુસ્સે થાય, કોઈ હાંસી કરે, કોઈ તો છેલ્લે પાટલે જઈ અસહકાર કરવાય તૈયાર થઈ જાય, એ સૌને સાચવવાં એ જ દેડકાની પાંચશેરી બનાવવા જેવું અઘરું કામ. એ કરવાનું ને તે સાથે ઓછા ખર્ચે વધુ રોનક લાગે એવું જમણ યોજવાનું. એમાં વળી રસોઈયો નક્કી કરવો; બૂફે રાખવું કે ટેબલ-ખુરશી પર જમણ રાખવું એ નક્કી કરવું, એ માટે લાલ ખમીસવાળા જેવા વફાદાર અને કાર્યકુશળ સ્વયંસેવકોનું દળ રચવું – ખરેખર, એક દેશ પર આક્રમણ કરવા માટે સેનાપતિએ જે સૂઝ, શક્તિ, સ્ફૂર્તિ અને હિંમત દાખવવાં પડે એનાથી જરાય ઓછાં આમાં ન ચાલે. સામાન્ય રીતે લગ્નગીતમાં વર-કન્યા પરણી ઊતરે ત્યારે ઈડરિયો ગઢ જીત્યાનું માનવામાં આવે છે, પરંતુ મારી દ્રષ્ટિએ તો નાત નિરાંતે જમી રહે ત્યારે જ ઈડરિયો ગઢ જીત્યાનું માનવામાં આવે તેમાં વાસ્તવિક ઔચિત્ય છે.

જેમ નાતવરાના આયોજનનો પ્રશ્ન તેમ માંડવાની રચનાનો પ્રશ્ન પણ અગત્યનો છે. આપણા મનમાં કલાદ્રષ્ટિના અનેક ઘોડા થનગનતા હોય; આપણે ભલે સાદી રીતે પરણ્યા હોઈએ, પરંતુ અનેકોના વૈભવી લગ્નમંડપો તો જોયા જ હોય, આપણને થાય અમુક જાતનો મંડપ કર્યો હોય તો રંગ રહી જાય, લોકો મોઢામાં આંગળીઓ નાખી દે; પરંતુ જ્યારે એ ‘અમુક’ જાતનો મંડપ કરવાના ખર્ચની રકમ પૂછવામાં આવે ત્યારે લાગે કે કાં તો લગ્ન નિમિત્તે એવો એક માત્ર મંડપ બંધાવવા સિવાય આપણે કશુંયે બીજું ખર્ચ નહીં કરી શકીએ અથવા બીજાં ખર્ચ નાતવરો, વરઘોડો, વગેરેનાં કરવાં હોય તો સાદો મંડપ રાખ્યે જ પોષાય. એથી હૃદયમાં ઊછળતી કલાકીય ભાવનાને લગામ કરી ‘સાદગીમાં સૌન્દર્ય જોવું’ એવી સુફિયાણીનું – શાણપણાનું શરણું લેવામાં છેવટે શાંતિ-સલામતી આપણને વરતાય !

વળી લગ્ન નિમિત્તે માંડવામાં ને ઘરમાં રોશની ન કરીએ તો કેમ ચાલે ? આમ તો ઘરમાં અમસ્તું ડિમલાઈટ બળે તોય આપણો જીવ બળી જાય પણ લગ્ન લઈને બેઠા પછી એમ જીવ બળતા હોય તો બાળીનેય રોશની કરવી રહી. અમારા શ્રીમંત મામાશ્રીએ તો પોતોના ભાણિયાનું મોસાળું ભવ્ય રીતે થાય એના ઉત્સાહથી ઊછળતાં અને સ્પષ્ટ રીતે કહ્યું, ‘ભાણિયાને લાલ સાફો બંધાવવાનો છે ને એમાં બૅટરીનો બલ્બ પણ રાખવાનો છે. વળી ભાણિયાને માટેની બગી પણ રોશનીના દીવાવાળી જ લાવવાની છે, શું સમજ્યા ?’ અમારે આવી બાબતમાં દલીલબાજીમાં ઊતરવાનું હોય જ નહીં. ‘કરિષ્યે વચનં તવ’ – એમ અર્જુનની જેમ વંદનાપૂર્વક એમની વાત માથે ચડાવવાની રહે.

આમ તો વાહનોથી ધમધમતા આજના શહેરી માર્ગો પર વાજતેગાજતે વરઘોડા કાઢવાના અમે અત્યંત વિરોધી. જ્યારે આવા વરઘોડાઓથી અમારાં વાહનો થંભી જાય ત્યારે અમે એ વરઘોડા કાઢનારાઓની બેવકૂફી પર ભારે ઠઠ્ઠોમજાક કરનારા ! પરંતુ ઘરઆંગણે લગ્નોત્સવ ઊજવવામાં વરઘોડો કાઢવો એ મામાશ્રીની દષ્ટિએ તો ‘મસ્ટ’ જ. મામાશ્રીની એક જ દલીલ : ‘લગ્ન કંઈ રોજરોજ થતાં નથી. જાણે માંદાની ખબર કાઢવા જતા હોય એમ લગ્ન કરવા જવાનો શો અર્થ છે ? લગ્ન તો લોકો યાદ કરે એ રીતે કરવાં જોઈએ.’ અને એ પછી તેઓ પોતાના લગ્ન વખતે કેવી બૅન્ડ મગાવેલી, કેવા ને કેટલા ફટાકડાઓ ફોડેલા, સાજનમાજનની કેવી આગતા સ્વાગતા કરેલી તેનાં રોમહર્ષણ અને પ્રેરણાદાયી વર્ણનો આપેલાં. આપણનેય થાય કે, પૈસાની ઐસી તૈસી. લગ્ન કરવાં તો પાકી જમાવટ સાથે કરવાં. અત્તરને ગુલાબજળના મઘમઘાટ, રોશનીના ઝળહળાટ, બૅન્ડવાજાં ને ફટાકડાના ધમધમાટ અને સાજનમાજનનાં કપડાંલત્તાંના રંગરાગ વગરનાં મીઠું-મરચું-ગોળ વગરના બાફેલા કોળા જેવા ફિક્કા વરઘોડા કે લગ્નસમારંભમાં સ્વાદ શો ?

લગ્નમાં નાચગાન ને ખાનપાનનો જ મહિમા કહેવાય. વરકન્યા તો નિમિત્ત. એકલાં વરકન્યા પર કંઈ લગ્નોત્સવની રોનક અવલંબિત હોતી નથી. વરકન્યા સાવધાન હોય યા ન હોય, નાણાંકોથળી જ આપણે ત્યાં લગ્નોત્સવમાં સાવધાન રહેવી જોઈએ. રોજનો આપણો પેલો ઓટલા પરનો કનૈયો જ્યારે કેલૈયાકુંવરની જેમ વરરાજાના લેબાશમાં કેડે કટારી સાથે, નમણી નાજૂક નાર સાથે ફોટો ખેંચાવતો હોય છે ત્યારે જ તેનો ખરો મહિમા સમજાય છે. રોજના આપણા ઘરનાં વાસણકપડાં કરનારી લખમી સાક્ષાત લક્ષ્મીદેવીની જેમ, વરની મા તરીકે જ્યારે વરઘોડામાં મહાલે છે ત્યારે જોનારના કોઠે બત્રીસ દીવા ન થાય તો જ નવાઈ. રોજબરોજની ઊઠવેઠ, દિનરાત દૂભવતાં દુ:ખદર્દ, ત્રાસ તકલીફ – એ બધું લગ્નસમારંભનાં હવાપાણીમાં થોડો સમય ભૂલી જઈને, મસ્તીમાં મહાલતાં નરનારને જોઈને, પરણેલાં એવાં આપણનેય કુંવારાં થઈ જવાની ઈચ્છા થઈ આવે એમાં શું આશ્ચર્ય ? અને એવી ઈચ્છાવાળાંઓનેય આપણી લગ્નવિધિમાં વિશિષ્ટ અર્થમાં ‘પુનર્લગ્ન’ કરવાની પૂરતી તક આપવામાં આવે જ છે ! દીકરા દીકરીને પરણાવતાં એમનાં મા-બાપ પણ ફરીથી પરણવાનો યત્કિંચિત સ્વાદ લઈ લેતાં હોય છે. તેથી લગ્નોત્સવો ટકાવવામાં ને વિકસાવવામાં કુંવારાં ને પરણેલાંઓનો, જૂની તેમ જ નવી પેઢીનો ઉમદા સાથ સહકાર, સુમેળ સંવાદ જોવા મળે છે. લગ્ન કરનારાઓ હશે ત્યાં સુધી લગ્નોત્સવો રહેવાના જ છે, માત્ર આપણે ત્યાં જ નહીં, સંસાર સમસ્તમાં.

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ટપક્યું – શરીફા વીજળીવાળા
હરિચરણ – શરદબાબુ Next »   

19 પ્રતિભાવો : આપણા લગ્નોત્સવો – ચંદ્રકાન્ત શેઠ

 1. purna says:

  ના એટલે આપ મને એમ સમજાવશો કે આ complain છે કે compliments ??? ; )
  હા એ વાત થી હું પણ સહમંત છું કે ખોટા ગામ દેખાડા કરવાના દંભને કારણે અનેક ગરીબ તથા મધ્યમ વર્ગની આર્થિક પરિસ્થિતી પડી ભાંગતી હોય છે. અને એટલે જ કદાચ દિકરી આવવાથી કોઈ રાજી નથી થાતુ. પણ સામે હું દ્રઢ પણે માનું છું કે લગ્ન એ આપણી સંસ્કૃતિમાં ૧૬ સંસ્કારો માંહેનો એક સંસ્કાર છે. અને એને પુરી ધાર્મિક વિધી અને ઉત્સાહ સાથે ઉજવવો જ જોઈએ.
  આ તકે એક બીજી વાત પણ કરીશ. આપણે ત્યાં વારે તહેવારે પ્રસંગ ઉજવાય છે. તે સારો પ્રસંગ હોય કે માઠો!! દરેક પ્રસંગને એનો અલગ જ મોભો રહેલો છે. આ પ્રસંગ જ તો આપણને આપણી અભીવ્યક્તિ વ્યક્ત કરવા માટે પુરતી તક આપે છે. અને એટલે જ આપણુ માનસિક સ્વાસ્થ્ય વિદેશ ના વતની ઓ કરતા અનેક ગણુ તંદુરસ્ત છે.
  by the way very nice article
  really good

 2. urmila says:

  હા એ વાત થી હું પણ સહમંત છું કે ખોટા ગામ દેખાડા કરવાના દંભને કારણે અનેક ગરીબ તથા મધ્યમ વર્ગની આર્થિક પરિસ્થિતી પડી ભાંગતી હોય છે. અને એટલે જ કદાચ દિકરી આવવાથી કોઈ રાજી નથી થાતુ. પણ સામે હું દ્રઢ પણે માનું છું કે લગ્ન એ આપણી સંસ્કૃતિમાં ૧૬ સંસ્કારો માંહેનો એક સંસ્કાર છે. અને એને પુરી ધાર્મિક વિધી અને ઉત્સાહ સાથે ઉજવવો જ જોઈએ.
  Please note that lot of money is spent from boy’s side as well -on parties and jewellery for the bride -sometimes equal amount of fund are spent on either side

 3. pragnaju says:

  ચંદ્રકાન્ત શેઠે, પોતાના વિચાર કટાક્ષ શૈલીમા રજુ કરી આપણા સમાજમાં જે દુષણો હતા,છે અને નજીકના ભવિષ્યમાં રહેશે તે તરફ ધ્યાન દોર્યું છે. તે સાચું છે જ.પણ આ જમાનામાં જે ઝપાટાબંધ બદલાતી પરિસ્થિતી રહી છે. લગ્ન સંસ્કાર પુરી ધાર્મિક વિધી અને ઉત્સાહથી ઉજવવાની વાતતો બાજુએ રહી- હંમણાની પેઢીને ‘શોભા ડે’ની જેમ વાસ્તવિકતા તર્કબંધ સમજાવી પ્રેમ પૂર્વક વાળવાની આવશ્યકતા છે…નહીં તો આ બધાને ચોખલીયાવેડા ગણી ખ્રીસ્તિ,મુસ્લીમ કે આતંકવાદીસાથે “લગ્નોત્સવો”ઉજવી ખોવાઈ જતી દિકરીઓમાં ઝપાટાબંધ વધારો થતો રહેશે.

 4. Bhavna Shukla says:

  Aaj aanand chhe ke,
  રોજનો આપણો પેલો ઓટલા પરનો કનૈયો જ્યારે કેલૈયાકુંવરની જેમ વરરાજાના લેબાશમાં કેડે કટારી સાથે, નમણી નાજૂક નાર સાથે ફોટો ખેંચાવતો હોય છે ત્યારે જ તેનો ખરો મહિમા સમજાય છે. રોજના આપણા ઘરનાં વાસણકપડાં કરનારી લખમી સાક્ષાત લક્ષ્મીદેવીની જેમ, વરની મા તરીકે જ્યારે વરઘોડામાં મહાલે છે ત્યારે જોનારના કોઠે બત્રીસ દીવા ન થાય તો જ નવાઈ. રોજબરોજની ઊઠવેઠ, દિનરાત દૂભવતાં દુ:ખદર્દ, ત્રાસ તકલીફ – એ બધું લગ્નસમારંભનાં હવાપાણીમાં થોડો સમય ભૂલી જઈને, મસ્તીમાં મહાલતાં નરનારને જોઈને, પરણેલાં એવાં આપણનેય કુંવારાં થઈ જવાની ઈચ્છા થઈ આવે એમાં શું

 5. rahul says:

  ખુબ્જ સરસ લેખ છે .

 6. કલ્પેશ says:

  કોઈ મને ચાંદલા વ્યવહાર કઈ રીતે શરુ થયો અને કેમ શરુ થયો એ સમજાવશે?

 7. Baboochak says:

  are we so dependent on celebrations? Celebrations are for society and not for yourself. Check some celebrations, at the end of it instead of people enjoying, relations are left sour at the end of it!!
  Don’t forget What, How, How much and when it is to be celebrated. If people become that much understanding, it is celebration everyday.

 8. હવે લગ્નની વિધિ તેમજ લગ્નગીતો વિગતે
  જાણવા મળશે ?..
  સાભાર અભિનઁદન !

 9. Bhajman Nanavaty says:

  લગ્ન વિ. સામાજિક પ્રસંગોની યોગ્ય ઉજવણી જ્રુરી છે. It is sharing your happiness and sorrow with the society. What is wrong in it?
  બાકી દરેક વસ્તુની મર્યાદા સચવાય તો માઠાં પરિણામ ન આવે. ચાંદલા વ્યવહાર એ સમાજનું Contribution હોઇ શકે?

 10. bhushan padh says:

  nice but thier is some negative side in this lekh
  can some once tell me wht’s the meaning of ‘લિજ્જત’ ને ‘ટેસ્ટી’ના આ જમાનામાંયે લગ્ન માટે ઘરે પાપડ વણવાનો કાર્યક્રમ ચાલે, વડીઓ મુકાય. what the meaning of વડીઓ મુકાય.

 11. pragnaju says:

  આવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીએ તો ઈટાલીઅન પીઝા,પાસ્તા,ટાર્ટ,પીના કોલાડા અને અતિશય ક્રીમમાંથી બનાવેલ જુદા જુદા નામે એક જ સ્વાદવાળી વાનગીઓ ,મેક્સીકન વાનગીઓ, કારનીવોરસ વાનગીઓની છૂટ્ટી જ થઈ જાય.હાં,હમણાની જરુરીઆત મુજબ હાઈડ્રોજનેટેટ કે ગુન્હાહીત ચરબી વગરની તથા તે વાનગી સાથે તેની કેલરી વિ.વિગતે જ્ણાવીતો વધુ સારું રહે.

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.