- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

હરિચરણ – શરદબાબુ

[અનુ : કલ્પના શાહ. ‘નવનીત સમર્પણ’ માંથી સાભાર]

બહુ વર્ષો એટલે કે દસ-બાર વર્ષ પહેલાંની વાત છે. એ વખતે દુર્ગાદાસબાબુ વકીલ થયા નહોતા. દુર્ગાદાસ બંદોપાધ્યાયને તમે લોકો કદાચ સારી રીતે નથી જાણતા, હું સારી રીતે જાણું છું, આવો તમને એમનો પરિચય કરાવું. નાનપણમાં કોણ જાણે ક્યાંથી એક અનાથ બાળકે રામદાસબાબુને ઘરે આશરો લીધો હતો. બધા કહેતા કે છોકરો બહુ ભલો છે, બહુ સુંદર અને બુદ્ધિશાળી છે. દુર્ગાદાસબાબુના પિતાનો એ પ્રિય નોકર હતો.

એ બધું જ કામ સંભાળી લેતો, ગાયને ઘાસ ખવડાવવાથી માંડીને બાબુને તેલ લગાડવાનું કામ એ પોતે કરવા ઈચ્છતો. એને કામમાં વ્યસ્ત રહેવાનું સારું લાગતું. છોકરાનું નામ હરિચરણ હતું. ગૃહિણી ઘણી વાર હરિચરણના કામને જોઈને આશ્ચર્ય પામતી. વચ્ચે વચ્ચે ઠપકો આપતાં કહેતી : ‘હરિ, બીજા નોકરો પણ છે, તું હજી બાળક છે. શા માટે આટલું કામ કરે છે ?’ હરિનો એક અવગુણ હતો, હસવું. એને હસવું બહુ ગમતું. એ હસીને કહેતો, ‘મા, અમે ગરીબ લોકો છીએ, અમારે હંમેશાં કામધંધે જ વળગવું પડે. વળી, બેઠાં બેઠાં શું વળવાનું છે ?’ આ રીતે કામકાજ, આરામ અને સ્નેહમાં હરિચરણનું લગભગ એક વર્ષ નીકળી ગયું.

સુરો રામદાસબાબુની નાની પુત્રી છે. એની ઉંમર અત્યારે પાંચ-છ વર્ષની છે. હરિચરણને સુરો સાથે બનતું. જ્યારે સુરો દૂધ પીવા માટે મા સાથે રકઝક કરતી ત્યારે મા બધા પ્રયાસ કરવા છતાં પોતાની આ જિદ્દી દીકરીને પટાવી ન શકતી. તેની ભૂખની ચિંતા અને રખેને ભૂખને લીધે એનું શરીર નહીં ટકે એવા ભયથી પોતાનું દૂધ પીવડાવી ન શકતી ત્યારે હરિચરણથી કામ પતી જતું. ખરું જોતાં સુરોને હરિચરણ બહુ ગમતો.

જ્યારે દુર્ગાદાસબાબુની ઉંમર વીસ વર્ષની હતી ત્યારની આ વાત છે. ત્યાર બાદ તેઓ કોલકતામાં ભણતા હતા. ઘરે આવવા માટે તેમને દક્ષિણ તરફ જવું પડતું, ત્યાર બાદ લગભગ દસ-બાર કોસ પગે ચાલીને આવવું પડતું એટલે ઘરનો રસ્તો સહજ અને સરળ નહોતો ત્યારે દુર્ગાદાસબાબુ ઘણી વાર ઘરે ન આવતા.

છોકરો બી.એ. પાસ થઈને ઘરે આવ્યો. મા ખૂબ વ્યસ્ત છે. છોકરાની સારી રીતે સારસંભાળ રાખવા અને જતન કરવા ઘરના બધા એક સાથે ભેગા થયા. દુર્ગાદાસે પૂછ્યું : ‘મા, આ છોકરો કોણ છે ?’ માએ કહ્યું, ‘એ એક કાયસ્થનો છોકરો છે. માબાપ નથી તેથી તારા પિતાએ એને આપણે ત્યાં રાખ્યો છે. ઘરનાં બધાં કામ કરે છે. ખૂબ શાંત સ્વભાવનો છે. ક્યારેય કોઈ વાતે નારાજ થતો નથી. વળી, બીચારો માબાપ વગરનો છે. મને એ બહુ સારો લાગે છે.’ ઘરે આવતાં દુર્ગાદાસબાબુને હરિચરણનો આવો પરિચય મળ્યો.

હમણાં હરિચરણનું કામ વધ્યું હતું. આ કાર્યભારથી એ અસંતુષ્ટ નહિ પ્રસન્ન હતો. છોટેબાબુ (દુર્ગાદાસ) ને સ્નાન કરાવવું, જરૂર પડે પાણીનો ઘડો ભરતો, યોગ્ય સમયે પાનનો ડબ્બો, હુક્કો વગેરે આપવામાં હરિચરણ બહુ હોંશિયાર હતો. દુર્ગાદાસબાબુ ઘણી વાર વિચારે છે કે છોકરો બહુ બુદ્ધિશાળી છે. તેથી એમને કપડામાં કરચલી પાડવાનું અને હુક્કો ભરવાનું કામ હરિચરણ સિવાય કોઈનું પસંદ ન પડતું. સમજાતું નથી કે કોનું અંજળ ક્યાં લખાયું છે. એ બહુ અઘરી વાત છે. શું તમે જોયું છે કે સારી વાતનું સારું પરિણામ જ આવે છે, ખરાબ ક્યારેય નથી આવતું ? જો તમે ન જોયું હોય તો આવો, આજે હું તમને એ બતાવું.

આજે દુર્ગાદાસબાબુને શાનદાર ભોજનનું નિમંત્રણ છે. તેથી તેઓ ઘરે જમવાના નથી. કદાચ મોડી રાતે પાછા ફરશે. તેથી હરિચરણને રોજનું કામ પૂરું કરીને સૂવાનું કહી ગયા હતા. હવે હરિચરણની વાત કરું છું. દુર્ગાદાસબાબુ રાતે બેઠકખાનામાં સૂએ છે. એનું કારણ ઘણા લોકો જાણતા નથી. મારો ખ્યાલ છે કે એમની પત્ની પિયર હતી તેથી તેઓ બેઠકખાનામાં સૂતા હતા. રાતે દુર્ગાદાસબાબુની પથારી કરવી, એમના સૂઈ ગયા પછી પગ દબાવવા વગેરે કાર્યની જવાબદારી હરિચરણની હતી. બાબુને સારી રીતે ઊંઘ આવી જાય પછી હરિચરણ પાસેના એક રૂમમાં જઈને સૂતો.

એ દિવસે સાંજ થતાં પહેલાં હરિચરણનું માથું દુખવા લાગ્યું. હરિચરણ સમજી ગયો કે એને તાવ આવશે. એને વચ્ચે વચ્ચે ઘણી વાર તાવ આવતો. તેથી તે આ લક્ષણોને બરાબર જાણતો. હરિચરણ વધારે વાર બેસી ન શક્યો. પોતાના રૂમમાં જઈને સૂઈ ગયો. છોટેબાબુની પથારી નથી કરી એ વાત એને યાદ ન રહી. રાતે હરિચરણ સિવાય બધા જમ્યા. ગૃહિણી એને જોવા આવી. હરિચરણ સૂતો હતો, એના શરીરે હાથ લગાડીને જોયું કે એને તાવ આવે છે માટે એને કંઈ કીધા વગર ચૂપચાપ ચાલી ગઈ.

રાતનો બીજો પ્રહર હતો. દુર્ગાદાસબાબુ જમીને આવ્યા ત્યારે જોયું કે એમની પથારી પાથરેલી ન હતી. એક તો એમને ઊંઘ આવતી હતી. વળી, આખા રસ્તે વિચારતા હતા કે આવીને સીધા પથારીમાં પડશે. હરિચરણ એમના થાકેલા પગમાંથી બૂટ કાઢીને ધીરે ધીરે દબાવશે અને આરામથી સૂઈને હુક્કાનું નાળચું મોંમા પકડીને આંખો ખોલીને સવારની રોશની જોશે. તેઓ નિરાશ થઈને ખૂબ ગુસ્સે થયા. બે-ચાર વાર ‘હરિચરણ’, ‘હરિ’, ‘હરે’ વગેરે કહીને બૂમ મારી. પરંતુ હરિ ક્યાંથી આવે ? એ તો તાવના તાપથી બેહોશ હતો. ત્યારે દુર્ગાદાસબાબુને થયું કે હરામજાદો સૂઈ ગયો છે. એના રૂમમાં જઈને જોયું તો એ સારી રીતે ઓઢીને સૂઈ ગયો હતો.

એમનાથી સહન ન થયું, બળપૂર્વક વાળ પકડીને, ખેંચીને એને બેસાડવાની કોશિશ કરી. પરંતુ હરિ ઢળી પડીને પથારીમાં સૂઈ ગયો ત્યારે ખૂબ ગુસ્સે થયેલા દુર્ગાદાસબાબુ સારાસારનું ભાન ભૂલી ગયા. એમણે હરિની પીઠ પર બૂટ સાથે પ્રહાર કર્યા. ઈજા પહોંચતા હરિ હોશમાં આવીને બિસ્તર પર બેઠો.
દુર્ગાદાસબાબુએ પૂછ્યું : ‘તું દૂધ પીતું બાળક છે કે સૂઈ ગયો ? પથારી કોણ પાથરશે ? હું ?’ વાતચીતમાં એમનો ક્રોધ વધી ગયો. હાથમાં નેતર લઈને હરિચરણની પીઠ પર ફરીથી બે-ત્રણ વાર માર્યું. હરિ રાતે પગ દાબી રહ્યો હતો ત્યારે દુર્ગાદાસબાબુના પગ પર એકાદ ટીપું ગરમ પાણી પડ્યું. દુર્ગાદાસને આખી રાત ઊંઘ ન આવી. એમને પાણીનું એ ટીપું બહુ ગરમ લાગ્યું. દુર્ગાદાસબાબુ હરિચરણને બહુ પ્રેમ કરતા હતા. એ પોતાની નમ્રતાને લીધે માત્ર દુર્ગાદાસને નહીં, બધાને પ્રિય હતો. વળી મહિનાની ઘનિષ્ઠતા પછી વધારે પ્રિય બની ગયો હતો.

રાતે દુર્ગાદાસબાબુના મનમાં કેટલીય વાર થયું કે જઈને એક વાર જોઈ આવે કે એની પીઠમાં કેટલી ઈજા થઈ છે, કેટલો સોજો આવ્યો છે પણ એ નોકર છે તેથી એમને જવાનું ઠીક ન લાગ્યું. કેટલીય વાર મનમાં થયું કે પૂછી આવે તાવ ઊતર્યો કે નહીં પણ શરમના માર્યા જઈ ન શક્યા. સવારે હરિચરણ મોઢું ધોવાનું પાણી લઈ આવ્યો, હુક્કો ભરી આપ્યો. તેઓ ત્યારે પણ કહી શક્યા હોત. ઓહ, એ તો બાર વર્ષનું બાળક છે. બાળક સમજીને એને પાસે બોલાવીને પીઠ જોઈ શક્યા હોત, એની પર ધીમેથી હાથ ફેરવી શક્યા હોત. એક બાળકથી શી શરમ ?

સવારે નવ વાગે ક્યાંકથી ટેલિગ્રામ આવ્યો. તારની વાત સાંભળીને દુર્ગાદાસ બેચેન થઈ ગયા. તાર વાંચ્યો. પત્ની ખૂબ માંદી હતી. થડાક દઈને એમની છાતી બેસી ગઈ, એમને વહેલી તકે કોલકતા જવું પડ્યું. ગાડીમાં બેસીને એમણે વિચાર્યું, ‘હે ભગવાન, પ્રાયશ્ચિત કેવી રીતે થશે ?’….. એકાદ મહિનો વીતી ગયો. આજે દુર્ગાદાસબાબુનું મન પ્રસન્ન છે. એમની પત્નીને સારું થઈ ગયું છે. આજે એને ખાવાનું આપવામાં આવ્યું છે. ઘરેથી દુર્ગાદાસબાબુના નાના ભાઈનો કાગળ આવ્યો છે, કાગળમાં છેલ્લે તા.ક. કરીને લખ્યું છે : – ‘બહુ દુ:ખની વાત છે કે ગઈ કાલે સવારે દસ દિવસના તાવવિકાર પછી હરિચરણ મૃત્યુ પામ્યો છે. મરતાં પહેલાં એણે તમને જોવાની ઈચ્છા ઘણી વાર કરી હતી.
ઓહ ! માતૃપિતૃહીન અનાથ !
દુર્ગાદાસબાબુએ ધીરે ધીરે કાગળના સો જેટલા ટુકડા કરીને ફેંકી દીધા.