- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

અહલ્યાવૃત્તિ – મૃગેશ શાહ

રામચરિત માનસનો એક સુંદર પ્રસંગ છે ‘અહલ્યા ઉદ્ધાર’. ગૌતમ ઋષિના પત્ની અહલ્યાને અપવિત્ર આચરણ બદલ ઋષિ તરફથી શાપ મળ્યો કે તે પથ્થર દેહ થઈ જાય. આશ્રમની બહાર શીલારૂપે વર્ષો સુધી નિર્જીવ સ્વરૂપ ધારણ કરીને તે પોતાનો જીવનકાળ વ્યતિત કરે છે. માત્ર અહલ્યા જ નહીં, તે આશ્રમની આસપાસનું સમગ્ર વાતાવરણ જાણે કે જડવત્ બની જાય છે. માનસમાં લખે છે કે તે આશ્રમની નજીકના વિસ્તારમાં કોઈ પશુ-પક્ષી કે જીવ-જંતુ, કોઈનો વાસ નથી.

પોતાના ઐશ્વર્યને છુપાવીને મનુષ્ય શરીર ધારણ કરી રહેલા પ્રભુ, વિશ્વામિત્ર ઋષિને પૂછે છે કે : ‘આ કોનો આશ્રમ છે ? અને આ પથ્થરદેહ ધારણ કરીને અહીં કોણ પડ્યું છે ?’ રાજકુમાર રામના જવાબમાં, વિશ્વામિત્ર ગૌતમ ઋષિએ અહલ્યાને આપેલા શાપની સમગ્ર કથા વિસ્તારપૂર્વક કહે છે. કથાના અંતમાં ઋષિ ભગવાન રામને વિનંતી કરે છે કે, ‘હે પુરાણપુરુષ, અહલ્યા વર્ષોથી આપના ચરણકમળોની રજની પ્રતિક્ષા કરતી અહીં નિર્જીવ સ્વરૂપે રહી છે. આપ એના પર કૃપા કરો. આપ તેનો ઉદ્ધાર કરો. આપ એને સજીવન કરો.’

એ પછીના આગળના પ્રસંગમાં ભગવાનના ચરણકમળની રજથી અહલ્યા સજીવન થાય છે. તેનું તેજ પ્રગટી ઊઠે છે. શરીરમાં રોમાંચ થાય છે, મોંથી શબ્દો નથી નીકળતા, બંને આંખોમાંથી અશ્રુધારા વહે છે અને તે બે હાથ જોડીને ભગવાનની સુંદર સ્તુતિ કરે છે. એ પછી વારંવાર ઈશ્વરના ચરણોમાં પ્રણામ કરીને, ખૂબ આનંદપૂર્વક પતિલોક તરફ તે ગતિ કરે છે. સમગ્ર પ્રસંગ ખૂબ સુંદર ચોપાઈઓ અને છંદથી સંત શ્રી તુલસીદાસજીએ ગૂંથ્યો છે.

અહલ્યાઉદ્ધારના આ પ્રસંગનું આપણે આપણા જીવનમાં કેવી રીતે દર્શન કરવું ? એને કેવી રીતે સમજવો ? તેનામાંથી આપણે શું પામવું જોઈએ ? – તે એક વિચાર કરવા જેવો વિષય છે. સૌપ્રથમ આપણે ‘અહલ્યા’ શબ્દને બરાબર સમજવો જોઈએ. ‘અહલ્યા’ એટલે સ્થૂળ અર્થમાં તો પથ્થર. પરંતુ જો વિશેષ વિચાર કરીએ તો એમ લાગે કે અહલ્યા એટલે વ્યક્તિની જડતા. અહલ્યા એટલે મનુષ્યની સુકાઈ ગયેલી સંવેદનાઓ, મનુષ્યની પાષાણવૃત્તિ. આપણે જીવનના આનંદની વિમુખ બનીએ તે અહલ્યાપણું છે. ભાવ, પ્રેમ અને ભક્તિની મસ્તીનું જેનું ઝરણું સૂકાઈ જાય એનું જીવન જડવત્ બની રહે છે. વ્યક્તિ વિચારવાન, પ્રજ્ઞાવાન અને ક્રિયાન્વિત રહે તો જ તે સજીવ છે. ગતિ એ જીવનનું મુખ્ય અંગ છે. જેની ગતિ અટકી જાય છે તેનામાં કંઈક અંશે નિર્જીવપણું જન્મે છે. વિચારોની પ્રવાહિતતા અને પ્રસન્નતા એ તો જીવન છે !
 

વ્યક્તિના જીવનમાંથી સ્મિતનું વિસર્જન થાય ત્યારે એનામાં અહલ્યાપણું જન્મતું હોય એમ લાગે છે. સંબંધોમાં શુષ્કતા પ્રવેશે, તે નિર્જીવપણાના આગમનની એંધાણી છે. ઘણીવાર આપણે કોઈક વ્યક્તિને મળવા જઈએ ત્યારે પોતે અત્યંત વ્યસ્ત હોય એ પ્રકારનો ડોળ કરીને મળવા આવનાર તરફ ઉપેક્ષાવૃત્તિ રાખે છે. આ અહલ્યાપણું છે. સાસુ વહુને પ્રેમથી ન બોલાવે, વહુ સાસુને આદર ન આપે, મિત્ર-મિત્રને દિલ ખોલીને વાત ન કરે, પતિ-પત્નીના સંબંધોમાં સ્નેહ ન રહે – આ તમામ વૃત્તિઓ જડતા છે. તુલસીદાસજી લખે છે કે આશ્રમની આસપાસના સમગ્ર વિસ્તારમાં કોઈ પશુ-પક્ષી કે જીવજંતુ નથી. તેથી એનો અર્થ એ પ્રમાણે થાય કે આ પ્રકારની જડતા માત્ર વ્યક્તિમાં હોય છે એટલું જ નહિ, પરંતુ એ વ્યક્તિની આસપાસના સમગ્ર વાતાવરણમાંથી ચૈતન્યનું તત્વ ગાયબ થઈ જાય છે. વ્યક્તિના સ્વભાવ અને તેના વિચારોની સમગ્ર પર્યાવરણ પર અસર થાય છે, એવો મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત ખૂબ સુંદર રીતે અહીં વણી લેવામાં આવ્યો છે. આ પ્રકારની અનુભૂતિ આપણને ઘણીવાર થાય છે કે કોઈ વ્યક્તિને સાંજે મળવા જવાનું હોય તો, આપણા હૃદયમાં સવારથી ઉમળકાનો ભાવ પ્રગટતો હોય છે. એથી વિરુદ્ધ, અમુક વ્યક્તિને મળવા જવાનું તો દૂર, એને યાદ કરવાનું પણ મન નથી થતું !

‘અહલ્યા ઉદ્ધાર’ નો આ પ્રસંગ અનેક દ્રષ્ટિકોણથી જોઈ શકાય. રામાયણકાળમાં કદાચ એવી વિદ્યાઓ હશે કે જેથી કોઈને શાપ આપીને પથ્થર બનાવી શકાય, પરંતુ આજના કાળના સંદર્ભમાં એ વાત એટલી ગળે ઊતરતી નથી. આજના સમયમાં એ પ્રસંગને જોવો હોય તો એમ કહી શકાય કે વ્યક્તિ સંગીત, કલા, સાહિત્ય અને જીવનના રસોથી વિમુખ થઈ જાય એ એક પ્રકારનો શાપ જ છે ને ! વનસ્પતિ જેમ તેના મૂળમાંથી રસો ગ્રહણ કરે છે, તેમ વ્યક્તિના જીવનને પુષ્ટ કરનારા મૂળ તત્વો સંગીત, કલા અને સાહિત્ય અથવા તો પોતપોતાના વ્યક્તિગત શોખ છે. એનાથી જેમ જેમ દૂર જતા જઈએ તેમ તેમ આપણામાં રહેલું સજીવપણું સુકાતું જાય છે. એ તત્વોના અભાવમાં જીવન, જીવન રહેતું નથી, એક બોજ બની જાય છે. સાહિત્ય અને કલાના રસ જ્યારે વ્યક્તિનું કેન્દ્રબિંદુ બને છે ત્યારે જીવનની મજા જ કંઈક ઓર હોય છે. જે લોકો કોઈ એક કલાના ખોળે જીવન વ્યતિત કરવાનો સંકલ્પ કરે છે, એના સમગ્ર અસ્તિત્વને એ કલા સાચવી લેતી હોય છે. રસ અને કલાવિહિન લોકોના જીવન એટલા શુષ્ક બને છે કે એમના ચિત્તને નાની નાની ઘટનાઓ પણ ડામાડોળ કરી નાખે છે. નાની-મોટી વાતોમાં અંદરથી હચમચી જાય છે. ઘટનાઓ આપણા મન પર હાવી થઈ જતી હોય ત્યાં સુધી સમજવું કે આપણું અહલ્યાપણું હજી ગયું નથી.

હવે પ્રશ્ન એ થાય છે કે ‘અહલ્યાપણું’ આવે છે કેવી રીતે ? એનો ઉત્તર પણ આ પ્રસંગમાં અપાયો છે. ગૌતમ ઋષિ અહલ્યાને અન્ય પુરુષના સંગને કારણે શાપ આપે છે. વ્યક્તિમાં અહલ્યાપણું સંગદોષથી આવતું હોય છે. કારણકે સંગથી માણસ એ પ્રકારના કર્મો કરવા પ્રેરાય છે અને એ કર્મો જ આપણા જીવનને જડતા તરફ દોરી જાય છે. સરકારી ઑફિસર બનીને પહેલા દિવસે નોકરીમાં જોડાઓ, ત્યારે ત્યાંના લોકોનો સંગ જ આપણને ખોટા કામ કરતાં શીખવે છે ! ભણી-ગણીને મલ્ટિનેશનલ કંપનીમાં જોડાઓ ત્યારે ત્યાંના કર્મચારીઓના આંતરિક રાજરમતનો ભોગ બનવું પડે છે ! કોને વખત આવ્યે પાડવો અને કોને વખત આવ્યે ચડાવવો – એ બધા ક્રિયાકલાપો આપણને અહલ્યાવૃત્તિ તરફ દોરી જાય છે. અત્યારે આપણને કથા, વાર્તા, સાહિત્ય અને પ્રાચીન ભજનો રોમાંચ ઊભો નથી કરી શકતા એનું એક કારણ આ પણ છે કે આપણામાં એટલી હદે જડતા પ્રવેશી ગઈ છે કે આપણને એ બધાની અસર જ નથી થતી. ‘સંગાત્સંજાયતે કામ:’ એ ભગવદગીતના આધારે સંગથી વ્યક્તિ કર્મો કરે છે અને જો એ ખોટા કર્મો હોય તો વ્યક્તિને શુષ્કતા તરફ દોરી જાય છે.

હવે વિચાર એ કરવાનો છે કે આ જડતાનો શાપ આપણા માથા પરથી ઊતરે કેવી રીતે ? તેનો ઉપાય વિશ્વામિત્ર જેવા કોઈ નિષ્કામ વ્યક્તિ આપણી ઓળખાણ શ્રી રામ જેવા ઐશ્વર્યવાન, જાગૃત અને કલા રસિક તત્વ સાથે કરાવે તો આ જડતા દૂર થાય. ઈશ્વરના ચરણકમળ શોક, સંતાપ અને શુષ્કતાને દૂર કરનારા છે, અને એ જ રીતે સાહિત્ય અને કલાની ઉપાસના વ્યક્તિના જીવનને રસપૂર્ણ બનાવીને તમામ શોક-સંતાપોનું હરણ કરનાર છે. એ કલા પછી ભલે ને ભરતગુંથણ હોય, આર્ટવર્ક હોય, ચિત્રકામ હોય, વાંચન હોય, ભજન હોય કે પછી મન ગમતી ગમે તે પ્રવૃત્તિ. સારા, કરુણાવાન અને સમાજનું ભલુ ઈચ્છનારા વ્યક્તિઓનો સંગ આપણી ઓળખાણ કલા સાથે કરાવે છે અને પરિણામે આપણા જીવનને પ્રસન્નતાથી ભરી દે છે. પરિવારમાં કોઈ એક સજીવન બને છે તો તેની આસપાસનો સમગ્ર વિસ્તાર એના કર્મોની સુગંધથી મઘમઘી જાય છે. એ પરિવારનું આખું વાતાવરણ સજીવન બને છે. કુટુંબમાં એક વ્યક્તિની સાધના સમગ્ર કૂળને તારી દે છે. ભારતના મહાન સંગીતકારો, નૃત્યકારો અને વિવિધ ક્ષેત્રમાં કામ કરનારા કલાના ઉપાસકો તો આદર પામે જ છે, પરંતુ તેમના સમગ્ર પરિવારો એ આનંદનો અનુભવ કરે છે.

આ પ્રસંગમાં એ વાત એ પણ સરસ કહી છે કે ચરણકમળની રજ માત્રથી અહલ્યા સજીવન થઈ જાય છે. એટલે ઘણીવાર વ્યક્તિએ જાગૃત થવા માટે કોઈ મોટા પુસ્તકો, કોઈ મોટી સાધના-આરાધના કે કોઈ મોટા શુભકર્મોની જરૂર હોતી નથી. માત્ર, પુસ્તકમાં દિલને સ્પર્શી ગયેલું એક નાનકડું વાક્ય, સંગીતમાં ગમી ગયેલો કોઈ એક રાગ, સંબંધોમાં ઉચ્ચારાયેલો એક મીઠો શબ્દ – એ રજ જેવી વસ્તુઓ વ્યક્તિની ચેતનાને જાગૃત કરવા માટે પૂરતી છે. વ્યક્તિનું સમગ્ર જીવન ક્યારેક એવી નાનકડી વસ્તુઓથી નવપલ્લિત થઈ જાય છે.

ઉપસંહારના સુત્ર રૂપે તુલસીદાસજી લખે છે કે અહલ્યા એ પરમતત્વની સ્તુતિ કરે છે, તેની આંખમાંથી આંસુ વહે છે, રોમાંચ થાય છે અને ખૂબ આનંદ પ્રાપ્ત કરીને તે પોતાના નિજધામ જાય છે. કલાકારનું જીવન આવું જ હોય છે. ભીનાશપૂર્વક જે જીવન જીવે છે તેના જીવનની ગતિ આ પ્રકારની રહે છે. સંગીતકારો રાગમાં લીન થઈ જાય છે, નૃત્યકારો નૃત્યના હાવભાવમાં પોતાને ઓતપ્રોત કરી દે છે, ભક્ત ઈશ્વરને પ્રાર્થવામાં આનંદમગ્ન થઈ ને નાચી ઊઠે છે, સંતાનોને રમાડતા માતા એકરૂપ થઈ જાય છે, દીકરી માતાને જોઈ રડી પડે છે, પુત્ર પિતાને ખોળે માથું ઢાળી દે છે…. સંબંધોમાં જ્યારે સજીવન તત્વ ઉમેરાય છે ત્યારે જાણે આખી પ્રકૃતિમાં વસંતઋતુ નો સંચાર થાય છે. વ્યક્તિ પોતાના મૂળને પામે છે. માનવીમાં સંજીવન તત્વનો સંચાર થાય છે અને તેને જીવન જીવવા જેવું લાગે છે.

આવો, આપણે આપણા જીવનમાં આ સંજીવન તત્વને મહેસૂસ કરીએ. આપણામાંથી આ અહલ્યાવૃત્તિ ઓછી થાય અને આપણે પણ એ આનંદલોક તરફ ગતિ કરીએ…. એવો સંદેશ આ નાનકડો પ્રસંગ આપણને આપી જાય છે. અસ્તુ.