આ અમારું રજવાડું ! – પ્રવીણ દરજી

એકલો પડું ને ત્યારે મારો સંવાદ પ્રકૃતિ સાથે વધુ ને વધુ હોય છે. ક્યારેક એવો પણ અનુભવ પણ રહ્યો છે કે કોઇકની સાથે વાતો કરતો હોઉ, કશુંક કામ ચાલી રહ્યુ હોય અને મન એકાએક એના પોતાના ઉપરથી પકડ ગુમાવી દે, એ પછી બહારની પ્રકૃતિ સાથે પોતાને જોડવા મથે અને છેવટે એમ જ થઇ રહે. એ રીતે ઘણીવાર શૃંગો પાસે, ઘાસનાં મેદાનો પાસે, સરિતાનાં જલ પાસે, વૃક્ષો પાસે, વૃક્ષની ડાળ પર બેઠેલા પક્ષી પાસે અથવા એના ગાન પાસે આ મન પહોંચી ગયું છે. એની સાથે ઝુલ્યું છે, એ સૌના સંગીત સાથે એકાકાર બન્યું છે. મારા શરીર પર એ બધાંની નિશાનીઓ અંકાયેલી છે. વખતો વખત એ સઘળું નવી નવી ભાત આ દેહ ઉપર અને દેહની અંદર રચતું રહે છે.

આ હથેળીમાં ઘણા વૃક્ષોના પર્ણોને મેં રમાડ્યાં છે. ઇચ્છું છું ત્યારે એની સુવાસ હું મારી હથેળીઓમાંથી પામતો રહ્યો છું. કોઇ વૃક્ષની છાયાં ને ઝીલી લે છે તો એ નિમિત્ત મળતાં પુનરપિ પુનરપિ એના શૈત્યનો અનુભવ કરાવી રહે છે. ઘાસના મેદાનો ઉપર ચાલવાનો અનુભવ પણ પગના તળિયાને એનાં સ્મરણ માત્રથી હળું હળું કરી દે છે. તાજો ટપટપી ગયેલો વરસાદ જાસુદના પર્ણૉ ઉપર કે મોગરાનાં પાન ઉપર થોડો એક ઝીલાયો હોય તો મારી કીકીઓ ઘેલી ઘેલી થઇને એમાં મારું નામ શોધી રહે છે. એવા વખતે હું સારાયે વરસાદની સુવાસને ઘારી રહું છું. આંગણાનાં કુંડાઓમાંથી ક્યારેક એકાદ છોડ કે પુષ્પ મારા તરફ ઝુકે છે ત્યારે એના ઇશારાને હું એકદમ પામી જઉ છું. હું ત્યાં થોભુ છું, થોડુંક એને પસવારું છું, પછી થોડુંક સંવાદ, થોડુંક મૌન…..

વહેલી સવારે ક્યારેક ઉઠીને, વરંડામાં આંટા મારું છું ત્યારે પેલા સુમંદ પવન સાથે પણ થોડુંક ગોઠડી જેવું કરી લઉ છું. મારા હોઠ ઉપર એ પણ એની નાજુક નાજુક આંગળીઓ ફેરવવી શરૂ કરે છે. એવા પ્રાત:કાળમાં અમે થોડાંક સ્મિતની આપ-લે પણ કરી લઇએ છીએ. દૂર છત નીચે સૂતું એવું કબૂતર એવી ક્ષણે પાંખો ફફડાવી, જાગી મારી સામે જોઇ લે છે ત્યારે મારો હાથ અધ્ધર થઇ એને સલામ મારી લે છે. ક્યારેક સાંજુકીવેળા વૉક માટે નીકળું છું ત્યારે મારી સામે જ, મારા રસ્તાં ઉપર જ થોડાંક મોર ને થોડીક ઢેલ ઠમકીલી ચાલે, રસ્તા ઉપરથી સરી, ઝાડી તરફ જતાં જોઉ છું ત્યારે હું એમને કેવો પ્રતિસાદ આપું તે સુઝતું નથી. કદાચ તેમના વૈભવને પ્રગટ કરવા માટે મારે પાસે કાં તો શબ્દ નથી, કાં તો અવાજ નથી. હું ઘણી વાર પછી રસ્તાની બાજુ ઉપર ઉભો રહી તેમનાં ગહેંકવાની પ્રતિક્ષા કરુ છું. આવા અનિર્વાચ્ય પ્રેમધ્વનિઓ વચ્ચે ઊભા રહેવાનાં મારાં સૌભાગ્યને શું કહેવું ?

રાત્રિના તારાઓનાં સામ્રાજયે પણ અનેકવાર મને એનો સ્વજન લેખીને એના જલસામાં હાજર રહેવાં નિમંત્રણ પાઠવ્યું છે. તારામંડપોના નીચા ભરેલા શ્વાસોના લયને મેં અલગરૂપે, મારી ભીતરમાં જણસની જેમ સાચવી રાખ્યાં છે. નવરો પડું છું ત્યારે તે અનેક વાર મારી પાસે આવી જાય છે, મારા ભારને હળવો કરી દે છે. ક્યારેક પેલા અંધકારને પણ મારી બે હથેળીઓ વચ્ચે આંતર્યો છે. મેં એને આરપાર વ્હાલ કર્યું છે. મારા મસ્તક ઉપર, હાથ-પગ ઉપર, આંખ ને કપાળ ઉપર, ખોળામાં અને આસપાસ મેં એને સહજરીતે વિસ્તરવા દીધા છે. પોચાં મુલાયમ પગલે પૂરની જેમ રેલી રહેતો એને અનુભવવો એ ક્ષણ પણ એવી જ સ્મરણીય છે. ઘણી વાર પતંગિયું મારી છાતી ઉપર બેસી ગયું છે. એને પછી ઉડાડવું મને ગમ્યું નથી. હું એને એવી પળે મનોમન પ્રાથર્ના કરું છું :તારી પાંખો ઉપર મને ઝીલી લે ને ! હું તો નિર્ભાર નિર્ભાર છું ! અને વળી ઓર નિર્ભાર થઇ રહીશ ! પણ તે તો પટ્ટ દઇને ઉડી જાય છે. – અને એનું એવુ ઉડવું મને પછી દિવસો સુધી ઉડતો રાખે છે….

મારું રાજય આવું પધમય છે !
પણ વાત અહીં અટકતી નથી….પ્રકૃતિ સાથેના મારા સંવાદની. આ વાત આજે એકાએક ક્યાંથી ફૂટી આવી? – એવો પ્રશ્ન તો મને કરો. એનોય ઉત્તર અને ઇતિહાસ છે દોસ્ત ! પેલી ષડઋતુઓમાંથી હમણાં વર્ષાદેવીની પૃથ્વી પર આણ છે – મસ્તક ઉપર મયૂરપિચ્છ મુગુટ અને મારા મસ્તક ઉપર જલબિંદુઓનો મુગુટ ! ઝર ઝર વરસાદ વરસે છે. અસ્થિર વાયુ દિશા બદલતો આગળ વધે છે. મેઘ-પુષ્ટમેઘ એના પ્રતિસ્પર્ધી મેઘ સાથે લડી રહ્યો છે. આકાશ એ ગાથાને ધરતી સુધી પહોંચાડી રહ્યું છે. ચપલ ચપલાનો સંકેત પણ એ દિશાનો જ રહ્યો છે. બધી દિશાઓ જાણે નવી નવી ભાષાઓ અને ઇંગિતો સાથે આપણી સમક્ષ ઉપસ્થિત થઇ છે. હું ચારે તરફ નજર માંડુ છું – મને મારું મૌન તોડવું આજે ગમતું નથી. અપલકપણે સાતત્યપુર્ણ દ્શ્યોને નિહાળ્યાં કરું છું. ભીતર કશાક કંપ ઊઠે છે, મારી અવસ્થાને એ વધારી મૂકે છે. મુગ્ધ બની જતી મારી આંખોને હું આજે રોકી શકતો નથી.

વાદળાં વિખેરાઇ જશે, આકાશ સ્વચ્છ થશે, પાણી એનો માર્ગ કરીને વહી જશે. વરસાદ એની લીલામંડળીને સમેટી લેશે. એક સુદીર્ઘ છંદની છટા ધારીને વરસતો વરસાદ પાછો શાંત થશે. યતિસ્થાનો ઉપરથી પૂર્ણવિરામ ઉપર આવીને અટકશે…પણ આજે ઘણીવાર બનતું આવ્યું છે એમ બન્યું નહી. ભવિષ્ય ગૂઢ જ રહ્યું. વરસાદ વરસતો રહ્યો. મેદૂરમેઘ ઓર મેદૂર થતો ગયો આકાશના આખા વ્યક્તિત્વને જ આ વખતના આષાઢે ભૂંસી નાંખ્યુ ! આકાશ અંધકારનો જ એક ભાગ બની ગયું. ઘરતી અને આકાશ – બંને અંધકાર આવૃત્ત !

આજે અંધકારવૃત્ત આકાશ સાથે થોડોક ઝઘડો થયો એટલે જ આ સંવાદની વાત લઇને તમારી પાસે આવી પહોંચ્યો છું. સંવાદમાં ઝઘડો પણ હોઇ શકે ને ! આકાશે આજે સ્વચ્છ ન બનવાની હઠ જારી રાખી. હું બીજનાં ચન્દ્ર માટે એની પાસે કાકલૂદી કરતો રહ્યો. એણે ન જ માન્યું. જી, મહેરબાન ! બીજનાં ચંદ્ર માટે મને બાળપણથી ઘેલું રહ્યું છે. પૂર્ણ કદના ચંદ્રનો તો બધા જ મહીમા કરવાનાં. પણ બંકિમ બીજનું શું? મારે મન અષાઢની બીજ કે કાર્તિકની બીજ, શ્રાવણની બીજ કે ભાદ્રપદની બીજ વચ્ચે કશો ફરક નથી. માત્ર બંકિમ બીજનું જ આકર્ષણ છે. આજે અષાઢની બીજે પણ દર વખત જેવી જ પ્રતિક્ષા રહી. હમણાં બધું થંભી જશે. નિર્મલ આકાશ બીજ બનીને હસી ઊઠશે. પણ એવું કશું જ ના બન્યું. બીજદર્શન ના જ થયાં. પૂર્ણ ચંદ્રની ક્ષમતાવાળી એ બીજરેખ આકાશગર્ભમાં જ ઢબુરાયેલી રહી. એ બીજ અર્ધકંકણ રૂપ પૂર્વેની એક સ્થિતિ છે. પ્રિયપાત્રની સ્મિતરેખા ? તૂટી ગયેલા એના જ વલયનો એક રમણીય ટુકડો ? અથવા એના જ હોઠના એક ભાગની બંકિમ લીલા ? અથવા ચંદ્ર ખુદના શૈશવનો મોહક વૈભવ ? શું કહીશું એ બીજને ? બીજદર્શન પૂર્ણિમાને રસ્તે, ચાંદનીના રસ્તે દોરી જાય છે. એટલે એનું વશીકરણ હશે ? કે પછી બીજ આકાશની કશીક કાલી કાલી ભાષાની વણઓળખાયેલી લિપિ હશે ? ખુલ્લા આકાશ તળે કે છજામાં ઊભા રહીને, હીંચકા ઉપર ઝૂલતાં ઝૂલતાં, વતનની નેળમાંથી પસાર થતાં થતાં – બંકિમ બીજને અનેક રૂપે આંખોમાં ઝૂલાવી છે. એ બીજમાં ચંદ્રનો માદક કેફ નથી, કશો આવેશ પણ નથી. કદાચ એ સ્વપ્નલોકનું આરંભ બિંદુ છે. કદાચ નીલાઆકાશનું એ પેન્ડન્ટ છે, કદાચ નિશાની વેણીમાંથી ખરી પડેલા મોગરાની એક પાંખડી છે, કદાચ આકાશની પૃથ્વીજનો માટેની “શુભરાત્રિ” જેવી કોઇક પ્રેમભરી ચેષ્ટા છે, કદાચ પૂર્ણચંદ્ર્નાં શણગારેલાં ભવિષ્યનું પ્રારંભિક કથન છે, કદાચ કોઇ પંખીના થીજી ગયેલા ટહુકાનું એ ચિત્રરૂપ છે. કદાચ…કદાચ….કદાચ……

પણ ઝઘડો ઝઘડો જ રહે છે. સંવાદ પણ રહે છે. કહે, આકાશ ! આષાઢી બીજનાં દર્શન નહી કરાવીને તેં શું મેળવ્યું ? બીજનાં દર્શનવેળાએ જે સ્મૃતિલીલાઓ મને ભીંજવે છે, મારી આંખોંને અદભૂત કરી નાંખે છે – એવું આજે બંકિમ બીજની અનુપસ્થિતિમાં પણ બન્યું જ…મેં મારી આંખોને આ અંધકારમાં પણ છુટ્ટી મૂકી દીધી છે. મારાં કંપનો તો અંધકાર, મેઘમેદૂર આકાશને ભેદીને બંકિમ બીજ રેખા સુધી પહોંચી જ ગયાં છે. અંધકારની જ અલકલટ રૂપે સઘન મેઘાચ્છાદિત આકાશમા જો…એ સોહી રહી !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous એકાદ ફૂલ રંગીન – મંગળ રાઠોડ
ઝીણાભાઈના પપ્પા – ગીનીબેન માલવિયા Next »   

10 પ્રતિભાવો : આ અમારું રજવાડું ! – પ્રવીણ દરજી

 1. Hiral Thaker 'Vasantiful' says:

  Great ….!

  Your words and arrangement of words are tooooooo good….!

  I like your personal essay named ‘Ordo’

  “કદાચ એ સ્વપ્નલોકનું આરંભ બિંદુ છે. કદાચ નીલાઆકાશનું એ પેન્ડન્ટ છે, કદાચ નિશાની વેણીમાંથી ખરી પડેલા મોગરાની એક પાંખડી છે, કદાચ આકાશની પૃથ્વીજનો માટેની “શુભરાત્રિ” જેવી કોઇક પ્રેમભરી ચેષ્ટા છે, કદાચ પૂર્ણચંદ્ર્નાં શણગારેલાં ભવિષ્યનું પ્રારંભિક કથન છે, કદાચ કોઇ પંખીના થીજી ગયેલા ટહુકાનું એ ચિત્રરૂપ છે.”…………………….

 2. pragnaju says:

  જ્યારે અનુભવ કહેવા કે લખવામાં આવે ત્યારે થોડું ઘણું અસત્ય આવી જ જાય છે.
  પરંતુ આ પ્રવીણ દરજીએ ‘અમારું રજવાડું ! –’મા તેમનો પ્રકૃતિ સાથેનો સંવાદ આપણને પણ અનુભૂતિ કરાવી જાય છે!
  આ વાંચીને “આજે અંધકારવૃત્ત આકાશ સાથે થોડોક ઝઘડો થયો એટલે જ આ સંવાદની વાત લઇને તમારી પાસે આવી પહોંચ્યો છું. સંવાદમાં ઝઘડો પણ હોઇ શકે ને ! આકાશે આજે સ્વચ્છ ન બનવાની હઠ જારી રાખી. હું બીજનાં ચન્દ્ર માટે એની પાસે કાકલૂદી કરતો રહ્યો. એણે ન જ માન્યું. જી, મહેરબાન ! બીજનાં ચંદ્ર માટે મને બાળપણથી ઘેલું રહ્યું છે. પૂર્ણ કદના ચંદ્રનો તો બધા જ મહીમા કરવાનાં. પણ બંકિમ બીજનું શું? મારે મન અષાઢની બીજ કે કાર્તિકની બીજ, શ્રાવણની બીજ કે ભાદ્રપદની બીજ વચ્ચે કશો ફરક નથી. માત્ર બંકિમ બીજનું જ આકર્ષણ છે. આજે અષાઢની બીજે પણ દર વખત જેવી જ પ્રતિક્ષા રહી. હમણાં બધું થંભી જશે. નિર્મલ આકાશ બીજ બનીને હસી ઊઠશે. પણ એવું કશું જ ના બન્યું. બીજદર્શન ના જ થયાં. પૂર્ણ ચંદ્રની ક્ષમતાવાળી એ બીજરેખ આકાશગર્ભમાં જ ઢબુરાયેલી રહી. એ બીજ અર્ધકંકણ રૂપ પૂર્વેની એક સ્થિતિ છે. પ્રિયપાત્રની સ્મિતરેખા ? તૂટી ગયેલા એના જ વલયનો એક રમણીય ટુકડો ? અથવા એના જ હોઠના એક ભાગની બંકિમ લીલા ? અથવા ચંદ્ર ખુદના શૈશવનો મોહક વૈભવ ? શું કહીશું એ બીજને ? બીજદર્શન પૂર્ણિમાને રસ્તે, ચાંદનીના રસ્તે દોરી જાય છે. એટલે એનું વશીકરણ હશે ? કે પછી બીજ આકાશની કશીક કાલી કાલી ભાષાની વણઓળખાયેલી લિપિ હશે ? ખુલ્લા આકાશ તળે કે છજામાં ઊભા રહીને, હીંચકા ઉપર ઝૂલતાં ઝૂલતાં, વતનની નેળમાંથી પસાર થતાં થતાં – બંકિમ બીજને અનેક રૂપે આંખોમાં ઝૂલાવી છે. એ બીજમાં ચંદ્રનો માદક કેફ નથી, કશો આવેશ પણ નથી. કદાચ એ સ્વપ્નલોકનું આરંભ બિંદુ છે. કદાચ નીલાઆકાશનું એ પેન્ડન્ટ છે, કદાચ નિશાની વેણીમાંથી ખરી પડેલા મોગરાની એક પાંખડી છે, કદાચ આકાશની પૃથ્વીજનો માટેની “શુભરાત્રિ” જેવી કોઇક પ્રેમભરી ચેષ્ટા છે, કદાચ પૂર્ણચંદ્ર્નાં શણગારેલાં ભવિષ્યનું પ્રારંભિક કથન છે, કદાચ કોઇ પંખીના થીજી ગયેલા ટહુકાનું એ ચિત્રરૂપ છે. કદાચ…કદાચ….કદાચ……”
  તો ખોવાઈ ગયા હોય તેમ લાગ્યૂ.
  અદભુત અનુભવ કરાવવા બદલ
  ધન્યવાદ

 3. ramesh shah says:

  આ વાચ્તા કાકા કાલેલ્કર યાદ આવ્યા
  અભિન દ્ ન્

  ર્ મે શ શહ્

 4. બંકિમ બીજના ચન્દ્રથી સુશોભિત સૃષ્ટિ શા વાડા વિનાના આ રજવાડાનુઁ નયનરમ્ય ને મનોગમ્ય વર્ણન વાઁચી અનેરો આનઁદ અનુભવ્યો. અભિનઁદન અને આભાર.

 5. kamlesh falla says:

  wonderfull

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.