- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

પુત્રને પત્ર – જયવતી કાજી

પ્રિય દિકરા સંજીવ,

તને કદાચ અમારો આ પત્ર જોઇને આશ્ચર્ય થશે. તું ઘરમાં જ હોય અને અમે તને પત્ર લખીએ ! પરંતુ કેટલીક વાતો મોઢામોઢ કરવા કરતાં ટૂંકમા લખીને જ કરવી વધુ સરળ બને છે. એટલે જ તારા મમ્મી અને હું તને આ સહિયારો પત્ર લખીએ છીએ. હવે તારાં લગ્નને બહું થોડા દિવસો બાકી રહ્યાં છે. અમે આનંદથી એ અવસરને ઊજવવાની તૈયારી કરી રહ્યાં છીએ. અમે આ મંગળ દિવસની તો ક્યારનીયે રાહ જોતા હતાં.

પોતાનો દીકરો મોટો થાય, ભણેગણે યુવાન થાય, અને કારકીર્દી શરૂ કરે એટલે મનમાં તાલાવેલી શરૂ થાય. ક્યારે વહુ ઘરમાં આવે ! ક્યારે સુંદર, સુશિક્ષિત, સંસ્કારી યુવતી રૂમઝુમ કરતી કુમકુમ પગલે પુત્રવધૂ બની ઘરમાં પ્રવેશ કરે ! વહાલસોયા દિકરાને એની જીવનસંગીની મળે, અને જે કુટુંબની શાન વધારે, વંશનો વેલો ચાલુ રાખે, ઘરસંસારને સુખદ અને સોહામણો બનાવે એવી ગૃહલક્ષ્મીને ઘરમાં લાવવાનું માતાપિતાનું સ્વપ્નું હોય છે.

તારાં લગ્નનો પ્રસંગ અમારા જીવનનો એક સીમાચિહ્ન દિવસ છે. આનંદ-ઉત્સાહનો, કૃતાર્થતાનો અવસર છે. તારાં લગ્ન થતાં જ એક નવી વ્યકિત આપણા ઘરમાં અને કુટુંબમા પ્રવેશ કરશે. એક નવો જ સંબધ અને સ્થાન લઇને એ આવશે. તારા જીવનનો એ સુખ અને આનંદ અને પ્રેમનો અનોખો સબંધ હશે. એ પોતાનું ઘર, કુટુંબ, મિત્રો, સગાસ્નેહીઓ, પોતાની રીતરસમ બધુ છોડીને એક નવા અજાણ્યા ઘરમાં-કુટુંબમા પ્રવેશ કરશે. પોતીકાં છોડી એ પારકાંને પોતીકાં કરવા નીકળીને આવશે. તારી સંગાથે એ જીવનની સફર કરવાનું સ્વપ્ન લઇને આવશે. એને પોતાની રીતે પોતાનાં સંસારને સજાવવાના કોડ હશે. તારા લગ્ન થતાં તારા જીવનનો એક નવો અત્યંત મહત્વપુર્ણ અંક શરૂ થશે. આપણા સંબંધોનાં નવાં સમીકરણો ઊભા થશે. એટલે અમારા મનમાં થોડીક ચિંતા અને મથામણ છે. તેની વાત કરવા માંગીએ છીએ. અમારી લાગણીઓ તારી સાથે “share” કરવા માંગીએ છીએ.

શ્રુતિ આધુનિક શિક્ષિત યુવતી છે. એના પોતાના કેટલાક વિચારો અને ખ્યાલો દઢ હશે. અમુક રહેણીકરણીથી એ ટેવાયેલી હશે, એ બધું કંઇ રાતોરાત બદલાતું હશે ? આ નવો સંબંધ અને એક નવી વ્યક્તિનું આગમન. આ બધાંથી આપણે અપરિચિત છીએ. આપણે ધીરે ધીરે એનાથી ટેવાવું પડશે. તારી અને અમારી વચ્ચે જન્મનો-લોહીનો સંબંધ છે. તારાં જીવનમાં અમારી અગ્રતા હતી અને તું અમારાં જીવનનો મધ્યબિંદુ હતો. હવે તારી અગ્રતા શ્રુતિ હશે. તારી મમ્મી તરીકે તારા ખાવાપીવાનો – તારાં કપડાંલત્તાનો હું ખ્યાલ રાખતી આવી છું, તારા રૂમમાં હું નિ:સંકોચ દાખલ થઇ શકતી. તારી વેરવિખેરે વસ્તુઓને વ્યવસ્થિત ગોઠવતી. સાંજે તારા ઘરે આવવાની હું આતુરતાપુર્વક રાહ જોતી. રાત્રે તું અમારી સાથે બેસી ઘડીભર વાતો કરતો. હવે, સંજુ તારા પપ્પામમ્મીની સાથે સાથે એક બીજી વ્યક્તિ – શ્રુતિ પણ તારી પ્રતીક્ષા કરશે, તું એને મળવા, બહાર ફરવા લઇ જવા માટે ઉત્સુક હ્શે. તારું ભાવતું અને રુચતું ખાવાનું શ્રુતિ બનાવશે. કદાચ હવે તને એના હાથની વસ્તુઓ અત્યાર સુધી હું – તારી મમ્મી બનાવતી હતી એના કરતાં વધારે સ્વાદિષ્ટ લાગશે.

દીકરા ! આ બધું અત્યંત સ્વાભાવિક છે. જીવનમાં એક સંબંધ પર બીજી એક નવી મજબૂત ગાંઠ બાંધતાં સંભવ છે કે પહેલાંની ગાંઠ ઢીલી પડે. સમજવા છતાં અમને ઓછું આવે એવુ બને. અમને થશે કે પહેલાનો તું – અમારો વહાલો દીકરો અને ઘર બદલાઇ ગયાં ! અમારું સ્થાન હવે ગૌણ બની ગયું છે. આ નવી ઊભી થનાર પરિસ્થિતિ સાથે કેવી રીતે સમાધાન કરી શકશું એનો ગભરાટ થાય છે. શ્રુતિના મનમાં શું થતું હશે ! અમે એને ભારરૂપ – અડચણરૂપ તો નહીં લાગીએ ને ? તારી બન્ને મોટીબહેનો સુમિતાએ અને સુજાતાને સ્થાને જ – પુત્રી ને સ્થાને જ એને ઘરમાં રાખવા ઇચ્છીએ છીએ. જીવનમાં બદલાના સ્થાનનો સ્વીકાર વડીલોએ જ સમજણપુર્વક કરવાનો હોય…છતાંય…

દીકરા ! એક તરફ માતાપિતા અને કુટુંબ અને બીજી તરફ પત્ની પ્રત્યેનું કર્તવ્ય. આ ભિન્ન કર્તવ્યો ક્યારેક સામેસામા અથડાય એવું બનશે ! તારી સ્થિતિ ક્યારેક “સૂડી વચ્ચે સોપારી” જેવી થશે એ અમે સમજીએ છીએ. આ બન્ને સંબંધો અને આનુષંગિક ફરજોનું તારે સતત સમતુલન કરતાં રહેવું પડશે, એ જરાયે સહેલું કે સરળ તો નથી જ. તારે પણ એક બાજુ ઢળી ન જવાનુ હોય. એમ કરશે તો બીજા પક્ષે અન્યાય થશે. એક તરફ તારો અને શ્રુતિ નો સંબંધ અને બીજે પક્ષે અમે સમજણ અને વિવેકપુર્વક તારે બધા સંબંધોનું સતત સમતુલન કરતાં રહેવુ પડશે. અઘરું ઘણું છે. છતાં ધીમે ધીમે બધું ગોઠવાઇ જશે, અમને તારામાં વિશ્વાસ છે. અમારે માટે તો તું સુખી એટલે અમે સુખી. આની સાથે જ એક બીજા સંબંધની વાત કરી લઉ. એ સંબંધ છે શ્રુતિના એના પિયર સાથેનો, એના સગાંસ્નેહીઓ અને મિત્રો સાથેનો. લગ્ન થાય એટલે સ્ત્રીએ પિયરને ભૂલી જવાનું. એ સંબંધો કાપી નાંખવાના કે જેથી એ સ્વસૂરપક્ષમાં એ ઓતપ્રોત થઇ શકે એવા પરંપરાગત ખ્યાલો છે. પત્નીના પિયરયાઓથી તો દૂર જ રહેવાનું અને અમને દૂર જ રાખવા સારાં. ઘરમાં એમને ઘુસવા દેવાના જ નહી. આ બધા ખ્યાલો ખોટા છે. શ્રુતિના માતાપિતા અને પરિવાર સાથે આપણા પરિવારે ગાઢ અને મૈત્રીનો સંબંધ કેળવવાનો છે. તારે એ કુટુંબમાં સ્નેહભર્યુ સ્થાન મેળવવાનું રહેશે. ‘એ લોકો તો દીકરીવાળા’ એવા હિણ ખ્યાલો જરાય શોભાસ્પદ નથી.

હવે તારા અને શ્રુતિના સંબંધની વાત કરું ? સંજુ ! આપણો સમાજ હજી પણ મહદઅંશે પુરુષપ્રધાન છે. લગ્નને સુખી અને સફળ બનાવવાની જવાબદારી સ્ત્રીની ગણાઇ છે. એમાં એણે સફળતાથી પાર ઊતરવાનું હોય છે. કારણ કે, સ્ત્રી માટે પતિ અને લગ્ન એનું સમગ્ર અસ્તિત્વ હોય છે. મનુસ્મૃતિમાં કહ્યું છે તે પ્રમાણે એણે પતિની અનુવર્તિની થવાનુ હોય છે. સતત અનુકૂલન પત્નીએ કરવાનું હોય એવી અપેક્ષા રખાય છે. સ્ત્રી એટલે સેવા, સહનશીલતા અને સમર્પણ. પતિ એનો પરમેશ્વર. પતિ એટલે પત્નીનો સ્વામી – માલિક. સ્ત્રીના પક્ષે આજ્ઞાંકિતતા – અનુકૂલન અને વિલોપન. પરંતુ આ એક પક્ષી અને અન્યાયી નથી ? સ્ત્રી અને પુરુષ – પતિ અને પત્ની લગ્નસંબંધના બે સમાન ભાગીદાર છે. અનુકૂલન અને સમર્પણ અને પ્રત્યાર્પણ ઉભયપક્ષે સ્વેચ્છાએ અને સહજ રીતે થતું રહે ત્યારે જ જીવન મ્હોરી ઉઠે. પત્ની એટલે પ્રિય સખી, સહચરી અને જીવનસંગી. તમારે એકબીજા માટે માત્ર પતિ કે પત્ની જ નથી બની રહેવાનું. એક્બીજાનાં ગાઢ અને જીગરજાન મિત્ર બનીને રહેવાનું છે.

સૌથી મહત્વની વાત એ છે કે હવે સ્ત્રીની ભૂમિકા ઘણી વિસ્તરી છે. ઘણી બધી તક આજે એને માટે ખૂલી છે. એની પતિ માટેની અને પોતાના માટેની અપેક્ષાઓ ઘણી બદલાઇ છે. સ્ત્રીની પારંપારિક સીમિત ભૂમિકા આજે રહી નથી. એનું સ્થાન આજે કયાં નથી ? ઝડપથી બદલાતું જીવન અને સ્ત્રીની બદલાતી ભૂમિકાએ દામ્પત્યજીવન પર તણાવ ઉભો કર્યો છે. સ્ત્રીની કારકીર્દીને અંગે પણ સમય અંગે, કામકાજની વહેંચણી અંગે પણ સમજૂતી કરવી પડશે. સંજુ! શ્રુતિનું કર્તવ્ય તારી પ્રગતિમાં સહાયરૂપ થવાનું છે. સુખદુ:ખમાં તારી પડખે ઉભા રહેવાનું છે તેવી જ રીતે તારે પણ એના વિકાસમાં સહાયક બનવાનું છે. એની આશા – આકાંક્ષાઓ સમજવા સતત પ્રયત્નશીલ રહેજે. એના વ્યકિતત્વનો આદર કરવાનો છે.

કદાચ તે ઘણાને કહેતા સાંભળ્યા હશે. “પત્નીને તો પહેલેથી દાબમાં જ રાખવાની હોય. શરૂઆતથી જ લગામ હાથમાં નહીં રહે તો પછી એ ક્યારેય અંકુશમાં નહીં રહે!” પણ સંજુ ! સ્ત્રીના કોમળ સ્નિગ્ધ હ્રદયને પતિ તરીકેના અધિકારથી જ વશ કરાતું નથી. એને પ્રેમથી જીતવાનું હોય છે. અધિકાર માત્ર પ્રેમથી જ સંપાદન થતો હોય છે. સાચું જ કહ્યું છે કે જે ઘરમાં સ્ત્રી પ્રસન્ન હોય છે, ત્યાં જ દેવતાઓનો વાસ હોય છે. પ્રેમને પણ પરિપક્વ મિષ્ટ અને ગાઢ થતાં સમય લાગતો હોય છે.

હવે એક મહત્વની વાત કરું ? આપણી ભારતીય સંસ્કૃતિમાં લગ્નને એક પવિત્ર બંધન માન્યું છે. જીવનભરનો અતુટ સંબંધ માન્યો છે. એ સંબંધ જ્યારે બંધાય છે ત્યારે જીવન ધન્ય બની જાય છે. એમાં લગ્નેતર સંબંધને અવકાશ જ ન હોય ! એનું પરિણામ સંતાપ અને દુ:ખમાં જ આવે છે. વિશ્વાસ જ જીવનના પાયામાં રહેલો હોય છે. એક વખત એ પાયો જ ડગમગી જાય પછી શું બાકી રહે !
અમને ખબર છે કે લગ્નપ્રસંગે અને ત્યાર પછી એમ જ કહોને કે જીવનભર સ્ત્રીને જ પતિ અને સાસરીયાં પ્રત્યેની ફરજની શિખામણ અપાતી હોય છે. મોટેભાગે સામાયિકોમાં અને છાપાંઓમાં પણ એમ જ થતું હોય છે. આપણાં સમાજમાં ઘણું બધું એકપક્ષીય જ ચાલતું રહ્યું છે, પણ તને નથી લાગતું કે લગ્નજીવનની સફળતા માટે સ્ત્રી અને પુરુષ બન્નેની જવાબદારી રહે છે? સ્ત્રી અને પુરુષના પતિ અને પત્નીના સંબંધનાં સમીકરણો નવેસરથી કરવાની જરૂર નથી ? વધું અમારે શું કહેવાનું હોય ! તમારી સહજીવનયાત્રા સુખદ અને મંગલમય બની રહો. અનેકાનેક આશિષ સહિત.

– તારાં મમ્મી-પપ્પા