- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

ઉપરવાળો સૌ સારાં વાનાં કરશે ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા

[‘સાયલન્સ પ્લીઝ !’ પુસ્તકમાંથી સાભાર.]

‘હવે શું થશે?’ આ એક જ પ્રશ્ન બધાના મનમાં ઘુમરાતો હતો. દરેકના કાનમાં વગર બોલ્યે પણ આ સવાલ પડઘાતો હતો. અનિશ્ચતતાના ઓછાયા નીચે પસાર થતો સમય આફતના કાળ કરતાં પણ દુષ્કર હોય છે. થાકીને લોથ થઇ ગયેલાં ચરણોને મંજિલ નજીક લાગતી હોય ત્યાં જ આડો હિમાલય જેવો પર્વત ઊભો થઇ જાય તેવો જ કંઇક પ્રસંગ અમારા ઘરમાં બન્યો હતો. હવે શું થશે? – એ પ્રશ્ન સિવાય ઘરમાં જાણે કોઇનું અસ્તિત્વ જ નહોતું. ઘરનાં એક ખુણેથી બીજા ખૂણે આ સવાલ જાણે ચલકચલાણું રમીને પોતાની હાજરીની સતત પ્રતીતિ કરાવતો હતો.

વાત એમ બની હતી કે મને મેડીકલ કોલેજમાં એડમિશન મળી ગયાનો કાગળ આવ્યો હતો ! આમ તો આવો કાગળ મળવો એ એક અતિ આનંદની ઘટના જ કહેવાય. એક ગરીબ છાપાવાળાની ઝૂંપડીમાં મોટા થયેલા અને દારુણ ગરીબીમાં ઉછરેલાં વિધાર્થીને મહેનત અને મેરીટથી જ મેડીકલ કોલેજમાં એડમિશન મળે એ ખરેખર ગૌરવ લેવા જેવી બીના હતી. અમારા ઘરમાં પણ ઘડીક આનંદની લહેરખી ફેલાઇ ગઇ હતી. પણ મજુરને કોઇ મર્સિડિઝ ભેટમાં આપે પછી બીજી ક્ષણે જ પેટ્રોલ કેમ પુરાવવું એ પણ એક પ્રશ્ન હોય તેવી જ દશા અમારા સૌની થયેલી.
એડમિશનના લેટરમાં સૌથી પહેલા પાને જ લખેલું હતું કે, ‘7 જુલાઇ 1978ના રોજ બી.જે.મેડીકલ કોલેજમાં સવારે 11.00 કલાકે હાજર રહેવું.સાથે રૂપિયા 268/- અંકે રૂપિયા બસો ને અડસઠ ટર્મફીસના એ જ દિવસે ભરવા પડશે.’ અને આ બીજા વાક્યથી જ અમને તકલીફ થઇ રહી હતી. અતિ ગરીબાઇના એ દિવસો હતા. બાપુ છાંપા વેચીને ગુજરાન ચલાવે. હાંડલામાં કંઇ પણ પડ્યાં ભેગું જ સાફ કરી નાખતાં અમે ઘેરોએક માણસ. ઘરમાં કાયમ અછતના ઓળાઓ જ આંટાફેરા કરતા હોય. બે પૈસાની બચત હોય એવું એવું તો ક્યારેય સપનું પણ ના આવે. આખર તારીખે તાવડી ટેકો લઇ જાય તેવા દિવસો હોય તેમાં બસો ને અડસઠ રૂપિયા કાઢવા ક્યાંથી ? કેટલાય ઉછીના-પાછીના થાય ત્યારે તો મહિનો પૂરો થાય. તેમાં આટલી મોટી રકમતો સાવ અણધારી જ હતી. એમ કહી શકાય કે અમારી તેવડ અને ગજા બહારની એ વાત હતી. બાપુએ પણ એટલા બધા લોકો પાસેથી ઉછીના પૈસા લીધા હતા કે હવે એમને કોઇ 10 રૂપિયા આપવા પણ તૈયાર નહોતું. તો આ રકમ તો એનાથી 30 ગણી હતી. કોણ આપે ?

એટલે ક્યાંયથી ઉછીના પૈસા મળશે એવી ખોટી આશા પણ રાખી શકાય તેમ નહોતું. અને જો બે દિવસમાં પૈસાની વ્યવસ્થા ન થાય તો એડમિશન કેન્સલ થાય તે પણ બધા જાણતા હતા. એટલે આ વ્યવસ્થા કઇ રીતે થશે એ યક્ષપ્રશ્ન અમને ગળેથી પકડીને ગૂંગળાવી રહ્યો હતો. અને કદાચ વ્યવસ્થા ન થઇ શકી તો શું થશે ? આ ‘શું થશે?’ એ પ્રશ્ન જ અમને આજે અકળાવતો હતો. ખુદા હશે કે કેમ એ અંગે હંમેશા સાશંક રહેતાં. પણ મારાં દાદીમા અત્યંત શ્રધ્ધાળુ હતાં. અમારી મૂંઝવણ જોઇને વારંવાર એ બોલતાં હતાં કે, ‘ખુદા સૌનું ભલું કરશે! સૌ સારાં વાના જ થશે. તમે બધા ચિંતા ના કરો.’ પરંતુ અમારામાંથી બીજાં કોઇને એ સમયે આ શબ્દો પર રતીભાર પણ વિશ્વાસ નહોતો.

ઝાંઝવાના જળ ઢીંચવાના જ જેનાં નસીબ હોય તેને મીઠા પાણીની આશા આપવા જેવા આ શબ્દો હતાં. સહરાના રણની વચ્ચોવચ્ચ આવતા વરસે મીઠામધ જેવા પાણીનું સરોવર હશે એમ કોઇ કહે અને રણમાં રહેતા માણસને જરાય વિશ્વાસ જ ન આવે એવું કંઇક અમારું પણ હતું. પરંતુ તરણું મળે તો તરણું, બચી જવા માટે કંઇક પ્રયત્ન તો કરવો જ રહ્યો એ ન્યાયે બાપુ, ‘ચાલો ! હજુ બે ચાર જણને મળતો આવું, કદાચ ક્યાંકથી મેળ પડી જાય!’ કહી સાઇકલ લઇને મારા ભાગ્યની શોધમાં ગયા. ઘરનાં સૌ પોતપોતાનાં કામે વળગ્યાં.

અમારી કાચી માટીની તેમ જ પતરાંના છાપરાવાળી ઝૂંપડીનું ફળિયું ખૂબ વિશાળ હતું. ઉનાળાના ઉત્તરાર્ધના એ ગરમ દિવસોથી આખો દિવસ શેકાયા બાદ અમે ફળિયામાં રહેવાનું પસંદ કરતાં. અલકમલકની વાતો કરતાં કોઇ જુદાં જ પ્રદેશની સફરે પહોંચી જતાં. તે દિવસે પણ રાત્રે સાડા દશ સુધી અમે બધા બાપુની વાટ જોઇ બેઠાં હતાં. વાતો તો ત્યારે પણ અલકમલકની જ ચાલતી હતી પણ બધાયનાં મન પેલા સવાલની આસપાસ જ ઘુમરાતાં હતાં. છેક પોણા અગિયાર વાગ્યાં ત્યારે બાપૂજી આવ્યાં. એમનાં અમારી સામે દષ્ટિ માંડવાનાં અંદાજથી એ ખાલી હાથે પાછા આવ્યા છે એ અમે સમજી ગયાં. એમને કોઇએ કંઇ પણ પુછ્યું નહીં. ફક્ત દાદીમાં એક જ બોલ્યાં કે, ‘ખુદા સૌ સારા વાનાં કરશે. હવે વાતો બંધ કરીને બધા સુઇ જાવ.’

બસ, હવે એક જ દિવસ બાકી રહ્યો હતો. બીજો દિવસ ઉગ્યો. એ પણ દર સાઠ મિનિટે એક કલાકની ઝડપે જ ભાગતો હતો. સાંજના પાંચ વાગી ચુક્યાં હતાં. હવે અકળામણનું સ્થાન મૂંઝવણે લઇ લીધું હતું. મારાથી બોલાઇ ગયું, ‘એ લોકો ફી બાકી ના રાખે ? આપણને અત્યારે એડમિશન આપી દે અને પછી આપણે આવતા મહિના સુધીમાં પૈસા ભરી દઇએ તો ના ચાલે?’ પણ કોઇએ મારા સવાલનો જવાબ જ ના આપ્યો એટલે હું સમજી ગયો કે એમ નહીં જ ચાલતું હોય. અચાનક બાપૂ ઉભા થયા. મને કહે કે, ‘ચાલ! તારા એડમિશનના કાગળની અને બારમાની માર્ક્શીટની કોપી જોડે લઇને મારી ભેગો ચાલ.’

દલીલને કોઇ અવકાશ જ નહોતો. ડૂબતા માણસે છેલ્લા શ્વાસ સુધી પ્રયત્નો ન જ છોડવાના હોય. કંઇ પણ બોલ્યા વગર હું એ બધી વસ્તુઓ લઇને નીકળી પડ્યો. અમે બંને બાજુનાં ગામ તરફ સોનગઢ ગયાં. ત્યાં જઇને જે કોઇ વ્યક્તિ ઉછીના પૈસા આપી શકે તેવી લાગે તેને બાપુજી વાત કરતાં. હું ‘નમસ્તે!’ કહીને મારી માર્ક્શીટ અને એડમિશનનો કાગળ બતાવતો. દરેક વ્યકિત મારી સફળતા જોઇને ખુશ થતી અને શાબાશી આપતી. પણ પૈસા તો કોઇ કરતાં કોઇયે ના આપ્યાં. બાપુજી માંગતા, પણ દરેક વ્યક્તિ કંઇ ને કંઇ બહાનું કાઢીને પૈસા આપવાનું ટાળતી. દરેકને થતું કે આ પૈસા કોને ખબર ક્યારે પાછા મળે ! આમ ને આમ છેક સાંજ પડી ગઇ. અમે બાપ-દિકરો થોડા ઢીલા પડી ગયાં. ‘હવે શું થશે?’ એ પ્રશ્ને ફરીથી અમારા મનમાં હથોડા મારવાનું શરૂ કરી દીધું. અમે થોડીક વાર સોનગઢના બસ સ્ટેન્ડમાં મૂંગા મૂંગા બેઠાં. હાથમાં આવેલી બાજી હારી જતી વેળા વખતે માણસને જેવી વેદના થાય તેવી વેદનાની રેખાઓ મારા બાપુના ચહેરા પર ઉપસી આવી હતી. આખી જિંદગી જેણે સાઇકલ પર ફેરી કરી હોય તે માણસના હાથમાં આવેલો કોળિયો ઝૂંટવાઇ જતો લાગે તો કેવું થાય તે તો એ જ જાણી શકે, જેના પર આવી વીતી ચૂકી હોય.

જેમ દિવસ એના ક્રમ મુજબ ઢળી ગયો તેમ સાંજ પણ હવે ધીમે ધીમે રાત્રિનું સ્વરૂપ લઇ રહી હતી. ઉનાળાના દિવસોમાં સાંજ થોડીક લાંબી રહેતી હોય છે. આછું આછું અંધારુ થવા લાગ્યું. બાપુએ એક નિસાસો નાંખ્યો. એમનામાં હવે સાઇકલ ચલાવાની પણ હામ નહોતી રહી. અમે બંને એ ધીમે ધીમે અમારા ગામની વાટ પકડી. મારું ગામ સોનગઢથી ફક્ત બે જ કિલોમિટર દુર છે. કંઇ પણ બોલ્યાં વિના પણ અમે લોકો ઘણી વાતો કરી શકતાં હતાં. સમય અભિવ્યક્તિની બધી જ પરિભાષા માણસને શીખવી જ દેતી હોય છે. અમે પણ એક્બીજાના ભાવ સમજી-વાંચી શક્તાં હતાં. નિરાશા અનુભવતું મારું મન વારંવાર દાદીમાનાં શબ્દો યાદ કરતું હતું કે, ‘સૌ સારા વાનાં થશે.’ પછી મનોમન જ સવાલ ઊઠતો હતો કે, ‘શું ખરેખર સૌ સારાં વાનાં થશે?’ સાંજના ઊતરી રહેલા ઓળાઓ તો એવું નહોતાં કહેતાં.

સોનગઢ ગામ પૂરું થાય પછી રાજકોટ જવાના રોડ પર દક્ષિણ તરફ પાલિતાણાનો રસ્તો ફંટાય છે. એ વિસ્તારમાં ઘણા બધાં જૈન કુટુંબો રહે. હતોત્સાહ એવા અમે બાપદીકરો ત્યાંથી નીકળ્યાં એ જ વખતે શ્રી હિંમતભાઇ નામના એક ભાઇ ત્યાંથી નીકળ્યાં. મારાં બાપુજીને જોતાં જ એમણે બૂમ મારી, ‘કેમ કાસમ? આજે આમ ચાલતાં ચાલતાં જાય છે?’ (મારાં બાપુને ત્યારે અમે ખૂબ ગરીબ હોવાથી બધા તુકારે જ બોલાવતાં. આજે આ બધા જ માણસો એમને કાસમભાઇ કરીને બોલાવે છે. પૈસામાં આદર ખરીદવાની પણ વણદેખી શક્તિ રહેલી હોય છે તે અમને સમયે બરાબર સમજાવ્યું.
‘બસ એમ જ !’ મારા બાપુજીએ ફક્ત એટલો જ જવાબ વાળ્યો.
‘મજામાં તો છે ને?’ હિંમતભાઇએ ફરીથી પુછ્યું.
‘હોવે! મજામાં જ છું!’ બાપુજીએ આટલો જવાબ ઉપલક મનથી જ દીધો. પછી અમે આગળ ચાલ્યાં. હજુ થોડાક જ આગળ ગયાં હોઇશું ત્યાં જ પાછળથી બૂમ પડી, ‘અરે કાસમ ! એક મિનિટ, આ તારી સાથે છે તે તારો દિકરો એ જ છે, જે બોર્ડમાં પણ એકાદ વિષયમાં નંબર લાવ્યો છે?’
‘હા, એ જ છે!’
‘અરે તો તો પાછો આવ!’ હિંમતભાઇએ અતિ ઉત્સાહથી કહ્યું, ‘અને એના માર્ક્સનો કાગળ કે કોપી કે એવું કંઇ છે તમારી સાથે?’
‘હા !,’ બાપુજીએ પાછા ફરતાં ટુંકો જવાબ આપ્યો, કારણકે આવું બધું તો સાંજથી લગભગ દસ વાર અમારે જોડે બની ચુક્યું હતું. અમે હિંમતભાઇ પાસે પહોંચ્યા. એમણે મારાં હાથમાં રહેલા કાગળો જોયાં. જોતાં જ એમણે આશ્ચર્ય વ્યકત કર્યું, ‘અરે! ભલા માણસ ! તું તો વાત પણ નથી કરતો કે આને તો મેડીકલમાં એડમિશન મળી ગયું છે.’
‘આજે સવારથી બધાને વાત કરતો હતો. પછી અત્યારે કંટાળીને તમને વાત ના કરી !’ મારા બાપુજી બોલ્યાં.

‘અરે, તું અત્યારે જ મારી સાથે ચાલ. તારા આ દીકરાને મારા ઘરે આવેલા એક મહેમાનને મેળવવો છે. આજે મારે ત્યાં પૂનાના એક ઉધોગપતી આવેલા છે. એમને આ છોકરાં સાથે મુલાકાત કરાવાની મારી ઇચ્છા છે. એક ગરીબ માણસનો છોકરો બારમાં ધોરણમાં આટલું સરસ રીઝલ્ટ લાવે અને મેરીટ પર મેડીકલમાં એડમિશન મેળવે એ જાણીને એમને ખૂબ આનંદ થશે. આમેય તારે આના માટે કંઇક મદદની જરૂર તો પડશે જ ને?’ આટલું બોલીને મારા સર્ટિફિકેટની કોપીમાંથી માથું ઊંચું કરી હિંમતભાઇએ મારા બાપુજી સામે જોયું. ચાર આંખ મળતાં જ એ સમજી ગયાં કે ‘જરૂર પડશે’ નહીં, જરૂર પડી જ ગઇ છે. આગળ કંઇ પણ કોઇ ન બોલ્યું. અમે ઉતાવળે હિંમતભાઇ ના ઘરે ગયાં. એમને ત્યાં મહેમાન તરીકે આવેલા પૂનાવાળા પેલા શેઠ ફળીયામાં હિંચકા પર બેઠાં હતાં. અમે એમને નમસ્તે કર્યુ, પછી બાપ દીકરો ત્યાં બાંકડા પર બેઠા. હિંમતભાઇએ મહેમાનને બધી વાત કરી. પેલા શેઠે મારા બધા સર્ટિફિકેટસ તેમજ એડમિશનના કાગળ જોયાં. એમના ચહેરા પરથી જ એ ખૂબ ખુશ થયા હોય તેવું લાગ્યું. એમણે મને પોતાની પાસે બોલાવ્યો. પછી મારી પીઠ થાબડી. ખિસ્સામાં હાથ નાંખીને એમણે 300 રૂપિયા કાઢ્યાં. મારા હાથમાં મૂક્યાં. હું ને મારા બાપુ સ્તબ્ધ થઇ ગયાં. જે રકમને માટે અમે બબ્બે દિવસથી ઝાંવા નાંખતા હતાં. તેને ઇશ્વર આમ એક શેઠના રૂપમાં અમારાં હાથમાં મૂકી રહ્યો હતો. મારી મૂંઝવણ પારખી ગયાં હોય તેમ એ શેઠ બોલ્યાં, “જો દિકરા ! આ પૈસા હું તને મારી ખુશીના આપુ છું. એ તારે ક્યારેય પાછા નથી આપવાનાં. પણ તું મોટો થા, ભણીને ડોક્ટર બની જા, પછી આવા કોઇ ગરીબ વિધાર્થીને મદદ જરૂર કરજે. અને હવે પછી દર છ મહીને તારે મને કાગળ લખવાનો. તારું બોનાફાઇડ સર્ટિફિકેટ મોકલવાનું અને હું તને નિયમિત પૈસા મોકલીશ. આ લે મારું કાર્ડ. આમાં મારું સરનામું છે.’ એમણે મને એમનું કાર્ડ આપ્યું.

થોડી વાર વાતો કર્યા પછી અમે ઊઠયાં. ઘરે જવા માટે હવે પગમાં પૂરી તાકાત આવી ગઇ હતી. મેં ભગવાનને કે એવી કોઇ પણ શક્તિને ક્યારેય જોઇ નથી પણ કોઇ ને કોઇ સ્વરૂપમાં એ આવીને મને મદદ કરી જતી હોય એવું એ વખતથી પ્રતીત થઇ રહ્યું છે. અમે બાપદિકરો તો જાણે પગ નીચે કઠણ અને ખરબચડી જમીન નહીં પણ પોચા પોચા રૂ ના વાદળો હોય તેમ ચાલતા હતાં. ઘરે પહોંચ્યા ત્યારે અંધારૂ પૂરેપુરું જામી ચૂક્યું હતું. બધાં અમારી જ વાટ જોતાં હતાં. આજે વાળું તૈયાર હતું પણ કોઇએ એક પણ દાણો ચાખ્યો નહોતો. અમે લોકોએ બધી વાત કરી ત્યારે આખા ઘરમાં ખૂશીની લહેર દોડી ગઇ. જાણે આજે જ એડમિશન મળી ગયાનો સાચો આનંદ બધાએ માણ્યો હોય તેમ લાગ્યું. હાસ્યને જાણે કોઇએ જાદુઇ ડાબલીમાંથી બહાર કાઢીને વેરી દીધું હોય તેમ ઘરનો ખૂણેખૂણો તાણમૂકત થઇ હાસ્યભેર બની ગયો હતો. બધાએ સાથે બેસીને વાળું કર્યું. બાપૂજીએ બધી માંડીને વાત કરી. એક પ્રકારની શાંતિ છવાઇ ગઇ. થોડીક વાર સુધી કોઇ કંઇ પણ બોલી શક્યું નહી. પછી દાદીમાં બોલ્યાં, ‘હું નહોતી કહેતી? ખુદા સૌ સારાં વાનાં જ કરશે. કર્યા ને?’…….

(હું એમ.બી.બી.એસ. થઇ ગયો ત્યાં સુધી પૂનાવાળા એ માનનીય શેઠશ્રી તરફથી મને નિયમિત મદદ મળેલી.)