જન્મદિનની ભેટ – હરિભાઉ મહાજન

[‘સ્ત્રીજીવન’ સામાયિક (અમદાવાદ)માંથી સાભાર.]

શ્યામા એના નામ પ્રમાણે થોડી શ્યામ તો ખરી જ. શરીરે સાવ સુકલકડી નહી, અને ભરાવદાર પણ નહી ચેહરો બહુ આકર્ષક નહિ પણ સરેરાશ યુવતી જેવો. વાળ લાંબા, નિતંબ સુધી પહોંચતા. અને દંતાવલી પણ સુંદર, ટુથપેસ્ટની જાહેરાત માટે ચાલે એવી ! પણ એમાં તો ચેહરોય સોહામણો જોઇએ ને? અલબત્ત, એ જ્યારે હસે ત્યારે એનું હાસ્ય મોહક આનંદી. એનામાં સ્ફુર્તિ પણ ઘણી. દરેક કામ ઝડપથી અને કુશળતાથી પતાવે. એકંદરે જોઇએ તો શ્યામા કોઇ પણ ઘરની અકસ્યામત બને એવી. પણ છતાંયે એનાં લગ્નનું ઠેકાણું પડતું નહોતું. એનાં માબાપ ની એ જ મોટી ચિંતા હતી. શ્યામા છવ્વીસની થઇ ગઇ હતી. છોકરા-છોકરીની પસંદગીને લગતા પાંચેક ઈન્ટરવ્યૂ થઇ ગયા હતા. પણ શ્યામાનું સ્વપ્ન સાકાર થયું નહોતું. સુખી ઘરના કે કંઇક વિશેષ યોગ્યતા ધરાવતા છોકરાઓને મન ગુણ કરતાં રૂપનું મહત્વ વધારે હતું. પોતે રૂપાળા ન હોય તો પણ !

શ્યામાનો મોટો ભાઇ ઉજ્જવલ એના નામ પ્રમાણે ઉજળો હતો. એના વિવાહ થયા હતા. ઘરનાં વડીલોની ઇચ્છા તો બન્નેનાં લગ્ન એક સાથે જ ઉકેલી નાખવાની હતી. મહિના પહેલાં જ પાછી એક જગ્યાએ શ્યામાનાં સંબંધ અંગેની વાત ચાલી હતી. પંદરેક દિવસ પહેલાં છોકરો અને એના માબાપ આવીને શ્યામાને જોઇ ગયાં હતાં. એમનાં વ્યવહાર, વર્તન અને હાવભાવ પરથી એમ લાગતું હતું કે છોકરાને શ્યામા પસંદ પડી છે. જો કે, એમણે તાત્કાલીક કશું જણાવ્યું નહી. થોડા દિવસમાં જાણ કરીશું, એમ કહેલું. એટલે ‘હા’ આવશે, એ આશામાં વાટ જોવાતી હતી. પણ પંદર દિવસ થવા છતાં છોકરાવાળાનો કંઇ પ્રતિભાવ જાણવા મળ્યો નહિ, તેથી ઉચાટ થવા લાગ્યો હતો.

‘કંઇ જવાબ આપ્યો કે?’ બાજુવાળાં લીલાબેને શ્યામાની મમ્મી સુભદ્રાબેનને, તે દિવસે મંદિરે જતાં રસ્તામાં સહજરીતે પૂછ્યું.
‘ના, ના. કદાચ એમને નહી પસંદ પડી હોય.’ નિરાશાના સ્વરમાં સુભદ્રાબેન બોલ્યા.
‘પણ એમને કહ્યું હતું કે પછી જણાવીશું. તો એ પ્રમાણે એમણે જે તે જાણ તો કરવી જ જોઇએ ને? આપણને પણ આગળની સૂઝ પડે ને ?’
‘એ તો ખરુંસ્તો. પણ એ તો છોકરાવાળા ને ! એમને બીજાંની શી પડી હોય ? કાં તો બીજી છોકરીઓ પણ જોવા માંડી હશે !’
‘હશે ત્યારે, યોગ આવશે ત્યારે એની મેળે ગોઠવાઇ જશે. તમે જીવ ના બાળશો’ લીલાબેન લાગણીભર્યા સ્વરે બોલ્યાં, સુભદ્રાબેનને પણ જાણે આવા આશ્વાસનની જરૂર જણાવા લાગી હતી !

બપોર પછી ફરી લીલાબેન “સુભદ્રા, સુભદ્રા”ની હાક મારતાં આવી ચઢ્યાં. ‘લ્યો, આ સૂતરફેણી લાવી છું. કાલે ગૌરાંગ ખંભાત જઇ આવ્યો, ત્યાંથી લેતો આવ્યો.’ સુભદ્રાબેનના હાથમાં પેકેટ મુકતાં લીલાબેને કહ્યું. ‘અરે, તમે તો ખરાં છો ! કોઇકને કંઇક આપતા જ રહો છો, અમારાથી તો એવું કંઇ…’ સુભદ્રાના મુખ પર ઓશિયાળાપણાનો ભાવ આવી ગયો.
‘જો પાછું ! મેં પણ કહ્યુ છે કે એવો હિસાબ નહિ માંડવાનો ? ને તમારે ત્યાંથી પણ શ્યામા ક્યારેક ખમણતો ક્યારેક પાતરાં આપી જ જાય છે ને? ને પાછી કહેતી હોય છે, માશી, મેં બનાવ્યા છે. ચાખી જુઓ તો કેવાં બન્યાં છે ? તે દિવસે પણ મોટો વાડકો ભરીને પાતરાં આપી ગઇ હતી’
‘અલી, ભાવશે તો પછી વધારે આપવા પડશે. આટલાથી નહિ થાય. આટલા તો ગૌરાંગ એકલો જ ઝાપટી જશે.’ મેં તો એમ ગમ્મતમાં જ કહેલું. પણ શ્યામા તો પાછી થોડી વારમાં જ બીજો વાડકો ભરીને લઇ આવી. ને થયું પણ એમ જ, ‘બહુ સરસ છે, ખૂબ જ ટેસ્ટ્ફૂલ છે,’ એમ બોલતાં બોલતાં એક વાડકો પાતરાં તો એ એકલો જ સફાચટ કરી ગયો ! હસતાં હસતાં ભોળાભાવે લીલાબેન બોલ્યાં, ‘છોકરી કેટલી હોંશિયાર છે ! પણ દેખાવે મારા જેવી ને !’ લીલાબેન પોતે જ પોતાના વ્યંગનું પાત્ર બનીને મોટેથી હસી પડ્યાં. ’પણ તમે તો નસીબદાર ને ? કેવું મોટું ઘર મળ્યું ! કોઇ વાત ઉણપ નહી. આલીશાન બંગલો. બબ્બે મોટરગાડીઓ ને બીજોય કેટલો બધો ઠાઠમાઠ ! દેખાવ ક્યાં આડો આવ્યો?’
‘અરે, સુભદ્રાબેન, એ તો બધું હમણાં થોડાં વર્ષોમાં જ થયું. હું પરણી ત્યારે સામાન્ય ઘરની છોકરી જ હતી. અને સાસરીનું ઘર પણ એમ જ હતું. પણ ગૌરાંગના પિતા હોંશિયાર બહુ. લગ્ન પછી પણ એમને ભણવાનું ચાલુ જ રાખ્યું, ને એલ.એલ.બી થઇ ગયાં.પછી એમણે કારકૂનની નોકરી છોડી દીધી, ને વકીલાત કરવા માંડી. સાથે અભ્યાસ ચાલુ રાખીને એલ.એલ.એમ પણ કરી નાંખ્યું. નસીબ સારું તે વકીલાત સારી ચાલી. એમાં આ બધું થયું. જો જો ને શ્યામા ને પણ એવો જ વર મળશે. કોક ગુણ પારખું જરૂર આવી મળશે.’ લીલાબેને પોતાનો વૃતાંત જણાવીને સાથે શુભેચ્છા પણ વ્યકત કરી.

બે વર્ષથી જ લીલાબેન સુભદ્રાના પડોશમાં રહેવા આવ્યાં હતાં. મધ્યમવર્ગીય સોસાયટી એમને ગમી ગઇ હતી. બસો બસો વારના બે પ્લોટ જોડાજોડ ખાલી પડ્યા હતાં, તે રાખી લઇને લીલાબેનના વર ભાર્ગવભાઇએ પોતાના મોભાને શોભે એવો વિશાળ કંપાઉંડવાલો બંગલો બંધાવ્યો હતો. એ લોકો સ્વભાવે સારા હતાં. સંપત્તિનું જરાયે અભિમાન નહી. સોસાયટીના મધ્યમવર્ગીયોમાં પણ મોકળાશથી હળીમળી જતાં. તેમાંય સુભદ્રાબેન તો પડોશમાં જ હતાં. તેથી તેમના ઘર સાથે વધારે ઘરોબો બંધાઇ ગયેલો. લીલાબેન ખાસ મળતાવડાં, નિરાભિમાની, ને માણસ પારખું. સુભદ્રામાં જાણે એમને સારી સહેલી જડી ગઇ. એમ એ બે ઘર વચ્ચે મોભાના ભેદભાવ વગરનો સારો નિખાલસ અને આત્મિયતાભર્યો સંબંધ વિકસતો જતો હતો. એ સંબંધને અનુરૂપ એવો ઊઠવા-બેસવાનો, ને વાડકી વહેવારનો સંબંધ ચાલતો. પ્રસંગે એકબીજાને ખપમાં લાગતાં. લીલાબેનને શ્યામા માટે તો ખાસ લાગણી. કદાચ મનોવૈજ્ઞાનિક કારણ હશે ! શ્યામા દેખાવે એમના જેવી જ હતી ને !

‘તમારા ગૌરાંગની પછી પેલી છોકરી સાથે કંઇ વાત આગળ વધી કે?’ સુભદ્રાએ વાતવાતમાં પૂછી લીધું. થોડા દિવસ પર છોકરીને લઇને એના માતાપિતા લીલાબેનને ત્યાં ઔપચારિક મુલાકાતના બહાને આવ્યાં હતાં. શક્ય હોય તો છોકરીનું ગૌરાંગ સાથે ગોઠવવાનો ઇરાદો ખરો. છોકરી સ્માર્ટ હતી. એક્દમ રૂપાળી અને સ્ટાઇલીશ. જીન્સ ને ટોપમાં હિરોઇન જેવી દેખાતી હતી. ને પાછુ એ લોકો નું ઘર પણ મોટા સ્ટેટસવાળુ હતું. વળી એ લીલાબેનના પતિ ભાર્ગવના પરિચિત હતાં એટલે આમ તો ઔપચારિક મુલાકાતમાં પણ ગૌરાંગ સાથે એમની પુત્રી ધારાનો મેળ બેસતો હોય તો એ બાબતનો દાણો ચાંપી જોવાની પણ એમના મનમાં ખાસ ઇચ્છા હતી. ભાર્ગવ અને લીલાબેનને પણ એનો ખ્યાલ હતો જ. એમને તો કંઇ વાંધો નહોતો. ગૌરાંગને ધારા પસંદ હોય તો બીજી બધી રીતે તો સંબંધ સુમેળવાળો જ બનવાનો હતો. પણ બન્ને પક્ષની ધારણા પ્રમાણે બન્યું નહી. શું થયું, તે લીલાબેને, જાણે ગમ્મતની વાત કહેતાં હોય એમ કહેવા માંડ્યું : ‘ના…રે… અમારો ગૌરાંગ તો..શું કહું ? એવો વિચિત્ર છે ને કે સી.એ થયો, પણ આવી બાબતમાં તો અક્કલ ઓછી જ. સાવ છોકરવાદ. અલી, બીજું બધું છોડીને છોકરીને પૂછવા લાગ્યો કે તમને પાતરાં બનાવતા આવડે છે? ખમણ બનાવતાં આવડે છે ? અમે બધાં તો સડક જ થઇ ગયાં. આવી ભણેલીગણેલી ડબલ ગ્રેજ્યુએટ ને મોટા ઘરની છોકરીને આવા પ્રર્શ્નો પૂછાતાં હશે ? એ લોકો ગયા પછી મને કહે છે કે આવી છોકરી ના ચાલે. જેને સારી રસોઇ કરતાં ના આવડતી હોય, ઘરકામમાં જરાયે રસ ના હોય, એવી પત્ની શું કામની ? એવું કંઇ કરવું પડે એમ ન હોય તો પણ આવડવુ તો જોઇએ જ. મારે રૂપાળી ઢીંગલી જોડે નથી પરણવું. બોલો, હવે એને તો શું કહેવું ! લાખોપતિની છોકરી કંઇ રસોડું સંભાળવાની હતી ?’ મોં મચકોડતાં લીલાબેન બોલ્યાં.

‘અરે તારીની ! ખરી તક ગુમાવી. બધું મેળમાં હતું. ને છોકરીયે કેવી રૂપાળી હતી ! મને તો શ્યામાએ જ દૂરથી દેખાડીને કહ્યું હતું કે છોકરો જોવા આવ્યા હોય એમ લાગે છે, એટલે મેં પણ ધારીને જોયેલું. બન્ને એક્બીજાને પૂરેપૂરાં મેચ થાય એવાં હતા. પણ આ તો લીલાબેન, એવું છે ને કે પેલું કહેવતમાં કીધું છે ને કે “મૂંડે મૂંડે મતિભિન્ના”, એના જેવું !’ હસી પડતા સુભદ્રાબેન બોલ્યાં, ‘નહિ તો તમારે ત્યાં ધનદોલતની ક્યાં કમી છે ? ગૌરાંગને વળી આવું ક્યાંથી સુઝ્યું ? ને એવી જરૂર જ ક્યાં છે ? લક્ષ્મીબેનને રસોઇ માટે રાખ્યાં જ છે ને?’
‘સુભદ્રાબેન, શું કહું ? ભાર્ગંવને પણ મારા હાથની રસોઇનો આગ્રહ હતો. પણ શું થાય? પૈસાનું સુખ આવ્યું ને તંદુરસ્તીનુ સુખ ગયું. હવે મારાથી પહેલાં જેવું નથી થતું. ને સગાંસંબંધીઓ, ઓળખીતાઓ, વગેરેની અવરજવર પણ ઘણી વધી ગઇ છે. એમનો વ્યવસાય જ એવો કે લોકો આવ્યાં જ કરે. એટલે ના છૂટકે ઘરકામ અને રસોઇ માટે માણસો રાખવા પડ્યાં. હશે ત્યારે ગૌરાંગનું પણ જ્યારે યોગ આપશે ત્યારે એની મેળે જ થશે. આમાં આપણી ઉતાવળ કંઇ ચાલે નહી. એનેય વાનગી બનાવવાનો શોખ ખરો હોં. નવરો હોય ત્યારે મંડી પડે. એટલે એની ઇચ્છા હશે કે કોઇ ઓલરાઉંડર મળે’ બોલી લીલબેન હસી પડ્યાં. સુભદ્રાએ પણ રમૂજ માણી.

ત્રણચાર દિવસ પછી સુભદ્રાબેને મેથીનાં મુઠિયાં બનાવ્યાં હતાં. લીલાબેનને ચખાડ્યા વગર તો એમને ચાલે જ નહિ ને ! મોટી ડિશ ભરીને ગરમાગરમ મુઠિયાં લઇ એ લીલાબેનને ત્યાં પહોંચ્યાં.
‘અહાહા! શું સરસ સોડમ આવે છે” એમની પાછળથી અણધાર્યા જ આવેલાં અવાજથી એ ચમક્યાં. ‘લાવો, તો શું લાવ્યા છો માશી?’ દબાતા પગલે પાસે આવીને ડિશ ઝડપી લેવા હાથ લંબાવતાં ગૌરાંગ બોલ્યો. ગૌરાંગ બહારથી જ આવી ચડ્યો હતો. બંગલાનાં પગથિયાં ચડતાં ચડતાં જ ગૌરાંગે સુભદ્રાબેનના હાથમાંથી ડીશ લઇ જ લીધી, ને ચાલતાં ચાલતાં જ મુઠિયાનો સ્વાદ માણવા માંડયો.

સામેથી લીલાબેન બહાર આવ્યાં. ‘અલ્યાં, આ શું માંડ્યુ છે તે? કંઇ મેનર્સ…’ પણ એ પૂરું બોલી રહે એ પહેલાં જ ગૌરાંગે એક મુઠિયું એમના મોંમાં ખોસી દીધું ! ‘લે મમ્મી, તને તારી લાંચ આપી દીધી, હવે તારુ મોંઢુ બંધ!” ગૌરાંગ ટીખળ કરતાં બોલ્યો.

સુભદ્રાબેન ખડખડાટ કરતા હસી પડ્યાં. ‘ચાલો હું જાઉ ત્યારે.’ સુભદ્રાબેન ત્યાંથી જ પાછા વળવા લાગ્યાં. ‘અરે થોભો થોભો. શું ઊતાવળ છે? આવ્યાં છો તો બેસો ને જરાં. ને હા, બીજી એક વાત છે. આવતી કાલે ગૌરાંગનો જન્મદીવસ છે. તમારે બધાંએ અમારે ત્યાં જ જમવા આવવાનું છે. બીજા કોઇને બોલાવ્યાં નથી. સાદાઇથી જ ઉજવણી કરવાની છે.’ લીલાબેને સુભદ્રાનો હાથ પકડી લઇને સ્નેહભર્યું આમંત્રણ આપ્યું. ‘હું તમને કહેવા માટે આવવાની જ હતી. પણ હવે તમે આવ્યાં છો તો અહીં જ કહી દંઉ છું. ચાલશે ને?’ ‘એનો તો કંઇ વાંધો નથી પણ..’
‘ને શ્યામાને કહેજો જન્મદિનની ભેટ તરીકે થોડાં પાતરાં બનાવી લાવે. કિલો બસ થઇ રહેશે. ઘણા દિવસથી ખાધા નથી.’ વચમાં જ ટપકી પડતાં ગૌરાંગે ગમ્મત કરી.
‘પણ શ્યામાનોય કાલે જન્મદિન છે. હું તો કહુ છું કે તમે જ બધાં અમારે ત્યાં આવો. બીજી વસ્તુઓ સાથે પાતરાં પણ બનાવીશું. ગૌરાંગની ડીશમાં એકલાં પાતરાં જ!’ સુભદ્રાબેનના વળતાં ટીખળ પર ત્રણેય જણ ખડખડાટ હસી પડ્યાં.
‘ના…ના. તમારે ત્યાં આવતા વર્ષે. આ વખતે અમારે ત્યાં જ રાખીએ. ગૌરાંગ અને શ્યામા બન્નેની વર્ષગાંઠ સાથે જ ઉજવીશું. મઝા આવશે.” લીલાબેને આગ્રહ ચાલુ રાખ્યો.

બીજે દિવસે લીલાબેનને ત્યાં ડાઇનીંગ ટેબલ પરની સજાવટ ચાલતી હતી ત્યારે એલ.એલ.બી. થયેલી શ્યામા હાંડવાનું તપેલું લઇને આવી. ‘કરારભંગ થયો છે. આ તો ગેરકાયદેસર કહેવાય. પાતરાંની વાત હતી.’ ગૌરાંગે એની રમુજવૃત્તિ દાખવતાં કહ્યું.
ભાર્ગવ કંઇક રૂલીંગ આપવા જતા હતા ત્યાં જ શ્યામા બોલી, ‘કોઇ કરાર નહોતો. એ તમારું એકપક્ષી સૂચન હતું. ને આ હાંડવો આપશો એટલે પાતરાંને ભૂલી જશો. આપણી ઈન્ડિયન કેક ! આજના પ્રસંગે સુસંગત. પાતરાંની સીઝન તો પૂરી થઇ.’ હસતાં હસતાં શ્યામાએ પણ મજાક કરી.
‘ને લે, આ તારા માટે અમારા તરફથી શુભેચ્છાસહ ભેટ.’ શ્યામાએ એક પેકેટ ગૌરાંગના હાથમાં મૂકતાં કહ્યું, ‘સામાન્ય વસ્તુ છે. તમને કદાચ ન ગમે…’ શ્યામા ગૌરાંગને ક્યારેક “તું”માં સંબોધતી તો ક્યારેક “તમે” માં.

‘વાઉ!’ ગૌરાંગને શ્યામા શું બોલે છે, એ સાંભળવા કરતાં પેકેટ ખોલીને જોવાની ઉત્સુકતા વધારે હતી. એટલે એણે પેકેટ હાથમાં આવતાં જ તરત ખોલ્યું ને પોતાની ખુશાલી ઉમળકાભેર વ્યકત કરી. પેકેટમાં શ્યામાએ કલાત્મક ભરતકામ કરેલા બે સુંદર હાથરૂમાલ અને હાથે પહેરવાની ચાંદીની લકી હતાં. ‘વસ્તુઓની સરસ પસંદગી કરી છે.’ ભેટની વસ્તુઓ જોઇને ભાર્ગવભાઇ બોલ્યા, ‘પણ અલ્યા ગૌરાંગ, નાક લૂછવા માટે આ રૂમાલ ના વાપરતો.’ બધાં ખડખડાટ હસી પડ્યાં. ભોજનવિધિ આનંદ-ઉલ્લાસમાં પડ્યો. શ્યામાએ બનાવેલ હાંડવો જ જાણે મુખ્ય આઇટમ હોય એમ ગૌરાંગ અને એનાં મમ્મી-પપ્પાએ વખાણતાં વખાણતાં ખાસ રુચિપુર્વક ખાધો.
‘શ્યામા પરણીને જતી રહેશે પછી અમને આવી સ્વાદિષ્ટ વાનગીઓ ચાખવા નહી મળે.’ ગૌરાંગ બોલ્યો, ‘એટલે માશી, એનું લગ્ન મોડું જ કરોને. ત્યાં સુધીમાં હુંયે કોઇ આવાં ટેસ્ટફૂલ હાંડવા, ઢોકળાં બનાવનારી છોકરી શોધી કાઢું.’ ગૌરાંગના ટીખળ ભાર્ગવભાઇનું અટ્ટહાસ્ય અને બાકીના બધાનાં પણ ખડખડાટ હાસ્યથી હોલ ગાજી ઊઠ્યો.
‘નફફટ છે સાવ. જે મનમાં આવે છે તે બોલી નાંખે છે. તને વાનગીઓ ચખાડવા માટે શ્યામા કુંવારી બેસી રહે?’ લીલબેન મીઠા ઠપકાના સ્વરમાં બોલ્યાં.

ભોજન પત્યાં પછી સુભદ્રાબેનને ત્યાંનાં બધા ઘેરે જવા નીકળ્યાં ત્યારે ગૌરાંગે એક પેકેટ શ્યામાના હાથમાં મૂક્યું. ‘અહીં ખોલવાનું નથી. ઘરે જઇને ખોલજે.’ પેકેટ આપતાં ગૌરાંગે તાકીદ કરી. ‘આ કાયદેસરનો કરાર છે. બોલ મંજુર છે? કરારભંગ થશે તો અમારે ત્યાં કેસ લડવા માટે મોટા વકીલ છે જ. શીખાઉ વકીલનું કંઇ નહી ચાલે.’ ફરી હાસ્યનું મોજું. શ્યામાએ ભાર્ગવનું નામ પડવાથી શરમાતાં મૂક સંમતિ આપી. ઘરે જઇને પેકેટ ખોલીને જોવાની શ્યામાને એટલે અધીરાઇ થઇ કે ઉતાવળમાં ઝાંપો ખોલતી વેળાએ એનો દુપટ્ટો ત્યાં ફસાઇ ગયો ! એણે ચીડ સાથે જોર કરીને ખેંચ્યો તો થોડો ચીરાઇ પણ ગયો. પણ શ્યામાને પરવા નહોતી! પેકેટ ખોલીને જોતાં જ શ્યામા તો સ્તબ્ધ જ થઇ ગઇ. એના હાવભાવ જોઇને સુભદ્રાબેન પાસે આવ્યાં. ભેટ સાથે એક પત્ર હતો. શ્યામા તે વાંચી રહી હતી. મૂંઝવણ અને હર્ષનો મિશ્ર ભાવો એના ચહેરા પર ઉપસી આવ્યા હતાં.
‘શું છે શ્યામા, કાગળમાં?’ કશું બોલ્યા વગર શ્યામાએ ખોલેલું પેકેટ અને પત્ર સુભદ્રાબેનના હાથમાં મૂકી દીધાં, ને અંદરના રૂમમાં દોડી ગઇ ! સુભદ્રાબેન પણ પ્રેઝન્ટની વસ્તુ જોઇને અને સાથેનો શુભેચ્છાનો પત્ર વાંચીને આશ્ચર્યથી હતપ્રભ થઇ ગયાં. એમણે તરત એ પેકેટ હાથમાં રાખીને બન્ને ઘરો વચ્ચેની કંપાઉંડ વોલ પરથી લીલાબેનને હાક મારી.
‘લીલાબેન, તમને કદાચ ખબર નહી હોય, ગૌરાંગે શ્યામાને આપેલી આ પ્રેઝન્ટ વિશે…કદાચ એણે તમને જણાવ્યું નહી….’ સુભદ્રાબેન બોલતાં બોલતાં ખચકાતાં હતાં.
‘બધી ખબર છે. અમે રાત્રે જ એ બાબતની ચર્ચા કરી હતી. એના પિતા ભાર્ગવની જેમ ગૌરાંગ પણ ગુણનો પૂજારી છે. અમારી પણ સંમતિ છે. હવે તમારા તરફના પ્રતિભાવ પર બધો આધાર છે.’ સહૃદયી સ્મિત વેરતાં લીલાબેન બોલ્યાં.

સુભદ્રાબેનની આંખો હર્ષાશ્રુથી છલકાવા લાગી. એ પોતે અને શ્યામા કલ્પી જ ન શકે, એવી એ ભેટ હતી. શ્યામા – ગૌરાંગના સંબંધને સૂચવતી હીરાજડીત સોનાની વીંટી અને શ્યામા તથા એના વડીલોને સૂચિત સંબંધ સ્વીકારવા માટેની વિનંતી કરતો પત્ર, શ્યામાને જન્મદીનની ભેટ રૂપે !

Print This Article Print This Article ·  Save this article As PDF

  « Previous ઉપરવાળો સૌ સારાં વાનાં કરશે ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા
માનવ પરિવાર – લતા હિરાણી Next »   

40 પ્રતિભાવો : જન્મદિનની ભેટ – હરિભાઉ મહાજન

 1. manvant@aol.com says:

  સુઁદર હકારાત્મક અઁત.લેખકને અભિનઁદન !

 2. JITENDRA TANNA says:

  સરસ.

 3. Mahendi says:

  really nice I like it very nice end congrates to author & Read gujarati

 4. Nirali says:

  સરસ.

 5. Hiral Thaker 'Vasantiful' says:

  Very nice story…..!

 6. Shetal says:

  બહુ મજા આવિ……આભાર્

 7. Tarang Hathi says:

  Khubj Sundar,

  Gaurang ni abhigam mane gamyo. aaje sahu umedvaro gaurang jevo abugam kelve to kaik shyama jevi gun vaan kanya nu jivtar sudhri jay.

  Khub j anand thayo.

  aabhar

 8. Dhaval B. Shah says:

  બહુ સરસ.

 9. Ramesh Shah says:

  કોઈ સરસ હિંદી પિક્ચર નો ફેમીલી સીન જોતા હોઈએ એવી સરસ વાર્તા.અંતમા રેડીયો ઉપર ગીત ‘બચપન કે દિન ભૂલા ન દેનાઆજ હશેં કલ રુલાના દેના’વધારે ફીટ બેસે.

 10. મજાની વાર્તા…

 11. pragnaju says:

  સામાન્ય શરુઆત,વચમાં ચીલાચાલુ વાતો પણ અંત
  આશ્ચર્યજનક પ્રસન્ન કરે તેવો…”ગૌરાંગે એક પેકેટ શ્યામાના હાથમાં મૂક્યું. ‘અહીં ખોલવાનું નથી. ઘરે જઇને ખોલજે.’ પેકેટ આપતાં ગૌરાંગે તાકીદ કરી. ‘આ કાયદેસરનો કરાર છે. બોલ મંજુર છે? કરારભંગ થશે તો અમારે ત્યાં કેસ લડવા માટે મોટા વકીલ છે જ. શીખાઉ વકીલનું કંઇ નહી ચાલે.’ ફરી હાસ્યનું મોજું. શ્યામાએ ભાર્ગવનું નામ પડવાથી શરમાતાં મૂક સંમતિ આપી. ઘરે જઇને પેકેટ ખોલીને જોવાની શ્યામાને એટલે અધીરાઇ થઇ કે ઉતાવળમાં ઝાંપો ખોલતી વેળાએ એનો દુપટ્ટો ત્યાં ફસાઇ ગયો ! એણે ચીડ સાથે જોર કરીને ખેંચ્યો તો થોડો ચીરાઇ પણ ગયો. પણ શ્યામાને પરવા નહોતી! પેકેટ ખોલીને જોતાં જ શ્યામા તો સ્તબ્ધ જ થઇ ગઇ. એના હાવભાવ જોઇને સુભદ્રાબેન પાસે આવ્યાં. ભેટ સાથે એક પત્ર હતો. શ્યામા તે વાંચી રહી હતી. મૂંઝવણ અને હર્ષનો મિશ્ર ભાવો એના ચહેરા પર ઉપસી આવ્યા હતાં.
  ‘શું છે શ્યામા, કાગળમાં?’ કશું બોલ્યા વગર શ્યામાએ ખોલેલું પેકેટ અને પત્ર સુભદ્રાબેનના હાથમાં મૂકી દીધાં, ને અંદરના રૂમમાં દોડી ગઇ ! સુભદ્રાબેન પણ પ્રેઝન્ટની વસ્તુ જોઇને અને સાથેનો શુભેચ્છાનો પત્ર વાંચીને આશ્ચર્યથી હતપ્રભ થઇ ગયાં. એમણે તરત એ પેકેટ હાથમાં રાખીને બન્ને ઘરો વચ્ચેની કંપાઉંડ વોલ પરથી લીલાબેનને હાક મારી.
  ‘લીલાબેન, તમને કદાચ ખબર નહી હોય, ગૌરાંગે શ્યામાને આપેલી આ પ્રેઝન્ટ વિશે…કદાચ એણે તમને જણાવ્યું નહી….’ સુભદ્રાબેન બોલતાં બોલતાં ખચકાતાં હતાં.
  ‘બધી ખબર છે. અમે રાત્રે જ એ બાબતની ચર્ચા કરી હતી. એના પિતા ભાર્ગવની જેમ ગૌરાંગ પણ ગુણનો પૂજારી છે. અમારી પણ સંમતિ છે. હવે તમારા તરફના પ્રતિભાવ પર બધો આધાર છે.’ સહૃદયી સ્મિત વેરતાં લીલાબેન બોલ્યાં.

  સુભદ્રાબેનની આંખો હર્ષાશ્રુથી છલકાવા લાગી. એ પોતે અને શ્યામા કલ્પી જ ન શકે, એવી એ ભેટ હતી. શ્યામા – ગૌરાંગના સંબંધને સૂચવતી હીરાજડીત સોનાની વીંટી અને શ્યામા તથા એના વડીલોને સૂચિત સંબંધ સ્વીકારવા માટેની વિનંતી કરતો પત્ર, શ્યામાને જન્મદીનની ભેટ રૂપે ! ”

  જન્મદિનની ભેટ બદલ હરિભાઉ મહાજનને સરસ સોડમવાળા સ્વાદિષ્ટ થેન્ક્યુ.

 12. Bharat Dalal says:

  Gaurang is a real diamond mearchant who knows what a real diamond Shyama is.

 13. Ankita says:

  Very nice & “Halki-Fulki” story!!

  Thank you HariBhau.

 14. dharmesh Trivedi says:

  સરસ

 15. Dhirubhai Chauhan says:

  મજાની વાર્તા…

 16. Jignesh Mistry says:

  Too good! Awesome!!!

 17. Vipul S. Dedhia says:

  હરિભાઉ મહાજનને બહુ અભિનઁદન !
  સરસ

 18. Keyur Patel says:

  એકદમ ચીલાચાલુ વાર્તા. કાંઇક નવીન તો આપો …..!!!

 19. chetana d mehta says:

  ખૂબ લાગણી સાભાર વાર્તા વાચવા ની ખૂબ મજા આવી

 20. maurvi vasavada says:

  just like Suraj Barjatya’s Story… But nice. Sometime we really search for such light stories.

 21. vishal says:

  મન ખુશ થઇ ગયુ..અતિ સુન્દર સમ્વાદો…

 22. Anitri says:

  Very nice and loving story!!!

 23. MANHAR M.MODY says:

  હરિભાઊ મહાજનની સુંદર વાર્તા તેમના સ્વમુખે ‘શબ્દાંકન’ ની બેઠક માં સાંભળવાનો લહાવો માણ્યા જેવો આનંદ થયો. આભાર!

 24. uma says:

  અરે બહુ જ સરસ્
  wow nice story…..

 25. Mittal shah says:

  Mahajan saheb, atli sundar ne khas to majak masti vadi kruti apva badal aabhar. sache, avu lagyu jane bus aam vanchtaj rahiye ne varta purij na thay. khub maja avi.
  avi krutiyo vedasar apta rehjo mrugeshbhai!!!!

 26. Atul Jani says:

  જાણે કોઈ રાજશ્રી પ્રોડક્ષનની ફીલ્મ જોતા હોઈએ તેવુ આબેહુબ ચિત્રણ થયું છે.

  કથાવસ્તુમાં કોઇ વિશેષતા ન હોવા છતાં રજુઆત ચોટદાર છે.

  ઘણી વખત એવું બને છે કે જેની શોધ આપણે ચારે દિશાઓમાં કરતા હોઈએ તે આપણી પાસે જ હોય.

 27. meera says:

  Its an awsome story.i liked it very much.here before few msgs some one has said tht its a chilachalu story and he want something new.I think that person is a person who runs after external beauty and not recognising the inner beauty of the person.I wish the no. of persons like Gaurang increases so that the cases of suicide happening in todays society due to refusals of marraige proposals because of beauty decreses.I loved the story too much n yeah its true that this story suits the Rajshri Productions Film.
  Thanx 4 such a luving story.

 28. nayan panchal says:

  અંત ભલા તો સબ ભલા!!!

  “Find arms that will hold you at your weakest,
  Eyes that will see you at your ugliest,
  Heart that will love at your worst,
  If you have found it,
  You have found love.”

  આજે પણ પાત્રની પસંદગી વખતે રૂપને જોવામાં આવે જ છે.
  જો કોઈ કન્યા એમ કહે કે તેના માટે રૂપ કરતા ગુણ, વિનોદવૃતિ જેવા ગુણો વધુ મહત્વના છે તો હું તેની સાથે સહમત નથી; એવુ હોત તો ચેતન ભગત સલમાન ખાન કરતા વધુ પોપ્યુલર હોત. અને પુરુષો વિશે તો ચૂપ રહેવામાં જ ભલાઇ છે. હા, એટલુ ખરુ કે સ્ત્રી કરતા પુરુષ કદાચ રૂપને વધારે મહત્વ આપે છે. ઉપર વર્ણવ્યા છે એવા કિસ્સા માત્ર અપવાદરૂપ છે.

  કદાચ, અમુક marriages એટલે જ નિષ્ફળ જાય છે. લગ્ન પહેલા રૂપ પ્રથમ ક્રમે હોય છે. હનીમૂન-ગાળો પૂરો થાય પછી રૂપ નીચે ધકેલાઈ જાય છે અને વ્યક્તિત્વના અન્ય પાસા વધુ મહત્વનો ભાગ ભજવે છે.

  નયન

નોંધ :

એક વર્ષ અગાઉ પ્રકાશિત થયેલા લેખો પર પ્રતિભાવ મૂકી શકાશે નહીં, જેની નોંધ લેવા વિનંતી.

Copy Protected by Chetan's WP-Copyprotect.