- Readgujarati.com - http://archive.readgujarati.in/sahitya -

માનવ પરિવાર – લતા હિરાણી

‘નામનુ શું કામ છે ? ઇશ્વરે તમને જે આપ્યું છે એમાંથી દુખિયારા લોકો માટે કંઇક કરવાની તમને ભાવના છે એટલે આ ઇશ્વરનું કામ સમજીને જ કરો. નામ યશ જોઇએ તો ગુજરાતમાં સેવાભાવી સંસ્થાઓનો ક્યાં તોટો છે ?’ આવી કંઇક યુનિક વિભાવના લઇને ચાલતી અને એને સંપૂર્ણપણે મૂર્ત કરતી ‘સંત બળદેવદાસ ચેરિટેબલ ટ્રસ્ટ’ એ આ પ્રકારની એક્માત્ર સંસ્થા હશે.

આ આખીયે વાતમાંથી બે મુદ્દા ઉપસી આવે છે – એક તો શાસ્ત્રોમાં કહ્યું છે કે ગુપ્ત દાન કરવું. જમણો હાથ આપે અને ડાબાને ખબર પણ ન પડે !! કેમ કે એક વાર સારા કામ માટે નામ યશ મળી ગયા એટલે ચિત્રગુપ્તના ચોપડે હિસાબ બરાબર થઇ ગયો !! પછી કંઇ જમા ન રહે એ વાત પાક્કી. .. જોકે આ વાત સાંભળવામાં બહુ સારી લાગે, બાકી 500 રુ. જેવી રકમ દાનમાં આપી હોય તો યે મારું નામ કેમ ન છપાયું – ની વિરોધનોંધ આપતા લોકો કે દાનના બદલામાં યશ માનના ઢગલા કરી દેતી સંસ્થાઓની વચ્ચે આપણે જીવતા હોઇએ ત્યારે આ સિધ્ધાંત સાથે સેવા પ્રવૃતિઓનું ઘેઘુર વન ઉભું કરી એને વિકસાવવાનું, જાળવવાનું કામ નજરે જોયા વગર અશક્ય જ લાગે.

નામના મોહ વગર કામ કરતા માનવ પરિવારની સીધી માહિતી, કોરા આંકડાઓ નોંધી લો.. દર મહિને બે કેમ્પના થઇને સરેરાશ 18 થી 20 હજાર દર્દીઓને સાવ મફત, અચુક અને નિયમિત રીતે જુદા જુદા રોગો માટે નિષ્ણાત તબીબોની સારવાર મળે, શરદીથી માંડીને ટીબી કે કેન્સર જેવા રોગો માટે મોંઘી દવાઓ – લગભગ 20 થી 22 લાખની દવાઓ અપાય. આ લોકો માટે 400થી 450 કિલો ઘઉંનો લોટ, 800 કિલો ચોખા, 600થી 700 કિલો બટાકાનું શાક અને 150થી 200 કિલો દાળનું એક ટંકનું રસોડું !! 35 થી 37 હજાર માણસો દાળ-ભાત-શાક-રોટલીનું મફત ભરપેટ ભોજન પામે !! અધધધ થઇ જાય ને આ સાંભળીને… આવું વ્યવસ્થિત ભોજન જમીને બહાર નીકળીએ ત્યાં સસ્મિત વદને મુખવાસ આપવા એક ભાઇ બેઠા હોય અને મનનો સ્વાદ બમણો થઇ જાય કે નહીં !!

તમને કોઇ કહે કે અમદાવાદ શહેરના ગાયનેકોલોજીસ્ટ મિ. એક્સ ખેડા જીલ્લાના માતર ગામમાં એક ખેતરમાં ચાલતા સર્વ રોગ સારવાર કેમ્પમાં જવા માટે રવિવારે પરોઢિયે પાંચ વાગે નીકળી જાય છે, છ વાગે ત્યાં પહોંચી દર્દીને તપાસવાનું શરુ કરે છે અને આવા એક નહીં જુદી જુદી તબીબી શાખાઓના નિષ્ણાત ચાલીસથી પચાસ ડૉકટરો વહેલી સવારથી શરુ કરીને બપોરના ધોમધખતા તાપમાં પતરાના શેડ નીચે લગભગ 3 વાગ્યા સુધી આ સેવા આપે છે તો તમને જલ્દીથી માન્યામાં નહીં આવે. એટલે જ કહું છું કે નજરે જોયા વગર આ કામની કલ્પના કરવી મુશ્કેલ છે !!!

દિવસ નક્કી. દર મહિનાનો બીજો અને ચોથો રવિવાર. શનિવારની રાતથી ત્યાં લાઇન શરુ થઇ જાય. મેડીકલ કેમ્પ હોય એટલે રોગીઓ તો ખરાં જ ખરાં, પણ મફત જમવાનું મળતું હોય ત્યાં ગામડાના ગરીબ લોકોને કંઇ નોતરવા પડે ? ગોળ પર માખીઓ ઉમટે એમ જ માનવ ધાડાં ઠલવાય. અને આ સંસ્થાનું ધ્યેય માત્ર સેવા કરવાનું એટલે રોગીને સારવાર અને ભુખ્યાંને ભોજન !! અન્નદાન મહાદાન એ અહીંનો મહામંત્ર !! હા, ભુખ્યા જનો ડૉકટરનો સમય ન બગાડે એની ચીવટ ખરી. એટલે જમવા આવનારની જુદી લાઇન. અચરજ થાય એવી વાત હજી બાકી છે. એક એક ટંકે પંદર-વીસ હજાર લોકોની રસોઇ બનાવવા માટે કોઇ રસોયા નહીં !! સ્વયંસેવકો જ આ કામ સંભાળે. દાળ શાક તો સમજ્યા પણ વીસેક હજાર માણસોની રોટલીઓ કેટલી !! કેટલા માણસો જોઇએ ?? ડૉકટર દર્દીને તપાસતા હોય અને એની પત્ની રોટલી વણવાના કામમાં લાગી હોય એવાં દૃશ્યો ત્યાં સહજ છે.

આટઆટલા કામો માટે નાણાં ક્યાંથી આવે છે ? એક જ વાત કહી શકાય. લોકોના દિલમાં હજી રામ વસે છે. આપણે માનીએ છીએ એટલો કળિયુગ હજી આવ્યો નથી. દાનના ઝરણાં વહ્યાં જ કરે છે. લોકોને દાનના બદલામાં ઇન્કમટેક્ષના નિયમો પ્રમાણે પહોંચ મળે એટલું જ. પાંચસો આપનાર કે પાંચ લાખ આપનાર બંને અહીં સરખા. કોઇના નામની તક્તી નહીં કે કોઇને હારતોરા નહીં !!!

એમ તો છેક 1973થી સંસ્થાનું મેગેઝીન ‘માનવ’ દર મહિને પ્રકાશિત થાય છે પણ એમાં યે ક્યાંય દાતાઓની નામાવલિ જોવા નહીં મળે. નામ નહીં એટલે નહીં જ. દર પંદર દિવસે મેડીકલ કેમ્પનું આટલું જંગી કામ થાય છતાંયે સંસ્થામાં એક પણ પગારદાર માણસ નહીં !! ચોપડામાં કર્મચારીઓના વેતનના નામે મીંડુ !! લખી રાખો, આ બાબતમાં પણ આવી બીજી કોઇ સંસ્થા જોવા ન મળે.

કેમ્પમાં દર્દીઓને સારવાર આપવા માટે સંસ્થા પાસે નેબ્યુલાઇઝરના ચાર સેટ, કાર્ડિયોગ્રામ મશીન, સ્ક્રીનીંગ મશીન, એક્સરે મશીન, સેમી ઓટોએનેલાઇઝર જેવા અદ્યતન સાધનો ઉપરાંત આંખ, કાન, નાક, ગળું અને દાંતની તપાસ માટેના વિશિષ્ટ સાધનો તો ખરાં જ. આંખના રોગોની સારવાર ઉપરાંત નંબર કાઢી આપવામાં આવે અને ચશ્મા પણ ત્યાંથી જ મળે. દર્દીને ઑપરેશનની જરુર હોય તો એની સગવડ ચોક્કસ કરી આપવામાં આવે. આંખ માટે સિવિલ હોસ્પિટલમાં અને બીજી સર્જરી માટે અનેક ખાનગી સર્જનો આમાં સેવાભાવે સહાયરુપ થાય છે.

આ કેમ્પની ખાસ વિશેષતા ચામડીના સફેદ ડાઘ માટેની છે. સફેદ ડાઘ એટલે કે લ્યુકોડરમા (વિટીલિગો) રોગમાં અહીં આશ્ચ્રર્યજનક પરિણામો મળે છે. એટલે કુલ દર્દીઓમાં 60 % જેટલા આના રોગીઓ હોય છે. આ રોગમાં સફળતાની ટકાવારી એટલી ઉંચી છે કે હવે આ રોગની સારવાર માટે છેક મુંબઇ, દિલ્હી, લખનૌ, બનારસ, ઝારખંડ, હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અરે અમેરિકાથી પણ માત્ર આ રોગની સારવાર માટે પેશન્ટ આવ્યાના દાખલા છે.

વ્યવસ્થા માટે લગભગ બધા સ્વયંસેવકો પરિવાર સાથે આવે છે એટલે તો એ માનવ પરિવાર બન્યો છે !! આખાયે કેમ્પની શિસ્ત જોવા જેવી. લાભ લેનાર પ્રજા મોટા ભાગે અભણ, ગ્રામીણ પણ ક્યાંય અવ્યવસ્થાનંઅ નામ જોવા ન મળે. પંદર વીસ હજાર લોકો જ્યાં એકઠા થાય ત્યાં વ્યવસ્થાનું કામ કેટલું મોટું ? પાંચસોથી વધુ સ્વયંસેવકો આ કામ માટે હાજર. આ માટે એમની ખાસ વિચારધારા છે. સેવા આપવા જે વ્યક્તિ આવે છે એ પોતાના સ્વવિકાસ માટે આવે છે. ‘આ સેવા આપવાની મારે જરુરિયાત છે, સમાજને નહીં. હું નહીં કરું તો પણ આ કામ તો થશે જ…’ એટલે સેવકોની નિષ્ઠા અને નિયમિતતાને સલામ કરવી પડે.

હા, આધુનિક સાધનોથી સજ્જ, નિષ્ણાત ડૉકટરોથી ધમધમતી અને જાણીતી ફાર્મસીઓ પાસે પૂરી ચોકસાઇથી દવાઓ બનાવડાવતી આ સંસ્થાનો પાયો આધ્યાત્મિક છે. એટલે જ કહે છે અહીં દવા અને દુઆ બંને કામ કરે છે. આ ભુમિના વાઇબ્રેશન્સ અને લોકોની શ્રધ્ધા બહુ મોટો ભાગ ભજવે છે. જેમના નામે આ સંસ્થા રજીસ્ટર્ડ થયેલી છે એ સંત બળદેવદાસજી આ ખેતરમાં બેસીને ભજન કિર્તન કરતા અને ત્યાં આવતા સત્સંગી ડોકટરને થયું ચાલ, સેમ્પલની દવાઓ લેતો આવું, કોઇને કામ લાગે !! અને આમ 1994માં આ પ્રવૃતિનો જન્મ થયો હતો..

સાવ અનોખી સંસ્થા અને પ્રવૃતિઓની વણઝાર. જગ્યા ઓછી હોય તો યે લખવાનો લોભ જતો કરી શકાય નહીં. મેડીકલ કેમ્પ ઉપરાંત માતરમાં રોજ બપોરે રામરોટી પીરસાય. અમદાવાદમાં ય રોજે રોજ 500 માણસનું ભોજન બને અને સિવિલ હોસ્પિટલના કેન્સર વૉર્ડ સહિત શહેરના જુદા જુદા વિસ્તારોમાં વહેંચાય. દર મહિનાની ચોથી તારીખે ગરીબ કુટુંબોને અનાજ વહેંચાય. લગભગ સોએક જેટલા કુટુંબોને આવી મદદ મળે. ફાગણી પૂનમે ડાકોર જતા પદયાત્રીઓ માટે ચોવીસે કલાક રસોડું ચાલે. દર મહિનાના પહેલા રવિવારે સવારે સાતથી નવ ‘થ્રી સ્ટેપ રીધમિંગ બ્રીધીંગ’ અને ‘રીફાઇનીંગ’ કસરતો મફત શિખવાય. દર મંગળવારે સવારે છ વાગે ધૂન અને સંતોના પ્રવચન તથા દર ગુરુવારે વિશ્વ શાંતિની પરિવાર પ્રાર્થના ખરી. ભુકંપ હોય કે સુનામી, રાહત કાર્યોમાં માનવ મોખરે.

પારકી પીડાને પોતીકી કરનાર જ સુખ સંતોષથી સભર થઇ શકે, માનવ કોણ ? તો કહે જે પીડ પરાઇ જાણે રે.. [for more information, visit : www.manavparivar.org ]